Saturday, 29 December 2012

શું જીવન એક પ્રશ્નપત્ર છે?

કોઈ વખત તમને જવાબની નથી ખબર હોતી.. થોભો. જુઓ. કદાચ તમે ખોટા પ્રશ્નપત્ર તરફ જોઈ રહ્યા છો.
મારા સંપર્કમાં આવતાં ઘણાં લોકો આધ્યાત્મિક રાહને કે મંઝીલને પ્રામાણિકપણે શોધતાં હોય છે. તેઓ મને કહેતાં હોય છે કે તેમની પાસે બધું જ છે છતાં પણ કઈક તેમનાં જીવનમાં ખૂટતું હોય તેવું લાગે છે, તેઓ કહી નથી શકતા કે શું ખૂટે છે, પરંતુ તેઓ પોતાની જાતને કઈક અધુરી માને છે. મને એ લાગણીની ખબર છે. તેઓ ભૌતિક રીતે સુખી છે, શારીરિક રીતે પણ તંદુરસ્ત છે, લાગણીની દ્રષ્ટીએ પણ સરસ છે, માનસિક રીતે મજબુત છે, છતાં પણ આ ખાલીપો શા માટે? અને, તેનાં માટે કશું થઇ શકે ખરું? હું તમને મારો વિચાર કહું એ પહેલાં ચાલો હું તમને એક વાર્તાલાપ કહું જે મારે એક દિવસે એક વ્યક્તિ સાથે થયો હતો:

એક પ્રામાણિક ભક્ત કે જે મારી સાથે ખાસા સમયથી સંપર્કમાં છે, તે એક મોટી શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ અધિકારી છે. થોડા અઠવાડિયા પહેલાં એ મને મળ્યાં હતાં. પોતાની આધ્યાત્મિક સફરનાં ભાગ રૂપે, તેમની પાસે તેમને મુલાકાત લેવાનાં સ્થળોની યાદી હતી. મેં તેમને કહ્યું કે જો તેમ કરવાથી તેમને શાંતિ મળતી હોય તો તેમને ચોક્કસ તેમ કરવું જોઈએ, પરંતુ બહાર ફરવાથી અંદરની તરસ કેમ કરીને છીપાશે? એક સુંદર વાત કહેતાં તેમને મને કહ્યું:

“સ્વામી, હું જયારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે હું મારી ગણિતની પરીક્ષા આપવા બેઠો હતો. મને ખબર હતી કે મારી બિલકુલ તૈયારી નહોતી કારણ કે મેં જરાય વાંચ્યું જ નહોતું. હું પ્રશ્નપત્ર સામે તાકી રહ્યો હતો અને મને બિલકુલ નવાઈ નહોતી લાગતી કે મને એક પણ પ્રશ્નનો જવાબ નહોતો આવડતો, એક પણ નહિ. મને ખબર નહોતી પડતી કે શું કરવું? પરિણામે હું તો ત્યાં બેઠો અને મારા ઉત્તરવાહીમાં ઝાડ, પર્વતો, સુરજ, વાડો, માનવ આકૃતિઓ, ગાયનું ટોળું અને એવું બધું દોર્યું. ત્રણ કલાકના અંતે મેં મારી ઉત્તરવાહી પરિક્ષકને સોપી અને હું ઘરે ગયો.”

“સ્વામી સત્ય તો એ છે કે, ” તેમને કહ્યું, “મેં પ્રશ્નોનાં જવાબ લખવાને બદલે એ બધું ચિત્રકામ એટલાં માટે કરેલું કે મને કોઈ જવાબની ખબર નહોતી. જો મને શું લખવું એ ખબર હોત તો મેં ત્યાં બેસીને સમય ન બગાડ્યો હોત. એ જ રીતે, મારી આધ્યાત્મિક તરસ માટે, મેં આ બધી પ્રવૃત્તિ અને સ્થળોની મુલાકાત વિષે વિચારી રાખ્યું છે કારણકે મને જવાબની ખબર નથી. મને મારી સમક્ષ રહેલાં આ પ્રશ્નપત્રનાં જવાબ લખતાં આવડતું જ નથી, માટે હું ખાલી ચિત્રો દોરું છું.”

“હું આ પ્રશ્નપત્રનાં જવાબ લખવામાં મદદરૂપ થઇ શકું,” મેં કહ્યું, “પણ, આપણે તો ખોટા પ્રશ્નપત્રને પકડીને બેઠા છીએ. અને એનાં જો સાચા જવાબો પણ લખીશું તો પણ ખરા સવાલો જે છે તે તો એમનાં એમ વણઉકલ્યાં જ રહી જશે.”

અમે બન્ને હસ્યા. પણ તેમને જે કહ્યું એ બહુ અર્થસભર હતું. શા માટે લોકો સંબંધમાં બંધાય છે, પરણે છે, છોકરા કરે છે, અંત વગરની તલાશોમાં લાગી રહે છે, પોતાની જિંદગી ઘડિયાળનાં કાંટે ચલાવે છે, ગોળ ગોળ ઘૂમીને એક અર્થ વગરની પ્રતિસ્પર્ધામાં જોડાયેલાં રહે છે? જો તમને એ ગમતું હોય તો જાવ એનો આનંદ લો. અને હું બિલકુલ એવું નથી કહી રહ્યો કે તમે દુનિયાને કે તમારા આનંદને ત્યાગી દો. હકીકતમાં તો તમારે એક એક ક્ષણને મન ભરીને જીવવી જોઈએ – માણવી જોઈએ. તેમ છતાં, મોટાભાગનાં લોકો તેને જીવતાં નથી ફક્ત પસાર કરે છે. તેઓ ફક્ત નિરુદ્દેશ્ય આકૃતિઓ બનાવે છે કારણ કે તેમને કાં તો જવાબની નથી ખબર કાં તો પછી તેમની પાસે ખોટું પ્રશ્નપત્ર હાથમાં આવી ગયું છે. સત્ય એ છે કે મોટાભાગનાં લોકો શાંતિથી બેસીને પોતાની જાતને એ પૂછતાં જ નથી કે એવું શું છે જે તેઓ જિંદગીમાંથી મેળવવા ઈચ્છે છે, તેઓ પોતાનાં આંતર્નાદને અવગણી નાંખે છે.

જિંદગી પરીક્ષા રૂમમાં બેસી રહેવાં માટે નથી. ભગવાન તમને ચકાસવાં માટે નથી બેઠા, મને વિશ્વાસ છે કે તેની પાસે તેનાંથી વધારે સારું કામ કરવાને માટે છે. તમે જવાબો લખતાં બેસી શકો છો કાં તો પછી તમે એક ક્ષણ લઇને વિચારશો, પૂછશો, જાણશો, ખાતરી કરશો, સમજશો, તમારાં માટે જે મહત્વનું હોય તેવાં બનશો, અને તમને જેમાં આનંદ આવે તે કરશો.


I thought that my voyage had come to its end
at the last limit of my power,
that the path before me was closed,
that provisions were exhausted
and the time come to take shelter in a silent obscurity.
But I find that thy will knows no end in me.
And when old words die out on the tongue,
new melodies break forth from the heart;
and where the old tracks are lost,
new country is revealed with its wonders.
(Tagore, Rabindranath. "Closed Path." Gitanjali.)


જયારે પ્રશ્નો ખતમ થઇ જાય છે ત્યારે જવાબોની હવે કોઈ જરૂર રહેતી નથી. આત્મ-સાક્ષાત્કાર એ  એક એવી જ અંદરની શાંતિની અવસ્થા છે, બધું જ કાચ જેવું ચોક્ખું બની જાય છે. ત્યાં કોઈ પરીક્ષાખંડ રહેતો નથી કે કોઈ પરિક્ષા રહેતી નથી. ત્યાં સમયની સંકલ્પના જ અદ્રશ્ય થઇ જાય છે. ફક્ત તમે, તમારું ખરું સ્વરૂપ જે એક શાંતિ-સ્વરૂપ અને આનંદ-સ્વરૂપ છે તે બની જાવ છો. જીવવામાં એટલાં મશગુલ ન બની જાઓ કે તમારા માટે શ્વાસ લેવાનો સમય પણ ન બચે.

પૂછો. વિચારો. આત્મસાત કરો. અગ્રીમતા ક્રમ નક્કી કરો. તેનાં પર અમલ કરો. અને જેવાં બનવું હોય તેવાં બનો. મોટાભાગનાં લોકો બિલકુલ ઉલટું કરતાં હોય છે; જે એક નાદાની છે.

હાર્દિક શુભેચ્છાઓ!

શાંતિ.
સ્વામી

 

Thursday, 27 December 2012

ભજ ગોવિન્દમ ભાગ - ૩

Image source: susush

તમારા કર્મોનું વિશ્લેષણ કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૩/૬)


આ ત્રીજું વ્યાખ્યાન છે -

दिनमपि रजनी सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः।
कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चति आशावायुः ॥12॥

સમયનું વિતવું અને ઋતુઓનું બદલવું એ તો સંસારનો નિયમ છે. કોઈ પણ વ્યક્તિ અમર નથી. મૃત્યુની સામે સૌ કોઈને ઝૂકવું પડે છે. તેમ છતાં આપણે મોહ માયાનાં બંધનોમાંથી સ્વયંને મુક્ત નથી કરી શકતા.

का ते कान्ता धनगतचिन्ता वातुल किं तव नास्ति नियन्ता।
त्रिजगति सज्जन संगतिरेका भवति भवार्णवतरणे नौका ॥13॥

સાંસારિક મોહ, માયા, ધન અને સ્ત્રીનાં બંધનોમાં ફસાઈને અને વ્યર્થ ચિંતાઓ કરીને આપણને કશું પ્રાપ્ત નથી થવાનું. શા માટે આપણે પોતની જાતને આ બધી ચિંતાઓથી ઘેરાયેલી રાખીએ છીએ? શા માટે આપણે મહાત્માઓથી પ્રેરણા લઈને એમને દર્શાવેલા માર્ગ પર નથી ચાલતાં? સંત મહાત્માઓ સાથે જોડાઈને અથવા તો એમને આપેલાં ઉપદેશોનું પાલન કરીને જ આપણે આ સાંસારિક બંધનો તેમજ વ્યર્થ ચિંતાઓથી મુક્ત થઇ શકીએ છીએ.

जटिलो मुण्डी लुञ्चित केशः काषायाम्बर-बहुकृतवेषः।
पश्यन्नपि च न पश्यति मूढः उदरनिमित्तं बहुकृत शोकः ॥14॥

આ સંસારનો હર કોઈ વ્યક્તિ, પછી એ દેખાવમાં ભલે ને ગમે તેવો લાગતો હોય કે પછી કોઈ પણ રંગનું વસ્ત્ર ધારણ કરતો હોય, તે નિરંતર કર્મ કરતો રહેતો હોય છે. કેમ? કેવળ રોજી રોટી કમાવા માટે. તો પણ ખબર નહિ કેમ આપણે બધું જાણીને પણ અજાણ્યા બની રહેતાં હોઈએ છીએ.

अङ्गं गलितं पलितं मुण्डं दशन विहीनं जातं तुण्डम्।
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चति आशापिण्डम् ॥15॥

જે વ્યક્તિનું શરીર જવાબ દઈ ચુક્યું હોય, જેનાં શરીરમાં ફક્ત પ્રાણ નામ માત્રના બચ્યા હોય, જે વ્યક્તિ સહારા કે ટેકા વગર એક ડગલું પણ ચાલી શકે તેમ નથી હોતો છતાં પણ તે વ્યક્તિ સાંસારિક મોહ માયામાંથી સ્વયંને છોડવા માટે અસમર્થ રહ્યો છે.

अग्रे वह्निः पृष्ठेभानुः रात्रौ चिबुक-समर्पित-जानुः।
करतलभिक्षा तरुतलवासः तदपि न मुञ्चति आशापाशः ॥16॥

સમય નિરંતર ચાલતો રહ્યો છે. એને ન તો કોઈ રોકી શક્યું છે કે ન કોઈ રોકી શકશે. ફક્ત પોતાનાં શરીરને કષ્ટ આપ્યા કરવાથી કે કોઈ જંગલમાં એકલા રહીને કઠોર તપસ્યા કર્યા કરવાથી કઈ આપણને મોક્ષની પ્રાપ્તિ નથી થવાની.

હિન્દીમાં પ્રવચન સાંભળવા માટે નીચે ક્લિક કરો.ભાગ - ૪ આવતાં અંકે...

શાંતિ.
સ્વામી


Saturday, 22 December 2012

સફળ થવામાં હજી કેટલી વાર લાગશે?

મંઝીલે પહોંચવા માટે હવે કેટલી વાર લાગશે તે હંમેશાં ગતિ ઉપર આધારિત નથી. બીજા ચાર પરિબળોની મને ખબર છે.
મેં ક્યાંક વાચ્યું છે: સફળતા જેવું પ્રેરણાદાયી પરિબળ બીજું કોઈ નથી. સફળ થવાની ઈચ્છા, ધ્યેય પ્રાપ્તિનો આનંદ અને આવી સિદ્ધિથી જે ફાયદો થાય છે, તે જ વ્યક્તિમાં દ્રઢતા અને સાતત્ય ટકાવે છે, તેમજ કઠોર પરિશ્રમ અને સહનશીલતા વધારવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જેમ કે સ્પર્ધામાં થતું હોય છે તેમ આપણે પણ અંતિમ પરિણામનો વિચાર કરીને ઉત્સાહ અનુભવીએ છીએ. જો તમે કોઈને એમ કહો કે તેમને વાર્ષિક એક ખુબ મોટા પગારથી નોકરીએ રાખવામાં આવ્યા છે. તે તરત જ તે પૈસાની બચત કે ખર્ચનાં આયોજન કરવાનાં વિચારોમાં લાગી જશે. તે પોતાની જાતને ઓફીસમાં અને પોતાનાં સહકર્મચારીઓ સાથે વાત કરતાં હોય તેવી કે બીજી તેના જેવી અનેક કલ્પનાઓ કરતાં થઇ જશે. આ કુદરતી છે. સતત ચાલતાં આ વિચારો તેમની અપેક્ષા બની જાય છે. જયારે તેમને જે વિચારેલું હોય એનાંથી જુદું પરિણામ મળીને ઉભું રહે ત્યારે તેઓ નિરાશ થઇ જાય છે. હવે તેઓ બીજું ધ્યેય નક્કી કરે છે અને તેને એક સમય મર્યાદા આપી દે છે. અહી સુધી બધું બરાબર છે.

જયારે બીજા સાહસ માટે કામે લાગીએ છીએ ત્યારે, સફળતા અને નિષ્ફળતા વચ્ચે નો મુખ્ય તફાવત, દ્રઢતા ઉપર રહેલો હોય છે. એક વિજેતા હંમેશાં ચાલતાં રહેવાનો પ્રયત્ન કરે છે. જયારે લોકો મને ધ્યાન ઉપર, તેમની ટેવો બદલવા ઉપર, આત્મસાક્ષાત્કાર વિગેરે ઉપર પ્રશ્નો કરે છે, ત્યારે મને એક સામાન્ય પ્રશ્ન સાંભળવા મળે છે કે: કેટલી વાર લાગશે? અને આજનું વિષય વસ્તુ આ પ્રશ્ન ઉપર છે. ચાલો તમને એક નાની વાર્તા કહું.

એક સન્યાસી પર્વત પર આવેલા એક મંદિરનાં માર્ગે જતો હતો. તે પોતાની પદયાત્રા ઉપર છેલ્લાં બે મહિનાથી હતો. સન્યાસી હોવાથી તેની પાસે કોઈ સામાન નહોતો સિવાય કે તેનું ભિક્ષાપાત્ર અને વસ્ત્ર. તેને જયારે થાક લાગતો ત્યારે તે ઉભો રહેતો અને ભૂખ લાગે ત્યારે ભિક્ષા માંગતો. એક પગલું એક સમયે, એમ કરતાં કરતાં એને બે હજાર કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું હશે. અંતે દુરથી હવે, માથા પરનાં તાજની જેમ, એ મંદિર પર્વત ઉપર દેખાવા લાગ્યું. રાહતની એક લાગણી, આનંદનો એક ઉછાળ, અને પોતાની સિદ્ધિનાં એક વિચાર માત્રથી તેની કરોડ ટટ્ટાર થઇ ગઈ.

થોડા પગલાં ચાલ્યો હશે કે તેની નજર એક ઘરડી સ્ત્રી કે જે ખેતરમાં કામ કરતી હતી તેના ઉપર પડી. તે થોભ્યો અને પૂછ્યું, “પર્વત પરનાં પેલાં મંદિરે પહોંચતા મને હવે કેટલી વાર લાગશે?”

પેલી વૃદ્ધાએ તો પાછુ વળીને તે સન્યાસી તરફ એક તટસ્થતાની લાગણીથી જોયું અને ખભા ઊંચા કરીને પાછી પોતાનાં બીજ વાવવાનાં કામે લાગી ગઈ. પેલાં સન્યાસીને તો આ એકદમ અસામાન્ય લાગ્યું કારણકે એને તો એમ હતું કે ગામડાનાં મોટા ભાગનાં લોકો ઉષ્માથી ભરેલાં હોય છે. કદાચ, વૃદ્ધાએ બરાબર સાંભળ્યું નથી લાગતું, એને થયું. મંદિર તરફ આંગળી ચીંધીને તેને ફરી પૂછ્યું, “મને પેલાં તીર્થસ્થાને પહોંચતા હવે કેટલી વાર લાગશે?”

પેલી વૃદ્ધાએ તો ફરી એ જ પ્રતિકાર આપ્યો, આ વખતે તે ધીમે રહીને બડબડી પણ ખરી. પેલાં સન્યાસીએ ફરી પૂછ્યું, ફરી એ જ પ્રતિકાર મળ્યો. સન્યાસીએ માની લીધું કે વૃદ્ધા બહેરી છે.  સન્યાસી થોડો નિરાશ થયો પણ તેને પર્વત તરફ ચાલવાનું ચાલુ રાખ્યું.

“તમને હજી આઠ કલાક લાગશે,” પાછળથી એક બુમ સંભળાઈ. તે પેલી વૃદ્ધાની હતી.
સહેજ વિચારમુદ્રામાં પેલો સન્યાસી પાછો ચાલીને પેલી વૃદ્ધા પાસે આવ્યો અને કહ્યું, “મને સમજાયું નહિ. મેં તમને ત્રણ વાર પૂછ્યું પણ તમે મને જવાબ ન આપ્યો. હવે જયારે હું મારા રસ્તે ચાલવા લાગ્યો, કે પાછળથી તમે બુમ પાડીને મને અંતર કહો છો.”
“હું તમને અંતર નથી કહેતી, મહારાજ. હું તો ફક્ત એટલું કહું છું કે તમને ત્યાં પહોંચતા કેટલી વાર લાગશે.” તે બોલી, “જયારે તમે મને પહેલાં પૂછતાં હતાં ત્યારે તમે સ્થિર ઉભા હતાં. તમે કેટલું ઝડપી ચાલો છો તે જાણ્યા વગર હું તમારા પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકું! અને અહીંથી અંતર તો ૨૦ માઈલનું છે.”

તો આમ વાત છે! તમને કેટલી વાર લાગશે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. તે એક થી વધુ પરિબળો ઉપર આધાર રાખે છે અને તમારી ગતિ એ તેમાંનું માત્ર એક પરિબળ છે. મોટાભાગે તો એ તમે સાચા માર્ગ ઉપર તમારું સાતત્ય કેટલું ટકાવી રાખો છો તેનું મહત્વ છે. આપણે સૌ સસલા અને કાચબાની વાર્તાથી માહિતગાર છીએ જ.

ચાર એવા પરિબળો છે કે જે તમને સફળતા તરફ લઇ જઈ શકે. અને તે છે:

૧. જ્ઞાન: તમે પુરેપુરા સાધન-સજ્જ છો? માનસિક રીતે તેમજ કૌશલની દ્રષ્ટીએ? જો ના, તો તે મેળવવા માટે તમારે શું જોઈએ?
૨. વલણ: તમારી પાસે ચોક્કસ માનસિકતા અને વલણ છે? તમે હકારાત્મક, આશાવાદી, હંમેશાં તૈયાર, અને પરિસ્થિતિને અનુકુળ થવા માટે તૈયાર છો?
૩. સ્રોત: તમારી પાસે જરૂરી હથિયારો અને સાધનો છે કે પછી તમે ચમચી લઇને દીવાલમાં કાણું પાડવાના છો?
૪. પ્રયત્ન: તમે ગમે તે પરિસ્થિતિમાં પણ પોતાનો સૌથી ઉત્તમ પ્રયત્ન કરવાં માટે કટિબદ્ધ છો?

પાંચમું તત્વ છે: કૃપા કે નસીબ. અને તે જયારે તમે ડગમગી નથી જતાં ત્યારે પ્રદર્શિત થાય છે. તે એક સંજોગોવશાતની જેમ દ્રશ્યમાન થાય છે, જેમ કે આકસ્મિક જાગી જતું નસીબ કે આકસ્મિક થતો લાભ. પરંતુ હકીકત તો એ છે કે ઉપરોકત ચાર તત્વો સાથે, તમે એક એવી સંપૂર્ણ ક્ષણનું નિર્માણ કરો છો જે સાક્ષાત્કાર કે સફળતાની હોય છે.

સ્થિર અને નાના પગલાં અંતે મોટા કુદકા બની જાય છે. પાણીનાં નાના ટીપા, એક પછી એક, એક મોટા ધોધનું નિર્માણ કરે છે. બુદ્ધને બોધીવૃક્ષની નીચે બેસવા માત્રથી જ્ઞાન નહોતું લાદ્યું. તેમને તે સંપૂર્ણ ક્ષણની પ્રાપ્તિ પહેલાં કઠોર મહેનત કરી હતી. રાજકુમાર સિધાર્થ પોતે ગૌતમ બુદ્ધ બને તે પહેલાં તેમને આગળ કરેલાં સમગ્ર અભ્યાસ અને સંઘર્ષની પરાકાષ્ટાના પરિણામ સ્વરૂપ તેમને રહસ્યોદ્ઘાટન અને પ્રભુપ્રકાશની ક્ષણ પ્રદર્શિત થઇ હતી
.
જાવ! તમારો સૌથી ઉત્તમ પ્રયત્ન આપો. તમે અરીસામાં જોઇને પોતાની જાતને કહી શકતાં હોવા જોઈએ, “મેં મારો સૌથી ઉત્તમમાં ઉત્તમ પ્રયત્ન કર્યો છે અને મારાથી થઇ શકે તે તમામ પ્રયત્ન કર્યા છે.” જયારે તમે તમને આવું પ્રામાણીકતાથી કહી શકતા હોવ, ત્યારે તમારું ગમે તે સ્વપ્નું સાચું
પડી શકે છે, ચાહે તે ભૌતિક સફળતા માટેનું હોય કે દિવ્ય અનુભૂતિનું.

(Image credit: Neil Price)
નોંધ: હું માર્ચ ૨૦૧૩માં ટોરોન્ટો, કેનેડામાં હોઈશ. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

શાંતિ.
સ્વામી

Thursday, 20 December 2012

ભજ ગોવિન્દમ ભાગ - ૨વાસ્તવિકતાને સમજો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૨/૬)
 
 बालस्तावत् क्रीडासक्तः, तरुणस्तावत् तरुणीसक्तः।
वृद्धस्तावत् चिन्तामग्नः पारे ब्रह्मणि कोऽपि न लग्नः ॥7॥

બધાં બાળકો ક્રીડામાં વ્યસ્ત છે અને નવજુવાનો ઇન્દ્રિય સંતુષ્ટિમાં સમય વિતાવી રહ્યા છે. ઘરડાં કેવળ ચિંતા કરવામાં વ્યસ્ત છે. કોઈની પણ પાસે એ પરમાત્માનું સ્મરણ કરવાનો વખત નથી.

का ते कांता कस्ते पुत्रः, संसारोऽयं अतीव विचित्रः।
कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तय यदिदं भ्रातः ॥8॥

કોણ છે આપણો સાચો સાથી? આપણો પુત્ર કોણ છે? આ ક્ષણ-ભંગુર, નશ્વર અને વિચિત્ર સંસારમાં આપણું અસ્તિત્વ શું છે? આ ધ્યાન આપવાં જેવી વાત છે.

सत्संगत्वे निःसंगत्वं, निःसंगत्वे निर्मोहत्वं।
निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः ॥9॥

સંત પરમાત્માઓની સાથે ઉઠવા-બેસવાંથી આપણે સાંસારિક વસ્તુઓ તેમ જ બંધનોથી દુર થવા લાગીએ છીએ. આમાં આપણને સુખની પ્રાપ્તિ થાય છે. સર્વ બંધનોમાંથી મુક્ત થઇને જ આપણે તે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः।
क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः ॥10॥

જો આપણું શરીર કે મસ્તિષ્ક સ્વસ્થ ન હોય તો આપણને શારીરિક સુખની પ્રાપ્તિ નથી થતી. એ તળાવ, તળાવ નથી રહેતું જો તેમાં પાણી ન હોય. જે રીતે ધન વિખરાઈ જવાથી પૂરો પરિવાર વિખરાઈ જાય છે, તેમ જ્ઞાનની પ્રાપ્તિ થતાં જ આપણે આ વિચિત્ર સંસારના સર્વ બંધનોથી મુક્ત થઇ જઈએ છીએ.

मा कुरु धन-जन-यौवन-गर्वं, हरति निमेषात्कालः सर्वम्।
मायामयमिदमखिलं हित्वा ब्रह्म पदं त्वं प्रविश विदित्वा ॥11॥

આપણા મિત્રો, આ ધન દોલત, આપણી સુંદરતા તેમ જ આપણું અભિમાન બધું એક દિવસ માટીમાં ભળી જશે. કશું પણ અમર નથી. આ સંસાર જુઠ અને કલ્પનાઓનો ભ્રમ છે. આપણે હંમેશા પરમ જ્ઞાન પ્રાપ્ત કરવાની કામના કરવી જોઈએ.

હિન્દીમાં પ્રવચન સાંભળવા માટે નીચે ક્લિક કરો.


 
ભાગ - ૩ આવતાં અંકે
 
શાંતિ.
સ્વામી


Sunday, 16 December 2012

લોકો તમને શા માટે પ્રેમ કે નફરત કરે છે

લોકો તમને પ્રેમ કે નફરત તમે કોણ છો એનાં આધારે કે તમારી પાસે શું છે તેનાં આધારે કરે છે? વાંચો વાર્તા.

એક વખત, એક બાજ પક્ષી, ભૂરા આકાશમાં કેટલાય ફૂટ ઉપર ઉંચે, પોતાની મોટી પાંખો ફેલાવી એક તળાવની ઉપર ખોરાકની શોધમાં આંટા મારી રહ્યું હતું. તેને કાચ જેવા ચોક્ખા પાણીમાં એક માછલી તરતી જોઈ. એક ક્ષણની પણ વાર લગાડ્યા વગર બાજે તો ડૂબકી મારી પોતાના તીક્ષ્ણ પંજામાં શિકાર ઝડપી લીધો. તેને કોઈ મેદાનમાં જવાનું વિચાર્યું કે જેથી પોતે શાંતિથી બેસીને પોતાના શિકારનો સ્વાદ માણી શકે.

હજી તો માંડ એ થોડું ઉડ્યું હશે ત્યાં તો એક મોટું બાજ પક્ષીઓનું ટોળું તેની પાછળ પડ્યું. તેઓ તેનાંથી મોટા અને શિકાર કરવાની બાબતમાં વધુ અનુભવી હતાં. પેલાં નાના બાજે માછલી પકડી રાખવાની ઘણી કોશિશ કરી, લાચાર બની પોતાની પાંખો ફફડાવી ઉચે ઊડી જવાની પણ કોશિશ કરી જોઈ પરંતુ બીજા બાજ પક્ષીઓએ પોતાનો હિંસક હુમલો ચાલુ રાખ્યો. તે બધા પોતાની ભૂખના લીધે આ નાના બાજને મારી નાંખવા માટે પણ તૈયાર હતાં. પેલું નાનું બાજ તો ખુબ ઘવાઈ ગયું, તેના કેટલાંય પીછા શરીરમાંથી નીકળી ગયા અને પોતે ઘણી જગ્યાએ લોહીલુહાણ થઇ ગયું. આ ખેંચાખેંચીની રમતમાં, તે બિચારું થાકી ગયું અને અંતે તેની પોતાની માછલી પરની પકડ ગુમાવી દીધી.

માછલી તો ખુબ જ ઝડપથી નીચે પડી. બીજા બાજ પક્ષીઓ તો નાના બાજને પડતો મૂકી તરત પેલી માછલીને પકડવા નીચે ગયા.  નાના બાજને તો નવી લાગી કે હવે કોઈ તેના જીવની પાછળ નથી પડ્યું, હવે કોઈ તેને ઈજા નહોતું પહોચાડતું. તે બાજુનાં ઝાડની ડાળી પર બેઠું, પોતાનાં ઘાવ તપાસતાં તેનામાં જ્ઞાનનો ઉદય થયો:
“મને તો લાગ્યું કે તેઓ મને નફરત કરતાં હતાં અને માટે મારા ઉપર હુમલો કરી રહ્યા હતાં. મને તો ખરેખર એવું લાગ્યું કે તેમને હું પસંદ નથી અને માટે તેઓ મને ઈજા પહોચાડી રહ્યા હતાં. પણ સત્ય તો એ છે કે તેમને મારી જોડે તો કોઈ લેવાદેવા હતી જ નહિ. એમને તો માછલી સાથે મતલબ હતો. આ બધું મારા પાસે શું હતું એની સાથે જોડાયેલું હતું, નહિ કે હું કોણ છું એની સાથે.”

લોકો પ્રેમ કે નફરત તમને નથી કરતાં. હકીકતમાં એ તમારા વિષે હોતું જ નથી. એ “કોઈ વ્યક્તિને” નથી પ્રેમ કરતાં, પરંતુ “એમને શું જોઈએ છે” તેને પ્રેમ કરે છે. તેઓ તમારી પાછળ નથી, તેઓ તો તમારી અંદર શું છે તેની પાછળ છે.

જયારે તમે તેમને જે જોઈતું હોય તે હવે જયારે આપી શકો તેમ નથી હોતા ત્યારે તેમનાં પ્રેમમાં પણ ઓટ આવવાની શરૂઆત થઇ જાય છે. એટલાં માટે જ લોકોને સંબંધોમાંથી રસ ઓછો થઇ જાય છે. ઘણાં વાંચકો મને લખી જણાવતાં હોય છે કે તેમનાં સાથીદાર સારા છે  અને તેઓને તેમની સાથે સંબંધ બનાવી રાખવો હોય છે પરંતુ હવે તેમને તે સાથીમાં બહુ રસ નથી રહ્યો. વારું, તેનો અર્થ એ કે તમારી પ્રાથમિકતાઓ બદલાઈ ગયી છે. દુઃખ લાગે તેવું છે, પણ સત્ય છે.

કુદરતનો વિકાસ જરૂરતનાં આધાર ઉપર થયો છે. લોકો પાસે એકબીજા માટે શું છે તેનાં ઉપર કોઈ પણ સંબંધનો ટકાવ આધારિત  હોય છે. અલગ અલગ પ્રજાતિઓ ટકી શકી છે કારણકે તેમને તેમની સંભાળ ખુદ લીધી છે. આ એક ખુબ ઘાઢ અને ઊંડી ઊતરેલી વાત છે. માનો કે ન માનો, જો તમે એવું ઈચ્છતાં હોય કે કોઈ તમને સતત પ્રેમ કરતું રહે, તો તમારે તેને જે જોઈતું હોય તે સતત આપતાં રહેવું પડે. તમારે સતત સામે વાળી વ્યક્તિની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરતાં રહેવું પડશે. હું ફક્ત કાળજી, સગાઈ, અને બંધન વિષે જ વાત નથી કરતો, હું પ્રેમ વિષે વાત કરું છું. ખાસ કરીને જયારે તેમનો પ્રેમ તેમની ખુદની ઈચ્છાઓ અને જરૂરિયાતો માટે હશે ત્યારે તો ખાસ, તેઓ જ્યાં સુધી તમારી તાકાત તેમની ઈચ્છા અને જરૂરિયાતોને સંતોષી શકતી હશે ત્યાં સુધી તેઓ તમને પ્રેમ કરતાં રહેશે.

જયારે તમે તેમને જે નથી જોઈતું તે આપશો કે તેમનો રસ તમારામાંથી ઓછો થઇ જશે. કલ્પના કરો કે સોનાનાં ઢગલા પર બેઠા બેઠા તમે તે સોનું વાંદરાને આપો છો, કે એવી કલ્પના કરો કે સિંહને તમે ઘાસ આપો છો. તેમને તેમાં રસ જ નથી. જયારે તેમને તમારી પાસે જે હોય તેમાં રસ ન રહે કે તરત જ તે એ સંબંધમાંથી બહાર નીકળી જશે, અને દુર થઇ જશે. લોકોનાં રસ તેમની પ્રાથમિકતા પ્રમાણે બદલાતાં જતાં હોય છે. કલ્પના કરો કે ભરપેટ જમી કરીને બેઠેલાં ને તમે ભોજન આપો છો; તેને તેમાં રસ નથી. શું નિ:સ્વાર્થ પ્રેમનું અસ્તિત્વ છે ખરું? હા. પણ એ ભાગ્યે જ ક્યાંક હોય છે. નિ:સ્વાર્થ કાળજી સામાન્યપણે વધુ જોવા મળે છે. જયારે તમે એવું ઈચ્છો કે કોઈ તમને એ જ રીતે પ્રેમ કરે જેવી રીતે તમે તેને કરો છો, ત્યારે તમે થોડું વધુ પડતું માંગી રહ્યા છો. કારણ કે સામેની વ્યક્તિ માટે તમારા જેવો જ પ્રેમ તમને કરવા માટે તેમને બિલકુલ તમારા જેવું જ થવું પડે, તેમને પણ એવી જ ઈચ્છાઓ રાખવી પડે જેવી તમારી છે, અને તેમને કદાચ તેમની પોતાની ઓળખ ગુમાવવી પડે.

એક જુવાન અને શ્રીમંત વિધવાએ મુલ્લા ને કહ્યું, “તમે મને આ જ રીતે હંમેશાં પ્રેમ કરતાં રહેશો?’
“સુરજ પૂર્વ ને બદલે પશ્ચિમમાં ઉગી શકે,” મુલ્લાએ કહ્યું, “પણ મારો તારા પ્રત્યેનો પ્રેમ એક તસું ભાર જેટલો પણ ઓછો નહિ થાય.”
“વારું, મારા સાસરિયાંઓ મારી ઉપર કોર્ટ કેસ કર્યો છે અને મને લાગે છે કે મારે મારી બધી સંપત્તિ ગુમાવવી પડશે”
“મને એની કોઈ ચિંતા નથી,” મુલ્લાએ આત્મવિશ્વાસથી કહ્યું, “હું ફરી તને કદાચ ક્યારેય ન મળી શકું પણ તને ક્યારેય પ્રેમ કરતાં નહિ અટકું.”

શબ્દો બોલવા સહેલાં છે. સત્ય તો એ છે કે દુન્વયી દરેક સંબંધ સ્વાર્થની માત્રાથી જોડાયેલો છે. આવો સ્વાર્થ હંમેશાં ભૌતિક જ નથી હોતો, એ ક્યારેક અમૂર્ત સ્વરૂપે પણ હોય છે જેમ કે લાગણી અને નૈતિક ટેકો વિગીરે. હું ફક્ત એક સત્ય કહું છું એને કોઈ સારું કે ખરાબ, સાચું કે ખોટાનું લેબલ નથી લગાડી રહ્યો.

જયારે કોઈ તમને નફરત કરતું હોય તો એટલું સમજી લો કે તે જે તમારા વિષે નથી જાણતા તેનાં માટે નફરત કરે છે. બીજો કોઈ પણ વ્યક્તિ, ધર્મ, ફિલસુફી હોય કે વિચારધારા હોય, તમે જે નથી સમજતાં તેને જ નફરત કરી શકો. જયારે તમે કઈક સમજવા માંડો છો કે તરત જ તમે તેનાં પ્રત્યે પ્રેમ કાં તો દયા અનુભવો છો. શા માટે એક બાળક લીલાં શાકભાજીને નફરત કરે છે? એ જ બાળક જયારે મોટું થાય છે ત્યારે ખુશી ખુશી જવારાનું જ્યુસ પી જાય છે, પોતાની મરજીથી બેસ્વાદ કાચા લીલાં શાકભાજી ખાય છે. શા માટે? રસ પડવા માટે સમજણ જોઈએ. વધારે કઈ કહેવાની જરૂર છે?

તો, તમારી પાસે બે વિકલ્પ છે, એક, તમે જે છો તે બની રહો, હંમેશાં સાચા કર્મો કરતાં રહો, તમને જે પણ માત્રામાં પ્રેમ મળી રહ્યો હોય તેની સાથે ખુશ રહો, અથવા, અનુકુળ બનો, અપનાવો અને વધુ મળે તેની માંગ કરતાં રહો. પ્રથમ વાત એ અંતર્મુખી તરફનું પ્રયાણ છે અને બીજી વાત એ અતૃપ્ત, તળિયા વગરનો ખાડો છે, એક એવી તલાશ કે જેનો કોઈ અંત નથી.

મારે આ વખતે એક બીજી જાહેરાત કરવાની છે: હું લતા અને નવિન પાંડે, શ્રીધર અને ઉમા રામચંદ્રન, હેમા ક્રિષ્ના અને નિષ્ઠા સૂદ, અને ભરત ઝાલા પ્રત્યે હિન્દી બ્લોગના નિર્માણ માટે ખુબ જ કૃતજ્ઞતા અનુભવું છું. તેઓ બધાં આ બ્લોગને હિન્દીમાં અનુવાદ કરી એક નિ:સ્વાર્થ સેવા કરવા માટે આગળ આવ્યા છે. ટીમ વચ્ચેનો તાલમેલ અને તેમનો ઉત્સાહ મને પ્રામાણિકપણે નવાઈ લાગે તેવો રહ્યો છે. તમે અહી હિન્દી બ્લોગની મુલાકાત લઇ શકો છો. મહીને ૨-૪ વાર તેમાં નવી પોસ્ટ આવતી રહેશે. ઘણાં બધા લોકો એ મને હિન્દીમાં લખવા અનુરોધ કરેલો છે તે બધા માટે હવે કઈક નવું આવતું રહેશે. ટીમ, તમારો ખુબ આભાર!

શાંતિ.
સ્વામી

Thursday, 13 December 2012

ભજ ગોવિન્દમ ભાગ - ૧


આદિ ગુરુ શ્રી શંકરાચાર્ય
પ્રભુનું નામ જપો – ભજ ગોવિંદમ શ્રુંખલા. – વિડીઓ (૧/૬)


ભજ ગોવિન્દમ શ્રી શંકરાચાર્યની એક ખુબ સરસ રચના છે. આ સ્તોત્ર ને મોહમુદગર પણ કહ્યું છે જેનો અર્થ થાય છે – એ શક્તિ કે જે તમને સંસારિક બંધનોમાંથી મુક્ત કરે છે. છ વ્યાખ્યાનો દ્વારા મેં એના પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. બધા વ્યાખ્યાનો હિન્દીમાં છે. મારા વ્યાખ્યાનો દરમ્યાન હું સ્તોત્રનો ઉલ્લેખ અવશ્ય કરું છું, જેથી કરીને તમે એને સંપૂર્ણપણે સમજી શકો અને તેનો આનંદ ઉઠાવી શકો.

  પ્રથમ ભાગનાં શ્લોકો નીચે મુજબ છે:

भज गोविन्दं भज गोविन्दं, गोविन्दं भज मूढ़मते। सम्प्राप्ते सन्निहिते मरणे, नहि नहि रक्षति डुकृञ् करणे ॥1॥

હે ભટકેલા પ્રાણી, સદૈવ પરમાત્માનું ધ્યાન કર. કારણકે તારા અંતિમ શ્વાસનાં સમયે તારું આ સાંસારિક જ્ઞાન કઈ કામ નથી આવવાનું, બધું નષ્ટ થઇ જશે.

 मूढ़ जहीहि धनागमतृष्णां, कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम्। यल्लभसे निजकर्मोपात्तं, वित्तं तेन विनोदय चित्तम् ॥2॥ 

આપણે હંમેશા મોહ માયાના બંધનોમાં ફસાયેલાં રહીએ છીએ અને એટલાં માટે જ આપણને સુખની પ્રાપ્તિ નથી થતી. આપણે હંમેશા વધુ ને વધુ મેળવવાની કોશિશ કરીએ છીએ. સુખી જીવન વિતાવવા માટે આપણે સંતુષ્ટ રહેતાં શીખવું પડશે. આપણને જે કઈ પણ મળી રહ્યું છે તેનો ખુશી ખુશી સ્વીકાર કરવો જોઈએ કારણ કે આપણે જેવાં કર્મ કરીએ છીએ, એવું જ તેનું ફળ મળતું હોય છે.

 नारीस्तनभरनाभीनिवेशं, दृष्ट्वा-माया-मोहावेशम्। एतन्मांस-वसादि-विकारं, मनसि विचिन्तय बारम्बाररम् ॥3॥

 આપણે સ્ત્રીની સુંદરતાથી મોહિત થઇ ને તેને મેળવવાની નિરંતર કોશિશ કરીએ છીએ. પરંતુ આપણે તે ધ્યાન રાખવું જોઈએ કે આ સુંદર શરીર ફક્ત હાડ માંસનો ટુકડો છે.

 नलिनीदलगतसलिलं तरलं, तद्वज्जीवितमतिशय चपलम्। विद्धि व्याध्यभिमानग्रस्तं, लोकं शोकहतं च समस्तम् ॥4॥ 

આપણું જીવન ક્ષણ-ભંગુર છે.  તે તો પાણીની એ બુંદો જેવું છે કે જે કમળની પાંખડીઓ પરથી નીચે સમુદ્રમાં પડીને વિશાળ જળ સ્રોતમાં પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે. આપણી ચારે કોર પ્રાણીઓ જાત જાતની તકલીફો અને કષ્ટોથી પીડિત છે. આવ જીવનમાં શેની સુંદરતા?

 यावद्वित्तोपार्जनसक्त:, तावत् निज परिवारो रक्तः। पश्चात् धावति जर्जर देहे, वार्तां पृच्छति कोऽपि न गेहे ॥5॥ 

જે પરિવાર ઉપર તે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, જેનાં માટે તું નિરંતર મહેનત કરતો રહ્યો, તે પરિવાર તારી સાથે ત્યાં સુધી જ છે જ્યાં સુધી તું તેમની જરૂરિયાતો પૂરી કરી રહ્યો હોઈશ.

 यावत्पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे। गतवति वायौ देहापाये, भार्या बिभ्यति तस्मिन्काये ॥6॥

તારા મૃત્યુની એક ક્ષણ પછી તરત જ તે તારા અગ્નિસંસ્કાર કરી દેશે. ત્યાં સુધી કે તારી પત્ની જેની સાથે તે આખી જિંદગી વિતાવી, તે પણ તારા મૃત શરીરને ધ્રુણીત દ્રષ્ટિથી જોશે.

આ વ્યાખ્યાનનું પ્રવચન હિન્દીમાં સાંભળવા માટે નીચે ક્લિક કરો.ભાગ -૨ આવતાં અંકે...


શાંતિ.
સ્વામી
 

Sunday, 9 December 2012

તમે શા માટે ઊંઘો છો?

તમારો અહં તમે જયારે સુઈ જાઓ છો ત્યારે ઓગળી જાય છે. જેવી રીતે એક ટીપું સમુદ્રમાં ભળી જાય છે તેમ, તમે ખરેખર જે છો તે બની જાઓ છો.
એક સામાન્ય માણસ પોતાનાં જીવનનો સરેરાશ એક તૃતીયાંશ સમય ઊંઘવામા કાઢે છે. મોટાભાગનાં લોકો માટે તે એક વિશ્રામ મેળવવાની પ્રવૃત્તિ છે, ઊંઘતી વખતે તેઓ એકદમ શાંત લાગે છે. જો તમારા શરીરમાં બધું બરાબર હશે, તો ઊંઘીને ઉઠ્યા પછી તમે ચોક્કસપણે તાજગી અને ઉત્સાહ અનુભવશો. ક્યારેય વિચાર્યું છે શા માટે આમ બને છે? ચાલો એક વાર્તા કહું:
એક સુફી સંત એક રાજપરિવારનાં સંમેલનમાં જબરદસ્તીથી ઘુસી ગયા અને છેક આગળ રાજાની ખુરશીની બાજુની ખુરશી પર જઈને બેસી ગયા. સલામતી વ્યવસ્થાનાં વડા તરત આ સુફી સંતની પાસે ગયા.
“મને માફ કરશો પણ આ જગ્યા એક વિશિષ્ટ વર્ગ માટે આરક્ષિત છે,” તેને કહ્યું, “હું તમને પૂછી શકું કે શું તમે એક ખાસ મહેમાન છો?”
“હું તો એનાંથી પણ ઉચ્ચ છું.”
“ઓહ, તો શું તમે એકદમ ખાસ મહેમાન છો?”
“ના, એનાંથી પણ ખાસ.”
“ તમે મંત્રી જેવા તો નથી દેખાતા, શું તમે....”
“મારી આગળ મંત્રી શું કહેવાય? સંતે સામેથી પૂછ્યું? “હું એનાંથી પણ મોટો છું.”
“તો શું તમે રાજાનાં કોઈ સગા છો?”
“એનાંથી પણ ક્યાંય ખાસ”
પેલો વડો તો ચિડાયો, “ઓહ! મારી ભૂલ થઇ, તમે તો ખુદ રાજા જ હોવા જોઈએ.”
“એનાંથી પણ મોટો”
“એ બિલકુલ વાહિયાત વાત છે, રાજાથી મોટું કોઈ નથી”
“બરાબર, હું કોઈ પણ નથી!” સંતે જોરથી કહ્યું.

તમે મારો સંકેત સમજ્યાં? શારીરિક ફાયદા ઉપરાંત પણ તમે ઊંઘથી એક પ્રકારનો આરામ અનુભવો છો કારણકે ઊંઘમાં ખાલી શરીર જ નથી સુતું તમારો અહં પણ સુઈ જાય છે. જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમે કઈ નથી હોતા. તમે રાજા હોય કે રંક, એક વખત સુઈ ગયા પછી બધા સરખા. રાજાને કઈ શાહી સ્વપ્ના જોવાનો કોઈ વિશિષ્ટ હક નથી. તમારું મન ઊંઘમાં જોયેલા સ્વપ્નથી આગળ કશું  બોલી નથી શકતું. ત્યાં એક ચોક્કસ શાંતિ હોય છે. અહંની ગેરહાજરીમાં તમે એક જુદી દુનિયામાં, એક જુદી ચેતનામાં સરી જાવ છો. તમારો અહં કે જે એક જાગૃત અને અનુબંધિત મગજની પેદાશ છે, એ જયારે તમે સ્વપ્ના જુઓ છો ત્યારે તેની સાથે હસ્તક્ષેપ નથી કરતો, અને માટે જ તમને સ્વપ્ના સાચા લાગતાં હોય છે. સ્વપ્ના જોતી વખતે જાગૃત મન કોઈ ગણતરી નથી કરતું હોતું.
તમે તમારી જાગૃત અવસ્થામાં જો તમારો અહં છોડી શકતા હોવ તો તમને કોઈ સ્વપ્ન દુઃખ નથી આપી શકતું. અહં જેટલો મોટો કે મન જેટલું વધુ તેજ હોય તો ઊંઘી જવાનું તેટલું જ અઘરું થઇ પડે છે. તમે થોડું ધ્યાન આપીને તપાસશો તો જણાશે કે જે લોકોનાં જીવનમાં માનસિક પ્રવૃત્તિ વધુ હશે તેઓ જલ્દીથી સુઈ નહી શકે, તેમને વધુ વાર લાગતી હોય છે. અને આજ વાત જેનો અહં બહુ ઉચો હોય છે તેને પણ લાગુ પડે છે. જે નમ્ર છે કાં તો જે આળસુ છે, એની આંખ જલ્દી લાગી જાય છે, કોઈ પણ જાતનાં પ્રયત્ન વગર.
નિંદ્રાજનક દ્રવ્યો જેવાં કે દારૂ, ઊંઘની ગોળી અને બીજા તેના જેવાં પદાર્થો તમને ઊંઘાડી દે છે કારણ કે તે તમને તમે કોણ છો તે ભુલવાડી દે છે. તે તમને તમારા સ્વ સાથેથી અલગ કરી દે છે જો કે તે ફક્ત અસ્થાયી રૂપે અને તમારા સ્વાસ્થ્યનાં ભોગે જ હોય છે. ધર્મ, જાતિ કે લિંગ ગમે તે હોય, તમે જો કોઈ થોડા લોકોનાં સમૂહને દારૂ પીવડાવી દો તો તેઓ એકબીજાનાં જેવું વર્તન કરવા માંડશે. તેમનાં અહંની દીવાલ હવે રહી હોતી નથી, તેમનાં જાગૃત મને તેના અનુબંધનની પકડ ગુમાવી દીધેલી હોય છે, અને હવે તેઓ કોઈ દંભ કરી શકતાં નથી.
તો, શું ઊંઘને સમાધિની સમકક્ષ ગણી શકાય? શું ઊંઘ અને ભાવસમાધિમાં એકસરખી જાગૃતતા હોય છે? આખરે તો બન્ને વસ્તુમાં તમારો અહં છૂટી જતો હોય છે. પણ એવું નથી. ઊંઘમાં તમારી જાગૃતતા સુષુપ્ત અવસ્થામાં હોય છે. તમને ખબર હોય છે કે તમે મૃત નથી, તમે ખાલી સુઈ રહ્યા છો. જો કોઈ તમારા ઉપર ઠંડુ પાણી રેડે તો તમે તરત જ જાગી જશો. સમાધિવસ્થામાં તમારી જાગૃતતાનું પ્રભુત્વ હોય છે. તમારી ઉત્કૃષ્ઠ-જાગૃતતા એકમાત્ર એવું પરિબળ છે જે તમને અતીન્દ્રિય સમાધિની સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે. તો મુખ્ય તફાવત તમારી જાગૃતતા કઈ અવસ્થામાં છે – સુષુપ્ત કે પ્રભુત્વ – એના ઉપર છે.  ઊંઘમાં તમારું અર્ધજાગૃત મન હુકમ ચલાવે છે જયારે, સમાધિ અવસ્થામાં તમારી ઉત્કૃષ્ઠ જાગૃતીની અવસ્થા પ્રવર્તમાન હોય છે.
તમે જાગૃતપણે “કઈ નહી હોવાનું” પસંદ કરી શકો છો, તમે તમારી જાતને કોઈ પણ પ્રકારનાં લેબલ લગાવવાથી પરે જઈ શકો છો. જયારે કોઈ વ્યક્તિ તમને નકારાત્મકતા કે ટીકા આપતું હોય, ત્યારે તમારે તે નહિ સ્વીકારવાનું તમને યાદ અપાવી શકો.
જેવી રીતે એક ટીપું સમુદ્રમાં પડ્યા પછી એ હવે ટીપું નહિ રહેતાં સમુદ્ર બની જાય છે, એ જ રીતે સુતી વખતે, તમારી, તમારા અસ્તિત્વની, કે તમારા સ્વપ્નાઓની કોઇ શરૂઆત કે કોઈ અંત નથી હોતા. જયારે તમે જાગતા હોવ ત્યારે તમને જે લેબલ લાગેલાં હોય છે એનાંથી હવે તમે ઊંઘ દરમ્યાન સીમિત નથી રહેતાં. ઊંઘમાં તમે એક અનંત અવકાશમાં જાવ છો, જે તમારો અસલ સ્વભાવ છે, તમે અશક્ય લાગતાં સ્વપ્નાઓ જુઓ છો અને તમે એને હકીકતમાં અનુભવો છો. જેવા તમે જાગો છો કે તરત જ તમારો અહં તમારી જાગૃતીની સપાટી ઉપર આવી જાય છે અને સાબિતી! તમારી આંતરિક શાંતિ અને સ્વપ્નોની દુનિયા એવી રીતે અદ્રશ્ય થઇ જાય છે કે જાણે ક્યારેય એનું અસ્તિત્વ જ નહોતું.
મુલ્લા નસરુદ્દીન એક રાતે પોતાની પત્નીને જોરથી હલબલાવી નાંખી. “ઉઠ ઉભી થા! જલ્દી! મને મારા ચશ્માં આપ.”
તેને ડરતાં કહ્યું, “શું થયુ છે?”
“હું હમણાં જ એક સ્વપ્નું જોતો હતો કે હું કાલની લોટરીની ટિકિટ જીતતો હતો પણ ચશ્માં વગર હું નંબર વાંચી ન શક્યો. મારે પાછા મારા સ્વપ્નમાં જવું પડશે.”
અહં વાળી અને અહં વગરની દુનિયાનું કોઈ સંગમ બિંદુ છે જ નહિ. જેવી રીતે કે ક્ષિતિજ, ત્યાં લાગે છે કે ધરતી અને આકાશ બન્ને મળતાં હોય પણ હકીકતમાં તેઓ ક્યારેય મળતાં નથી હોતા. ઊંઘવાનું અઘરું બનાવી, અહં છે તે મનમાં બેચેન પ્રકૃતિનું બળતણ ભરતું રહીને તમને તમારા મૂળ સ્રોતથી અલગ કરી નાંખે છે.
કોઈ દિવસ, હું તમારા માટે યોગ નિંદ્રા અને સુબોધગમ્ય સ્વપ્ના ઉપર વિસ્તારપૂર્વક લખીશ. આ બન્ને એક ઊંડી શાંતિ અનુભવવા માટે, તમારી આંતરિક સંભાવનાને પ્રવર્તિત કરવા માટે, તમને તમારા મૂળ સ્રોત સાથે જોડી રાખવા માટે અને શાંતિથી ઊંઘવા માટેનો એક ખુબ જ શક્તિશાળી અને વ્યવહારિક માર્ગ છે. તમે તમને સાજા કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
જે કોઈ કઈ નહિ બનવાની કલા જાણી લે છે, તે તેની ઈચ્છા મુજબ કઈ પણ બની શકે છે; કોઈ બીજા જેવાં બનવાની ઈચ્છા જતી રહે છે, અને ત્યાર પછી દરેક જણ એક સમાન લાગવા માંડે છે. કેમ કે જો આપણે બાહ્ય સ્વરૂપની, લેબલોની, અને અનુબંધિત વર્તન વિગેરેની પેલે પાર જોઈએ, તો દરેક વ્યક્તિ શું બીજા જેવો જ નથી?
વારું, મને મારી યુ-ટ્યુબ વિડીઓમાંથી ગયા વર્ષે મેં રેકોર્ડ કરેલા બે પ્રવચનો મળ્યાં છે. એક હિન્દીમાં છે તપશ્ચર્યા ઉપર અને એક અંગ્રેજીમાં છે અને તેનું ટાઈટલ છે Who Are You? મેં બન્ને આજે અહી પબ્લીશ કર્યા છે. હિન્દી માટે અહી ક્લિક કરો અને અંગ્રેજી માટે અહી ક્લિક કરો.

શાંતિ.
સ્વામી
 

Saturday, 1 December 2012

સમર્પણનો અર્થ શું?

સમર્પણ તમે બિલાડીના બચ્ચા કે વાંદરાની જેમ કરી શકો છો. તમે એમાંથી કયા છો?
મોટા ભાગના ઈશ્વરવાદી ધર્મોમાં ભક્તને સમર્પણ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે, તે દિવ્ય ઈચ્છાને સમર્પિત થવાની બાબત ઉપર ભાર મુકે છે. કેટલાંક માર્ગમાં ગુરુ કે આધ્યાત્મિક શિક્ષકને સંપૂર્ણ સમર્પિત થવાની જરૂર પડે છે. તો સમર્પણ એટલે ખરેખર શું અને સમર્પણ કરવું એ કેટલું જરૂરી છે?

એક વખત, એક ગામડામાં, એક વૃદ્ધ ખેડૂત પોતાનાં એકનાં એક પુત્ર સાથે રહેતો હતો. તેમની પાસે જમીનનો એક ટુકડો, એક ગાય તેમજ એક ઘોડો હોય છે. એક વખત તેનો ઘોડો ભાગી ગયો. બન્ને બાપ-દીકરો ઘોડાને શોધવા માટે ખુબ ફર્યા, પણ કોઈ ફાયદો થયો નહિ. તેનો પુત્ર પરેશાન થઇ ગયો. પડોશીઓ વૃદ્ધ ખેડૂતને જોવા માટે આવ્યા.

“ભગવાન તમારા પર ખુબ ક્રૂર થયો છે,” ગ્રામજનો ખેડૂતને આશ્વાસન આપતા બોલ્યા, “કેટલું ખરાબ થયું.”

“આ તેમની કૃપા પણ હોઈ શકે,” ખેડૂતે શાંતિથી જવાબ આપ્યો.

બે દિવસ પછી ઘોડો પાછો ઘેર આવ્યો, પણ એકલો નહિ. ચાર બીજા સારી નસ્લના ઘોડા, સુંદર અને મજબૂત, પણ એની પાછળ દોરતા આવ્યા. ખેડૂતને તો પાંચ ઘોડા મળ્યા.

“આ તો અદભુત કહેવાય. તમે તો બહુ નસીબદાર છો,” બીજા લોકો બોલ્યા.
“આ પણ ભગવાનની કૃપા જ કહેવાય,” ખેડૂત કૃતજ્ઞતાથી અને તટસ્થતાથી બોલ્યો.

તેનો પુત્ર જો કે ખુબ જ ખુશ હતો. બીજા દિવસે એ એક જંગલી ઘોડા ને તપાસવા માટે તેના પર સવાર થયો, પરંતુ નીચે પટકાયો અને એનો પગ ભાંગ્યો.

“આ ઘોડા સારા નથી. આ તો તમારા માટે ખુબ ખરાબ નસીબ લઇને આવ્યા છે,” પડોશીઓએ પોતાનું ડહાપણ બતાવ્યું, “તમારા છોકરાનો તો પગ ભાંગ્યો.”
“આ પણ ભગવાનની કૃપા જ હોવી જોઈએ,” ખેડૂતે જવાબ આપતા કહ્યું.

થોડાક દિવસો પછી, રાજાના સૈનિકો સેનામાં યુવાનોની ફરજીયાત ભરતી કરવા માટે ગામડામાં આવ્યા. તેઓ ગામમાંથી બધાને લઇ ગયા. ખેડૂતના આ પુત્રનો પગ ભાંગેલો હોવાથી તેને છોડી દીધો. ઈર્ષ્યા અને પ્રેમને લીધે, ગ્રામજનોએ ખેડૂતને અભિનંદન આપ્યા કે એનો છોકરો તો બચી ગયો.

“આ પણ ભગવાનની કૃપા જ હશે,” તેને કહ્યું.

તમારે સમર્પણ વિષે જે કઈ જાણવું હોય તે ઉપરોક્ત વાર્તામાં છે. સમર્પણનો અર્થ એ નથી કે તમે ભગવાનને ખાલી ઠાલા શબ્દ-પુષ્પો ચડાવો, અને જેવી દરેક મુશ્કેલી આવે કે તરત ફરિયાદ કરવા બેસી જાઓ. અંતે તો તમારા કર્મો જ તમારી સમર્પણતાનું માપ બતાવી દેતા હોય છે.

જીવનમાં ગમે તેટલી ચડતી-પડતી આવે, જાડી-પાતળી, સારા-ખરાબ દરેક સમયને તમે ભગવાનની દિવ્ય કૃપા સમજો, તે સમર્પણ છે. ખાલી તીર્થસ્થળોએ જવું, ચર્ચમાં જવું અને કહેવું કે હું સમર્પણ કરું છું તો એ સમર્પણ  સિવાયનું બીજું ગમે તે હોઈ શકે છે. સમર્પણ એ અડગ વિશ્વાસનું બીજું નામ છે, એનો અર્થ એ નથી કે તમે જે “સારું” સમજો છો તે જ તમારી સાથે જીવનમાં થશે. સમર્પણનો અર્થ એ છે કે ગમે તે થાય તમે દિવ્યતાનું શરણું હર હાલમા કોઈ પણ શરત વગર લેવાનું ચાલુ રાખશો.

સમર્પણ એ ભગવાનનો આભાર માનવાનો, ભગવાનને પ્રેમ કરવાનો, અને તમારી જાતને વ્યક્ત કરવાનો એક રસ્તો છે. એનો અર્થ એ નથી કે તમારે તમારા સંજોગો ને સુધારવાનો પ્રયત્ન ન કરવો, એનો અર્થ એ છે કે કોઈ પણ પરિણામને તમે તેની (ઈશ્વરની) કૃપા ગણો. સ્વીકૃતિની અંદર એક અનોખી વાત છે – એ તમને તાકાત અને શાંતિ પ્રદાન કરે છે.

મને એક સરસ સમાનતા યાદ આવે છે. એક વાનરનું બચ્ચું એની માં ને વળગેલું રહે છે. એને ખબર છે કે પોતે પોતાની માં સાથે સુરક્ષિત છે. ક્યાં, શું, ક્યારે, અને કેવી રીતે, એ નિર્ણય તે પોતે પોતાની માં પર છોડે છે. આ સમર્પણતાનું ઉદાહરણ છે. એક બિલાડીનું બચ્ચું પણ આમ જ કરે છે પરંતુ પોતાની માંને વળગી નહિ રહેતાં એ ફક્ત હવાલે થઇ જાય છે. માં એને પકડે છે અને એક સ્થળેથી બીજા સલામત સ્થળે લઇ જાય છે. જે તીક્ષ્ણ દાંતથી બિલાડી શિકાર કરે છે તે જ દાંત તેના પોતાના બચ્ચાને નુકશાન નથી કરતાં. આ પણ એક સમર્પણ છે.

આ બન્ને વસ્તુ સમર્પણ બતાવે છે પરંતુ તેમાં એક મૂળભૂત તફાવત રહેલો છે: વાંદરાના બચ્ચાનાં કિસ્સામાં, એ બચ્ચાની ફરજ છે કે તે એની માં ને વળગેલું રહે, નહીતર ત્યાં રક્ષણ ન પણ થાય. જયારે, બિલાડીના બચ્ચાના કિસ્સામાં, એ જવાબદારી ફક્ત ને ફક્ત માં ની છે. બિલાડીનું બચ્ચું કશું કરતું નથી.

તો તમારે વાંદરાનું બચ્ચું બનવું છે કે બિલાડીનું? જવાબ છે, ડાહ્યા બનો અને તમારી પોતાની પદ્ધતિ શોધી કાઢો. ઘણાં લોકો વાંદરાનું બચ્ચું બનીને વધારે શાંતિ અનુભવે છે, જયારે બીજા કેટલાંક બિલાડીનાં બચ્ચા જેવા બનતાં હોય છે. એવું પણ બની શકે કે કોઈ એક સમયે તમારે વાંદરાના બચ્ચું બનવું પડે અને બીજા સમયે બિલાડીનું બચ્ચું.

એક ગામમાં પુર આવ્યું અને પાણીનું સ્તર સતત વધતું જતું હતું. બધા ગ્રામજનો બીજે ક્યાંક સલામત સ્થળે જતા રહ્યા હતાં સિવાય એક માણસ, કે જે ખુબ ભક્તિમય અને ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારો હતો. એ પોતે મકાનનાં છાપરા ઉપર ચડી ગયો હતો અને ખુબ જ ઉત્કટતાથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.

કોઈ એક જણ બાજુનાં ગામમાંથી હોડી લઈને આવ્યું, અને આ માણસને જોતા હોડી ગોળ ઘુમાવીને એને બચાવવા આવવા લાગ્યો.

“ભાઈ ચિંતા ના કરીશ,” તેને ઉત્સાહપૂર્વક કહ્યું, “મારી હોડીમાં કુદીને બેસી જા.”
“તારો આભાર, પણ મારે તારી જોડે આવવાની જરૂર નથી,” પેલો ફસાયેલો વ્યક્તિ બોલ્યો, “મારો ભગવાન આવશે અને મને બચાવશે.”

આ વાર્તા મૂર્ખતાની ઉચાઇ બતાવી શકે છે, પરંતુ સત્ય એ છે કે, માણસની બુદ્ધિ અને અને મૂર્ખતા બન્નેને કોઈ હદ નથી હોતી. બીજાની માન્યતા અને કર્મોને નકામાંનું લેબલ લગાવવું એકદમ સહેલું છે, પણ આપણી અંદર ઝાંકીને જોઈએ તો, આપણે બધા ત્યાં છીએ અને બધાએ આ કરેલું છે, કદાચ જુદી રીતે તેમ છતાં સમાનપણે.

સમર્પણમાં એવું જરૂરી નથી કે તમે તમારી આંખો બંધ કરી દો, તમારા કાન બેરા કરી નાખો, કે તમે કોઈ સવાલ ના ઉઠાવો, ઉલટું સમર્પણનો અર્થ તો એ છે કે તમે ભગવાનની આંખે આ દુનિયાને નિહાળો, કે તમે તમારા આંતર્નાદને ધ્યાનથી સાંભળો, અને તમે ભગવાનના જવાબોને ધીરજપૂર્વક સમજવાની કોશિશ કરો. હકીકતમાં સાચું સમર્પણ એ દરેક પરીક્ષાનો સામનો કરે છે.

ઘણાં લોકોને મને આધ્યાત્મિક માર્ગ ઉપર ગુરુનું મહત્વ અને ગુરુને સમર્પણ કરવાનું મહત્વ કેટલું છે તેનાં વિષે જાણવાની ઈચ્છા લખીને મોકલી છે. હું નજીકના ભવિષ્યમાં જ એના ઉપર લખીશ. રાહ જુઓ.

 (Image credit: Diganta Talukdar)

શાંતિ.
સ્વામી

Sunday, 25 November 2012

છોડી ના દેશો


હું બસ ક્યાંક તો પહોચવી જોઈએ,” એલીસે સ્પષ્ટ કરતા કહ્યું. “ઓહ, તું ચોક્કસ ત્યાં પહોચીશ”, બિલાડી બોલી, “જો તું પુરતું ચાલીસ તો”
બુદ્ધે કહ્યું છે: “આત્મ-સાક્ષાત્કારનાં માર્ગે ચાલનારથી બે ભૂલો થઇ શકવાની શક્યતા છે. એક: એ માર્ગે બિલકુલ ચાલવું જ નહિ અને બીજું: છેક સુધી ન જવું.”

ઘણી વાર, મને ઉત્સાહી વાંચકો તરફથી ધ્યાન, આત્મ-સાક્ષાત્કાર, વ્યાવહારિક અધ્યાત્મ અને એવા બીજા ઘણાં વિષયો ઉપર સવાલો પૂછતાં હોય છે. હું એમને વળતો જવાબ પણ વિગતવાર આપતો હોવ છું, પરંતું મોટાભાગના લોકો, સામાન્ય પણે, અડધા રસ્તે જ પોતાનો ઉત્સાહ ગુમાવી દેતાં હોય છે.

ધ્યાન સારું લાગે છે, આત્મ-સાક્ષાત્કાર આકર્ષક લાગે છે, યોગ સમાધિ દિલચસ્પ લાગે છે, પરંતું તમે તેનાં વિષે ખરેખર જો ગંભીર હોવ તો આ વસ્તુ એક અવિશ્વસનીય અને સતત પ્રયત્ન માંગી લે છે. આત્મ-ખોજ જ શા માટે, કોઈ પણ માર્ગે ધ્યેયની પ્રાપ્તિ માટે, તમારે ત્રણ તત્વોની જરૂર પડે

દ્રઢતા 
નિષ્ફળતા અને સફળતા વચ્ચેનો તફાવત દ્રઢતામાં રહેલો છે. જયારે તમે પૂરી શિસ્ત સાથે તમારું સાતત્ય ટકાવી રાખવાનું પસંદ કરો છો, તમારો ઉત્સાહ જે શરૂઆતમાં હતો તે જ છેક
ધ્યેય પ્રાપ્તિ સુધી ટકાવી રાખો છો, તો તમારી સફળ થવાની શક્યતાઓ ખુબ વધી જાય છે.

ધીરજ
ધીરજ વગર દ્રઢતા લાવવી શક્ય જ નથી. ધીરજ એ સાતત્યને પોષે છે, અને સાતત્ય તમારા દ્રઢ સંકલ્પનું સમર્થન કરે છે. ધીરજ તમને યાદ અપાવે છે કે તમારે કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર જ્યાં સુધી સંતોષકારક પરિણામ ન મળી જાય ત્યાં સુધી તમારો પ્રયત્ન ચાલુ રાખવાનો છે.

ચિંતન
એ થોડું વિચિત્ર લાગશે પરંતુ મારા પોતાના સ્વ-અનુભવથી હું કહીશ કે, ફક્ત આંધળું સાતત્યપણું ટકાવવું કે અનંત ધીરજ રાખવી એ પુરતું નથી. તમારા પોતાના કાર્યોને, તમારા આયોજનને, તમારા રસ્તાને, અને તમારા વર્તમાન વલણને ચકાસવા પણ એટલાં જ જરૂરી છે. સ્વ-ચિંતન એ જાતનું વિશ્લેષણ કરવાની કળા છે, એ તમારા ધ્યેય અને પ્રયત્નને સરળ બનાવે છે.

હું તમારી સાથે પ્રખ્યાત એલીસ ઇન વન્ડરલેન્ડની વાર્તામાંનો એક અંશ રજુ કરીશ. અને તે આજના વિષયનો સાર પણ છે. આ રહ્યું તે:

“તું મને જરા કહીશ, મારે અહિયાં થી આગળ કયા રસ્તે જવું જોઈએ?”
“એ તારે કયા રસ્તે જવું છે તેના પર આધાર રાખે છે”, બિલાડી બોલી.
“મને કયા જવું એની બહુ ચિંતા નથી” એલીસ બોલી.
“તો પછી તારે કયા રસ્તેજવું જોઈએ એની બહુ ચિંતા કરવાની જરૂર નથી,” બિલાડી બોલી..
હું બસ ક્યાંક તો પહોચવી જોઈએ,” એલીસે સ્પષ્ટ કરતા કહ્યું.
“ઓહ, તું ચોક્કસ ત્યાં પહોચીશ”, બિલાડી બોલી, “જો તું પુરતું ચાલીસ તો”

જયારે પણ તમને છોડી દેવાની ઈચ્છા થઇ જાય, તમારી જાતને પૂછો શું તમે ખરેખર અધવચ્ચે છોડી દેવા ઈચ્છો છો? જો તમે તમને એમ કહો “હું કરી શકું તેમ નથી,” એ એની જાતે જ બંધ થઇ જાય છે. જયારે તમે તમને એમ પૂછો “હું આ કેવી રીતે કરી શકું?” એ તરત જ તમને કાર્યાન્વિત કરી દે છે અને તમને એનો ઉકેલ શોધી શકવા માટે સમર્થ બનાવે દે છે.

 જ્યાં સુધી તમે સુરંગને પૂરેપૂરી ખોદી નથી નાંખતા ત્યાં સુધી એમાં રસ્તો પણ નથી હોતો કે પ્રકાશ પણ નથી હોતો. હું હંમેશા મોટા ધ્યેયની પ્રાપ્તિ માટે નાના ધ્યેય રાખવાની બાબત ઉપર ભાર આપું છું. તમારા મનને તાલીમ આપવા માટે નાની પ્રતિજ્ઞા વડે કઈક નાનું થોડા સમય માટે કરવાની ટેવ પાડો, અને આ રીતે તમે જીવનપર્યંત કટિબદ્ધ રહી શકશો. દાખલા તરીકે, તમે આખી જિંદગી સ્મોક નહિ કરવાની પ્રતિજ્ઞા કરતાં એક દિવસ માટે સ્મોક નહિ કરવાની પ્રતિજ્ઞા સહેલાઈથી પાળી શકશો. દરેક વખતે જયારે તમે તમારા શબ્દને વળગી રહો છો ત્યારે તમને એક આંતરિક શક્તિની પ્રાપ્તિ થાય છે, અને તમે તમારા મનને કાબુ કરવામાં એક પગલું આગળ વધો છો. બાદમાં, મોટા પ્લાનને મોટા ધ્યેયની પ્રાપ્તિ માટે કાર્યાન્વિત કરવાનું સહેલું થઇ જશે.
 
આનંદને અનુભવવા માટે, સાચા રસ્તે છેક સુધી જાવ. તમે જે કઈ પણ કરતાં હોય, જ્યાં સુધી તમને સંતોષ ના થાય ત્યાં સુધી છોડી ના દેશો. એક સમયે એક પગલું ભરો, એક

વખતે એક સમસ્યાને પાર કરો. જેમ કે રાતના અંધારામાં ચાલવું. તમે હેડલાઈટના અજવાળામાં ખાલી બે મીટર અંતર જ જોઈ શકો છો, પરંતું તે હજારો માઈલની મુસાફરી કરવા માટે કાફી હોય છે. એ જ રીતે, એક એક પગલું તમને આગળ લઇ જાય છે, તમારા મુકામની થોડી વધુ નજીક.

એક શ્રીમંત વેપારીએ મુલ્લા નસરુદ્દીનને તેના કેશિઅર તરીકે નોકરીએ રાખ્યા. તેને મુલ્લાને એક રૂપિયાની નોટનું એક પેકેટ આપતાં કહ્યું, “આ ગણો અને જુઓ કે પુરા સો થવા જોઈએ.”

પોતાના શેઠનો હુકમ માનતા, મુલ્લાએ તો ગણવાનું ચાલુ કર્યું. એ સિત્તેરની લાઈન સુધી પહોચ્યા, “૭૪”, “૭૫”, “૭૬”, મુલ્લા પેકેટ પાછુ આપતા ધીમે રહીને બોલ્યા.

“જો અહી સુધી એ સાચું હોય તો આપણે છેક સો સુધી ગણવાની ચિંતા કરવાની જરૂર નથી,” મુલ્લા બોલ્યા, “તે છેક સુધી સાચું જ હશે”.

સત્ય એ છે કે, તમને છેક સુધી ગયા વગર નહિ ખબર પડે.
(Image credit: favim.com)
શાંતિ.
સ્વામી

Sunday, 18 November 2012

દેવો અને દૈત્યો


જો બે બળદો, એક ગુસ્સાવાળો અને એક શાંત, લડાઈ કરતા હોય, તો કોણ જીતે? વાંચો વાર્તા.
પુરાણો– હિંદુ સનાતન ધર્મના ધાર્મિક પુસ્તકો – દેવ-અસુર સંગ્રામોની દંતકથાઓથી ભર્યા છે. અસંદિગ્ધપણે આ કથાવાર્તાઓ શરીર, મન, આત્મા અને બ્રહ્માંડ માટેના રહસ્યો ઉપર પણ પ્રકાશ ફેંકે છે. તેમાં ભક્તિ અને સંકલ્પ, જોશ અને શ્રદ્ધા, સારું અને ખરાબ જેવા અનેક વિષયો ઉપર વાર્તાઓ છે.

મોટાભાગના ધર્મોમાં દેવો અને દૈત્યોનો વિચાર છે. બૌદ્ધ ધર્મમાં પણ, કે જે વિશેષ રૂપે ધ્યાનનો માર્ગ છે, જેમાં બુદ્ધે દરેક વસ્તુને મનના આવિર્ભાવ તરીકે રજુ કરી છે, તેમાં પણ મારા નામનાં – દૈત્યનો વિચાર છે. ઘણી બૌદ્ધ વિચારધારામાં ગુસ્સાવાળો દેવ યીદમ અને રક્ષા કરવા વાળો દેવ તારા નો વિચાર છે.

દૈત્યને ઇસ્લામમાં શયતાન અને બીજા ઈબ્રાહીમ ધર્મોમાં પણ સેતાન, અને હિંદુ ધર્મમાં દૈત્ય અથવા રાક્ષસ તરીકે કે કોઈ બીજે અલગ નામથી ઓળખવામાં આવે છે, એક ડહાપણ ભર્યો સવાલ એ ગણાશે કે શું તેઓ ખરેખર અસ્તિત્વ ધરાવતા હોય છે ખરા? શા માટે

તેઓ રાત્રીમાં વધારે શક્તિમાન બની જાય છે, શા માટે તેઓ સારાપણાની વિરુદ્ધમાં હોય છે? તમે કોઈ દિવસ ધાર્મિક પુસ્તકમાં વર્ણવેલો રાક્ષસ જોયો છે ખરો? દિવસના અજવાળામાં? ચાલો હું તેના પર થોડો પ્રકાશ પાડું.
 
દેવો અને દૈત્યો તમારા આંતરિક જગતના તત્વો સૂચવે છે, દેવો હકારાત્મક લાગણીઓ અને દૈત્યો નકારાત્મક લાગણીઓનાં સૂચક છે. દેવ સત્યનાં પ્રતિનિધિ છે જયારે દૈત્ય અસત્યનાં પ્રતિનિધિ છે. દેવ છે તે દયા અને સારાપણાને સૂચવે છે, જયારે દૈત્ય છે તે બધું તેની વિરુદ્ધનું સૂચવે છે. દૈત્ય કોઈ લડાઈ જીતી પણ જાય. થોડા સમય માટે. પરંતુ અંતે તો લડાઈ હંમેશા દેવ દ્વારા જ જીતાતી હોય છે.

એ જ રીતે, દરેક લોકોના આંતરિક જગતમાં, હકારાત્મકતા અને નકારાત્મકતા, સાચા અને ખોટા, સારા અને ખરાબ વચ્ચે કાયમી યુદ્ધ ચાલતું હોય છે. કોઈ વખત તેમની સારી બાજુ ખરાબ બાજુથી ચડી જતી હોય છે, તો ક્યારેક એનાથી ઊંધું પણ થતું હોય છે. કોઈ વખત તેઓ પોતાના ગુસ્સાને તેમજ તેના જેવી નકારાત્મક લાગણીઓને કાબુ કરી શકતા હોય છે તો કોઈ વખત આવી લાગણીનો તેમને પછાડી દેતી હોય છે.

પુરાણો તરફ પાછા વળીએ તો ઇન્દ્ર એ દેવોનો રાજા છે, અને સંસ્કૃતમાં ઇન્દ્રિયનો અર્થ થાય છે અવયવ. તેનો અર્થ કાં તો જ્ઞાનેન્દ્રિય – આંખ, નાક, કાન, જીભ, ત્વચા – કાં તો કર્મેન્દ્રિયો – હાથ, પગ, મોં, જનનાંગ, ગુદાદ્વાર –  થાય છે. ઇન્દ્ર કઈ ઉપર સ્વર્ગમાં બેઠા નથી. તમારું મન એ તમારા શરીરનો રાજા છે. તે એકલું જ દરેક કર્મને સમજે છે અને તમને તે કરવા માટે પ્રેરે છે. જયારે પણ તમારું આંતરિક જગત ખળભળી ઉઠે અને તમારી હકારાત્મકતા તમારી નકારાત્મકતાને હરાવી દે છે ત્યારે તમારા દેવ જીતી જાય છે, અને એનાંથી જો ઉલટું થાય તો દૈત્ય જીતી જાય છે.

તમારી અંદરનો દૈત્ય તમને ખરાબ કરવા માટે પ્રેરે છે અને તમારી અંદરનો ભગવાન તમને સારું કરવા માટે પ્રેરે છે. તે બંને જુદા તત્વો નથી. તે ફક્ત એક જ મનના બે ગુણ છે, જેમ કે એક સિક્કાની બે બાજુ. હવે પછી ફરી જયારે તમને લાગે કે તમે ગુસ્સે થઇ રહ્યા છો કે તમારું મન કઈ ખોટું કરવા માટે લલચાઈ રહ્યું છે, તમારી જાતને યાદ અપાવો કે તમારી અંદરનો દેવ એ દૈત્યની સામે લડાઈ ગુમાવી રહ્યો છે. તે યાદ, તે જાગૃતતા, તરત જ તે દૈત્યને નબળો બનાવી દેશે.

ચિંતનપૂર્વક કહેવું હોય તો, દેવો અને દૈત્યોને શક્તિ એક જ સ્રોતમાંથી મળે છે – તમારા મનમાંથી, મન એ દેવ અને દૈત્ય બન્ને માટે સહિયારો શક્તિનો સ્રોત છે. તો જયારે તમે તમારી હકારાત્મક બાજુને મજબુત કરો છો ત્યારે નકારાત્મક બાજુનો આપોઆપ હ્રાસ થાય છે.
 
એક ગુરુએ પોતાના શિષ્યોને પૂછ્યું, “મારા મનમાં બે બળદ છે. એક સાશ્વતપણે શાંત અને ખુશ. અને બીજો હંમેશા અશાંત અને અસ્વસ્થ. જો બન્ને લડાઈ કરે તો કોણ જીતે?”

કેટલાંક શિષ્યોનો મત શાંત બળદ માટે હતો તો કેટલાંકનો મત અશાંત માટે હતો.

ગુરુએ કહ્યું “એનો આધાર હું કોને વધારે ખવડાવીને મોટો કરું છું એના પર છે! તેમની જીત તેમની શક્તિ ઉપર આધારિત છે. જરૂરી નથી કે હંમેશા કોઈ એક છે તે બીજાને હરાવશે. છતાંપણ જો તમે સતત શાંત બળદને ખવડાવી પીવડાવી પોષણ કરશો તો, એ વધુ શક્તિમાન બનશે અને એના જીતવાની શક્યતા હંમેશા સમય સાથે વધતી જશે.”


હું કહીશ કે આ આટલું સહેલું છે. જો તમે રાક્ષસને પોષણ આપશો, તો એ વધુ શક્તિમાન બનશે અને એ વિજયી બનશે. જયારે તમે તમારી નકારાત્મકતાને પોષો છો ત્યારે તે તમારી હકારત્મકતાને હરાવી દે છે. જેનું તમે પોષણ કરશો તેને શક્તિ મળશે, અને જે વધુ શક્તિમાન હશે તે જીતશે.
 
તમારી અંદરની હકારાત્મકતાને પોષવા માટેની તમારી રીત કદાચ ધ્યાન (meditation)ની ના પણ હોય, એ કદાચ ડાન્સિંગ, કૂકિંગ, દાન, મંત્રજાપ, પ્રાર્થના, રમત કે બીજું કંઈપણ જે તમને કરવું ગમતું હોય તે હોઈ શકે છે. જો તમે થોડો સમય તમારી જાતનું વિશ્લેષણ કરવામાં થોડો સમય કાઢશો તો તમને તમારી પોતાની રીત જડી જશે. અને કોઈ પણ સંજોગોમાં હંમેશા દયા અને કૃતજ્ઞતાની પ્રેક્ટીસ રાખો, તે હંમેશા શાંત બળદને પોષણ આપે છે. તમે શાંતિ અને શક્તિનો અનુભવ કરશો.

શાંતિ
સ્વામી

 

 

 

Share