Saturday, 29 September 2012

લોકો ગુસ્સામાં હોય ત્યારે બરાડા કેમ પડે છે?


ગુસ્સો તમારો બોઈલીંગ પોઈન્ટ છે. તમે કેટલાં જલ્દી ઉકળી ઉઠો છો તેનો આધાર તમારી અંદર કયું પ્રવાહી છે અને તમારી નીચે કેટલી ગરમી છે તેના પર
આધાર રાખે છે.
શું ગુસ્સો એ પ્રેમની બીજી બાજુ છે? ખરેખર તો બિલકુલ નહી. એ સ્વીકારની બીજી બાજુ છે કે પછી શાંતિની વિરોધી બાજુ છે. તમે તમારી જાત સાથે જયારે શાંતિમાં નથી હોતા ત્યારે તમે ગુસ્સે થાઓ છો. જિસસ જયારે ક્રોસ પર હતાં ત્યારે પણ ગુસ્સે નહોતા થયા, બુદ્ધ ઉપર જયારે કોઈ થુક્યું તો પણ તે ગુસ્સે નહોતા થયા, શિખોનાં નવમાં ગુરુ, ગુરુ તેગ બહાદુરને ગરમ તવાઈ પર બેસવાની ફરજ પડાઈ અને તેમનાં ઉપર અત્યંત ગરમ રેતી રેડવામાં આવી તો પણ તેઓ ગુસ્સે નહોતા થયા. એનો અર્થ શું એવો થાય કે તેમને જે પીડા અપાઈ તે ન્યાયી હતું, બરાબર હતું કે ઉચિત હતું? બિલકુલ નહી. મહાન સંતોએ ગુસ્સો પોતાનામાંથી બિલકુલ કાઢી નાખી બીજી કોઈ પણ બાબતો કરતા શાંતિને શા માટે પસંદ કરી તેના માટે કઈ કારણ હોવું જોઈએ.
સામેની વ્યક્તિનો કે તેના કૃત્યોનો સ્વીકાર કરવો એનો અર્થ એવો જરૂરી નથી કે તમે એનાથી સહમત થાઓ છો, તેનો અર્થ એવો થાય છે કે તમે તેઓનાં માટે અનિર્ણયાત્મક (નોન-જજમેન્ટલ) બની જાઓ છો. કારણ તમારા પોતાનાં મનની શાંતિ માટે, તમારી અંદરની સ્વસ્થતાને ટકાવી રાખવા માટે. જયારે તમને લાગે કે તમારી સાથે ખોટુ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તમારા ગુસ્સાને તમારા પર હાવી ન થવા દેવા માટે તમારી પાસે ફક્ત બે જ વિકલ્પ હોય છે અને તે છે સ્વીકારવું કે અવગણવું. અવગણવું એ વ્યવહારિક લાગી શકે ખરું, પરંતુ સ્વીકારવું એ દૈવી બાબત છે. સ્વીકારવાની વાત ને જો કે જુઠલાઇ ન શકાય, એ ખાલી હકારાત્મકતાની વાત નથી. તમે તમારી જાતને ખાલી તમે બીજા લોકોનાં કૃત્યોનો સ્વીકાર કરો છો એમ કહીને માત્ર શાંત ના પાડી શકો, ખાસ કરીને જયારે તમને અંદરથી તો એમ જ લાગતું હોય કે સામેની વ્યક્તિ વાંકમાં છે જ.
હું મારો સંદેશ કહું  એ પહેલાં ચાલો હું તમને મને સાંભળવા મળેલી એક સુંદર વાર્તા કહું:
એક સંત, એમના શિષ્યો સાથે એક વ્હેલી સવારે ગંગા કાંઠે મંત્રોચ્ચાર કરતાં ચાલતા હતાં. દૂર એક દંપતિ દેખાયું, તેઓ ખુબ જ તણાવમાં જણાતા હતાં, અને એકબીજા સામે રાડો પાડતા હતાં. જાણવા મળ્યું કે તે માણસની પત્નીએ ગંગામાં ડૂબકી લગાવતી વખતે પોતાનો હાર ખોઈ દીધો હતો. એટલા માટે એનો પતિ એને બરાબર ગાળો આપતો હતો, અને પત્ની પણ સામે એટલા જ જોર થી ચિલ્લાતી હતી.
સંત ઊભા રહ્યા, પોતાનાં શિષ્યો તરફ ફરતા બોલ્યા: “જયારે લોકો ગુસ્સામાં હોય છે, ત્યારે તે બરાડા કેમ પાડતા હોય છે?”
એક શિષ્યે કહ્યું “જયારે આપણે આપણી શાંતિને ગુમાવીએ છીએ ત્યારે આપણે રાડો પાડીએ છીએ.”
“બની શકે”, સંતે કહ્યું, “પણ જયારે બીજી વ્યક્તિ તમારી સામે જ ઉભી છે તો પછી જોરથી શા માટે બોલવું જોઈએ? એવું તો છે નહી કે એનાથી તે તમને વધારે સારી રીતે સાંભળી શકશે. તમે જોરથી રાડો પાડ્યા વગર પણ તમારો મુદ્દો રજુ કરી શકો છો.”
શિષ્યોએ ઘણાં જવાબો આપ્યા, પણ એકેય જવાબ સત્યદર્શન કરાવે તેવો નહોતો.
અંતે સંત બોલ્યા:
“ગુસ્સો તરત જ તમારી વચ્ચે અંતર પેદા કરી દે છે. જયારે બે લોકો એકબીજા પર ગુસ્સે થતા હોય છે, ત્યારે તેમનાં હૃદય એકબીજાથી નજીક હોતા નથી. તેમની લાગણીઓ વહેચાઈ જાય છે અને તેઓ એકબીજાથી મીલો દૂર થઇ જાય છે. એ અંતરને કાપવા માટે તેઓ રાડો પાડે છે. તેઓ જેમ વધુ ગુસ્સે થાય, તેટલી વધુ રાડો પાડે છે. તેઓ હવે પ્રેમ કરવાના, સ્વીકાર કરવાના કે પછી નજીક આવવાના મૂડમાં નથી હોતા. તેઓ એકબીજાને સાંભળી પણ શકતા નથી, તેમને લાગે છે કે રાડો પાડવાથી જ તે એકબીજાને સાંભળી કે સંભળાવી શકશે.
“અને! જયારે બે વ્યક્તિ એકબીજા નાં પ્રેમમાં પડે છે ત્યારે શું થાય છે? તેઓ એકબીજા ઉપર રાડો નથી પાડતા, પરંતુ એકદમ ધીમેથી બોલે છે, તેઓ જાણે કે ગણગણે છે, કારણ તેઓના હૃદય એકબીજાથી નજીક હોય છે. તેમની વચ્ચે થોડું કાં તો બિલકુલ અંતર રહેતું નથી.

“જેમ તેઓ એકબીજાને વધુ પ્રેમ કરે છે, તેઓ એનાથી પણ ઓછા શબ્દોનો ઉપયોગ કરે છે, એકદમ ધીમેથી વાત કરે છે, છતાં પણ એકબીજાને વધુ સારી રીતે સાંભળે છે, તેમનું બંધન વધુ મજબૂત બને છે, તેમનો પ્રેમ વધુ ખીલે છે. અંતે તેઓ ગણગણતા પણ નથી, તે ખાલી એકબીજા સામે જુએ છે, તેઓનું મૌન તેમનાં સંવાદો કરતાં વધારે અસરકારક બની જાય છે. અને આ રીતે પ્રેમમાં તેઓ એકબીજાની નજીક આવે છે

“ તો હવે જયારે તમે દલીલ કરો ત્યારે તમારા પ્રેમનો બંધ તૂટી જાય અને તમારી વચ્ચે અંતર પેદા થાય તેવા શબ્દોનો ઉપયોગ ન કરો.”

ગુસ્સો મોટાભાગે નિરાશામાંથી જન્મે છે, અને નિરાશા તમારી અપેક્ષાઓ નહી સંતોષવાથી જન્મતી હોય છે. હું તમારી અપેક્ષાઓ કે નિરાશાઓને તે સાચી છે કે ખોટી એવા લેબલ નથી લગાવતો. એના માટે તમે જાતે જ તમારા જજ બનો. જયારે તમને બીજા તરફી અપેક્ષાઓ હોય છે અને તે પૂરી નથી થતી તો તેનાંથી દુઃખ થાય છે. છતાં જે કંઈપણ કારણ હોય, જયારે પણ તમે ગુસ્સે થાવ છો ત્યારે તમે એકદમ તરત જ નિર્ણયશક્તિ ગુમાવી દો છો, તમે ખુદ તમે નથી રહેતા. શબ્દોથી થતું દુઃખ સમય જતાં મટી જાય ખરું, પણ એ અટલ અને ભરપાઈ ન થઇ શકે તેવું તો કાયમ રહેતું જ હોય છે.

જયારે બે વ્યક્તિ નજીક રહેવાનો પ્રયત્ન કરે છે, જયારે તે એકબીજા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જયારે તેઓ એક સાથે ઊભા રહે છે ત્યારે તેમની વચ્ચેનું અંતર આપોઆપ ઘટી જાય છે. અને જયારે તેઓ દુરી નથી અનુભવતા ત્યારે રાડો પાડવાની જરૂરત પણ નથી રહેતી. હા, ત્યાં થોડી ઘણી દલીલો થઇ શકે છે, છતાં તેની અસર ઘણાં અંશે ઓછી થઇ જાય છે.

ગુસ્સો મૂળભૂત રીતે તમારું બોઈલીંગ પોઈન્ટ છે, જો પાણી ગરમ તવાઈ પર હશે તો કુદરતી રીતે ઉકળી ઉઠશે. નીચેની ગરમીને બંધ કરવાથી જ તે પાણી પાછું પોતાનાં મૂળ સ્વરૂપમાં આવી શકે. એ જ રીતે જયારે તમે ગુસ્સાથી ઉકળતા હોવ છો, તમે રેગ્યુલેટર તમારા હાથમાં રાખો છો. સામેની વ્યક્તિ તેમાં ઇંધણ પૂરું પાડે છે. છતાં એ તમારા હાથમાં છે કે પોતાની ગરમી કેટલી કંટ્રોલમાં રાખવી. તમે હુફાળા, કોકરવરણા, કે ઉકળેલા રહેવાનું પસંદ જાતે કરી શકો છો.
અંતે તો ગરમી તમારા અસ્તિત્વનું બાષ્પિભવન કરી જ નાખે છે, એ તમારી પસંદગીની વાત છે, સ્વીકાર એ ખરેખર અઘરી બાબત છે, અને તે કોઈ વખત અવ્યવહારુ પણ લાગી શકે. તો તમારી જાતને સ્વસ્થ રાખવા માટે શું કરવાનું? એવું કઈ છે કે જેને અપનાવવાથી તમે જ્યાં સુધી એ ઉન્નત સ્તરે ન પહોચી જાઓ કે જ્યાં પહોચ્યા પછી કશું પણ તમને હલાવી ન શકે, ત્યાં સુધી તમને સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થઇ શકે? જવાબ છે: હા.
છતાં, ત્યાં પહોચતા પહેલાં, બે પ્રકારના ગુસ્સાને ઓળખી લેવા જોઈએ, જેને સમજી લઈએ છીએ તેને સંભાળવામાં વાંધો નથી આવતો. હું બીજી પોસ્ટમાં એના વિશે વાત કરીશ.
શાંતિ.
સ્વામી



Saturday, 22 September 2012

તમારી જાતને માફ કરો

શું તમે વજનની સવારી કરો છો કે ઉપાડીને ચાલો છો? જે પણ હોય, જતું કરો. તમારી જાતને માફ કરો

માફી ઉપર ઘણું લખાયું છે, જ્યાં સુધી હું જાણું છું, દુનિયાના દરેક ધર્મોમાં માફીને એક દિવ્ય ગુણ તરીકે ગણવામાં આવે છે. માફી એ એક ખુબ જ ઉદારતા દર્શાવતો ભાવ છે, એ તમારા મનનો ભાર ઓછો કરે છે, અને તમને હળવા મહેસુસ કરાવે છે. જો કે માફ કરવું હંમેશા સહેલું હોતું નથી. હું મારા વિચારો વ્યક્ત કરું એ પહેલાં ચાલો હું તમને એક વાર્તા કહું.

એક વખત એક મઠમાં એક ગુરુ માફી ઉપર ઉપદેશ આપતા હતાં. કેટલાંક શિષ્યોએ દલીલ કરતાં કહ્યું કે જતું કરવું એ એક શ્રેષ્ઠ વાત છે છતાં એ કઠીન છે. તેમને લાગ્યું કે અમુક લાગણીને મનમાં રાખી મુકવામાં શું ખોટું છે ખાસ કરીને જયારે તે ધ્યાનમાં અવરોધરૂપ ન બનતી હોય?

સ્વામીએ તેમની વાત ધ્યાનપૂર્વક સાંભળી. તેમને શિષ્યો ને થોડા બટેકા લાવવા માટે કહ્યું, અને તેના ઉપર તે વ્યક્તિનું નામ લખવાનું કહ્યું જેમને તેઓ માફ કરવા નથી માંગતા; એક વ્યક્તિ દીઠ એક બટેકો. તેમને કહ્યું કે આ બટેકા એક થેલીમાં મૂકવા, અને રોજ મઠમાં લઈને આવવાનું અને સાંજે પાછા પોતાની કુટિરમાં લઇ જવા.

શિષ્યોએ તો તેમની સૂચના મુજબ બીજા દિવસથી થેલી લઈને આવવાનું શરુ કર્યુ. કેટલાંક શિષ્યો તો બીજા કરતા મોટો થેલો લઈને આવ્યા હતાં. એક અઠવાડિયા જેટલો સમય પસાર થઇ ગયો, ભિક્ષુઓને તો આ થેલો લઈને આવવાની વાત હવે હાસ્યાસ્પદ લાગવા માંડી. બટેકા પણ સડવા લાગ્યા અને તેમાંથી દુર્ગંધ છુટવા લાગી. તેઓએ પોતાના ગુરુને પૂછ્યું કે ક્યાં સુધી તેમને આ ક્રિયા ચાલુ રાખવાની છે, કારણકે હવે તેમનાથી આ બિનજરૂરી વજન અને દુર્ગંધ સહન થઇ શકે તેમ નથી.
“તો, તમે શું શીખ્યા?” ગુરુએ પૂછ્યું.
“બટેકા અમારી નકારાત્મક લાગણી જેવા છે. તેમને પકડી રાખવા એ વજન અને દુર્ગંધને સાથે લઈને જીવવા જેવું છે,” તેઓએ જવાબ આપતા કહ્યું.

“બરાબર. પરંતુ, તમે થેલા વગર બટેકાને સાથે રાખી શક્યા હોત?” ગુરુએ કહ્યું, “જો બટેકા તમારી નકારાત્મક લાગણીઓને સૂચવે છે, તો થેલો સૂચવે છે?”
તરત જ ત્યાં આગળ એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ પથરાઈ ગયી. જ્ઞાનનો ઉદય જયારે થાય એ વખતે એવું થતું હોય છે. તેઓ સમજી ગયાં કે થેલો એ એમનું મન હતું.
કૃતજ્ઞતા, એકાગ્રતા અને હકારાત્મકતા જેવી ઘણી બધી આદતોની જેમ માફ કરવાની બાબતને પણ એક આદતની જેમ જોઈ શકાય. એક સજાગ પ્રયાસ, સતત જાતને યાદ અપાવવાનું કે તમારે સડેલો બટેકો તમારા થેલામાં નથી મુકવાનો. અને સમય જતાં, એ તમારી આદત બની જશે, તમારો બીજો સ્વભાવ બની જશે.

આજનો મારો વિષય બીજાને માફ કરવા ઉપર કેન્દ્રિત નથી, પરંતુ પોતાની જાતને માફ કરવા વિષે છે. જયારે બીજા બધા તમારી નજર અને તમારા મનથી દૂર હોય છે, ત્યારે અંતે તમે તેમને માફ કરી જ દો છો, કાં તો પછી તમે તેમને ભુલી જતાં હોવ છો, તેમના દ્વારા જે દુઃખ તમને થયું તે સમય જતાં ઓછુ થઇ જાય છે. પરંતુ, તમે તમારાથી દૂર થઇ શકતા નથી, તમે તમારાથી દૂર ભાગી પણ શકતા નથી, તમે હંમેશા તમારા મનમાં હોવ છો, તમારા કર્મોથી તમે બેખબર નથી રહી શકતા. જાણ્યે અજાણ્યે, જયારે પણ તમે ભૂલ કરો છો, તમે તમારી જાતને એક બટેકો આપો છો.
પોતાની જાત પ્રત્યે મોટી અપેક્ષા રાખવી એ એક માનવ સ્વભાવ છે, આવી અપેક્ષાઓ જ આપણને પ્રગતી કરવાની, પયત્ન કરવાની, કઈક બનવાની, કઈક મેળવવાની, પ્રેરણા આપે છે. અન્ય લોકોને આપણા તરફથી જે અપેક્ષાઓ હોય છે તેના કરતા આપણી પોતાની જાત પ્રત્યેની અપેક્ષાઓને એક કતારમાં ગોઠવવી એ એક ખુબ કઠીન વાત છે. જયારે જયારે તમે તમારી અપેક્ષાઓમાં ખરા નથી ઉતરતાં, તમે તમારી જાતને એક બીજો બટેકો આપો છો.

જયારે તમારી પાસે બધું જ હોય છતાં પણ કઈક ખૂટે છે ની લાગણી, કોઈ પણ જાતનાં દેખીતા કારણ વગર થતી નકારાત્મકતાની લાગણી, પોતાની અંદરનાં આનંદની સ્થિતિને ટકાવી રાખવાની અસમર્થતા...આ બધું એ વાતની નિશાની છે કે તમે તમારી જાત પ્રત્યે કેટલાં સખ્ત છો. આ તમારા નહિ માફ કરી શકવાનાં સ્વભાવનાં લક્ષણો છે.
જયારે તમે તમારી જાતને માફ કરતા થઇ જાઓ છો ત્યારે બીજાને માફ કરવાની જરૂરિયાત એકદમ ઓછી થતી જાય છે. કારણકે માફી આપવાનો સવાલ તો જ ઉઠે કે જયારે તમને એમ લાગે કે તમારી વિરુદ્ધ કઈ ખોટું થઇ રહ્યું છે. જો તમને બીજાએ જે કર્યુ એમાં કશું ખોટું ન લાગે, કે પછી તમે તેનાથી અસરમુક્ત થઇ જાઓ, તો પછી માફ કરવાને માટે કોઈ કે કશું રેહતું જ નથી. જેમ વધુ તમે તમારા કૃત્યોને માફ કરતા શીખી જાઓ છો, એટલા જ વધુ તમે બીજાના કૃત્યોથી અસરમુક્ત રહી શકો છો. વિરોધાભાસી લાગે છે? ફક્ત જો માફીને ખોટું કર્યે રાખવાનું લાઇસન્સ ગણી લેવાની ભૂલ કરો તો કદાચ વિરોધાભાસી લાગી શકે ખરું.
તો, તમારી જાતને માફ કેવી રીતે કરવાની? ચાલો હું તમને એક સાદા બે જ સ્ટેપમાં તે બતાવું.
૧. લખી નાખો
શાંતિથી બેસો અને તમે તમને કઈ કઈ બાબતો માટે માફ કરવા માંગો છો એનું લીસ્ટ બનાવો. તમારા લીસ્ટમાં ખાલી તમારા કર્મો જ નાં હોવા જોઈએ, પરંતુ તમારી નિષ્ફળતાઓ પણ લખો, તમે તમારા જીવનમાં શું ખોટુ કર્યુ છે, જે કઈ પણ કમનસીબ બનાવો તમારી સાથે બન્યા છે એ પણ લખો. તમારી જાત ને માફ કરો. તમને સ્વસ્થ કરો. આપોઆપ તે થવા દો. તમારી જોડે જે કઈ પણ ખોટું થયું કે થઇ રહ્યું છે એમાં તમારો વાંક છે, એવી અફસોસની લાગણીને જતી કરો. ઘણીવાર પ્રામાણિક પસંદગી અને સારા હેતુ પણ મુશ્કેલી ભરી પસંદગી અને ખોટા પરિણામ તરફ લઇ જતાં હોય છે. તમે તમને એ સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યુ, તમને જે બરાબર લાગ્યું તે કર્યુ. તમે તે જ્ઞાનપૂર્વક કર્યુ અને તે પણ જો ખોટું ઠર્યુ હોય તો પણ તમારી જાતને માફ કરો, ખાસ કરીને જો તમે એ જ વાતનું પુનરાવર્તન થાય એવું ના ઇચ્છતા હોય તો. શા માટે? કેમ કે ભૂતકાળને બદલી શકાતો નથી, અને ફક્ત એટલી જ વાત તમારા વર્તમાનને સજા કરવા માટે અને ભવિષ્યને ખતમ કરવા માટે પુરતી નથી. હકીકતમાં, તમારી જાત ને માફ કરવાથી તમારી અંદર એક સંકલ્પ અને શક્તિ પેદા થશે જે તમને આવી ભૂલો ફરી ના થાય એના માટે મદદરૂપ બનશે.
૨. નિશ્ચિતપણે માફ કરી દો
અરીસા સામે ઊભા રહો, બધી વિગતોને વાંચી જાઓ, થોડી ક્ષણો પુરતું એના વિષે ચિંતન કરો અને મોટેથી કહી નાખો “હું મારી જાત ને માફ કરું છું” તમે આજ વાતને ભારપૂર્વક કહેવા માટે બીજા કોઈ પણ શબ્દો કે વાક્યોનો ઉપયોગ પણ કરી શકો છો. એ બાબતને ભૂસી નાખો અને હવે બીજી બાબત ઉપર પહોચો. આખું લીસ્ટ પૂરું થઇ જાય ત્યાં સુધી આમ કરો. જો તમે સાચી રીતે આમ કરશો તો આખી એક્સરસાઈઝ કરતી વખતે કાં તો તમે રડી ઉઠશો કે હસી પડશો. જયારે તમારું લીસ્ટ ખતમ થઇ જાય ત્યારે તેને ફાડી ને નષ્ટ કરી નાખો. જયારે તમે ફરી આ પ્રયોગ કરો ત્યારે ફરી વખત નવું લીસ્ટ બનાવો. એમાં કદાચ ફરીથી એની એ જ બાબત આવી શકે, પરંતુ, દર વખતે નવું લીસ્ટ બનાવો અને એના ઉપયોગ પછી તેને નષ્ટ કરી નાખો.

જયારે બીજું કોઈ “સોરી” કહે, તમે કહો છો “કઈ વાંધો નહિ”, પણ તમે તમારી જાત ને એમ કેટલી વખત કહ્યું છે? ટેઈક ઈટ ઇઝી.
જો તમે આ પ્રયોગમાંથી ખરેખર લાભ મેળવવા માંગતા હોય તો બે એક સરખા લાંબા લીસ્ટ બનાવો. પહેલું લીસ્ટ એ બાબતોનું જેના માટે તમે તમારી જાતને માફ કરવા માંગતા હોય. અને બીજું, તમે બીજાને જે બાબતો માટે માફ કરવા માંગતા હોય. દરેક ભૂલ જે તમે કરી હોય એના માટે તમે તમને માફ કરી દો, અને બીજાને એની ભૂલ માટે માફ કરી દો. તમે બધા બટેકાથી બહુ જલ્દીથી મુક્ત થઇ જશો.

મુલ્લા નસરુદ્દીન એક વખત એક કબ્રસ્તાનમાંથી પસાર થઇ રહ્યા હતાં. એક કબર પરના લખાણે તેમનું ધ્યાન ખેચ્યું. લખ્યું હતું: “મરી નથી ગયા, ખાલી સુતાં છે”

એ વાક્ય ઉપર થોડી વાર વિચાર કર્યા પછી, મુલ્લા બોલ્યા, “ઓહ, એ બીજા કોઈને નહિ પણ પોતાની જાત ને જ મુર્ખ બનાવે છે”

ખોટું પુષ્ટિકરણ બહુ નથી ચાલતું. જયારે તમે તમારા વિષે ચિંતન કરતા હોવ ત્યારે તમારા બોજાને નકારો નહિ, તમે જોશો કે તમારો થેલો કેટલો મોટો છે, બટેકા કેટલાં જુના છે, કેટલું વજન છે, તમને તેને ખાલી કરવાની એક તક મળશે, તમે તમને ખુદને એક પીછા જેટલાં હલકા મહેસુસ કરશો, મુક્ત થશો અને છેક ચંદ્ર પર પહોચી જશો.
એક ઊંડો શ્વાસ લો. અને છોડી દો. માફ કરવાની પ્રેકટીશ કરો, તમારી જાત સાથે પ્રથમ શરૂઆત કરો. તમારી જાત ને સારી રીતે પ્રેમપૂર્વક અને કાળજીપૂર્વક રાખો, દયા ભાવ રાખો, તમારું જીવન એના ઉપર આધારિત છે.
  (Image credit: Tom Claytor)
શાંતિ                                                                       
સ્વામી
 
 

Monday, 17 September 2012

બીજા લોકોની નકારાત્મકતા સાથે કેવી રીતે કામ લેવું

લોકોની નકારાત્મકતા તેમની પોતાની ભાવાત્મક અવસ્થા છે જે તેઓ તમને આપે છે. જો તમે તે નાં સ્વીકારો, તો તેનું પ્રસરણ થતું નથી.
 
કુટુંબમાં, સમાજમાં અને આ દુનિયામાં જીવન જીવતા, કોઈ વખત તમારાં દેખીતા કોઈ પણ વાંક વગર, તમે એવી પરિસ્થિતિમાં મુકાઈ જતાં હોવ છો, જેમાં સામેની વ્યક્તિ નકારાત્મક, તટસ્થ, થોડી વધારે પડતી દોષગ્રાહી, થોડી વધારે અસંવેદનશીલ બની જતી હોય છે. જો તમને ખબર હોય કે આવી વ્યક્તિઓ સાથે અને આવી પરિસ્થતિમાં કઈ રીતે કામ લેવાય, તો તમારી આંતરિક આંનંદની સ્થિતિ અને શાંતિ અસરમુક્ત રહેશે. જોકે હું આ વિષય પર મારા વિચારો રજુ કરું તે પહેલા મારા આ વિષય પરનાં વિચારો એક ઉદાહરણથી સ્પષ્ટ કરી દઉં.
 
કલ્પના કરો કે તમે એક બાળકોના ડોકટર છો અને સવારમાં ચાલવા માટે નીકળ્યાં છો. એક નાનો છોકરો સ્કેટબોર્ડ લઈ ને પાછળથી આવતો હોય છે, તે પોતાનું સમતોલન ગુમાવી દે છે અને તમારી જોડે ભટકાઈ પડે છે. તમે ઈજાગ્રસ્ત થઈને પડી જાઓ છો. દેખીતી રીતે તમારો કોઈ વાંક નહોતો, છતાં પણ તમે પડો છો અને તમને દુઃખ થાય છે. તમારે સહન કરવું પડે છે, તમારે પ્રાથમિક સારવારની, તમારાં પ્રત્યે ધ્યાન આપવાની, અને તમારે સાજા થવાની પ્રથમ જરૂર છે. આ એક અકસ્માત હતો કે જાણી જોઇને કરેલું કર્મ એની પરવાહ કર્યા વગર પેલા છોકરાને દવા આપવાથી તમારાં ઘાવ સાજા થવાના નથી.
 
ઉપરની વાત ધ્યાનમાં રાખી, આ “તેમને” શું કર્યુ, આવું “તેમને” શા માટે કર્યુ, “તેઓ” આવા કેમ હશે, “તેઓ” ક્યારે સુધરશે, વિગેરે વિગેરે ઉપર મારું ધ્યાન નથી. મારું ધ્યાન “તેઓ” ઉપર નથી, મારું ધ્યાન છે “તમારાં” ઉપર. આપણે “તેમને” ન બદલી શકીએ, આપણે “તમને” બદલી શકીએ. તેઓ ખોટા હોઈ શકે છે, તેઓ ખરાબ હોઈ શકે છે, હકીકત એ છે કે જો તમે દુ:ખી થયા હોય તો તમને કેમ સાજા કરવા, તમને કેમ સાચવવા, તમને કેમ મજબુત બનાવવા તે  આપડે સમજવું પડશે. તમારી સાથે જે કઈ પણ ન બનવાનું બન્યું, જો તમે તે ફરી ન બને તેમ ઈચ્છતા હોવ તો તેના માટે તકેદારીના પગલાં તમારે ખુદને જ લેવા પડશે.
 
જયારે તમે એવા લોકોથી ઘેરાયેલાં હોવ કે જે તમને લાગણીથી નિચોવી નાખતા હોય, મગજથી થકવાડી દેતા હોય, તેમની નકારાત્મકતા તમને આપતા હોય, તમને નિરુત્સાહ કરી નાખતા હોય, તમને નક્કામાં, બિનજરૂરી કે ઓછા મહત્વનાં હોવાનો અહેસાસ કરાવતા હોય તેમજ એવી ઘણી બધી નકારાત્મક લાગણીઓનો અનુભવ કરાવતા હોય; તો કોઈ એક જગ્યાએ તે એ પણ સૂચવે છે કે તમે તમારી જાતનું બરાબર રક્ષણ કરતાં નથી, તમે તમારું બરાબર ધ્યાન નથી રાખતા તમે તમને બીજાને હળવાશથી લેવા દો છો. જો તમે તમારી જાતને આવી રીતે રાખશો તો, પરિણામે તમે તમારા પોતાનાં માટે વિષાદગ્રસ્તતા, કમજોરતા, અને નિર્બળતા અનુભવશો. એવા કેટલાંક પગલાં છે જે તમે લઇ શકો  છો, અને આજનો મારો વિષય પણ આજ છે – બીજાની નકારાત્મકતા સાથે કેવી રીતે કામ લેવું. ત્રણ વસ્તુ એવી છે જે તમે કરી શકો છો.

 

૧). તમારી જાતને અભિવ્યક્ત કરો.

સામેની વ્યક્તિને બને એટલું નમ્રતાથી એટલું સ્પષ્ટ કરી દો કે તમને તેમની વાતો, ટિપ્પણીઓ, અને વર્તનની બિલકુલ ગમતાં નથી. તેમને જણાવી દો કે તમે હકારાત્મક રહેવાનું પસંદ કરો છો, અને તમારો એમની સાથેના સંબધને સમૃદ્ધ કરવા માટે તમને એક ચોક્કસ સન્માન, સ્વીકાર, અને થોડી અંગતતા (પર્સનલ સ્પેઇસ) જોઈએ. જો બીજી વ્યક્તિ તમને ખરેખર પ્રેમ કરતી હશે તો તે ચોક્કસ આ વાતનો ખ્યાલ રાખશે. અને જો તે જૂની પદ્ધતિ ચાલુ રાખે તો, એ તમે છો કે જેને હવે એ નિર્ણય લેવાનો છે કે તમારે સહન કરવું છે ને ટકાવવું છે, કે પછી આગળ વધવું છે. તેઓ બદલાઈ શકે તેવી શક્યતા નહીવત છે. 

૨). તમારી જાતને દુર કરી દો.

જો તમે સામેની વ્યક્તિને વારંવાર તમારી વાત ભૂતકાળમાં કહી ચુક્યાં હોય અને તેનાંથી કશો ફર્ક પડ્યો ન હોય તો તમારી જાતને એ જગ્યાએથી શારીરિક રીતે દુર કરી દેવાથી તમને મદદ મળશે. જયારે તમારાં માટે સંબધને તોડી નાખવો શક્ય કે વ્યાજબી ના હોય તો ખાલી ઉભા થઈને થોડું ચાલવા માટે જતાં રહો, જેથી કરીને તમારી દ્રષ્ટી અને પરિસ્થિતિમાં બદલાવ આવે. આ રીતે સામે વાળી વ્યક્તિને પણ એક સંદેશ મળે.. હું એમ નથી કેહતો કે હંમેશા દરેક ન ગમે તેવા સંવાદો થાય તો તેમાં આ વલણ રાખો, પરંતુ કોઈ વખત આ સામાન્ય અને જરૂરી હોય છે. તેમ છતાં જો તમે કાયમ માટે નકારાત્મકતા અને ટિપ્પણીઓનો સામનો કરતા હોય તો, તમારી જાતને આ પરિસ્થિતિથી દુર કરી દેવી એ જ એક માત્ર પસંદગી હોય છે. 

૩). તમારી જાતને અવાહક બનાવો

કારની અંદર રહેલા સેફટી ફીચર્સનો વિચાર કરો, ટ્રેકશન કંટ્રોલ સીસ્ટમથી એક્ટીવ સેફટી બનેલી હોય છે, અને સીટ બેલ્ટથી પેસિવ સેફટી. તમારી જાતને અવાહક બનાવવી તે એક પેસિવ સેફટી છે. તેમાં જો કે કોઈ ધમાકાની જરૂર એર બેગને ખોલવા માટે નથી. બીજી વ્યક્તિની ટિકા-ટિપ્પણી, નકારાત્મકતા તરફ અસંવેદનશીલ થઇ જવું તે એક તમે જે છો તે બની રહેવાનો તેમજ તમારી જાતનું રક્ષણ કરવાનો એક સરસ રસ્તો છે, છતાં એ સરળ નથી.

થોડા સમય પેહલા મેં એક “ટિકા-ટિપ્પણીઓ થી કેવી રીતે કામ લેવું?” વિષય ઉપર એક પોસ્ટ લખી હતી, જો તમારે ફરીથી એ વાચવી હોય તો. તેમાં તમારી જાત ફરતે કવચ બનાવવાના પાંચ રસ્તા વિષે લખ્યું છે. જયારે તમે તમારી જાતને નકારાત્મકતા અને ટીકા-ટીપ્પણીઓને અસંવેદનશીલતાનું કવચ બનાવીને રક્ષા કરો છો ત્યારે તમને અંદરથી એક શક્તિનો અનુભવ કરો છો એટલું જ નહિ પરંતુ સામે વાળી વ્યક્તિને રીતસરની શક્તિહીન બનાવી દો છો.  તેઓને જયારે તમારી તરફથી કોઈ પ્રત્યુત્તર નથી મળતો, તેઓની તમારી મન:સ્થિતિને બદલવામાં મળતી નિષ્ફળતાથી તમને એક ચોક્કસ ફાયદો થાય છે જેમ કે તમારામાં એક દ્રઢતા એક નિર્ભયતાની ભાવના જાગે છે અને એક શાંતિની ચાદર તમારા મનને ઢાંકી દે છે.
મહાત્મા ગાંધીજીના માતુશ્રી એટલે કે પુતળીબાઈ, તેમને એક વખતે ગાંધીજીને કહ્યું કે તે તેમની રખડું છોકરાઓ સાથેની સોબતથી ચિંતિત છે. ગાંધીજી એ વખતે તરુણ વયનાં હતા એટલા માટે પુતળીબાઈને એમની વધુ ચિંતા થતી હતી.
“હું નથી ઈચ્છતી કે તું તેમના જેવો થાય, એટલા માટે મને લાગે છે કે તારે એવા છોકરાઓની સાથે ન રમવું જોઈએ, નહી તો તું પણ એ બધાની જેમ એક લોફર જેવો બની જઈશ.” – પુતળીબાઈએ કહ્યું.
“મારામાં વિશ્વાસ રાખ, મા. હું તેમની સાથે ફરું છું જેથી હું તેમને બદલી શકું. તેઓ મને નહિ બદલી શકે. હું માનસિક રીતે તેમનાથી વધુ સખ્ત અને લાગણીની દ્રષ્ટીએ તેમનાથી વધારે મજબૂત છું.”
પુતળીબાઈ તો એ જ જગ્યાએ અવાક થઇ ઊભા રહી ગયાં અને ગાંધીજીએ પોતે આખી જીન્દગી સુધી તેમનું બોલેલું પાળી બતાવ્યું.
કોઈ પણ વ્યક્તિ તેની પોતાની નકારાત્મકતા તમારમાં ત્યારે જ પ્રસરાવી શકે જયારે તે તમારાથી વધુ મજબૂત હોય. એટલા માટે જ અંતર્મુખી બનવાની પ્રક્રિયા તમને પોતાને બદલવાની પ્રક્રિયા છે, તમને મજબૂત બનાવવાની પ્રક્રિયા છે, કે જેથી કરીને તમે હમેશાં આ બધી નકારાત્મકતાની અસરથી મુક્ત રહી શકો. જે લાગણીને તમે તમારા હૃદયમાં ફૂટવા દો છો, જે વિચાર તમે તમારા મગજમાં સંઘરી રાખો છો, કોઈ પણ પરિસ્થિતિમાં તમે તમારો જે પ્રત્યાઘાત પસંદ કરો છો, તે તમારી અંગત બાબત છે, તે એક બીજા પર આધારિત કે જોડાયેલું કે સંબધિત હોઈ શકે છે, પણ તે તમારી અંગત બાબત બની રહે છે. સાવધાન બનો, સજાગ રહો.
 (Image credit: Leon Zernitsky)

શાંતિ                                                              
સ્વામી




 

 

 

 

 

 

                                                                                                                                                                            

 

Friday, 14 September 2012

શું તમે મહત્વનાં છો?

તમે તમારામાં જે હોય છે તે બીજામાં જુઓ છો. જો તમે તમારા પર વિશ્વાસ રાખતા હશો તો તમે બીજાનાં મનમાં પણ એ વાત રેડી શકશો.
જો તમે મહાન કે સફળ માણસોની જિંદગી તપાસશો, તો તમને તેમાં એક લક્ષણ ચોક્કસ દેખાશે. એક એવો ગુણ - એક એવું પાસુ, કે જે તેમને તેમના વ્યક્તિત્વમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર ધારણ કરેલું છે. તેઓ નમ્ર લાગતા હોય તેમ છતાં તે પોતાના સ્વ-મહત્વથી કામ કરતા હોય છે. કોઈ વખત ગર્વ અને ગૌરવ વચ્ચે, તો કોઈ વખત દ્રઢતા અને ઘમંડતા વચ્ચેની પાતળી ભેદરેખા ભુસાતી જતી હોય એવું લાગે, તેમ છતાં તેઓ પોતાનું કામ ખુબ જ આદરપૂર્વક આયોજિત કરતાં હોય છે.

આત્મવિશ્વાસ આવે છે સ્વનું મહત્વ અનુભવવાથી, દૃઢવિશ્વાસ આવે છે પોતાનાં કામનું મહત્વ સમજવાથી, અને, સંતોષ આવે છે જયારે તમે બીજાને તેમનું પોતાનું મહત્વ અનુભવડાવો છો. હકીકતમાં બીજાને પોતાનું મહત્વ સમજાવવાની જે કલા છે તે જ નેતા અને માલિક તેમજ અસામાન્ય અને સામાન્ય ને એકબીજાથી જુદા પાડે છે.

સ્વ-મહત્વ એ એક એવો શબ્દ છે જેનાં ઉપર લોકો ભવાં ચડાવતા હોય છે, મોટાભાગે તેને અહંની સમકક્ષ ગણી લેતા હોય છે. તેમાં કદાચ કોઈ નકારાત્મક સુચિતાર્થ હોઈ શકે છે. તેમ છતાં જયારે સ્વ-મહત્વને પ્રભાવશાળી રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે સફળ જીવન માટેનું એક જરૂરી ઘટક બની જાય છે. ચાલો વિષયવસ્તુને બે વર્ગમાં વહેચીને સમજીએ:

૧. તમે પોતે મહત્વનાં છો એમ માનવું.
જયારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખો છો અને તમને લાગે કે તમે જે કરો છો એ મહત્વનું છે, ત્યારે તમે આંતરિક શક્તિ પેદા કરો છો. તમારા કામને જયારે તમે મહત્વનું ગણો છો, ભલેને એ પછી નાનકડું કેમ નાં હોય, તે તમારાં આત્મગૌરવને પોષનારું બને છે અને તેનાથી પેદા થતો જુસ્સો તમારામાં એક આત્મવિશ્વાસ જગાડે છે, અને આ આત્મવિશ્વાસ તમારી ધ્યેયપ્રાપ્તિ અને સફળતામાં એક અગત્યનો ભાગ ભજવે છે, ચાહે તે આધ્યાત્મિક પ્રયાસ હોય કે પછી ભૌતિક.

તમે તમારુ કેટલું મહત્વ આંકો છે એ બાબત ત્રણ વસ્તુ પર આધારિત છે: પ્રથમ, તમે તમને કેવી રીતે જુઓ છો, બીજું, તમે જે કંઈપણ કરો તેમાં તમે કેટલા અંશે સફળ રહો છો, અને ત્રીજું, બીજા લોકો તમેને કેવી રીતે જુએ છે. જો તમે પ્રમાણિકપણે તમારાં મહત્વનાં કામ માટે પ્રયત્નશીલ રહેતા હશો તો પ્રથમ વાત આપોઆપ વધી જશે. અને જેમ જેમ પ્રથમ અને બીજી વાત સુધરતી - વધતી જશે તેમ તેમ ત્રીજી વાત ધીમે ધીમે તમારા માટે ઓછી મહત્વની થતી જશે.

કોઈએક જગ્યાએ, મેં એકવાર નોબેલ પારિતોષિક વિજેતા, ભારતીય ફિલસૂફ અને લેખક, રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા ટાંકેલી છે, અહીં ફરી એકવાર કહું છુ:

ટાગોરનો એક શિષ્ય હતો જે બહુ સરસ ચિત્રકાર હતો. જો કે તેને લોકો તેના વિષે, તેના કામ વિષે શું વિચારતા હશે, અને તેમના મત શું હશે એની ચિંતા કાયમ થયા કરતી. તેની ચિંતા એટલી વધી ગયી કે તેની સર્જનાત્મક શક્તિ રૂંધાવા લાગી. ઘણાબધા પ્રસંગોએ ટાગોર એને કહેતા કે જયારે જયારે કલાની વાત આવે ત્યારે તેને પોતાના હૃદયનું સાંભળવું જોઈએ, તેને જે ઠીક લાગે તે તેને દોરવું જોઈએ, અને કેનવાસ તેનાં માટે રમતનું મેદાન હોવું જોઈએ નહિ કે લોકોના મતનો ટોકરો.

એક દિવસે, તેને ટાગોરનું સુંદર ચિત્ર દોર્યું. તે બધી રીતે સંપૂર્ણ હતું. ટાગોરે પોતે પણ તે પસંદ કર્યુ, પરંતુ તે શિષ્યને ખાતરી નહોતી, તેને ટાગોરને પુછ્યું કે તે ચિત્ર વિષે બીજા લોકોના મત લઈએ તો કેવું? ટાગોરને લાગ્યું કે આ પાઠ શીખવવાનો એક સારો મોકો છે.

“સારું તારે જો ખરેખર જાણવું જ હોય કે બીજા લોકો શું વિચારે છે,” ટાગોરે કહ્યું, “જા અને સવારમાં વ્યસ્ત બજારમાં એક ખૂણા આગળ આ ચિત્ર મૂકી આવ. મારો એક અસલ ફોટો પણ સાથે મૂકજે, જોડે થોડી પેન્સિલો અને લોકોના મત માંગતી એક નોંધ પણ મૂકજે. આખો દિવસ તેને ત્યાં રેહવા દેજે અને સાંજે તેને પાછું અહી લઇ આવજે.”
શિષ્ય તો સહમત થઈ ગયો. બે દિવસ પછી એ પાછો ટાગોરને મળવા ગયો. તે એક્દમ નાખુશ જણાતો હતો.

“મને મારી ચિત્રકલા ઉપર ખુબ જ આઘાત લાગ્યો છે. તમે કહેતા હતા કે ચિત્ર સંપૂર્ણ રીતે સરસ છે, પણ મને ખબર હતી કે એ સંપૂર્ણ નથી. અને એવુંજ બીજા બધાને પણ લાગે છે,” તેને એ ચિત્ર નાખુશ થઈ ને ટાગોરે સમક્ષ મુકયું. ચિત્ર કાળા કુંડાળા અને ડાઘ-ધબ્બાઓ થી ખરડાઈ ગયું હતું. લોકો એ આખા ચિત્રમા ભૂલો કાઢીને ભરી મુક્યું હતું.

ટાગોરે થોડી મિનિટો માટે શાંતિ જાળવી અને પછી બોલ્યા, “આ બધા અભિપ્રાયોની મારે મન કોઈ કિંમત નથી. મને તો હજુ ય ચિત્ર સુંદર જ લાગે છે. પણ મને એમ કહે કે તે નોંધમાં શું લખ્યું હતું?”
“નોંધમાં લખ્યું હતું કે, ‘મેહરબાની કરીને આ ચિત્રને અસલ ફોટા સાથે સરખાવો અને જ્યાં ભૂલ દેખાય ત્યાં માર્ક કરો.’”, શિષ્યે કહ્યું.

“બરાબર. હવે કાળા ડાઘા દુર કરી ચિત્રની પાછું લઇ જા.આ વખતે તારી નોંધ બદલીને લખજે ‘મેહરબાની કરી ને અસલ ફોટા સાથે સરખાવીને જ્યાં ફર્ક દેખાય તેને સુધારો.’”

અને પ્રયોગને અંતે તે ચિત્રને પાછું ટાગોર પાસે લઇ ગયો અને કહ્યું, “આ વખતે એક પણ કાળો ડાઘ નથી. આમ કેમ? આ એનું એ જ ચિત્ર છે તેમ છતાં કોઈએ કંઈપણ સુધાર્યું નહિ.” ટાગોરે કહ્યું, “ખામીઓ કાઢવી બહુ સહેલી છે, બેટા. મોટાભાગનાં લોકો ખામી અને ખૂબી વચ્ચેનો ભેદ પારખતાં હોતા નથી. જો પારખી શકતાં હોત તો તેઓ બીજાની ભૂલો શોધવામાં સમય ના બગાડતાં પોતાની ખૂબીઓ બનાવવામાં વ્યસ્ત હોત. જયારે તારી પોતાની કલાની વાત આવતી હોય ત્યારે તારી અંત:સ્ફૂરણા પર વિશ્વાસ રાખ.”

જો તમે પોતે જ તમે કોણ છો અને શું કરો છો તેમાં વિશ્વાસ ના રાખો, તો પછી બીજા લોકો તમારાં પ્રસ્તાવનું સમર્થન કેવી રીતે કરશે? હકારાત્મક સ્વ-મહત્વ તો જ આવશે જો તમે તમારી જાત સાથે પ્રામાણિક હશો, અને તમારો તમારાં કામ પ્રત્યેનો મત પ્રામાણિક હશે. તમારી જાત ને પ્રેમ કરતા શીખો, તમારી જાતનું ધ્યાન રાખો, તમારી જાત ને સારી રીતે રાખો, આ રીતે તમે તમને મહત્વના અનુભવ કરી શકો છો.

૨. બીજાને તેઓ પોતે કેટલાં મહત્વના છે તેનો અનુભવ કરાવો.
આ એક એવો ગુણ છે જે દરેક નેતામાં હોય છે, અને એ દરેક સંબધમાં સુસંગતતા અને સમજણ લાવે છે.
તમારો કોઈ પણ પ્રકારનો સંબધ હોય ચાહે વ્યાવસાયિક કે અંગત, જો તમે કોઈ ને પ્રેરિત કરવા માંગતા હોવ તો, તમે તેમને તમારામાં વિશ્વાસ કરતા કરો, તમારાં પોતાનાં બનાવો. તમારે તેમને તેઓ પોતે મહત્વનાં છે એવું માનતા કરવા પડશે. જયારે તમે કોઈને તે પોતે મહત્વનાં છે એવું માનતા કરો, ત્યારે તમે તે વ્યક્તિ સાથે એક ખાસ બંધન પેદા કરો છો. તમારો સંબધ અને તેનાથી મળતું બળ એક ખાસ બાબત બની જાય છે, તે પ્રેમની અને કાળજીની એક નિશાની છે. તમે આપોઆપ તે વ્યક્તિમાંથી હકારાત્મક લાગણીઓનો અનુભવ કરો છો.

બીજાને તેઓ પોતે કેટલા મહત્વનાં છે તેવું માનતાં કરવા માટેનાં ત્રણ સહેલા રસ્તા છે:

(અ). સારા વચનો કહેવા.
તમે ચકિત થઇ જશો એ જોઇને કે એક પ્રામાણિકપણે કેહવાતા સારા વચનો શું કરી શકે છે. દરેકમાં કઈ ને કઈ તો સારી બાબત ચોક્કસપણે હોય છે જ, તેના પર ધ્યાન આપો અને તેને સારા શબ્દોમાં સામે વાળાને કહો. એ રીતે, તમારું વચન સત્ય, પ્રામાણિક, અને તથ્યપૂર્ણ પણ હશે, અને તેની અસર ખુબ જ ઊંડી તેમજ લાંબી હશે. જયારે જે સંબંધમાં બન્ને વ્યક્તિઓ ખુશ હશે તો એ સંબધનું પોષણ પણ સરળ રીતે થઇ શકશે.

બ). કાળજી
જયારે તમે તમારા શબ્દોથી અને હાવભાવથી સામેવાળા પ્રત્યે કાળજી દર્શાવો છો ત્યારે તમે સામેવાળાને પોતે કેટલો ખાસ, તમારાથી કેટલો નજીક, અને પ્રેમાળ છે એવું અનુભવે છે. કાળજીનો અર્થ એવો નથી કે તમારે હમેશાં કઈક મોટું ભવ્ય કામ કરવું પડે, કાળજી કે પ્રેમ એક સાદા હાવભાવ દ્વારા પણ દર્શાવી શકાય કે બીજી વ્યક્તિ તમારા માટે કઈક છે, તેમની ખુશી અને તેમનું કલ્યાણ તમારા માટે મહત્વનાં છે.

ક). ધ્યાન
જયારે કોઈ તમારી સાથે વાત કરતુ હોય, તમારે તેને સંપૂર્ણપણે ધ્યાન આપી ને સાંભળવું જોઈએ. મારી દ્રષ્ટીએ આ જગ્યાએ મોટા ભાગના લોકો ટુંકા પડે છે, ખાસ કરી સંબધ જયારે વધારે ઘાઢ હોય. જયારે બીજી વ્યક્તિ તમારી સાથે વાત કરતી હોય, તમે તેને ધ્યાન દઈ ને સાંભળતા હોવ ત્યારે તમે તેના મનમાં તે પોતે કેટલી મહત્વની છે, કેટલી ખાસ છે એવો ભાવ પેદા કરો છો.

જયારે તમે બીજાને તેઓ પોતે કેટલાં મહત્વનાં છે એવું અનુભવડાવો છો, ત્યારે તેમનામાં તાકાત, ધૈર્ય, અને વિશ્વાસ પેદા થાય છે. બદલામાં તેઓ તમને સારી રીતે પ્રેમ કરવા માટે સક્ષમ બને છે, તમને જરૂર હોય ત્યારે તમારી સાથે ઊભા રહે છે. તમારે જો કે પ્રામાણિક રેહવું પડશે.

એક વખત મુલ્લા નસરૂદ્દીન ખરીદી કરવા ગયાં. “મારે મારી સૌથી પ્યારી સ્ત્રી માટે એક શુભેચ્છા-કાર્ડ લેવું છે” તેમને કહ્યું.

દુકાનદારે એક કાર્ડ બતાવ્યું જેમાંનું લખાણ કહેતું હતું, “તું એક માત્ર એવી છે જેના માટે હું જીવી શકુ છું અને મરી પણ શકુ છું.”
“આ સુંદર છે.” મુલ્લાએ કહ્યું, “મને આવા છ કાર્ડ આપો.”

અપ્રમાણિકતા ક્ષણભંગુર હોય છે, હમેશાં પ્રામાણિક બનો.

જો તમે તમારી જાતને પ્રેમ કરતા હોવ, તો બીજા ને પ્રેમ કરવું તમને સરળ લાગશે. તમને તમે પોતે મહત્વનાં લાગતા હશો, તો તમે બીજાને પણ એવો જ અનુભવ આપી શકશો. આપણે જે ઊંડે ઊંડે હોઈએ છીએ તે જ આપણે બીજાને અનુભવડાવી શકીએ છીએ. જો તમારે તમારાં માટે તમે જે નથી, એ અનુભવવું હોય તો તમારે બીજાને એ આપવાનું ચાલુ કરી દેવું જોઈએ, કુદરત તમને તે જ વાતનું બદલામાં પ્રદાન કરશે.

જાવ! કોઈને તે ખાસ છે તેવું અનુભવવા માટે મદદ કરો, તેમનો દિવસ ખાસ બનાવો, તમારી જાતને અભિવ્યક્ત કરો.

શાંતિ.
સ્વામી

મજબુત થવા માટે દયાવાન બનો

જેવી રીતે વરસાદનું પાણી તળાવમાં એકત્રિત થાય છે, તેવીજ રીતે સદગુણો હૃદયમાં એકઠા થાય છે. મજબુત થવા માટે દયાવાન બનો.
લગભગ તમારા જીવનની દરેક પરીસ્થિતિમાં જો તમારી આત્મશક્તિ, તમારું ધ્યાન, તમારું લક્ષ્ય, ને તમારાં પ્રયત્નો જો તમારી મુશ્કેલીઓ સામે લાંબા સમય સુધી ટકી રહે, તો તમે જે ધાર્યું હોય તેને પાર પાડી શકો છો. એક દયાળુ-માયાળુ હૃદય એ એક અડગ અથાગ અને અજબ માનસિક શક્તિનું જન્મસ્થાન છે. આ એક વિરોધાભાસ લાગી શકે પરંતુ દયા અને મજબૂતાઈ એકબીજાના પુરક મુલ્યો છે. આજે હું તમને એક ખુબ જ પાવ૨ફુલ પ્રેકટીશ બતાવીશ કે જે તમને ખુબ જ આંતરિક શક્તિ આપશે, તમારુ શુદ્ધિકરણ કરશે અને તમારું મન અને હૃદય મજબુત બનાવશે. જેથી કરીને તમે તમને જેવા બનાવવા કે જોવા માંગતા હોય તેવા બનાવામાં આ યુક્તિ તમને મદદ કરશે.

મેં ઘણી વાર લખ્યું છે કે કોઈ ઉપર પ્રેમ રાખવા માટે, તેમની આંખોના તારા બનવા માટે કે પછી તેમના માર્ગદર્શક કે આધારસ્તંભ બનવા માટે થોડા પ્રમાણમાં આંતરિક શક્તિની ચોક્કસપણે જરુર પડતી હોય છે. તમને એ જાણી ને નવાઈ લાગશે કે એનું ઉલટું પણ એટલું જ સત્ય છે. અર્થાત કે જો તમે પ્રેમાળ, કાળજી લેનાર, મદદરૂપ, કે દયાળુ બનવાનું પસંદ કરો તો તમે આપોઆપ જ તમે એક ખુબ જ શક્તિશાળી વ્યક્તિ બની જશો.

એક વખતની વાત છે, એ સમયે એક સ્થળે એક રહસ્યમય આધ્યાત્મિક વ્યક્તિ રહેતા હતા, લોકો એમને એક આત્મસાક્ષાત્કારી વ્યક્તિ ગણતા હતા. તે પોતે દયા, સત્ય, અહિંસા અને બીજા અનેક સદગુણોથી ભરેલું જીવન જીવતા તેમજ તે સદગુણો વિષે ઉપદેશ પણ આપતા. તેમ છતાં, તેમને ચોરી કરવાની એક વિચિત્ર આદત હતી. તે કાયમ ચોરી કરીને જાતે પકડાઈ જતા, કોર્ટમાં પોતાનો ગુનો કબુલ કરી લેતા અને જેલમાં જતા. આવું જોઈને તેમના શિષ્યો, પડોશીઓ, પોલીસ, જજ અને ખુદ જેલરને પણ મુંજવણ થતી. તેઓ સમજી શકતા ન હતા કે આ માણસ પાસે કશી ખોટ ન હોવા છતાંપછી તે ચોરી કેમ કરે છે? એમને લાગતું કે આ માણસનો પોતાના પરનો બધી વાતે કંટ્રોલ છે, તો પછી તે ચોરી કરવાની આ ખરાબ આદત ને વશ કેમ થઇ જાય છે? બારમાં થી નવ મહિના તો આ માણસ જેલમાં જ ગુજારતો. વારંવાર આજ એક ગુનો જોઈ ને જજને પણ સહાનુભુતિ થઇ જતી પરંતુ કાયદા સામે તે કશું કરી શકે તેમ પણ નહોતા.

સમય જતા તેઓ વૃદ્ધ થયા પરંતુ તેમ છતાં તેમનું ચોરી કરવાનું તો ચાલુ જ રહ્યું. એક દિવસે, તેમના શિષ્યો અને તેમને અનુસરનારા લોકો તેમની સમક્ષ ઉપસ્થિત થયા અને કહ્યું, “ તમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમ છતાંય જો કઈ ખૂટતું કરતુ હોય તો અમને આદેશ આપો અને અમે તે તમને લાવી આપીશું, પણ મેહરબાની કરીને ચોરી ના કરશો. તમારા આ ચોરી ના કર્મને અમે ગહેરાઈથી તો નથી સમજી શકતા, પણ તમને જેલમાં જતા જોતા અમારા હૃદયને ખુબ દુ:ખ થાય છે, અને જયારે તમે અમારી સાથે નથી હોતા ત્યારે અમે તમને ખુબ જ યાદ કરીએ છીએ, અને તમારી અમને ખોટ પડી જાય છે.

“ઓહ, તો તમને મારી ખોટ પડી જાય છે અને તમે મને યાદ કરતા હોવ છો જયારે હું તમારાથી દુર હોવ છું?!!?” બસ આજ તો એકમાત્ર કારણ છે મારું જેલમાં જવાનું કેમ કે જયારે હું જેલમાં નથી હોતો ત્યારે બધા કેદીઓ મને યાદ કરતા હોય છે. તમે તો મુક્ત છો અને મારા જેવા બીજા કેટલાય ગુરુઓ પાસે જઈ શકો છો, પણ કેદીઓ પાસે તો એ સ્વતંત્રતા કે સુવિધા બિલકુલ હોતી નથી. એટલા માટે તો હું જયારે છૂટી જાઉં છું, તરત પાછો ચોરી કરીને જેલમાં જાઉં છું. કારણકે કઈ બધા બંદિવાનો કઈ ગુનેગાર નથી, અને કદાચ કેટલાક એમાના ગુનેગાર હોય તો પણ તેઓને થોડી દયા, થોડી મદદ, કે પછી થોડી સારી સોબતથી સુધારી શકાય છે. માટે હું ચોરી કરીશ અને જેલમાં જવાનું ચાલુ રાખીશ.”

ઉપરોક્ત દંતકથા સાંકેતિક છે અને તેને સંદર્ભમાં સમજવાની છે. જેલ એક એવું સ્થળ છે કે જ્યાં તમારી સ્વંત્રતા ખુબજ ઓછી હોય છે. તેજ રીતે દયાવાન બનવું કઈ કાયમ તમારા માટે આનંદદાયક હોય એ જરૂરી નથી, એ કદાચ આકર્ષક વિકલ્પ ના પણ લાગે. અને કદાચ જેલ જેવું પણ લાગે. તમને શું લાગે છે શા માટે આ બધા પયગંબરો, ઉપદેશકો, મસીહાઓ, ઋષિ મુનીઓ અહી પૃથ્વી ઉપર આવવાની વારંવાર તકલીફ લેતા હોય છે? દયા એ હૃદયપરિવર્તન અને બદલાવ ની પ્રક્રિયા ને વેગવાન બનાવે છે. પ્રેમ, કાળજી, દયા, દાન નું કર્મ એક માત્ર બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી જ થવું જોઈએ.

તમે નિ:સ્વાર્થ ભાવે અને બીજા કોઈ પણ છુપા ઈરાદા વગર જે કઈ પણ કામ કરશો, તો એ તમને હંમેશા મજબુત બનાવશે. અને આવી શક્તિ તમને શાંતિ અને પરમ સુખનો અનુભવ કરાવશે, તમારામાં આત્મસંતોષ અને પૂર્ણતાનો ભાવ જન્માવશે, એવો ભાવ કે જે તમને મનભાવતું ભોજન જમ્યા પછી થતો હોય છે. એક ક્ષણ માટે વિચારો, શા માટે સિંહ જંગલમાં મુક્તપણે ફરતો હોય છે? કારણકે તે પોતાની આત્મશક્તિથી પરીચિત હોય છે. પોતાનું સાચું આત્મદર્શન જ તેનામાં આત્મવિશ્વાસ તેમજ નિર્ભયતા જગાવે છે અને તે જંગલમાં મુક્તપણે ફરી શકે છે અને શિકાર કરી શકે છે. બિલકુલ તેવી જ રીતે જેઓ અંદરથી શક્તિશાળી છે તેઓ કુદરતી રીતે જ વધુ આત્મવિશ્વાસી હોય છે, તે સહજ પણ હોય છે અને શાંત પણ હોય છે.

દયા એ દિવ્યતા તરફ લઇ જતો એક શોર્ટકટ છે. પરંતુ દયા ના બદલામાં જો તમે કૃતજ્ઞતાની પણ અપેક્ષા રાખશો તો તમારું એ દયાનું કર્મ શુદ્ધ સાત્વિક કર્મ નહિ રહે. એ હશે તો દયા જ, તેમ છતાં જો સામેવાળાની પ્રતિક્રિયા તમારી અપેક્ષા મુજબની નહિ હોય તો એ જ દયા તમારી અંદર નકારાત્મકતાનો ભાવ જગાવવા માટે જવાબદાર બની જશે. શુદ્ધ-સાત્વિક દયા કોઈપણ જાતની અપેક્ષારહિત જ હોવી જોઈએ. દયા નું કામ એ કઈ સાચું કે ખોટું હોવાની બાબત નથી, બસ દયા એ દયા હોય છે. જો તમારી દયા (ભલાઈ) થી એક માણસને પણ ફર્ક પડતો હોય તો આખી દુનિયા ને ફર્ક પડે છે કે નહિ એ બાબત બેમતલબ છે.

મને એક બીજી વાર્તા તમને કેહવાનું મન થાય છે:

એક વૃદ્ધ માણસ દરિયાકિનારે સવાર સવારમાં ફરવા ગયો હતો. આગલી રાતે દરિયામાં ભરતી આવી હતી અને દરિયાના મોજા સાથે કંઈ કેટલીએ નાની માછલીઓને કિનારા સૂધી ખેચાઈ આવેલી. હજારોની સંખ્યામાં માંછલીઓ દરિયાકાંઠે પડેલી હતી, તેમાંની બધી કઈ મરેલી નહોતી. તે ઘરડા માણસને આ જોઈને માંછલીઓ માટે દુ:ખ થયું, પણ તેને ચાલવાનું ચાલુ રાખ્યું, કારણકે, તેને લાગ્યું કે તે ભાગ્યે જ આવી પરિસ્થીતિમાં કઈ કરી શકે તેમ છે.

થોડું ચાલ્યા પછી તેને એક બીજા એક નવજુવાન માણસને જોયો, તે વાંકો વળતો, જમીન પરથી કઈક ઉઠાવતો અને દરિયામાં ફેકતો.
“આ શું કરી રહ્યો છે તું?” – ઘરડાં માણસે કઈક નવાઈ પામતા પૂછ્યું.
“ઓહ, હું આ માછલીને બચાવી રહ્યો છુ. સૂર્યોદય થવાની થોડી વાર છે અને જોતજોતામાં માં જ આ માછલીઓ મરી જશે.”
ઘરડો માણસ હસ્યો અને બોલ્યો: “ આ દરિયાકાંઠો માઈલો સુધી ફેલાયેલો છે, અને ભરતીને લીધે હજારોની સંખ્યામાં માછલીઓ બહાર ખેચાઈ આવી છે, અને મરી રહી છે. તું એક મુઠ્ઠીભર માછલી બચાવીશ તો તેનાથી કોઈ ફર્ક નથી પડી જવાનો.”
પેલો નવજુવાન નીચે એક માછલી તરફ ઝુકયો, તેને ઉઠાવી, અને પાછી દરિયામાં ફેકતા બોલ્યો: “આ એક ને તો ફર્ક પડ્યો ને?”

મને આ વાર્તા ખુબ જ સુંદર લાગે છે. દાનકર્મ એ હંમેશા ભૌતિક વસ્તુની વાત નથી. દયા માટે કોઈ એવા ભવ્ય પ્લાન બનાવવા કે જેના અમલીકરણ માટે સમય જ નાં મળે એવી વાત નથી. કોઈ એક નાનું કામ, કોઈ અજાણ્યાં માટે કરેલું કામ, એ બધું જ જમાં થાય છે જેમ તમારા એકાઉન્ટમાં પૈસા જમાં થાય છે તેમ. તમારું એક-એક દયાનું કર્મ તમારા હકારાત્મકતા અને પૂર્ણતાની લાગણી ના એકાઉન્ટમાં જમાં થાય છે. મજબુત બનવા માટે દયાળુ બનવાની ની પ્રેક્ટિસ કરો. તમે કૃતજ્ઞ પણ બનશો અને તમારામાં શાંતિની અનુભૂતિ પણ આપોઆપ પ્રગટશે. દુનિયા આખીને ભલે તમારું દયાનું કાર્ય તર્કહીન કે બેમતલબ લાગતું, એનાથી તમને કશો ફર્ક ના પડવો જોઈએ.

કાં તો મજબુત, પીઢ, દયાળુ, અને મોટા મન વાળા બની દયા ની પ્રેક્ટિસ કરો, કાં તો પછી સહજ દયાવાન બની જાઓ અને તમે જોશો કે બાકી બધા સદગુણો આપોઆપ કુદરતી રીતે તમારામાં આવી જશે જેમ લોઢું લોહીચુંમ્બકની પાસે ખેચાઈ આવે છે તેમ...

સિમટી સિમટી જલ ભરહી તલાવા જીમી સદગુણ સજ્જન પાયી આવા

ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે કે જેમ તળાવમાં વરસાદ ના ટીપાં ભેગા થાય છે તેવી જ રીતે સદગુણો સજ્જન માણસમાં ભેગા થાય છે. કોઈ એક સદગુણની પ્રેક્ટીસ કરો અને બાકીના ઘણા બધા ગુણો તમારા હૃદયને પોતાનું કાયમી ઘર બનાવશે.

જાઓ!, આજે ભલાઈનું કોઈ પણ એક કામ ફાવે તે રીતે કરો. કોઈકને પોતે કેટલો (કે કેટલી) ખાસ છે તેનો અનુભવ કરાવડાવો, કોઈને સારા શબ્દો કહો, કોઈને કઈક બનતી મદદ કરો, કોઈક અજાણ્યા ને શોપિંગ મોલમાં મુવીની ટિકિટ લઇ આપો, પાર્કિંગ એટેન્ડન્ટને, સફાઈ કામદારને, કસ્ટમર સર્વિસ વાળાને , કોઈક અજાણ્યાને, કે કોઈપણને કઈક બનતી મદદ કરો, કોઈને જમાડો, કે કોઈના આઈસ્ક્રીમના પૈસા તમે ચૂકવી દો, તમારાથી જે કઈ પણ થઇ શકે , જે કઈ પણ તમારા મગજમાં આવે. તેનાથી ફક્ત તમે કોઈકના જીવનમાં ફર્ક જ માત્ર નહિ લાવો, તમે ભલાઈના બીજ વાવશો, કે જે એના દિલમાં પણ ભલાઈ ઉગાડશે અને તે ભલાઈ એક યા બીજા સ્વરૂપે કોઈ ત્રીજા સુધી પહોચી જશે. આ દુનિયા રેહવા માટેનું એક વધારે સારું સ્થળ બનશે, અને તમે, એક વધારે સારા વ્યક્તિ.

શાંતિ.
સ્વામી

Share