Wednesday, 31 October 2012

ઠંડુ હોય ત્યારે વધુ તકલીફ આપે

ઠંડી પોચા બરફને કઠણ, બરડ અને ઠંડા સખત બરફમાં ફેરવી નાખે છે. તમે જયારે અંદરથી ઠંડા હોવ છો ત્યારે તે વધુ તકલીફ આપે છે અને તમે સહેલાઈથી તૂટી જાવ તેવા થઇ જાવ છો
એક વખત એક જિજ્ઞાસુ હોય છે, તે મઠમાં રહેતો હોય છે અને તેની પાસે પુસ્તકિયાં જ્ઞાનનો ખજાનો હોય છે. તેની સામે કોઈ દલીલમાં જીતી શકે નહિ, પછી ભલે તે ચર્ચા ધાર્મિક હોય કે આધ્યાત્મિક. તેને ભગવાનનો, આત્મસાક્ષાત્કારનો ચસ્કો ચડ્યો હતો. તે પોતાનો બધો વખત અનેક ધર્મપુસ્તકો વાંચવામાં પસાર કરતો. તે તટસ્થતાની અને ઉચ્ચતાની લાગણીથી જીવતો. એનાં માટે ભગવાન, ધ્યાન અને આત્મસાક્ષાત્કાર જ સર્વસ્વ હતું. તે તેની ધાર્મિક વિધિઓ ખુબ જ સહજતાથી કરતો. ચાહે કોઈ ભૂખથી મરવા પડ્યું હોય કે કોઈને સામાન્ય કામમાં મદદ જોઈતી હોય, તે ક્યારેય મદદ કરે નહિ. તેને કઈ કામ બતાવાય જ નહિ. તેનાં માટે તેની મુક્તિની બાબત જ અગ્રીમ સ્થાને છે તેમ તેને લાગતું. જોકે તેને ઘણું વાંચન કરેલું હતું છતાં તે નાના અમથા ઘર્ષણથી પણ ગુસ્સે થઇ જતો, ચીડિયો થઇ જતો, નાનામાં નાના અપમાનથી પણ એ દુઃખી થઇ જતો.

તેનાં જ્ઞાની ગુરુ તેનાં લક્ષ્યની કદર કરતાં હતાં, જો કે તેમને ખબર હતી કે તેમનો શિષ્ય તેની આ માનસિકતાને લઈને મુક્તીદ્વારે નહિ પહોચી શકે. ઘણી બધી વાર તેમને તેને દયા, નમ્રતા અને બીજા અનેક મુલ્યોના મહત્વ વિષે સમજાવ્યું, પણ કશુય તેની હોશિયાર દલીલો અને જાતે જાહેર કરેલી પોતાની મહત્તાનાં ઘૂંઘટની પાર ઉતરતું જ નહિ.

ગુરુએ ત્રણ મહિના માટે હિમાલયમાં ધ્યાન કરવા માટે જવાનું નક્કી કર્યુ; તે આ જિજ્ઞાસુને પોતાની સાથે સેવામાં લઇ ગયા.

બર્ફીલા પહાડોની અને ઝરણાઓની વચ્ચે આજુબાજુ ઘનઘોર જંગલમાં ઉચાં ઝાડોની વચ્ચે, જંગલી વનસ્પતિની વચ્ચે તેમને એક અનુકુળ ગુફા મળી ગયી જેમાં બન્ને રહી પણ શકે. બાજુમાં નદી વહેતી હતી. તેમને ગુફામાં મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ ભરી અને થોડા લાકડા સળગાવવા માટે રાખ્યા. થોડા દિવસો પસાર થયા અને તાપમાન નીચું જતાં ભારે બરફવર્ષા થવા લાગી.

એક દિવસ તે શિષ્યને બહાર નદીમાંથી પાણી લેવા જવાનું થયું. પર્વત પરથી નીચે ઉતરતા, તે લપસ્યો, પગ ટકાવવા માટે તેને કશું પકડવાની તેમજ સમતોલન જાળવવાની બહુ કોશિશ કરી છતાં પડ્યો. પાણી ભરવાની ડોલ નીચે ગબડી ગઈ અને કમનસીબે તેનો જમણો હાથ બરફમાં સંતાયેલા એક અણિયાળા પથ્થર જોડે ભટકાયો. એનો હાથ એમ પણ ઠંડીથી સુન્ન થઇ ગયો હતો અને ઉપરથી આ ઈજાના લીધે એનું દર્દ ઓર વધી ગયું. એ દર્દના લીધે ખુબ જોરથી રડી પડ્યો, એ ઉભો થઇને ગુફામાં પાછો ચાલતો ગયો. એ આ નિર્દય હવામાન ઉપર ગુસ્સે થયો. તેને પાણીની ડોલ ગુમાવાની ચિંતા થઇ જો કે એની પાસે બીજી વધારાની એક ડોલ હતી. એની શાંતિ આ કઠોર દર્દના લીધે જતી રહી. ગુફામાં પહોચ્યા બાદ તેને આ આખી કથા પોતાનાં ગુરુને સંભળાવી.

ગુરુએ તેનો હાથ તપાસ્યો જે દુઃખથી એકદમ ભૂરો પડી ગયો હતો. “અરે આ તો એકદમ ભયાનક દેખાય છે, લાવ મને થોડું હુંફાળું પાણી રેડવા દે.”
પાણી ગરમ કરતી વખતે તેમને કહ્યું “જયારે ઠંડુ હોય ત્યારે દર્દ વધુ થાય છે, નહિ?”
“જી હા ગુરુજી.”
ગુરુએ થોડું હુંફાળું પાણી હાથ પર રેડ્યું જેથી લોહીનો પ્રવાહ સારો થયો અને દર્દ થોડું ઓછુ થયું.
“આનાંથી સારું લાગે છે. એ ઉપચારાત્મક અને આરામદાયક છે.” શિષ્યે કહ્યું.
“હુંફથી હંમેશા એવું લાગે છે, વત્સ”

શિષ્યને થોડી કળ વળ્યા પછી, ગુરુ પોતે નદી આગળ પડી ગયેલી ડોલ લઇ આવ્યા, અને કહ્યું:

“ધર્મ અને વિધિઓ આ નિર્જીવ ડોલ જેવાં છે. ક્યારેય તે એક જીવંત વ્યક્તિથી વધારે મહત્વનાં નથી. ડોલ એક સાધન છે જેનાંથી ધ્યેય સુધી પહોંચી શકાય, પરંતુ તે ખુદ એક લક્ષ્ય નથી. તને ખબર છે તું શા માટે બીજા બધાથી જલ્દી ચિડાઈ જાય છે? કારણકે તારામાં એક પ્રકારનું ઠંડાપણું છે. જયારે ઠંડુ હોય ત્યારે વધારે દુ:ખે. આજુબાજુ જે બરફ પથરાયેલો છે તેનાં તરફ નજર કર. જયારે ઠંડો પવન ફુંકાયા કરતો હોય ત્યારે તે આ નરમ બરફને સખત બરફમાં ફેરવી દે છે અને તે વધુ સખત અને બરડ બની જાય છે. જયારે તું તારા હૃદયમાં ઠંડીને ભેગી કરે રાખે છે  ત્યારે તે સખત થઇ જાય છે. એક જ ઘા વાગશે અને તું તૂટી જવાનો! ઉપદેશ એ સખત બરફ જેવો છે, જયારે દયા એ હંમેશા હુંફાળા પાણી જેવી છે. આ ઠંડુ જગત થોડા હુંફાળા – થોડા દયાળુ લોકોથી ટકી શક્યું છે. બધો સમય ખાલી ધાર્મિક પુસ્તકો વાંચ્યે જવાનો શું અર્થ, તારા પોતાનાં નિર્વાણ માટે કામ કર્યે જવાથી દુનિયાને શું મદદ મળશે? અને શું વધુ મહત્વનું છે જીવંત લોકો પ્રત્યે દયા રાખવાનું કે પછી નિર્જીવ ચીજ વસ્તુઓ માટે ચિંતા કર્યે જવાનું? નિ:શંક ધ્યાન, સ્વાધ્યાય એ તો સર્વોચ્ચ શ્રેષ્ઠ વસ્તુ છે પણ તેનો એક અંત હોય, તેનાંથી તને શાંત અને સ્થિર થવામાં મદદ મળે. પણ એ શાંતિનો અર્થ એ નથી કે તું એકદમ ઠંડો બોર થઇ જાય અને તટસ્થ બની જાય, ખરેખર તો એનો અર્થ એ છે કે તું અંદરથી દયાળું, અને બિનશરતીપણે હુંફાળો બને. એનો ખરો અર્થ તો એ છે કે તું બીજાની તકલીફ અને દુઃખ પ્રત્યે જાગૃત બને અને એમને તારાથી થઇ શકે એટલું મદદરૂપ બનવા માટે અંદરથી આતુર બને. આ જ આત્મસાક્ષાત્કાર છે.”

શિષ્યને ભાન થયું કે શા માટે એનાં ગુરુ એ આખરે ગુરુ છે. તે સમજી ગયો કે હુંફ, ઉષ્મા અને દયા જેવાં વ્યકિતગત મુલ્યો એ એક નિશાની છે કે વ્યક્તિ પોતે કેટલો વિકસિત છે, અને તે કોઈ પણ પાંડિત્યથી અનંત ગણા મહત્વનાં છે. ખાલી ધાર્મિક ગ્રંથોનો બૌદ્ધિક અભ્યાસ કે સમજ એ વ્યક્તિની મુક્તિના સૂચક નથી. જે જે દુ:ખ ભર્યા બનાવો, વ્યક્તિઓ, કે સંજોગો હોય તેનું એક લીસ્ટ બનાવો અને એને જતાં કરો, એ લીસ્ટને બાળી નાખો કે નષ્ટ કરી દો. તેને અંદર ભરી રાખવાથી તમે ઠંડા બોર થઇ જશો; પરિણામે, બીજા અને તમે ખુદ પણ તમારી અંદરની હુંફ કે ઉષ્માને નહિ અનુભવી શકો. યાદ રાખો, હુંફથી આરામ મળે છે અને જયારે વધુ ઠંડુ હોય છે ત્યારે તે વધુ તકલીફ આપે છે.

હંમેશા હુંફાળા રહો, ગરમ નહિ; શીતળ બનો, ઠંડા નહિ.
(Image credit: David Bellamy)
શાંતિ                                                        
સ્વામી

Sunday, 28 October 2012

ચાર રાણીઓનું સત્ય

એક રાજાને ચાર રાણીઓ હતી. ચાર રાણીઓનું સત્ય જાણવા માટે આ વાર્તા વાંચો.

એક વખતે એક રાજા હતો. તેને ચાર રાણીઓ હતી. ચારે રાણીઓ એકબીજાથી ઉત્તરોત્તર ચડિયાતી, વધુ સારી, વધુ સુંદર હતી. જો કે રાજા ચારેય પ્રત્યે આકર્ષિત થયો હતો. છતાં ચોથી અને સૌથી નાની રાણી તેને સૌથી વધુ પસંદ હતી, એના પછી ત્રીજી, ત્યાર બાદ બીજી અને ત્યાર બાદ પ્રથમ. પ્રથમ રાણી સૌથી મોટી હતી.

એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા ગયો. ઘનઘોર જંગલમાંથી કોઈ એક અજાણ્યું જીવડું રાજાને કરડી ગયું અને પરિણામે રાજાને એક વિચિત્ર બીમારી લાગુ પડી ગઈ. દાકતર, વૈદ્ય, અને ઋષિમુનીઓએ તેમનાથી બનતાં બધા ઉપચારો કરી જોયા પણ કોઈ પરિણામ મળ્યું નહિ. છેલ્લે તેઓએ જાહેર કર્યુ કે રાજા પોતાના મૃત્યુની નજીક છે અને ફક્ત થોડા દિવસનાં જ મહેમાન છે.

રાજાએ પોતાની સંપત્તિ ચારે રાણીઓ વચ્ચે વહેચવાનું નક્કી કર્યુ, કારણકે રાજાને કોઈ વારસદાર તો હતો નહિ. જો કે સંપત્તિની વહેચણી સરખા ભાગે કરવા કરતાં રાજાને થયું કે જે રાણી મને સૌથી વધારે પ્રેમ કરતી હોય તેનાં પ્રમાણે વહેચવી જોઈએ. રાજાએ તો મનમાં એક સરસ યોજના ઘડી કાઢી અને દરેક રાણીને વારાફરતી એક એક કરીને બોલાવી, ચોથી-નાની રાણીથી શરૂઆત કરી કે જેને રાજા સૌથી વધુ પ્રેમ કરતાં હતા.

“મારી પાસે ત્રણ જ દિવસ જીવવાના બચ્યા છે” રાજાએ કહ્યું, “હું તને એક રહસ્યની વાત કરું છું. બહુ પહેલાં એક સંતે મને શક્તિશાળી યંત્ર આપ્યું હતું જે મને સ્વર્ગમાં પહોચાડી શકે તેમ છે. જો કે એ પહેલાં નરકમાં ૭ વર્ષ ઘોર દુખ અને યાતના ભોગવવી પડે, પણ આપણે એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ તો મેં નક્કી કર્યુ છે કે આ તક હું તને આપીશ.”

નાની રાણી જે રાજાનાં મૃત્યુથી સુનિશ્ચિત હતી, ઠંડા કલેજે બોલી, “નિ:શંક હું તમને પ્રેમ કરું છું, પરંતુ દરેકે પોતાનાં મૃત્યુનો સામનોતો કરવો જ પડે. હું અહી રાણી બનીને રહેવાનું પસંદ કરીશ, જયારે તમારા પાર્થિવ શરીરને સ્મશાને લઇ જવાતું હશે ત્યારે હું તો મહેલની બહાર પગ પણ નહિ કાઢું. કારણકે નરકનો વિચાર માત્ર મારા માટે તો ભયાનક છે. હું તો કાળજી અને પ્રેમથી રહેવા ટેવાયેલી છું.

રાજાતો આઘાતથી દિગ્મૂઢ થઇ ગયો. “મને તો હતું કે હું તને જેટલો અને જેવો પ્રેમ કરું છું તું પણ મને એટલો અને એવો જ પ્રેમ કરતી હશું” ખુબ જ દુઃખ સાથે તે બોલ્યો. “હું તો હજી પણ છોડી દઈ શકું તેમ નથી, મેં નક્કી કર્યું છે કે મારી ત્રીજી રાણી મારા ગયા પછી તારી સંભાળ લેશે.”

ત્યારબાદ રાજાએ ત્રીજી રાણીને બોલાવી અને આખી વાર્તા ફરી કરી.

“હું જાણતી જ હતી કે તમે એને મારા કરતાં વધુ પ્રેમ કરો છો, એટલાં માટે જ તમે તેને પહેલાં પૂછ્યું. પણ હું તેનાં જેવી ક્રૂર નથી.” ત્રીજી રાણી બોલી “હું તમને સ્મશાનઘાટ સુધી સાથ આપીશ, પણ એનાંથી આગળ નહિ. આખરે, તમારી પ્રથમ રાણી હજી જવાન છે, એનું રક્ષણ કરવાવાળું પણ કોઈ જોઈએ. તમારા ગયા બાદ હું એ દાયિત્વ નિભાવીશ અને મને પણ એ રીતે એક સાથ મળી રહેશે.”

રાજાને આ વખતે એટલો ધ્રાસકો ન લાગ્યો. એને હવે ભાન થવા લાગ્યું હતું. રાજાને હવે કોણ પોતાનું અને કોણ પારકું એની ખબર પડવા લાગી હતી. રાજાએ ત્રીજી રાણીને વિદાય કરી અને બીજી રાણીને બોલાવી.

ત્રીજી રાણીએ રાજાની વાત સાંભળી, અને બોલી, “ હું સાબિત કરીશ કે હું તમને સૌથી વધુ પ્રેમ કરું છું. હું તમારી ચિતાને આગ અપાતી હશે ત્યાં સુધી સાથ આપીશ. પણ મારું માનવું છે કે મારા કર્મો સારા છે અને હું નરકમાં જવાને લાયક નથી. માટે હું તમારા અગ્નિદાહ સુધી જ સાથ આપી શકીશ”

રાજાએ તેને પણ પાછી મોકલી આપી અને પોતાની પ્રથમ પત્નીને બોલાવી જે સૌથી મોટી હતી, જેના પ્રત્યે રાજાએ હંમેશા ઓછામાં ઓછુ ધ્યાન આપ્યું હતું. જેવી રાજાની વાત સાંભળી કે તરત જ તે બોલી, “હું તમે જ્યાં જશો ત્યાં તમારી સાથે આવીશ. હું તમને ક્યારેય તરછોડીશ નહિ.”

રાજાને મનમાં શાંતિ થઇ, કે આખરે કોઈ તો છે જે તેને બિનશરતી પ્રેમ કરે છે. આ વાર્તા, જો કે કોઈ રાજા અને તેની રાણીઓ વિષેની નથી, એ તો તમારા વિષેની છે, દરેક માણસજાત વિષેની છે. દરેક ને નીચે પ્રમાણેની ચાર રાણીઓ હોય છે:

સૌથી નાની રાણી છે સંપત્તિ. જો કોઈને જન્મથીજ વારસામાં તે મળતી હોય તો પણ એ એક નવી સંપત્તિ જ છે જે આ જીવન સુધી જ મર્યાદિત રહેવાની છે. જયારે કોઈ મૃત્યુ પામતું હોય છે ત્યારે સંપત્તિ એની સાથે નથી જતી. એ તો જ્યાં હોય છે ત્યાં જ રહેતી હોય છે, બીજા કોઈ માટે. બીજા તેને હવે તેમની મરજી મુજબ ઉપયોગ કરવાના.

ત્રીજી રાણી છે સંબધી – કુટુંબ. તમે તેમનાં માટે ગમે તેટલું કરશો, ગમે તેટલો પ્રેમ કરશો તો પણ તે સ્મશાન ઘાટની પેલે પાર તેઓ તમને સાથ નહિ આપી શકે. સંબધોનાં લેબલ વ્યક્તિ જયારે ગર્ભમાં હોય છે ત્યારથી જ અપાઈ જતાં હોય છે માટે જ સંબધી તે સંપત્તિ કરતાં એક કદમ મોટી છે.

બીજી રાણી છે શરીર. સમગ્ર જીવન માણસ પોતાનાં શરીરની ખુબ જ કાળજી લે છે, પણ એ તો હંમેશા બગડતું જતું મશીન છે. એ તો કોઈની સાથે ચિતાની આગથી આગળ જવાનું નથી.

પ્રથમ રાણી છે – કર્મ. તમારા કર્મો તમારી સાથે અનેક જન્મારા સુધી જતાં હોય છે. તેમાં કોઈ બાંધછોડ છે જ નહિ. આપણે જે કરતાં હોઈએ છીએ એનાં ઉપરથી જ આપણને શું મળવાનું છે તે નક્કી થતું હોય છે. અને માટે જ કર્મ પ્રત્યે ધ્યાન આપવાની સૌથી તાતી અને મોટી જરૂર છે.

મોટાભાગના લોકો આ વાર્તામાંના રાજા જેવું જીવન જીવતાં હોય છે, પોતાની ચાર રાણીઓને ઉપર બતાવ્યા મુજબના ઉતરતા ક્રમમાં જ પ્રેમ કરતાં હોય છે. જો કે પોતાની સંપત્તિ, સંબધી અને શરીરની કાળજી લેવી જેમ જરૂરી છે તેમ સાથે સાથે આપણે જે કર્મો કરીએ છીએ તેનાં માટે અને તેનાં પરિણામો માટે પણ આપણે જ જવાબદાર હોઈએ છીએ. જયારે સારા કર્મો તમારા જીવનમાં કુદરતી શાંતિનો અનુભવ કરાવડાવે છે તો શરીર તંદુરસ્ત રાખવું પણ યથાર્થ છે. કારણકે શરીર જો તંદુરસ્ત હશે તો જ તમે તમારી જાતની તેમજ તમારી બીજી જવાબદારીઓનું પાલન સારી રીતે કરી શકશો. જેવી રીતે વિમાનમાં સલામતીની સુચના આપતી વખતે કહેતાં હોય છે કે, ઈમરજન્સીમાં ઓક્સીજનનો માસ્ક પ્રથમ તમારા નાક ઉપર ચડાવો અને ત્યારબાદ જ તમારી બાજુમાં બેઠેલા બાળકને મદદ કરો.

હળવાશમાં કહેવું હોય તો: મુલ્લા નસરુદ્દીન એક શ્રીમંત માણસની સ્મશાન યાત્રામાં ગયા. પાછા વળતી વખતે તેમના એક મિત્રે તેમને ઉભા રાખ્યા.

“તે એક ખુબ જ શ્રીમંત માણસ હતા, એ તો બધી બહુ સંપત્તિ મુકીને ગયા હશે.” મિત્રે પૂછ્યું.

“અરે, ચોક્કસ,” મુલ્લા બોલ્યા. “એકે એક પાઈ!”

તમારા કુટુંબ માટે વિરાસત છોડી જવી એમાં કશું ખોટું નથી. હકીકતમાં તો તે એક ઉમદા લક્ષણ છે, કારણ કે, જો તમે તમારા કુટુંબનું ધ્યાન નહિ રાખો તો બીજું કોણ રાખશે? પણ આશા છે કોઈ એમ પોતાનાં કર્મોનાં ભોગે નહિ કરે. હું તો એવા ઘણાં લોકોને મળ્યો છું કે જેઓ તેમ કરતાં હોય છે.
થોભો, ઉભા રહો અને વિચારો, એક ઊંડો શ્વાસ લો, તમારી પ્રાથમિકતા નક્કી કરો અને એનાં મુજબ વ્યવહાર-વર્તન કરો. અંતે તો તમારા કર્મો તમારા ખાતામાં નોંધાતા જ હોય છે, અને ખાતેદાર જ તેનાં માટે જવાબદાર હોય છે, તેનાં લાભાર્થીઓ નહિ.
(Image credit: Kirsten Baldwin)
શાંતિ
સ્વામી
 

 

Friday, 26 October 2012

આકર્ષણનો નિયમ -The Law of Attaraction


ફૂલ કુદરતને પરાગ આપીને બીજા અનેક ફૂલો બનાવવામાં મદદરૂપ થાય છે. તે ભમરાને આકર્ષે છે જે એના પરાગને મીઠા મધમાં ફેરવે છે
 
તમે કદાચ law of attraction વિષે વાચ્યું હશે. તમારે જે જોઈએ તે કેવી રીતે મેળવવું તેમજ જીવનમાં સારા લોકો, પ્રેમ, સંપત્તિ અને બીજી ઘણી બાબતો કેવી રીતે આકર્ષવી તેના વિષેનો એ નિયમ છે. ઘણી વાર લોકો મને આ થીઅરી વિષે મારો અભિપ્રાય પૂછતાં હોય છે, અને પૂછતાં હોય છે કે એમાં કોઈ તથ્ય છે કે કેમ? તેઓ જાણવા માંગતા હોય છે કે શું ખરેખર જે ગમતું હોય કે જોઈતું હોય તેને આકર્ષવાનું કે મેળવવાનું શક્ય છે ખરું? અને જો હોય, તો પછી એ કઈ જગ્યાએ ખોટા કે ટૂંકા પડતા હોય છે, શા માટે તેમનાં સ્વપ્નાઓ હજી પણ અધૂરા જ છે? તેઓ કહે છે કે તેમને કોઈ ખરાબ કર્મો કર્યા નથી (ખરેખર!?), તેઓએ પણ પોતાનાં મનમાં કલ્પનાચિત્ર (visualization) જોવાની પ્રેક્ટીસ બિલકુલ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ કરી છે તેમ છતાં પણ તેઓ એ જ જગ્યા એ હજી છે જ્યાં તેમને નથી રહેવું.
 
ચાલો તમારી સાથે એક રહસ્યની વાત કરું: તમને ફક્ત એજ મળતું હોય છે જે તમે આપતા હોવ છો - You only ever get what you give. તમે પૈસા આપો તો તમને પૈસા મળતા હોય છે, તમે પ્રેમ આપો તો તમને પ્રેમ મળે; તમે જો કદર કરો તો તમારી કદર થશે વિગેરે. એક વખત તમે જે આપવાનું ચાલુ કરો, તમને એ ખાલી પાછુ જ મળતું નથી પણ અનેકગણું થઇને પાછુ મળતું હોય છે. કુદરત હંમેશા અનેકગણું કરીને પાછુ વાળે છે. આ એક ક્યારેય નિષ્ફળ નહિ જતો કુદરતનો નિયમ છે, આકર્ષણનો નિયમ - law of attraction: તમારે જે જોઈતું હોય તે વહેચવાની તૈયારી બતાવવી પડે.
 
તમે જો ક્યારેય પહાડી વિસ્તાર ઉપર કોઈ પર્વત પર ગયા હોય તો તમે પડઘો પડવાની ઘટના જોઈ હશે. તમે જે કઈ પણ જોરથી બોલો, એની એ જ વાત તમને એકથી વધુ વખત બોલી બતાવે છે. જેટલી વધારે બુમો તમે પાડો, એટલા જ બમણા અવાજથી એ તમને પાછુ સાંભળવા મળે છે. આ એ જ મૂળભૂત નિયમ છે. જો તમે બૂમ પાડો કે મને-મને-મને- તો સૃષ્ટિમાંથી પણ અવાજ આવે છે મને-મને-મને-મને-મને...જો તમે એમ કહો, મારે પૈસા જોઈએ છે, તો એ કહેશે મારે પૈસા જોઈએ છે-મારે પૈસા જોઈએ છે-મારે પૈસા જોઈએ છે...જો તમે કહો મને પ્રેમ આપો, તો એ પણ કહેશે મને પ્રેમ આપો- મને પ્રેમ આપો- મને પ્રેમ આપો. કુદરતનાં પરિમાણ તમારા કરતાં અનેકગણા વધુ છે. ખાલી બૂમો પાડીને તમે જીતી નહિ શકો. જેટલી મોટી તમારી ઈચ્છા, એનાંથી પણ મોટી કુદરતની ઈચ્છા.
 
એક વખત તમે આપવાનું ચાલુ કરો તો એ પણ આપવાનું ચાલુ કરશે. જો તમે એમ કહેવાનું ચાલુ કરો મારે આપવું છે, કુદરત પણ કહેશે મારે આપવું છે-મારે આપવું છે-મારે આપવું છે. જો તમે કહેશો કે હું કૃતજ્ઞ છું, તો એ પણ કહેશે કે હું કૃતજ્ઞ છું...જયારે તમે એમ કહેશો મારે કઈ નથી જોઈતું તો એ પણ કહેશે મારે કઈ નથી જોઈતું...તમે એક કિલો ચોખા વાવો છો તો કુદરત તમને તેનાં ચાર કિલો ઉગાડીને પાછા આપે છે. તમે જે વાવ્યું હશે, તે જ તમારે લણવાનું રહેશે, અને તમે એક વખત વાવ્યા પછી જ એમ કરી શકો.
 
હું આશ્રમની બહાર થોડા દિવસ માટે ગયો હતો. મારે ડેન્ટીસ્ટ પાસે ઈલાજ માટે જવાનું હતું. હું જયારે હિમાલયમાં હોય ત્યારે મેં ઘણી વખત બરફ ખાધો હતો, એનાંથી મારા અવાળાને નુકશાન થયું હશે. આ ડેન્ટીસ્ટ પાસે મારી પ્રથમ મુલાકાત જ હતી, એનું ક્લિનિક ખુબ જ અત્યાધુનિક હતું. તે એક હોશિયાર, જાણકાર, અને માયાળુ ડોક્ટર હતો. તેને ખુબ સારી રીતે બધી માહિતી આપી અને ખુબ જ કાળજીપૂર્વક ટ્રીટમેન્ટ આપી. બે મુલાકાતમાં સારવાર પૂરી થઇ. સારવારનાં અંતે મેં તેને ફી આપવાની કોશિશ કરી, પણ તે ફી લેવાની ના પાડતો હતો. તેણે કહ્યું તેને મારા તરફથી જે હકારાત્મક લાગણીના વાઇબ્રેશન મળતા હતા તે જ તેની ફી હતી. તેને લાગ્યું કે આ એક તેના માટે સેવા કરવાનો મોકો હતો. મેં રીતસરની ફી લઇ લેવાની આજીજી કરી. ખાસ તો એટલાં માટે કે મેં ક્યારેય અંગત જરૂરિયાત માટે કોઈ દાન કે ભેટ સ્વીકારી નથી. જે આપી શકાય એવું હોય તેવું કઈ પણ હું પાસે નથી રાખતો. ભૌતિક ચીજ વસ્તુનો ભેટ સ્વીકાર મને એક ભાર જેવો લાગે છે. પણ તે તો જીદ પર જ અડી ગયો હતો. આખરે ઘણી બધી દલીલો કર્યા પછી તેને ફી નો એક  થોડો ભાગ સ્વીકાર્યો.

ચોક્કસપણે એનું કર્મ કુદરતે નોંધ્યું જ હોય. અને તેને એના હજાર ટકા પાછા મળવાના હતા. મને તો ચોક્કસપણે ખબર હતી કે આ ડેન્ટીસ્ટ ભવિષ્યમાં પૈસામાં આળોટવાનો હતો, એટલાં માટે નહિ કે એને આપવાની તૈયારી બતાવી પરંતુ એટલાં માટે કે એને ઉદારતા અને લાગણીનાં ભાવથી એમ કર્યુ હતું. આ રીતે કુદરતનું કામ ચાલે છે. તેને કોઈ પણ અપેક્ષા વગર આપ્યું અને કુદરત પણ તેને કોઈ પણ શરત વગર પાછુ આપશે. તે જે કામ કરતો હતો તે તેને વહેચવાની તૈયારી બતાવી, એટલાં માટે કુદરત પણ તેની સાથે વહેચવાની, આપવાની તૈયારી દાખવશે.
 
તમે ફક્ત જો તમારા માટે જ જીવતાં હશો, તો આકર્ષણનાં નિયમને ટ્રાય કરવો એ પણ એક નરી અપરીપક્ક્વતા હશે. ફક્ત તમે માંગો છો અને માટે કુદરત તમને આપશે એમ માનવું એ જરા વધારે પડતી મહત્વકાંક્ષા ગણાશે. જો તમે એક ડોલર કે રૂપિયો પણ વહેચી શકતા ન હો તો, થોડા સારા શબ્દો, દયા કે કદરને વહેચો. જો તમે કોઈનું ખિસ્સું પૈસાથી ભરી ન શકતા હોય તો, કદાચ તમે કોઈનું હૃદય પ્રેમથી ભરી શકો. કુદરતને તમારા પૈસાની જરૂર નથી. કુદરત પૈસા ઉપર નથી ચાલતું, એ ટકી રહ્યું હોય તો ફક્ત દયા અને પ્રેમ ઉપર. જો તમે તમારા ભાગે આવતી જવાબદારી નિભાવો તો એ એના ભાગની નિભાવશે. આપીને તમે મેળવવાને લાયક બનો છો.
 
તમારા માટે શું મહત્વનું છે: તમારી જે ઈચ્છા હોય તે મેળવવું કે જે જરૂરી હોય તે પ્રાપ્ત કરવું? જે છે તેનાં માટે કાળજીપૂર્વક રહેવું કે જે નથી એના માટે કલ્પાંત કરવું? આપવાથી તમે એકદમ હળવા બની જાઓ છો.

જો કુદરતે તમને આપવાનું માધ્યમ બનાવ્યું હોય, તો તમે એક નસીબદાર વ્યક્તિ છો. જે જોઈતું હોય તે મેળવવા માટે તમારે પ્રથમ એ આપવાની શરૂઆત કરવી પડશે. અને ધીરજ રાખવાની પ્રેક્ટીસ શીખવી પડશે. કુદરતની રમતમાં કશું પલ ભરમાં થઇ જતું નથી. આ છે આકર્ષણનો નિયમ - the law of attraction.
 
લોખંડને આકર્ષવા માટે તમારે ચુંબક બનવું પડશે, ભમરાને આકર્ષવા માટે તમારે પુષ્પ બનવું પડશે. બનાવટીપણાને અહી કોઈ અવકાશ નથી. પ્રમાણિકતા જ ચુંબક બની શકે, અને તમે કુદરતી રીતે જ આકર્ષી શકશો.
 
શાંતિ.
સ્વામી

 


 

Wednesday, 17 October 2012

શું તમે તમારી જાત સાથે આરામદાયક અનુભવો છો?


ફૂલ કુદરતને પરાગ આપીને બીજા અનેક ફૂલો બનાવવામાં મદદરૂપ થાય છે. તે ભમરાને આકર્ષે છે જે એના પરાગને મીઠા મધમાં ફેરવે છે
આ દુનિયામાં, મોટાભાગની વસ્તુઓ ઘડિયાળનાં કાંટા જેવી છે, લોકો જન્મે છે, મોટા થાય છે, ભણે છે, નોકરી કરે છે, પરણે છે, સંતાન પેદા કરે છે, પોતાની તેમજ પોતાના સંતાનોની કાળજી કરે છે, ઘરડાં થાય છે, અને મૃત્યુ પામે છે.

તમે ક્યારેય વિચાર્યુ છે, આપણામાંથી મોટાભાગનાં લોકોને કેમ બહાર જવાનું પસંદ હોય છે, મુવી જોવાનું, મ્યુઝિક સાંભળવાનું અને સામાજીકરણ કરવાનું પસંદ હોય છે? શા માટે મોટાભાગનાં લોકોને મોટા મેળાવડામાં, ટોળામાં, અને કોન્સર્ટમાં જવાનું ગમતું હોય છે? સમાજ અને તેની ઉત્ક્રાંતિએ મોટાભાગનાં લોકોની માનસિકતાને બહારથી આનંદ શોધવાની ટેવ પાડી દીધી છે. આમ આનંદની આ બાહ્ય ખોજ, તમે ખરેખર જે છો અને તમે જે તમારી બાહ્ય ઓળખને બનાવવાની કોશિશ કરો છો, એ બે ઓળખની વચ્ચેનાં અંતરને મોટું કરે છે.
 
તો શું માણસે બહાર જે તકો પ્રાપ્ય છે તેને ન ઝડપવી જોઈએ? કે પછી માણસે પોતાની જવાબદારીઓને અવગણવી જોઈએ? બિલકુલ નહી. ઉલટું હું તો એમ કહીશ કે તમારી ડ્રીમ લાઈફ જીવવામાં કશું ખોટું નથી, ખાસ કરીને જો તે બીજાને મદદ કરતી હોય, પરંતુ આજની મારી વિચાર-વસ્તુનો ભાર, તમારા એવા ઘણાં કાર્યો કે જેને આપણે કુદરતી અને જરૂરી ગણતાં હોય તેને એક નવા દ્રષ્ટિકોણથી જોવા માટે મદદરૂપ થવા ઉપર છે.

જો તમે સમય ફાળવીને થોડું મનોવિશ્લેષણ કરશો તો જણાશે કે બધા જ બાહ્ય કાર્યો તમે તમારા સ્વને ભૂલવા માટે થતાં દેખાશે. જયારે તમારે તમારી જાત જોડે કામ લેવાની જરૂર રહેતી નથી ત્યારે એ જરૂરત અદ્રશ્ય થઇ જાય છે. સિનેમા હોલમાં, કે પછી ટીવી જોતી વખતે, પાર્ટીમાં, કે કોઈ સામાજિક પ્રસંગમાં, સંમેલનમાં, તમે એક બાહ્ય સ્રોત સાથે જોડાઈ જાઓ છો. અને પછી તમે તમારાથી દૂર થઇ જાઓ છો. તમારી આજુબાજુનું વાતાવરણ હવે તમારી માનસિકતાને આકાર આપે છે, તમારા ઉપર કાબુ કરે છે, અને તમને તમારા ખરા સ્રોતથી કાપીને દૂર કરી દે છે.

 એક દિવસ, મારી ઝુંપડીની બહાર, એક લીલું ઝાડ એક તેજ હવામાં જોરદાર ઝૂલી રહ્યું હતું, એના પાંદડા સતત ફડફડતા હતાં, જાણે રમતે ચડ્યાં ન હોય! આકાશમાં વાદળો ઉમટ્યાં હતાં, નદી તોફાને ચડી હતી, પર્વતો લીલોતરીથી હર્યાભર્યા હતાં અને દૂર ગાયો ચરતી દેખાતી હતી. એકસાથે ઘણી બધી પ્રવૃતિઓ કુદરતના ખોળે ચાલી રહી હતી છતાં ચોતરફ પૂર્ણરૂપે નિરભ્ર શાંતિ હતી. મેં મારું ધ્યાન પાછુ પાંદડા તરફ વાળ્યું. તે હજી નાચી રહ્યા હતાં, તે ખુબ જોશથી ઝુલતા હતાં, જાણે કે તેઓ પોતાની જાતને વૃક્ષથી અલગ ન કરવા માંગતા હોય, તેમને બહારથી એક સ્વતંત્રતા જોઈતી હોય એવું લાગતું હતું, જાણે કે પાંદડા પોતે જાણતા હતાં કે એક વાર અલગ થયા પછી તેઓ શક્તિશાળી પવન સાથે દૂર દૂર ઉચે ઉડવા લાગશે.
 
બરાબર ત્યારે જ એક પાંદડું એની ડાળી પરથી ઉડ્યું, હવે તે વૃક્ષ પાસે રહ્યું નહોતું, હવે કેટલાંય ફૂટ ઉપર તે ઉડી રહ્યું હતું, થોડી વારમાં જ તે એક ખાબોચિયામાં જઈને પડ્યું. જે પાંદડું થોડી વાર પહેલાં લીલું હતું હવે તે તરત જ સડવા માંડશે, મને થયું. તેને સ્વતંત્રતા તો મળી તેમ છતાં પણ તે પોતાના સ્રોતથી અલગ થઇ જવાથી તેની પોતાની પોષણ અને તાકાત મેળવવાની જે ક્ષમતા હતી તે તેને ગુમાવી દીધી હતી. તે પ્રાણહીન ત્યાં પડી રહ્યું. જયારે તે વૃક્ષ સાથે જોડાયેલું હતું ત્યારે ધરતી અને પાણીમાંથી તેને પોષણ મળી શકતું હતું. હવે, તે બન્ને તત્વો હાજર હોવા છતાં પણ તે તેને પુષ્ટ નહી કરી શકે, ફક્ત તેને સડવા દેશે.
 
તમે દુનિયામાં ગમે તે કરો, તમારે જે આનંદ ઉઠાવવો હોય તે ઉઠાવો, પણ તમે જે છો તે બની રહો અને ક્યારેય તમારા સ્રોતથી અલગ ન થાવ. તમારો સ્રોત કે જે દિવ્ય છે, પ્રમુખ શક્તિ છે અને એક સર્વોત્કૃષ્ઠ બીજ છે જેમાંથી તમે સર્જાયેલાં છો. પોતાના મૂળ સ્રોતથી અલગ થઇને મેળવાતી કોઈ પણ સ્વતંત્રતા ટુકજીવી અને અસ્થાયી હોય છે.
 
તમે હજી પણ તમારા મૂળ સાથે જોડાયેલાં છો તેમ કેવી રીતે માનવું? તીર્થસ્થાનોએ જવું કે પવિત્ર નામનો જપ કરવો એ કઈ એના સૂચક નથી, એતો ખાલી પ્રવૃતિઓ છે, હકીકતમાં બાહ્ય પ્રવૃત્તિ! તમે તમારા મૂળ સાથે જોડાયેલાં છો એની સૌથી મોટી નિશાની એ છે કે જયારે તમે તમારી ખુદની સાથે આરામદાયક મહેસુસ કરો છો, અંદરથી એક શાંતિ અનુભવાય છે. અર્થાત કે તમે અંતર્મુખી થઇ જાઓ છો, તમે આધ્યાત્મિકતાનાં સારને સમજી ગયા છો અને એમાં હવે તલ્લીન થઇ ગયા છો.

એક વખત એક રાજા પોતાના નોકર-ચાકર સાથે હિમાલયના જંગલમાં એક ગુફામાં સાધુને મળવા ગયો. ગુફાનો દરવાજો એકદમ નાનો હતો.તે વાકો વળ્યો અને અંદર દાખલ થયો, અંદર એકદમ નીરવ શાંતિ હતી.

“અરે, તમને તો અહી બહુ એકલું લાગતું હશે કેમ, ગુરુજી?” રાજાએ પૂછ્યું.

“હવે જયારે તું અહી છે માટે હું ખરેખર એકલો છું,” સંતે કહ્યું, “પહેલા તો હું મારો સાથ આનંદથી માણતો હતો. તમે જયારે બીજાના સાથમાં હોવ છો ત્યારે તેમનાંથી જોડાય જાવ છો, માટે જયારે બીજા લોકો આસપાસ નથી હોતા ત્યારે તમને એકલું લાગતું હોય છે. જયારે મારી બાબતમાં, હું મારી સાથે જોડાયેલો છું, તો હું જયારે મારી આજુબાજુ નથી હોતો ત્યારે હું એકલતા અનુભવું છું.”

જો તમે જાણવા માંગતા હોય કે તમે કેટલાં તમારી જાત જોડે આરામદાયક છો, તો થોડા દિવસ એકાંતમાં રહેવાની પ્રેક્ટીસ કરો અને થોડું મનોવિશ્લેષણ કરો. હું શું કહેવા માંગું છું તે તમે સમજવા માંડશો. એકવાર ફરી કહું છું, કે હું એમ નથી સૂચવતો કે તમે ભૌતિક દુનિયાને માણવાનું બંધ કરી દો, હકીકત તો એ છે કે જયારે તમે તમારી જાત જોડે આરામ અનુભવો છો ત્યારે કોઈ પણ આનંદ કે જે તમે ગમે તેમાંથી મેળવતા હોય એ અનેક ગણો વધી જાય છે, મોટો થઇ જાય છે, તમે એ ખુશી અને આનંદને પહેલા ક્યારેય ન અનુભવ્યા હોય એટલા વધુ પ્રમાણમાં અનુભવો છો.

જયારે તમે પોતાની જાત સાથે આનંદ માણો છો ત્યારે આખી દુનિયા તમારા સહવાસમાં એક પ્રકારની શાંતિ અને આનંદ અનુભવે છે. તમે જેટલાં વધુ તમારી પોતાની જાત જોડે સહજ હોવ છો, એટલી વધુ તમારી આંતરિક શાંતિ આજુબાજુનાં બનાવોથી અસરમુક્ત રહેતી હોય છે. જેમ પાંદડું એના વૃક્ષ સાથે જોડાયેલું હોય છે તેમ જયારે તમે તમારા સ્રોત સાથે જોડાયેલાં હોવ છો ત્યારે કોઈ વખત તમે પવનની સાથે નાચો છો, તમે જમીન અને પાણીમાંથી પોષણ મેળવો છો. પરંતુ જયારે એ જ પાંદડું પોતાના વૃક્ષ પરથી ઉખડી જાય છે ત્યારે એ જ પવન તેને ગમે તેમ ઉડાડી દે છે, એ જ ધરતીની માટી એને સડવા દે છે, અને એ જ પાણી કે જેને એ વૃક્ષની સિંચાઈ કરી હતી એ હવે એ પાંદડાને વિઘટિત કરી નાખે છે.

જે તમારી અંદરનું છે તે જે બહાર છે એનાંથી અનંત ઘણું વધુ મહત્વનું છે, આખરે તો મનની આંખોથી જ સાચું બાહ્ય દર્શન થતું હોય છે.
 (Image credit: Christine Holt)
શાંતિ.                                                              
સ્વામી

 

Saturday, 13 October 2012

તમારા ગુસ્સામાંથી કેવી રીતે બહાર આવવું?

તમારા ગુસ્સાને સાપની કાંચળીની જેમ ઉતારી દો. તમારી ચામડી અને કાંચળી બન્ને સમાન નથી, જેટલું વધુ જોડાણ તેટલું વધારે દુ:ખ.
આજે, હું ગુસ્સા ઉપર એક મહત્વનો વિષય લાવ્યો છું, કારણ કે, એમાં ગુસ્સામાંથી કેવી રીતે બહાર આવવું તેના વિશેની વાત છે. તેમાં એક પ્રાથમિક વાત છે અને બીજા સહાયરૂપ થાય એવા કાર્યો છે જે તમને ગુસ્સાને જીતવામાં મદદ કરશે. ચાલો હું તમને એ પહેલાં એક નાની વાર્તા કહું. 
એક શિષ્ય એક વખત એક જ્ઞાની ગુરુ પાસે ગયો. તેને જાણવું હતું કે શાંતિ, સમાનતા, અને આત્મસાક્ષાત્કારની અતીન્દ્રિય અવસ્થા કેવી રીતે સિદ્ધ થાય.

“જ્યારે તું થાક્યો હોય ત્યારે સુઈ જા અને ભૂખ લાગી હોય ત્યારે ખા,” ગુરુએ કહ્યું, “બસ એ જ મુખ્યત્વે તો જરૂરી છે.”

“શું એ તો બધા જ નથી કરતાં?” શિષ્યે વિસ્મયપૂર્વક પૂછ્યું.
“કાશ, બધા એમ કરતાં હોત. લોકો સુતાં સુતાં અને ખાતાં ખાતાં પણ લાખો યોજનાઓ બનાવતાં હોય છે. તેમનું મન બધે જ ફેલાયેલું હોય છે.”

તો, આ વાર્તા આજની આપણી થીમને કઈ રીતે અનુરૂપ છે? તમારા ગુસ્સામાંથી બહાર આવવા માટેની સૌથી મહત્વની રીત ઉપરની વાર્તાનાં શબ્દોની પાછળ છુપાયેલી છે. ચાલો હું તમને એવી ત્રણ રીતો બતાવું જે તમને તમારા ગુસ્સાને સમજવામાં, કાબુ કરવામાં, અને એમાંથી બહાર આવવા માટે મદદ કરશે.

૧. સાવધાન રહો (The practice of mindfulness)

ગુસ્સામાં દુઃખ પહોચાડે એવા શબ્દોના વાકબાણ, ગુસ્સાની અસર નીચે કદાચ માણસને પાછળથી પસ્તાવો કરાવે એવા આચરેલા અવિચારી કૃત્યો, તેમજ ગુસ્સામાં બેકાબુ બનીને કરેલા અપમાનજનક કર્મો આ બધા ગુસ્સાને લીધે સાવધાની ચુકી જવાથી કે કાળજી નહી રાખવાથી,  થતાં હોય છે. ગુસ્સો ફૂટે એ પહેલાની ક્ષણ ભ્રમની અવસ્થા હોય છે, આ અવસ્થામાં માણસ ભુલી જાય છે, તે પોતાનો સાચો પ્રતિકાર પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે.

સાવધાની એ એકમાત્ર સૌથી મહત્વની વાત છે જે તમને ગુસ્સામાંથી બહાર આવવા માટે મદદ કરે છે એટલું જ નહી પણ તમને નહી ગમતી દરેક ખરાબ આદતમાંથી બહાર આવવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે સાવધાન હશો તો તમે તમારા વિચાર-પ્રવાહને ચકાસી શકશો, તમે તમને યાદ અપાવી શકો કે તમે નથી ઈચ્છતા કે તમે ગુસ્સો કરો. જ્યારે તમે વ્યાકુળ થઇ જાઓ ત્યારે એક અસરકારક સવાલ તમારે તમારા મનને પૂછવાનો, “શું આ મારી સૌથી શ્રેષ્ઠ ચાલ છે (Is this my best move?)” એ તરત જ તમને વર્તમાન ક્ષણમાં પાછા લઇ આવશે.

તમારે સાવધાની દાખવવાની પ્રેક્ટીસ કરતી વખતે પણ બિલકુલ આમ જ કરવાનું છે. તમારી ઉર્જાનું મોજું જ્યારે શબ્દો અને કર્મો બની ફૂટવાની તૈયારીમાં હોય એ જ ક્ષણની પહેલાં તમારે આ સવાલ તમારા મનને કરવાનો છે, તમારી પસંદગીનો અમલ કરતા પહેલાં એના વિશે તમારી પાસે વિચારવાની માત્ર એક ક્ષણ હોય છે. તમારા મનને એવું યાદ અપાવવાથી કે તમે લોહી ઉકળી ઉઠે અને બીજાને ગાળો અપાઈ જાય એવું નથી ઈચ્છતા કે ગુસ્સો તમારા કરતા ચડી જાય એવું પણ નથી ઇચ્છતા, આવું મનને યાદ અપાવવાથી કામ થઇ જાય છે.

જેમ જેમ તમે સાવધાની રાખવાની પ્રેક્ટીસ કરતા જશો, તેમ તેમ તમારા માટે  તમારી પસંદગીનો પ્રતિકાર, કોઈ પણ સંજોગોમાં, પસંદ કરવો વધુ ને વધુ સહેલું બનશે. તેમ છતાં તમે તમારા ગુસ્સાને જ્યાં સુધી વશમાં ન કરી લો, જ્યાં સુધી તેને સંપૂર્ણપણે બદલાવી ન શકો, ત્યાં સુધી નીચેનાં બીજા બે રસ્તા છે જે તમે લઇ શકો.

૨. એક જરનલ લખો

દરેક વખતે જ્યારે તમે ગુસ્સે થાવ, અને પછી જ્યારે શાંત થઇ જાઓ, ત્યારે નીચે દર્શાવ્યા મુજબનાં ચાર ફકરા લખી નાખો:

(અ). બનાવ: હકીકતમાં શું બન્યું હતું?
(બ). કારણ: તમારા ગુસ્સે થવાનું કારણ શું હતું?
(ક). ગુસ્સાનું માત્રા: તમારા ગુસ્સાની માત્રા બરાબર કહી શકાય એટલી હતી?
(ડ). ભવિષ્ય:  શું ફરીથી આ પરિસ્થિતિ આવે તો શું તમે બિલકુલ આ જ રીતે તમારો પ્રતિકાર આપશો કે પછી જુદી રીતે આપશો?

જો તમે તમારી પ્રેકટીશને હજી વધુ મજબુત બનાવવા માંગતા હોય તો તમે જેટલી વખત તમારા ગુસ્સાને કંટ્રોલ કરી શક્યા હોય તો તેની પણ નોંધ કરી લો. જરનલ લખવાની અને પછીથી તેનો પુનર્વિચાર કરવાથી તમે તમારી જાતનું સારી રીતે મનોવિશ્લેષણ કરી શકશો અને વધુ સારી રીતે સમજી શકશો.

૩. તમારો અવાજ રેકોર્ડ કરો

આ એકદમ અસરકારક અને સહેલાઈથી અમલ કરી શકાય એવી રીત છે. ફરી વખત જ્યારે તમે ગુસ્સે થાવ, તમારો અવાજ રેકોર્ડ કરી લો અને પછીથી તેને સાંભળો. સંભવ છે કે તમને તમારો જ પ્રતિકાર હાસ્યાસ્પદ લાગે. જ્યારે તમે તમારી પ્રતિક્રિયાને ફરી-ફરીને સાંભળો છો ત્યારે તમારામાં એક સભાનતા જાગે છે. સભાનતા એ સાવધાનીનું સમાનાર્થી છે.

ઘણાં લોકોએ મને લખીને પૂછ્યું છે કે હંમેશા માટે શાંત રહેવું અને સર્ફર પણ ન બનવું શું શક્ય છે ખરું? જવાબ છે હા. એના માટે પ્રેક્ટીસ અને સાવધાની જોઈએ. તમે એક તટસ્થ દ્રષ્ટા બની શકો. જો તમે વર્તમાન ક્ષણની જાગરૂકતાને યાદ રાખો, તમે જો તમારી આંતરિક શાંતિ માટે કટિબદ્ધ રહો તો કોઈ પણ વસ્તુ તમને ગુસ્સે નહી કરી શકે. છતાં પણ તમે જો દ્રષ્ટા હો પરંતુ જો બહુ નજીક ઉભા રહેશો તો મોજા તમારા પગ ભીના કરી શકે છે. શાણપણ તો એક અંતર રાખવામાં છે, ભરતી આવે ત્યારે દૂર થઇ જવું અને જ્યારે દરિયો શાંત હોય ત્યારે નજીક જવું. ગુસ્સો એ ફક્ત લાગણી નથી પરંતુ લાગણીથી થતી પ્રતિક્રિયા છે. અને જીવનમાં દરેક બાબતની પસંદગીની જેમ ગુસ્સા સામેની પ્રતિક્રિયાની બાબત પણ એક પસંદગીની વાત છે.
“મારી પત્નીની મને બહુ ચીડ ચડે છે,” મુલ્લા નસરુદ્દીને કહ્યું. “જેટલી વખત એ સ્નાન કરે એટલી વખત એ કેટલાંય કલાકો રબ્બરની બતકો અને પ્લાસ્ટીકની હોડીઓ સાથે રમ્યા કરતી હોય છે.”

“એનાંથી એ ખુશ થાય છે, એમાં તમારે ચિંતા કરવાનું શું કારણ, મુલ્લા?” મનોચિકિત્સકે પૂછ્યું, “મને તો એમાં તમારે ચિડાવું પડે એવું કશું લાગતું નથી.”
“તમે પણ ચીડાઈ જાઓ જો એ તમારા (રમકડાં) હોય”, મુલ્લાએ કારણ કહ્યું.

જેટલાં વધુ તમે જોડાયેલાં હશો એટલો વધુ ગુસ્સો આવશે. તમારા દુઃખી થવાની માત્રા તમે કેટલાં પ્રમાણમાં જોડાયેલા છો તેના પર સીધી આધારિત છે. દાખલા તરીકે, તમે જેટલાં વધુ તમારી અધિકૃત વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે જોડાયેલાં હશો, કોઈ પણ વખતે તેમની સાથે કઈ પણ ખોટું થયું તો તમને દુઃખ થવાની સંભાવના રહેશે. જેટલાં વધુ જોડાયેલાં, તેટલાં વધુ દુઃખી, જેટલાં વધુ દુઃખી, તેટલી વધુ તકલીફ અને ગુસ્સો ખેચાઇ આવશે. અને જ્યારે તમે તમારી સાથે ખોટી રીતે જોડાયેલાં હોવ છો ત્યારે શું થાય છે? એક મોટો અહમ્ જન્મે છે. આવો અહમ્ એક ફૂલાવેલા ફુગ્ગા સાથે સરખાવી શકાય, થોડી પણ ટાકણી અડી તો ફૂટી જશે.

જો જોડવ જ નહી તો તકલીફ પણ નહી!
(Image credit: Gerald Kelley)

શાંતિ.
સ્વામી                                                

Wednesday, 10 October 2012

ત્રણ પ્રકારના ગુસ્સા વાળા લોકો

રેતીના કિલ્લા ભલે ને ગમે તેટલાં સુંદર કેમ ન હોય, તે અસ્થાયી જ હોય છે. દરિયાનાં મોજા તેને ધોઈ નાખતા હોય છે. તમે શું પકડી રાખીને બેઠા છો?
એક વખત, કેટલાંક છોકરાઓ બીચ ઉપર રમતાં હતાં. તેઓ રેતીના કિલ્લા અને બીજા તેવા આકારો બનાવવામાં મશગુલ હતાં. તેમાંના કેટલાંક પાસે સારા સાધનો જેવાં કે કોદાળી, પાવડો, ડોલ, ડબલું વિગેરે હતાં. તેઓએ ઘણો સમય તેમનાં કિલ્લા બનાવવા પાછળ ગાળ્યો.
 
તેમાંના એક છોકરાને રેતીના આકારો ઉભા કરવામાં રસ નહોતો, તે ફક્ત જોયા કરતો હતો.
મોડી બપોરે, જયારે બીજા છોકરાઓ પોતાનાં કિલ્લા બાંધી રહેવા આવ્યા હતાં, ત્યારે એ છોકરો તે રેતીના કિલ્લા ઉપર કુદવાની અને એને એક જ લાત વડે જમીનદોસ્ત કરવાની લાલચને રોકી શક્યો નહી. અને એક કિલ્લાને તો તેને તોડી પણ પાડ્યો.

બીજા છોકરાઓ આ જોઈને ખુબ ગુસ્સે થયા અને પેલા છોકરાને પકડીને મુક્કાથી અને પ્લાસ્ટિક ની કોદાળીથી માર્યો, તેના પર રેતી પણ ફેકી. તેને મારથી ઉઝરડા પડી ગયા અને ચહેરા પર નિશાન પણ થઇ ગયા. તે દૂર જતો રહ્યો અને રડવા લાગ્યો. બીજા છોકરાઓ એટલાં ગુસ્સે થયા હતાં કે તેમને એની દયા પણ ના આવી, તે તો પાછા કિલ્લા બનાવવામાં લાગી ગયા. એકાદ કલાક પસાર થયો હશે કે હવે અંધારું થવા લાગ્યું. લોકો પોતપોતાના ઘરે જવા લાગ્યા. પેલા છોકરાઓએ પણ હવે કિલ્લા બાંધવાનું પડતું મુકવાનું નક્કી કર્યુ.
 
જતાં પહેલા, તેઓ આનંદથી એકબીજાનાં કિલ્લા ઉપર કુદકા મારવા લાગ્યા. થોડી મિનીટો આમ કર્યા પછી, આખા દિવસની મહેનતને જમીનદોસ્ત કરી, તેઓ ઘેર પાછા ફર્યા.

પેલો એકલો, માર પડેલો છોકરો જે દૂર બેઠો હતો, તે વિચારવા લાગ્યો કે તેને જે કર્યુ એ ખોટું હતું કે પછી એ સમય ખોટો હતો, કે પછી જે એને બનાવ્યું નહોતું તે તોડવાનો હક તેને નહોતો? એવું કેમ બન્યું કે જે કામ એને કર્યુ તેનાંથી પેલા છોકરાઓને ગુસ્સો આવ્યો અને એ જ કામ તેમને જાતે કર્યુ તો આનંદપૂર્વક કર્યુ?

ચાલો થોડી વાર માટે આ વાર્તામાં કોઈપણનાં કૃત્યને ન મૂલવતા ફક્ત એના અર્થને સમજવાની કોશિશ કરીએ. તમે ગમે તેને સાચવવાની કોશિશ કરતાં હોય, એ રેતીના કિલ્લા જેટલું જ કાયમી હોય છે. શિસ્ત કદાચ જરૂરી હોઇ શકે, છતાં ગુસ્સાને ફક્ત બહાનાથી જ વ્યાજબી ઠેરવી શકાય, તમે તેને કોઈ પણ રીતે વ્યાજબી બતાવી શકો, પરંતુ સત્ય તો એ છે કે ગુસ્સાથી બન્ને જણને નુકશાન થાય છે, કરનારને અને એનો ભોગ બનનારને.
 
ચાલો આગળની પોસ્ટમાં જણાવ્યા મુજબ જુદા-જુદા પ્રકારના ગુસ્સા વાળા વ્યક્તિઓને સમજીએ. તે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે:

૧. પત્થરનો શિલ્પી (The Stone Sculptor)
પત્થર પર કોતરેલી લકીરનો વિચાર કરો. તે હંમેશા માટે ત્યાં રહી જતી હોય છે. ગુસ્સો કેટલાંક માણસોની અંદર પત્થર પરની લકીર જેવો હોય છે. તેઓ તેમનાં જીવનના સંજોગો, ઘટનાઓ, અને પ્રસંગો તેમ જ તેમનો પોતાનો તેના પ્રત્યેનો અભિગમ તેમને હંમેશા ક્રોધથી ભરેલા રાખે છે. તેઓ જેમાંથી પસાર થઇ ગયા છે તેને ભુલી શકતાં નથી, અને જેમને તેમની સાથે ખોટું છે તેમને તે માફ કરી નથી શકતાં, પરિણામે તેઓ ગુસ્સો અને નકારાત્મકતા તેમનાં હૃદયમાં ભરી રાખે છે. પત્થરની લકીરની જેમ, ગુસ્સો તેમનાં મન ઉપર કાયમી છાપ છોડી જાય છે. આ પ્રકારના ગુસ્સાને ઠીક કરવો સૌથી વધુ મુશ્કેલ છે. એક પત્થર વિશે વિચાર કરો કે જેને ઠીક ના કરી શકાય એટલું નુકશાન થયેલું છે. એવો કોઈ રસ્તો નથી જેના વડે હવે તે પત્થરને હતો એવા મૂળ સ્વરૂપમાં પાછો લાવી શકાય. આ સૌથી ખરાબ પ્રકારનો ગુસ્સો છે. જે લોકો નકારાત્મકતાને પોતાની અંદર ઉકાળતા હોય છે તે પત્થરના શિલ્પી જેવા હોય છે. તેઓ હંમેશા નિરાશાવાદી અને નકારાત્મક, ઉદ્વિગ્ન તેમજ ગુંચવાયેલા રહેતા હોય છે. દરેક ખરાબ પરિસ્થિતિ માટે, દરેક નકારાત્મક લાગણી માટે તેમની પ્રતિક્રિયા એકમાત્ર ગુસ્સાથી જ વ્યક્ત થતી હોય છે. હર એક ઘટના સાથે તેમનો ક્રોધ વધતો જાય છે, ગુસ્સાની રેખાઓ વધુ ઊંડી ઉતરતી જાય છે. 

૨. રેતીનો શિલ્પી (The Sand Sculptor)
આ પ્રકારના ગુસ્સા વાળા લોકો દુનિયામાં સૌથી વધુ સામાન્ય છે. ધારો કે રેતી પર એક લાઈન દોરેલી છે, તે ગમે તેટલી ઊંડી કે જાડી હશે, પણ તે કાયમી નથી. રેતીના કિલ્લાની દીવાલ ગમે તેટલી મજબૂત બનાવી કેમ ના હોય, દરિયાના મોજાની એક થાપટ એને ધોઈ નાખે છે. એ જ રીતે એવા ઘણાં લોકો હોય છે જે ગુસ્સે થતાં હોય છે પરંતુ તેઓ તેમનો ગુસ્સો હૃદયમાં સંઘરી રાખતા નથી, તે તેને છોડી દેતા હોય છે. જયારે ગુસ્સે હોય ત્યારે તેઓ વિચારો અને નિર્ણયોનાં કિલ્લાઓ બાંધતા હોય છે, પરંતુ આનંદનું એક મોજું, સારા સમયની એક ભરતી, માફીની એક ચેષ્ટા, અપરાધીનો એક પશ્ચાતાપ... અને તેઓ તરત જ તેમની ગુસ્સાની દીવાલ ઓગાળી નાખે છે અને પાછા પોતાનાં ખુશમિજાજ તરફ પાછા વળી જતાં હોય છે. ડાહ્યા માણસો તેમનું હૃદય એટલું શુદ્ધ રાખતા હોય છે કે તેઓ પત્થરનું શિલ્પ ન બનીને રહી જાય. તેઓ ગુસ્સે થતાં હોય છે પરંતુ જતું પણ કરતાં હોય છે. અંતે તેઓ રેતીને પણ કોઈ નુકશાન પહોચાડતા નથી, લકીરો ભૂસાઈ જતી હોય છે અને ગુસ્સાની દીવાલ પણ જોતજોતામાં નષ્ટ થઇ જાય છે.

૩. સર્ફર (The Surfer)
આ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે! તમે જો કોઈ સર્ફિંગ કરતાં હોય એમને જુઓ તો જણાશે કે તે પણ લાઈન દોરતા હોય છે, તેઓ જો કે પાણીમાં દોરતાં હોય છે. આ લાઈનો જો કે જેવી દોરાય કે તરત જ ભૂસાઈ પણ જતી હોય છે. સર્ફરનો ગુસ્સો ક્ષણિક હોય છે, એ જેટલો જલ્દી ઉઠે છે એટલો જ જલ્દી શમી પણ જાય છે. તેઓ કોઈને દુઃખ લાગે એવા શબ્દો બોલે એ પહેલાં જ તેઓ શાંત થઇ જાય છે, તેઓ ગુસ્સાને પોતાનાં હૃદયમાં સંઘરી રાખતાં નથી, તેઓ ગુસ્સાની કોઈ દીવાલ ચણતાં નથી, જો કે તે અસ્થાઈ સ્વરૂપે ફક્ત મોજા ઉપર સવારી કરે છે અને તરત જતું કરે છે.
 
અંતર્મુખી બનવાનું કાર્ય એ તળાવ જેવા બનવા જેવું છે, એક ચોક્ખા સ્થિર અને શાંત પાણીનું જળાશય!

ગુસ્સામાંથી બહાર આવવા માટે તમારા સ્વભાવને પ્રથમ સમજો, તમે શિલ્પી છો કે સર્ફર છો, અને તમારા ગુસ્સાના પ્રકારને સમજો, એટલે કે એ જ્વાળામુખી (Volcano) જેવો છે કે ઉકળનાર (brewer) છે.  તે જાણ્યા પછી હવે તમારા ગુસ્સા કરતાં તમે વધુ મજબૂત બની શકો એ દિશામાં પગલાં ભરો, કારણ કે જો તમે મજબૂત હશો તો તમે ગુસ્સામાંથી બહાર આવી શકશો, નહીતર ગુસ્સો તમારા કરતાં વધુ શક્તિમાન સાબિત થશે.

મેં હવે પછીની બીજી પોસ્ટમાં ગુસ્સાની લાગણી વિશેનો સાર લખ્યો છે. ગુસ્સાની લાગણીમાંથી કેવી રીતે બહાર આવવું તેના રસ્તા વિશે હું લખીશ. ત્યાં સુધી, થોડો સમય ફાળવી તમારા સ્વભાવ અને તમારા ગુસ્સાના પ્રકાર વિશે થોડું ચિંતન કરો. જેટલી વધુ તમે તમારી જાતને ઓળખશો તેટલા વધુ સારા તમારે જેવા બનવું હશે એવા બની શકશો.
 (Image credit: William Cho)
શાંતિ.
સ્વામી                                                             

Share