Sunday, 28 October 2012

ચાર રાણીઓનું સત્ય

એક રાજાને ચાર રાણીઓ હતી. ચાર રાણીઓનું સત્ય જાણવા માટે આ વાર્તા વાંચો.

એક વખતે એક રાજા હતો. તેને ચાર રાણીઓ હતી. ચારે રાણીઓ એકબીજાથી ઉત્તરોત્તર ચડિયાતી, વધુ સારી, વધુ સુંદર હતી. જો કે રાજા ચારેય પ્રત્યે આકર્ષિત થયો હતો. છતાં ચોથી અને સૌથી નાની રાણી તેને સૌથી વધુ પસંદ હતી, એના પછી ત્રીજી, ત્યાર બાદ બીજી અને ત્યાર બાદ પ્રથમ. પ્રથમ રાણી સૌથી મોટી હતી.

એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા ગયો. ઘનઘોર જંગલમાંથી કોઈ એક અજાણ્યું જીવડું રાજાને કરડી ગયું અને પરિણામે રાજાને એક વિચિત્ર બીમારી લાગુ પડી ગઈ. દાકતર, વૈદ્ય, અને ઋષિમુનીઓએ તેમનાથી બનતાં બધા ઉપચારો કરી જોયા પણ કોઈ પરિણામ મળ્યું નહિ. છેલ્લે તેઓએ જાહેર કર્યુ કે રાજા પોતાના મૃત્યુની નજીક છે અને ફક્ત થોડા દિવસનાં જ મહેમાન છે.

રાજાએ પોતાની સંપત્તિ ચારે રાણીઓ વચ્ચે વહેચવાનું નક્કી કર્યુ, કારણકે રાજાને કોઈ વારસદાર તો હતો નહિ. જો કે સંપત્તિની વહેચણી સરખા ભાગે કરવા કરતાં રાજાને થયું કે જે રાણી મને સૌથી વધારે પ્રેમ કરતી હોય તેનાં પ્રમાણે વહેચવી જોઈએ. રાજાએ તો મનમાં એક સરસ યોજના ઘડી કાઢી અને દરેક રાણીને વારાફરતી એક એક કરીને બોલાવી, ચોથી-નાની રાણીથી શરૂઆત કરી કે જેને રાજા સૌથી વધુ પ્રેમ કરતાં હતા.

“મારી પાસે ત્રણ જ દિવસ જીવવાના બચ્યા છે” રાજાએ કહ્યું, “હું તને એક રહસ્યની વાત કરું છું. બહુ પહેલાં એક સંતે મને શક્તિશાળી યંત્ર આપ્યું હતું જે મને સ્વર્ગમાં પહોચાડી શકે તેમ છે. જો કે એ પહેલાં નરકમાં ૭ વર્ષ ઘોર દુખ અને યાતના ભોગવવી પડે, પણ આપણે એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ તો મેં નક્કી કર્યુ છે કે આ તક હું તને આપીશ.”

નાની રાણી જે રાજાનાં મૃત્યુથી સુનિશ્ચિત હતી, ઠંડા કલેજે બોલી, “નિ:શંક હું તમને પ્રેમ કરું છું, પરંતુ દરેકે પોતાનાં મૃત્યુનો સામનોતો કરવો જ પડે. હું અહી રાણી બનીને રહેવાનું પસંદ કરીશ, જયારે તમારા પાર્થિવ શરીરને સ્મશાને લઇ જવાતું હશે ત્યારે હું તો મહેલની બહાર પગ પણ નહિ કાઢું. કારણકે નરકનો વિચાર માત્ર મારા માટે તો ભયાનક છે. હું તો કાળજી અને પ્રેમથી રહેવા ટેવાયેલી છું.

રાજાતો આઘાતથી દિગ્મૂઢ થઇ ગયો. “મને તો હતું કે હું તને જેટલો અને જેવો પ્રેમ કરું છું તું પણ મને એટલો અને એવો જ પ્રેમ કરતી હશું” ખુબ જ દુઃખ સાથે તે બોલ્યો. “હું તો હજી પણ છોડી દઈ શકું તેમ નથી, મેં નક્કી કર્યું છે કે મારી ત્રીજી રાણી મારા ગયા પછી તારી સંભાળ લેશે.”

ત્યારબાદ રાજાએ ત્રીજી રાણીને બોલાવી અને આખી વાર્તા ફરી કરી.

“હું જાણતી જ હતી કે તમે એને મારા કરતાં વધુ પ્રેમ કરો છો, એટલાં માટે જ તમે તેને પહેલાં પૂછ્યું. પણ હું તેનાં જેવી ક્રૂર નથી.” ત્રીજી રાણી બોલી “હું તમને સ્મશાનઘાટ સુધી સાથ આપીશ, પણ એનાંથી આગળ નહિ. આખરે, તમારી પ્રથમ રાણી હજી જવાન છે, એનું રક્ષણ કરવાવાળું પણ કોઈ જોઈએ. તમારા ગયા બાદ હું એ દાયિત્વ નિભાવીશ અને મને પણ એ રીતે એક સાથ મળી રહેશે.”

રાજાને આ વખતે એટલો ધ્રાસકો ન લાગ્યો. એને હવે ભાન થવા લાગ્યું હતું. રાજાને હવે કોણ પોતાનું અને કોણ પારકું એની ખબર પડવા લાગી હતી. રાજાએ ત્રીજી રાણીને વિદાય કરી અને બીજી રાણીને બોલાવી.

ત્રીજી રાણીએ રાજાની વાત સાંભળી, અને બોલી, “ હું સાબિત કરીશ કે હું તમને સૌથી વધુ પ્રેમ કરું છું. હું તમારી ચિતાને આગ અપાતી હશે ત્યાં સુધી સાથ આપીશ. પણ મારું માનવું છે કે મારા કર્મો સારા છે અને હું નરકમાં જવાને લાયક નથી. માટે હું તમારા અગ્નિદાહ સુધી જ સાથ આપી શકીશ”

રાજાએ તેને પણ પાછી મોકલી આપી અને પોતાની પ્રથમ પત્નીને બોલાવી જે સૌથી મોટી હતી, જેના પ્રત્યે રાજાએ હંમેશા ઓછામાં ઓછુ ધ્યાન આપ્યું હતું. જેવી રાજાની વાત સાંભળી કે તરત જ તે બોલી, “હું તમે જ્યાં જશો ત્યાં તમારી સાથે આવીશ. હું તમને ક્યારેય તરછોડીશ નહિ.”

રાજાને મનમાં શાંતિ થઇ, કે આખરે કોઈ તો છે જે તેને બિનશરતી પ્રેમ કરે છે. આ વાર્તા, જો કે કોઈ રાજા અને તેની રાણીઓ વિષેની નથી, એ તો તમારા વિષેની છે, દરેક માણસજાત વિષેની છે. દરેક ને નીચે પ્રમાણેની ચાર રાણીઓ હોય છે:

સૌથી નાની રાણી છે સંપત્તિ. જો કોઈને જન્મથીજ વારસામાં તે મળતી હોય તો પણ એ એક નવી સંપત્તિ જ છે જે આ જીવન સુધી જ મર્યાદિત રહેવાની છે. જયારે કોઈ મૃત્યુ પામતું હોય છે ત્યારે સંપત્તિ એની સાથે નથી જતી. એ તો જ્યાં હોય છે ત્યાં જ રહેતી હોય છે, બીજા કોઈ માટે. બીજા તેને હવે તેમની મરજી મુજબ ઉપયોગ કરવાના.

ત્રીજી રાણી છે સંબધી – કુટુંબ. તમે તેમનાં માટે ગમે તેટલું કરશો, ગમે તેટલો પ્રેમ કરશો તો પણ તે સ્મશાન ઘાટની પેલે પાર તેઓ તમને સાથ નહિ આપી શકે. સંબધોનાં લેબલ વ્યક્તિ જયારે ગર્ભમાં હોય છે ત્યારથી જ અપાઈ જતાં હોય છે માટે જ સંબધી તે સંપત્તિ કરતાં એક કદમ મોટી છે.

બીજી રાણી છે શરીર. સમગ્ર જીવન માણસ પોતાનાં શરીરની ખુબ જ કાળજી લે છે, પણ એ તો હંમેશા બગડતું જતું મશીન છે. એ તો કોઈની સાથે ચિતાની આગથી આગળ જવાનું નથી.

પ્રથમ રાણી છે – કર્મ. તમારા કર્મો તમારી સાથે અનેક જન્મારા સુધી જતાં હોય છે. તેમાં કોઈ બાંધછોડ છે જ નહિ. આપણે જે કરતાં હોઈએ છીએ એનાં ઉપરથી જ આપણને શું મળવાનું છે તે નક્કી થતું હોય છે. અને માટે જ કર્મ પ્રત્યે ધ્યાન આપવાની સૌથી તાતી અને મોટી જરૂર છે.

મોટાભાગના લોકો આ વાર્તામાંના રાજા જેવું જીવન જીવતાં હોય છે, પોતાની ચાર રાણીઓને ઉપર બતાવ્યા મુજબના ઉતરતા ક્રમમાં જ પ્રેમ કરતાં હોય છે. જો કે પોતાની સંપત્તિ, સંબધી અને શરીરની કાળજી લેવી જેમ જરૂરી છે તેમ સાથે સાથે આપણે જે કર્મો કરીએ છીએ તેનાં માટે અને તેનાં પરિણામો માટે પણ આપણે જ જવાબદાર હોઈએ છીએ. જયારે સારા કર્મો તમારા જીવનમાં કુદરતી શાંતિનો અનુભવ કરાવડાવે છે તો શરીર તંદુરસ્ત રાખવું પણ યથાર્થ છે. કારણકે શરીર જો તંદુરસ્ત હશે તો જ તમે તમારી જાતની તેમજ તમારી બીજી જવાબદારીઓનું પાલન સારી રીતે કરી શકશો. જેવી રીતે વિમાનમાં સલામતીની સુચના આપતી વખતે કહેતાં હોય છે કે, ઈમરજન્સીમાં ઓક્સીજનનો માસ્ક પ્રથમ તમારા નાક ઉપર ચડાવો અને ત્યારબાદ જ તમારી બાજુમાં બેઠેલા બાળકને મદદ કરો.

હળવાશમાં કહેવું હોય તો: મુલ્લા નસરુદ્દીન એક શ્રીમંત માણસની સ્મશાન યાત્રામાં ગયા. પાછા વળતી વખતે તેમના એક મિત્રે તેમને ઉભા રાખ્યા.

“તે એક ખુબ જ શ્રીમંત માણસ હતા, એ તો બધી બહુ સંપત્તિ મુકીને ગયા હશે.” મિત્રે પૂછ્યું.

“અરે, ચોક્કસ,” મુલ્લા બોલ્યા. “એકે એક પાઈ!”

તમારા કુટુંબ માટે વિરાસત છોડી જવી એમાં કશું ખોટું નથી. હકીકતમાં તો તે એક ઉમદા લક્ષણ છે, કારણ કે, જો તમે તમારા કુટુંબનું ધ્યાન નહિ રાખો તો બીજું કોણ રાખશે? પણ આશા છે કોઈ એમ પોતાનાં કર્મોનાં ભોગે નહિ કરે. હું તો એવા ઘણાં લોકોને મળ્યો છું કે જેઓ તેમ કરતાં હોય છે.
થોભો, ઉભા રહો અને વિચારો, એક ઊંડો શ્વાસ લો, તમારી પ્રાથમિકતા નક્કી કરો અને એનાં મુજબ વ્યવહાર-વર્તન કરો. અંતે તો તમારા કર્મો તમારા ખાતામાં નોંધાતા જ હોય છે, અને ખાતેદાર જ તેનાં માટે જવાબદાર હોય છે, તેનાં લાભાર્થીઓ નહિ.
(Image credit: Kirsten Baldwin)
શાંતિ
સ્વામી
 

 

No comments:

Post a Comment

Share