Wednesday, 17 October 2012

શું તમે તમારી જાત સાથે આરામદાયક અનુભવો છો?


ફૂલ કુદરતને પરાગ આપીને બીજા અનેક ફૂલો બનાવવામાં મદદરૂપ થાય છે. તે ભમરાને આકર્ષે છે જે એના પરાગને મીઠા મધમાં ફેરવે છે
આ દુનિયામાં, મોટાભાગની વસ્તુઓ ઘડિયાળનાં કાંટા જેવી છે, લોકો જન્મે છે, મોટા થાય છે, ભણે છે, નોકરી કરે છે, પરણે છે, સંતાન પેદા કરે છે, પોતાની તેમજ પોતાના સંતાનોની કાળજી કરે છે, ઘરડાં થાય છે, અને મૃત્યુ પામે છે.

તમે ક્યારેય વિચાર્યુ છે, આપણામાંથી મોટાભાગનાં લોકોને કેમ બહાર જવાનું પસંદ હોય છે, મુવી જોવાનું, મ્યુઝિક સાંભળવાનું અને સામાજીકરણ કરવાનું પસંદ હોય છે? શા માટે મોટાભાગનાં લોકોને મોટા મેળાવડામાં, ટોળામાં, અને કોન્સર્ટમાં જવાનું ગમતું હોય છે? સમાજ અને તેની ઉત્ક્રાંતિએ મોટાભાગનાં લોકોની માનસિકતાને બહારથી આનંદ શોધવાની ટેવ પાડી દીધી છે. આમ આનંદની આ બાહ્ય ખોજ, તમે ખરેખર જે છો અને તમે જે તમારી બાહ્ય ઓળખને બનાવવાની કોશિશ કરો છો, એ બે ઓળખની વચ્ચેનાં અંતરને મોટું કરે છે.
 
તો શું માણસે બહાર જે તકો પ્રાપ્ય છે તેને ન ઝડપવી જોઈએ? કે પછી માણસે પોતાની જવાબદારીઓને અવગણવી જોઈએ? બિલકુલ નહી. ઉલટું હું તો એમ કહીશ કે તમારી ડ્રીમ લાઈફ જીવવામાં કશું ખોટું નથી, ખાસ કરીને જો તે બીજાને મદદ કરતી હોય, પરંતુ આજની મારી વિચાર-વસ્તુનો ભાર, તમારા એવા ઘણાં કાર્યો કે જેને આપણે કુદરતી અને જરૂરી ગણતાં હોય તેને એક નવા દ્રષ્ટિકોણથી જોવા માટે મદદરૂપ થવા ઉપર છે.

જો તમે સમય ફાળવીને થોડું મનોવિશ્લેષણ કરશો તો જણાશે કે બધા જ બાહ્ય કાર્યો તમે તમારા સ્વને ભૂલવા માટે થતાં દેખાશે. જયારે તમારે તમારી જાત જોડે કામ લેવાની જરૂર રહેતી નથી ત્યારે એ જરૂરત અદ્રશ્ય થઇ જાય છે. સિનેમા હોલમાં, કે પછી ટીવી જોતી વખતે, પાર્ટીમાં, કે કોઈ સામાજિક પ્રસંગમાં, સંમેલનમાં, તમે એક બાહ્ય સ્રોત સાથે જોડાઈ જાઓ છો. અને પછી તમે તમારાથી દૂર થઇ જાઓ છો. તમારી આજુબાજુનું વાતાવરણ હવે તમારી માનસિકતાને આકાર આપે છે, તમારા ઉપર કાબુ કરે છે, અને તમને તમારા ખરા સ્રોતથી કાપીને દૂર કરી દે છે.

 એક દિવસ, મારી ઝુંપડીની બહાર, એક લીલું ઝાડ એક તેજ હવામાં જોરદાર ઝૂલી રહ્યું હતું, એના પાંદડા સતત ફડફડતા હતાં, જાણે રમતે ચડ્યાં ન હોય! આકાશમાં વાદળો ઉમટ્યાં હતાં, નદી તોફાને ચડી હતી, પર્વતો લીલોતરીથી હર્યાભર્યા હતાં અને દૂર ગાયો ચરતી દેખાતી હતી. એકસાથે ઘણી બધી પ્રવૃતિઓ કુદરતના ખોળે ચાલી રહી હતી છતાં ચોતરફ પૂર્ણરૂપે નિરભ્ર શાંતિ હતી. મેં મારું ધ્યાન પાછુ પાંદડા તરફ વાળ્યું. તે હજી નાચી રહ્યા હતાં, તે ખુબ જોશથી ઝુલતા હતાં, જાણે કે તેઓ પોતાની જાતને વૃક્ષથી અલગ ન કરવા માંગતા હોય, તેમને બહારથી એક સ્વતંત્રતા જોઈતી હોય એવું લાગતું હતું, જાણે કે પાંદડા પોતે જાણતા હતાં કે એક વાર અલગ થયા પછી તેઓ શક્તિશાળી પવન સાથે દૂર દૂર ઉચે ઉડવા લાગશે.
 
બરાબર ત્યારે જ એક પાંદડું એની ડાળી પરથી ઉડ્યું, હવે તે વૃક્ષ પાસે રહ્યું નહોતું, હવે કેટલાંય ફૂટ ઉપર તે ઉડી રહ્યું હતું, થોડી વારમાં જ તે એક ખાબોચિયામાં જઈને પડ્યું. જે પાંદડું થોડી વાર પહેલાં લીલું હતું હવે તે તરત જ સડવા માંડશે, મને થયું. તેને સ્વતંત્રતા તો મળી તેમ છતાં પણ તે પોતાના સ્રોતથી અલગ થઇ જવાથી તેની પોતાની પોષણ અને તાકાત મેળવવાની જે ક્ષમતા હતી તે તેને ગુમાવી દીધી હતી. તે પ્રાણહીન ત્યાં પડી રહ્યું. જયારે તે વૃક્ષ સાથે જોડાયેલું હતું ત્યારે ધરતી અને પાણીમાંથી તેને પોષણ મળી શકતું હતું. હવે, તે બન્ને તત્વો હાજર હોવા છતાં પણ તે તેને પુષ્ટ નહી કરી શકે, ફક્ત તેને સડવા દેશે.
 
તમે દુનિયામાં ગમે તે કરો, તમારે જે આનંદ ઉઠાવવો હોય તે ઉઠાવો, પણ તમે જે છો તે બની રહો અને ક્યારેય તમારા સ્રોતથી અલગ ન થાવ. તમારો સ્રોત કે જે દિવ્ય છે, પ્રમુખ શક્તિ છે અને એક સર્વોત્કૃષ્ઠ બીજ છે જેમાંથી તમે સર્જાયેલાં છો. પોતાના મૂળ સ્રોતથી અલગ થઇને મેળવાતી કોઈ પણ સ્વતંત્રતા ટુકજીવી અને અસ્થાયી હોય છે.
 
તમે હજી પણ તમારા મૂળ સાથે જોડાયેલાં છો તેમ કેવી રીતે માનવું? તીર્થસ્થાનોએ જવું કે પવિત્ર નામનો જપ કરવો એ કઈ એના સૂચક નથી, એતો ખાલી પ્રવૃતિઓ છે, હકીકતમાં બાહ્ય પ્રવૃત્તિ! તમે તમારા મૂળ સાથે જોડાયેલાં છો એની સૌથી મોટી નિશાની એ છે કે જયારે તમે તમારી ખુદની સાથે આરામદાયક મહેસુસ કરો છો, અંદરથી એક શાંતિ અનુભવાય છે. અર્થાત કે તમે અંતર્મુખી થઇ જાઓ છો, તમે આધ્યાત્મિકતાનાં સારને સમજી ગયા છો અને એમાં હવે તલ્લીન થઇ ગયા છો.

એક વખત એક રાજા પોતાના નોકર-ચાકર સાથે હિમાલયના જંગલમાં એક ગુફામાં સાધુને મળવા ગયો. ગુફાનો દરવાજો એકદમ નાનો હતો.તે વાકો વળ્યો અને અંદર દાખલ થયો, અંદર એકદમ નીરવ શાંતિ હતી.

“અરે, તમને તો અહી બહુ એકલું લાગતું હશે કેમ, ગુરુજી?” રાજાએ પૂછ્યું.

“હવે જયારે તું અહી છે માટે હું ખરેખર એકલો છું,” સંતે કહ્યું, “પહેલા તો હું મારો સાથ આનંદથી માણતો હતો. તમે જયારે બીજાના સાથમાં હોવ છો ત્યારે તેમનાંથી જોડાય જાવ છો, માટે જયારે બીજા લોકો આસપાસ નથી હોતા ત્યારે તમને એકલું લાગતું હોય છે. જયારે મારી બાબતમાં, હું મારી સાથે જોડાયેલો છું, તો હું જયારે મારી આજુબાજુ નથી હોતો ત્યારે હું એકલતા અનુભવું છું.”

જો તમે જાણવા માંગતા હોય કે તમે કેટલાં તમારી જાત જોડે આરામદાયક છો, તો થોડા દિવસ એકાંતમાં રહેવાની પ્રેક્ટીસ કરો અને થોડું મનોવિશ્લેષણ કરો. હું શું કહેવા માંગું છું તે તમે સમજવા માંડશો. એકવાર ફરી કહું છું, કે હું એમ નથી સૂચવતો કે તમે ભૌતિક દુનિયાને માણવાનું બંધ કરી દો, હકીકત તો એ છે કે જયારે તમે તમારી જાત જોડે આરામ અનુભવો છો ત્યારે કોઈ પણ આનંદ કે જે તમે ગમે તેમાંથી મેળવતા હોય એ અનેક ગણો વધી જાય છે, મોટો થઇ જાય છે, તમે એ ખુશી અને આનંદને પહેલા ક્યારેય ન અનુભવ્યા હોય એટલા વધુ પ્રમાણમાં અનુભવો છો.

જયારે તમે પોતાની જાત સાથે આનંદ માણો છો ત્યારે આખી દુનિયા તમારા સહવાસમાં એક પ્રકારની શાંતિ અને આનંદ અનુભવે છે. તમે જેટલાં વધુ તમારી પોતાની જાત જોડે સહજ હોવ છો, એટલી વધુ તમારી આંતરિક શાંતિ આજુબાજુનાં બનાવોથી અસરમુક્ત રહેતી હોય છે. જેમ પાંદડું એના વૃક્ષ સાથે જોડાયેલું હોય છે તેમ જયારે તમે તમારા સ્રોત સાથે જોડાયેલાં હોવ છો ત્યારે કોઈ વખત તમે પવનની સાથે નાચો છો, તમે જમીન અને પાણીમાંથી પોષણ મેળવો છો. પરંતુ જયારે એ જ પાંદડું પોતાના વૃક્ષ પરથી ઉખડી જાય છે ત્યારે એ જ પવન તેને ગમે તેમ ઉડાડી દે છે, એ જ ધરતીની માટી એને સડવા દે છે, અને એ જ પાણી કે જેને એ વૃક્ષની સિંચાઈ કરી હતી એ હવે એ પાંદડાને વિઘટિત કરી નાખે છે.

જે તમારી અંદરનું છે તે જે બહાર છે એનાંથી અનંત ઘણું વધુ મહત્વનું છે, આખરે તો મનની આંખોથી જ સાચું બાહ્ય દર્શન થતું હોય છે.
 (Image credit: Christine Holt)
શાંતિ.                                                              
સ્વામી

 

No comments:

Post a Comment

Share