Monday, 12 November 2012

ખુશ કેવી રીતે રહેવું?

મુશ્કેલીઓનો વરસાદ થાય કે પ્રશ્નોનો બરફ પડે,  ખુશીનું વાહન ત્રણ પૈડા ઉપર ચાલતું હોય છે.

મારું ઈનબોક્સ દુનિયાભરનાં વાંચકોના ઈ-મેઈલથી ભરેલું હોય છે, તેમાંના મોટાભાગનાં લોકોને તેમની મુશ્કેલીઓ વિષે પ્રશ્ન હોય છે, કેટલાંક ને તો વળી એક થી વધુ હોય છે. પ્રશ્ન એ નથી કે તેમને મુશ્કેલીઓ હોય છે, પ્રશ્ન એ હોય છે કે મુશ્કેલીઓની વચ્ચે તેઓ ખુશ નથી રહી શકતા. એટલાં માટે જ એક સામાન્ય સમજણ એવી હોય છે કે જો મારી મુશ્કેલી દુર થઇ જાય, તો મારું દુઃખ પણ અદ્રશ્ય થઇ જાય, અને હું ખુશી પણ અનુભવું. જો કે તેવું ભાગ્યે જ હોય છે
 
બધું નહિ તો મોટાભાગની તલાશ પાછળ એક ખુશી મેળવવાની, આનંદ અનુભવવાની, એક તૃપ્તિ મેળવવાની ઈચ્છા હોય છે. ખુશી, જો કે ફક્ત એક લક્ષ્ય નથી, એ અંતિમ મંઝીલ પણ નથી. એ એક પરિણામ સ્વરૂપ હોઈ શકે છે, પરંતુ એ બધાની પરે, તે એક માનસિક અવસ્થા છે, એક ભાવ-અવસ્થા.
 
ભૌતિક વૈભવ, બૌદ્ધિક સાહસ, સામાજિક મોભો એ એક આનંદ કે ખુશીના અનુભવમાં ઉમેરો કરી શકે, પરંતુ ખુબ જ મર્યાદિત અને અસ્થાયી સ્વરૂપે. તમારા આનંદની અવસ્થા તમારી પાસે કઈ હોવા ન હોવા પર આધારિત નથી. ચાલો હું તમારી ઓળખ એક ત્રણ પૈડા વાળા ખુશીના વાહન સાથે ત્રણ સોનેરી સવાલો સહીત કરાવું. જો તમારા જીવનનું વાહન આ ત્રણ પૈડા ઉપર એકદમ બરાબર ઉભેલું હશે તો તમે તમારી મુસાફરી કોઈ પણ જાતના પ્રયત્ન વગર અને સૌથી વધારે ખુશી સાથે પૂરી કરી શકશો. આ રહ્યું તે:
 
૧. સ્વીકાર: હું આ સ્વીકાર કરી ને શાંતિને પસંદ કરી શકું?
 
સ્વીકારમાં કઈક દૈવી વાત છે. બીજાને તેઓ જેવા છે તેવા સ્વીકારી લેવાથી તમારા અસ્તિત્વનાં દરેક અણુમાં શાંતિ સ્ફુરે છે. અસ્વીકાર એ પ્રતિકારનું સમાનાર્થી છે, તેના માટે એક ચુનોતીની જરૂર પડે છે, તેને પ્રવાહની સામે તરવા જેવું કહી શકાય, તે હંમેશા અઘરું હોવાનું.
 
બે અલગ વ્યક્તિનો વિચાર કરો, વસંત ઋતુ છે અને ફૂલો ખીલ્યા છે. એકનું શરીર પરાગરજને સ્વીકારે છે અને તંદુરસ્ત રહે છે. બીજી વ્યક્તિનું શરીર તેનો ફોરેન બોડી ગણી પ્રતિકાર કરે છે, તે તેની સાથે લડવાનો પ્રયત્ન કરે છે, અને પરિણામે મ્યુકસ બને છે અને
પરાગ જ્વર (hay fever) આવી જાય છે. એવી જ રીતે તમારે પણ એક પ્રતિકાર વ્યવસ્થા જોઈએ, એક coping mechanism જોઈએ જયારે તમે કશું સ્વીકારી ન શકો ત્યારે. જો વિરોધ ન હોય તો પ્રતિકાર પણ ન હોય.
 
જ્યાં સુધી તમારી ખુશી કે સુખ બીજા ઉપર આધારિત હશે ત્યાં સુધી તે તમારી ખુશીને મચેડતા રહેશે, અસર કરતાં રહેશે અને તમારી ખુશી ઉપર હુકમ ચલાવતાં રહેશે. જો કે એ જરૂરી છે કે તમે લોકો અને સંજોગોના સ્વીકાર વચ્ચે તફાવત કરી શકતા હોવા જોઈએ. તમે લોકોને તો બદલી શકતા નથી પરંતુ તમારા જીવનમાં તેઓનું અસ્તિત્વ કે તેઓની ગેરહાજરી તમારા સંજોગો ને બદલી શકતા હોય છે. જો તમે લોકોથી ખુશ ના હોવ તો દરેક જવાબ અને ઉકેલ માટે સૌથી પહેલાં તમારી અંદર ઝાંકીને જુઓ, અને જો તમે તમારા સંજોગોથી નાખુશ હોવ તો તમારે તેમને બદલવા માટે લાગી જવું પડશે.
 
સ્વીકારનો અર્થ એવો નથી કે જે તમારા માટે મહત્વનું હોય તેના માટે કામ ન કરવું, તેનો અર્થ એ છે કે તમારા વર્તમાન સંજોગો કે પરિણામની અસર તમારી શાંતિ પર ન થવા દેવી.
 
૨. વલણ: હું તેને કેવી રીતે લેવા માંગુ છું?
 
બીજું પૈડું છે વલણ – attitude. તમે કેવું અનુભવો છો કે તમે દરેક વસ્તુને કેવી રીતે જુઓ છો તેનો સંપૂર્ણ આધાર - જીવન, બીજા લોકો અને તમારી જાત - પ્રત્યેના તમારા વલણ પર હોય છે. જયારે તમે જીવન કેવું હોવું જોઈએ અને કેવું હોઈ શકે તેવું ઈચ્છવાનું શરુ કરો તેમજ જયારે તમે તમારી પાસે શું શું નથી તેનું ગાણું ગાવાનું શરુ કરો કે તરત જ તમારી પાસે જે છે તેની કીમત એકદમ ઝડપથી ઘટવા લાગે છે.
 
મુલ્લા નસરુદ્દીન એક વખત એક ફાટેલાં-તૂટેલાં કપડા પહેરેલા અને જીર્ણશીર્ણ થેલો લઈને જતા માણસને મળ્યા, તે એકદમ થાકેલો અને ખોવાઈ ગયેલો એક કચરો ઉઠાવનારા જેવો લાગતો હતો. મુલ્લાથી ના રહેવાયું અને પૂછી કાઢ્યું, “કેવું ચાલે છે?”
 
“તમને શું લાગે છે? બહુ જ ખરાબ,” એને તો ફરિયાદ કરવાનું શરુ કર્યુ, “મારી પાસે ઘર નથી, ખાવાનું નથી, કામ નથી, પૈસા નથી. મારી પાસે જો કશું હોય તો આ ગંધાતો થેલો.”

એક પણ શબ્દ બોલ્યા વિના, મુલ્લાએ તો એ થેલો ઝુંટવીને દોટ મૂકી. પેલો માણસ પાછળ દોડ્યો પણ મુલ્લા સાથે ન થઇ શક્યો. થોડી વાર પછી મુલ્લાએ તેનો થેલો રસ્તા વચ્ચે મૂકી અને એક દુકાન પાછળ સંતાઈ ગયા.
 
પેલો માણસ તો દોડતો આવ્યો, પોતાના ઘુટણ પર પડી ગયો, અને પોતાનો થેલો લઇ લીધો અને ખુશીના આંસુથી એકદમ રડી ઉઠ્યો, “આહ! મારો થેલો, મને મારો થેલો પાછો મળી ગયો! મને તો એમ હતું કે મને મારો થેલો પાછો જોવા ય નહિ મળે. ભગવાન તારો ખુબ ખુબ આભાર! મને મારો થેલો પાછો મળી ગયો.”
 
મુલ્લા બબડ્યા, “આ એક રસ્તો છે બીજાને ખુશ કરવાનો”
 
દુઃખી લોકો તેમની પાસે જે નથી તેની ઈચ્છા કર્યે જવામાં જ બધો સમય કાઢે છે.
 
જયારે પણ જિંદગી તમારી આગળ કશું ફેંકે, ત્યારે તમારે તમારી જાતને પૂછવું જોઈએ: મારે આને કઈ રીતે લેવું છે?
 
તમારી જાતને યાદ અપાવો કે તમારી પાસે બે વિકલ્પો છે, કાં તો હકારાત્મક વલણ રાખવું કે પછી નકારાત્મક. તમે પસંદ કરો.
 
૩. જાગૃતતા: હું ખુશીની તરફ કે તેનાંથી દુર જઈ રહ્યો છું?
 
જયારે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તેના પ્રત્યેનો પ્રત્યાઘાત પસંદ કરો, તમારી પાસે એક ક્ષણ હોય છે તમારી પસંદગીને પસંદ કરવાનો. સાચો વિકલ્પ પસંદ કરવા માટે જાગૃતતા હોવી જરૂરી છે. જયારે કઈ પણ તમારી આદત બની જાય છે, સાચી કે ખોટી, તમારી જાગૃતતા નબળી પડી જાય છે, અને તમારો પ્રત્યાઘાત એક આપોઆપ ઘટતી ઘટના બની જાય છે. દાખલા તરીકે, કોઈ સહેલાઇથી ગુસ્સે થઇ જતું હોય, તો તે દરેક નકારાત્મક પરિસ્થિતિમાં ગુસ્સે થઈને જ પોતાનો પ્રત્યાઘાત આપશે. કારણકે હવે આ તેની ટેવ થઇ ગઈ છે, તે પોતાને હંમેશા વધુ વધુ ને ગુસ્સે થતાં જોશે, અને એના પ્રત્યે તે પોતે સભાન પણ નહિ હોય. કોઈ વખત ગુસ્સાના હૂમલા પછી તેને કદાચ ખબર પણ પડે અને પોતે માફી પણ માંગે. તે જ રીતે ઘણા લોકો દુઃખી હોય છે પણ તે કદાચ કોઈ કારણસર નહિ પણ આદતસર હોય છે.
 
જાગૃતતા કેળવવા માટે પ્રેક્ટીસ અને સભાનતાની જરૂર પડે છે. જાગૃતતા તમને હંમેશા સાચો રસ્તો લેવામાં મદદરૂપ થાય છે. તમારા કૃત્યો તમને ખુશીની નજીક કે દુર લઇ જતા હોય છે. એ પહેલાં કે તમે કોઈ કૃત્ય કરો, તમારી જાતને પૂછો: હું ખુશીની તરફ કે તેનાંથી દુર જઈ રહ્યો છું? તમારો પ્રત્યાઘાત ખુબ જ કાળજીપૂર્વક પસંદ કરો, તેના ઉપર ઘણું આધાર રાખે છે.
 
જો તમે જે હોય તે બની રહો, બીજાને તે જે હોય તે બની રહેવા દો, વસ્તુઓ જ્યાં હોય ત્યાં રહેવા દો, સંજોગો જેવા હોય તેવા રહેવા દો, જયારે તમે બીજા બધા કરતાં શાંતિને પ્રાથમિકતા આપી પસંદ કરો છો, ત્યારે ખુશી અને સુખને તમે આપોઆપ આકર્ષો છો. ખુશી એ તમારો મત છે, એને તમારો જ રહેવા દો. શેક્સપિયરે એક સરસ વાત કહી છે, "But O, how bitter a thing it is to look into happiness through another man's eyes."
 
શું તમે શાસ્વતપણે ખુશ રહી શકો? હા. કેવી રીતે? ખુશ થવાની ખેવના છોડી દો, “ખુશ થવું છે” એવા વિચારને વળગી ન રહો;  તમે જેની સાથે વળગેલાં નથી હોતા તેને ભાગ્યે જ  ખોવાનો વારો આવે છે.
(Image credit: Ruth Burrows)
 
શાંતિ.
સ્વામી

 
  

  

No comments:

Post a Comment

Share