Saturday, 1 December 2012

સમર્પણનો અર્થ શું?

સમર્પણ તમે બિલાડીના બચ્ચા કે વાંદરાની જેમ કરી શકો છો. તમે એમાંથી કયા છો?
મોટા ભાગના ઈશ્વરવાદી ધર્મોમાં ભક્તને સમર્પણ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે, તે દિવ્ય ઈચ્છાને સમર્પિત થવાની બાબત ઉપર ભાર મુકે છે. કેટલાંક માર્ગમાં ગુરુ કે આધ્યાત્મિક શિક્ષકને સંપૂર્ણ સમર્પિત થવાની જરૂર પડે છે. તો સમર્પણ એટલે ખરેખર શું અને સમર્પણ કરવું એ કેટલું જરૂરી છે?

એક વખત, એક ગામડામાં, એક વૃદ્ધ ખેડૂત પોતાનાં એકનાં એક પુત્ર સાથે રહેતો હતો. તેમની પાસે જમીનનો એક ટુકડો, એક ગાય તેમજ એક ઘોડો હોય છે. એક વખત તેનો ઘોડો ભાગી ગયો. બન્ને બાપ-દીકરો ઘોડાને શોધવા માટે ખુબ ફર્યા, પણ કોઈ ફાયદો થયો નહિ. તેનો પુત્ર પરેશાન થઇ ગયો. પડોશીઓ વૃદ્ધ ખેડૂતને જોવા માટે આવ્યા.

“ભગવાન તમારા પર ખુબ ક્રૂર થયો છે,” ગ્રામજનો ખેડૂતને આશ્વાસન આપતા બોલ્યા, “કેટલું ખરાબ થયું.”

“આ તેમની કૃપા પણ હોઈ શકે,” ખેડૂતે શાંતિથી જવાબ આપ્યો.

બે દિવસ પછી ઘોડો પાછો ઘેર આવ્યો, પણ એકલો નહિ. ચાર બીજા સારી નસ્લના ઘોડા, સુંદર અને મજબૂત, પણ એની પાછળ દોરતા આવ્યા. ખેડૂતને તો પાંચ ઘોડા મળ્યા.

“આ તો અદભુત કહેવાય. તમે તો બહુ નસીબદાર છો,” બીજા લોકો બોલ્યા.
“આ પણ ભગવાનની કૃપા જ કહેવાય,” ખેડૂત કૃતજ્ઞતાથી અને તટસ્થતાથી બોલ્યો.

તેનો પુત્ર જો કે ખુબ જ ખુશ હતો. બીજા દિવસે એ એક જંગલી ઘોડા ને તપાસવા માટે તેના પર સવાર થયો, પરંતુ નીચે પટકાયો અને એનો પગ ભાંગ્યો.

“આ ઘોડા સારા નથી. આ તો તમારા માટે ખુબ ખરાબ નસીબ લઇને આવ્યા છે,” પડોશીઓએ પોતાનું ડહાપણ બતાવ્યું, “તમારા છોકરાનો તો પગ ભાંગ્યો.”
“આ પણ ભગવાનની કૃપા જ હોવી જોઈએ,” ખેડૂતે જવાબ આપતા કહ્યું.

થોડાક દિવસો પછી, રાજાના સૈનિકો સેનામાં યુવાનોની ફરજીયાત ભરતી કરવા માટે ગામડામાં આવ્યા. તેઓ ગામમાંથી બધાને લઇ ગયા. ખેડૂતના આ પુત્રનો પગ ભાંગેલો હોવાથી તેને છોડી દીધો. ઈર્ષ્યા અને પ્રેમને લીધે, ગ્રામજનોએ ખેડૂતને અભિનંદન આપ્યા કે એનો છોકરો તો બચી ગયો.

“આ પણ ભગવાનની કૃપા જ હશે,” તેને કહ્યું.

તમારે સમર્પણ વિષે જે કઈ જાણવું હોય તે ઉપરોક્ત વાર્તામાં છે. સમર્પણનો અર્થ એ નથી કે તમે ભગવાનને ખાલી ઠાલા શબ્દ-પુષ્પો ચડાવો, અને જેવી દરેક મુશ્કેલી આવે કે તરત ફરિયાદ કરવા બેસી જાઓ. અંતે તો તમારા કર્મો જ તમારી સમર્પણતાનું માપ બતાવી દેતા હોય છે.

જીવનમાં ગમે તેટલી ચડતી-પડતી આવે, જાડી-પાતળી, સારા-ખરાબ દરેક સમયને તમે ભગવાનની દિવ્ય કૃપા સમજો, તે સમર્પણ છે. ખાલી તીર્થસ્થળોએ જવું, ચર્ચમાં જવું અને કહેવું કે હું સમર્પણ કરું છું તો એ સમર્પણ  સિવાયનું બીજું ગમે તે હોઈ શકે છે. સમર્પણ એ અડગ વિશ્વાસનું બીજું નામ છે, એનો અર્થ એ નથી કે તમે જે “સારું” સમજો છો તે જ તમારી સાથે જીવનમાં થશે. સમર્પણનો અર્થ એ છે કે ગમે તે થાય તમે દિવ્યતાનું શરણું હર હાલમા કોઈ પણ શરત વગર લેવાનું ચાલુ રાખશો.

સમર્પણ એ ભગવાનનો આભાર માનવાનો, ભગવાનને પ્રેમ કરવાનો, અને તમારી જાતને વ્યક્ત કરવાનો એક રસ્તો છે. એનો અર્થ એ નથી કે તમારે તમારા સંજોગો ને સુધારવાનો પ્રયત્ન ન કરવો, એનો અર્થ એ છે કે કોઈ પણ પરિણામને તમે તેની (ઈશ્વરની) કૃપા ગણો. સ્વીકૃતિની અંદર એક અનોખી વાત છે – એ તમને તાકાત અને શાંતિ પ્રદાન કરે છે.

મને એક સરસ સમાનતા યાદ આવે છે. એક વાનરનું બચ્ચું એની માં ને વળગેલું રહે છે. એને ખબર છે કે પોતે પોતાની માં સાથે સુરક્ષિત છે. ક્યાં, શું, ક્યારે, અને કેવી રીતે, એ નિર્ણય તે પોતે પોતાની માં પર છોડે છે. આ સમર્પણતાનું ઉદાહરણ છે. એક બિલાડીનું બચ્ચું પણ આમ જ કરે છે પરંતુ પોતાની માંને વળગી નહિ રહેતાં એ ફક્ત હવાલે થઇ જાય છે. માં એને પકડે છે અને એક સ્થળેથી બીજા સલામત સ્થળે લઇ જાય છે. જે તીક્ષ્ણ દાંતથી બિલાડી શિકાર કરે છે તે જ દાંત તેના પોતાના બચ્ચાને નુકશાન નથી કરતાં. આ પણ એક સમર્પણ છે.

આ બન્ને વસ્તુ સમર્પણ બતાવે છે પરંતુ તેમાં એક મૂળભૂત તફાવત રહેલો છે: વાંદરાના બચ્ચાનાં કિસ્સામાં, એ બચ્ચાની ફરજ છે કે તે એની માં ને વળગેલું રહે, નહીતર ત્યાં રક્ષણ ન પણ થાય. જયારે, બિલાડીના બચ્ચાના કિસ્સામાં, એ જવાબદારી ફક્ત ને ફક્ત માં ની છે. બિલાડીનું બચ્ચું કશું કરતું નથી.

તો તમારે વાંદરાનું બચ્ચું બનવું છે કે બિલાડીનું? જવાબ છે, ડાહ્યા બનો અને તમારી પોતાની પદ્ધતિ શોધી કાઢો. ઘણાં લોકો વાંદરાનું બચ્ચું બનીને વધારે શાંતિ અનુભવે છે, જયારે બીજા કેટલાંક બિલાડીનાં બચ્ચા જેવા બનતાં હોય છે. એવું પણ બની શકે કે કોઈ એક સમયે તમારે વાંદરાના બચ્ચું બનવું પડે અને બીજા સમયે બિલાડીનું બચ્ચું.

એક ગામમાં પુર આવ્યું અને પાણીનું સ્તર સતત વધતું જતું હતું. બધા ગ્રામજનો બીજે ક્યાંક સલામત સ્થળે જતા રહ્યા હતાં સિવાય એક માણસ, કે જે ખુબ ભક્તિમય અને ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારો હતો. એ પોતે મકાનનાં છાપરા ઉપર ચડી ગયો હતો અને ખુબ જ ઉત્કટતાથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.

કોઈ એક જણ બાજુનાં ગામમાંથી હોડી લઈને આવ્યું, અને આ માણસને જોતા હોડી ગોળ ઘુમાવીને એને બચાવવા આવવા લાગ્યો.

“ભાઈ ચિંતા ના કરીશ,” તેને ઉત્સાહપૂર્વક કહ્યું, “મારી હોડીમાં કુદીને બેસી જા.”
“તારો આભાર, પણ મારે તારી જોડે આવવાની જરૂર નથી,” પેલો ફસાયેલો વ્યક્તિ બોલ્યો, “મારો ભગવાન આવશે અને મને બચાવશે.”

આ વાર્તા મૂર્ખતાની ઉચાઇ બતાવી શકે છે, પરંતુ સત્ય એ છે કે, માણસની બુદ્ધિ અને અને મૂર્ખતા બન્નેને કોઈ હદ નથી હોતી. બીજાની માન્યતા અને કર્મોને નકામાંનું લેબલ લગાવવું એકદમ સહેલું છે, પણ આપણી અંદર ઝાંકીને જોઈએ તો, આપણે બધા ત્યાં છીએ અને બધાએ આ કરેલું છે, કદાચ જુદી રીતે તેમ છતાં સમાનપણે.

સમર્પણમાં એવું જરૂરી નથી કે તમે તમારી આંખો બંધ કરી દો, તમારા કાન બેરા કરી નાખો, કે તમે કોઈ સવાલ ના ઉઠાવો, ઉલટું સમર્પણનો અર્થ તો એ છે કે તમે ભગવાનની આંખે આ દુનિયાને નિહાળો, કે તમે તમારા આંતર્નાદને ધ્યાનથી સાંભળો, અને તમે ભગવાનના જવાબોને ધીરજપૂર્વક સમજવાની કોશિશ કરો. હકીકતમાં સાચું સમર્પણ એ દરેક પરીક્ષાનો સામનો કરે છે.

ઘણાં લોકોને મને આધ્યાત્મિક માર્ગ ઉપર ગુરુનું મહત્વ અને ગુરુને સમર્પણ કરવાનું મહત્વ કેટલું છે તેનાં વિષે જાણવાની ઈચ્છા લખીને મોકલી છે. હું નજીકના ભવિષ્યમાં જ એના ઉપર લખીશ. રાહ જુઓ.

 (Image credit: Diganta Talukdar)

શાંતિ.
સ્વામી

No comments:

Post a Comment

Share