Sunday, 16 December 2012

લોકો તમને શા માટે પ્રેમ કે નફરત કરે છે

લોકો તમને પ્રેમ કે નફરત તમે કોણ છો એનાં આધારે કે તમારી પાસે શું છે તેનાં આધારે કરે છે? વાંચો વાર્તા.

એક વખત, એક બાજ પક્ષી, ભૂરા આકાશમાં કેટલાય ફૂટ ઉપર ઉંચે, પોતાની મોટી પાંખો ફેલાવી એક તળાવની ઉપર ખોરાકની શોધમાં આંટા મારી રહ્યું હતું. તેને કાચ જેવા ચોક્ખા પાણીમાં એક માછલી તરતી જોઈ. એક ક્ષણની પણ વાર લગાડ્યા વગર બાજે તો ડૂબકી મારી પોતાના તીક્ષ્ણ પંજામાં શિકાર ઝડપી લીધો. તેને કોઈ મેદાનમાં જવાનું વિચાર્યું કે જેથી પોતે શાંતિથી બેસીને પોતાના શિકારનો સ્વાદ માણી શકે.

હજી તો માંડ એ થોડું ઉડ્યું હશે ત્યાં તો એક મોટું બાજ પક્ષીઓનું ટોળું તેની પાછળ પડ્યું. તેઓ તેનાંથી મોટા અને શિકાર કરવાની બાબતમાં વધુ અનુભવી હતાં. પેલાં નાના બાજે માછલી પકડી રાખવાની ઘણી કોશિશ કરી, લાચાર બની પોતાની પાંખો ફફડાવી ઉચે ઊડી જવાની પણ કોશિશ કરી જોઈ પરંતુ બીજા બાજ પક્ષીઓએ પોતાનો હિંસક હુમલો ચાલુ રાખ્યો. તે બધા પોતાની ભૂખના લીધે આ નાના બાજને મારી નાંખવા માટે પણ તૈયાર હતાં. પેલું નાનું બાજ તો ખુબ ઘવાઈ ગયું, તેના કેટલાંય પીછા શરીરમાંથી નીકળી ગયા અને પોતે ઘણી જગ્યાએ લોહીલુહાણ થઇ ગયું. આ ખેંચાખેંચીની રમતમાં, તે બિચારું થાકી ગયું અને અંતે તેની પોતાની માછલી પરની પકડ ગુમાવી દીધી.

માછલી તો ખુબ જ ઝડપથી નીચે પડી. બીજા બાજ પક્ષીઓ તો નાના બાજને પડતો મૂકી તરત પેલી માછલીને પકડવા નીચે ગયા.  નાના બાજને તો નવી લાગી કે હવે કોઈ તેના જીવની પાછળ નથી પડ્યું, હવે કોઈ તેને ઈજા નહોતું પહોચાડતું. તે બાજુનાં ઝાડની ડાળી પર બેઠું, પોતાનાં ઘાવ તપાસતાં તેનામાં જ્ઞાનનો ઉદય થયો:
“મને તો લાગ્યું કે તેઓ મને નફરત કરતાં હતાં અને માટે મારા ઉપર હુમલો કરી રહ્યા હતાં. મને તો ખરેખર એવું લાગ્યું કે તેમને હું પસંદ નથી અને માટે તેઓ મને ઈજા પહોચાડી રહ્યા હતાં. પણ સત્ય તો એ છે કે તેમને મારી જોડે તો કોઈ લેવાદેવા હતી જ નહિ. એમને તો માછલી સાથે મતલબ હતો. આ બધું મારા પાસે શું હતું એની સાથે જોડાયેલું હતું, નહિ કે હું કોણ છું એની સાથે.”

લોકો પ્રેમ કે નફરત તમને નથી કરતાં. હકીકતમાં એ તમારા વિષે હોતું જ નથી. એ “કોઈ વ્યક્તિને” નથી પ્રેમ કરતાં, પરંતુ “એમને શું જોઈએ છે” તેને પ્રેમ કરે છે. તેઓ તમારી પાછળ નથી, તેઓ તો તમારી અંદર શું છે તેની પાછળ છે.

જયારે તમે તેમને જે જોઈતું હોય તે હવે જયારે આપી શકો તેમ નથી હોતા ત્યારે તેમનાં પ્રેમમાં પણ ઓટ આવવાની શરૂઆત થઇ જાય છે. એટલાં માટે જ લોકોને સંબંધોમાંથી રસ ઓછો થઇ જાય છે. ઘણાં વાંચકો મને લખી જણાવતાં હોય છે કે તેમનાં સાથીદાર સારા છે  અને તેઓને તેમની સાથે સંબંધ બનાવી રાખવો હોય છે પરંતુ હવે તેમને તે સાથીમાં બહુ રસ નથી રહ્યો. વારું, તેનો અર્થ એ કે તમારી પ્રાથમિકતાઓ બદલાઈ ગયી છે. દુઃખ લાગે તેવું છે, પણ સત્ય છે.

કુદરતનો વિકાસ જરૂરતનાં આધાર ઉપર થયો છે. લોકો પાસે એકબીજા માટે શું છે તેનાં ઉપર કોઈ પણ સંબંધનો ટકાવ આધારિત  હોય છે. અલગ અલગ પ્રજાતિઓ ટકી શકી છે કારણકે તેમને તેમની સંભાળ ખુદ લીધી છે. આ એક ખુબ ઘાઢ અને ઊંડી ઊતરેલી વાત છે. માનો કે ન માનો, જો તમે એવું ઈચ્છતાં હોય કે કોઈ તમને સતત પ્રેમ કરતું રહે, તો તમારે તેને જે જોઈતું હોય તે સતત આપતાં રહેવું પડે. તમારે સતત સામે વાળી વ્યક્તિની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરતાં રહેવું પડશે. હું ફક્ત કાળજી, સગાઈ, અને બંધન વિષે જ વાત નથી કરતો, હું પ્રેમ વિષે વાત કરું છું. ખાસ કરીને જયારે તેમનો પ્રેમ તેમની ખુદની ઈચ્છાઓ અને જરૂરિયાતો માટે હશે ત્યારે તો ખાસ, તેઓ જ્યાં સુધી તમારી તાકાત તેમની ઈચ્છા અને જરૂરિયાતોને સંતોષી શકતી હશે ત્યાં સુધી તેઓ તમને પ્રેમ કરતાં રહેશે.

જયારે તમે તેમને જે નથી જોઈતું તે આપશો કે તેમનો રસ તમારામાંથી ઓછો થઇ જશે. કલ્પના કરો કે સોનાનાં ઢગલા પર બેઠા બેઠા તમે તે સોનું વાંદરાને આપો છો, કે એવી કલ્પના કરો કે સિંહને તમે ઘાસ આપો છો. તેમને તેમાં રસ જ નથી. જયારે તેમને તમારી પાસે જે હોય તેમાં રસ ન રહે કે તરત જ તે એ સંબંધમાંથી બહાર નીકળી જશે, અને દુર થઇ જશે. લોકોનાં રસ તેમની પ્રાથમિકતા પ્રમાણે બદલાતાં જતાં હોય છે. કલ્પના કરો કે ભરપેટ જમી કરીને બેઠેલાં ને તમે ભોજન આપો છો; તેને તેમાં રસ નથી. શું નિ:સ્વાર્થ પ્રેમનું અસ્તિત્વ છે ખરું? હા. પણ એ ભાગ્યે જ ક્યાંક હોય છે. નિ:સ્વાર્થ કાળજી સામાન્યપણે વધુ જોવા મળે છે. જયારે તમે એવું ઈચ્છો કે કોઈ તમને એ જ રીતે પ્રેમ કરે જેવી રીતે તમે તેને કરો છો, ત્યારે તમે થોડું વધુ પડતું માંગી રહ્યા છો. કારણ કે સામેની વ્યક્તિ માટે તમારા જેવો જ પ્રેમ તમને કરવા માટે તેમને બિલકુલ તમારા જેવું જ થવું પડે, તેમને પણ એવી જ ઈચ્છાઓ રાખવી પડે જેવી તમારી છે, અને તેમને કદાચ તેમની પોતાની ઓળખ ગુમાવવી પડે.

એક જુવાન અને શ્રીમંત વિધવાએ મુલ્લા ને કહ્યું, “તમે મને આ જ રીતે હંમેશાં પ્રેમ કરતાં રહેશો?’
“સુરજ પૂર્વ ને બદલે પશ્ચિમમાં ઉગી શકે,” મુલ્લાએ કહ્યું, “પણ મારો તારા પ્રત્યેનો પ્રેમ એક તસું ભાર જેટલો પણ ઓછો નહિ થાય.”
“વારું, મારા સાસરિયાંઓ મારી ઉપર કોર્ટ કેસ કર્યો છે અને મને લાગે છે કે મારે મારી બધી સંપત્તિ ગુમાવવી પડશે”
“મને એની કોઈ ચિંતા નથી,” મુલ્લાએ આત્મવિશ્વાસથી કહ્યું, “હું ફરી તને કદાચ ક્યારેય ન મળી શકું પણ તને ક્યારેય પ્રેમ કરતાં નહિ અટકું.”

શબ્દો બોલવા સહેલાં છે. સત્ય તો એ છે કે દુન્વયી દરેક સંબંધ સ્વાર્થની માત્રાથી જોડાયેલો છે. આવો સ્વાર્થ હંમેશાં ભૌતિક જ નથી હોતો, એ ક્યારેક અમૂર્ત સ્વરૂપે પણ હોય છે જેમ કે લાગણી અને નૈતિક ટેકો વિગીરે. હું ફક્ત એક સત્ય કહું છું એને કોઈ સારું કે ખરાબ, સાચું કે ખોટાનું લેબલ નથી લગાડી રહ્યો.

જયારે કોઈ તમને નફરત કરતું હોય તો એટલું સમજી લો કે તે જે તમારા વિષે નથી જાણતા તેનાં માટે નફરત કરે છે. બીજો કોઈ પણ વ્યક્તિ, ધર્મ, ફિલસુફી હોય કે વિચારધારા હોય, તમે જે નથી સમજતાં તેને જ નફરત કરી શકો. જયારે તમે કઈક સમજવા માંડો છો કે તરત જ તમે તેનાં પ્રત્યે પ્રેમ કાં તો દયા અનુભવો છો. શા માટે એક બાળક લીલાં શાકભાજીને નફરત કરે છે? એ જ બાળક જયારે મોટું થાય છે ત્યારે ખુશી ખુશી જવારાનું જ્યુસ પી જાય છે, પોતાની મરજીથી બેસ્વાદ કાચા લીલાં શાકભાજી ખાય છે. શા માટે? રસ પડવા માટે સમજણ જોઈએ. વધારે કઈ કહેવાની જરૂર છે?

તો, તમારી પાસે બે વિકલ્પ છે, એક, તમે જે છો તે બની રહો, હંમેશાં સાચા કર્મો કરતાં રહો, તમને જે પણ માત્રામાં પ્રેમ મળી રહ્યો હોય તેની સાથે ખુશ રહો, અથવા, અનુકુળ બનો, અપનાવો અને વધુ મળે તેની માંગ કરતાં રહો. પ્રથમ વાત એ અંતર્મુખી તરફનું પ્રયાણ છે અને બીજી વાત એ અતૃપ્ત, તળિયા વગરનો ખાડો છે, એક એવી તલાશ કે જેનો કોઈ અંત નથી.

મારે આ વખતે એક બીજી જાહેરાત કરવાની છે: હું લતા અને નવિન પાંડે, શ્રીધર અને ઉમા રામચંદ્રન, હેમા ક્રિષ્ના અને નિષ્ઠા સૂદ, અને ભરત ઝાલા પ્રત્યે હિન્દી બ્લોગના નિર્માણ માટે ખુબ જ કૃતજ્ઞતા અનુભવું છું. તેઓ બધાં આ બ્લોગને હિન્દીમાં અનુવાદ કરી એક નિ:સ્વાર્થ સેવા કરવા માટે આગળ આવ્યા છે. ટીમ વચ્ચેનો તાલમેલ અને તેમનો ઉત્સાહ મને પ્રામાણિકપણે નવાઈ લાગે તેવો રહ્યો છે. તમે અહી હિન્દી બ્લોગની મુલાકાત લઇ શકો છો. મહીને ૨-૪ વાર તેમાં નવી પોસ્ટ આવતી રહેશે. ઘણાં બધા લોકો એ મને હિન્દીમાં લખવા અનુરોધ કરેલો છે તે બધા માટે હવે કઈક નવું આવતું રહેશે. ટીમ, તમારો ખુબ આભાર!

શાંતિ.
સ્વામી

No comments:

Post a Comment

Share