Saturday, 22 December 2012

સફળ થવામાં હજી કેટલી વાર લાગશે?

મંઝીલે પહોંચવા માટે હવે કેટલી વાર લાગશે તે હંમેશાં ગતિ ઉપર આધારિત નથી. બીજા ચાર પરિબળોની મને ખબર છે.
મેં ક્યાંક વાચ્યું છે: સફળતા જેવું પ્રેરણાદાયી પરિબળ બીજું કોઈ નથી. સફળ થવાની ઈચ્છા, ધ્યેય પ્રાપ્તિનો આનંદ અને આવી સિદ્ધિથી જે ફાયદો થાય છે, તે જ વ્યક્તિમાં દ્રઢતા અને સાતત્ય ટકાવે છે, તેમજ કઠોર પરિશ્રમ અને સહનશીલતા વધારવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જેમ કે સ્પર્ધામાં થતું હોય છે તેમ આપણે પણ અંતિમ પરિણામનો વિચાર કરીને ઉત્સાહ અનુભવીએ છીએ. જો તમે કોઈને એમ કહો કે તેમને વાર્ષિક એક ખુબ મોટા પગારથી નોકરીએ રાખવામાં આવ્યા છે. તે તરત જ તે પૈસાની બચત કે ખર્ચનાં આયોજન કરવાનાં વિચારોમાં લાગી જશે. તે પોતાની જાતને ઓફીસમાં અને પોતાનાં સહકર્મચારીઓ સાથે વાત કરતાં હોય તેવી કે બીજી તેના જેવી અનેક કલ્પનાઓ કરતાં થઇ જશે. આ કુદરતી છે. સતત ચાલતાં આ વિચારો તેમની અપેક્ષા બની જાય છે. જયારે તેમને જે વિચારેલું હોય એનાંથી જુદું પરિણામ મળીને ઉભું રહે ત્યારે તેઓ નિરાશ થઇ જાય છે. હવે તેઓ બીજું ધ્યેય નક્કી કરે છે અને તેને એક સમય મર્યાદા આપી દે છે. અહી સુધી બધું બરાબર છે.

જયારે બીજા સાહસ માટે કામે લાગીએ છીએ ત્યારે, સફળતા અને નિષ્ફળતા વચ્ચે નો મુખ્ય તફાવત, દ્રઢતા ઉપર રહેલો હોય છે. એક વિજેતા હંમેશાં ચાલતાં રહેવાનો પ્રયત્ન કરે છે. જયારે લોકો મને ધ્યાન ઉપર, તેમની ટેવો બદલવા ઉપર, આત્મસાક્ષાત્કાર વિગેરે ઉપર પ્રશ્નો કરે છે, ત્યારે મને એક સામાન્ય પ્રશ્ન સાંભળવા મળે છે કે: કેટલી વાર લાગશે? અને આજનું વિષય વસ્તુ આ પ્રશ્ન ઉપર છે. ચાલો તમને એક નાની વાર્તા કહું.

એક સન્યાસી પર્વત પર આવેલા એક મંદિરનાં માર્ગે જતો હતો. તે પોતાની પદયાત્રા ઉપર છેલ્લાં બે મહિનાથી હતો. સન્યાસી હોવાથી તેની પાસે કોઈ સામાન નહોતો સિવાય કે તેનું ભિક્ષાપાત્ર અને વસ્ત્ર. તેને જયારે થાક લાગતો ત્યારે તે ઉભો રહેતો અને ભૂખ લાગે ત્યારે ભિક્ષા માંગતો. એક પગલું એક સમયે, એમ કરતાં કરતાં એને બે હજાર કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું હશે. અંતે દુરથી હવે, માથા પરનાં તાજની જેમ, એ મંદિર પર્વત ઉપર દેખાવા લાગ્યું. રાહતની એક લાગણી, આનંદનો એક ઉછાળ, અને પોતાની સિદ્ધિનાં એક વિચાર માત્રથી તેની કરોડ ટટ્ટાર થઇ ગઈ.

થોડા પગલાં ચાલ્યો હશે કે તેની નજર એક ઘરડી સ્ત્રી કે જે ખેતરમાં કામ કરતી હતી તેના ઉપર પડી. તે થોભ્યો અને પૂછ્યું, “પર્વત પરનાં પેલાં મંદિરે પહોંચતા મને હવે કેટલી વાર લાગશે?”

પેલી વૃદ્ધાએ તો પાછુ વળીને તે સન્યાસી તરફ એક તટસ્થતાની લાગણીથી જોયું અને ખભા ઊંચા કરીને પાછી પોતાનાં બીજ વાવવાનાં કામે લાગી ગઈ. પેલાં સન્યાસીને તો આ એકદમ અસામાન્ય લાગ્યું કારણકે એને તો એમ હતું કે ગામડાનાં મોટા ભાગનાં લોકો ઉષ્માથી ભરેલાં હોય છે. કદાચ, વૃદ્ધાએ બરાબર સાંભળ્યું નથી લાગતું, એને થયું. મંદિર તરફ આંગળી ચીંધીને તેને ફરી પૂછ્યું, “મને પેલાં તીર્થસ્થાને પહોંચતા હવે કેટલી વાર લાગશે?”

પેલી વૃદ્ધાએ તો ફરી એ જ પ્રતિકાર આપ્યો, આ વખતે તે ધીમે રહીને બડબડી પણ ખરી. પેલાં સન્યાસીએ ફરી પૂછ્યું, ફરી એ જ પ્રતિકાર મળ્યો. સન્યાસીએ માની લીધું કે વૃદ્ધા બહેરી છે.  સન્યાસી થોડો નિરાશ થયો પણ તેને પર્વત તરફ ચાલવાનું ચાલુ રાખ્યું.

“તમને હજી આઠ કલાક લાગશે,” પાછળથી એક બુમ સંભળાઈ. તે પેલી વૃદ્ધાની હતી.
સહેજ વિચારમુદ્રામાં પેલો સન્યાસી પાછો ચાલીને પેલી વૃદ્ધા પાસે આવ્યો અને કહ્યું, “મને સમજાયું નહિ. મેં તમને ત્રણ વાર પૂછ્યું પણ તમે મને જવાબ ન આપ્યો. હવે જયારે હું મારા રસ્તે ચાલવા લાગ્યો, કે પાછળથી તમે બુમ પાડીને મને અંતર કહો છો.”
“હું તમને અંતર નથી કહેતી, મહારાજ. હું તો ફક્ત એટલું કહું છું કે તમને ત્યાં પહોંચતા કેટલી વાર લાગશે.” તે બોલી, “જયારે તમે મને પહેલાં પૂછતાં હતાં ત્યારે તમે સ્થિર ઉભા હતાં. તમે કેટલું ઝડપી ચાલો છો તે જાણ્યા વગર હું તમારા પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકું! અને અહીંથી અંતર તો ૨૦ માઈલનું છે.”

તો આમ વાત છે! તમને કેટલી વાર લાગશે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. તે એક થી વધુ પરિબળો ઉપર આધાર રાખે છે અને તમારી ગતિ એ તેમાંનું માત્ર એક પરિબળ છે. મોટાભાગે તો એ તમે સાચા માર્ગ ઉપર તમારું સાતત્ય કેટલું ટકાવી રાખો છો તેનું મહત્વ છે. આપણે સૌ સસલા અને કાચબાની વાર્તાથી માહિતગાર છીએ જ.

ચાર એવા પરિબળો છે કે જે તમને સફળતા તરફ લઇ જઈ શકે. અને તે છે:

૧. જ્ઞાન: તમે પુરેપુરા સાધન-સજ્જ છો? માનસિક રીતે તેમજ કૌશલની દ્રષ્ટીએ? જો ના, તો તે મેળવવા માટે તમારે શું જોઈએ?
૨. વલણ: તમારી પાસે ચોક્કસ માનસિકતા અને વલણ છે? તમે હકારાત્મક, આશાવાદી, હંમેશાં તૈયાર, અને પરિસ્થિતિને અનુકુળ થવા માટે તૈયાર છો?
૩. સ્રોત: તમારી પાસે જરૂરી હથિયારો અને સાધનો છે કે પછી તમે ચમચી લઇને દીવાલમાં કાણું પાડવાના છો?
૪. પ્રયત્ન: તમે ગમે તે પરિસ્થિતિમાં પણ પોતાનો સૌથી ઉત્તમ પ્રયત્ન કરવાં માટે કટિબદ્ધ છો?

પાંચમું તત્વ છે: કૃપા કે નસીબ. અને તે જયારે તમે ડગમગી નથી જતાં ત્યારે પ્રદર્શિત થાય છે. તે એક સંજોગોવશાતની જેમ દ્રશ્યમાન થાય છે, જેમ કે આકસ્મિક જાગી જતું નસીબ કે આકસ્મિક થતો લાભ. પરંતુ હકીકત તો એ છે કે ઉપરોકત ચાર તત્વો સાથે, તમે એક એવી સંપૂર્ણ ક્ષણનું નિર્માણ કરો છો જે સાક્ષાત્કાર કે સફળતાની હોય છે.

સ્થિર અને નાના પગલાં અંતે મોટા કુદકા બની જાય છે. પાણીનાં નાના ટીપા, એક પછી એક, એક મોટા ધોધનું નિર્માણ કરે છે. બુદ્ધને બોધીવૃક્ષની નીચે બેસવા માત્રથી જ્ઞાન નહોતું લાદ્યું. તેમને તે સંપૂર્ણ ક્ષણની પ્રાપ્તિ પહેલાં કઠોર મહેનત કરી હતી. રાજકુમાર સિધાર્થ પોતે ગૌતમ બુદ્ધ બને તે પહેલાં તેમને આગળ કરેલાં સમગ્ર અભ્યાસ અને સંઘર્ષની પરાકાષ્ટાના પરિણામ સ્વરૂપ તેમને રહસ્યોદ્ઘાટન અને પ્રભુપ્રકાશની ક્ષણ પ્રદર્શિત થઇ હતી
.
જાવ! તમારો સૌથી ઉત્તમ પ્રયત્ન આપો. તમે અરીસામાં જોઇને પોતાની જાતને કહી શકતાં હોવા જોઈએ, “મેં મારો સૌથી ઉત્તમમાં ઉત્તમ પ્રયત્ન કર્યો છે અને મારાથી થઇ શકે તે તમામ પ્રયત્ન કર્યા છે.” જયારે તમે તમને આવું પ્રામાણીકતાથી કહી શકતા હોવ, ત્યારે તમારું ગમે તે સ્વપ્નું સાચું
પડી શકે છે, ચાહે તે ભૌતિક સફળતા માટેનું હોય કે દિવ્ય અનુભૂતિનું.

(Image credit: Neil Price)
નોંધ: હું માર્ચ ૨૦૧૩માં ટોરોન્ટો, કેનેડામાં હોઈશ. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

શાંતિ.
સ્વામી

No comments:

Post a Comment

Share