![]() | |
|
એક પ્રામાણિક ભક્ત કે જે મારી સાથે ખાસા સમયથી સંપર્કમાં છે, તે એક મોટી શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ અધિકારી છે. થોડા અઠવાડિયા પહેલાં એ મને મળ્યાં હતાં. પોતાની આધ્યાત્મિક સફરનાં ભાગ રૂપે, તેમની પાસે તેમને મુલાકાત લેવાનાં સ્થળોની યાદી હતી. મેં તેમને કહ્યું કે જો તેમ કરવાથી તેમને શાંતિ મળતી હોય તો તેમને ચોક્કસ તેમ કરવું જોઈએ, પરંતુ બહાર ફરવાથી અંદરની તરસ કેમ કરીને છીપાશે? એક સુંદર વાત કહેતાં તેમને મને કહ્યું:
“સ્વામી, હું જયારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે હું મારી ગણિતની પરીક્ષા આપવા બેઠો હતો. મને ખબર હતી કે મારી બિલકુલ તૈયારી નહોતી કારણ કે મેં જરાય વાંચ્યું જ નહોતું. હું પ્રશ્નપત્ર સામે તાકી રહ્યો હતો અને મને બિલકુલ નવાઈ નહોતી લાગતી કે મને એક પણ પ્રશ્નનો જવાબ નહોતો આવડતો, એક પણ નહિ. મને ખબર નહોતી પડતી કે શું કરવું? પરિણામે હું તો ત્યાં બેઠો અને મારા ઉત્તરવાહીમાં ઝાડ, પર્વતો, સુરજ, વાડો, માનવ આકૃતિઓ, ગાયનું ટોળું અને એવું બધું દોર્યું. ત્રણ કલાકના અંતે મેં મારી ઉત્તરવાહી પરિક્ષકને સોપી અને હું ઘરે ગયો.”
“સ્વામી સત્ય તો એ છે કે, ” તેમને કહ્યું, “મેં પ્રશ્નોનાં જવાબ લખવાને બદલે એ બધું ચિત્રકામ એટલાં માટે કરેલું કે મને કોઈ જવાબની ખબર નહોતી. જો મને શું લખવું એ ખબર હોત તો મેં ત્યાં બેસીને સમય ન બગાડ્યો હોત. એ જ રીતે, મારી આધ્યાત્મિક તરસ માટે, મેં આ બધી પ્રવૃત્તિ અને સ્થળોની મુલાકાત વિષે વિચારી રાખ્યું છે કારણકે મને જવાબની ખબર નથી. મને મારી સમક્ષ રહેલાં આ પ્રશ્નપત્રનાં જવાબ લખતાં આવડતું જ નથી, માટે હું ખાલી ચિત્રો દોરું છું.”
“હું આ પ્રશ્નપત્રનાં જવાબ લખવામાં મદદરૂપ થઇ શકું,” મેં કહ્યું, “પણ, આપણે તો ખોટા પ્રશ્નપત્રને પકડીને બેઠા છીએ. અને એનાં જો સાચા જવાબો પણ લખીશું તો પણ ખરા સવાલો જે છે તે તો એમનાં એમ વણઉકલ્યાં જ રહી જશે.”
અમે બન્ને હસ્યા. પણ તેમને જે કહ્યું એ બહુ અર્થસભર હતું. શા માટે લોકો સંબંધમાં બંધાય છે, પરણે છે, છોકરા કરે છે, અંત વગરની તલાશોમાં લાગી રહે છે, પોતાની જિંદગી ઘડિયાળનાં કાંટે ચલાવે છે, ગોળ ગોળ ઘૂમીને એક અર્થ વગરની પ્રતિસ્પર્ધામાં જોડાયેલાં રહે છે? જો તમને એ ગમતું હોય તો જાવ એનો આનંદ લો. અને હું બિલકુલ એવું નથી કહી રહ્યો કે તમે દુનિયાને કે તમારા આનંદને ત્યાગી દો. હકીકતમાં તો તમારે એક એક ક્ષણને મન ભરીને જીવવી જોઈએ – માણવી જોઈએ. તેમ છતાં, મોટાભાગનાં લોકો તેને જીવતાં નથી ફક્ત પસાર કરે છે. તેઓ ફક્ત નિરુદ્દેશ્ય આકૃતિઓ બનાવે છે કારણ કે તેમને કાં તો જવાબની નથી ખબર કાં તો પછી તેમની પાસે ખોટું પ્રશ્નપત્ર હાથમાં આવી ગયું છે. સત્ય એ છે કે મોટાભાગનાં લોકો શાંતિથી બેસીને પોતાની જાતને એ પૂછતાં જ નથી કે એવું શું છે જે તેઓ જિંદગીમાંથી મેળવવા ઈચ્છે છે, તેઓ પોતાનાં આંતર્નાદને અવગણી નાંખે છે.
જિંદગી પરીક્ષા રૂમમાં બેસી રહેવાં માટે નથી. ભગવાન તમને ચકાસવાં માટે નથી બેઠા, મને વિશ્વાસ છે કે તેની પાસે તેનાંથી વધારે સારું કામ કરવાને માટે છે. તમે જવાબો લખતાં બેસી શકો છો કાં તો પછી તમે એક ક્ષણ લઇને વિચારશો, પૂછશો, જાણશો, ખાતરી કરશો, સમજશો, તમારાં માટે જે મહત્વનું હોય તેવાં બનશો, અને તમને જેમાં આનંદ આવે તે કરશો.
જયારે પ્રશ્નો ખતમ થઇ જાય છે ત્યારે જવાબોની હવે કોઈ જરૂર રહેતી નથી. આત્મ-સાક્ષાત્કાર એ એક એવી જ અંદરની શાંતિની અવસ્થા છે, બધું જ કાચ જેવું ચોક્ખું બની જાય છે. ત્યાં કોઈ પરીક્ષાખંડ રહેતો નથી કે કોઈ પરિક્ષા રહેતી નથી. ત્યાં સમયની સંકલ્પના જ અદ્રશ્ય થઇ જાય છે. ફક્ત તમે, તમારું ખરું સ્વરૂપ જે એક શાંતિ-સ્વરૂપ અને આનંદ-સ્વરૂપ છે તે બની જાવ છો. જીવવામાં એટલાં મશગુલ ન બની જાઓ કે તમારા માટે શ્વાસ લેવાનો સમય પણ ન બચે.
પૂછો. વિચારો. આત્મસાત કરો. અગ્રીમતા ક્રમ નક્કી કરો. તેનાં પર અમલ કરો. અને જેવાં બનવું હોય તેવાં બનો. મોટાભાગનાં લોકો બિલકુલ ઉલટું કરતાં હોય છે; જે એક નાદાની છે.
હાર્દિક શુભેચ્છાઓ!
શાંતિ.
સ્વામી
No comments:
Post a Comment