Sunday, 9 December 2012

તમે શા માટે ઊંઘો છો?

તમારો અહં તમે જયારે સુઈ જાઓ છો ત્યારે ઓગળી જાય છે. જેવી રીતે એક ટીપું સમુદ્રમાં ભળી જાય છે તેમ, તમે ખરેખર જે છો તે બની જાઓ છો.
એક સામાન્ય માણસ પોતાનાં જીવનનો સરેરાશ એક તૃતીયાંશ સમય ઊંઘવામા કાઢે છે. મોટાભાગનાં લોકો માટે તે એક વિશ્રામ મેળવવાની પ્રવૃત્તિ છે, ઊંઘતી વખતે તેઓ એકદમ શાંત લાગે છે. જો તમારા શરીરમાં બધું બરાબર હશે, તો ઊંઘીને ઉઠ્યા પછી તમે ચોક્કસપણે તાજગી અને ઉત્સાહ અનુભવશો. ક્યારેય વિચાર્યું છે શા માટે આમ બને છે? ચાલો એક વાર્તા કહું:
એક સુફી સંત એક રાજપરિવારનાં સંમેલનમાં જબરદસ્તીથી ઘુસી ગયા અને છેક આગળ રાજાની ખુરશીની બાજુની ખુરશી પર જઈને બેસી ગયા. સલામતી વ્યવસ્થાનાં વડા તરત આ સુફી સંતની પાસે ગયા.
“મને માફ કરશો પણ આ જગ્યા એક વિશિષ્ટ વર્ગ માટે આરક્ષિત છે,” તેને કહ્યું, “હું તમને પૂછી શકું કે શું તમે એક ખાસ મહેમાન છો?”
“હું તો એનાંથી પણ ઉચ્ચ છું.”
“ઓહ, તો શું તમે એકદમ ખાસ મહેમાન છો?”
“ના, એનાંથી પણ ખાસ.”
“ તમે મંત્રી જેવા તો નથી દેખાતા, શું તમે....”
“મારી આગળ મંત્રી શું કહેવાય? સંતે સામેથી પૂછ્યું? “હું એનાંથી પણ મોટો છું.”
“તો શું તમે રાજાનાં કોઈ સગા છો?”
“એનાંથી પણ ક્યાંય ખાસ”
પેલો વડો તો ચિડાયો, “ઓહ! મારી ભૂલ થઇ, તમે તો ખુદ રાજા જ હોવા જોઈએ.”
“એનાંથી પણ મોટો”
“એ બિલકુલ વાહિયાત વાત છે, રાજાથી મોટું કોઈ નથી”
“બરાબર, હું કોઈ પણ નથી!” સંતે જોરથી કહ્યું.

તમે મારો સંકેત સમજ્યાં? શારીરિક ફાયદા ઉપરાંત પણ તમે ઊંઘથી એક પ્રકારનો આરામ અનુભવો છો કારણકે ઊંઘમાં ખાલી શરીર જ નથી સુતું તમારો અહં પણ સુઈ જાય છે. જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમે કઈ નથી હોતા. તમે રાજા હોય કે રંક, એક વખત સુઈ ગયા પછી બધા સરખા. રાજાને કઈ શાહી સ્વપ્ના જોવાનો કોઈ વિશિષ્ટ હક નથી. તમારું મન ઊંઘમાં જોયેલા સ્વપ્નથી આગળ કશું  બોલી નથી શકતું. ત્યાં એક ચોક્કસ શાંતિ હોય છે. અહંની ગેરહાજરીમાં તમે એક જુદી દુનિયામાં, એક જુદી ચેતનામાં સરી જાવ છો. તમારો અહં કે જે એક જાગૃત અને અનુબંધિત મગજની પેદાશ છે, એ જયારે તમે સ્વપ્ના જુઓ છો ત્યારે તેની સાથે હસ્તક્ષેપ નથી કરતો, અને માટે જ તમને સ્વપ્ના સાચા લાગતાં હોય છે. સ્વપ્ના જોતી વખતે જાગૃત મન કોઈ ગણતરી નથી કરતું હોતું.
તમે તમારી જાગૃત અવસ્થામાં જો તમારો અહં છોડી શકતા હોવ તો તમને કોઈ સ્વપ્ન દુઃખ નથી આપી શકતું. અહં જેટલો મોટો કે મન જેટલું વધુ તેજ હોય તો ઊંઘી જવાનું તેટલું જ અઘરું થઇ પડે છે. તમે થોડું ધ્યાન આપીને તપાસશો તો જણાશે કે જે લોકોનાં જીવનમાં માનસિક પ્રવૃત્તિ વધુ હશે તેઓ જલ્દીથી સુઈ નહી શકે, તેમને વધુ વાર લાગતી હોય છે. અને આજ વાત જેનો અહં બહુ ઉચો હોય છે તેને પણ લાગુ પડે છે. જે નમ્ર છે કાં તો જે આળસુ છે, એની આંખ જલ્દી લાગી જાય છે, કોઈ પણ જાતનાં પ્રયત્ન વગર.
નિંદ્રાજનક દ્રવ્યો જેવાં કે દારૂ, ઊંઘની ગોળી અને બીજા તેના જેવાં પદાર્થો તમને ઊંઘાડી દે છે કારણ કે તે તમને તમે કોણ છો તે ભુલવાડી દે છે. તે તમને તમારા સ્વ સાથેથી અલગ કરી દે છે જો કે તે ફક્ત અસ્થાયી રૂપે અને તમારા સ્વાસ્થ્યનાં ભોગે જ હોય છે. ધર્મ, જાતિ કે લિંગ ગમે તે હોય, તમે જો કોઈ થોડા લોકોનાં સમૂહને દારૂ પીવડાવી દો તો તેઓ એકબીજાનાં જેવું વર્તન કરવા માંડશે. તેમનાં અહંની દીવાલ હવે રહી હોતી નથી, તેમનાં જાગૃત મને તેના અનુબંધનની પકડ ગુમાવી દીધેલી હોય છે, અને હવે તેઓ કોઈ દંભ કરી શકતાં નથી.
તો, શું ઊંઘને સમાધિની સમકક્ષ ગણી શકાય? શું ઊંઘ અને ભાવસમાધિમાં એકસરખી જાગૃતતા હોય છે? આખરે તો બન્ને વસ્તુમાં તમારો અહં છૂટી જતો હોય છે. પણ એવું નથી. ઊંઘમાં તમારી જાગૃતતા સુષુપ્ત અવસ્થામાં હોય છે. તમને ખબર હોય છે કે તમે મૃત નથી, તમે ખાલી સુઈ રહ્યા છો. જો કોઈ તમારા ઉપર ઠંડુ પાણી રેડે તો તમે તરત જ જાગી જશો. સમાધિવસ્થામાં તમારી જાગૃતતાનું પ્રભુત્વ હોય છે. તમારી ઉત્કૃષ્ઠ-જાગૃતતા એકમાત્ર એવું પરિબળ છે જે તમને અતીન્દ્રિય સમાધિની સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે. તો મુખ્ય તફાવત તમારી જાગૃતતા કઈ અવસ્થામાં છે – સુષુપ્ત કે પ્રભુત્વ – એના ઉપર છે.  ઊંઘમાં તમારું અર્ધજાગૃત મન હુકમ ચલાવે છે જયારે, સમાધિ અવસ્થામાં તમારી ઉત્કૃષ્ઠ જાગૃતીની અવસ્થા પ્રવર્તમાન હોય છે.
તમે જાગૃતપણે “કઈ નહી હોવાનું” પસંદ કરી શકો છો, તમે તમારી જાતને કોઈ પણ પ્રકારનાં લેબલ લગાવવાથી પરે જઈ શકો છો. જયારે કોઈ વ્યક્તિ તમને નકારાત્મકતા કે ટીકા આપતું હોય, ત્યારે તમારે તે નહિ સ્વીકારવાનું તમને યાદ અપાવી શકો.
જેવી રીતે એક ટીપું સમુદ્રમાં પડ્યા પછી એ હવે ટીપું નહિ રહેતાં સમુદ્ર બની જાય છે, એ જ રીતે સુતી વખતે, તમારી, તમારા અસ્તિત્વની, કે તમારા સ્વપ્નાઓની કોઇ શરૂઆત કે કોઈ અંત નથી હોતા. જયારે તમે જાગતા હોવ ત્યારે તમને જે લેબલ લાગેલાં હોય છે એનાંથી હવે તમે ઊંઘ દરમ્યાન સીમિત નથી રહેતાં. ઊંઘમાં તમે એક અનંત અવકાશમાં જાવ છો, જે તમારો અસલ સ્વભાવ છે, તમે અશક્ય લાગતાં સ્વપ્નાઓ જુઓ છો અને તમે એને હકીકતમાં અનુભવો છો. જેવા તમે જાગો છો કે તરત જ તમારો અહં તમારી જાગૃતીની સપાટી ઉપર આવી જાય છે અને સાબિતી! તમારી આંતરિક શાંતિ અને સ્વપ્નોની દુનિયા એવી રીતે અદ્રશ્ય થઇ જાય છે કે જાણે ક્યારેય એનું અસ્તિત્વ જ નહોતું.
મુલ્લા નસરુદ્દીન એક રાતે પોતાની પત્નીને જોરથી હલબલાવી નાંખી. “ઉઠ ઉભી થા! જલ્દી! મને મારા ચશ્માં આપ.”
તેને ડરતાં કહ્યું, “શું થયુ છે?”
“હું હમણાં જ એક સ્વપ્નું જોતો હતો કે હું કાલની લોટરીની ટિકિટ જીતતો હતો પણ ચશ્માં વગર હું નંબર વાંચી ન શક્યો. મારે પાછા મારા સ્વપ્નમાં જવું પડશે.”
અહં વાળી અને અહં વગરની દુનિયાનું કોઈ સંગમ બિંદુ છે જ નહિ. જેવી રીતે કે ક્ષિતિજ, ત્યાં લાગે છે કે ધરતી અને આકાશ બન્ને મળતાં હોય પણ હકીકતમાં તેઓ ક્યારેય મળતાં નથી હોતા. ઊંઘવાનું અઘરું બનાવી, અહં છે તે મનમાં બેચેન પ્રકૃતિનું બળતણ ભરતું રહીને તમને તમારા મૂળ સ્રોતથી અલગ કરી નાંખે છે.
કોઈ દિવસ, હું તમારા માટે યોગ નિંદ્રા અને સુબોધગમ્ય સ્વપ્ના ઉપર વિસ્તારપૂર્વક લખીશ. આ બન્ને એક ઊંડી શાંતિ અનુભવવા માટે, તમારી આંતરિક સંભાવનાને પ્રવર્તિત કરવા માટે, તમને તમારા મૂળ સ્રોત સાથે જોડી રાખવા માટે અને શાંતિથી ઊંઘવા માટેનો એક ખુબ જ શક્તિશાળી અને વ્યવહારિક માર્ગ છે. તમે તમને સાજા કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
જે કોઈ કઈ નહિ બનવાની કલા જાણી લે છે, તે તેની ઈચ્છા મુજબ કઈ પણ બની શકે છે; કોઈ બીજા જેવાં બનવાની ઈચ્છા જતી રહે છે, અને ત્યાર પછી દરેક જણ એક સમાન લાગવા માંડે છે. કેમ કે જો આપણે બાહ્ય સ્વરૂપની, લેબલોની, અને અનુબંધિત વર્તન વિગેરેની પેલે પાર જોઈએ, તો દરેક વ્યક્તિ શું બીજા જેવો જ નથી?
વારું, મને મારી યુ-ટ્યુબ વિડીઓમાંથી ગયા વર્ષે મેં રેકોર્ડ કરેલા બે પ્રવચનો મળ્યાં છે. એક હિન્દીમાં છે તપશ્ચર્યા ઉપર અને એક અંગ્રેજીમાં છે અને તેનું ટાઈટલ છે Who Are You? મેં બન્ને આજે અહી પબ્લીશ કર્યા છે. હિન્દી માટે અહી ક્લિક કરો અને અંગ્રેજી માટે અહી ક્લિક કરો.

શાંતિ.
સ્વામી
 

No comments:

Post a Comment

Share