Sunday, 27 January 2013

એક અર્થસભર જિંદગી

 મશીનમાં, એક નાનામાં નાનું ચક્ર પણ એટલું જ અનિવાર્ય છે જેટલું કે મોટું ચક્ર. તમે કોઈ બીજા જેટલાં જ મહત્વનાં છો.
મેં મારું ગયું અઠવાડિયું હિમાલયનું અન્વેષણ કરવામાં ગાળ્યું હતું. મારો હેતુ એક આવનાર સીમિત સમય માટેનાં  મારા એકાંતમાં જવાનાં આયોજન માટે એક અનુકુળ જગ્યા શોધવાનો હતો. મેં એક ગાડી ભાડે કરી હતી જે મને હિમાલયમાં અંદર લઇ જાય. ગાડીનાં ડ્રાઈવર પોતે ગાડીનાં માલિક હતાં. તેઓ એક સારા માણસ હતાં અને પોતે જે ધર્મ પાળતા હતાં તેના તે પ્રખર અનુસરનારા હતાં કેમ કે તેમની પાસે જે સંગીતનો સંગ્રહ હતો તે ફક્ત ઈશોપદેશ અને તેમના ધર્મપુસ્તકનું કવિતા પઠનનો જ હતો.

જે ક્ષણે હું તેમની ગાડીમાં બેઠો ત્યારે તેમનું મનપસંદ સંગીત વાગતું હતું. મેં સ્મિત કર્યું અને મેં મારું સ્મિત સામાન્ય કરતાં લાંબો સમય ટકાવી રાખ્યું. ત્યારબાદ મેં તેમના ધર્મપુસ્તકનાં કેટલાંક છંદો ઉપર પ્રકાશ પાથર્યો. અને તેનાંથી તો તેઓ એકદમ ઉત્સાહિત થઇ ગયા અને પછી બીજા કેટલાંક દિવસ સુધી તેમને એનું એ જ સંગીત વગાડ્યા કર્યું. મેં નમ્રતાથી તેમને પૂછ્યું કે શું આપણે થોડી થોડી વારે આ ટેકરી અને ઘાટને, ઠંડા પવનની લહેરર્ખીઓને, અને આ બર્ફીલા પહાડોને, નદીઓને અને ધોધને પણ સાંભળીએ? તેઓ એટલા માયાળુ હતાં કે તરત તેમને પોતાનું સંગીત બંધ કરી દીધું અને મેં મૌનને સાંભળવાનો આનંદ ઉઠાવ્યો. હું ખરેખર માનું છું કે જન-માનસમાં ધર્મને, આશા રાખું છું ખુબ ઝનુનપૂર્વક તો નહિ, પણ અત્યધિક દ્રઢતાપૂર્વક તો ભરી દેવામાં આવ્યો જ છે.

આ સજ્જન ડ્રાઈવર ૬૦ વર્ષનાં હતાં અને તેમને મને કહ્યું કે પોતે જયારે નવ વર્ષનાં હતાં ત્યારે ઘર છોડી દીધું હતું. ઘણા વર્ષો સુધી તેમને એક ફેક્ટરીમાં મશીન ઓપરેટર તરીકે કામ કર્યું. તેમની પાસે હજી પણ પોતાની માલિકીનું ઘર નહોતું. તેમને હજુ પોતાની ગાડીનાં, જે તેમની રોજગારીનું એકમાત્ર સાધન હતું, તેનાં પાંચ હફ્તા ચૂકવવાના હજી બાકી રહેતાં હતાં. આ હફ્તો, ઘર ભાડું, અને કરીયાણાનું બીલ ચૂકવ્યા બાદ તેમની પાસે ભાગ્યે જ કઈ બચતું હતું. છતાં તેમનામાં બે સરસ ખાસિયત હતી એક, તે પોતાની જાતને હંમેશા સારી રીતે રાખતા, તે પોતે કોઈ કંપનીનાં મેનેજર હોય તેવા કપડા પહેરતાં, અને સામાન્ય રીતે હંમેશા હકારાત્મક વલણ રાખતા.

"મને કોઈ ફરિયાદ નથી." તેમને કહ્યું, "પણ એક એવો વિચાર આવ્યા કરે છે ખરો જે મને અંદરથી ખુબ પરેશાન કરે છે." મને લાગ્યા કરે છે કે મેં મારી આખી જિંદગી કશું જ પણ મહત્વનું કહી શકાય એવું પ્રાપ્ત કર્યા વગર જ વેડફી નાંખી. આખી જિંદગી એક તુચ્છ નોકરી કરી અને આજની તારીખ સુધી હું મારા ધર્મ, સમાજ અને દેશ માટે કશું યોગદાન નથી આપી શક્યો. શું જિંદગી આવી હોય? શું મારું મોત પણ મારા જીવન જેવું જ ધૂંધળું હશે? મેં પાછલાં જન્મમાં એવા તો કેવા ખરાબ કર્મો કર્યા હશે કે મને આ જન્મે આવી જિંદગી મળી?"

હું થોડી ક્ષણો માટે એમનાં આ ઊંડા વિચારની કદર કરવા માટે અટકી ગયો અને પછી કહ્યું, "તમને ખબર છે એક મશીનમાં ઘણાં બધા ભાગ હોય છે, મોટા અને નાના. તેમાં ઘણા નાના-મોટા દાંતાવાળા ચક્રો હોય છે. નાનામાં નાનું ચક્ર એટલું જ મહત્વનું હોય છે જેટલું કે સૌથી મોટું ચક્ર હોય છે. માપ ગમે તે હોય, પણ એક ચક્ર જો બગડે તો આખું મશીન કામ કરતું અટકી જાય. હવે, જો મોટું ચક્ર જો એમ વિચારે કે પોતે કઈક ખાસ છે, તો તે ફક્ત તેનો એક અહં અને મિથ્યા અભિમાન હશે. તેને જો કઈ ઉપયોગમાં આવવું હશે તો તેનાં માટે તે નાનામાં નાના ચક્ર ઉપર એટલું જ આધારિત છે જેટલું નાનું ચક્ર પોતે મોટા ચક્ર ઉપર. મશીન કઈ ખાલી મોટા ચક્રનાં સહારે નથી ચાલતું, બધા ચક્રોનો કઈક ને કઈક ભાગ છે જે તેમને ભજવવાનો છે.  એ જ રીતે, તમારું કામ બીજા કોઈપણનાં કામ જેટલું જ મહત્વનું છે. સરખામણીમાં કામનો વિસ્તાર કે પરિમાણ કદાચ અલગ લાગી શકે જેમ કે નેતા કે રાજકારણીનું કાર્ય, પરંતુ તેનું મહત્વ જુદું નથી. કોઈ પણ સાંકળ પોતાની નબળી કડી જેટલી જ મજબુત હોય છે. તેથી, બ્રહ્માંડ માટે, તમે કોઈ પણ બીજા જેવા જ કોઈ એક છો. મને અહી કોણ આ જગ્યા શોધવામાં મદદ કરતે જો તમે હાલમાં જે કામ કરી રહ્યા છો તે ન કરતા હોત તો?"

આંસુનું એક બુંદ તેમની એક આંખનાં ખૂણા પર દેખાયું અને નીચે તરફ ઝડપથી સરકી પડ્યું અને તેમની દાઢીમાં અદ્રશ્ય થઇ ગયું. "હું જિંદગીમાં પહેલી વાર અંદરથી હુંફ મહેસુસ કરું છું, મને ખુબ સંતોષ લાગે છે." આ તેમનાં પોતાનાં શબ્દોનો જ અનુવાદ અહી લખી રહ્યો છું.

પછીથી તેમને મને એક ખુબ જ અસામાન્ય વાત કહી. "હું આખી જિંદગી કુંવારા રહેવાં માટે દ્રઢનિશ્ચયી હતો. પણ થોડા વર્ષો પહેલાં જ હું એક યુવાન સ્ત્રી કે જે ખુબ મુસીબતમાં હતી તેને પરણ્યો છું. તેનામાં કઈક ખામી હતી કે જેના લીધે તેને બાળકો થઇ શકે તેમ નહોતા. તેને કોઈ માં-બાપ નહોતા અને તે પોતાના બહેન-બનેવી સાથે રહેતી હતી જે તેને ખુબ દુઃખ આપતા હતાં. તો, મેં તેની સાથે લગ્ન કર્યા," તેમને આગળ ચાલુ રાખતા કહ્યું, " અને પાંચ વર્ષ પહેલાં, મેં એક બાળકી દત્તક લીધી છે. તે વખતે તેની આખી પીઠ સન-બર્નનાં કારણે દાઝી ગઈ હતી, જાણે કે તેને ચામડીનું કેન્સર ન થયું હોય. તે ખાલી ૪૫ દિવસની હતી જયારે તે મને મળી. હું તેને મારા ભગવાન પાસે લઇ ગયો અને તેને ત્યાં મૂકી અને તેનાં માટે પ્રાર્થના કરી. અને પંદર દિવસમાં જ તે બિલકુલ સાજી થઇ ગઈ." લાગણીઓ હવે આંસુ બનીને તેમની આંખોમાં વ્યક્ત થવા માંડી હતી.

તે, બીજા માં-બાપની જેમ જ, પોતાની દીકરીનાં અતિ ઉત્સાહપૂર્વક ગુણ ગાવા લાગ્યા. પછી બાપ-બેટી વચ્ચે થતી વાતચીત કહેતા કહ્યું: "તે ફક્ત પાંચ વર્ષની છે છતાં એક દિવસ તે કહે છે, 'પપ્પા,  હું જયારે મોટી થઈશ ત્યારે હું ડોક્ટર બનીશ અને તમને લંડન લઇ જઈશ.'
પણ હું તો એક ગરીબ માણસ છું અને જો હું તને ભણાવવા માટે પૈસાની વ્યવસ્થા ન કરી શક્યો તો?
'કઈ વાંધો નહિ, હું બીજા નાના છોકરાઓને ભણાવીશ અને પૈસા બનાવીશ અને બધું ચૂકતે કરીશ.'
હું મારી દીકરીનું ડહાપણ જોઈને ચોંકી ગયો," તેમને કહ્યું.
 
"મારી દીકરી કોલેજ જાય ત્યાં સુધી હું જીવતો હશું? શું હું તેના ભણતર માટે પૈસાની વ્યવસ્થા કરી શકીશ? મારી પાસે હવે વધુ વર્ષો જીવવાના રહ્યા પણ નથી, મારા ગયા પછી એનું કોણ હશે અને એનું કોણ જોશે? કોઈ વખત તો હું જયારે આ બધા સવાલો ઉપર વિચાર કરું છું તો રાતે સુઈ પણ નથી શકતો. અને પછી હું ભગવાનને પ્રાર્થના કરી બધું એના હાથમાં સોંપી દઉં છું." આ દરમ્યાન, નાના આંસુનાં રેલા તેમનાં ગાલ પર રેલાવા લાગ્યા; પુરુષો સામાન્ય રીતે છાની રીતે રડતાં હોય છે.
 
મેં મારી લાગણીઓને સંભાળી અને મારા આંસુઓને રોકી રાખ્યા અને તેમને પણ શાંત પડ્યા, કારણ કે તમે સમજી શકો છો કે એ ગાડીનું રસ્તા પર શું થાય કે જેનો ડ્રાઈવર અને મુસાફર બંને જો રડવાનું શરુ કરે! હું વધારે વિગતો સંક્ષિપ્તતાને કારણે નથી લખતો. મારું હૃદય ગરમ તવાઈ ઉપરનાં માખણની જેમ પીગળી ગયું. મેં તેમને વચન આપ્યું અને તે શાંત પડી ધીમે ધીમે ડુસકા ભરતા ગાડી ચલાવતા રહ્યા.

મેં તેમને કહ્યું હું જેટલાં લોકોને મળ્યો છું તેમાંથી તેઓ નવ્વાણું ટકા લોકો કરતા સારા છે, અને સમાજ તરફ તેમનું યોગદાન બાકી બીજા કરતાં અનેક ઘણું વધારે છે, અને આ દુનિયા ફક્ત તેમના જેવા લોકોનાં લીધે જ જીવવા જેવી છે, અને તે પોતે ક્યારેય રોટી, કપડા, મકાન, અને દવા માટે હેરાન નહિ થાય. પરમાત્માને તેમના જેવા માણસને અવગણવાનું પાલવે જ નહિ.
 
આ પોસ્ટ લાંબી થઇ ગઈ પણ હું બે મહત્વના પાઠ કહેવા માંગું છું. એક, કોઈપણનું કામ બીજા કોઈ જેટલું જ મહત્વનું છે. બીજું, કોઈને કઈ આપવા માટે સક્ષમ બનવા માટે તમારી પાસે ઘણું બધું હોવું જોઈએ તે જરૂરી નથી, ફક્ત આપવાવાળું હૃદય જોઈએ. જો તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો તો તેનો અર્થ કદાચ તમારી પાસે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની વ્યવસ્થા છે, તમે કદાચ તમારી મૂળ જરૂરિયાતોની કાળજી લઇ શકો તેમ છો. તમે પહેલેથી જ દુનિયાની પ્રથમ ૨૦ ટકા વસ્તીમાંનાં એક છો. દુનિયામાં બીજા લાખો લોકો છે જે ખુબ જ તકલીફ વાળું કામ કરીને પણ ગણ્યા-ગાંઠ્યા પૈસા કમાઈ શકે છે. તેમને સુરજ આથમે એ પહેલાં એક ટંકનું ભોજન પણ જો પ્રાપ્ત થાય તો તે તેમની જાતને  નસીબદાર માને છે. ઘણા લોકો ઊંઘી નથી શકતા કેમ કે તેઓ હૂંફાળી પથારીમાં છે કાં તો તેઓનું પેટ ભરેલું છે. પણ એવા કેટલાય ગરીબો માટે તો એક ટંકનું ભોજન મળ્યા પછી  હવે તેમનું શરીર વધારે જાગી નથી શકતું, કારણ કે આ જ એક રસ્તો છે તેમનાં માટે પેટની ભૂખ ભૂલવા માટેનો, દુનિયાની હાડમારીને ભૂલવાનો, એ પહેંલા કે સવારનો ઘોંઘાટ તેમના કાનમાં અવજ્ઞા પૂર્વક અવાજ કરીને ફરી તેમને પાછી અંત વગરની અસહનશીલ જિંદગીની દોડધામ માટે તેમજ બીજા એક ભૂખ, દરિદ્રતા અને અભાવોથી ભરેલા દિવસની સામે અને આ દુનિયાની ખરાબ વાસ્તવિકતાઓની સામે તેમની આંખના પોપચા ઉચા કરી તેમને ઉઘાડા કરી મુકે એ પહેલાં એક અસ્થાઈ આરામ મેળવી લેવાનો.
 
જયારે તમારું અસ્તિત્વ બીજા કોઈને મદદ કરતુ હશે, જે કઈ પણ શક્ય રીતે, ત્યારે તમારી જિંદગી એનાથી વધારે અર્થસભર અને વધારે મહત્વની થઇ જ નથી શકતી. અને તેનાંથી વધારે મોટું યોગદાન પણ શું થઇ શકવાનું.
 
કૃતજ્ઞ બનો. બીજાને આપી ખુદ મેળવો!
(Image credit: Jason Campbell)
શાંતિ.
સ્વામી

Sunday, 20 January 2013

ઉન્મત્ત વિશ્વ

વનના વૃક્ષોનું અવલોકન કરવા માટે તમારે તેનાંથી થોડું અંતર બનાવવું પડશે કાં તો ઉંચાઈએથી નીરખવું પડશે.
તમને આ દુનિયામાં જીવવાનું કેવું લાગે છે? મુશ્કેલીભર્યુ, બરાબર, બહુ સરસ, વ્યાજબી? કે પછી તમારી પાસે એના માટે વિચારવા બેસવાનો સમય નથી? આ ગાંડી દુનિયા છે, તે કોઈ વાર ગાંડી રીતે સારી તો બીજા સમયે સારી રીતે ગાંડી હોઈ શકે, પણ એ એક પાગલ દુનિયા છે તેટલું ચોક્કસ. કદાચ, એટલાં માટે જ તે અનન્ય, ઉત્ક્રાંતિશીલ, અને સુંદર પણ છે. તે અનિવાર્ય અને જરૂરી લાગે તેવી છે. જો કે તેની રમુજ પમાડે તેવી બાજુ છે – તેની ગાંડપણની માત્રા, ગાંડપણની ગહેરાઈ જે આ ગાંડી જિંદગીનો એક ભાગ બની રહેતાં લોકોમાં જ છુપાયેલી રહેતી હોય છે.

એક વખત એક રાજા હોય છે. પરંપરા મુજબ નવા વર્ષનાં આરંભે તે પોતાના રાજ જ્યોતિષ સાથે મંત્રણા કરે છે. રાજ જ્યોતિષી બધી કુંડળીઓ જોઈને એક ગંભીર વાત કહે છે. તે રાજાને નવા વર્ષમાં આવનાર સંકટ વિષે જણાવતાં કહે છે કે, કોઈ પણ વ્યક્તિ તેમનાં રાજ્યમાં ઉગાડેલા શાકભાજી કે અનાજ ખાશે કે તે તરત પાગલ થઇ જશે.
કુદરતી રીતે જ રાજા તો હેરાન થઇ ગયા. “આ તો ખરેખર ચિંતા કરાવે તેવું છે,” રાજા બોલ્યા, “પાગલ થઇ ગયેલાં લોકોનું પછી શું થશે? ક્યાં સુધી તેમનું આ પાગલપણું ચાલશે?”
“મહારાજ,” રાજ જ્યોતિષ બોલ્યા, “આ મુસીબતથી પીડિત લોકો એકબીજાની નકલ કરવા માંડશે, અને આ ચક્ર નિરંતર ચાલ્યા કરશે. અને પેઢી દર પેઢી ચાલતું રહેશે. એનો કોઈ જ ઉપાય નથી.”

રાજા તો પોતાનાં પ્રધાનમંત્રીને કહેણ મોકલ્યું, જે પોતાની બુદ્ધિ અને ડહાપણ માટે પ્રખ્યાત હતાં. રાજાએ તો પ્રધાનમંત્રીને રાજ જ્યોતિષની ભવિષ્યવાણી વિષે કહ્યું. રાજાએ પ્રધાનને પૂછ્યું  જો તેઓ આ સંકટનો કોઈ રસ્તો કાઢી શકે તેમ હોય તો. પ્રધાને ખાસી વાર વિચારવિમર્શ કર્યો અને પછી એક ચિંતા સાથે પણ ઉત્સાહપૂર્વક બોલ્યા, “આપણા કોઠારમાં આપણા બે માટે પુરતું અનાજ ભર્યું છે. એ સહેલાઇથી ત્રણ વર્ષ ચાલી શકે એટલું છે. તમને પાગલ થવું પોષાય નહિ કેમ કે તમારે રાજપાટ ચલાવવાનાં છે, અને મને પણ પાગલ થવું પોષાય નહિ કેમ કે હું તમારો સલાહકાર છું. તો, આપણે જો આપણી બુદ્ધિ આ વર્ષનો પાક નહિ ખાઈને જો સલામત રાખીએ તો આપણે થોડા સમયમાં આ સમસ્યાનો હલ શોધી કાઢીશું.”

“તે ન્યાયી ન કહેવાય,” રાજા બોલ્યા, “હું કેવી રીતે મારા રાજ્યના લોકોને પાગલ થઇ જવા દઉં અને મારી જાતનું જ ખાલી રક્ષણ કરું! તમને કલ્પના પણ છે કે આટલાં બધા પાગલ લોકોને સાચવવા એ કેટલી અઘરી બાબત છે? એનાં કરતાં તો આપણે પણ એ જ પાક ખાઈએ. એ રીતે આપણે બધા સાથે જ પાગલ થઇ જઈશું. અને પછી એ વાતનો કોઈ વાંધો જ નહિ રહે. આપણે પણ જો બીજા જેવા જ થઇ જઈશું તો પછી નાં તો આપણે એમનાં પાગલપણને જોઈ શકીશું નાં તો એ વાત આપણને હેરાન કરી શકશે. પરંતુ આપણે બન્નેએ આપણા બાહુ ઉપર એક છુંદણુ છુંદાવવું જોઈએ કે આપણે પાગલ છીએ. જેથી કરીને એ આપણને યાદ અપાવશે કે એક દિવસ આપણે ફરી ડાહ્યા બનવાનું છે.”

હું આશા રાખું કે તમે સમજી રહ્યા છો હું શું કહેવા માંગું છું. આપણને જે રીતે આ દુનિયા ચાલતી રહેલી દેખાય છે એના પરથી લાગે છે કે તે સામાન્ય છે. અને તે એટલાં માટે કે આપણે બધા એક જ પાકનું અનાજ ખાઈ રહ્યા છે, તે કોઈ એક અસાધારણ બુદ્ધિની નિશાની નથી. જ્યાં સુધી તમારું ધ્યાન તમારા છુંદણા ઉપર કે જે એક યાદ અપાવનારું છે, તેના પ્રત્યે નહિ જાય ત્યાં સુધી તમને એ વાત નહિ સમજાય. પ્રત્યેક ક્ષણે, જીન્દગી તમને યાદ અપાવતી હોય છે, એક વેકઅપ કોલ. કેટલાંક લોકો તેને સાંભળતા હોય છે અને તેમનાં જીવનની ફરજો અને ઈચ્છાઓ વચ્ચે સંતુલન બનાવી લેતાં હોય છે, તો ઘણા લોકો તેને અવગણી નાંખતા હોય છે. જીવન છે તે વહેતાં પાણી જેવું છે, તે બસ એક વહેતું રહેતું, નિજવાચક આત્મવાચક, અને આપોઆપ ચાલતું રહેલું છે. મોટાભાગનાં લોકોને એની ખબર નથી હોતી કે પોતે જે કરી રહ્યા છે તે શા માટે કરી રહ્યા છે, કોને તેમને સાચા ખોટાનું જ્ઞાન આપ્યું છે અને શેના આધારે આપ્યું છે, તેમનાં જ્ઞાનનો સ્રોત શો છે, પોતે કઈ સંચાલન પ્રણાલીને અનુસરી રહ્યા છે? મોટાભાગે તો વનનાં વૃક્ષોનું અવલોકન કરવા માટે જરૂર હોય છે એક ઠહેરાવની, એક વિરામની, અને થોડાં આત્મચિંતનની.

એક વખત એક મહાન રશિયન ચિંતક - જી. આઈ. ગુર્જિફે, પોતાના શિષ્ય પી. ડી. ઓસ્પેન્સ્કીને ત્રણ મહિના સુધી સંપૂર્ણ એકાંતમાં રહીને મૌનનું પાલન કરવાનું કહ્યું. ઓસ્પેન્સ્કીએ તેમની આજ્ઞાનું પાલન કર્યું અને ત્રણ મહિના પછી પાછો જયારે ગુર્જીફ્ને મળ્યો ત્યારે ગુર્જિફ તેને બજારમાં લઇ ગયા. ઓસ્પેન્સ્કીને લાગ્યું કે પોતે લોકોને જોઇને અભિભૂત થઇ ગયો છે અને પોતે ક્યાંક ખોવાઈ ગયો હોય તેવું લાગ્યું. તેને ગુર્જિફને કહ્યું, “મને લાગે છે કે આ દુનિયા પાગલ છે. પાગલ લોકો મશીન વેચે છે અને બીજા પાગલ લોકો તેને ખરીદે છે. પાગલ લોકો બસ ચલાવે છે અને પાગલ લોકો જ તેમાં મુસાફરી કરી રહ્યા છે. એક પાગલ બીજા પાગલ સાથે વાતો કરે છે. આ તો એક મોટું પાગલખાનું છે. મને પાછો લઇ જાવ, હું આ ટોળામાં નહિ રહી શકું.”

હું તમને મારા પોતાનાં અનુભવ પરથી કહું છું કે તમે તમારી જાતને એકાંત અને મૌનમાં સમય વ્યતીત કરીને એક સૌથી મુલ્યવાન ભેટ આપી શકો છો. હું તમને વચન આપું છું કે તમે ત્યારબાદ દુનિયાને ફરી ક્યારેય એ જ નજરે જોઈ જ નહિ શકો. મને પોતાને હિમાલયમાં અત્યંત એકાંતમાં મહિનાઓ વ્યતીત કર્યા બાદ આ “સામાન્ય” દુનિયામાં પાછા ગોઠવાતા મને બીજા ઘણા મહિના લાગી ગયેલા. એક શક્તિશાળી પરિવર્તન તમને અંદરથી ચોક્ખા કરી દે છે, તમને એક આવરણ આપે છે અને તમને વધુ સારા બનાવે છે. શા માટે? કારણકે એકાંત તમને એક વિરામ આપે છે ચિંતન કરવા માટે, જરૂરી બાબતો પ્રત્યે ધ્યાન આપવા માટે, અને તેનાંથી થતાં જ્ઞાનને આત્મસાત કરવાં માટે; તે પછી તમે તમારી જાતને વધુ સારી રીતે સમજી શકો છો.

અને જો કોઈ તમને ગાંડા ગણે, તો કદાચ તેઓ ખુદ તે હશે! તમે બસ જે છો તે બની રહો. તમારું પોતાનું સત્ય તમે જાતે શોધો.

શાંતિ.
સ્વામી
 

Thursday, 17 January 2013

ભજ ગોવિન્દમ ભાગ - ૬


તમને પોતાને ઈશ્વરનાં હવાલે કરો, ધ્યાન કરો અને મુક્તિ પ્રાપ્ત કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૬/૬)

આદિ ગુરુશ્રી શંકરાચાર્ય
આ છઠ્ઠું અને અંતિમ વ્યાખ્યાન છે -

गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रूपमजस्रम्।
नेयं सज्जन सङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥27॥


એ પરમ પરમેશ્વરનું સદૈવ ધ્યાન કરો. તેની મહિમાનાં ગુણગાન કરો. હંમેશા સંતોની સંગતીમાં રહો અને ગરીબ તેમજ બેસહારા વ્યક્તિઓની મદદ કરો.

सुखतः क्रियते रामाभोगः पश्चाद्धन्त शरीरे रोगः।
यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणम् ॥28॥


જે શરીરનો આપણે આટલો બધો ખ્યાલ રાખીએ છીએ, અને તેના દ્વારા જુદા જુદા ભૌતિક સુખોને પામવાની ચેષ્ટા કરીએ છીએ, તે શરીર તો એક દિવસ નષ્ટ થઇ જવાનું છે. મૃત્યુ આવવાથી આ સજાવટી શરીર માટીમાં ભળી જશે. તો પછી આપણે શા માટે વ્યર્થ ખરાબ આદતોમાં ફસાઈએ છીએ.

अर्थंमनर्थम् भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्।
पुत्रादपि धनभजाम् भीतिः सर्वत्रैषा विहिता रीतिः ॥29॥


સંસારના દરેક ભૌતિક સુખો આપણા દુઃખોનું કારણ છે. જેટલું વધુ આપણે ધન કે અન્ય ભૌતિક સુખની વસ્તુઓને ભેગી કરીએ છીએ, એટલો જ આપણને તેને ખોઈ દેવાનો ડર સતાવે છે. સંપૂર્ણ સંસારના જેટલાં પણ ધનવાન વ્યક્તિઓ છે, તે પોતાનાં પરિવારનાં સભ્યોથી પણ ડરતાં હોય છે.

प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेकविचारम्।
जाप्यसमेत समाधिविधानं कुर्ववधानं महदवधानम् ॥30॥


આપણે સદૈવ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ સંસાર નશ્વર છે. આપણે આપણો શ્વાસ, આપણું ભોજન, અને આપણું ચાલ ચલન સંતુલિત રાખવું જોઈએ. આપણે સચેત થઈને તે ઈશ્વર ઉપર આપણું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દેવું જોઈએ.

गुरुचरणाम्बुज निर्भर भक्तः संसारादचिराद्भव मुक्तः।
सेन्द्रियमानस नियमादेवं द्रक्ष्यसि निज हृदयस्थं देवम् ॥32॥


આપણે આપણા ગુરુનાં ચરણકમળોમાં શરણ લેવું જોઈએ. તો જ આપણને મોક્ષની પ્રાપ્તિ થશે. જો આપણે આપણી ઇન્દ્રિયો અને આપણા મસ્તિષ્ક ઉપર સંયમ કેળવી લઈએ તો આપણે આપણા હૃદયમાં જ ઈશ્વરને મહેસુસ કરી શકીશું.

હિન્દીમાં પ્રવચન સાંભળવા માટે નીચે ક્લિક કરો.આ સાથે જ ભજ ગોવિન્દમ શ્રુંખલા અહી સમાપ્ત થાય છે.

શાંતિ.
સ્વામી
 

Sunday, 13 January 2013

પ્રશ્ન કે પ્રતિકુળતા

સુખી થવાની ચાવી તમારી પાસે જ છે, શાંતિ અને સંતુષ્ટિ. તમારા જીવનની જવાબદારી જાતે લો. 

એક માણસ સત્યની શોધમાં એક સાધુના આશ્રમમાં આવી પહોચ્યો. તે ગુરુનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી પોતાને તેમનાં શરણમાં લઇ લેવા વિનંતી કરી. ગુરુએ કહ્યું તે ખુશીથી તેને સ્વીકારશે પરંતુ તેમનાં આશ્રમનાં ચોક્કસ નિયમો છે જેનું દરેક શિષ્ય માટે પાલન કરવું આવશ્યક છે.

“હું ઈચ્છું છું કે તું મૌનની સાધના કરે,” ગુરુએ કહ્યું, “માટે, તને બાર વર્ષે ફક્ત એક વખત એક વાક્ય બોલવાની છૂટ છે તે પણ પાંચ શબ્દોથી વધારે ન હોવું જોઈએ.”
શિષ્યતો તરત જ સહમત થઇ ગયો. બાર વર્ષ સુધી તેને ધ્યાન કરવાની કોશિશ કરી જોઈ અને આતુરતાથી પોતાને ક્યારે બોલવા મળે તેની રાહ જોતો રહ્યો.
“પથારી બહુ જ કઠણ છે,” તેને જયારે બાર વર્ષે બોલવાની તક મળી ત્યારે તેને પોતાના ગુરુને કહ્યું.
“હં...” ગુરુ બબડ્યા.
બીજા બાર વર્ષો મૌનમાં વીતી ગયા અને શિષ્યે કહ્યું, “ભોજન ખુબ જ ઠંડુ છે.”
“હં...” ગુરુએ પહેલાં જેવો જ પ્રત્યુતર આપ્યો.
શિષ્યતો ગુસ્સે થઇ ગયો પણ તે નિયમ તોડવા નહોતો માંગતો. તેને પાછુ બાર વર્ષ સુધી મૌનનું પાલન કર્યું અને કહ્યું, “હું તો જાવ છું.” પાંચ શબ્દોની મર્યાદા તોડીને તેને તો આગળ ચાલુ જ રાખતા કહ્યું, “આ એકદમ બકવાસ છે. મને તો કઈ જ ન મળ્યું, હું કઈ શીખ્યો જ નહિ, તમે મને કશું શીખવાડ્યું જ નહિ.”
“સારું! જતો રહે,” ગુરુએ કહ્યું, “અત્યાર સુધી છત્રીસ વરસમાં જો મેં કઈ તારા મોઢે સાંભળ્યું હોય તો તે ફક્ત ફરિયાદ, ફરિયાદ, અને ફરિયાદ જ છે! જો મૌન જ તને કશું ના શીખવાડી શકતું હોય તો બીજુ તો કોણ શીખવાડી શકશે, બીજું કોઈ તો કોણ તને શીખવાડી શકશે જો તું જીવન પાસેથી જ નથી શીખી શકતો?”

રમુજને બાજુ પર રાખીએ તો ઉપરોક્ત દંતકથા કદાચ આત્યંતિક લાગી શકે છતાં પણ તે લોકોનાં જીવનની વાસ્તિવકતાથી પરે તો નથી જ. હજારો ઈ-મેઈલ, દુનિયાભરમાંથી, લોકો પોતે શું મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે તેના વિષે મને મોકલે છે, મોટાભાગનાં જે મને મળે છે તે કોઈ ને કોઈ રીતે દુઃખી છે. તેઓ જીવન પ્રત્યે, બીજા લોકો પ્રત્યે, ચીજ-વસ્તુઓ માટે, સંજોગો પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે બસ ફરિયાદ જ કરે છે. ઉપરોક્ત વાર્તામાં જો કે શિષ્યતો ફક્ત ત્રણ વખત જ બોલ્યો હતો, પરંતુ તેનાં મગજમાં તો તેને લાખો વાર ફરિયાદ કરી હતી. હું તેને દિમાગી ફરિયાદ કહું છું. ઘણા તો બધો જ સમય કરતાં હોય છે, તેઓ મોટાભાગે તો બધો સમય બસ ફરિયાદ જ કરતાં હોય છે, કદાચ સ્વપ્નમાં પણ.

મને રોબર્ટ ફલ્ઘમની વાત યાદ આવી ગયી. તેના યુવાનીના વર્ષોમાં તે એક રિસોર્ટમાં કામ કરતો હતો. તેને રાતપાળીની રીસેપ્શનીસ્ટની નોકરી કરવી પડતી હતી અને દિવસે તબેલાને ઠીક કરવા પડતા. તેનો માલિક કઈ ખુબ સારો કે કે દુનિયાનો મોટો દયાળુ હોય તેવું નહોતું. રોબર્ટ એકનું એક ઉબાઉ ખાવાનું રોજેરોજ ખાઈ ખાઈને કંટાળી ગયો હતો. વધુમાં, ખાવાનો ખર્ચો પાછો તેના પગારમાંથી કપાઈ જતો અને તેનાંથી તે ખુબ ચિડાઈ જતો હતો.

એક રાતે, તેનાંથી વધુ સહન ન થયું, ખાસ કરીને જયારે તેને જાણવા મળ્યું કે હજી બીજા કેટલાંક દિવસો સુધી આનું આ જ ખાવાનું મળવાનું છે. તેનો એક સહકર્મચારી હતો જેનું નામ સિગમંડ વોલ્મેન હતું, તે રાત્રીના ઓડીટર તરીકે કામ કરતો હતો. તે એક જર્મન યહૂદી હતો. તેને Auschwitz (concentration camp)માં ત્રણ વર્ષ વિતાવ્યા હતાં. સિગમંડ એ જ રિસોર્ટમાં ખુશ અને ખુબ સંતોષપૂર્વક રહેતો હતો જ્યાં રોબર્ટ પોતે ખુબ જ ગુસ્સે અને નાખુશ હતો. બીજું કોઈ ત્યાં ન મળતાં, રોબર્ટે પોતાની નિરાશા સિગમંડ આગળ ઠાલવી. તેને પોતાનો હોટેલનાં માલિક પ્રત્યેનો ગુસ્સો ઠાલવ્યો, તેને ખુબ ગુસ્સો આવ્યો હતો કારણ કે એક નું એક ભોજન દિનરાત ખાવાનું અને પાછુ તેનું બીલ પણ ચૂકવવાનું. તેનો પિત્તો એકદમ હટી ગયો હતો. સિગમંડે, તેમ છતાં તેને ધ્યાનથી સાંભળ્યો અને પછી કહ્યું:
“સાંભળ ફલ્ઘમ, મને સાંભળ. તને ખબર છે તારી સાથે ખોટું શું છે? ભોજન, બોસ, કે આ જોબમાં કઈ ખોટું નથી.”
“તો શું ખોટું છે મારી સાથે”
“ફલ્ઘમ, તને લાગે છે કે તને બધી વાતનું જ્ઞાન છે, પરંતુ તને પ્રતિકુળતા અને પ્રશ્ન વચ્ચેનો તફાવત ખબર નથી. જો તારી ગરદન તૂટી ગઈ હોય, તારી પાસે કશું ખાવાનું ન હોય, તારું ઘર જો ભડકે બળતું હોય – તો તારી પાસે કોઈ પ્રશ્ન છે. બાકીનું બધું પ્રતિકુળતા કે અસુવિધામાં આવે છે. જીન્દગી હંમેશા અસુવિધાથી ભરેલી હોય છે. જિંદગી હંમેશા ગાંઠો વાળી હોય છે.”

રોબર્ટ ફલ્ઘમને ભાન થઇ ગયું અને આગળ પોતાની વાર્તામાં તેને લખ્યું છે, “હું આ વાતને વોલ્મેનનું સત્ય તરીકે યાદ રાખું છું. જિંદગી ગાંઠોવાળી હોય છે. અને શીરામાં લોઠની ગાંઠ, ગળામાં કે છાતીમાં થતી ગાંઠ કઈ એક સરખી નથી હોતી. તમને તેમાં રહેલાં તફાવતની ખબર હોવી જોઈએ.”

જો જીવનનો સૌથી ઉત્તમ ઉપયોગ કરવો હોય તો વાસ્તવિક બનવું પડશે. કાં તો તમે ફરિયાદ કરતાં રહો અથવા તો જીવવાનું શરુ કરો. એવું કહેવાય છે કે જીવન નેવું ટકા તમે કેવી રીતે તેને લો છો તેનાં ઉપર અને દસ ટકા તમે તેને કેવું બનાવો છો તેના ઉપર આધારિત છે. એ બહુ સહેલું ને કદાચ કુદરતી અને સામાન્ય છે કે તમે તમારા જીવનમાં જે કઈ પણ સારું નથી તેનાં માટે બીજાને જવાબદાર ઠેરવો, પણ તેનાંથી કઈ ફાયદો નહિ થાય, આવું વલણ તમારા ન તો પ્રશ્નો ઉકેલી શકશે કે ન તો તમારી ચિંતાઓને દુર કરી શકશે. બીજા કોઈ તમારી જિંદગીને એમનાં હાથમાં લઇ લે તેની રાહ ન જુઓ. તમારી જાતનું વિશ્લેષણ કરો, તમારી જાતને ઓળખો, તમારી જાતનું જતન કરો, અને તમારી જાતને પ્રેમ કરો. તમારે જવાબદારીઓ તો હશે જ, પણ તમારા માટે જીવવાથી ડરશો નહિ.  આ બધું ત્યારે જ શક્ય છે કે જયારે તમે તમારી જાતની માલિકી લેશો, જયારે તમે જાતે તમારા જીવનની પસંદગીઓ માટે જવાબદારી લેશો.

તમારી જાતને સમજો જેથી કરીને તમે તમારી જાત સાથે આરામદાયક મહેસુસ કરો, જીવન ત્યારબાદ અસુવિધાજનક કે પ્રતિકુળ નહિ લાગે. જો તમે તમને ખુશ નહિ રાખી શકો, તો તમે બીજા તમને ખુશ રાખે તેવી આશા કઈ રીતે રાખી શકો? સુખી થવાની ચાવી તમારી પાસે જ છે. મુક્ત બનો અને નિર્ભય બનો.
(Image credit: Vladimir Kush)
શાંતિ
સ્વામી

Thursday, 10 January 2013

ભજ ગોવિન્દમ ભાગ - ૫


ત્યાગ કરવાનો પ્રયાસ કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૫/૬)
Image source: stockvault

આ પાંચમું વ્યાખ્યાન છે –

रथ्याचर्पट-विरचित-कन्थः पुण्यापुण्य-विवर्जित-पन्थः।
योगी योगनियोजित चित्तः रमते बालोन्मत्तवदेव ॥22॥

જે યોગી સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને પોતાની ઇન્દ્રિયોને વશ કરવામાં સક્ષમ થઇ જાય છે, તેને કોઈ વાતનો ડર નથી રહેતો અને તે નિડર થઈને, એક ચંચલ બાળકની સમાન, પોતાનું જીવન વ્યતીત કરે છે.

कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तातः।
इति परिभावय सर्वमसारम् विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥23॥

આપણે કોણ છીએ? આપણે ક્યાંથી આવ્યા છીએ? આપણું આ સંસારમાં કોણ છે? આવી વાતો ઉપર ચિંતા કરીને આપણે આપણો સમય વ્યર્થ ન કરવો જોઈએ. આ સંસાર એક સ્વપ્નની જેમ જ જુઠ્ઠો અને ક્ષણભંગુર છે.

त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थं कुप्यसि सर्वसहिष्णुः।
सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रोत्सृज भेदाज्ञानम् ॥24॥

એક જ પરમાત્મા દરેકમાં વસેલો છે. કોઈ પણ તેનાંથી પરે નથી. તમારી શરતોમાંથી બહાર આવો અને દરેક આત્મામાં એ પરમાત્માનાં દર્શન કરો

शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहसन्धौ।
भव समचित्तः सर्वत्र त्वं वाछंसि अचिराद् यदि विष्णुत्वम्॥25॥

આપણે ન તો કોઈ પ્રત્યે અત્યધિક પ્રેમ કરવો જોઈએ ન તો ધૃણા. દરેક પ્રાણીઓમાં ઈશ્વરનો વાસ છે. દરેકને એક નજરથી જોવા જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ, કારણકે તો જ આપણે પરમાત્માનો આદર કરી શકીશું.

कामं क्रोधं लोभं मोहं त्यक्त्वात्मानं भावय कोऽहम्।
आत्मज्ञानविहीना मूढाः ते पच्यन्ते नरकनिगूढाः ॥26॥

અસ્થાઈ આનંદની પાછળ લટ્ટુ થવાનું બંધ કરો. કામ, ક્રોધ, લોભ અને મોહનો ત્યાગ કરો. ફક્ત પરમ જ્ઞાન તમને આ દુઃખોથી બચાવી શકે છે.

હિન્દીમાં પ્રવચન સાંભળવા માટે નીચે ક્લિક કરો.અંતિમ ભાગ આવતાં અંકે...

શાંતિ.
સ્વામી
 

Sunday, 6 January 2013

તમે કેવી રીતે ઉજવો છો

 ચાલો જીવનને ઉજવીએ. તમે ખુદ એક ઉજવણીથી કમ નથી.

એક દિવસે મને એક સન્નારીએ એક સુંદર સવાલ લખીને પૂછ્યું, તેને પૂછ્યું, “દુનિયાનાં મોટાભાગનાં લોકો વર્ષનાં અંતે ભેટ સોગાદો ખરીદવામાં વ્યસ્ત થઇ જાય છે, તમે શું કરો છો? મને આતુરતા છે એ જાણવાની કે તમે ૨૦૧૩ને કે પછી કોઈ પણ “નવા” વર્ષને કેવી રીતે આવકારો છો.”

બીજા કેટલાંક લોકો પણ મને આ જ સવાલ રૂબરૂ મળ્યા હોય ત્યારે પૂછતાં હોય છે. હું પોતે કેવી રીતે ઉજવણી કરું છું એ કહું એ પહેલાં હું તમારી સાથે મારા ઉજવણી વિશેના વિચારો કહેવા માંગુ છું:

આપણે શું અને શા માટે ઉજવણી કરીએ છીએ?

પ્રસંગોની ઉજવણી આપણે પાર્ટી આપીને કરીએ તે ફક્ત એક રીત થઇ ઉજવણી કરવાની, એ હકીકતમાં તો એક શરતી ઉજવણી છે. જો આપણા મનની કાર્યરચના સમાજ, ધર્મ, અને સંસ્થાઓનાં આધારે ન થઇ હોત તો આપણામાંનાં ઘણા બધા જુદી રીતે ઉજવણી કરતાં હોત, એવું હું માનું છું. લોકો વેકેશન પર જઈને ઉજવણી કરે છે, સંસ્થાઓ પોતાના નફા માટે ઉજવણી કરે છે, ધાર્મિક સંસ્થાઓ પોતાની પરંપરાને ઉજવે છે. તફાવત ફક્ત એટલો જ છે કે તમે તમારા મહેનતથી કમાયેલા પૈસાથી ઉજવણી કરો છો, જયારે બીજી દરેક સંસ્થાઓ તમારા પૈસા ઉપર ઉજવણી કરે છે. એમને એવું લાગે છે કે તેઓ પણ ઉજવણીના હકદાર છે કારણકે તેઓ પણ પોતાનાં કાર્યસુચી પર તેટલી જ મહેનત કરે છે. તેમને પણ પોતાની ધ્યેયસિદ્ધિ માટે ઉજવણી કરવાનું એટલું જ મોટું કારણ છે પછી ભલે ને એમની સિદ્ધી તમારા કારણે હોય.. વિડંબનાની એક માત્રા કુદરતી રીતે જ આ દુનિયામાં રહેલી હોય છે, કદાચ આ દુનિયાને ટકાવવા માટે એની જરૂર છે.

વારું, તો લોકોને મન જેનું મહત્વ હોય છે તેની તેઓ ઉજવણી કરે છે. અને લોકોને મન જેનું મહત્વ છે એ ખરેખર તો એમનાં માટે મહત્વનું નથી, તેનું મહત્વ હોવું જોઈએ તેવું માનવા માટે હકીકતમાં તેમનાં મનને ટેવ પડાઈ છે. દાખલા તરીકે, જો તમે હિંદુ હોવ તો દિવાળીનું તમારે મન મહત્વ હોવું જોઈએ, જો મુસ્લિમ હોવ તો ઇદનું, અને જો ઈસાઈ હોવ તો ક્રિસમસનું મહત્વ હોવું જોઈએ. જો આ બધું ચુકી જતા હોવ તો તમારાથી એ અપેક્ષા રાખવામાં આવે છે કે તમે આ બધા દિવસો ઉજવો જેવા કે નવું વર્ષ, ફાધર્સ ડે, મધર્સ દે, જન્મ દિવસ, વર્ષગાંઠો વિગેરે. સત્ય તો એ છે કે, આપણા બધા માનવ મિત્રોના મગજમાં એવું બેસાડી દેવામાં આવ્યું છે, અને પછી તેઓ તેની જ ઉજવણી કરે છે જેનાં વિષે તેમનાં મગજમાં ગોઠવવામાં આવ્યું હોય છે.

હું કેવી રીતે ઉજવણી કરું છું?

જયારે તમારું અસ્તિત્વ બીજા માટે લાભદાયી હોય, ભલે ને કોઈ એક માટે, તો પણ તમારી પાસે એક કારણ છે ઉજવણી કરવાનું. પ્રસંગ કોઈ પણ હોય, મારી મનપસંદ રીત ઉજવણી માટેની એ છે કે કઈક કોઈકને મદદરૂપ થવું, જેને જરૂરત હોય તેને માટે કઈક ઉપયોગી થવું. અને મને જ્યાં સુધી યાદ છે ત્યારથી મારી આ જ રીત હંમેશાથી રહી છે. કોઈ સમારંભનું આયોજન કરવું કે તેમાં ભાગ લેવો એ તો ઉજવણીની માત્ર એક રીત છે. હું કોઈ દેખાડો કરવા કરતાં તો કોઈને ખવડાવવાનું પસંદ કરીશ.

તો, આ વર્ષે, દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષે, અમે ધાબડા, શાલ, ઉનની ટોપીઓ, અને મોજાની નજીકનાં ગામડાનાં લોકોમાં વહેચણી કરી. આ ત્રણેય પ્રસંગોએ ગામનાં લોકો ભેગા થયાં, અને સત્સંગ કર્યો હતો, અમે ખીર, ભાત અને હલવો બનાવ્યો હતો. દિવાળી ઉપર મેં તેમને રામની વાતો કરેલી અને ક્રિસમસ ઉપર મેં ઈશુની સંક્ષિપ્તમાં વાત કહી. ગામડાનાં લોકો બહુ સરળ અને નિરહંકારી હોય છે. તેઓ બન્ને પ્રસંગોમાં અભિભૂત થઇ ગયા હતાં અને તેમની લાગણીઓને આહ અને આંસુઓથી વ્યક્ત કરેલી
.
કૃતજ્ઞતા એ મને ખબર છે ત્યાં સુધી ઉજવણીની એક મહાન રીત છે. પ્રસંગની ઉજવણી  એ તો એક માત્ર સામાજિક બહાનું છે. જયારે તમે કૃતજ્ઞ હોવ છો ત્યારે દરેક દિવસ ઉજવણીનો હોય છે. જયારે ઉજવણી માટે તમારે કોઈ કારણ –ધાર્મિક કે બીજું કોઈ પણ– ની જરૂર નથી રહેતી ત્યારે હર ક્ષણ ઉજવણી છે, અને તે એક મહત્વપૂર્ણ પ્રસંગ બની જાય છે તમારા જીવન માટે બધા લેબલો, તારીખો, દિવસોની પેલે પાર પણ એવું કઈક છે જે ઘાઢ, ઊંડું, વધારે સારું, અને મહાન છે, જે તમારી અંદર અને આજુબાજુ અસ્તિત્વ ધરાવે છે. જે ખરેખર તો તમારા ધ્યાન અને સમયને લાયક છે. તે ઉજવણી કરવાને યોગ્ય છે. અને તે છે જીવન.

એક કરોડોપતિની દીકરીએ થોડાક સમય પહેલાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને તે વાત તેને મને લખી. મેં તેને પૂછ્યું કે તેને ખાલી ખર્ચો કર્યો કે કશાયમાં રોકાણ પણ કર્યું? તેને જવાબ આપ્યો તેને પોતાનો જન્મદિવસ એકદમ સ્ટાઈલમાં ઉજવ્યો અને ખુબ ખર્ચો કર્યો. મેં પાછુ લખી જણાવ્યું કે મારો કહેવાનો સંકેત પૈસા માટે નહોતો પરંતુ કર્મ પ્રત્યે હતો. કે પોતે પોતાના ભૂતકાળનાં સારા કર્મોના ફળને તો અત્યારે માણી રહી છે, પરંતુ શું તેને પોતે વર્તમાનમાં પણ તેવા કર્મોમાં પોતાનું રોકાણ કરી રહી છે કે જેથી કરીને ભવિષ્યમાં પણ તેને ફાયદો મળતો રહે? જયારે ફક્ત તમે તમારા માટે જ જીવો છો ત્યારે કદાચ તમે ઉજવણી કરતાં હશો પણ તેમાં ખાલી ખર્ચો જ હશો. જયારે ઉજવણી તમારા જીવનમાં આપવાનું પર્યાય બની જાય છે ત્યારે તમારું ખરું રોકાણ ચાલુ થાય છે. તમારા આનંદ, શાંતિ અને સંતોષનું ખાતું હંમેશા વધતું અને છલકાતું થઇ જશે.

જાવ! તમારે મન જેનું મહત્વ હોય તેના માટે ઉજવણી કરો. જીવન ને ઉજવો – તમારું અને બીજાનું પણ. તમે ખુદ એક ઉજવણી છો.

નોંધ: હું માર્ચ ૯-૧૦ નાં રોજ કેલગરીમાં હશું અને માર્ચ ૨૩-૨૪ નાં એટલાન્ટા (યુ.એસ.એ)માં હશું. મને મળવાની ઈચ્છા હોય તો માહિતી માટે અહી ક્લિક કરો.


(Image credit: Pratik Shah)
શાંતિ.
સ્વામી

 

Thursday, 3 January 2013

ભજ ગોવિન્દમ ભાગ - ૪

સાચું જ્ઞાન પ્રાપ્ત કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૪/૬)

આ ચોથું વ્યાખ્યાન છે -

कुरुते गंगासागरगमनं व्रतपरिपालनमथवा दानम्।
ज्ञानविहिनः सर्वमतेन मुक्तिः न भवति जन्मशतेन ॥17॥


આપણને મુક્તિની પ્રાપ્તિ ફક્ત આત્મજ્ઞાનથી જ થઇ શકે છે. લાંબી યાત્રા પર જવાથી કે કઠીન વ્રત કરવાથી આપણને પરમ જ્ઞાન અથવા તો મોક્ષની પ્રાપ્તિ નથી થવાની.

सुर-मन्दिर-तरु-मूल-निवासः शय्या भूतलमजिनं वासः।
सर्व-परिग्रह-भोग-त्यागः कस्य सुखं न करोति विरागः ॥18॥


જે માણસ સંસારના ભૌતિક સુખ-સુવિધાઓથી ઉપર ઉઠી ચુક્યો છે, જેનાં જીવનનું લક્ષ્ય શારીરિક સુખ, ધન અને સમાજમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ જ માત્ર નથી, તે પ્રાણી પોતાનું જીવન સુખ તેમજ શાંતિથી વ્યતીત કરે છે.

योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनः।
यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दति एव  ॥19॥


કાં તો આપણે યોગના રસ્તે ચાલીએ કાં તો પછી પોતાના સાંસારિક જવાબદારીઓને પૂર્ણ કરવાને જ વધારે સારું ગણીએ, જો આપણે પોતાને પરમાત્મા સાથે જોડી દઈશું તો આપણને સદૈવ સુખ પ્રાપ્ત થશે.

भगवद्गीता किञ्चिदधीता गंगा-जल-लव-कणिका-पीता।
सकृदपि येन मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ॥20॥


જે પોતાનો સમય આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં લગાવે છે, જે સદૈવ પરમાત્માનું સ્મરણ કરે છે તેમજ ભક્તિના મીઠા રસમાં લીન થઇ જાય છે, તેને જ સંસારના સર્વ દુઃખો અને કષ્ટોથી મુક્તિ મળે છે.

पुनरपि जननं पुनरपि मरणं  पुनरपि जननीजठरे शयनम्।
इह संसारे बहुदुस्तारे  कृपयापारे पाहि मुरारे ॥21॥


હે પરમ પૂજ્ય પરમાત્મા! મને તમારા શરણમાં લઇ લો! હું આ જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માંગું છું. મને આ સંસાર રૂપી વિશાળ સમુદ્રને પાર કરવાની શક્તિ આપો ઈશ્વર!

હિન્દીમાં પ્રવચન સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ભાગ - ૫ આવતાં અંકે...

શાંતિ.
સ્વામી

Share