Saturday, 2 February 2013

શાંત રહો

નકારાત્મક વિચારો પરપોટા જેવાં હોય છે, તેને થવા દો, તે જાતે જ કિનારા પર ઉંચે આવીને
અદ્રશ્ય થઇ જશે. જાગૃત બનો અને ધીરજ રાખો. 
કોઈ વખત નકારાત્મક લાગણીઓ કે ખરાબ પરિસ્થિતિઓ તમને નારાજ કરી દે એવું બને અને તમને ખુબ ખરાબ રીતે અંદરથી હલાવી દે, અંદરથી હલ્લો બોલાવી દે, તમને પાગલ કરી નાંખે, તમને એવું બોલવા માટે મજબુર કરી દે જે પાછળથી તમને પસ્તાવો કરાવે, તે તમને વશમાં કરી દે અને તમારી પાસે એવું કરાવડાવે જે સામાન્ય રીતે તમે ન કરતાં હોવ. અને પછી આ આગળ વધુ ખરાબ ત્યારે થાય જયારે તમે શાંત થઇ જાવ ત્યારે તમને કઈ ખોટું કર્યાનો ભાવ જાગે, લાચાર બનાવે . થોડા સમય પહેલાં મેં  overcoming negative thoughts and emotions ઉપર લખ્યું હતું. ચાલો તેને થોડું આજે આગળ વિસ્તારથી સમજીએ.

તમારા આંતરિક જગતમાં ઉતાવળ કે વ્યાકુળતાની એક લહેર-એક આવેશ, તમને તમારા બાહ્ય જગતમાં અમુક પગલાં ભરાવડાવે છે. એક સામાન્ય માન્યતાની વિરુદ્ધ, તમારી આંતરિક દુનિયા તમારી બહારની દુનિયાથી સંપૂર્ણપણે સ્વતંત્ર નથી હોતી, જ્યાં સુધી તમે અતીન્દ્રિય અવસ્થા સુધી ન પહોચી જાવ ત્યાં સુધી તો નહિ જ. છતાં, તમારે કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે શો પ્રતિભાવ આપવો તેને જરૂરથી તમે કાબુ કરી શકો છો. દાખલા તરીકે, તમે રસ્તા પર છો અને એક અવિવેકી ડ્રાઇવર તમારાથી આગળ એકદમ શીઘ્રતાથી નીકળી જાય છે. તમારી એડ્રેનાલીન ગ્રંથીમાંથી હોર્મોન સ્ત્રાવ  થવા લાગે છે અને તમને એ ડ્રાઇવરને બતાવી દેવાનું મન થઇ આવે છે. આ પરિસ્થિતિમાં તમારી લાગણી અને માનસિકતાનું સ્તર, પેલાં ડ્રાઇવરનાં કાર્ય કરતાં, તમારા પોતાના પ્રતિકારથી વધારે અસરગ્રસ્ત થવાનું. જ્યાં સુધી ડ્રાઇવરનાં કાર્યનો સવાલ છે તમારો કોઈ સીધો કાબુ તેનાં પર નથી પરંતુ તમારા પ્રતિકાર ઉપર તમારી સંપૂર્ણપણે સ્વંત્રતા છે.

એક નિયંત્રિત રીતે શારીરિક પ્રતિભાવ આપવો એ સરળ વાત છે. તેમાં એક જાગૃતતા અને ધીરજની જરૂર પડતી હોય છે. જેમ કે, કોઈ તમને વઢે તો તમે તમને સાવધાનીપૂર્વક એ યાદ અપાવી શકો કે તમારે સામે વઢવાનું નથી. સહેલું છે. ખરેખર. પરંતુ વાત જો કોઈ પ્રતિકાર આપવાની ન હોય અને લાગણીને અનુભવવાની હોય તો? ખાસ કરીને ઉપરોક્ત પરિસ્થિતિમાં તમે જો તમારી લાગણીઓને પકડી રાખો તો તેનાંથી અનુભવાતીએક માનસિક નિરાશા તમને ખાઈ જતી હોય એવું લાગે છે. તો એમાંથી કઈ રીતે બહાર આવવું? જયારે બીજાનો તમારા વિશેનો નકારાત્મક અભિપ્રાય તમને હેરાન કરતો હોય ત્યારે શું કરવું? તેમનું વિચાર્યા વગરનું બોલેલું વાક્ય અને તેમનું ગેરવર્તન તમને જયારે દુઃખ પહોચાડતું હોય ત્યારે શું કરવું? વાંચો આગળ.

તમારું આંતરિક જગત તમારા પોતાનાં વિચારોનું બનેલું છે અને તે તમારી લાગણી અને જાગૃતતાના સ્તરથી અસર પામતું હોય છે. જો તમે તમારા વિચારોને શાંત અને સ્થિર થવા દો તો તમારી લાગણીઓ પણ શાંત અને સ્થિર થઇ જશે. આ એન્જીનને ગેસ સપ્લાય બંધ કરવા જેવું છે, એન્જીન આપોઆપ બંધ થઇ જતું હોય છે.  જો તમે તમારા વિચારોનો સુરતાલ એક કરી તેને એક દિશા આપી શકો તો અનિચ્છનીય લાગણીઓ પરપોટાની જેમ આપોઆપ અદ્રશ્ય થઇ જશે. ચાલો હું તમને વાર્તાના માધ્યમ દ્વારા એક શક્તિશાળી રીત બતાવું:

"હું મારા ગુસ્સાને, મારી નકારાત્મક લાગણીઓને, મારી જાતને કાબુ કરવા માટે ઘણો સઘન પ્રયત્ન કરું છું પરંતુ હંમેશાં તે જ જીતી જતી હોય છે," એકવાર એક શિષ્યે બુદ્ધને કહ્યું, "હે પૂજ્ય! હું મારી આ નબળાઈમાંથી કઈ રીતે બહાર આવું?"

બુદ્ધેતો એના આ સવાલને અવગણીને ચાલવાનું ચાલુ રાખ્યું. થોડી વાર પછી, તે એક વડનાં ઝાડ નીચે પદ્માસનમાં બેસી ગયા અને બોલ્યા, "મને તરસ લાગી છે, મારા માટે નદીમાંથી પાણી લઇ આવીશ?"
પોતાનાં ગુરુની સેવા માટે આતુર તે શિષ્ય તો તરત નદી તરફ ગયો. તે પોતાના પાત્રમાં પાણી લેવા માટે જરા ઝૂક્યો કે તરત જ એક માણસ પોતાનાં બળદને લઇને નદી પાર કરવા લાગ્યો. બધું પાણી ડહોળાઈ ગયું. નિરાશ થયેલો શિષ્ય ખાલી હાથે પાછો ફર્યો. "પાણી તો કાદવ વાળું ડહોળાઈ ગયું છે કારણકે હમણાં જ એક બળદગાડું નદીમાંથી પસાર થયું, પાણી પીવા યોગ્ય નથી રહ્યું."

બુદ્ધે માથું હલાવ્યું. થોડી વાર પછી, તેમને શિષ્યને ફરી પ્રયત્ન કરવાનું કહ્યું. પાણી હજી પણ ગંદુ હતું તે ફરી પાછો ખાલી હાથે આવ્યો. "પાણી થોડું ઓછુ ગંદુ છે", તેને કહ્યું, "પરંતુ, હજી પીવા યોગ્ય તો નથી જ".

બુદ્ધે બીજા અડધા કલાક સુધી શાંતિ જાળવી રાખી અને ફરી શિષ્યને કહ્યું. આ વખતે શિષ્ય ચોક્ખું પાણી જોઈ ખુશ થયો, કાદવ અને બીજા પદાર્થો નીચે બેસી ગયા હતા. તે પોતાનું પાત્ર પાણીથી ભરી પાછો બુદ્ધ પાસે આવ્યો.

ખુબ જ સાવધાની સાથે બુદ્ધે થોડા ઘુંટડા પાણી પીધું. તેમને પાત્ર બાજુ પર મુક્યું અને બોલ્યા, "તેં જોયું, જયારે પાણી કાદવ વાળું થઇ ગયું હતું, ત્યારે તેને ચોક્ખું કરવાની સરળ માં સરળ રીત એ હતી કે તેને જાતે જ ચોક્ખા થવા દેવું. તેં જો તેને ચોક્ખું કરવાનો કોઈ પ્રયત્ન પણ કર્યો હોત ને તો તેનાથી એ પાણી વધારે ગંદુ જ થાત. તે તેને જાતે જ ચોક્ખું થવા દીધું, તે ખાલી રાહ જોઈ અને કાદવ તેની મેળે જ બેસી ગયો. એક ફક્ત ધીરજ સિવાય બીજો કોઈ પ્રયત્ન ત્યાં ન હતો. એ જ રીતે જયારે તારું મન ખુબ જ અશાંત હોય ત્યારે તેને બસ તેમ થવા દે. તે થોડા સમય બાદ તેની મેળે જ શાંત થઇ જશે, તેને થોડો સમય આપ. ધીરજ રાખ."

તો જયારે તમારું મન અનિચ્છનીય અને પરેશાન કરે તેવાં વિચારોનાં દલદલમાં ફસાયેલું  હોય ત્યારે પહેલાં તો એ જાગરુકતા રાખો કે તે ડહોળાયેલું છે, અને બીજું  તેને તેમ થોડું અશાંત  થવા દો. તેને શાંત થવા માટે થોડો સમય આપો. તરત તેનાં ઉપર કામ કરવાનું ચાલુ ના કરી દેશો. થોડો જાત સાથે સંવાદ કરો, તમારા મનને કહો કે તમને ખબર છે કે તે અત્યારે અશાંત અને અસ્થિર છે. મન તરત વિચારોનો પ્રવાહ બદલશે. અને તે અંતે તમને કાદવથી સંપૂર્ણપણે દુર થવામાં મદદરૂપ થશે. ત્યાર બાદ પાણી એકદમ કાચ જેવું ચોક્ખું રહેશે અને તમારું મન છે તે ચોક્ખું અને દુષણમુક્ત રહેશે.

અભ્યાસ સાથે, તમે તમારા આંતરિક જગતને એટલા અંશે મજબુત તેમજ આવરણયુક્ત બનાવી શકશો કે પછી ગમે તે થાય તમારું મન હંમેશાં  સ્થિર, બેફિકર, અને સ્વચ્છ રહેશે. ધ્યાન, માનવસેવા, સત્કર્મ, કૃતજ્ઞતા, હકારાત્મકતા આ બધી કેટલીક રીતો છે જે તમને અસ્વચ્છતાને દુર કરવામાં મદદરૂપ થાય છે, તમે પ્રાર્થનાને પણ એ યાદીમાં સામેલ કરી શકો છો.

હમેશા એ જાગરૂકતા રાખો કે જયારે મન ડહોળાયેલું હોય ત્યારે તેને થોડી વાર માટે તેમ રહેવા દો. તે ક્ષણો હંમેશાં કશું નહિ કરવાની હોય છે. લાગણીઓના વાવાઝોડાને બસ પસાર થઇ જવા દો. તમારા પોતાના મનની શાંતિ માટે જયારે પણ તમે નકારાત્મક લાગણી અનુભવતા હોવ ત્યારે કશું ન કરો. લાગણીઓની ખલબલીમાં લીધેલું કોઈ પણ પગલું એ માસ્ક વગર દરિયાનાં ખારા પાણીમાં સ્નોર્કલીંગ કરવા જેવું છે.  દરેક વસ્તુને જયારે એકલી છોડી દેવામાં આવે છે ત્યારે તે તેનાં મૂળ કુદરતી સ્વરૂપમાં પાછી ફરતી હોય છે.

શાંતિ.
સ્વામી

 

No comments:

Post a Comment

Share