Saturday, 30 March 2013

પ્રેમનું મુલ્ય

કોઈએ પ્રેમને પોતાની નાવમાં બેસવાની જગ્યા ન આપી, ફક્ત એક સિવાય. કોણ હતું એ? વાંચો વાર્તા
શું વધારે મહત્વનું છે? તમારી પાસે જે છે તેની કિંમત કે જે નથી તેની કિંમત? એક ક્ષણ માટે આ બાબત પર વિચારો. કૃતજ્ઞતાનો અર્થ છે જે તમારી પાસે હાલમાં છે તેનું મુલ્ય કરવું અને મહત્વકાંક્ષાનો અર્થ છે જે તમારી પાસે ભવિષ્યમાં હોઈ શકે છે કે નથી હોઈ શકતું તેની કિંમત કરવી. જો તમે તમારી મહત્વકાંક્ષાની ગર્જનાઓમાં તમારી કૃતજ્ઞતાનો અવાજ ડુબાડી દેશો તો પછી તમારી પાસે ખાલી ઘોંઘાટ બચશે, સંગીત નહી હોય. એવું શા માટે? કારણ કે મોટાભાગે મહત્વકાંક્ષાનો કોઈ અંત હોતો નથી, તે સુસંગત તો હોતી જ નથી; જયારે કૃતજ્ઞતા એ આ જીન્દગી એ જે કઈ તમને આપ્યું છે કે પછી જે કઈ પણ તમારી પાસે છે તેનાં પ્રત્યેનો તમારો સામુહિક પ્રતિભાવ છે.

ઘણાં સમય પહેલાં એક ટાપુ પર લાગણીઓનું એક ટોળું રહેતું હતું, જેમાં હકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની લાગણીઓ સામેલ હતી. તેમનાં નામ હતાં આનંદ, દુઃખ, અસુરક્ષા, ક્રોધ, ડર, દયા, નમ્રતા અને કૃતજ્ઞતા. એટલું જ નહિ, આ ટાપુ પર બીજા તત્વો પણ રહેતાં હતાં કે જેઓ ઉચ્ચ સ્થાનેથી સંચાલન કરતાં હતાં. તેમનાં નામ હતાં અહં, સંપત્તિ અને સમય. પ્રેમ પણ ત્યાં રહેતો હતો પરંતુ તે હંમેશા બીજા લોકો સાથે રહેતો હતો, એની પાસે કશું હતું નહિ કે તે કશું પકડીને પણ બેઠો નહોતો. તે હંમેશા મૃદુ, માયાળું અને સૌમ્ય સ્વભાવનો હતો. આ દરેક લાગણીઓ આ ટાપુ પર એક માણસનાં મકાનમાં ભાડુઆત તરીકે રહેતાં હતાં.

સમય જતા હિમશીલાઓ ઓગળવા લાગી અને સમુદ્રની સપાટી વધવા લાગી, ટાપુ છે તે ધીમે ધીમે પાણીમાં ગરકાવા લાગ્યો. બધાં રહેવાસીઓ એ એક તાત્કાલિક મીટીંગ કરી અને નક્કી કર્યું કે આ સમય હવે ટાપુને છોડીને ચાલ્યા જવાનો છે. તેમને નક્કી કર્યું કે દરેક જણ પોતાની વ્યવસ્થા માટે પોતે જાતે જ જવાબદાર રહેશે. દરેક પોત પોતાનાં કામે વળગી ગયું. પ્રેમે છે તો કઈક જુદું જ વિચાર્યું. પ્રેમે નક્કી કર્યુ કે જે ટાપુએ તેને આટલાં વર્ષો સુધી આસરો આપ્યો તેને છોડીને જવું નથી. તેને છેલ્લી ક્ષણ સુધી રાહ જોવાનું નક્કી કર્યુ, તેને લાગ્યું કે બીજા પણ કેટલાંક રહી જશે. પ્રેમ માટે આ કોઈ લેવડ-દેવડ કે વ્યવહારની બાબત નહોતી, પ્રેમ માટે આ એક અખંડતા અને વચનબદ્ધતાની બાબત હતી. જો કે ટાપુ ખુબ જ જલ્દી પોતાનો સુકો ભૂમિ પટ આ કઠોર સમુદ્રમાં ગુમાવી રહ્યો હતો.

માણસો આ ટાપુને છોડીને જવા માટે સૌથી પહેલાં હતાં. કેટલીક નકારાત્મક લાગણીઓ જેવી કે દુ:ખ, શોક અને અસુરક્ષા તેમની સાથે જ જતા હતાં. પ્રેમ પાસે પોતાની કોઈ નાવ નહોતી. તેને ખુબ આજીજી સાથે કહ્યું, “મહેરબાની કરીને મને તમારી નાવમાં બેસવા દો?” પ્રેમે ખુબ આશાભરી નજરે બીજી લાગણીઓ તરફ જોયું. માણસોએ તો કોઈ જવાબ આપવાની તસ્દી પણ ન લીધી. તેઓ તો એકબીજા જોડે લડવા-ઝઘડવામાં જ વ્યસ્ત હતાં.
“અમે પોતે જ આ માણસોને વળગીને બેઠેલાં છીએ,” આ લાગણીઓ એકી અવાજે બોલી ઉઠી, “અમારી પાસે તારા માટે કોઈ જગ્યા નથી.”

ત્યારે જ પ્રેમની નજર અહં પર પડી કે જે પોતાની સ્ટીલની બનેલી હોડીમાં જઈ રહ્યો હતો. તે થોડી મજબુત, ભારે પરંતુ ટકાઉ લાગતી હતી.
“હું તમારી જોડે આવું?” પ્રેમે પૂછ્યું, “હું બહુ જ થોડી જગ્યા લઈશ.”
“ના!” અહં ચીખી ઉઠ્યો, “ક્રોધ અને ડરે મારી પાસે જે બે જગ્યા વધારાની હતી તે લઇ લીધી છે. વધુમાં હું તો તને ભાગ્યે જ કોઈ વાર મળ્યો છું, જયારે તેઓ તો મારા અતરંગ મિત્રો છે. હું તેમને ના છોડી શકું.”
પાણી તો સડસડાટ ઉપર ચડી રહ્યું હતું અને નજીકમાં જ પ્રેમે એક ભવ્ય નૌકા જોઈ જેનો માલિક સંપત્તિ હતો.
“તમે મને મહેરબાની કરીને તમારી નૌકામાં ચડવા દેશો? પ્રેમે પૂછ્યું.
“હું દિલગીર છું, મારી જોડે પહેલાથી જ આનંદ બેઠેલો છે,” સંપત્તિએ જવાબ આપ્યો, “હું તેનાં સાથમાં ભાગ ન પડાવું.”
પ્રેમ પોતાની આજુબાજુ મોટી નિરાશાજનક પરિસ્થિતિ પર એક નજર નાખી રહ્યો હતો ત્યાં જ એક અવાજ આવ્યો, “આવ, પ્રેમ, આવ. માર કુદકો.”

જેવો પ્રેમ નાવમાં બેઠો કે તેને દયા, નમ્રતા અને કૃતજ્ઞતાને જોયા કે જેમનાં મુખ પર એક અનોખું તેજ છવાયેલું હતું. તેઓ અંદર બેઠા હતાં. પ્રેમે તેમનો આભાર માન્યો.
“અરે, આ અમારી નાવ નથી,” કૃતજ્ઞતાએ કહ્યું, “તારે અમારો આભાર માનવાની જરૂર નથી.”
“તો પછી આ કોની નાવ છે?” પ્રેમને આશ્ચર્ય થયું. “મને કોણે બચાવ્યો?”
“આ નાવનો માલિક સમય છે,” દયાએ જવાબ આપ્યો.
“પણ મારી તો બીજા લોકોની નજરમાં કોઈ કિંમત જ નહોતી. સમયે મારી જિંદગી કેમ બચાવી?”
“છે ને પ્રેમ,” નમ્રતા બોલી, “સમયને જ ખાલી તારી કિંમતની ખબર છે.”

તમે ફરીથી આ વાંચો અને તેના પર વિચારો તો આ દંતકથામાં તમને જીવનનું ડહાપણ જોવા મળશે. આપણા આ દોડધામ વાળા જીવનમાં, તમે તમારી મંઝીલ કે સમાપન રેખા પર પહોચવા માટે એટલાં બધાં તલ્લીન હોવ છો, કે અમુલ્ય વસ્તુઓ નિરર્થક લાગતી હોય છે. કોઈપણ વસ્તુનો અર્થ તેની કિંમત પરથી નહિ પરંતુ તેનાં મુલ્ય પરથી નક્કી થતો હોય છે.

તમે કલ્પના કરો કે તમે દસ કરોડ રૂપિયા જલ્દી કમાઈ લેવા માટે તમારી તંદુરસ્તી અને તમારા કુટુંબ સાથે બાંધછોડ કરી રહ્યાં છો. તે બાંધછોડની કિંમત કદાચ દસ કરોડ રૂપિયા હશે, પરંતુ તે દસ કરોડ રૂપિયાનું મુલ્ય શું? શું તે આ બાંધછોડ માટેની કોઈ લાયક કિંમત છે? જયારે કૃતજ્ઞતા તમારી મહત્વકાંક્ષાને ઇંધણ પૂરું પાડે છે, ત્યારે જીવન એક સરળ મુસાફરી બની રહે છે, પરંતુ જયારે મહત્વકાંક્ષા તમારી કૃતજ્ઞતાને ચલાવી રહી હોય ત્યારે જીવનમાં કશુંક ખૂટતું હોવાની લાગણી તમને ક્યારેય છોડતી નથી. જયારે તમારી પાસે દયા, કૃતજ્ઞતા, નમ્રતા વગેરે હોય, ત્યારે તમારી પાસે ખરેખર તો પ્રેમ હોય છે. પ્રેમના આ ત્રણ પ્રાથમિક તત્વો છે. બાકીની કોઈ પણ ફેરબદલી કાં તો લગાવ હોઈ શકે ને કાં તો સનકીપણું.

આપણે આપણી પાસે શું હતું તેનું ખરું મુલ્ય જયારે તેને ગુમાવી બેસીએ ત્યારે કે પછી જેને હંમેશા હળવાશથી જ લીધું હોય તેને સમય જયારે આપણાથી જુદું પાડી દે ત્યારે જ સમજતા હોઈએ છીએ.

કૃતજ્ઞ બનો.
(Image credit: Samuel Walters)
શાંતિ.
સ્વામી

 

Sunday, 24 March 2013

ઝેરીલો ક્રોધ

 ઝેરીલો ક્રોધ એક છેતરામણા આઈસબર્ગ જેવો હોય છે, બહારથી નુકશાનકર્તા નથી લાગતો, પરંતુ અંદરથી એ મોટો અને ગાંઠાળો હોય છે.
હાલમાં જ હું ક્રોધ સાથે સહજ ન થવાથી થતાં ફાયદા ઉપર બોલ્યો હતો. જયારે તમે તમારા ક્રોધને અંદરથી આવતા એક સ્વાભાવિક પ્રતિભાવનાં રૂપે વ્યક્ત નથી કરતાં ત્યારે તમે તમારી જાતને એક પસંદગી, તેમજ તમારી જાતને શાંત થવામાં ખાસ્સો બધો અવકાશ આપો છો. તમે ત્યારબાદ શું કરવું તે નક્કી કરી શકો છો. ભલા થઇને પ્રતિભાવ આપી શકો, જતું કરી શકો, કે માફ કરી શકો વિગેરે. મારા પ્રવચનમાં મેં તમારી જાતને વ્યક્ત કરતાં પહેલાં ત્રણ દિવસ રાહ જોવા માટે કહ્યું હતું. તમે આ પ્રવચનનો અંશ અહી સાંભળી શકો છો. શ્રોતાગણમાંથી કોઈ એકે બહુ સરસ સવાલ કર્યો હતો: તેને કહ્યું હતું કે, “શું ક્રોધને અંદર દબાવી દેવો એ વધુ નુકશાનકર્તા નથી, પછી ભલેને એ ત્રણ દિવસ માટે પણ કેમ ન હોય?”

જો કે મેં ક્રોધ ઉપર પહેલાં ખાસ્સું લખ્યું છે. મને લાગ્યું કે મારે હજી વધુ વિસ્તારપૂર્વક લખવું જોઈએ. વિશેષતઃ આજે હું તમને તમારા પ્રતિક્રિયાત્મક અને ઝેરીલા ક્રોધ વચ્ચેનો ભેદ સમજવા માટે મદદ કરીશ. કારણ કે નહીતર તમને એ ખબર નહિ પડે કે તમારો ક્રોધ વિનમ્રતામાં બદલાઈને તમારા હૃદયમાં ઉતરી ગયો છે કે પછી કામચલાઉ રીતે સંતાઈ ગયો છે? તમને એ કેવી રીતે ખબર પડે કે ક્રોધનો પ્રકોપ એ ક્રોધનો અંત છે કે પછી ખાલી એ તો આઇસબર્ગની એક નાની ટોચ માત્ર છે? વાંચતા રહો.

પ્રતિક્રિયાત્મક ક્રોધ

પ્રતિક્રિયાત્મક ક્રોધ એ કોઈ અનીયંત્રણશીલ પરિસ્થિતિ પ્રતિ તમારો શારીરિક, લાગણીશીલ કે માનસિક પ્રતિભાવ હોઈ શકે છે. જેમકે તેનું નામ સૂચવે છે તેમ તે એક પ્રતિક્રિયા છે, એ તમારો આવેગ હોઈ શકે છે. અને તે કોઈ દુ:ખ, નફરત કે ડરનાં લીધે સક્રિય થઇ જાય છે. તે ફક્ત એક પ્રતિભાવ કે આવેગ છે, તેને વ્યક્ત કર્યા પછી કદાચ તમે હળવાશ કે સારું પણ અનુભવી શકો. જયારે તે દુ:ખના લીધે સક્રિય થતો હોય છે ત્યારે તે કદાચ અંદર ભરાઈ ગયેલી નકારાત્મક લાગણીઓ અને દુ:ખને બહાર નીકળવામાં મદદ કરે છે. છતાં, જયારે આ ક્રોધ ધ્રુણા કે નફરત, ડર કે આશ્ચર્યમાંથી બહાર આવે છે ત્યારે તે તમારો સહજ પ્રતિભાવ હોય છે, જાણે કે તમને કોઈએ ઊંઘતા ઝડપી લીધા હોય, તે ક્રોધનાં આવેગ જેવો હોય છે. તમને કદાચ વસ્તુ તોડવાનું, લાતો મારવાનું, મુક્કા મારવાનું, ચીસો પાડવાનું  મન થાય છે. જયારે ક્રોધ પ્રત્યે પ્રતિભાવ આપવાની વાત આવે છે ત્યારે લોકો માટે બરાડા પાડવાનું સામાન્ય છે. એ કદાચ તેમાંથી બહાર આવવાનું એક વર્તન (coping mechanism) પણ હોઈ શકે, અને મોટા ભાગે તો તે એવું જ હોય છે. મોટાભાગે જે ઘરોમાં નાના બાળકો પોતાનાં માં-બાપને બરાડા પાડતાં કે દલીલો કરતાં જુએ છે તો તે પણ તેવાં બનવાની શક્યતા ધરાવે છે કદાચ હિંસક પણ બની શકે અને કાં તો તેમનાં પાછળનાં વર્ષોમાં અંદરથી ભયભીત અને અસુરક્ષિત મહેસુસ કરવા લાગે છે. જો કે આ પ્રકારનો ક્રોધ પ્રતિક્રિયાત્મક હોય છે છતાં પણ તે ઝેરીલા ક્રોધ જેટલો ખરાબ નથી.

ઝેરીલો ક્રોધ

જયારે તમે તમારી કોઈ પણ લાગણીને દબાવો છો, તે તમારી ચેતનામાં સ્થિર થઇ જાય છે જાણે કે કોઈ ઝેરી બીજ. વધારે દબાણથી, સમય જતાં તે ઉગી નીકળે છે અને ફાલી ઉઠે છે પરિણામે કોઈ વખતે તમારા મન અને શરીરને ફરી સુધારી ન શકાય એટલું બધું નુકશાન કરી દે છે. અશાંત બાળપણ અને અત્યાચાર તેમજ અનુચિત વ્યવહારથી ભરેલો સંબધ આ બે બાબતો મુખ્યત્વે જવાબદાર કારણો હોય છે, એવું મેં આજ સુધી અનેક લોકોને મળ્યા પછી અનુભવેલું છે. છતાં કોઈ વખત એક સાથીદાર એટલું બધું આત્મમોહી હોય છે કે કે કદાચ તેમની સાથેનો સંબધ અત્યાચાર અને અનુચિત વ્યવહારથી ભરેલો ન પણ લાગે તેમ છતાં તે મુક્ત અભિવ્યક્તિની અવકાશ આપતો ન હોય એવું બની શકે. તમને તે સંબધમાં તમારા મત કે ગુસ્સાને અભિવ્યક્ત કરવાનો કોઈ મોકો જ નથી મળતો. આ પરીસ્થિતી કદાચ તમે જ્યાં કામ કરતાં હોય તે જગ્યાએ પણ હોઈ શકે છે. આ વખતે તમે તમારા ક્રોધને પકડી રાખો છો. જો તમે તેને તમારી અંદર રાખો અને એને બહાર ન આવવા દો, તો તે સમય જતાં અતિ ઝેરી બની જતો હોય છે. અને તમને એ કેવી રીતે ખબર પડે કે તમારો ક્રોધ તમારી અંદરથી બહાર નીકળી ગયો છે કે હજી પણ અંદર જ છે? આગળ વાંચો:

ઝેરીલો ક્રોધ, એક સ્થાયી લાગણી છે, કે જે મોટાભાગે તમને ડીપ્રેશન કે વ્યાકુળતા તરફ લઇ જાય છે. એ ચયાપચયની ક્રિયામાં દોષયુક્ત બદલાવ લાવે છે જે તીવ્ર માથાનાં દુઃખાવા અને વજનનાં વધારામાં પરિણમે છે. તેનાંથી હૃદયનાં રોગો, હાઈ બ્લડ-પ્રેશર, અને કેન્સર જેવા રોગો થઇ શકે છે. હા, કેન્સર પણ. સરળ રીતે સમજીએ તો કેન્સરગ્રસ્ત કોશો એક અતિ-તંદુરસ્ત કોશો હોય છે જે ઓક્સિજનની ગેરહાજરીમાં ફાલતાં હોય છે. જો તેને આંતરિક પ્રક્રિયાનાં ભાગ રૂપે ઓક્સિજન મળે તો તે પોતાને શુદ્ધ કરી લેશે. યોગ અને આયુર્વેદનાં ગ્રંથો કહે છે કે ક્રોધ અને બીજી નકારાત્મક લાગણીઓની પ્રાણવાયુ કે જે એક મહત્વનું જીવન-બળ છે, તેનાં જથ્થા ઉપર સીધી અને નકારાત્મક અસર થતી હોય છે. અને પ્રાણવાયુની આવી ખોટનાં લીધે ચયાપચય, હોર્મોનલ અને બીજા ગ્રંથીય રોગોની સાથે સાથે ગાંઠ પણ થતી હોય છે. આ પ્રાણવાયુ એ ઓક્સિજનનો સાર તત્વ છે જે આપણા અસ્તિત્વને ટકાવવા માટે જરૂરી છે. તમે ક્રોધને રહેઠાણ તો નથી આપ્યુંને ને તે નક્કી કરવા માટે તમારી પોતાની તંદુરસ્તી તપાસો.

સૌથી મહત્વનો સવાલ એ છે કે તમારા ક્રોધને કઈ રીતે ચકાસવો? તમે તેનું માનસિક બીનઝેરીકરણ કેવી રીતે કરો? હાલમાં જ, થોડા લોકોનું એક જૂથ મારી સાથે ત્રણ દિવસનાં એકાંતવાસ (Spiritual Retreat)માં જોડાયું હતું, જેમાં મેં કેટલાંય ગુણો ઉપર ધ્યાન કરવાનું કહ્યું હતું કે જેથી તમે ક્રોધમુક્ત અવસ્થામાં- જે પ્રતિક્રિયાત્મક અને ઝેરીલા બંને પ્રકારથી મુક્ત – રહી શકો. છતાં એમાં એનાં વિષે મેં કહ્યું તેનાંથી પણ વધુ છે, અને તેને આ વર્ષનાં અંત સુધીમાં લખીને વણી લેવાની યોજના મારી અગ્રીમતાની યાદીમાં છે. ત્યાં સુધીમાં, તમે બ્લોગમાં માફી, કૃતજ્ઞતા, દયા વિગેરે પર વાંચી શકો છો. તમે એક નાની ઈ-બુક Seven Yogic Practices પણ વાંચી શકો છો જે ફ્રી ડાઉનલોડ કરી શકો છો.

તમે તમારી જાતને જેટલી વધુ જાણશો તેટલી તમારા વિશેની વધુ જાગૃતતા તમે કેળવશો. અને તે જાગૃતતાની સાથે તમે તમારી ક્રિયા અને પ્રતિક્રિયા પ્રત્યે વધુ સભાન બનશો. અને આ સભાનતા સ્વયં એક માની ન શકાય તેટલો શક્તિશાળી ગુણ છે. સાથે સાથે તમારી જાતનું ધ્યાન રાખવું એ પણ એટલું જ અગત્યનું છે, તમારી જાતને શ્વાસ લેવાનો થોડો અવકાશ આપો, તમારી જાત પ્રત્યે કઠોર ન બનો, એક સ્વતંત્રતાને અનુભવવી અને તેની સાથે જીવવું એ પણ અગત્યનું છે. જો તમે અત્યાચારથી ભરેલા સંબધમાં જોડાયેલા હોવ તો તમે તમારી જાત સાથે ખોટો વ્યવહાર કરી રહ્યા છો, તમે તમારી જાતની બિલકુલ ખોટી રીતે સેવા કરી રહ્યા છો. તમને વધુ સારું મળવું જોઈએ કેમ કે તમે તેના માટે લાયક છો.

તમે સુખભરી જિંદગી જીવી શકો છો, તમારા માટે જે જરૂરી હોય તે બધું તમે કરી શકો છો અને તેમાં કશું ખોટું નથી, તમે જે છો તે બની રહો. એક સારો સંબધ, એક તંદુરસ્ત વાતાવરણ તમને એ માન અને એક અંગત અવકાશ આપે છે.

પ્રતિક્રિયાત્મક હોય કે ઝેરી, ક્રોધ એ યોગ્ય વસ્તુ નથી. તમારી લાગણીઓને સંચાલિત કરવાનો વધુ સારા રસ્તા હંમેશા હોય છે, જો તમે તમને તેમ કરવા દો તો.
(Image credit: Wallpapers)
શાંતિ.
સ્વામી
 
 Sunday, 17 March 2013

શું તમે તમારી જાતની સરખામણી કરી રહ્યા છો?

દુનિયા તમને એક તાલીમ પામેલાં બીજા ગધેડાં જેવા બનાવવા માંગે છે, હકીકતમાં તેમનાં પોતાનાં જેવા. જો તમે તેમને તેમ કરવાની છૂટ આપશો તો. તમે જે છો તે બની રહો.

જો તમે કોઈ બાબત ઉપર ધીરજપૂર્વક ચિંતન કરો તો તમને જણાશે કે મોટાભાગનાં લોકો તેમની મોટાભાગની જીન્દગી સરખામણી કરીને જીવતાં હોય છે. જીવનમાં હંમેશા કોઈને કોઈ સરખામણી કાં તો વસ્તુ કાં તો વ્યક્તિ સાથે થતી જ રહેતી હોય છે. અને એવું જ, મોટા ભાગની સિદ્ધીઓનું પણ ધ્રુવીકરણ થતું રહેલું છે, જાણે કે તે કોઈ વજનકાંટા ઉપર રાખેલું હોય, જાણે કે તમારે સારા બનવા માટે કોઈ બીજા કરતાં વધારે સારું કરવું પડે, જાણે કે તમારે સારામાં ખપવા માટે કોઈ બીજા જેવા બનવું પડે વિગેરે. આ દુનિયા સાથે તાલ મેળવવા માટે અન્ય જેવા બનવાની આ સ્પર્ધા નિરંતર ચાલતી રહેલી છે. જો તમને પણ આવું અનુભવાતું હોય તો ખરેખર તમારો કોઈ વાંક નથી. એનું નિરાકરણ જો કે તમારા હાથની વાત છે. હું શું કહેવાં માંગું છું તે જાણવા માટે વાંચો આગળ.

તમને યાદ હોય તે ઘડીથી લઇને આજની ઘડી સુધી, તમારા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપમાં હંમેશા સરખામણી થતી જ રહેતી હોય છે. તમે ગમે તેટલી મહેનત કેમ ન કરી હોય, ગમે તેટલું સારું કેમ ન કર્યું હોય, કદાચ કોઈ એક હંમેશા એવું રહ્યું જ હોય છે કે જે તમારા માં-બાપની, શિક્ષકની, સહકર્મચારીની વિગેરેની નજરમાં વધુ સારું લાગ્યું હોય. ધ્યેય જો કે જયારે સિદ્ધ થઇ જાય છે ત્યારે પણ તે અશક્ય લાગતું હોય છે. તે એક વિડંબના છે કે આપણો સમાજ હકીકતમાં હાર અને જીતમાં જ આનંદ ઉઠાવે છે, રમવામાં નહિ. જીત એટલી આનંદકર લાગે છે કે વિજેતાનાં હૃદયમાં હારેલ વ્યક્તિ તરફ દયાની એક ગેરહાજરી બિલકુલ કુદરતી લાગે છે. કોઈક વખત બીજાની પીડામાં કઈક પરિપૂર્ણતાની, એક આનંદની લાગણી પણ અનુભવાતી હોય છે. જર્મન ભાષામાં તેનાં માટે એક શબ્દ પણ છે: Schadenfreude (પરપીડનમાંથી આવતો આનંદ). શું તમે ખરેખર આવા સમાજમાં ચાલતી આવી કોઈ સ્પર્ધાનો એક ભાગ બનવાં માંગો છો?

એક વખતે, એક યુવાન માણસ હોય છે. તે પોતે રોકેટ સાયન્સમાં ડોક્ટરેટ કરતો હોય છે. તે એકદમ પાતળો પણ ખુબ જ હોશિયાર હોય છે. એક સુંદર છોકરી તેની બુદ્ધિમતાથી પ્રભાવિત થઈને તેની મિત્ર બની હતી. તે છોકરાનાં દરેક મિત્રો આ માટે તેની ઈર્ષ્યા કરતાં હતાં. તેઓએ તેમનાં વચ્ચે અનબન કરાવવા માટે બનતી બધી કોશિશો કરી જોઈ, પણ તેઓ સફળ રહ્યા નહિ. એક દિવસે, યુનીવર્સીટીનો એક બીજો વિદ્યાર્થી, કે જે એક સશક્ત બાંધાનો વેઇટ લીફટીંગમાં ચેમ્પિયન હતો, તેને આ યુવાનને હેરાન કરીને પેલી છોકરી સાથે બહાર ફરવાનું બંધ કરવાનું કહ્યું.

આ બિચારો ૪૫ કિલોનો અને પેલો પહેલવાન તેનાંથી બમણા વજનનો હતો. ભૌતિક વિજ્ઞાનના નિયમો તેની વિરુદ્ધ હતાં છતાં તેને પેલાં પહેલવાનની ધમકી ગણકારવાની ના પાડી. પેલાં પહેલવાને તો તેને બરાબરનો ધીબેડ્યો. અને આ યુવાન માણસે પોતાનું શરીર સશક્ત બનાવી તેને મજા ચખાડવાનું નક્કી કર્યું. તેને યુનીવર્સીટીમાંથી રજા લઈને જીમમાં જઈ કસરત કરવા માંડી, પોતાનો ખોરાક ત્રણ ગણો વધારી દીધો, અને પ્રોટીન શેઈક પીવાનું ચાલુ કર્યું. એક વર્ષની અંદર તેને પણ પોતાનું વજન બમણું કરી દીધું. તે પહેલાં કરતાં ઓછો સ્ફૂર્તિલો થઇ ગયો હતો, પણ તે બહુ મોટી વાત નહોતી, તેને વિચાર્યું. પેલાં પહેલવાનને જવાબ આપવાનું નક્કી કરી તે કેમ્પસમાં પાછો ફર્યો.

જો કે તેને પાછો પહેલાં કરતાં વધુ માર ખાવો પડ્યો. તેનાં મિત્રો તેને હોસ્પિટલમાં મળવા માટે આવ્યા અને તેમને ખુબ નવાઈ લાગી કે તે હવે ૧૦૦ કિલો ઉપરનો હોવા છતાં પણ કેમ હારી ગયો!

“પેલો પહેલવાન હવે ત્રણ ગણો વજન વાળો થઇ ગયો હતો,” તે પોતાનાં ભાંગલા જડબામાંથી માંડ માંડ થોડા શબ્દો કાઢી શક્યો.

તમે જયારે કોઈ અન્યની સરખામણીમાં વધારે સારા બનવાની સ્પર્ધામાં ઉતરો છો, ત્યારે તે નિરંતર ચાલતી એક અર્થ વગરની દોડ બની જાય છે. તમે જયારે તમારા ધ્યેયને પ્રાપ્ત કરી લો છો ત્યારે તમને કદાચ થોડી ખુશી અનુભવાય ખરી, છતાં પણ તે મુસાફરી હંમેશા પ્રાણહીન જ લાગતી હોય છે. તે એક તણાવથી ભરેલો માર્ગ માત્ર બની રહે છે. તમે ગમે તેટલાં સારા કેમ ન બની જાવ, કોઈ બીજું તમારાથી વધુ સારું હંમેશા રહેવાનું જ. તમે તમારો માપદંડ નક્કી કરો, જો તમારે કઈ કરવું જ પડે તેમ હોય તો બીજાની સિધ્ધિઓને તમારી પ્રેરણા બનાવો, લક્ષ્ય નહિ.

હવે પછી જો તમે પોતે બીજા જેવા ન હોવાને લીધે કે બીજા તમારા કરતાં વધારે સારું કરી રહ્યા હોય અને તેનાં લીધે તમને જો એક નિરાશા અનુભવાતી હોય તો જાણજો કે તમે મૂર્ખાઈ કરી રહ્યા છો. તમારી જાતને યાદ અપાવજો કે આ સીધું તમારા મનની શરતોમાંથી આવી રહ્યું છે. તમારે ખરેખર તો ખુશ રહેવા માટે કે તમારા જીવનને એક અર્થ આપવા માટે બીજા જેવા બનવાની બિલકુલ જરૂર નથી. તમે બીજાની સફળતામાંથી પ્રેરણા જરૂર લઇ શકો પરંતુ તમારી જાતને તેમનાં જેવા બનાવવાની જાળમાં ન ફસાઈ જશો. નકલખોરી એ કદાચ ચમચાગીરી કરવાની સૌથી ઉત્તમ રીત હોઈ શકે, પરંતુ જયારે તમે બીજાની નકલ કરો છો ત્યારે તમે ખુદની ઓળખ ગુમાવો છો; અને જયારે તમે તમારી પોતાની ઓળખ ગુમાવો છો ત્યારે તમારી દુનિયાનો આધારસ્થંભ – તમે અને તમારી આંતરિક શક્તિ –ને હલબલાવી નાંખો છો. તમારી મુસાફરી એક ખેંચતાણ બની જાય છે અને લક્ષ્ય છે તે આંખો આગળથી દુર થઇ જાય છે.

એક બાળક પોતાનાં રાત્રી-પોષાકમાં બીજા બાળકોના ટોળામાં ભળે છે કે જેઓ હલૂવીનનાં પ્રસંગ માટે વીશેષ પોષાકમાં તૈયાર થયા હોય છે. તેઓ પાડોશીના ઘરનો દરવાજો ખટખટાવે છે.

“મિજબાની આપો છો કે જાદુ કરીએ,” તેઓએ ઉત્સાહ અને એક અપેક્ષા સાથે બુમ પાડી અને જેવો દરવાજો ખુલ્યો કે એક ઉદાર ઓરત બહાર આવી અને દરેક બાળકોને ચોકલેટ – કેન્ડી આપી પણ તેને આ રાત્રી-પોષાકમાં આવેલાં બાળકને જોઇને નવાઈ લાગી.
“અને તું શું બન્યો છે આજે?” પેલી બાઈએ પ્રેમથી પૂછ્યું.
“હું ખાલી આળસુ બન્યો છું.”

જેમકે એવું કહેવાય છે, કે  “અંતે તો જીવનમાં વર્ષોનું નહિ, વર્ષોમાં જીવનનું મહત્વનું હોય છે  અર્થાત તમે કેટલું લાંબુ જીવો છો તે નહિ પરંતુ કેવું જીવો છો તે અગત્યનું છે.” જયારે તમે પોતાની બીજા સાથે સરખામણી કરવાનું પસંદ કરો છો, જયારે તમે બીજાની વિરુદ્ધમાં તમારી પોતાની કિંમત નક્કી કરો છો, જયારે તમે બીજાના માપદંડનાં આધારે તમને ક્રમાંક આપો છો, ત્યારે તમે તમારા વર્ષોમાં જીવન નથી ઉમેરતાં. હકીકતમાં તો તમે તમારા જીવનમાંથી જીવ કાઢી રહ્યા છો; પછી ફક્ત વર્ષો બાકી રહે છે. અર્થહીન.

તમે જે છો તે બની રહો. તમારા સ્વને શોધો.

(Image credit: Eduardo Zamacois)
 
શાંતિ.
સ્વામી

 

Saturday, 9 March 2013

ફૂટલો ઘડો

જયારે આપણે પોતાની જાત સાથે પ્રામાણિક હોઈએ છીએ ત્યારે આપણી નબળાઈ પણ આપણી તાકાત બની જતી હોય છે.

કોઈએ મને લખીને પૂછ્યું હતું કે શું આત્મ-વિકાસ એ અંત વગરની તલાશ છે. તેને લખ્યું હતું, “આપણે શું હંમેશા મહેનત જ કરતુ રહેવાનું?” તેનો સંકેત એ હતો કે આપણે જો કાયમ આપણી અંદર વાંક જ શોધતું રહેવાનું હોય, તો પછી આપણે જિંદગીને માણીશું ક્યારે? શું જીવનનો અર્થ હંમેશા ખેચ્યે જવાનો જ છે? આપણે શું હંમેશા સુધરતાં જ રહેવાનું? આના વિષે વિચાર કરવો એ સુંદર વાત છે.

અંગત રીતે હું નથી માનતો કે તમારે હંમેશા કોઈ બીજાની સંપૂર્ણતાની ફ્રેમમાં જ ફીટ થવું જોઈએ. વધુમાં, પૂર્ણતાનું લક્ષ્ય રાખવું એ અંગત પસંદગીની વાત છે, એક વ્યક્તિગત પ્રાથમિકતા. સંપૂર્ણતા એ વ્યક્તિનિષ્ઠ વાત છે; તમારા માટે જે સર્વ-સંપૂર્ણ હોય તે બીજા માટે કદાચ અડધું પણ ન હોય તેવું બને. અહી હેતુ એ દુનિયાનાં શ્રેષ્ઠતાના માપદંડને  પરિપૂર્ણ કરવાનો નથી, હેતુ તો છે ખુદના જીવનને કૃપા, આનંદ અને દયાથી ભરવાનો. તે એક ગુણી-જીવનનાં ઘટકો છે જેનાંથી પૂર્ણતા પામી શકાતી હોય છે.

ઘણાં વખત પહેલાં, એક ગરીબ પરંતુ બહુ જ ઉમદા વ્યક્તિ હતો. તેનાં ઘરની નજીક કોઈ પાણીનો સ્રોત નહોતો. માટે રોજ તે નદીકાંઠે બે ઘડા કાવડ બનાવીને ખભા પર ઉચકીને જતો. આ ઘડા ધાતુનાં બનેલાં હતા અને તેમાંનો એક ઘડો છેલ્લાં ત્રણ વર્ષોથી એટલો ઘસાઈ ગયો હતો કે તેમાં એક કાણું બની ગયું હતું. પરિણામે એ એક ઝારી જેવું લાગતું, જેમાંથી ટીપું ટીપું પાણી સતત ટપક્યાં કરતું. બીજો ઘડો જો કે એકદમ બરાબર હતો. રોજ તે માણસ બન્ને ઘડાને કાંઠા સુધી ભરતો અને રોજ ફૂટલો ઘડો ઘરે પહોચતાં સુધીમાં અડધો ખાલી થઇ જતો. ઘરે પહોચ્યાં પછી તે કાળજીપૂર્વક પાણીને માટીના માટલામાં ભરી લેતો.

ફૂટલાં ઘડાને જો કે દુ:ખ થતું. તેને પોતાનાં માલિકને સારી રીતે સેવા આપવાનું મન થતું પણ તે એકદમ લાચાર હતો કારણ કે તેનાંમાં પડેલું કાણું કોઈ રીતે પૂરી શકાય તેમ ન હતું. જે સંપૂર્ણ ઘડો હતો તે આ ફૂટલાં ઘડા સામે તિરસ્કારની નજરે જોતો હતો કારણ કે પોતે પોતાની ઉત્કૃષ્ટતાથી પરિચિત હતો. ઘણી બધી વાર ફૂટલો ઘડો સંપૂર્ણ ઘડાની ઈર્ષ્યા કરતો હતો પણ મોટાભાગે તો તે લાચારી અને હતાશા જ અનુભવતો. તે ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે તે હંમેશા અડધો-ખાલી જ ઘરે પહોંચતો.
 
એક દિવસ જયારે તેનો માલિક નદી કાંઠે હતો ત્યારે તેને કહ્યું, “ હું ખુબ જ દયાજનક ઘડો છું. હું ખુબ દિલગીર છું કે હું મારું કામ બરાબર નથી કરી શકતો. તમે મને હંમેશા કાંઠા સુધી છલોછલ ભરીને આટલું બધું વજન ઉચકીને છેક ઘર સુધી લઇ જાઓ છો પણ હું તો બીજા સાજા ઘડાની માફક આખો તો ઘરે પહોંચતો જ નથી. મહેરબાની કરીને મને માફ કરો, હું મારા માટે ખુબ જ શરમીંદગી અનુભવું છું. તમને એક નવા ઘડાની જરૂર છે જેમાં મારી જેમ કોઈ કાણું ન હોય. મહેરબાની કરીને મને કંસારાને વેચી દો. અને તેનાં હાથે મારા દયાજનક અને બિનઉપયોગી જીવનનો અંત આવવા દો. તમને પણ રાહત થશે.”

“બિનઉપયોગી?” માણસ એકદમ દયાપૂર્વક બોલ્યો, “કાશ તું જાણતો હોત કે મને તારા માટે કેટલું ગૌરવ છે. દોષ કે ત્રુટી તો કોનામાં નથી હોતી? મારામાં પણ છે. જો મારી પાસે સગવડ હોત તો મેં તને ક્યારનોય સરખો કર્યો હોત જેથી તું આજે જે અનુભવે છે તે ન અનુભવેત. પાછું આપણા દોષોમાં એક દિવ્યતા પણ રહેલી હોય છે. સંપૂર્ણતા એ એક અભિપ્રાયથી વધુ બીજું કશું નથી, મોટાભાગે તો એ અભિમાનથી ભરેલી હોય છે. તને ખબર છે કે તે મને આ સ્થળને સુંદર બનાવવામાં કેટલી મદદ કરી છે? ”
“મેં? મદદ?” ફૂટેલો ઘડો વિસ્મય પામતાં બોલ્યો, “સુંદર બનાવવામાં?”
“હા! આજે ઘેર જઈએ ત્યારે તારી બાજુનાં રસ્તાનું અવલોકન કરજે.”

માણસે ઘર તરફ ચાલવાનું શરુ કર્યું અને ફૂટલાં ઘડાએ જોયું કે રસ્તાની એક તરફ, જે તરફ એ પોતે હતો, ત્યાં ખુબ સુંદર ફૂલો છેક આખા રસ્તે ખીલેલાં હતાં. પતંગિયા તેનાં ઉપર મંડરાયા કરતાં હતા, ભમરા ગુંજી રહ્યા હતાં, અને હવામાં એક ખુશ્બુ ફેલાયેલી હતી.

“થોડા વખત પહેલાં, મેં એક નવી જાતનાં ફૂલનાં બીજ વાવ્યા હતાં. તારી અંદરથી ટપકતાં પાણીમાંથી તે સહેલાઇથી પોષણ મેળવી શકતા હતાં. અને હવે જો! આપણી પાસે જ ખાલી સુંદર ફૂલો નથી, પરંતુ ભમરા તેની પરાગરજને દુર-દુર સુધી લઇ ગયા છે અને આજે ઠેર-ઠેર આવા વધુ ને વધુ ફૂલો ખીલી ગયાં છે. આ ફૂલ મધમાખીને પણ ખુબ આકર્ષે છે અને આજે ગામમાં પહેલાં ક્યારેય નહોતાં એટલાં મધપુડા છે. તારા કહેવાતાં દોષનાં લીધે આજે જે આ સુંદરતા, સુગંધતા અને ઉપયોગીતા અમારી પાસે છે તે શક્ય બની છે.”

આશા રાખું છું કે આ વાર્તા મેં જયારે પહેલી વખત સાંભળી ત્યારે મને જેટલી પસંદ આવી હતી તેટલી જ તમને પણ પસંદ આવી હશે. આપણા દોષોમાં જ સંપૂર્ણતાનાં બીજ રહેલાં હોય છે. કોઈ બીજા જેવા બનવાનું લક્ષ્ય કે કોઈ બીજો કહેવાતો સંપૂર્ણ ઘડો બનવાનું પસંદ કરવા કરતાં તો આપણે આપણી શક્તિઓ અને મર્યાદાઓને કેમ ઉપયોગમાં લેવી તે વધુ મહત્વનું છે. જો તમે તમારી ત્રુટીઓ પ્રત્યે પ્રામાણિક હશો અને તે કઈ રીતે તમારા જીવનમાં એક અર્થનો ઉમેરો કરી શકે તેનાં માટે જો તમે જાગૃત હશો, તો સંભાવનાની એક નવી જ દુનિયા તમારી સામે ખુલી જશે.

એક સંપૂર્ણ ખામી કે  સંપૂર્ણ શક્તિ જેવું કશું હોતું નથી, તે હંમેશા સંદર્ભ અને જરૂરિયાતનાં આધારે પોતાનું પાત્ર બદલ્યાં કરે છે. એક મજબુત લાકડી ચાલવા માટેનાં જરૂરી ટેકા માટે ખુબ સારી હોય છે, પણ ધનુષ્ય બનાવવા માટે તમને એક વાંકી લાકડીની જરૂર પડતી હોય છે. એક બાજુનો વિચાર કરતાં જે શક્તિ છે તે જ બીજી બાજુનો વિચાર કરતા એક નબળાઈ પણ હોઈ શકે છે. ગમે તેવું કાણું કેમ ન હોય, તેને પણ એક ભાગ ભજવવાનો હોય છે.

જે છો તે બની રહો.
(Image credit: Michele Wright)
શાંતિ.
સ્વામી 

Saturday, 2 March 2013

શું તમે દબાવી રાખ્યું છે?

 
સમુદ્રમાં સુનામી આવે તે પહેલાં તે શાંત હોય છે અને પીછેહઠ કરતુ હોય છે. તમે તમારી શાંતિની ભીતર એક તોફાનને પ્રતીબંધ કરો છો?

કોઈ વખત ગુસ્સામાં બરાડા પાડવાથી હલકા થઇ જવાતું હોય છે, તે તમને તમારી અંદર ભરાઈ ગયેલી ઘણી બધી લાગણીઓને મુક્ત કરવામાં, તેમજ ગુસ્સાના આવેગને અને અંદર ભરાઈ બેઠેલી ઘણી બધી વસ્તુઓને બહાર વહાવી દેવામાં મદદરૂપ થાય છે. પરંતુ જયારે તમે બરાડા પાડો છો ત્યારે તે સામે વાળી વ્યક્તિને તકલીફ પહોચાડે છે, અને ચોક્કસ તમારાં સંબંધની ગુણવત્તાને પણ અસર કરે છે. તે પણ ખરાબ રીતે. માટે તે કોઈ યોગ્ય વિકલ્પ ન કહેવાય. વધુમાં, બરાડા પાડવા તે એક ગુસ્સાની લાગણી સાથે જોડાયેલ પ્રવૃત્તિ છે માટે તે તમને નબળા પણ પાડી દે છે, કદાચ પાછળથી પસ્તાવો પણ કરાવે. તમે એવી કલ્પના કરો કે તમે ગુસ્સે થયા વગર બરાડા પાડી શકો છો. ગાંડા જેવું લાગે છે? આગળ વાંચો, જયારે તમે આ લેખનાં અંતે પહોચશો ત્યારે તમારો મત બદલાઈ જશે.

શાલીનતા અને શિષ્ટાચાર – કે જે ધર્મે શરતી બનાવી દીધાં છે – નાં નામે, આપણો સમાજ આપણને ખરેખર તો મુક્ત અભિવ્યક્તિ કરવાની છૂટ જ નથી આપતો. જ્યાં સુધી તમારી અભિવ્યક્તિ સમાજે બનાવેલી પ્રણાલીમાં બંધબેસતી હોય ત્યાં સુધી તો બધું બરાબર છે. પરંતુ જો તમે કોઈ બીજો રસ્તો અપનાવો તો તરત તે તમારાથી અંતર બનાવવાનું ચાલુ કરી દેશે. જો તમે એકદમ અલગ જ ચાલ ચાલો તો તે તમારો એકદમ તિરસ્કાર કરી દેશે. સોક્રેટીસને ઝેર પીવું પડ્યું, ઈશુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવી દેવામાં આવ્યા, એરીસ્ટોટલ ભાગવામાં સફળ રહ્યા. આપણે બહું દુર જવાની પણ જરૂર નથી, તમે તમારા બોસ ઉપર ચિલ્લાઓ અને તમને તરત પાણીચું પકડાવી દેવામાં આવશે. તમે સોકરની રમતનાં મેદાન ઉપર રેફરી ઉપર ચિલ્લાઓ અને તમને તરત લાલ કાર્ડ આપવામાં આવશે. તમારી એ દરેક અભિવ્યક્તિ કે જે સમાજની માન્યતાની બહાર છે, સમાજ તેને ખતમ કરવાનો જ પ્રયત્ન કરશે.

શારીરિક પ્રવૃત્તિ પછી તે રમત હોય, શોપિંગ હોય, જીમમાં કસરત કરવાની હોય, અરે પ્રેમ કરવાની વાત પણ કેમ ન હોય, તે દરેક તમને એક નિકાસ માર્ગ-અભિવ્યક્તિ માર્ગ પૂરો પાડે છે. તમારી જાતને મુક્ત રીતે અભિવ્યક્ત કરવા માટેની તકની એક નાની બારી બને છે. તમે રમતના સ્ટેડીયમમાં કાં તો જીમમાં વજન ઉચકતી વખતે તમારામાં હોય તેટલું જોર કરીને બુમ પાડી શકો છો. ત્યારબાદ તમે વરસાદ પડ્યા પછી જેમ પ્રાકૃતિક દ્રશ્ય લીલુંછમ, તાજું અને નવું લાગે છે તેમ તમે પણ શાંત અને તણાવમુક્ત બની જાવ છો. દરેક બુદ્ધિશીલ પ્રવૃત્તિ તમને એક વ્યસ્તતા કે પછી અભિવ્યક્તિનો માર્ગ આપે છે. ઘણાં લોકો એવાં હોય છે કે જે સરકારને કોર્પોરેશનને દુનિયાનાં ભૂખમરા કે બાથરૂમના ટપકતા નળ વિષે પોતાનો મત લખી જણાવતાં હોય છે. તેમને બહુ સારી રીતે ખબર હોય છે કે તેમની ટપાલ કદાચ વાંચવામાં પણ નહિ આવે, તેમ છતાં તે તેમને એક અભિવ્યક્તિનો માર્ગ પૂરો પડે છે. અને તે જ એ ચાવી છે – એક નિકાસ માર્ગ! તમારી અનિચ્છનીય લાગણીઓને પણ તમારા તંત્રમાંથી કોઈ રીતે ધોઈ નાંખવાનો એક રસ્તો હોય તો કેવું! વારુ, રસ્તાઓ તો છે જ. ઘણાં બધા છે. તમારામાંના કેટલાંક ઉપરથી તો બંધ છે પણ સોડાની બોટલ જેવા. અંદર એક મોટું તોફાન હોય પરંતુ બહારથી છેતરાઈ જવાય એટલું શાંત.

તમે બાળકોને જુઓ, તે ગમે ત્યારે બુમો પાડશે કે રડશે અને તેમની લાગણીઓને કાઢી નાંખશે અને બીજી જ ક્ષણે ખુશ થઇ જશે. મુખ્ય તફાવત એ છે કે તેઓ કોઈનાં પ્રત્યે બરાડા નથી પાડતા, તેઓ તો ફક્ત બરાડા જ પાડતા હોય છે. તેઓ હજુ સમાજનાં બનાવેલાં નિયમોનાં અનુબંધનમાં નથી આવ્યા હોતા. સમાજ તેમને અપરીપક્કવ ગણી તેમનાં તોફાન સહન કરી લે છે. બીજી બાજુ એક પુખ્ત વ્યક્તિ પોતાનાં મગજમાં માનસિક તોફાનો કરે છે. તેઓ ખાલી બરાડા નથી પાડી શકતા, માટે તેઓ “કોઈનાં ઉપર” બરાડા પાડે છે. ચાલો હું હવે વસ્તુનો સાર કહી દઉં. જાઓ અને કોઈ એક એકાંત સ્થળ શોધો કે જ્યાં તમે બરાડા પાડી શકો. હા બરાડા, કોઇપણ પ્રકારની રોકટોક વગર. એવાં સ્થળે કે જ્યાં તમે જઈ ને જોરથી, ખરેખર જોરથી, બુમો પાડી શકો - એવી ચિંતા કર્યા વગર કે કોઈ મને સાંભળશે.

ત્યાં સુધી બુમો પાડો જ્યાં સુધી અંદર ભરાઈ બેઠેલી વર્ષો અને વર્ષોની લાગણીઓ બહાર ન નીકળી જાય. કદાચ એવી ક્ષણો તમારા જીવનમાં આવી હતી જયારે તમને ખોટા પાડવામાં આવ્યા હતા અને તમને રડવાનું મન થઇ આવેલું પણ તમે નહોતા રડી શક્યા, જયારે તમે તમારી પ્યારી વ્યક્તિને ગુમાવી દીધી હતી પણ તમે તમારી ખોટને અભિવ્યક્ત નહોતી કરી શક્યા, એવી ક્ષણો કે જેમાં તમે ભયભીત થઇ ગયા હતા છતાં એક બહાદુર હોવાનો ચહેરો પહેરી લીધો હતો, તમને નીચા હોવાની લાગણીનો અનુભવ કરાવવામાં આવ્યો હતો છતાં પણ તમને લાગ્યું હતું કે તમને કશી અસર નથી થઇ, તમે પોતે તમારી મહત્વકાંક્ષાઓ, ધ્યેયો, અને પ્રાથમિકતાઓને તમારા કુટુંબ અને મિત્રજનો માટે ત્યાગી દીધી હશે એવું બન્યું હશે. એવી ઘણી બધી સુષુપ્ત લાગણીઓ હશે કે જે તમને ભારનો અનુભવ કરાવતી હોય, જે તમારી અંદર ઊંડે ભરાઈ બેઠેલી હશે, તેને મુક્ત કરી દો. તો, તમારી આંખમાંથી આંસુ નીકળી પડે તેટલી જોરથી બરાડા પાડો. તમે પહેલાં ક્યારેય ન અનુભવ્યું હોય તેટલું હળવા થઇ જશો.

આ અનુભવો. તમારી અંદર જુઓ, તમે કેટલી વસ્તુઓને તમારી અંદર ભરીને ચાલી રહ્યા છો! તેમાંની મોટાભાગની તમારી પોતાની પસંદગીથી નથી, તમને એ ખબર જ નથી કે તેને તમારી અંદરથી બહાર કેમ કાઢવી. લોકો ધ્યાન કરે છે, કસરત કરે છે, રમત રમે છે, તેઓ પ્રયત્ન કરે છે, તેઓ હળવા થવા માંગે છે, તેઓ ખુશ થવા માંગે છે, તેમને શાંતિનો અનુભવ કરવો હોય છે. ક્યારેય તમે એક નાના બાળકના ચહેરાને જયારે તે સુતું હોય કે હસતું હોય ત્યારે જોયો છે? તેઓ પોતાની જાતને ખાલી કરવામાં માહેર હોય છે. તમારી જાતને ખાલી કરો. તે તમને ફોડી નાખે તે પહેલાં તેને મુક્ત કરી દો. જો તમારી અંદર કોઈ હકારાત્મક લાગણી છે – તેને એક માર્ગ આપો અને તે ઉગી ઉઠશે; જેમ કે એક દીવો બીજા દીવાને સળગાવે તેમ. તમારી અંદર કોઈ નકારાત્મક લાગણી છે? તેને પણ માર્ગ આપો અને તે તમને હળવા બનાવી દેશે.

જો મારી પાસે ૨૦ લોકોનું જૂથ હોય તો આપણે ત્રણ દિવસનાં એક એકાંતવાસમાં કોઈ એક દુર જગ્યાએ જાત, અને હું તમને એ શીખવેત કે તમારી જાતને ખાલી કેવી રીતે કરવી અને સાચું ધ્યાન કેવી રીતે કરવું. હું તમારી સાથે ધ્યાનનું સાર તત્વ વહેચી શકેત, ધ્યાન એ કોઈ જડ બનીને બેસી રહેવાની વસ્તુ નથી, ધ્યાન એ જીવનનું, આનંદનું એક સૂચક તત્વ છે. કદાચ ભવિષ્યમાં કોઈ સમયે! 

તમે એક પવિત્ર હસ્તી છો, તમારી પૂજા કરો, જે કઈ પણ તમને તમારી ખુદની ભક્તિ કરવામાં લાયક ન ઠેરવતું હોય તેને પડતું મુકો. તેને અંદર ભર્યા ન કરો. તમારી જાત ને ખાલી કરો.
(Image credit: Shane Maddon)
શાંતિ.
સ્વામી

Share