Sunday, 17 March 2013

શું તમે તમારી જાતની સરખામણી કરી રહ્યા છો?

દુનિયા તમને એક તાલીમ પામેલાં બીજા ગધેડાં જેવા બનાવવા માંગે છે, હકીકતમાં તેમનાં પોતાનાં જેવા. જો તમે તેમને તેમ કરવાની છૂટ આપશો તો. તમે જે છો તે બની રહો.

જો તમે કોઈ બાબત ઉપર ધીરજપૂર્વક ચિંતન કરો તો તમને જણાશે કે મોટાભાગનાં લોકો તેમની મોટાભાગની જીન્દગી સરખામણી કરીને જીવતાં હોય છે. જીવનમાં હંમેશા કોઈને કોઈ સરખામણી કાં તો વસ્તુ કાં તો વ્યક્તિ સાથે થતી જ રહેતી હોય છે. અને એવું જ, મોટા ભાગની સિદ્ધીઓનું પણ ધ્રુવીકરણ થતું રહેલું છે, જાણે કે તે કોઈ વજનકાંટા ઉપર રાખેલું હોય, જાણે કે તમારે સારા બનવા માટે કોઈ બીજા કરતાં વધારે સારું કરવું પડે, જાણે કે તમારે સારામાં ખપવા માટે કોઈ બીજા જેવા બનવું પડે વિગેરે. આ દુનિયા સાથે તાલ મેળવવા માટે અન્ય જેવા બનવાની આ સ્પર્ધા નિરંતર ચાલતી રહેલી છે. જો તમને પણ આવું અનુભવાતું હોય તો ખરેખર તમારો કોઈ વાંક નથી. એનું નિરાકરણ જો કે તમારા હાથની વાત છે. હું શું કહેવાં માંગું છું તે જાણવા માટે વાંચો આગળ.

તમને યાદ હોય તે ઘડીથી લઇને આજની ઘડી સુધી, તમારા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપમાં હંમેશા સરખામણી થતી જ રહેતી હોય છે. તમે ગમે તેટલી મહેનત કેમ ન કરી હોય, ગમે તેટલું સારું કેમ ન કર્યું હોય, કદાચ કોઈ એક હંમેશા એવું રહ્યું જ હોય છે કે જે તમારા માં-બાપની, શિક્ષકની, સહકર્મચારીની વિગેરેની નજરમાં વધુ સારું લાગ્યું હોય. ધ્યેય જો કે જયારે સિદ્ધ થઇ જાય છે ત્યારે પણ તે અશક્ય લાગતું હોય છે. તે એક વિડંબના છે કે આપણો સમાજ હકીકતમાં હાર અને જીતમાં જ આનંદ ઉઠાવે છે, રમવામાં નહિ. જીત એટલી આનંદકર લાગે છે કે વિજેતાનાં હૃદયમાં હારેલ વ્યક્તિ તરફ દયાની એક ગેરહાજરી બિલકુલ કુદરતી લાગે છે. કોઈક વખત બીજાની પીડામાં કઈક પરિપૂર્ણતાની, એક આનંદની લાગણી પણ અનુભવાતી હોય છે. જર્મન ભાષામાં તેનાં માટે એક શબ્દ પણ છે: Schadenfreude (પરપીડનમાંથી આવતો આનંદ). શું તમે ખરેખર આવા સમાજમાં ચાલતી આવી કોઈ સ્પર્ધાનો એક ભાગ બનવાં માંગો છો?

એક વખતે, એક યુવાન માણસ હોય છે. તે પોતે રોકેટ સાયન્સમાં ડોક્ટરેટ કરતો હોય છે. તે એકદમ પાતળો પણ ખુબ જ હોશિયાર હોય છે. એક સુંદર છોકરી તેની બુદ્ધિમતાથી પ્રભાવિત થઈને તેની મિત્ર બની હતી. તે છોકરાનાં દરેક મિત્રો આ માટે તેની ઈર્ષ્યા કરતાં હતાં. તેઓએ તેમનાં વચ્ચે અનબન કરાવવા માટે બનતી બધી કોશિશો કરી જોઈ, પણ તેઓ સફળ રહ્યા નહિ. એક દિવસે, યુનીવર્સીટીનો એક બીજો વિદ્યાર્થી, કે જે એક સશક્ત બાંધાનો વેઇટ લીફટીંગમાં ચેમ્પિયન હતો, તેને આ યુવાનને હેરાન કરીને પેલી છોકરી સાથે બહાર ફરવાનું બંધ કરવાનું કહ્યું.

આ બિચારો ૪૫ કિલોનો અને પેલો પહેલવાન તેનાંથી બમણા વજનનો હતો. ભૌતિક વિજ્ઞાનના નિયમો તેની વિરુદ્ધ હતાં છતાં તેને પેલાં પહેલવાનની ધમકી ગણકારવાની ના પાડી. પેલાં પહેલવાને તો તેને બરાબરનો ધીબેડ્યો. અને આ યુવાન માણસે પોતાનું શરીર સશક્ત બનાવી તેને મજા ચખાડવાનું નક્કી કર્યું. તેને યુનીવર્સીટીમાંથી રજા લઈને જીમમાં જઈ કસરત કરવા માંડી, પોતાનો ખોરાક ત્રણ ગણો વધારી દીધો, અને પ્રોટીન શેઈક પીવાનું ચાલુ કર્યું. એક વર્ષની અંદર તેને પણ પોતાનું વજન બમણું કરી દીધું. તે પહેલાં કરતાં ઓછો સ્ફૂર્તિલો થઇ ગયો હતો, પણ તે બહુ મોટી વાત નહોતી, તેને વિચાર્યું. પેલાં પહેલવાનને જવાબ આપવાનું નક્કી કરી તે કેમ્પસમાં પાછો ફર્યો.

જો કે તેને પાછો પહેલાં કરતાં વધુ માર ખાવો પડ્યો. તેનાં મિત્રો તેને હોસ્પિટલમાં મળવા માટે આવ્યા અને તેમને ખુબ નવાઈ લાગી કે તે હવે ૧૦૦ કિલો ઉપરનો હોવા છતાં પણ કેમ હારી ગયો!

“પેલો પહેલવાન હવે ત્રણ ગણો વજન વાળો થઇ ગયો હતો,” તે પોતાનાં ભાંગલા જડબામાંથી માંડ માંડ થોડા શબ્દો કાઢી શક્યો.

તમે જયારે કોઈ અન્યની સરખામણીમાં વધારે સારા બનવાની સ્પર્ધામાં ઉતરો છો, ત્યારે તે નિરંતર ચાલતી એક અર્થ વગરની દોડ બની જાય છે. તમે જયારે તમારા ધ્યેયને પ્રાપ્ત કરી લો છો ત્યારે તમને કદાચ થોડી ખુશી અનુભવાય ખરી, છતાં પણ તે મુસાફરી હંમેશા પ્રાણહીન જ લાગતી હોય છે. તે એક તણાવથી ભરેલો માર્ગ માત્ર બની રહે છે. તમે ગમે તેટલાં સારા કેમ ન બની જાવ, કોઈ બીજું તમારાથી વધુ સારું હંમેશા રહેવાનું જ. તમે તમારો માપદંડ નક્કી કરો, જો તમારે કઈ કરવું જ પડે તેમ હોય તો બીજાની સિધ્ધિઓને તમારી પ્રેરણા બનાવો, લક્ષ્ય નહિ.

હવે પછી જો તમે પોતે બીજા જેવા ન હોવાને લીધે કે બીજા તમારા કરતાં વધારે સારું કરી રહ્યા હોય અને તેનાં લીધે તમને જો એક નિરાશા અનુભવાતી હોય તો જાણજો કે તમે મૂર્ખાઈ કરી રહ્યા છો. તમારી જાતને યાદ અપાવજો કે આ સીધું તમારા મનની શરતોમાંથી આવી રહ્યું છે. તમારે ખરેખર તો ખુશ રહેવા માટે કે તમારા જીવનને એક અર્થ આપવા માટે બીજા જેવા બનવાની બિલકુલ જરૂર નથી. તમે બીજાની સફળતામાંથી પ્રેરણા જરૂર લઇ શકો પરંતુ તમારી જાતને તેમનાં જેવા બનાવવાની જાળમાં ન ફસાઈ જશો. નકલખોરી એ કદાચ ચમચાગીરી કરવાની સૌથી ઉત્તમ રીત હોઈ શકે, પરંતુ જયારે તમે બીજાની નકલ કરો છો ત્યારે તમે ખુદની ઓળખ ગુમાવો છો; અને જયારે તમે તમારી પોતાની ઓળખ ગુમાવો છો ત્યારે તમારી દુનિયાનો આધારસ્થંભ – તમે અને તમારી આંતરિક શક્તિ –ને હલબલાવી નાંખો છો. તમારી મુસાફરી એક ખેંચતાણ બની જાય છે અને લક્ષ્ય છે તે આંખો આગળથી દુર થઇ જાય છે.

એક બાળક પોતાનાં રાત્રી-પોષાકમાં બીજા બાળકોના ટોળામાં ભળે છે કે જેઓ હલૂવીનનાં પ્રસંગ માટે વીશેષ પોષાકમાં તૈયાર થયા હોય છે. તેઓ પાડોશીના ઘરનો દરવાજો ખટખટાવે છે.

“મિજબાની આપો છો કે જાદુ કરીએ,” તેઓએ ઉત્સાહ અને એક અપેક્ષા સાથે બુમ પાડી અને જેવો દરવાજો ખુલ્યો કે એક ઉદાર ઓરત બહાર આવી અને દરેક બાળકોને ચોકલેટ – કેન્ડી આપી પણ તેને આ રાત્રી-પોષાકમાં આવેલાં બાળકને જોઇને નવાઈ લાગી.
“અને તું શું બન્યો છે આજે?” પેલી બાઈએ પ્રેમથી પૂછ્યું.
“હું ખાલી આળસુ બન્યો છું.”

જેમકે એવું કહેવાય છે, કે  “અંતે તો જીવનમાં વર્ષોનું નહિ, વર્ષોમાં જીવનનું મહત્વનું હોય છે  અર્થાત તમે કેટલું લાંબુ જીવો છો તે નહિ પરંતુ કેવું જીવો છો તે અગત્યનું છે.” જયારે તમે પોતાની બીજા સાથે સરખામણી કરવાનું પસંદ કરો છો, જયારે તમે બીજાની વિરુદ્ધમાં તમારી પોતાની કિંમત નક્કી કરો છો, જયારે તમે બીજાના માપદંડનાં આધારે તમને ક્રમાંક આપો છો, ત્યારે તમે તમારા વર્ષોમાં જીવન નથી ઉમેરતાં. હકીકતમાં તો તમે તમારા જીવનમાંથી જીવ કાઢી રહ્યા છો; પછી ફક્ત વર્ષો બાકી રહે છે. અર્થહીન.

તમે જે છો તે બની રહો. તમારા સ્વને શોધો.

(Image credit: Eduardo Zamacois)
 
શાંતિ.
સ્વામી

 

No comments:

Post a Comment

Share