Saturday, 27 April 2013

ગૃહ વ્યવસ્થા

 કૃતજ્ઞતા એ પુડિંગ પરના આઈસ્ક્રીમ જેવી છે. સ્વસ્થ કરે તેવી ઉષ્મા અને શાંત કરે તેવી ઠંડક.

આજની પોસ્ટ સામાન્ય જાહેરાતો વિષેની છે. તેમાં કેટલીક મહત્વની માહિતી છે જે તમને, ખાસ કરીને જો તમે આ બ્લોગનાં નિયમિત વાંચક હોવ તો, આવતાં ૬ મહિના માટેની ઉપયોગી છે.

૧. એકાંત

મે મહિનાના પ્રથમ અઠવાડિયાથી લઇને ઓક્ટોબર ૨૦૧૩ સુધી હું હિમાલયમાં એકાંતના ખોળે જવાનો છું. આ સમય દરમ્યાન હું દુનિયાથી વિભક્ત થઇ ગયો હશું. મને ઈ-મેઈલ કરવો કે રૂબરૂ મળવું શક્ય નહિ હોય. આપણા વચ્ચેની ટેલીપથી એકમાત્ર સંપર્ક હશે. હું નવેમ્બરમાં આશ્રમમાં પાછો ફરીશ. મેં આવનાર ૬ મહિના ચાલે એટલી પોસ્ટ અગાઉથી લખી રાખી છે, જેથી તમને દર અઠવાડિયે આ બ્લોગ પર એક નવો લેખ મળવાનું ચાલુ રહે. ત્યાં મારી પાસે કોઈ ઈન્ટરનેટનું કનેક્શન નહિ હોય, માટે હું મે થી ઓક્ટોબર દરમ્યાન કોઈ ઈ-મેઈલ કે કોમેન્ટ વાંચી નહિ શકું કે તેનો જવાબ નહિ આપી શકું.

૨. બીજી કેટલીક જાહેરાતો

આ બ્લોગનાં વિકાસ વિષે તમારી સાથે થોડી વાત કરવાની છે, જેમ કે:

અ. ઓડીઓ પ્રવચન
ભૂતકાળમાં મને ઘણાં વાંચકોએ મારા વિડીઓ પ્રવચનની ઓડીઓ આવૃત્તિ માટે વિનંતિ કરેલી. કારણ કે દરેક લોકો પાસે વિડીઓ જોઈ શકે તેટલી બેન્ડવિથ વાળું ઈન્ટરનેટ કનેક્શન હોતું નથી. તમારા માટે મારી પાસે એક સારા સમાચાર છે.  હવે તમે પ્રવચન સાંભળી શકશો તેમજ mp3 ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકો છો. તેનાં માટે અહી ક્લિક કરો.

બ. વિડીઓ પ્રવચન
દરેક વિડીઓ પ્રવચન omswami.tv નામની વિડીઓ સાઈટ પર પ્રાપ્ય છે. થોડા અઠવાડિયા પહેલાં જ અમે દરેક પોસ્ટ સાથે એક વિડીઓ પબ્લીશ કરવાનું શરુ કર્યુ છે. તે અસ્ખલિત રીતે ચાલુ રહેશે. તમે જોવાનું નહિ ચુકતા. દર અઠવાડિયે નવી વિડીઓ બ્લોગમાં “Video of The Week” નામનાં વિભાગમાં આવતી રહેશે, તેમજ તે વિડીઓ સાઈટ પર પણ પ્રાપ્ય હશે. તમે વિડીઓ પર કોમેન્ટ પણ ત્યાં લખી શકશો.

ક. પ્રેરણાદાયી વાક્યો
સરસ લોકોનું એક જૂથ ભેગા થઇને દરેક દિવસ માટેનું એક સૂત્ર કે જે હાલમાં ફેસબુક પર પ્રાપ્ય છે તેને પોસ્ટર સ્વરૂપમાં બનાવી રહ્યા છે. તેમનો તર્ક એકદમ સરળ છે, તેઓ પોતે તે સુત્રો વાંચીને પ્રેરણા પામ્યા, અને તેમને તે ફાયદો અન્ય લોકો સુધી લઇ જવાનું નક્કી કર્યુ. તમે અહી તે વેબસાઈટ જોઈ શકો છો અને તેને અનુસરી પણ શકો છો.

ડ. ટ્રાવેલ સમયપત્રક
હમણાં થોડી વાર, કોઈ અનિશ્ચિત સમય સુધી, હું મારો સમય આપણા બીજા ભાઈ-બહેનો અને તેમનાં આધ્યાત્મિક વિકાસ માટે આપવાનું વિચારી રહ્યો છું. માટે, હું મારો થોડો સમય બીજા સ્થળોની મુલાકાત લેવા માટે ગાળવા માંગુ છું. પરિણામ સ્વરૂપ એક નવી વેબસાઈટ omswami.info શરુ કરવામાં આવી છે. આ સાઈટ પર મારી યાત્રાનું સમયપત્રક તેમજ બીજી માહિતી ઉપડેટ થતી રહેશે. જો તમે મને તમારા શહેર/રાજ્ય/દેશમાં પ્રવચન માટે આમંત્રણ આપવાનું વિચારી રહ્યા હોવ, તો અહી ક્લિક કરો. તમે મારો કોન્ટેક્ટ કરવા માટે કે પછી આશ્રમની મુલાકાત લેવા માટે આ વેબસાઈટ પર જઈ શકો છો.

ઈ. મારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો.
મને દરરોજ હજારો ઈ-મેઈલ મળી રહ્યાં છે. જેને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેચી શકાય, એક, જે લોકોને આશ્રમની મુલાકાતે આવવું હોય તેનાં વિષે પૂછતાં હોય, બીજું, લોકો પોતાનો અંગત સવાલ પૂછતાં હોય, અને ત્રીજું બ્લોગ પોસ્ટ વિષેની કોમેન્ટ ઉપર. નવેમ્બર ૨૦૧૩થી આશ્રમની મુલાકાતની માહિતી માટેની જવાબદારી કેટલાંક સ્વયંસેવકોની રહેશે. તે આશ્રમની દિશા અને મારી પ્રાપ્યતા વિષે તમને માહિતગાર કરશે. બ્લોગ પોસ્ટ પરની કોમેન્ટનું જેમ છે તેમ જ ચાલતું રહેશે. હું મોટાભાગે દરેકનો જવાબ આપતો રહીશ. પરંતુ તમારા અંગત પ્રશ્ન માટે એક ફોર્મ બનાવ્યું છે જેનાં દ્વારા તમે મારો સંપર્ક સાધી શકશો. તમારો સંદેશ સીધો મારા ઈનબોક્સમાં આવશે અને તે ખાનગી રહેશે.

૩. કૃતજ્ઞતા

હું ખાસ કરીને યુએસએ અને કેનેડાનાં એ અદ્દભુત લોકો પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છું, જેમને આ બધી વેબસાઈટને સેટ-અપ કરવામાં તેમજ તેને મેઈન્ટેઇન કરવામાં શક્ય તેટલી મદદ કરી છે. તેઓ આ સંદેશ પહોચાડવા માટે કટિબદ્ધ છે. અને એ આ લોકો જ છે જે તમારા માટે નવી વિડીઓ અને ઓડીઓ પોસ્ટ કરતાં રહેશે. ચાલો દુનિયાને રહેવા માટેનું એક વધુ સારું સ્થળ બનાવીએ. એક સમયે એક વ્યક્તિ, અને શરૂઆત સ્વયંથી કરીએ. મારે આ પોસ્ટની શરૂઆત મારી કૃતજ્ઞતાથી કરવી હતી, અંત નહિ. પરંતુ પછી મેં વિચાર્યું, કૃતજ્ઞતા એ ડીઝર્ટ (જમ્યા પછી છેલ્લે ખાવા માટેની સ્વીટ) જેવી છે. અને તે એક સામાન્ય ભોજનને સંપૂર્ણ બનાવે છે. તે એક ગરમ પુડિંગ પરનાં એક ઠંડા, નરમ અને ક્રીમી પીસ્તા આઈસ્ક્રીમનાં એક સ્કૂપ જેવી છે. ટુંકમાં, કૃતજ્ઞતામાં તે બન્ને છે –સાજા કરે તેવી ઉષ્મા અને શાંત કરે તેવી ઠંડક. માટે મેં તેને છેલ્લે આજની પોસ્ટ માટે બચાવી રાખી છે. હું તમારા સર્વનો આભાર માનું છું; ફક્ત સ્વયંસેવકોનો જ નહિ પણ તમારા જેવા વાંચકોનો પણ, કે જેઓ આ સંદેશને અપનાવી રહ્યા છે તેમજ બીજા લોકો સાથે તેને વહેચી રહ્યા છે.

સારાંશ:

૧. મારી પાસે મે – ઓક્ટોબર દરમ્યાન કોઈ સંપર્ક નહિ હોય. છતાં દર અઠવાડીએ નવી પોસ્ટ આવતી રહેશે.
૨. વિડીઓ માટે અહી ક્લિક કરો અને ઓડીઓ માટે અહી ક્લિક કરો. નવી વિડીઓ દર અઠવાડીએ આવતી રહેશે.
૩. દરરોજનું સુવાક્ય વાંચવા માટે અહી ક્લિક કરો. નવા પોસ્ટર તેનાં પર આવતાં રહેશે.
૪. મારો સંપર્ક સાધવા માટે, મારી મુલાકાત માટે, તેમજ મને તમારા શહેરમાં પ્રવચન આપવા  બોલવવા માટે અહી ક્લિક કરો.

અને ત્યાં સુધી તમારી અને બીજા લોકોની કાળજી કરજો.
(Image credit: Yelp)
Au revoir.
સ્વામી

 

Saturday, 20 April 2013

વૃદ્ધ થવાનો ડર

 જયારે તમારી યાદો તમારી વર્તમાન યાત્રામાં પુલ નહિ બનતા મોટાં પથ્થર જેવો અવરોધ બને છે ત્યારે તમે વૃદ્ધ થઇ ગયા છો.

શું તમને ઘરડાં થવાનો ડર સતાવે છે? દરેક જણ જેમને પાકટ વયે મૃત્યુ પામવું છે તેને વૃદ્ધાવસ્થામાંથી તો પસાર થવું જ રહ્યું. ઘણાં લોકો તો વૃદ્ધાવસ્થાને છેલ્લાં શ્વાસ સુધી વ્યાખ્યાયિત કરતાં રહે છે તો ઘણાં તેમની ચાલીસીમાં જ પોતાની વૃદ્ધાવસ્થાને મહેસુસ કરવા લાગે છે. શું માનવ શરીર જેમ જેમ વૃદ્ધ થાય તેમ વધુ બરડ બનતું જાય છે? વારુ, સામાન્ય અવલોકન તો તે વાતને પ્રમાણિત કરે છે. પરંતુ, કલ્પના કરો કે, આપણે શારીરિક ઉમર ને જ હટાવી દઈએ તો? તો કદાચ વૃદ્ધાવસ્થાને એક નવો અર્થ મળશે. હું એવાં અસંખ્ય લોકોને જાણું છું જે પોતાની આખી જિંદગી પીડા, માનસિક ત્રાસ અને અત્યાચાર સહન કરે છે ફક્ત એટલાં માટે કે જયારે તે પોતે વૃદ્ધ થાય ત્યારે કોઈક તો તેમની આસપાસ હોય. વૃદ્ધાવસ્થામાં એકલાં પડી જવાનો ડર ઘણાં લોકોને ધ્રુજાવી દે છે. તો કોઈ વૃદ્ધ ક્યારે થતું હોય છે? વાંચતા રહો.

જયારે તમારી જિંદગીમાં મહત્વકાંક્ષાઓ કરતાં યાદો વધુ હોય, ત્યારે તમારી જાતને વૃદ્ધ ગણો. જયારે તમારી પાસે ફક્ત તમે ભૂતકાળમાં તમે આ કેવી રીતે કરતાં હતા અને પેલું કેવી રીતે કરતાં હતા એનાં વિશેની જ વાતો રહી હોય, દસ વર્ષ પહેલાં તમે કેટલાં અદભુત હતાં કે તમે કેટલાં માન્યામાં ન આવો એવાં હતાં. જયારે તમે તમારાં વર્તમાનમાં જીવતાં નથી કે ભવિષ્ય સામે નથી જોતા, અને ફક્ત તમે ભૂતકાળનું ઊન લઇને એની એ જ વાર્તાઓ વર્તમાનમાં ફરી ફરીને ગૂંથતા હો, તો તમે ઘરડાં થઇ ગયા છો. જે અંદરથી ઘરડાં થઇ ગયા છે તેની એક ઠોસ નિશાની એ છે કે તે હંમેશા ભૂતકાળની જ વાતો કરે છે.

જે નસીબદારોને સામાન્ય જીવન અવસ્થા મળી છે તેમનાં માટે વૃદ્ધાવસ્થા એ એક અનિવાર્ય વાત છે. જયારે કોઈ વસ્તુ અનિવાર્ય હોય તેનાં માટે ફક્ત બે જ પસંદગી રહેલી હોય છે: પ્રથમ, તેને એક અદા અને કૃતજ્ઞતાથી એનું સંચલન કરો. બીજું, કાં તો પછી તેનો દુઃખ અને ફરિયાદ સાથે અસ્વીકાર કરો. વૃદ્ધાવસ્થા એ શુક્રવારની સાંજ જેવી છે – તે શાંત થઇ જાય છે, અને વિક એન્ડનાં વિરામની શરૂઆત પહેલાં ધીમી પડી જાય છે. અને મૃત્યુ શું છે? વારું, મૃત્યુ એ વિક એન્ડ છે. ચેતના હંમેશા આગળ વધતી રહે છે. જો તમે આત્મા કે પુન:જન્મમાં વિશ્વાસ ધરાવતાં હશો, તો નવો જન્મ તમારી રાહ જોતો હશે. જો તમે સ્વર્ગ કે નર્કમાં વિશ્વાસ ધરાવતાં હશો તો, કોને ખબર તમે તમારી સ્વપ્નાંની જિંદગી તેમાંના કોઈ એક સ્થળે જીવશો. અને જો તમે શેમાંય વિશ્વાસ નહિ ધરાવતાં હોવ તો પછી, આશા રાખું છું કે તમને તમારા જવાબની પણ ખબર હશે.

એક પાદરી એક શ્રીમંત માણસની સ્મશાન યાત્રામાં ગયો. મૃત વ્યક્તિ તેનો મિત્ર હતો અને તે એક પ્રખર નાસ્તિક હતો જેને ભગવાન, સ્વર્ગ કે નર્ક શેમાંય વિશ્વાસ નહોતો. તેની સ્મશાનયાત્રા એકદમ ભવ્ય હતી. પાદરી કોફીન પાસે ગયા. કોફીન એકદમ સરસ લાકડાંની બનેલી હતી તેની અંદર એક રેશમી કપડું પાથરેલું હતું અને પાર્થિવ શરીરને હાથની બનાવટનો એક રેશમી કુર્તો પહેરાવેલો હતો.

“અરે કેટલી શરમની વાત છે,” પાદરીને વિસ્મય થયું, “આટલો સરસ તૈયાર થયો છે ને જવાનું ક્યાંય નહિ!”

વ્યક્તિગત રીતે જો તમે મને પૂછતાં હોય તો, હું તમારી કોઈ પણ માન્યતા સાથે એકદમ સહજતાથી રહી શકું છું. જે કઈ પણ તમને અંદરથી તાકાત આપતું હોય અને શાંતિનો અનુભવ કરાવતું હોય, તે વિચારને અપનાવો. આખરે તો આ બધી એક પરિકલ્પનાઓ માત્ર છે, કેટલીક બીજી કોઈ કરતાં વધુ માન્યામાં આવે એવી. એટલું જ. તે તમારી સમક્ષ સત્યને પ્રદર્શિત કરી શકે તેટલી શક્તિમાન નથી. બહુ બહુ તો તે તમને એક બુદ્ધિશાળી પસંદગી આપે, એક જીવવાનો રસ્તો આપી શકે.

તમારા શ્વાસની ગુણવત્તા, કે જે તમારા જીવનનો મુખ્ય આધારસ્થંભ છે, તે છેક છેલ્લી ક્ષણ સુધી બગડતો નથી. જેથી કરીને તમે જીવનની દરેક ઋતુઓને માણી શકો. બીજા તમારા માટે શું વિચારે છે તે તેમનો પ્રશ્ન છે. અંદરથી તો તમે તમને બીજા કોઈ પણ કરતાં સારી રીતે જાણતા જ હોવ છો. દુનિયા, સમાજ તો તમે ઘરડાં થઇ ગયાની લાગણી અનુભવો એનાં માટે ઉત્તમ પ્રયત્ન કરશે. શા માટે માં-બાપ, શિક્ષકો અને વડીલો પણ તમને મોટા થાવ કે હવે તમે મોટા થયા એવું કહ્યા કરતાં હોય છે. તેઓ જાણી જોઈને એવું નથી કરતાં હોતાં, તેમને એનાંથી વધુ સારી બીજી કોઈ ખબર જ હોતી નથી. મહદ્દઅંશે તો તેમનાં વિરુદ્ધ કોઈ દાઝ ન રાખશો ફક્ત તમારો અંતર્નાદનો અવાજ થોડો મોટો કરી દો. તમારો અંતર્નાદ જ તમને માર્ગદર્શન આપશે અને તમને કેવાં પગલાં લેવા તેનાં વિષે નિર્ણય કરવામાં મદદરૂપ બનશે. એક દિવસ મુલ્લા નસરુદ્દીન નેવું વર્ષની ઉમરે એક અઢાર વર્ષની છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. તેમનાં પુત્રો, પૌત્રો અને તેમનાં પણ સંતાનો સ્તંભિત થઇ જાય છે.

“તમે આ શું કરી રહ્યા છો, અબ્બા? પુત્રે કહ્યું, “ફાતિમા, ફક્ત અઢાર વર્ષની છે!”
“તો શું થયું? તારી માં પણ અઢાર વર્ષની જ હતી જયારે તેની સાથે મેં નિકાહ કર્યો હતો.”
“તમે મને સમજ્યા નહિ, ચાલો હું તમારી સાથે સીધી વાત કરું, આ ઉમરે સંભોગ? એનાંથી કોઈકનું મોત થઇ શકે છે! હું તમને ચેતવી રહ્યો છું.”
“આહ...તારી માંની જેમ બિનજરૂરી ગુસ્સે ન થઇ જા, ચિંતા ન કર, જો ફાતિમા મરી જશે તો, હું બીજી સાથે લગ્ન કરીશ!” મુલ્લાએ કહ્યું.

હું એમ નથી કહેતો કે તમે કારણ અને અર્થને મારી નાંખો; પણ બીજા કોઈને તમારે તમારા વિષે કેવું અનુભવવું જોઈએ તે કહેવાની છૂટ ન આપો. કોઈ શિક્ષક, કોઈ ઉપદેશક, કોઈ માલિક કે કોઈ સહભાગીને પણ નહિ. કાયદો, તમારો વિશ્વાસ અને તમારી આસપાસનાં લોકો તમને જીવન જીવવાનું એક ચોકઠું આપશે, પણ ફક્ત તમારે જ તમારું જીવન કેવું જીવવું તેનાં માટેનાં નિયમો બનાવવાના. જયારે દૂરની યાદો તમારા વર્તમાનનાં અંતરને કાપવા માટે એક અવરોધ બની જાય, ત્યારે તમારા જીવનની અને તમારા વર્તમાનની દોર તમારા હાથમાં લઇ લો અને જીવન જીવવાનું શરુ કરી દો! બીજા માટે તેમજ પોતાનાં માટે દયા તમારા જીવનની દરેક ક્ષણને એક આહલાદ્દક બનાવે છે.

બાળપણ હંમેશા નથી રહેતું. યુવાની કાયમી નથી, અને વૃદ્ધાવસ્થા પણ જલ્દી જ ખતમ થઇ જશે. કશાયને વળગી રહેવા જેવું નથી. આ તો ઉડતી ઋતુઓ છે. જયારે તમારી પાસે જે છે ત્યારે તેને જીવો, પ્રેમ કરો, હસો-હસાવો અને દાન કરો. અને એવી રીતે કરો કે તમે અરીસામાં દેખાતી વ્યક્તિ સાથે પ્રેમમાં પડી જાવ, એવી રીતે કે જયારે ઓશિકા પર માથું મુકતી વખતે તમારા મન પર કોઈ ભાર ન રહે.

What I longed for will be set aside
The things I pursued in vain —
Let them pass
Let me turn
To things I overlooked
And carelessly threw away
To possess them truly until they are mine.
(Tagore, Rabindranath. The Stars Look On.)

તમે જે છો તે બની રહો. તમારી જાતને પ્રેમ કરો. તમારી જાતને ઓળખો. તમે તમારી જાતને ઉમરથી પરે પામશો.
(Image credit: Paul Weber)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.   

Saturday, 13 April 2013

જયારે જિંદગી તમને ધોબીપછાડ આપે

 ખાત્રી કરજો કે ટનલનાં અંતે દેખાતો પ્રકાશ એ સામેથી આવી રહેલી કોઈ ટ્રેઈનનો તો નથીને.

એક જાણીતી કહેવત છે કે " જેનાંથી તમે મરતા નથી તેનાંથી તમે મજબુત બનો છો." તે મોટાભાગનાં કિસ્સામાં સાચું છે સિવાય કે જો કોઈ એક પ્રસંગે તમને ખુબ જ તકલીફ પહોચાડી હોય, અને તેનાંથી તમને થયેલું નુકશાન જો ભરપાઈ થઇ શકે તેમ ન હોય તો. આવા કિસ્સામાં કોઈ રસ, કોઈ આશા, કોઈ વચન, કે કોઈ પ્રકાશ નજરે નથી ચડતો. મને અનેક ઈ-મેઈલ એવાં મળતા હોય છે કે જેમાં લોકોનો વિશ્વાસઘાત થયો હોય, બીજા વડે ત્યાગ થયેલો હોય, તેમને ખોટા પાડવામાં આવ્યા હોય, કોઈ વખત તેમને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા હોય, કે હાલના પદેથી નીચે ઉતારી દેવામાં આવ્યા હોય, કે કશાયથી વંચિત રાખવામાં આવ્યા હોય. આવી પરિસ્થિતિમાં કેટલાંક લોકો પોતાની જાતને સાચવી લઇને આગળ વધી જતાં હોય છે, તો કેટલાંક લોકો એવાં હોય છે કે જેમનાં ઘાવ ક્યારેય રૂજાતા જ નથી હોતા. મોટાભાગનાં આવા ઈ-મેઈલમાં લોકો જવાબ શોધતાં હોય છે. તેઓ મને લખતાં હોય છે કે તેમને ક્યાં ખરાબ કર્મો કર્યા છે, તેઓ ક્યાં ખોટા પડ્યા? આવું તેમની જોડે જ શા માટે બન્યું? સત્ય એ છે કે આ કઈ હંમેશા તમે શું કર્યુ કે નથી કર્યુ તેનાં વિષે નથી હોતું, પરંતુ કોઈ વખત, તે સામે વાળી વ્યક્તિ વિષે, તેની પ્રાથમિકતા વિષે હોય છે. તમારે કદાચ ફરીથી લોકો તમને શા માટે પ્રેમ કે નફરત કરે છે તેનાં વિષે ફરી વાંચવું હોય તો.

હું આજે સંબધો ઉપર નથી લખી રહ્યો, આજે મારા રસનું કેન્દ્રબિંદુ તમે છો. ફક્ત તમે. તમે જો આ અગ્નિ-લડાઈ લડીને થાકી ગયા હોય, જયારે જિંદગી એકધારી તમને ધોબીપછાડ આપી રહી  હોય, જયારે તમારો રસ્તો હંમેશા અવરોધોથી ભરાઈ જતો હોય, તેનો અર્થ છે કે એ એક હાંક છે. એક બદલાવની હાંક. જો તમે આ ક્ષણે બદલાવનો પ્રતિરોધ કરો કે તેને અવગણો તો તેનાં પછીની ક્ષણે જે પછાડ પડશે તે કદાચ મરણતોલ હશે. અને એ સમયે તે તમને મજબુત નહિ બનાવે, પણ તમને એવું નુકશાન પહોચાડશે કે જે ક્યારેય સરખું નહિ થાય. આપણે અહી એવું નથી ઈચ્છતા કે તમે સાજા ન થઇ શકો એટલાં બધા ઘાયલ થાવ. તમારી તાકાત કોઈ બહારનાં પ્રતિરોધમાંથી મળે તેનાં કરતાં અંદરની શાંતિમાંથી મળે તે વધારે મહત્વનું છે. તમે અર્થવ્યવસ્થાને, સરકારને, તમારા બોસને, તમારા એમ્પ્લોયરને, તમારી ઇન્ડસ્ટ્રીને બદલી શકતાં નથી. તે બધાં તમને પ્રેમથી રાખે એવી ઈચ્છા રાખવી એ નર્યુ બાળપણ છે. જિંદગી હંમેશા તમને તમે જે રીતે ઈચ્છો તે રીતે રાખે તેવી ખેવના રાખવી તે એક પ્રકારની અવાસ્તવિક વાત છે.

એક ફ્લાઈટ અટેન્ડન્ટે મુસાફરને પૂછ્યું, “તમે ડીનર લેશો?”
“મારી પસંદગી શું શું છે?” તેને કહ્યું.
“હા કે ના.” પેલીએ તરત જવાબ આપ્યો.

કોઈ વખત તમારી પાસે ફક્ત બે જ પસંદગી હોય છે હા કે ના. જો તમે સારા વિકલ્પની કાયમ રાહ જોતા રહો, જો તમે સતત વિરોધ કરતાં રહો, તો તમે તમારા જીવનની સૌથી મહત્વની અને તમારા જીવનને આકાર આપનારી ક્ષણોને ગુમાવી દેશો. તમે ફક્ત ઘણું બધું પૃથ્થકરણ અને વિચાર જ કરતાં રહો તો એક પરિસ્થિતિ એવી આવી જાય કે પછી ત્યાં વધુ વિચાર એ બીજું કશું પેદા ન કરે પણ માથાનો દુ:ખાવો જ આપે, જયારે તમારું મન બહેરું થઇ જાય, જયારે સમજનો અંત આવી જાય, ત્યારે તેનો અર્થ એવો જરૂરી નથી કે તમે જે તારણ કાઢ્યું તે બધી બાબતોનો જવાબ છે કાં તો પછી આ બાબતોનો કોઈ જવાબ જ નથી. થોમસ મર્તોનના શબ્દોમાં, “એ ફક્ત એવું યાદ અપાવે છે કે વિચારવાનું બંધ કરો અને જોવાનું શરુ કરો. કદાચ તેમાં કશું જ હવે સમજવાનું નથી રહેતું. કદાચ આપણે હવે ફક્ત જાગવાની જ જરૂર છે.”

અંતે તો પરિસ્થિતિ પ્રત્યે તમારો શો પ્રતિભાવ છે તેનું જ મહત્વ હોય છે. તમારે શો પ્રતિભાવ આપવો છે તેનાં ઉપર વિચાર કરો, પસંદગી કરો અને તેને અમલમાં મુકો. જો તમારો પરિસ્થિતિ પ્રત્યેનો પ્રતિભાવ નહિ બદલાય, તો પરિણામ પણ એનું એ જ રહેશે. અમલ કરો!

વિલિયમ હેન્લી એ એક Invictus  નામની સુંદર કવિતાની રચના કરી છે, જે મને બાળપણથી ખુબ પસંદ છે. આ રહી તે:

Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds, and shall find, me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll.
I am the master of my fate:
I am the captain of my soul.
 
 
અરાજકતા, સંજોગો, અવરોધો કદાચ બાહ્ય વસ્તુ હોઈ શકે પરંતુ તેનાં માટે થતો સંઘર્ષ હંમેશા આંતરિક હોય છે. આ વાક્ય ઉપર થોડી મિનીટો માટે વિચાર કરો અને તમને જણાશે કે હું શું કહેવા માંગું છું. જયારે તમને તમારા આંતરિક સંઘર્ષોનું સમાધાન કેમ કરવું તે ખબર હોય તો બાહ્ય પરિબળો તમને હંમેશાં ઓછું ને ઓછું પજવશે. અને અંદરની શાંતિથી કેવી રીતે રહેવું, અને આંતરિક સંઘર્ષોનું સમાધાન કેવી રીતે કરવું? વારુ, આજની તારીખ સુધી હું જે કઈ લખી રહ્યો છું તે તેનાં વિષેનું જ છે. ટુંકમાં, તમારા કર્મો અને પ્રતિક્રિયાઓ પ્રત્યે સભાન બનો, તમારા ચિત્ત-શુદ્ધિકરણ ઉપર કામ કરો અને તમારી જાતને સાંભળતા શીખો.
 
જો તમે ટનલના અંતે પ્રકાશ ન જોઈ શકતા હોવ, તો કદાચ તમે આંખો બંધ કરીને ચાલી રહ્યા હશો. અને જો તમને પ્રકાશ દેખાઈ રહ્યો હોય તો યાદ રાખીને ખાત્રી કરી લેજો કે સામેથી કોઈ ટ્રેઈન તો નથી આવી રહી ને.
 
ભારતવર્ષમાં અત્યારે નવરાત્રી ચાલી રહી છે, નવ રાતોનો માં આદી શક્તિની પૂજાનો તહેવાર. તેની પાછળની પ્રાચીન વાર્તાનો ગર્ભિત અર્થ શું છે? સાધકની યાત્રામાં આવતાં પ્રાથમિક અવરોધો કયા છે? આ વિડીઓમાં તેનાં વિશેની વાત છે.
(Image credit: Patrik Hjelm)
શાંતિ.
સ્વામી
 

Saturday, 6 April 2013

નિર્ણય લેવો

 જો તમારે તરતાં શીખવું હોય તો, વહેલા કે મોડા, તમારે પાણીમાં કુદકો મારવો પડશે. બીજો કોઈ રસ્તો નથી.

 શું તમે અનિર્ણયાત્મકતાથી પીડાઓ છો? મારી દ્રષ્ટીએ તે એક માનસિક ખામી છે, એક માનસિક નબળાઈ. જેઓ પસંદ કરતા ડરતાં હોય છે તેઓ મોટાભાગે નિર્ણયને પાછો ધકેલતાં હોય છે. એ એક ખોટી માન્યતા છે કે નિર્ણય લેવામાં તમે જેટલી વધુ રાહ જુઓ એટલો વધુ સારો નિર્ણય લઇ શકાય. હું તમે આવેગશીલ થઇ જાઓ તેમ નથી કહેતો, પરંતુ કાયમ રાહ જોયા કરવી એ પણ એક મૂર્ખતા છે.
જીવનમાં ડગલે ને પગલે પસંદગીઓ કરવાનું આવતું હોય છે. જો તમે ધ્યાનપૂર્વક ચકાસો તો જણાશે કે આ સાચો કે ખોટો નિર્ણય લેવાની કોઈ વાત નથી. તમે ધ્યાનપૂર્વક ગહન ચિંતન કરીને નિર્ણય લેશો તો પણ તેમાં કઈ નિશ્ચિંતતા નથી કે એ તમારો એક સાચો નિર્ણય જ હશે. ખરેખર તો નિર્ણય લેતી વખતે તમને એ ખબર હોતી જ નથી કે એ નિર્ણય સાચો કે ખોટો છે. એની ખબર તો તમને તે નિર્ણય લીધા પછી તેનું જે પરિણામ આવે તેનાં પરથી જ પડતી હોય છે.
 
તમારા નિર્ણયને શું અસર કરે છે?

દરેક નિર્ણયનાં પાયામાં ત્રણ વસ્તુ હોય છે: ઈચ્છા, ડર અને શરતીપણું. આ નિર્ણય લેવો કે પેલો નિર્ણય લેવો તે મોટાભાગે તે નિર્ણયમાંથી થતાં ફાયદા કે નુકશાન ઉપર આધાર રાખે છે. જો ફાયદાની ઈચ્છા નુકશાનનાં ડર કરતાં વધુ હોય તો તમે ફાયદાની તરફેણમાં નિર્ણય લેશો, અને જો નુકશાનનો ડર એટલો બધો ન હોય તો તમે નુકશાનની તરફેણમાં નિર્ણય લેશો. નિર્ણય ન લેવો એવું કશું હોતું જ નથી, કેમ કે તે પણ એક નિર્ણય જ થઇ ગયો. ફાયદા કે નુકશાન સિવાય સમાજ, ધર્મ અને સંસ્કૃતિ દ્વારા તમારા મન પર એક પ્રકારનું શરતીપણું લાગેલું હોય છે જે નિર્ણય લેવાની પ્રક્રિયામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમે બીજા શું વિચારશે તેનાં પર વિચાર કરવાં લાગો છો. બીજા લોકોનાં મત તમારા નિર્ણયને અસર કરી શકે છે, જો તમે તેનાં પ્રત્યે જાગૃત ન હોવ તો.
 
ભવિષ્યનાં તમામ પરિબળોને ને વિભાગી કે જાણી ન શકાય, હકીકતમાં તો તેનાં માટે પ્રયત્ન કરવો એ પણ એક બાલ-હરકત ગણાશે. જયારે તમારે નિર્ણય લેવો જ પડે તેમ હોય ત્યારે તમે તમને તે સમયે જેટલી ખબર હોય તેનાં આધારે નિર્ણય લો અને પછી તેના મુજબ ચાલવા લાગો. જો તમારો નિર્ણય તમારું મનપસંદ પરિણામ આપે તો ઉત્સવ મનાવો અને એ આનંદ બીજા સાથે પણ વહેચો. અને જો તેનાથી વિપરીત પરિણામ મળે, તો તમારી જાત ને યાદ અપાવો કે તે નિર્ણય તમે એક જાગૃત રહીને કરેલી પસંદગી હતી અને એનું જે કઈ પણ પરિણામ આવે તે સહન કરવાની તમારી તૈયારી છે. આ કોઈ દુનિયાનો અંત નથી. તમે ઇચ્છિત પરિણામ આપે એવા જ નિર્ણયો લો તેવી અપેક્ષા ન રાખી શકો. ભલે ને તમે ગમે તેવાં હોશિયાર, અંત:સ્ફૂરણાથી ભરપુર, કે વિદ્વાન કેમ ન હોવ, તમારા અમુક નિર્ણયમાં ખોટ હોવી તે એક સામાન્ય વાત છે.
 
કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારી જાત ને બે સોનેરી સવાલ પૂછો:
૧. હું શા માટે આ નિર્ણય લઇ રહ્યો/રહી છું.
૨. હું મારા નિર્ણયની જવાબદારી લેવા માટે તૈયાર છું?

તમે ગમે તે પસંદગી કરો તેનું કોઈ ને કોઈ પરિણામ તો હોવાનું જ. જ્યાં સુધી તમે તમારી પસંદગીઓના પરિણામને સ્વીકારવાની હિંમત ધરાવો છો ત્યાં સુધી જિંદગી તમને સારા નિર્ણય લેવાની તક પણ આપતી રહેશે.
 
પશ્ચ દ્રષ્ટિની જાળ

જયારે આપણી પસંદગી આપણને કોઈ ઈચ્છિત પરિણામ તરફ ન લઇ જાય, એ સમયે એવું લાગવું સામાન્ય છે કે આપણે આમ કરવાનું હતું કે આપણે આમ કરી શક્યા હોત. ક્યાંક તમને એવું માનવાનું મન થાય છે કે તમે તમારી પસંદગી ખરી કરી શક્યા હોત, તમે એ વ્યક્તિનું કહ્યું સાંભળી શક્યા હોત જે તમને આ પસંદગીની વિરુદ્ધ ચેતવી રહ્યા હતા, તમે થોડું વધારે વિચારી શક્યા હોત વિગેરે વિગેરે. હું આ બાબતને પશ્ચદ્રષ્ટીની જાળ કહું છું. હકીકત તો એ છે કે તમે એ સમયમાં સૌથી ઉત્તમ નિર્ણય કર્યો હોય છે. એવું કહેવાય છે કે પશ્ચદ્રષ્ટિ એ ૧૦ × ૧૦ ની દ્રષ્ટિ છે. એ સારું છે, પરંતુ તમે ફ્રી-વે ઉપર રીવર્સ ગીઅરમાં ગાડી નથી ચલાવતાં, તમે ગાડી આગળ ચલાવો અને નજર પાછળનું દ્રશ્ય બતાવતાં અરીસા પર ટેકવેલી રાખો તેમ ન પાલવે.
 
તમારા નિર્ણય મુજબ જીવવું એ રસ્તા પર ડ્રાઈવ કરવા જેવું છે; તમે થોડી થોડી વારે તમારી બંને બાજુ પરના અરીસા પર તેમજ પાછળનું દ્રશ્ય બતાવતા અરીસા પર નજર નાખી તમારી આજુબાજુના ટ્રાફિકને ચકાસી શકો છો, તમે લેન પણ બદલતાં હોવ છો, પરંતુ તમે હંમેશા આગળ જ તમારી મંઝીલ તરફ વધતાં રહો છો. અલબત્ત ત્યાં અવરોધો તેમજ શંકાઓ આવતાં જ રહેશે. એ તો રમતનો એક ભાગ છે. જો તમે તમારી જાત ને એમ કહી શકો કે – “હું જાણું છું ત્યાં સુધી હું સૌથી ઉત્તમ નિર્ણય લઉં છું” – ત્યાં સુધી તમે બરાબર છો એક દસકા પહેલાં મેં “Who Moved My Cheese?” નામનું એક સુંદર પુસ્તક વાંચ્યું હતું. તે ખરેખર વાંચવા જેવું છે. તમે તેને અહીં ફ્રી ડાઉનલોડ કરી શકો છો.
 
“તારા માર્ક્સ એ સ્પષ્ટ બતાવે છે કે તું ભૂગોળનો અભ્યાસ બિલકુલ નથી કરતો!” શિક્ષકે કહ્યું,
“શું બહાનું છે તારી પાસે તેનું?”
“મારી પાસે કોઈ બહાનું નથી, મિસ. જોહ્ન્સન,” નાનકડાં જ્હોનીએ કહ્યું, “આ તો મારા પપ્પા કહે છે કે દુનિયા સતત બદલતી રહે છે. તો મને લાગ્યું કે હું તે સ્થિર થઇ જાય ત્યાં સુધી રાહ જોઈ લઉં, અને પછી તેનો અભ્યાસ કરું.”
 
અનંતકાલ સુધી રાહ ન જુઓ. જયારે તે અનંતકાલ આવશે ત્યારે તમારી પાસે જુદા પ્રકારની ચુનોતીઓ હશે. જો તમારે કઈ કરવું જ હોય તો, આગળ વધો અને તે કરવા માંડો. ફક્ત કાર્યો જ પરિણામનું સર્જન કરે છે. ખાલી વિચારો અને અનંત યોજનાઓ તમને એવા અંત વગરના રસ્તે લઇ જાય છે જ્યાં મુસાફરીનો કોઈ આનંદ રહેતો નથી. આવા રસ્તે ના તો કોઈ દિશા સૂચક નિશાની છે ના તો કોઈ પરમ સુખની પ્રાપ્તિ થાય તેવું કોઈ મંઝીલ સ્થાન. ત્યાં ફક્ત ઠાલા શબ્દો અને પોલી યોજનાઓ જ હોય છે.
 
જો તમે તરતા શીખવા માટે ગંભીર હોવ તો તમારે વહેલાં કે મોડા તમારા પગ ભીના કરવા જ પડશે. અન્ય કોઈ રસ્તાની મને ખબર નથી. કોઈ તમને માર્ગદર્શન આપી શકે, તમે શરૂઆતમાં ફ્લોટર્સનો ઉપયોગ કરી શકો. પરંતુ આખરે તો તમારે તમારી જાતે જ પાણીમાં એકલા રહેતા શીખવું પડશે, તમારે જવાબદારી તમારા હાથ પર લેવી જ પડશે. જો તમે અન્ય લોકોનાં મતથી પરેશાન હોવ તો આ વિડીઓ જુવો.
 
ભૂલો થાય તેનો કશો વાંધો નહી, ખોટા નિર્ણય લેવાય જાય તેનો પણ કશો વાંધો નહિ. તેને સ્વીકારો, તમારી શક્તિ મુજબ તેને સુધારી લો અને આગળ વધતા રહો. તમારી જાત ને સજા ન કરો. બદલાવ હમેશા વર્તમાન ક્ષણમાં થાય છે. તમે નિર્ણયો મૃત ભૂતકાળ કે છેતારમણા ભવિષ્યકાળ માટે લો છો. એવા બધાં વાક્યો કે જેમાં “આવું કર્યુ હોત”, “તેમ કરવા જેવું હતું”, “આવું કરી શક્યા હોત” – તે મૃત નિર્ણયો સૂચવે છે. અને એવા બધાં વાક્યો કે જેમાં “આમ કરીશ”, “તેમ કરીશ” તમારા ભવિષ્યના નિર્ણયો સૂચવે છે. ફક્ત વર્તમાન ક્ષણ જ એક માત્ર સત્ય છે. જો કાળની ભાષામાં કહેવું હોય તો the simple present and the present continuous are just about the only two tenses with any substance. All the other ones are simply there to tense you.
(Image credit: Tim Bouckley)

શાંતિ.
સ્વામી

Share