![]() |
જેમ કે પાણીનાં અનેક ટીપાની હારમાળા એક ધોધને જન્મ આપે છે, વિચારોની હારમાળા તમારી માનસિક હાલતને જન્મ આપે છે. |
ભૂતકાળમાં, મેં ટુંકમાં, નકારાત્મક વિચારો અને લાગણીઓમાંથી કેમ બહાર આવવું તેમજ હકારાત્મક રહેવાની કલા ઉપર તેમજ બીજા તેનાં વિશેનાં લેખો વિશે લખ્યું છે. આ લેખમાં હું તમારી સાથે એક ફર્સ્ટ-એઇડ જેવી યુક્તિ વિશે વાત કરીશ કે જે તમે તરત અમલમાં મૂકી શકો. તમે તમારા તેમજ તમારા સંજોગો અનુસાર તેમાં ફેરફાર કરી શકો છો. હું તે યુક્તિ અહી રજુ કરું તે પહેલાં તેની પાછળની અભિધારણા ઉપર પ્રકાશ પાથરીશ.
લાગણીઓ તો લક્ષણો છે, તે મુખ્ય કારણ નથી. મહેરબાની કરી પુન: વાંચો: લાગણીઓ તો લક્ષણો છે, તે મુખ્ય કારણ નથી. કલ્પના કરો કે આજે શુક્રવારની બપોર છે અને તમારા સહકર્મચારી મિત્રો તમને બહાર જવા માટે આમંત્રણ આપે છે. તે સ્વીકારવાને બદલે તમે ઘરે જવાનું અને તમારા જીવનસાથી સાથે રહેવાનું પસંદ કરો છો. ઘરે જતી વખતે તમે ડોનટ (એક ખાવાની ગળી વાનગી)નું એક પેકેટ લઇ જવાનું નક્કી કરો છો. તમે તેને ઘરે જઈને પોતાનાં સાથી સાથે ખાવાનો વિચાર કરો છો. ચાલો માની લઈએ કે તમારા સહજીવનમાં એક કાળજી, એક બંધન, અને થોડો પ્યાર પણ છે – બીજા શબ્દોમાં કહીએ તો તમારું સહજીવન એક સામાન્ય વિવાહિત જીવન જેવું છે. કોઈ કારણસર તમારો સાથી આજે થોડો નારાજ છે. તમારો દિવસ પણ તણાવગ્રસ્ત ગયો હોય છે પરંતુ તમે તેને થોડા ડોનટ ખરીદી ઘરે જઈ કોફી સાથે તેને ખાઈને તેમજ થોડી વાતચીત કરીને તે તણાવને ધોઈ નાખવા માંગો છો. તમે ઘેર પહોંચો છો અને રાબેતા મુજબનાં આવકાર પછી નીચે મુજબનો વાર્તાલાપ થાય છે:
“હું ડોનટ લઇ આવી છું! ચલ કોફી લઈએ”
“અરે, પણ મને કોફી પીવાનું મન નથી.”
“બરાબર છે, તું ખાલી એક કે બે ડોનટ ખાજે.” તમે થોડા અનુત્સાહિત થઈને પ્રત્યુત્તર આપો છો.
“ડોનટ? અત્યારે? આ તો ડીનરનો સમય છે!” તે થોડો ચિડાઈ જાય છે.
વારુ, તો આ રીતે ખુશી અને હકારાત્મકતાની શક્યતાનું નિર્દયતાપૂર્વક ખૂન થઇ જાય છે. પરંતુ ચાલો આ વાર્તાલાપને ચકાસીએ. તમારો સાથી તમારી ઉપર ચિડાતો હોતો નથી. તમે ડોનટનાં બદલે બીજું કઈ પણ ખરીદી લાવ્યા હોત તો પણ તેનો પ્રતિકાર કદાચ આ જ હોત. કારણ કે તે તમારા માટે કે તમે શું ખરીદીને લાવ્યા તેનાં વિશેનો પ્રતિકાર નથી હોતો, એ તેનાં માનસિક હાલતનું દર્શન માત્ર હતું. તમે તેનાં જે વર્તનનાં સાક્ષી હતાં તે તો ખાલી લક્ષણો માત્ર હતાં. ડોનટ કે વાર્તાલાપ કઈ તેનાં કારણ નહોતા; ડોનટ કે વાર્તાલાપ તો તુચ્છ કે કોઈ વિશેષ મહત્વ વગરનાં છે. હું જયારે એમ કહું કે લાગણીઓનો અનુભવ તો એક લક્ષણાત્મક વાત છે કારણ નહિ ત્યારે એનો મારે કહેવાનો અર્થ આ રીતે થાય છે.
જુઓ, તમારો દિવસ ૨૪ કલાકનો બનેલો હોય છે, એક કલાક ૬૦ મિનીટનો બનેલો હોય છે, દરેક મિનીટ ૬૦ સેકન્ડ્સની બનેલી હોય છે. આમ તમારો દિવસ એક ખાલી દિવસ નથી હોતો પરંતુ હજારો ક્ષણોની હારમાળાનો બનેલો હોય છે. અને આવું જ કઈક તમારા વિચારો અને લાગણીઓ માટે પણ હોય છે. જયારે તમને ખરાબ લાગણી થતી હોય, નકારાત્મક લાગણી અનુભવાતી હોય, ત્યારે તે ખાલી એક મોટો એકમ નથી હોતો, એ એકથી વધુ વિચારોની હારમાળા હોય છે, જાણે કે લાગણીઓની એક લાંબી કતાર. અને તે એકબીજાથી એટલી જોડાયેલી હોય છે કે તે અદ્રશ્ય ભાસે છે, જાણે કે એક સંસક્ત એકમ, જાણે કે ધોધમાં રહેલાં પાણીનાં અનેક ટીપા. તમારી એક નકારાત્મક લાગણી આમ અનેક વિચારો અને લાગણીઓની હારમાળા હોય છે. જેમ એક ટ્રેઈન પોતાનાં પાટા બદલીને એક આખી દિશા બદલી નાંખે છે, તેમ તમે પણ મનને શાંત કરવાની અને વિચારોને બદલાવાની રીતને શીખીને કોઈ પણ લાગણીથી ઉપર ઉઠી શકો છો. શું આ કોઈ સઘન ધ્યાન કર્યા વગર કરવું શક્ય છે? હા, તેનાં માટે નીચે બતાવેલી રીત જાણવા માટે વાંચો આગળ:
તમારી જાત સાથે વાત કરો, સ્વગત સંવાદ કરો. હા, બસ એટલું જ. તે એકદમ અસરકારક ટેકનીક છે. પ્રથમ પગથીયું છે તરત જ એ વાતથી સજાગ કે વાકેફ થઇ જાઓ અને તેનો સ્વીકાર કરો કે તમે નકારાત્મક લાગણીનો અનુભવ કરી રહ્યા છો. તમે તમારી જાત સાથે વાત કરીને તેમ કરી શકો. તમારા સ્વને કહો કે તમે નકારાત્મકતા અનુભવી રહ્યા છો અને દુ:ખી છો. તમારી જાતને એ યાદ આપવો કે તમે એક માનવ છો. તમારા માટે નકારાત્મકતાને અનુભવવું, નિરાશાને અનુભવવી, દુઃખને અનુભવવું, વિષાદને અનુભવવો તે એકદમ તદ્દન સામાન્ય વાત છે. તેનો અર્થ એ છે કે તમે માનવ છો. માનવ બનવાથી ક્યારેય ગભરાઓ નહિ. માનવતા એ તો દિવ્યતા તરફ લઇ જતો માર્ગ છે. તમારી જાત સાથે જોડાયેલાં રહો. તમારે હકીકતમાં ઉપરોક્ત કહ્યા મુજબનાં સ્વગત સંવાદ કરવા પડશે. જયારે લોકો નકારાત્મક હોય છે, ત્યારે મોટાભાગે પોતાનાં મગજમાં લાંબી વાતચીત કરતાં હોય છે અને તે તેમને એક મોટી નકારાત્મકતા તરફ દોરી જાય છે. આ વસ્તુસ્થિતિમાં આપણે આપણા સંવાદનાં ભાવને કે સ્વરૂપને બદલાવવાનાં હોય છે. તમારી જાતને એ યાદ અપાવો કે તણાવનો અનુભવ કરવો એ તમારા માટે બિલકુલ સ્વાભાવિક બાબત છે. Do not feel bad for feeling bad! તમને નકારાત્મક લાગણીઓનો અનુભવ થઇ રહ્યો છે માટે તમે ખરાબ છો એવું ન વિચારો. બીજી વ્યક્તિને તમારા સમીકરણમાંથી દુર જ કરી દો અને ફક્ત તમારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. નકારાત્મકતાને તમારાથી દુર ન કરો, તેમ કરવાથી તો તમે ઉલટાનાં વધુ નકારાત્મક અને હતોત્સાહ થઇ જશો.
જેવાં તમે નકારાત્મકતા પ્રત્યે જાગૃત થઇ જશો અને તેનો સ્વીકાર કરી લેશો, તેનાં પ્રત્યેનો પ્રતિકાર અદ્રશ્ય થઇ જશે. પ્રતિકાર અને સંઘર્ષ હંમેશાં એકબીજા સાથે જોડાયેલાં હોય છે, તમે એકને દુર કરી દો અને બીજું આપોઆપ પોતાને ખતમ કરી લેશે.
તમારી નકારાત્મકતાના સ્રોતનો નાશ કરો, તમારી જાતનો નહિ. અને ના, સ્રોત એ બીજી વ્યક્તિ પણ નથી માટે તમારે કોઈ મોટા હથોડાની પણ જરૂર નથી. જો કે આ લેખ, વિવાહિત જીવનની નકારાત્મકતા વિશેનો નથી છતાં પણ હું કોમેડિયન રોડની ડેન્જરફિલ્ડે કહેલી વાતનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. એક રમુજી વાત છે તમને કદાચ મજા આવે તે વાંચીને. તો તે છે: “અમે જુદા રૂમમાં સુઈએ છીએ, અમે જુદું જુદું ભોજન ખાઈએ છીએ, અમે જુદા જુદા સ્થળોએ વેકેશન કરવા માટે જઈએ છીએ, અમારા વિવાહિત જીવનને ટકાવી રાખવા માટે અમે બને તેટલું બધું જ કરીએ છીએ.”
(Image
credit: Steve
Patterson)
શાંતિ.સ્વામી
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.