Saturday, 27 July 2013

કશાયની કઈ પણ કિંમત નહિ કરવાનું મુલ્ય

જયારે તમે કશાયની "કઈ પણ" કિંમત નહિ કરવાનું શીખી જાવ છો ત્યારે દરેક વસ્તું અનમોલ બની જાય છે. આત્મ-સાક્ષાત્કારનો અર્થ છે તમારા બાસ્કેટ (મન)ને ખાલી કરવું.
ચાલો આજે હું તાઓ ધર્મની એક વાર્તાથી શરૂઆત કરું. એક વખત બે માણસો, એક કઠિયારો અને બીજો એનો શિષ્ય, એમ તે બન્ને એક જંગલમાંથી પસાર થઇ રહ્યાં હતાં. તેઓ એક ઘટાદાર વડનાં ઝાડ પાસે પહોચ્યાં. જાણે કોઈ મોટું દિવ્ય વૃક્ષ ન હોય એમ તે રૂઆબદાર રીતે ઊભું હતું. તેનું થડ એકદમ પહોળું હતું, તેની ડાળીઓએ એક મોટો વિસ્તાર ઘેરી લીધો હતો, તેની અસંખ્ય ડાળીઓ હવામાંથી લટકી રહી હતી અને જમીનને અડી રહી હતી; ટુંકમાં, આ એક પ્રાચીન વૃક્ષ હતું.

યુવાન શિષ્ય તો બહુ ઉત્સાહમાં આવી ગયો. “અરે આ ઝાડ તો જુઓ,” તેને કહ્યું. “આપણે હવે બહુ દુર જવાની જરૂર નથી. આ એકલું જ આપણને જોઈએ તેટલું લાકડું આપી શકશે.”
અનુભવી કઠિયારાએ એક ઉપરછલ્લી નજર નાંખી અને ઉભા રહેવાની દરકાર પણ ન કરી. “આ ઝાડ ખુબ જ જુનું છે અને મારી કુહાડી માટે બહુ કઠણ પડે,” તેને જવાબ આપ્યો. “એનાં મુળિયાતો કશાય કામનાં નથી અને ડાળીઓ તો ખુબ જ મોટી છે.”
આ તો એકદમ નકામું છે. આપણને કામ લાગે તેવું તેમાં કશું નથી, બેટા,” તેને કહ્યું, “પણ તને ખબર છે આ જ બાબતો તેનાં દીર્ઘાયુષ્યનું રહસ્ય છે.”

જો તમે આ પ્રાચીન વડનાં ઝાડની જેમ ઊંડે સુધી મૂળિયાં નાંખીને અડીખમ ઊભા રહો તો આ દુનિયા તમને કશી અસર નહિ કરી શકે. અથવા એમ કહો કે જયારે એ તમારામાં કશી કિંમત નહિ જુવે ત્યારે એ તમને તમારી રીતે રહેવા દેશે. દરેક જણ પોતાનાં જીવનકાળ દરમ્યાન મુલ્યવાન વસ્તુઓની શોધ કરતાં હોય છે. પ્રથમ, આપણે કેટલીક વસ્તુઓને બીજી કરતાં વધુ મહત્વ આપવા માટે અનુબંધિત થઇ જતાં હોઈએ છીએ. ત્યારબાદ આપણે તેની પ્રાપ્તિ માટે લાગી જતાં હોઈએ છીએ. તેની પ્રાપ્તિ માટેની પ્રક્રિયામાં રહેલો સંઘર્ષ તેની પ્રાપ્તિ કોઈ લાભપ્રદ હશે તેમ માનવા માટે આપણને પ્રેરે છે. અને તે મેળવી લીધા પછી તેને ટકાવી રાખવા માટે આપણે સખત મહેનત કરતાં હોઈએ છીએ. આપણે જેની કિંમત કરતાં હોઈએ છીએ તેને ટકાવી રાખવા પણ માંગતા હોઈએ છીએ. મોટાભાગે, જે કઈ મેળવવા માટે જેટલો પ્રયત્ન વધુ લાગે તેટલું જ તે વધુ મુલ્યવાન પણ લાગતું હોય છે. એમ લાગવું તે કુદરતી છે. જરા તેનાં ઉપર વિચારો. દાખલા તરીકે, ઘણી મહેનત પછી કોઈ એક વ્યક્તિને એક હજાર રૂપિયા બચાવવાં માટે એક વર્ષ લાગતું હોય, તો તેને તેની કિંમત જે એક દિવસમાં એક હજાર બચાવી શકતી હોય તેવી વ્યક્તિની સરખામણીમાં કુદરતી રીતે જ વધુ રહેવાની. પ્રથમ વ્યક્તિએ એક હજાર રૂપિયા બચાવવાં માટે ઘણી મોટી કિંમત આપી હોય છે. તમે કોઈ પણ વસ્તુનું કેટલું અને કેવું મહત્વ આંકો છો તેનો આધાર તમે તેની કેટલી કિંમત આંકો છો તેનાં ઉપર છે.

જયારે તમે એવી વસ્તુઓનું કિંમત કરતાં શીખો છો કે જેની કિંમત દુનિયા માટે “કશીજ નથી” ત્યારે તમે તમારી આંતરિક શક્તિનાં સ્રોતની નજીક પહોંચો છો. જયારે જેની મોટાભાગનાં લોકોને કદર નથી હોતી, તે વસ્તુ એક યોગી માટે એક અતિ મુલ્યવાન સંપત્તિ સમાન હોય છે. દાખલા તરીકે: દરેક જણા શ્વાસ તો લેતાં જ હોય છે. એ કોઈ રોકેટ સાયન્સ નથી. મોટાભાગનાં લોકો તેમાં કઈ ખાસ નથી જોતા પરંતુ એક યોગી શ્વાસને સમજે છે, તે તેને વશમાં કરે છે. દુનિયા તેનાં માટે બહુ ખાસ વિચારતી નથી પરંતુ એક યોગી માટે તો શ્વાસ એ એક કમાલ છે. આનંદ જયારે શરતી નથી હોતો તેમજ જયારે તે કઈ મેળવવાનાં કે ગુમાવવાનાં આધાર પર ટકેલો નથી હોતો ત્યારે એ ચિરસ્થાયી હોય છે. તમે કશાયની પ્રાપ્તિ વગર સુખી કે આનંદી કેવી રીતે બની શકો? વારુ, એ જ તો આત્મસાક્ષાત્કાર છે. તેટલું પુરતું નથી જો કે. આત્માસાક્ષત્કારી કે પ્રબુદ્ધ વ્યક્તિમાં એક બીજો મહત્વનો ગુણ હોય છે. તે કઈ ધ્યાન કે પછી કોઈ પરંપરાને વળગી રહેવા વિશેનો નથી, ખરેખર તો તેને ભાગ્યે જ સમાધિસ્થ અવસ્થા સાથે કઈ લેવાદેવા છે. ચાલો એ સમજવા માટે ફરી એક દંતકથા તમને કહું.

હિંદુ ધર્મમાં, ગાયને પવિત્ર અને પૂજ્ય ગણવામાં આવે છે. ખાસતો એટલાં માટે કે ગાયો એક સમયમાં મનુષ્યનાં જીવનનું એક અભિન્ન અંગ હતી. દુધની બનાવટોથી પોષણ મળતું. ગાયનાં છાણનો બળતણ તરીકે ઉપયોગ થતો, ગાયનો વાછરડો મોટો બળદ થાય ત્યારે ખેતીકામમાં મદદરૂપ થતો, કુવામાંથી પાણી સિંચવામાં ઉપયોગી થતો, બળદગાડા વડે વાહનવ્યવહારમાં માણસો તેમજ ચીજવસ્તુની હેરફેરમાં તે કામમાં આવતો. ગાયો પાલતું પશુ અને તેથી પણ વધુ હતી. આપણી આ વાર્તા કે જે ભારત દેશની છે, તેમાં એક ભૂંડ અને ગાય બન્ને વાતો કરી રહ્યા હતાં:
“લોકો તને શા માટે પૂજે છે અને મને તિરસ્કારે છે? “ભૂંડ બોલ્યું. “જયારે મારું કતલ કરવામાં આવે છે ત્યારે તો મારા શરીરનો તો એક એક ભાગ ઉપયોગમાં આવે છે. શું હું પવિત્ર ન હોવું જોઈએ?”
ગાયે કહ્યું, “તારામાં અને મારામાં એ જ તો ફર્ક છે.  હું જીવતી હોય ત્યારે જ સેવા આપું છું જયારે તું મરી ગયા પછી કામમાં આવે છે.”

એક પ્રબુદ્ધ વ્યક્તિમાં બીજો મહત્વનો ગુણ આ હોય છે કે તે પોતે બીજાની નિ:સ્વાર્થપણે સેવા કરવા માટે ઈચ્છુક હોય છે અને કાબેલ પણ હોય છે. તમે એક ધંધાદારી કે ગૃહસ્થ હોઈ શકો છો, આસ્તિક કે નાસ્તિક હોઈ શકો છો, એક સાદા ઝભ્ભામાં કે બીઝનેસ સુટમાં હોઈ શકો છો, તેને કઈ લેવાદેવા નથી. તમે બીજા માટે શું કરી રહ્યા છો તેને જ કઈ અર્થ છે. ધર્મો, પરંપરાઓ, લેબલો તો ફક્ત વિવિધ રીતે જીવન જીવવાની રીતો છે, જુદા જુદા દ્રષ્ટિકોણ માત્ર છે, બહુ બહુ તો એક અલગ વિચાર પ્રથા હોય છે, એનાંથી વિશેષ બીજું કશું નથી હોતું. જોકે જયારે શરતી માન્યતાઓ મરી જાય છે ત્યારે જ આત્મસાક્ષાત્કાર થાય છે. ત્યારે જ બધી શરૂઆત થાય છે.

કોઈ તમને સોનું આપતું હોય, તમે તેની કશી કિંમત નથી આંકતા. કોઈ તમને કચરો આપે, તમે તેને પણ કશી કિંમત નથી આપતાં. કોઈ તમને કશું પણ ન આપે, તો પણ તમે તેની કિંમત આંકો છો કેમ કે હવે તેમાં તમને કશું અપાયું હોય કે તેનો અસ્વીકાર થયો હોય તેવું કશું નથી હોતું. આ જ તો સમતાનો માર્ગ છે. જયારે તમારે મન કશાયની કિંમત નથી હોતી ત્યારે બધું જ નક્કામું બની જાય છે, અને જયારે તમે કશાયની “કઈ પણ” કિંમત નહિ કરવાનું શીખી જાવ છો ત્યારે જિંદગી તમને જે કઈ પણ આપતી હોય છે તે તમને અતિ મુલ્યવાન લાગતું હોય છે. નિર્લિપ્તતા અને વૈરાગ્યનો તમારી અંદર આપોઆપ જ ઉદય થવા લાગે છે. કારણ કે, તમે જયારે જેને કઈ કિંમત આપતાં હોય તેને જ તમે વળગી રહેતા હોવ છો. તમારા લગાવની માત્રા તમે તમારા લગાવની વસ્તુને કેટલી કિંમત આપો છો તેનાં ઉપર સીધી આધારિત છે. એક પ્રબુદ્ધ વ્યક્તિનું અતિ મુલ્યવાન બાસ્કેટ હંમેશા ખાલી હોય છે. માટે આવી વ્યક્તિને કોનો લગાવ હશે? કશાયનો નહિ.

તમે જીવનમાં કોને મહત્વ આપો છો? લોકોને, વસ્તુઓને, બધાને, કે પછી કશાયને નહિ?
(Image credit: Chris Campbell)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો. 

Saturday, 20 July 2013

બદલાઈ જવામાં કશું ખોટું નથી.

જયારે તમે જેને ખોટું માનતાં હોવ છતાં પણ તેને વળગી રહેતાં હોવ છો ત્યારે આંતરિક દબાવનો હળવો પ્રવાહ એક અસંતોષની મોટી ભરતીમાં પલટાઈ જાય છે.
પરિવર્તન જ કાયમી હોય છે – તમે આ વાક્ય પહેલાં અનેક વાર સાંભળ્યું હશે. પરિવર્તનની સાતત્યતા તે ફક્ત બાહ્ય જગત માટેની જ એક સત્ય હકીકત નથી પરંતુ તમારા આંતરિક જગત માટે પણ તે એટલું જ સત્ય છે. જેમ જેમ તમારા વિચારો બદલાય છે તેમ તેમ તમારો મત પણ બદલાય છે, અને નવા મત સાથે તમે નવી સમજણ પણ મેળવો છો. અને તમે આપોઆપ તમારા લાગણીનાં સ્તરમાં તથા તમારી માન્યતાનાં જગતમાં એક બદલાવ લાવો છો; તમે વિકસો છો અને તમે આગળ વધો છો, કોઈક વખત તો તમે ખુબ આગળ વધી જાવ છો. મોટાભાગનાં લોકો પોતાની જાતને આગળ નથી ધપાવતાં ફક્ત ગોળ ગોળ જ ફરતાં રહે છે. તેઓ ફક્ત એક વર્તુળમાં બસ ઘૂમતાં રહે છે. એ જ જૂના પ્રશ્નો, એ જ ઘટમાળ, એ જ પુરાણા મુદ્દાઓ, એનાં એજ જર્જરિત પ્રતિભાવો, પ્રતીકારો અને એની એજ જૂની કડવાહટો. અને આ બધું એટલાં માટે નથી થતું કે તેઓ બદલવા નથી ઇચ્છતાં પરંતુ એવું એટલાં માટે બને છે કારણ કે તેઓ આંતરિક બદલાવને નકારી કાઢે છે.

જેમ જેમ આપણે વધુ દિવસો જીવતાં જઈએ, જેમ જેમ આપણે આપણા અનુભવોમાંથી શીખતાં જઈએ તેમ તેમ આપણા મત પણ બદલાતાં જવાનાં. આ સમાજ અને દુનિયા તમને અમુક ચોક્કસ મતને જ બદલવા દે છે બધાં નહિ. દાખલા તરીકે એક બાળક તરીકે તમે એ મત ધરાવો છો કે સાન્તા ક્લોઝ અસ્તિત્વ ધરાવે છે. જયારે તમે મોટા થાવ છો ત્યારે એવું માનવું સ્વીકાર્ય છે કે એ બધું તો એક ગોઠવણનાં ભાગરૂપે હતું, કે ક્યારેય હકીકતમાં સાન્તા હોતો જ નથી. તમે જાતે જ તે શોધી કાઢતાં હોવ છો. તમને એ ભાન થાય છે કે એ તો કોઈ બીજાની જ શોધ હતી, તમારા માતા-પિતા, કે વડીલોએ “તેને” તમારા માટે બનાવ્યો હોય છે. તમારી પોતાની શોધ તમને એક તાકાત અને દ્રઢતા આપે છે એ માનવાની કે સાન્તા ખરેખર તો એક પેદાશ છે, એક શોધ. આ સાન્તાના કિસ્સામાં આટલું સરળ કેમ છે? કારણ કે તમને હકીકતમાં ભેટો મળતી જ બંધ થઇ જાય છે. મને નથી લાગતું કે એ ચીમનીનાં અભાવને લીધે હોય છે. જયારે હકીકતમાં ચમત્કારિક રીતે ભેટો મળતી કે પ્રગટ થતી બંધ થઇ જાય છે ત્યારે કુદરતી રીતે જ તમે સવાલ કરવા લાગો છો. જો કદાચ માન્યતા એવી હોત કે સાન્તા આવે છે અને તમને શાંતિ અને આનંદ આપે છે, તો કદાચ તેનાં અસ્તિત્વને નકારવાનું ખુબ મુશ્કેલ, લગભગ અશક્ય જ બની જાત. કેમ? કારણ કે તે વાત ને પ્રમાણિત કે અપ્રમાણિત કરી જ નથી શકાતી.

અને આ જ વાત મને સાર તરફ દોરી જાય છે: તમે ફક્ત એ જ માન્યતાઓને બદલવા માટે સ્વતંત્ર છો કે જયારે તમારી પાસે તમારા બદલાવનાં એ મતને આધાર આપવા માટે એક નક્કર અને સુસ્પષ્ટ પ્રમાણ ઉપલબ્ધ હોય. સમાજ તમને ભગવાન માટે, ધર્મ માટે, તમારી ધાર્મિક વિધિઓ માટે કોઈ સવાલ કરવાની કે માન્યતા બદલાવની છુટ નથી આપતો, કદાચ મુક્તપણે તેમ કરવા દેવાની છુટ તો નથી જ આપતો. એક દુ:ખની લાગણી મનમાં બેસાડી દેવામાં આવે છે, તમે એમ વિચારવાનું ચાલુ કરી દો છો કે તમારામાં કઈક ખોટું ચાલી રહ્યું છે કે શું? તમે નાસ્તિક ન હોવા જોઈએ અથવા તો તમે જીવનમાં બીજી કોઈ માન્યતા કે પૂછપરછ પ્રત્યે આકર્ષિત ન થવા જોઈએ વિગેરે વિચારો મનમાં બેસાડી દેવામાં આવે છે. તમે તમારા શિવ, જિસસ, અને તમારા અલ્લાહમાં જ વિશ્વાસ રાખો તેવું અપેક્ષવામાં આવે છે. એક છૂપું દબાણ સતત અને ઉદ્દેશ્યપૂર્ણ તમારા ઉપર હોય છે.

ધર્મનું ઉદાહરણ તો ખાલી એક ઉદાહરણ માટે જ છે. લોકો આવું જ રાજકીય દળો માટે, નેતાઓ માટે, ક્ષેત્ર માટે, પંથ વિગેરે માટે પણ બસ એવું જ વર્તન દાખવતાં હોય છે. મૂળસંકેત શબ્દ અહી છે વર્તન. ધર્મ એક વર્તન છે, એક યોજનાબદ્ધ વર્તન કે જે પછી કુદરતી રીતે જ આવે છે. મોટાભાગનાં તમારા કર્મો તમારા વર્તનમાંથી ફૂટતાં હોય છે. અને તમારું કુદરતી વર્તન એક સ્વયંસંચાલિત પ્રતિભાવ આપવાની વ્યવસ્થા છે; તમારું વર્તન તમારામાં શું, કેવું અને કેટલાં પ્રમાણમાં ભરવામાં આવ્યું છે તેનાં ઉપર આધાર રાખે છે. તો એમાં શું કઈ ખોટું છે? જરૂરી નથી, તમે તમારા માટે જાતે નક્કી કરો.

આજનાં મારા મૂળ વિષય બદલાવ ઉપર પાછા ફરીએ તો: જો તમે કોઈ તમારી એવી માન્યતા કે મતને વળગી રહો કે જેમાં હવે તમને વિશ્વાસ નથી રહ્યો તો એમ કરીને તમે તમારા ઉપર એક વધુ દબાવ લાદી રહ્યાં છો. જયારે તમે તમને જેમાં વિશ્વાસ નથી છતાં તેનું અમલીકરણ કરતાં રહો છો ત્યારે તેની ભીતર વહેતો એક અસંતોષનો પ્રવાહ એક અશાંતિની મોટી ભરતીમાં રૂપાંતર થઇ જાય છે. જયારે તમે અંદરથી શાંત નથી હોતા ત્યારે તમે ચિડાઈ જાઓ છો, ગુસ્સે થઈ જાવ છો, દુ:ખી થઇ જાવ છો, તમે નાની નાની મહત્વહીન વાતોથી પણ ખુબ સહેલાઇથી અસરગ્રસ્ત થઇ જાવ છો. આ તો ફક્ત એનાં લક્ષણો થયા. આવું એટલાં માટે થતું હોય છે જયારે તમે તમારી અંદર પાકી ગયેલાં બદલાવને નકારી રહ્યા હોવ છો. જયારે તમારા આંતરિક બદલાવને ઓળખો છો અને તેનો સ્વીકાર કરો છો ત્યારે તમે એક સ્વતંત્રતાની લાગણી અનુભવો છો, એક હળવાશની લાગણી તમે મહેસુસ કરો છો. કોઈ પણ વ્યાજબી, ડાહ્યો અને હોશિયાર વ્યક્તિ કોઈ એક માન્યતાને કાયમ માટે પકડી નથી રાખતો. એક જડતાપૂર્વકની માન્યતાને સતત વળગી રહેવું તે એ બતાવે છે કે કાં તો તમે તમારી જાતને સાંભળી નથી રહ્યાં કાં તો પછી તમારો આંતર્નાદ તમને જે કહી રહ્યો છે તેનો તમે સ્વીકાર નથી કરી રહ્યાં. માન્યતાને સતત વળગી રહેવું અને માન્યતા ધરાવવી બે અલગ અલગ વસ્તુઓ છે. તફાવતને સમજો. તમારા મતને એક સાતત્યતા સાથે વળગી રહેવાની અપેક્ષા એ તમારા ઉપર એક સામાજિક દબાણ છે જે સામાન્ય દુનિયામાં રહેતા સામાન્ય વિચાર વાળા લોકો એ મુકેલું હોય છે. આવા વિચારકો, જો કે  દુનિયામાં નવ્વાણું ટકા રહેલાં હોય છે. જો તમને મારું માન્યામાં ન આવતું હોય તો જરા તમારી આજુબાજુ નજર કરી જુવો. એક તટસ્થ ભાવે. ડેવિડ વોલેસનાં શબ્દોમાં કહેવું હોય તો: લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા તમને ત્યારે બહુ નહિ થાય જયારે તમને એ ભાન થશે કે તે લોકો તો ખરેખર બહુ ઓછુ વિચારતાં હોય છે.

શિયાળાની કાળી ઠંડી રાતે, મુલ્લા નસરુદ્દીનનાં મહેમાને તેમને કહ્યું, “તમે કેટલાં નસીબદાર છો આવી કડકડતી ઠંડીમાં તમારે મસ્જીદ તો નથી જવું પડતું.”
“લો બોલો.!” મુલ્લા બોલ્યા. “અલ્લાહનો શુક્રગુજાર છે કેમ કે હું તો આજ કાલ નાસ્તિક છું.”

તમને જે કઈ પણ બાંધી રાખતું હોય તેને જવા દો. તમારી અંદર ઉઠતા બદલાવને હળવાશથી લો. તમારી જાતનો સ્વીકાર કરો.
(Image credit: Philip Gray)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

 

Wednesday, 17 July 2013

સુંદરતા શું છે?

 સુંદરતા પાછળ એક બંધનની ભાવના હોય છે. જેની પણ સાથે તમે બંધાયેલાં હોવ છો, તે તમને સુંદર લાગતું હોય છે.
સુંદરતા શું છે? જે આકર્ષક, આનંદદાયક છે તે? કાં તો તેથી કઈક વધું? જયારે પ્રથમ છાપની વાત આવે ત્યારે, નિ:શંકપણે જ તરત બાહ્ય દેખાવ તેની અસર બતાવે છે. જયારે તમે સુંદર યુવતી કે સોહામણો યુવાન જુઓ છો તો તેને તમે કુદરતી રીતે જ સુંદર ગણો છો. જો મારે કહેવાનું હોય તો, તમે પરણિત હોવ કે અપરણિત, તમારું સામાજિક કે ધાર્મિક સ્તર ગમે તે હોય પરંતુ તમે તેમની બાહ્ય સુંદરતાને નકારી નથી શકતાં. તમારે એમ અનુભવવું જ પડતું હોય છે. એટલું કહ્યાં બાદ, બાહ્ય સુંદરતા જો એટલી લોભામણી જ હોય તો પછી જે મોટા મોટા સ્ટાર, પ્રતિષ્ઠિત કે સુસંપન્ન લોકો છે તેમનાં સંબંધ-વિચ્છેદ શા માટે થતાં હોય છે? ચાલો હું તમને સુંદરતાની ધારણાને, વ્યાખ્યાને, અને ખ્યાલને સમજવામાં મદદ કરું. મેં એક વાર્તા વાંચી હતી જે શબ્દશ: હું અહી રજુ કરીશ:

એક મોટી ઉમરની સ્ત્રી અને તેનો નાનો પૌત્ર કે જેનાં ચહેરા ઉપર ચમકતા ડાઘા પડેલાં હતા, બન્ને એક દિવસ પ્રાણીસંગ્રહાલયમાં ગયાં. ત્યાં ઘણાં બાળકો પોતાનાં ગાલ પર વાઘનો પંજો દોરાવવા માટે સ્થાનિક કલાકાર પાસે એક કતારમાં ઉભા હતાં.

“અરે, તારા ચહેરા ઉપર તો કેટલાં બધા ડાઘા છે, તેનાં ઉપર ચિત્ર દોરવાની કોઈ જગ્યા જ નથી!” કતારમાં ઉભેલી એક છોકરીએ પેલાં છોકરાને કહ્યું.
શરમાયેલા અને કદાચ આ વાતથી દુભાઈ ગયો હોય તેમ પેલાં છોકરાએ પોતાનું માથું નીચે કરી નાખ્યું.
તેની દાદીમાંએ થોડી ઝૂકીને તેનાં ગાલ પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું, “ મને તો તારા ડાઘા ખુબ ગમે છે. જયારે હું નાની છોકરી હતી ત્યારે હંમેશા ઈચ્છતી હતી કે તારા જેવા ડાઘા મને પણ હોય”
“આ ડાઘા તો ખુબ જ સરસ છે.”
 બાળકે ઉપર જોઇને કહ્યું, “શું સાચ્ચે જ?”
“ખરેખર,” દાદીમાંએ કહ્યું. “કેમ, ડાઘ કરતાં પણ સુંદર હોય તેવી એક વસ્તુનું નામ મને આપ”
નાના છોકરાએ થોડીવાર માટે વિચાર્યુ, દાદીમાંના ચહેરા સામે એકદમ તાકી રહ્યો અને ગણગણ્યો: “કરચલીઓ.”

ઓહ..કેટલું સરસ, નહિ? પરંતુ શું તમે આવી કરચલીઓ વાળી વ્યક્તિ સાથે લગ્ન કરશો કે પછી આ કરચલીઓ વાળા દાદીમાની સારસંભાળ રાખશો? કદાચ નહિ. શું તમે નાના બાળકે જે સુંદરતા તેમની કરચલીઓમાં જોઈ તે જોઈ શકશો? જો તમે તે બાળક હોય તો કદાચ જોઈ શકશો. પરંતુ વાત તે નથી. સુંદરતાને કોઈ શબ્દોની શ્રુંખલામાં કે વ્યાખ્યાથી બાંધી નથી શકાતી. કારણ કે જે કઈ સુંદર છે તે એનાં પોતાનાં માટે નથી પરંતુ તમારા માટે હોય છે. સુંદરતા એ કોઈ સુનિશ્ચિત બાબત નથી, તે એક સાપેક્ષ બાબત છે, તમારી મન:સ્થિતિને સાપેક્ષ, તમારા પોતાનાં ખ્યાલની સાપેક્ષમાં હોય છે. તમે જેની પણ સાથે બંધાયેલાં હશો તે તમને સુંદર જ લાગશે! જે કોઈ વ્યક્તિની સાથે તમે સંપૂર્ણ અને સુરક્ષિત મહેસુસ કરતાં હશો તે તમને સુંદર જ લાગવાની. અને એટલાં માટે જ પેલાં નાના બાળક માટે કરચલીઓ એ સાચ્ચે જ સૌથી સુંદર વસ્તુ છે કારણ કે તે પોતાની દાદીમાં સાથે લાગણીથી બંધાયેલો છે.

જુવાન મુલ્લા નસરુદ્દીન પોતે એક ગરીબ ઘરની સુંદર યુવતીને પરણવા માટે કટિબદ્ધ હોય છે. પણ તેનાં અબ્બા તેને કોઈ અમીર છોકરી સાથે પરણાવવા માંગતા હતાં. “તને થયું છે શું?” તેમને કહ્યું, “જે સુંદરતાએ તને આંધળો કરી નાંખ્યો છે તે ફક્ત ઉપરની ચામડીની જ છે.”
“મારા માટે તે પુરતી છે,” મુલ્લાએ જવાબ આપતાં કહ્યું. “હું કઈ માનવભક્ષી નથી.”

મને આ ટુચકો મનોરંજક લાગ્યો પરંતુ તે એક સચોટ નિર્દેશ પણ કરે છે: તમારા માટે જેનાંથી ફર્ક પડે છે તે તમારા માટે સુંદર છે. એ તમારું પોતાનું પરાવર્તન છે. જેમ જેમ જીવનમાં તમે બૌદ્ધિક અને ભાવનાત્મક પ્રગતિ કરો છો તેમ તેમ તમારી પ્રાથમિકતાઓ બદલાતી જતી હોય છે. જે તમને પંદર વર્ષની ઉંમરે સુંદર લાગતું હતું તે ત્રીસીએ પહોંચતા અડધું સુંદર ય નથી લાગતું. જેમ જેમ તમે તમારી જાતને વધુ સમજવા લાગો છો તેમ તેમ ફક્ત બાહ્ય સુંદરતાને જ અસલી સુંદરતા માનવાનું તમે નકારવા લાગો છો. એનો અર્થ એ નથી કે કોઈ સુંદર વસ્તુ કે સુંદર વ્યક્તિનાં દેખાવનું મહત્વ તમે ઘટાડો છો. એનો અર્થ છે કે તમે હવે બીજા ગુણોની કિંમત વધુ આંકો છો. જો ખલીલ જિબ્રાનના શબ્દોમાં કહેવું હોય તો: “સુંદરતા એક એવી સાશ્વતતા છે કે જે અરીસામાં પોતાની સામે જ તાકી રહી હોય છે.”

સ્વામી વિવેકાનંદ, જે એક ખુબ જ અદ્દભુત અને તેજસ્વી સન્યાસી હતાં, તે એક દિવસ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઇ શિકાગોમાં લટાર મારી રહ્યા હતાં. વર્ષ હતું ૧૮૯૩નું. તેમનાં વસ્ત્રો કઈક વિચિત્ર લાગતા હતાં. ઔપચારિક વસ્ત્રો પહેરલ એક સ્થાનિક યુગલ સ્વામીની પાછળ જ ચાલી રહ્યાં હતાં, સ્ત્રીએ પોતાનાં પતિને કહ્યું, “મને નથી લાગતું કે આ માણસ કોઈ સદ્દગૃહસ્થ હોય.” તેનું આ વાક્ય સ્વામીના કાને પડ્યું. તેઓ તે યુગલ પાસે ગયા અને કહ્યું, “માફ કરશો પણ મેં તમારી ટીકા તમારી જાણ બહાર સાંભળી લીધી છે. તમારા દેશમાં માણસને સદ્દગૃહસ્થ બનાવવાનું કામ કદાચ એક દરજી કરે છે, જયારે મારા દેશમાં માણસને સદ્દગૃહસ્થ તેનું પોતાનું ચારિત્ર્ય બનાવે છે.” આ પછી શું બન્યું તેની મને ખબર નથી અને અહિં તે વાત અપ્રસ્તુત છે. પણ શું તે સ્ત્રી તેનાં વિચારોથી સાચી હતી? અને સ્વામી શું તેમની પ્રતિક્રિયામાં સાચા હતાં? ખરેખર તો તે બાબત અહિં મહત્વની નથી. પેલી સ્ત્રીને જે લાગ્યું તે તેને વ્યક્ત કર્યુ તે પણ તેને સીધેસીધું વિવેકાનંદને નથી કહ્યું, પોતાનાં પતિને કહ્યું હતું. જો તમને તમારી જાતને તમને ગમે તે રીતે પ્રસ્તુત કરવાનો હક હોય તો પછી બીજા લોકોને પણ તેમનો મત બાંધવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રચાર માધ્યમો, સમાજ, જાહેરાતો, ધર્મ આ બધાં જ દેખીતી રીતે કે છુપી રીતે તેમનાં મતોનો મારો તમારા ઉપર ચલાવે છે. તમે બીજા લોકોનાં મતને જેટલું વધું મહત્વ આપો તેટલાં જ તમે તમારા સુખના મૂળ સ્રોત કે જે તમારી અંદર રહેલું છે, તેનાંથી દુર જાઓ છો. વધુમાં એક અપ્રસ્તુત નોંધ: સ્વામી વિવેકાનંદની વાત વર્તમાન ભારત માટે કેટલાં અંશે સાચી છે, તેનાં વિશે હું શંકાશીલ છું, જ્યાં ભ્રષ્ટાચાર એ દરેક સ્તરમાં તેમજ વિભાગમાં કોઈ પણ મહત્વનાં મુદ્દા કરતાં સર્વસ્વીકૃત એક જીવન જીવવાનો રસ્તો બની ગયો છે. કમનસીબે એવું લાગે છે કે જેને પણ તક મળે તે બસ લૂંટવા જ બેઠા છે. એ પછી કોઈ વેપારી હોય કે જે કરચોરી કરવામાં રચ્યો પચ્યો હોય, કે પછી કોઈ કર્મચારી હોય કે જે પોતાના સમયપત્રકમાં સમયની ચોરી કરી રહ્યો હોય, કે પછી કોઈ સરકારી કર્મચારી હોય કે જે ખુલ્લેઆમ લાંચ-રૂશ્વત માંગી રહ્યો હોય. એવાં પ્રામાણિક લોકો કે જે કદાચ પ્રામાણિક કોઈ ભય કે શાસનને લીધે નહિ પરંતુ પોતાની નૈતિકતા અને પસંદગીને લીધે પ્રામાણિક બન્યા હોય તે તો ભાગ્યે જ જોવા મળતા રત્નો જેવાં છે. પ્રામાણિકતાનાં કામદારો તો ઘણાં છે પણ તેનાં સ્વયંસેવકો બહુ ઓછા છે. મારી આ વાતને ભાવનાત્મક રીતે નકારી શકો છો, પરંતુ હકીકત તો સીધી સત્ય સામે જ આંખો ફાડીને તાકી રહી છે – અને તે કોઈ સારી અને સમજુ આંખો માટે કોઈ સુંદર વાત નથી. મેં આ થોડા વિષયાંતરનો આનંદ માણ્યો, ચાલો વળી પાછા મૂળ વિષય પર પાછા ફરીએ:

“તને શા માટે ડિવોર્સ જોઈએ છે?” ન્યાયાધીશે યુવાન માણસને પૂછ્યું.
“યોર ઓનર,” તેને કહ્યું, “ હું જયારે હું સામાન્ય હોવ છું ત્યારે હું તેને નથી સમજી શકતો અને જયારે હું પીધેલો હોવ છું ત્યારે તે મને નથી સમજી શકતી.”

જયારે કોઈ તમને સુંદર કે સારું ન ગણતું હોય ત્યારે મહેરબાની કરીને સમજજો કે તે સામે વાળી વ્યક્તિ વિશે હોય છે તમારા માટે નહિ. (આશા રાખું કે તમે આ વાક્યને ઉપરોક્ત જોકનાં સાર તરીકે નહિ ગણો.) જો કે તમે તમારામાં થોડો બદલાવ લાવીને બીજી વ્યક્તિને શું પસંદ છે કે નાપસંદ તે જાણી શકો છો, પણ તેનાંથી વધુ તમારાથી બીજું કશું નથી થઇ શકતું. જો તમે સામેની વ્યક્તિની સંમતિ જીતવા ઇચ્છતાં હોવ, અને જો તે બાબત તમારા માટે આગળ વધવા માટે જરૂરી હોય, તો પછી તમે સામેની વ્યક્તિ જેવી રીતનું ઈચ્છતી હોય તેવી રીતનાં જ કપડાં પહેરો, તેની ઈચ્છા મુજબ જ વર્તો, કે પછી તે તમને જેવાં ઈચ્છતી હોય તેવાં તમે બની જાવ. જો તમારે દુનિયાને ખુશ રાખવી હોય તો તમારે તેનાં અયોગ્ય અને બેડોળ હાથની કટપુતળી બનીને જ રહેવું પડશે. તમારે એ કપડાંની કિંમત તો ચૂકવવી જ પડશે પરંતુ તેની સાથે ચોટેલી દોરીઓ તો મફત જ આવશે. જો કે એક ક્ષણ માટે પણ, તમે આ બાહ્ય નિવેદનોને સમીકરણમાંથી દુર કરી શકો, જો તમે બીજા લોકોનાં તમારા, તમારા પોતાનાં વર્તન, તમારા પોતાનાં કર્મો વિશેનાં ખ્યાલોની સ્વીકૃતિને જ જો તમે દુર કરી દઈ શકો તો? મારા મત મુજબ તો તમારે તમારી જાત પ્રત્યે આ રીતે જ જોવું જોઈએ. તમારા માટે જયારે તમે અરીસો જોતા હોવ ત્યારે તમે તમને સુંદર લાગવા એ કોઈ બીજી વ્યક્તિને તમે તમારા ફોટામાં સુંદર દેખાવ તેનાં કરતાં અનેક ગણું મહત્વનું છે. કોઈ તમને ખુલ્લી આંખે નથી જોતું; તમે કોણ છો અને તે શું જુવે છે તે બેની વચ્ચે કોઈ બંધબેસતું હોતું નથી. તેમની દ્રષ્ટી પર તેમની માન્યતાઓ, ખ્યાલો, અને ઈચ્છાઓનાં ચશ્માં ચડેલાં હોય છે – અને અહિં જ સુંદરતા તેની સ્વતંત્રતા ગુમાવી દે છે. તસ્દી નહિ આપવાનું શીખો. એ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે તમારી જાત સાથે પ્રામાણિક છો અને તમે સૌથી ઉત્તમોત્તમ પ્રયત્નો કરી રહ્યાં છો ત્યાં સુધી તમે બિલકુલ બરાબર છો. બહુ લાંબી પોસ્ટ થઇ ગયી. અરે! સુંદરતા પણ ક્યારેક ખેંચાઈ જતી હોય છે.

જો તમે તમારી જાત માટે પુરક હોવ તો તમે સંપૂર્ણ બની શકો છો. જયારે તમે પૂર્ણતા અનુભવતાં હોવ, જયારે તમારો કપ ભરલો હોય ત્યારે બધું જ સુંદર લાગતું હોય છે. તમે જેની પણ સાથે જોડાઈ જતા હોવ છો, જે તમારા માટે મહત્વનું હોય છે તે તમને સુંદર લાગતું હોય છે. તમે સુંદર છો.

જાવ! બીજાને જઈને કહો કે તે કેટલાં અદ્દભુત છે અને તેમને તમારી જિંદગી કેટલી સુંદર બનાવી છે! એક વાર એમ થઇ જાય, પછી એ જ વાતને અરીસામાં જોઈને પુનરાવર્તન કરો. મને કહેતાં નહિ કે હજી સુધી તમે તમારા પ્રેમમાં પડ્યાં જ નથી.
(Image credit: imageshack)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.


 

Friday, 5 July 2013

આકર્ષવું કેવી રીતે?

શિશુપાલ કૃષ્ણની હંમેશાં ધ્રુણા કરતો, પણ જયારે કૃષ્ણે તેનો વધ કર્યો ત્યારે તેનો આત્મા કૃષ્ણમાં વિલીન થઇ ગયો. કેમ? વાંચો વાર્તા.
તમે કદાચ આકર્ષણનાં નિયમ વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. એનાં વિશે વિચાર કરીએ તો, મોટાભાગનાં લોકો દુ:ખને ટાળવા માટે કામ કરતાં હોય છે, તેઓ છેતરામણી ખુશીને કાયમ મેળવવા માટે કામ કરતાં હોય છે. તેઓ હંમેશાં હકારાત્મક વસ્તુઓને આકર્ષવા માટે કોશિશ કરતાં હોય છે. કોઈ પણ માણસ પોતાની આજુબાજુ નકારાત્મક લોકો કે દુ:ખભર્યા સંજોગો કે દુર્ઘટનાઓને ઈચ્છતા હોતાં નથી. તો પછી તેમની આ બધી ઈચ્છાઓ પૂર્ણ કઈ રીતે થાય? એવું કેમ થાય છે કે જે તમારે નથી જોઈતું હોતું તે સહેલાઇથી આવી પડે છે અને જે તમારે ખરેખર જોઈતું હોય તેનાં માટે તમારે અત્યંત આકરી મહેનત કરવી પડતી હોય છે. આ તો એકદમ અન્યાયી બાબત છે; શું ખરેખર તેવું છે ખરું?

ચાલો હું તમને ભાગવત પુરાણ કે જે એક હિંદુ ગ્રંથ છે જેમાં કૃષ્ણ ભગવાનની લીલા અને તેમનાં અનેક અવતારોની કથા છે તેમાંથી એક સુંદર વાર્તા કહું. આ વાર્તા મહાભારતમાં પણ આવેલી છે.

શિશુપાલ ચેદી નામનાં રાજ્યનો રાજા હતો. તે કૃષ્ણ ભગવાનનો પિતરાઈ ભાઈ તેમજ એક દુષ્ટ શત્રુ પણ હતો. કૃષ્ણે શિશુપાલની માતાને વચન આપ્યું હતું કે પોતે શિશુપાલની સો ભૂલોને માફ કરશે પરંતુ ત્યારબાદ તે તેને માફ નહિ કરી શકે કારણકે શિશુપાલનો વધ તેમનાં હાથે નિમિત થવાનો હતો. તે વખતનાં કેટલાક દુષ્ટ આત્માઓની જેમ શિશુપાલ પણ કૃષ્ણને સખત નફરત કરતો હતો, તે હંમેશાં કૃષ્ણની નિંદા અને ધ્રુણા કરવામાં જ રચ્યો પચ્યો રહેતો. રાત-દિવસ બસ કૃષ્ણને મારી નાંખવાની યોજનાઓ બનાવ્યા કરતો. તે કૃષ્ણનો નાશ થાય તેમ ખુબ ઉત્કટતાથી ઈચ્છતો હતો.

એક વખત યુધિષ્ઠિરે એક પવિત્ર યજ્ઞનું આયોજન કર્યું કે જેમાં કૃષ્ણ અને તેમનો પિતરાઈ ભાઈ રાજા શિશુપાલ આમને સામને આવી ગયા. શિશુપાલે કૃષ્ણને ગાળો આપવાનું ચાલુ કરી દીધું, જયારે કૃષ્ણે પોતાનું સ્મિત જાળવીને તેને ચેતવણી આપી કે જો તેને પોતાની જિંદગી વ્હાલી હોય તો બસ ત્યાંથી જ અટકી જાય. પરંતુ શિશુપાલે ચેતવણી પ્રત્યે ધ્યાન ન આપ્યું અને કૃષ્ણને ગાળો આપવાનું ચાલુ રાખ્યું. જેવો શિશુપાલ ૧૦૦ ગાળોની હદ વટાવી ગયો કે કૃષ્ણે પોતાનો જમણો હાથ હવામાં ઉઠવ્યો અને પોતાની પ્રથમ આંગળી ઉંચી કરી કે તરત જ દંતકથામાં વર્ણવેલું સુદર્શન ચક્ર વીજળીના ચમકારાની જેમ પ્રગટ થયું. જેવું તેમને તે સુદર્શન ચક્ર છોડ્યું કે શિશુપાલને ખબર પણ પડે તે પહેલાં તેનું શીશ તેનાં ધડથી અલગ થઇ ગયું. તેનું નિષ્પ્રાણ શરીર તેનાં ઘમંડી મસ્તકની બાજુમાં પડ્યું, જેમાંથી લોહીનો સ્ત્રાવ વહેતો હતો. સભામાં એક સન્નાટો તેમજ એક ડર છવાઈ ગયો.

ત્યાં હાજર સૌનાં આશ્ચર્ય વચ્ચે, જે બીજી ઘટના ઘટી તેનાંથી સૌ વિસ્મય પામી ગયા. ત્યાં હાજર રહેલી દરેક વ્યક્તિએ જોયું કે શિશુપાલનો આત્મા કૃષ્ણની અંદર વિલીન થઇ ગયો. તેઓ સર્વે દિગ્મૂઢ થઇ ગયા. આવું કેવી રીતે બની શકે? શિશુપાલ તો કૃષ્ણને પ્રેમ પણ નહોતો કરતો, તે તો કૃષ્ણને ભગવાનનો અવતાર પણ માનવા તૈયાર નહોતો, તો પછી આમ કેમ? અરે તે તો કૃષ્ણનો હંમેશાં તિરસ્કાર જ કરતો આવ્યો હતો. યુધિષ્ઠિર કે જે હજી પણ આઘાતની લાગણીમાં ડૂબેલા હતા તેમને નારદજીને પૂછ્યું, હે મહારાજ, શિશુપાલ તો કૃષ્ણની કાયમ ઈર્ષ્યા કરતો હતો. તે કૃષ્ણને નફરત કરતો હતો તેમ છતાં તેનો આત્મા કેમ કૃષ્ણની અંદર વિલીન થયો? અરે આ તો કોઈ યોગીએ કે જેને પોતાનું આખું જીવન એક પૂજ્ય ભાવ સાથે, ભક્તિ અને ધ્યાન પૂર્વક કૃષ્ણની ભક્તિ કરી હોય તેને પણ આવું નસીબ ભાગ્યે જ મળતું હોય છે. તો પછી શિશુપાલને આવું સદ્દનસીબ ક્યાંથી લાધ્યું?

નારદજી હસ્યા અને બોલ્યા, ઓ ઉત્તમ રાજા! શિશુપાલ કૃષ્ણમાં ભળી ગયો કારણકે તેને તેની આખી જિંદગી દરમ્યાન હર ક્ષણે તેમનું ધ્યાન ધર્યું હતું. તમે કોઈનું ધ્યાન પ્રેમથી કે નફરતથી ધરો છો તેનું મહત્વ નથી. તમારું પોતાનું મન નકારાત્મક કે હકારાત્મક, સાચા કે ખોટા વિચાર વચ્ચે કોઈ ભેદ નથી કરતું, તે તો એક સિક્કાની બે બાજુ જેવા છે, તે તો ફક્ત તમે શું પકડીને બેઠા છો તે જ માત્ર બતાવે છે. શિશુપાલની સમગ્ર ચેતના બધા સમય માટે ફક્ત કૃષ્ણનો જ વિચાર કરતી હતી અને તે જ એક માત્ર કારણ છે કે તે ચેતના અંત સમયે કૃષ્ણમાં જ વિલીન થઇ ગયી.

તો આ છે તમારો આકર્ષણનો નિયમ! આ જ કારણને લીધે નકારાત્મક લોકો પોતાને જીવનમાં જે ડર હોય છે તે સાચા પડવાના અનેક ઉદાહરણો પુરા પાડી શકે છે. આ જ કારણને લીધે કોઈ પાગલ પણ અતિ સફળ બની જતો હોય છે. તમારા ઈરાદા કેટલા ઉમદા છે તે ખ્યાલ તમારું મન નથી સમજતું. તમે ક્યાં વિચારનું ધ્યાન ધરો છો તે જ મહત્વનું છે, જે વિચારનું જેટલું મોટું ધ્યાન ધરેલું હોય, તેટલો જ વધુ મજબુત તે વિચાર થઇ જાય છે. પ્રદર્શનની સાપેક્ષે જો વિચાર કરીએ તો, અહી નૈતિક શુદ્ધતા એ સૌથી મહત્વની બાબત નથી, પરંતુ વિચારની તીવ્રતા અને સાતત્યતા આ બે બહુ મહત્વની બાબતો છે. તમે જે કોઈ બાબત કે વિચાર ઉપર મક્કમતાથી એકાગ્ર થઇ જાઓ, કોઈ પણ પ્રકારનાં સંશય વગર, તો તે બાબત કે વિચાર તમારા જીવનમાં ખરેખર આકાર લેવા માંડશે કે પ્રદર્શિત થવા લાગશે. અલબત્ત તમારા કર્મો તે પ્રદર્શનને મદદરૂપ થશે.

જયારે તમે હકારાત્મક લક્ષ્ય તરફ કામ કરી રહ્યા હોવ ત્યારે તમને ઘણાં સંશયો થશે. નકારાત્મક સંશયો તો તમારા અર્ધજાગૃત મનમાં હંમેશાં પડેલાં જ હોય છે. તમારો વાંક જો કે નથી. આ તો ઉત્ક્રાંતિનું પરિણામ છે. માનવ જાતિએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કઠોર પ્રયત્ન કરેલો છે. તે હંમેશાં પોતાનો વિનાશ થઇ જશે એવા ભયનાં ઓથાર હેઠળ જ જીવતી આવી છે. માનવ જાતની કુલ વસ્તી સમગ્ર પ્રાણી જાતની વસ્તી સામે નજીવી કહી શકાય તેટલી છે. વારુ, તો મન એ નકારાત્મકતાને ચીટકી રહેવાની વૃત્તિ ધરાવે છે, તમે નકારાત્મકતા માટે હંમેશાં દ્રઢતા દર્શાવતાં હોવ છો.  

પ્રેમ હોય કે નફરત, એ છે તો ફક્ત લાગણીઓ જ. પરંતુ જયારે તમે તટસ્થ થઇ જાવ છો, ત્યારે તમે – પોતાની ઈચ્છા પ્રમાણે હોય કે એથી વિપરીત – તેને નથી આકર્ષતા. યહુદીઓનાં વિનાશમાંથી બચેલ અને નોબલ વિજેતા એવા ઇલી વાઇઝેલનું એક ખુબ જ અર્થસભર અને જીવનદર્શન કરાવતું વાક્ય છે, તે કહે છે:

The opposite of love is not hate, it's indifference.
The opposite of art is not ugliness, it's indifference. 
The opposite of faith is not heresy, it's indifference. 
And the opposite of life is not death, it's indifference between life and death.

તમે જેના વિશે દ્રઢતાપૂર્વક જેવું અનુભવતા હશો, તમે તેને જ આકર્ષવાના છો. જેનાં માટે પણ તમને જેવી લાગણી હશે, તમે તેને આકર્ષશો. તમે જેને પણ દ્રઢતાપૂર્વક નફરત કરતાં હશો, તમને તે જ આવી મળશે. તમે જેને દ્રઢતાપૂર્વક પ્રેમ કરતાં હશો, તો તમને તેમાં તે જ દેખાશે. તમે જે લોકોને નફરત કરતાં હશો કે જે તમને તમારા જીવનકાળમાં નહિ જોઈતા હોય, તો તે જ લોકો તમને જીવનનાં દરેક વળાંકે ભટકાશે. તમે જેનાથી નફરત કરતાં હશો કે ડરતા હશો તે તમને જીવનમાં મળે તેની શક્યતા, તમે જેને પ્રેમ કરતાં હશો કે જે તમારે જોઈતું હશે તે મળે તેનાં કરતા વધારે રહેવાની. નકારાત્મકતાની સાથે ડર હમેશા વગર આમંત્રણે આવી ચડતો હોય છે. અને એક નકારાત્મક વિચારની તાકાત ડરનાં ઉમેરાથી બેવડાઈ જતી હોય છે. અને આત્મ-સંશયથી એ તાકાત ત્રણ ગણી વધી જતી હોય છે, અને તેની સાથેનાં લગાવથી એ ચાર ગણી વધી જતી હોય છે.

અને હકારાત્મક વિચારની તાકાત બેવડાવવા માટે કયા ઘટકની જરૂર પડતી હોય છે? શ્રદ્ધાની. અને ત્રણ ગણી વધારવા માટે? સાતત્યતાની. અને ચાર ગણી કરવા માટે? હેતુની શુદ્ધતાની, જાવ શોધી કાઢો! 

શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

Share