Saturday, 20 July 2013

બદલાઈ જવામાં કશું ખોટું નથી.

જયારે તમે જેને ખોટું માનતાં હોવ છતાં પણ તેને વળગી રહેતાં હોવ છો ત્યારે આંતરિક દબાવનો હળવો પ્રવાહ એક અસંતોષની મોટી ભરતીમાં પલટાઈ જાય છે.
પરિવર્તન જ કાયમી હોય છે – તમે આ વાક્ય પહેલાં અનેક વાર સાંભળ્યું હશે. પરિવર્તનની સાતત્યતા તે ફક્ત બાહ્ય જગત માટેની જ એક સત્ય હકીકત નથી પરંતુ તમારા આંતરિક જગત માટે પણ તે એટલું જ સત્ય છે. જેમ જેમ તમારા વિચારો બદલાય છે તેમ તેમ તમારો મત પણ બદલાય છે, અને નવા મત સાથે તમે નવી સમજણ પણ મેળવો છો. અને તમે આપોઆપ તમારા લાગણીનાં સ્તરમાં તથા તમારી માન્યતાનાં જગતમાં એક બદલાવ લાવો છો; તમે વિકસો છો અને તમે આગળ વધો છો, કોઈક વખત તો તમે ખુબ આગળ વધી જાવ છો. મોટાભાગનાં લોકો પોતાની જાતને આગળ નથી ધપાવતાં ફક્ત ગોળ ગોળ જ ફરતાં રહે છે. તેઓ ફક્ત એક વર્તુળમાં બસ ઘૂમતાં રહે છે. એ જ જૂના પ્રશ્નો, એ જ ઘટમાળ, એ જ પુરાણા મુદ્દાઓ, એનાં એજ જર્જરિત પ્રતિભાવો, પ્રતીકારો અને એની એજ જૂની કડવાહટો. અને આ બધું એટલાં માટે નથી થતું કે તેઓ બદલવા નથી ઇચ્છતાં પરંતુ એવું એટલાં માટે બને છે કારણ કે તેઓ આંતરિક બદલાવને નકારી કાઢે છે.

જેમ જેમ આપણે વધુ દિવસો જીવતાં જઈએ, જેમ જેમ આપણે આપણા અનુભવોમાંથી શીખતાં જઈએ તેમ તેમ આપણા મત પણ બદલાતાં જવાનાં. આ સમાજ અને દુનિયા તમને અમુક ચોક્કસ મતને જ બદલવા દે છે બધાં નહિ. દાખલા તરીકે એક બાળક તરીકે તમે એ મત ધરાવો છો કે સાન્તા ક્લોઝ અસ્તિત્વ ધરાવે છે. જયારે તમે મોટા થાવ છો ત્યારે એવું માનવું સ્વીકાર્ય છે કે એ બધું તો એક ગોઠવણનાં ભાગરૂપે હતું, કે ક્યારેય હકીકતમાં સાન્તા હોતો જ નથી. તમે જાતે જ તે શોધી કાઢતાં હોવ છો. તમને એ ભાન થાય છે કે એ તો કોઈ બીજાની જ શોધ હતી, તમારા માતા-પિતા, કે વડીલોએ “તેને” તમારા માટે બનાવ્યો હોય છે. તમારી પોતાની શોધ તમને એક તાકાત અને દ્રઢતા આપે છે એ માનવાની કે સાન્તા ખરેખર તો એક પેદાશ છે, એક શોધ. આ સાન્તાના કિસ્સામાં આટલું સરળ કેમ છે? કારણ કે તમને હકીકતમાં ભેટો મળતી જ બંધ થઇ જાય છે. મને નથી લાગતું કે એ ચીમનીનાં અભાવને લીધે હોય છે. જયારે હકીકતમાં ચમત્કારિક રીતે ભેટો મળતી કે પ્રગટ થતી બંધ થઇ જાય છે ત્યારે કુદરતી રીતે જ તમે સવાલ કરવા લાગો છો. જો કદાચ માન્યતા એવી હોત કે સાન્તા આવે છે અને તમને શાંતિ અને આનંદ આપે છે, તો કદાચ તેનાં અસ્તિત્વને નકારવાનું ખુબ મુશ્કેલ, લગભગ અશક્ય જ બની જાત. કેમ? કારણ કે તે વાત ને પ્રમાણિત કે અપ્રમાણિત કરી જ નથી શકાતી.

અને આ જ વાત મને સાર તરફ દોરી જાય છે: તમે ફક્ત એ જ માન્યતાઓને બદલવા માટે સ્વતંત્ર છો કે જયારે તમારી પાસે તમારા બદલાવનાં એ મતને આધાર આપવા માટે એક નક્કર અને સુસ્પષ્ટ પ્રમાણ ઉપલબ્ધ હોય. સમાજ તમને ભગવાન માટે, ધર્મ માટે, તમારી ધાર્મિક વિધિઓ માટે કોઈ સવાલ કરવાની કે માન્યતા બદલાવની છુટ નથી આપતો, કદાચ મુક્તપણે તેમ કરવા દેવાની છુટ તો નથી જ આપતો. એક દુ:ખની લાગણી મનમાં બેસાડી દેવામાં આવે છે, તમે એમ વિચારવાનું ચાલુ કરી દો છો કે તમારામાં કઈક ખોટું ચાલી રહ્યું છે કે શું? તમે નાસ્તિક ન હોવા જોઈએ અથવા તો તમે જીવનમાં બીજી કોઈ માન્યતા કે પૂછપરછ પ્રત્યે આકર્ષિત ન થવા જોઈએ વિગેરે વિચારો મનમાં બેસાડી દેવામાં આવે છે. તમે તમારા શિવ, જિસસ, અને તમારા અલ્લાહમાં જ વિશ્વાસ રાખો તેવું અપેક્ષવામાં આવે છે. એક છૂપું દબાણ સતત અને ઉદ્દેશ્યપૂર્ણ તમારા ઉપર હોય છે.

ધર્મનું ઉદાહરણ તો ખાલી એક ઉદાહરણ માટે જ છે. લોકો આવું જ રાજકીય દળો માટે, નેતાઓ માટે, ક્ષેત્ર માટે, પંથ વિગેરે માટે પણ બસ એવું જ વર્તન દાખવતાં હોય છે. મૂળસંકેત શબ્દ અહી છે વર્તન. ધર્મ એક વર્તન છે, એક યોજનાબદ્ધ વર્તન કે જે પછી કુદરતી રીતે જ આવે છે. મોટાભાગનાં તમારા કર્મો તમારા વર્તનમાંથી ફૂટતાં હોય છે. અને તમારું કુદરતી વર્તન એક સ્વયંસંચાલિત પ્રતિભાવ આપવાની વ્યવસ્થા છે; તમારું વર્તન તમારામાં શું, કેવું અને કેટલાં પ્રમાણમાં ભરવામાં આવ્યું છે તેનાં ઉપર આધાર રાખે છે. તો એમાં શું કઈ ખોટું છે? જરૂરી નથી, તમે તમારા માટે જાતે નક્કી કરો.

આજનાં મારા મૂળ વિષય બદલાવ ઉપર પાછા ફરીએ તો: જો તમે કોઈ તમારી એવી માન્યતા કે મતને વળગી રહો કે જેમાં હવે તમને વિશ્વાસ નથી રહ્યો તો એમ કરીને તમે તમારા ઉપર એક વધુ દબાવ લાદી રહ્યાં છો. જયારે તમે તમને જેમાં વિશ્વાસ નથી છતાં તેનું અમલીકરણ કરતાં રહો છો ત્યારે તેની ભીતર વહેતો એક અસંતોષનો પ્રવાહ એક અશાંતિની મોટી ભરતીમાં રૂપાંતર થઇ જાય છે. જયારે તમે અંદરથી શાંત નથી હોતા ત્યારે તમે ચિડાઈ જાઓ છો, ગુસ્સે થઈ જાવ છો, દુ:ખી થઇ જાવ છો, તમે નાની નાની મહત્વહીન વાતોથી પણ ખુબ સહેલાઇથી અસરગ્રસ્ત થઇ જાવ છો. આ તો ફક્ત એનાં લક્ષણો થયા. આવું એટલાં માટે થતું હોય છે જયારે તમે તમારી અંદર પાકી ગયેલાં બદલાવને નકારી રહ્યા હોવ છો. જયારે તમારા આંતરિક બદલાવને ઓળખો છો અને તેનો સ્વીકાર કરો છો ત્યારે તમે એક સ્વતંત્રતાની લાગણી અનુભવો છો, એક હળવાશની લાગણી તમે મહેસુસ કરો છો. કોઈ પણ વ્યાજબી, ડાહ્યો અને હોશિયાર વ્યક્તિ કોઈ એક માન્યતાને કાયમ માટે પકડી નથી રાખતો. એક જડતાપૂર્વકની માન્યતાને સતત વળગી રહેવું તે એ બતાવે છે કે કાં તો તમે તમારી જાતને સાંભળી નથી રહ્યાં કાં તો પછી તમારો આંતર્નાદ તમને જે કહી રહ્યો છે તેનો તમે સ્વીકાર નથી કરી રહ્યાં. માન્યતાને સતત વળગી રહેવું અને માન્યતા ધરાવવી બે અલગ અલગ વસ્તુઓ છે. તફાવતને સમજો. તમારા મતને એક સાતત્યતા સાથે વળગી રહેવાની અપેક્ષા એ તમારા ઉપર એક સામાજિક દબાણ છે જે સામાન્ય દુનિયામાં રહેતા સામાન્ય વિચાર વાળા લોકો એ મુકેલું હોય છે. આવા વિચારકો, જો કે  દુનિયામાં નવ્વાણું ટકા રહેલાં હોય છે. જો તમને મારું માન્યામાં ન આવતું હોય તો જરા તમારી આજુબાજુ નજર કરી જુવો. એક તટસ્થ ભાવે. ડેવિડ વોલેસનાં શબ્દોમાં કહેવું હોય તો: લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા તમને ત્યારે બહુ નહિ થાય જયારે તમને એ ભાન થશે કે તે લોકો તો ખરેખર બહુ ઓછુ વિચારતાં હોય છે.

શિયાળાની કાળી ઠંડી રાતે, મુલ્લા નસરુદ્દીનનાં મહેમાને તેમને કહ્યું, “તમે કેટલાં નસીબદાર છો આવી કડકડતી ઠંડીમાં તમારે મસ્જીદ તો નથી જવું પડતું.”
“લો બોલો.!” મુલ્લા બોલ્યા. “અલ્લાહનો શુક્રગુજાર છે કેમ કે હું તો આજ કાલ નાસ્તિક છું.”

તમને જે કઈ પણ બાંધી રાખતું હોય તેને જવા દો. તમારી અંદર ઉઠતા બદલાવને હળવાશથી લો. તમારી જાતનો સ્વીકાર કરો.
(Image credit: Philip Gray)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

 

No comments:

Post a Comment

Share