Saturday, 31 August 2013

લોકો કંટાળી કેમ જતાં હોય છે?

જયારે તમે કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના સંતૃપ્ત અને અવિચલિત બની જાવ છો ત્યારે  કંટાળો એક શાંતિ બની જાય છે.
દરેક ઉમ્મરનાં વાંચકો મને કંટાળા વિષે લખી જણાવતાં હોય છે. કેટલાંક જણા તેમનાં નિત્યક્રમથી કંટાળી જતાં હોય છે, તો કેટલાંક તેમનાં સાથીદારથી કંટાળી જતાં હોય છે તો કેટલાંક જણા તો વળી તેમની જિંદગીથી જ કંટાળી જતાં હોય છે. ખાસ કરીને માં-બાપ મને પૂછતાં હોય છે કે તેમને તેમનાં બાળકોને શું કહેવું જોઈએ જયારે તેઓ કંટાળાનું કારણ આગળ ધરીને અભ્યાસ નથી કરવા માંગતા હોતા. હું કંટાળાને મુખ્યત્વે બે પ્રકારોમાં વહેચું છું: આળસથી આવતો કંટાળો અને સક્રિયતામાંથી આવતો કંટાળો. બન્ને કિસ્સામાં તમારું મન કંટાળો જેમાંથી આવતો હોય તે વસ્તુથી તમને દુર ભગાડે છે. જયારે તમે કંટાળાનો અનુભવ કરો છો ત્યારે તમે તમારા મગજની એકાગ્રતા ગુમાવો છો, તે તમને કાં તો અધીરા બનાવે છે કાં તો તમને આળસુ બનાવે છે. મેં અનેક લોકોને જયારે તેઓ કંટાળી જતાં હોય છે ત્યારે તેમને વ્યાકુળ થતાં જોયા છે અને કેટલાંકનાં તો પગ પણ કાંપવા લાગે છે. આ કિસ્સામાં કંટાળો એક છૂપી રીતે હોય છે પણ બહુ સૂચક હોય છે. દાખલા તરીકે તમે જયારે કોઈ થ્રિલર મુવી કે રસપ્રદ પુસ્તક વાંચી રહ્યા હોવ છો ત્યારે તમારા પગ નથી કાંપતા.

મોટાભાગે જયારે કંટાળો કોઈ વસ્તુમાં રસ નહિ પડવાને લીધે જન્મતો હોય છે ત્યારે તે તમને ઊંઘ લાવી દે છે. તમારું મગજ ધીમું પડી જાય છે જાણે કે તે સુવાની તૈયારી ન કરી રહ્યું હોય. આ આળસથી આવતો કંટાળો છે. જયારે તમે સુવા જતાં હોય છે ત્યારે આવું જ તો બનતું હોય છે, તમારું મગજ ધીમે-ધીમે ધીમું પડતું જતું હોય છે. એક મગજ કે જે હજારો વિચારો કરતું હોય છે, અનેક લાગણીઓથી ભરાઈ ગયેલું હોય છે તેને ઠંડા પડવાની જરૂર હોય છે. તેમ છતાં પણ જયારે તમારું આસપાસનું વાતાવરણ તમને ઉત્તેજના આપવામાં નિષ્ફળ જાય ત્યારે તમે કંટાળો અનુભવો છો અને તમારા પગ કાંપવા માંડે છે. તે તમને વ્યગ્ર-અધીરા બનાવી દે છે. આ સક્રિયતામાંથી આવતો કંટાળો છે. એનો અર્થ એ થયો કે તમારું મગજ હજી સક્રિય છે અને તે બીજે ક્યાંક પરોવા માંગે છે, જ્યાં તેનાં માટે કઈક નવું હોય, જેમાં કઈક બીજા પ્રકારનું જુદું ઉત્તેજન હોય.

વ્યક્તિગત રીતે, હું નથી માનતો કે કંટાળો આવવો એમાં કશું ખોટું હોય. જો કંટાળાથી હજી પણ પરેશાન કે ગુસ્સે થવાનું હોત તો આપણે હજી પણ પાષણ યુગમાં જ હોત. આપણી ઉત્ક્રાંતિ અને વિકાસમાં કંટાળાએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. કેટલીક મહાન શોધો કઈ કોઈ જરૂરિયાતને લીધે નથી થઇ, તે તો એટલાં માટે થઇ કે કોઈ એક જણ કંટાળી ગયું હતું અને તેને કઈક નવીનતા જોઈતી હતી. જો જરૂરિયાત એ શોધોની માતા છે તો કંટાળો તેનો પિતા હોવો જોઈએ. કારણકે કંટાળો સંશોધન માટેની જરૂરિયાતને પ્રેરે છે. જયારે તમે કંટાળાને લીધે ઊંઘ આવતી અનુભવો તો તેનો અર્થ એ કે તમારે તમારા મનને ઉત્તેજિત-પ્રોત્સાહિત કરવાની અને તેને બીજું કઈક કે જેમાં તમને રસ પડે એવું શોધી કાઢવાની જરૂર છે. તેમ છતાં જો તમે કઈક એવું કાર્ય કરી રહ્યા હોય કે જેમાં તમને કંટાળો લાવવો પોષાય તેમ ન હોય તો તેને હળવાશથી લો. તમારા મનને થોડું તાજું અને સ્ફૂર્તિદાયક કરી તમારા વિષયને પાછો હાથમાં લો. જેમ કે ધ્યાન, કે જેમાં દરેક લોકોની એક મર્યાદા હોય છે. કેટલાંક શરૂઆતની દસ મિનીટમાં જ કંટાળાનો અનુભવ કરતાં હોય છે, તો કેટલાંક ત્રીસ મિનીટ સુધી નથી કંટાળતા હોતા. સજાગ પ્રયત્નોથી તમે તમારી કંટાળવાની મર્યાદામાં વધારો કરી શકો છો!
કંટાળાનો અર્થ એ છે કે તમે કોઈ બુદ્ધિ વગરનું પ્રાણી નથી, તેનો અર્થ એ છે કે તમે ભાગ્યશાળી છો કે તમને બુદ્ધિશક્તિ અને વિચારશક્તિ મળ્યાં છે. જો કે જે કંટાળાથી વ્યગ્ર થઇ જતાં હોય તેમનાં માટે એ સાચું છે. કંટાળો અને વ્યગ્રતા એક બીજા સાથે ગૂંથાયેલાં હોય છે: વ્યગ્રતા કંટાળાને પોષે છે અને કંટાળો વધુ વ્યગ્રતા જન્માવે છે. કંટાળા માટે બે રસપ્રદ વાત છે જે તમારે જાણવી જોઈએ. ચાલો હું એક દંતકથા વડે તેને વિસ્તારપૂર્વક સમજાવું.

ધ્યાનની સાધના કરવા માટે કટિબદ્ધ પરંતુ હજી ક્યાંય નહિ પહોંચી શકેલાં એક શિષ્યે તેનાં ગુરુને મળીને કહ્યું, “હું ખરેખર કંટાળો અને વ્યગ્રતા અનુભવું છું. હું ધ્યાન કરી શકવા માટે સક્ષમ નથી.”
“ચિંતા ન કર, કશી પ્રતિક્રિયા ન આપીશ. તે જતું રહેશે. તારા સંકલ્પને ઢીલો ન પાડીશ. કઠીન પરિશ્રમથી અંત સુધી મંડ્યો રહે.” ગુરુએ જવાબ આપ્યો.
થોડાક અઠવાડિયા પછી તે ખુબ જ ઉત્સાહી જણાયો અને બોલ્યો, “અરે, આ તો મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય છે. ધ્યાન આટલું સરસ ક્યારેય નહોતું થતું.”
“બહુ ઉંચે ન ઉડીશ, કશી પ્રતિક્રિયા ન આપીશ. આ પણ જતું રહેશે. તારા માર્ગેથી નજર ન હટાવતો. કઠીન પરિશ્રમથી અંત સુધી મંડ્યો રહે.” ગુરુએ જવાબ આપ્યો.

સ્પષ્ટ રૂપે આ કઈ ફક્ત ધ્યાન માટે જ સત્ય નથી પરંતુ બીજા ઘણાં બધા દ્રષ્ટિકોણ માટે પણ એટલું જ સત્ય છે. લોકો પોતાનાં સંબધોમાં, નોકરીમાં, પોતાની જિંદગીથી વિગેરે ઘણી બધી વસ્તુઓથી કંટાળી જતાં હોય છે. કંટાળા વિશે પ્રથમ વાત તમારે એ જાણી લેવાની છે કે કંટાળો એ ચક્રીય અને અસ્થાઈ હોય છે. જયારે તમે કશાથી કંટાળી જાવ ત્યારે તમે ભાગી ન જાવ, સ્વીકૃતિ અને સંકલ્પ સાથેની એક સજાગતાની પ્રેક્ટીસ કરો, અને તમે થોડા સમયમાં જ કંટાળાથી ઉપર ઉઠી જશો. જે જગ્યા એ લાગણીથી અને ભક્તિથી જોડાયેલાં હશો ત્યાં કંટાળો બહુ ઓછો કે નહીવત આવશે. એક માં પોતાનાં બાળકથી ભાગ્યે જ કંટાળી જાય છે પરંતુ એક અધીરું બાળક પોતાની માતાથી બહુ જલ્દી કંટાળી જાય છે. અંતે તો એ તમારી પ્રાથમિકતા ઉપર આધારિત છે.

કંટાળા વિશેની બીજી વાત તમારે એ જાણી લેવાની છે કે: તમે કંટાળવાનું જાતે પસંદ કરો છો. હા, એ સત્ય છે. જયારે તમે તમારા વ્યગ્ર અને અધીરા થઇ ગયેલાં મનને આધીન થઇ જાવ છો ત્યારે તમે વ્યાકુળ બની જાવ છે અને કંટાળી જાવ છો. અને જયારે તમારું આળસુ મન તમારા પર હાવી થઇ જાય છે ત્યારે તમને ઊંઘ આવવા માંડે છે અને તમે કંટાળી જાવ છો. બસ આ આટલી સરળ વાત છે. જયારે તમે કંટાળાને સારી રીતે લો છો ત્યારે તમારું મન પ્રતિશોધ કરવાનું બંધ કરી દે છે. તેમાં એક જાગૃતતાની જરૂર પડે છે, કે તમે જાગૃત છો કે તમને કંટાળો આવી રહ્યો છે, તમે તમારા પોતાનાં માટે સાક્ષી બનો છો. સ્વીકૃતિ અને સજાગતા તમને આળસથી આવતા કંટાળામાંથી બહાર કાઢવામાં મદદરૂપ બને છે. જાગૃતતા અને હળવાશ તમને વ્યગ્રતામાંથી આવતા કંટાળામાંથી બહાર કાઢવામાં મદદરૂપ બને છે.

કોઈ વખત કંટાળો આવે તો તેમાં કઈ વાંધો નહિ. તેને સ્વીકારી લો. તેની સાથે હળવાશથી રહો. જો તમારે તેનાંથી ઉપર ઉઠવાની ઈચ્છા હોય, તો એક જાગૃતતાથી તેનાં માટે પ્રયત્ન કરો. હિમાલયમાં મારી મહિનાઓની એકાંત સાધનામાં, કે જ્યાં કોઈ વીજળી નહોતી, કોઈ બીજું વાત કરવા માટે નહોતું, પુસ્તકોના ઢગલા નહોતા, સંગીત નહોતું, કોઈ પક્ષી પણ નહોતું, ફક્ત બરફ અને સફેદ બરફ ચોતરફ, ત્યાં પણ મેં મારી જાતને કંટાળવા નથી દીધી. હું તો ધ્યાન કરતો. જયારે ધ્યાનથી થાકી જઉં ત્યારે ચિંતન કરતો. જયારે ચિંતન કરતાં થાકી જતો ત્યારે પાછો ધ્યાન કરતો. જયારે તમે એક શિસ્તથી કટિબદ્ધ હોવ છો ત્યારે કંટાળો તમને અડી પણ નથી શકતો, કારણ કે કંટાળો મોટાભાગે એક બહાનું હોય છે અને ભાગ્યે જ તે કોઈ એક કારણ હોય છે. એક કંટાળેલું મન રાક્ષસનું કારખાનું હોય છે. મહાન બ્રિટીશ તત્વચિંતક બરટ્રાન્ડ રસેલના શબ્દોમાં: કંટાળો એ નીતિવાદી વ્યક્તિ માટે એક અગત્યનો પ્રશ્ન છે, કારણ કે માનવજાતના અડધા પાપો તેનાં ડરને લીધે થતાં હોય છે.

જયારે તમે કંટાળાના મોજાને પાર કરી જશો ત્યારે તમે તમારી જાતને આનંદના મહાસાગરમાં પામશો. તમારી બુદ્ધિ તીક્ષ્ણ બનશે અને તે તમારા અસ્તિત્વની સપાટીની ઉપર ઉઠશે અને તમને એક અંત:દર્શન પ્રદાન કરશે.
(Image credit: nicepicture)

શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.Saturday, 24 August 2013

વિશ્વાસુ, અવિશ્વાસુ અને નાસ્તિક

તે સાંજ પડતાં જ બધા ઘેટાંને એક જગ્યાએ ભેગા કરે છે. શું ખરેખર? તે તમારી શ્રદ્ધાની તાકાત ઉપર નિર્ભર છે.
એવાં ઘણાં લોકો છે જે ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે અને એવાં પણ ઘણાં લોકો છે જે નથી વિશ્વાસ ધરાવતાં. અમુક ભગવાનમાં માને છે કારણ કે તેમને કોઈ બીજો વિચાર જ કર્યો હોતો નથી, ઘણાં એવાં પણ હોય છે કે જેમને બહુ બધો વિચાર કર્યો હોય છે. અને એવું જ કઈક ભગવાનમાં નહિ માનનારાઓ માટે પણ કહી શકાય. વિશ્વાસનાં પરિપ્રેક્ષ્યમાં જ આજનું મારું વિષયવસ્તુ છે. વિશ્વાસ ધરાવનાર લોકોનાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે જેમ કે:

આશાવાદી

આશાવાદી એ રઘવાયાની હરોળમાં આવે છે. તે માને છે કે તેની વર્તમાન વિશ્વાસ પ્રણાલીમાં જો તેનાં પ્રશ્નોનો કોઈ જવાબ નહિ હોય તો, કદાચ બીજી કોઈ વિશ્વાસ પ્રણાલી પાસે હશે. તે હંમેશાં એક રામબાણ ઈલાજની શોધમાં હોય છે, કોઈ એવું સમાધાન કે જે તેમને શાંતિ પ્રદાન કરે. પરંતુ અહિ પ્રશ્ન એક જ છે કે તે એક વિશ્વાસ પ્રણાલી પરથી બીજી પર કુદકા માર્યા કરે છે. તેને હજી બેસીને મૂળ પ્રશ્નને ઓળખવાનો પ્રયાસ જ નથી કર્યો કાં તો પછી એ સાચો સવાલ નથી કરી રહ્યો. તે જાણે કે કોઈ પ્રદર્શનને જોતો બેઠો છે. તે આશા રાખે છે કારણ કે તે રઘવાયો છે. તેની અંતર્મુખ થવાની કે ભક્તિ કરવાની તમામ કોશિશો નિષ્ફળ જાય છે કારણ કે તેનામાં કટિબદ્ધતા ખૂટે છે, અને નૈતિકતાનો પણ અભાવ હોય છે. આશાવાદી વ્યક્તિ હંમેશાં ઊંડા પ્રશ્નોનું સહેલું સમાધાન ઈચ્છે છે. જયારે જયારે પણ તે કોઈ નવી વિશ્વાસ પ્રણાલીનો સ્વીકાર કરે છે ત્યારે તેને સારું લાગે છે, હાશ લાગે છે, અને અંદરથી થોડી સાંત્વના પામે છે. આ જો કે એક અસ્થાઈ સમયગાળો છે. અને આ સમય તરત ચાલ્યો જાય છે અને આ આશાવાદી વ્યક્તિ ફરી પોતાની જૂની નાવમાં પાછો ફરે છે. જાણે કે વાસ્તવિકતાએ તેને કોઈ સ્વપ્નમાંથી અચાનક જગાડી ન દીધો હોય! તેનું રઘવાયાપણું તેને ઝંપવા નથી દેતું અને તેની ઈચ્છાઓ તેનાં ઉપર પાછી હાવી થઇ જાય છે અને પાછો તે બીજા સમાધાનની શોધમાં નીકળી પડે છે. આ આશાવાદી વ્યક્તિ, સિવાય કે જો એ પોતાનાં અસ્તિત્વમાં, જિંદગીમાં, વિચારોમાં, વર્તનમાં અને માન્યતાઓમાં કોઈ ફેરફાર ન કરે તો તેનાં પોતાનાં જીવનમાં તે પરમાનંદને પામી શકે તેવી શક્યતા બહુ ઓછી છે, આત્મસાક્ષાત્કારનો તો સવાલ જ પેદા નથી થતો. લુખ્ખી વાણી, મોટો અહં, અમર્યાદિત ક્રોધ, અને વાસનાગ્રસ્ત મન આ એક આશાવાદીની નિશાનીઓ છે. તેને બદલાવની અપેક્ષા હોય છે પરંતુ તેનાં માટે કઈ પણ છોડવાની તૈયારી નથી હોતી.

કેદી

આ એક જુદી જાતનો વિશ્વાસું હોય છે જે આશાવાદી કરતાં થોડો વધારે સ્થિર હોય છે. તેની સ્થિરતા તેની આંતરિક અવસ્થા અને બાહ્ય સંજોગોના આધારે બદલાતી રહેતી હોય છે. આવી સ્થિરતા તે પોતે કોઈ સારો વિશ્વાસું છે એટલાં માટે હોય છે એવું જરૂરી નથી, પણ તેને મન કોઈ સંજ્ઞાનાત્મક તલાશ કે કોઈ બૌદ્ધિક પ્યાસ કે આધ્યાત્મિક વિજય જેવી વસ્તુઓની કઈ પડી જ નથી હોતી. આવો કેદી કોઈ બીજાની માન્યતા કે વિશ્વાસ પ્રણાલીમાં કેદ હોય છે. કોઈ ધર્મ, કોઈ પંથ, કોઈ સંપ્રદાય વિગેરેની જેલ આવા કેદી માટે બનાવેલી હોય છે. તેને લાગે છે જીવન એક સજા છે જેને ભોગવવાની છે. તેને આ જેલની બહાર જીવન જીવવાનો મોકો મળી શકે તેમ હોય છે પરંતુ તે તેનાં માટે નથી વિરોધ કરતો કે નથી અનુરોધ. તે જેલનું જીવન સ્વીકારી લે છે. ઘણાં બધા લોકો પોતાની માન્યતા કે વિશ્વાસ પ્રણાલીની જેલનાં કેદીઓ છે. તેઓ કદી બહાર આવવાનું સાહસ કરતાં જ નથી હોતાં. વાસ્તવિક જીવનનાં કેદીઓની સરખામણીમાં આ કેદીઓ તો અવાસ્તવિક સળિયાઓની પાછળ ધકેલાયેલા હોય છે. જો તમને કોઈ ચોક્કસ ફિલસુફી કે ધર્મ આપવામાં આવ્યો હોય અને તમે તેને સ્વીકારી લીધો હોય તો શકયતા છે કે તમે કોઈ સજા વેઠી રહ્યાં છો. તમે તમારા ઉપર લદાયેલાં નિયમોની નીચે જીવી રહ્યાં છો. જો તમારે કોઈ પણ કારણોસર (કે જે ફક્ત તમને જ જ્ઞાત હશે) આ જેલમાં જ રહેવું પડે એવું હોય તો કમ સે કમ જેલર બનીને રહો. એ કદાચ થોડી વધારે સારી નોકરી છે, એક વધુ સારી ભૂમિકા છે. જેલમાં કોઈ પિકાસો કરતાં કદાચ વધારે સારું ચિત્રકામ કરતુ હશે કે શેક્સપીયર કરતાં કદાચ વધારે ડાહ્યો લાગતો હશે તેમ છતાં તે રહેતો તો બંદી બનીને જ હોય છે. “માન્યતાઓની જેલ” એ એક શરતી બની ચુકેલાં મનની પેદાશ છે, અને તેને જો તમારી પ્રયત્ન કરવાની ઈચ્છા હોય તો જ તોડી શકાતી હોય છે.

પાલતું પ્રાણી

આશાવાદીની સરખામણીમાં પાલતું પ્રાણી એક જ જગ્યાએ રહેતું હોય છે. અને કેદીની સરખામણીએ તેને પોતાનાં માલિક પાસેથી પ્રેમ પણ મળતો હોય છે તેમજ તેને ઘરની બીજી વ્યક્તિઓ તરફથી પણ પ્રેમ મળતો હોય છે. તે એક તાલ-મેલમાં રહેતો હોય છે. એક પાલતું પ્રાણી એ છે કે જેને પોતાનાં બધાં પ્રશ્નોનો જવાબ મળી ગયા હોય છે અને પછી તે એક વિશ્વાસ પ્રણાલીમાં પ્રેમથી, મમતાથી અને દ્રઢતાથી સ્થાઈ થઇ જતો હોય છે. તે પોલી દલીલો અને લુખ્ખા વિવાદોને પાર કરી જાય છે. માન્યતા કે વિશ્વાસ એ બુદ્ધિની પેદાશ હોય છે. જ્યાં સુધી કોઈ એમ કહેતું હોય, “હું માનું છું”, તેનો અર્થ એ કે તેમને પોતાનું સત્ય હજી સુધી શોધ્યું જ નથી. એક પાલતું પ્રાણીની સ્વતંત્રતા તેનાં માલિકની મરજી સુધી જ સીમિત હોય છે. જયારે સાચો બોધ થઇ જાય છે ત્યારે આપોઆપ તેમનું “હું માનું છું”, કહેવાનું “હું જાણું છું” માં બદલાઈ જાય છે.

જે કઈ પણ કોઈ બીજા પાસેથી મેળવેલું હોય તે ક્યારેય જ્ઞાન નથી બની શકતું; તે ફક્ત એક માહિતી હોય છે. જયારે આપણે તે માહિતીનો ઉપયોગ કરીને આપણા પોતાનાં સ્વ-અનુભવે કોઈ તારણ ઉપર આવીએ ત્યારે તે જ્ઞાન બને છે. એક કેદી અને એક પાલતું પ્રાણી વચ્ચેનો પ્રાથમિક તફાવત તેમની સમર્પણની માત્રા ઉપર છે. તમારા પોતાનાં ઘરનું(એક બૌદ્ધિક શોધનાં) પાલતું પ્રાણી બનવું એ કોઈ બીજાની માન્યતાઓના ગુલામ બનવાં કરતાં અનેકગણું સારું છે. એક પાલતું પ્રાણી કુદરતીપણે જ પોતાનાં માલિકને જોઇને આનંદ અનુભવે છે. ભક્તિની પ્રણાલીમાં કે જે એક ભક્તિમય સેવાના પ્રતિક રૂપે, એક પાલતું પ્રાણી બનવું એક સૌથી ઉત્તમ વાત છે. તેમ છતાં, હું ફરીથી કહું છું કે, આજનો આ વિષય ફક્ત માન્યતા કે વિશ્વાસનાં પરિપ્રેક્ષ્યમાં જ છે. એક કેદી પોતાની વિશ્વાસ પ્રણાલીમાં એક પાલતું પ્રાણી જેટલો જ સુસ્થિત હોય છે પરંતુ તેને કોઈ પૂર્તિનો અનુભવ નથી થતો; તે પેલાં પાલતું પ્રાણીની જેમ છૂટથી રમી નથી શકતો, પોતાનો માલિક તેની પાછળ સાફ કરે તેની તો વાત જ જવા દો.

એક સાચી અનુભૂતિ, તમારી બધી માન્યતાઓ કે જે તમને બાંધી રહી છે અને તમારા જગતને શરતી બનાવી દઈ રહી છે તેને શોષી લે છે. પછી તમારો અનુભવ તમારું માર્ગદર્શક બળ બને છે અને તમારું બિનશરતી અસ્તિત્વ તમારું પથદર્શક અજવાળું. તમારે હવે શેમાંય વિશ્વાસ રાખવાની કે નહિ રાખવાની જરૂર નથી પડતી; તમને એક ત્રીજો જ વિકલ્પ મળે છે – તમારી પોતાની વિશ્વાસ પ્રણાલી બનાવવાનો. તમે હવે વિવિધ ધર્મ સિદ્ધાંતો વચ્ચે આમથી તેમ ફંગોળાતા નથી. શ્રદ્ધા એ વિશ્વાસનું એક ઉચ્ચ સ્તર છે. શ્રદ્ધા જયારે સો ટકા દ્રઢતાથી ટકાવી રાખવામાં આવે ત્યારે તે તમારા માટે ચમત્કાર કરી શકે છે. જયારે તમે તમારા વિશ્વાસમાં અવિરત પ્રયાસથી નૈતિકતા, શુધ્ધતા, સમર્પણ અને દ્રઢતા ઉમેરો છો ત્યારે તે એક લુખ્ખા બૌદ્ધિક સિદ્ધાંતમાંથી એક પ્રાણમય શ્રદ્ધા સ્વરૂપમાં બદલાઈ જાય છે. વધુમાં જયારે તમે તમારું પોતાનું સત્ય અનુભવો છો ત્યારે બીજી બધી વ્યાખ્યાઓ તમારા માટે તુચ્છ બની જાય છે.

જાવ! તમારા ભગવાનનું પાલતું પ્રાણી બની જાવ કે પછી તમારા પોતાનાં જગતના ભગવાન બની જાવ. એનાંથી ઓછું હોય તેવું કશું પણ ચલાવી ન લો.
(Image credit: Richard Ansdell)
શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

Saturday, 17 August 2013

તમને પ્રકોપિત કોણ કરે છે?

પ્રકોપન હંમેશાં સર્પને ચીડવવા જેવું હોય છે. જયારે તમને તેનાં વિષે ભાન થાય છે,મોટાભાગે ત્યાં સુધીમાં તો તેને ડંશ મારી દીધો હોય છે.
મને વારંવાર પૂછવામાં આવતું હોય છે કે દરેક પરિસ્થિતિમાં શું એકસમાન રહેવું શક્ય છે ખરું, જો હાં તો એનો કયો માર્ગ છે? ઘણાંબધા લોકોએ ધ્યાન, યોગ, થેરાપી, કાઉન્સેલિંગ, અને દુનિયામાં શક્ય હોય તે તમામ રસ્તાઓ અજમાવી જોયા છે, જો કે કોઈ મોટા પરિણામ મળી ગયા હોય તેવું નથી બન્યું. શા માટે એમ? ચાલો હું તમને એ મુદ્દાનાં મૂળમાં લઇ જઉં.

આપણી લાગણીઓ અને પ્રતિભાવોમાં એક પ્રકારની સ્વાભાવિક સહજતા હોય છે. તમે જેનાંથી માહિતગાર હોવ કે જેમાં કોઈ અચોક્કસતાને અવકાશ નથી, તેનાં માટે તમે કૃત્રિમ પ્રતિભાવ આપવાની યોજના બનાવી શકો. પરંતુ દરેક ઉભરતી ક્ષણમાં એક પ્રકારનું આશ્ચર્ય કે ચમત્કાર કે અચોક્કસતા તો રહેલાં જ હોય છે. આપણામાં ઉઠતી લાગણીઓ અને ભાવો તે આશ્ચર્ય પ્રત્યેનાં આપણા પ્રતિભાવો હોય છે. તમે તમારી લાગણીઓ માટે યોજનાઓ ન બનાવી શકો,  જયારે તમને સારા કે માઠા સમાચાર જાણવા મળે ત્યારે તમારે ચોક્કસપણે અમુક રીતનું જ અનુભવવાનું છે તેવું તમે તમારી જાતને ન કહી શકો. તો પછી તે સહજ ઉઠતી લાગણીઓ અને ભાવો ક્યાંથી આવતાં હોય છે, આ પ્રતિક્રિયાઓ ક્યાંથી આવતી હોય છે?
આપણી લાગણીઓ અને ભાવો, ખાસ કરીને જે નકારાત્મક છે તે, ઉત્તેજના કે પ્રકોપનમાંથી ઉઠતાં હોય છે. ઉત્તેજના કે પ્રકોપનનું કેન્દ્રબિંદુ કદાચ બાહ્ય કે આંતરિક હોઈ શકે, પરંતુ  અંતે તો જો કંઈપણ વસ્તુ કે કોઈપણ વ્યક્તિ તમને જો પ્રકોપિત ન કરી શકે તો તમે જોશો કે તમે ક્યારેય કોઈ અનિચ્છનીય વસ્તુ બોલશો નહિ કે કરશો નહિ. અન્ય લોકોનાં વાક્યો, તેમનું વર્તન, કે પછી તમારા મગજનો એક વિચાર માત્ર તમને ઉત્તેજિત કરી શકે છે.

એક આશ્રમમાં એક ગુરુ હોય છે અને તે એક ગળ્યું જડીબુટ્ટી વાળું પીણું પીવાનાં શોખીન હોય છે. તે પીણું ઘણી બધી જડીબુટ્ટીઓનું અને મધનું મિશ્રણ હોય છે. તે દ્રવ્ય બનાવતાં તેમને કલાકો થતાં. તેઓ તેનાં વિષે ખુબ જ રક્ષાત્મક રહેતાં અને તેને પોતાનાં ઓરડામાં જ પોતાની નજર હેઠળ રાખતાં. એક દિવસે તેમને બાજુનાં ગામમાં પ્રવચન આપવા માટે જવાનું થયું. તેમને આખો દિવસ જવાનું હતું અને તેમને સારી રીતે ખબર હતી કે તેમનો યુવાન શિષ્ય પ્રલોભન સામે ઝુકી જાય તેવો હતો. “આ શીશીમાં ખતરનાક ઝેર છે,” તેમને પેલાં શિષ્યને કહ્યું જે તેમની ગેરહાજરીમાં તેમનાં ઓરડાની સાફસુફી કરવાનો હતો. “તેને અડતો નહિ અને બીજા કોઈ પણને આ ઓરડામાં આવવા દેતો નહિ.”

યુવાન સાધુને બધી ખબર હતી. તેને આખો દિવસ પ્રતિકાર કર્યો પરંતુ અંતે તેનું પ્રલોભન જીતી ગયું. એક બુંદ ચાખી લેવાની લાલચે, તેને શીશી ખોલી. એક જંગલી અને અસાધારણ સુગંધે તેની ધ્રાણેન્દ્રીયને ઉત્તેજિત કરી દીધી. એ પહેલા તેને કઈ ખબર પડે તેને અડધી શીશીતો ગટગટાવી દીધી. પછી તો તેને બહુ જ ચિંતા થવા લાગી, અને આમાંથી માર્ગ કાઢવો જરૂરી હતો. તેને તે દ્રવ્ય થોડું વધારે પી લીધું, થોડું તેનાં ઝભ્ભા પર છાંટ્યા, થોડા ટીપાં જમીન ઉપર ઢોળ્યાં અને શીશીના ટુકડે ટુકડા કરીને જમીન પર ફેંકી દીધાં. હવે તે ત્યાં જ પોતાનાં ગુરુની રાહ જોતો બેસી રહ્યો. ચિંતા અને આતુરતામાં ઘણાં કલાકો વિતી ગયા.
“શું થયું?” જેવા ગુરુ પાછા આવ્યા કે તેમને આ શિષ્યને જોતા જ પૂછ્યું.
“હું તમારો ગુનેગાર છું, ગુરુદેવ,” તેને જવાબ આપ્યો, “હું તમારો ઓરડો સાફ કરતો હતો અને આ શીશી મારા હાથમાંથી છટકી ગઈ. હું કઈ કરી શકું તે પહેલાં, તે તૂટી ગઈ. હું તો બેબાકળો થઇ ગયો કે મારાથી આ શું થઇ ગયું. મને લાગ્યું કે મારે તો મરી જવું જોઈએ, હું તે ઝેર જેટલું પીવાય તેટલું પી ગયો. મેં તેને થોડું મારા ઉપર પણ છાંટી જોયું કે જેથી તેની જંગલી સુગંધથી હું મરી જઉં. ઘણાં કલાકો વિતી ગયા તેમ છતાં પણ હું હજી મર્યો નથી.”

તમારા પ્રકોપન કે ઉત્તેજનાનાં તળિયે એક પ્રલોભન-એક લાલચ બેઠેલી હોય છે. એ જાણે કે એક ખંજવાળવાનું મન થઇ જાય તેવી હોય છે, તે અતિ પ્રબળ હોય છે કે તેનો પ્રતિરોધ નથી થઇ શકતો. અને પ્રલોભન શું છે? તે એક વિચાર હોય છે કે જે આપણને એક આશ્ચર્યમાં એક નવાઈમાં ઝડપી લે છે. ત્યારપછી જે વિચારો, ચિંતન, અને કાર્યો થઇ જાય છે તે તો તેની અસર માત્રથી થતાં તેનાં પરિણામ સ્વરૂપ જ હોય છે.
એ જાણવું બહુ મહત્વનું છે કે તમારો તમારી લાગણીઓ ઉપર કોઈ સીધો કાબુ નથી હોતો, તમે સારું કે ખરાબ અનુભવવાનું કઈ જાતે પસંદ ન કરી શકો. તેમ છતાં તમે ખરાબ લાગણીને તમારી અંદર થોડી ક્ષણોથી વધુ નહી ટકવા દેવા માટે તમારી જાતને તાલીમ જરૂર આપી શકો. તમે તે લાગણીનાં મૂળ સુધી પહોંચો – તમારા મનમાં – અને ત્યારબાદ  તેને બિલકુલ બીજી તરફ વાળી દો. જયારે પણ તમે અમુક ભાવ કે લાગણીને અનુભવતાં હોવ છો ત્યારે તમારી કોઈ ટેવ તમારા ઉપર હાવી થઇ જાય છે, એ સમયે તમારી જાતને પૂછો: શું હું ઉત્તેજિત થઇ રહ્યો છું? અને પછી તમારી જાતને જવાબ આપો: મને ખબર છે કે હું ઉત્તેજિત થઇ રહ્યો છું. આનાથી એક સ્વગત સંવાદ થશે. અને તે તમારી જાગૃતતામાં વધારો કરશે.

ઉત્તેજના એ એક ટુંકી લાકડી વડે એક ઝેરી સર્પને ચીડવવા જેવું છે. જેવું તમને ભાન થાય કે આ તો ખોટું થયું પણ ત્યાં સુધીમાં તો તેને તેનાં તીક્ષ્ણ દાંત વડે તમને બેસાડી દીધાં હોય છે. તમે ચપળ છો, કાળજી લેનાર છો, પણ કોઈ વખત તમે ઊંઘતા ઝડપાઈ જતાં હોવ છો અને તમે તેને સમજો તે પહેલાં તો તેની સહજતા એ તમને નુકશાન પહોચાડી દીધું હોય છે. તમે હલી જાવ છો અને તમારી નકારાત્મકતાએ તમને હરાવી દીધાં હોય છે.

તમે જયારે બીજાને વફાદાર નથી રહેતા ત્યારે તમે પ્રકોપિત થઇ જાવ છો. તમે જયારે તમારી જાતને વફાદાર નથી રહેતા ત્યારે પણ તમે તેટલાં જ પ્રકોપિત થઇ જાવ છો. અને આવું હંમેશા તમે નકારાત્મક કે ખરાબ હોવાનાં બોજા હેઠળ જ નથી થતું. કોઈ કોઈ વાર તો તમે ખુબ જ સારા બનવાનો, ખુબ જ મીઠા બનવાનો, ખુબ જ સહયોગી બનવાનો પ્રયત્ન કરતાં હોવ છો. જયારે તમે તમારી પોતાની જરૂરિયાતોને અવગણીને આમ કરતાં હોવ છો ત્યારે તમે ખુબ જ નિરાશા-હતાશા અનુભવો છો, તમે છુપી રીતે અંદરથી ઉત્તેજના અનુભવો છો. આવું પ્રકોપન તમને ગુસ્સામાં જેમ નિરાશા આવતી હોય છે તેવી જ નિરાશા સાથે ન કરવાનું કરવા માટે તુરંત પ્રેરિત કરી દે છે.

તમારી જાતને ઓળખો કે જેથી તમે તેને મુક્તિ અપાવી શકો. જો તમે તમારી જાત સાથે આરામદાયક મહેસુસ કરતાં હોવ તો તમે સહેલાઇથી પ્રકોપિત-ઉત્તેજિત નહિ થઇ જાવ.
(Image credit: Patricia Roshaven)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.


 

Saturday, 10 August 2013

શું તમને અંધારાથી ડર લાગે છે?

 જો તમે પ્રેરણાદાયી અને હકારાત્મક પ્રૌરાણીક હસ્તીઓમાં વિશ્વાસ ધરાવતાં હશો તો તમે કુદરતીપણે જ ભૂત અને રાક્ષસ પણ છે તેમ માનશો.
 
દરેકજણને ડર લાગતો હોય છે, ફક્ત માત્રા જુદી જુદી હોય છે. એ જન્મજાત હોય છે, તે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની વ્યવસ્થાનાં એક ભાગ રૂપે પણ રહેલું હોય છે. કારણ કે તે આપણને કોઈ પણ પરિસ્થિતિમાં લડવું કે ભાગવું એ નિર્ણય લેવામાં મદદરૂપ બનતું હોય છે. ચાલો મને એ દિવસે કોઈએ પુછેલા એક સવાલથી શરૂઆત કરીએ. એક સન્નારી જે બે બાળકોની માતા હતી, તેને પૂછ્યું, “મારો પુત્ર અંધારાથી ખુબ ડરે છે. મારે શું કરવું જોઈએ?
“કોણ નથી ડરતું હોતું?” મેં કહ્યું. “એને ડરવા દો. એ ક્યારેય એટલો બધો ડરી જાય છે કે તેનું પેન્ટ પણ ભીનું થઇ જાય?
“ના. એને એવું તો કોઈ દિવસે નથી કર્યું.”
“તો પછી શું પ્રશ્ન છે? તમે જયારે નાના હતાં ત્યારે તમે શું અંધારાથી નહોતા બીતા? જો તમારે અંધારામાં કોઈ અજાણી જગ્યાએ જવાનું હોય તો તમને શું બીક નહિ લાગે? જાણકારી ભયને હળવો બનાવે છે. તમારો પુત્ર ડરી જાય છે કારણ કે તે હજી આ દુનિયાને જાણી-સમજી રહ્યો છે. તેનું કલ્પનાજગત હજી જીવંત છે. જો તે સાન્તાક્લોઝમાં વિશ્વાસ રાખતો હોય તો તે ભૂતમાં પણ માનતો જ હશે. જયારે તમે તેને પરીઓની અને ધાર્મિક કથા-વાર્તાઓ સંભાળવતા હોવ છો ત્યારે તમે તેનાં માનસમાં એક પ્રૌરાણીકતા પણ ભરો છો. પછી તો એ અંધારામાં રાક્ષસ કે ભૂતની આશા રાખે તે કુદરતી છે. પણ હું એમ નથી કહેતો કે તમે તેને એવી વાર્તાઓ વાંચી સંભળાવવાનું બંધ કરો. ફક્ત એ વાતનો સ્વીકાર કરો કે ભય એ બાળકમાં એક કુદરતી લાગણી છે. સમય જતાં કુદરત તેને સાચી વાત શીખવશે. તેને અંધારાથી ડરવાનું નહિ તેમ ન કહો કારણ કે તેમ કરતાં તો તેને તે સૂચનામાંથી ફક્ત બે જ શબ્દો યાદ રહેશે – ડર અને અંધારું. પરિણામે, જયારે પણ અંધારું થશે, તે આપોઆપ ડર વિષે જ વિચારશે. એનાં બદલે તેને લાઈટ ચાલુ કરવાનું કહો.”

ડર એ કઈ ખાલી અહેસાસ નથી એક ભાવના પણ છે. અને તે આપણી ઉત્ક્રાંતિ સાથે ખુબ જ મજબૂતાઈથી જોડાયેલી છે. એક શુક્રાણુ અંડાશયને અંધારામાં જ મળે છે. એક ભ્રૂણ ગર્ભમાં નવ મહિના અંધારામાં કાઢે છે. તેનો પોતાની જિંદગી પર કોઈ કાબુ નથી હોતો. તે લાચાર હોય છે, લગભગ અચલાયમાન. માં જે કઈ પણ ખોરાક ખાય તેમાંથી જ તે ખાતું હોય છે. તે કશાયનો સ્વીકાર કે અસ્વીકાર નથી કરી શકતું. તેને કોઈ સ્વતંત્રતા હોતી નથી તે ગર્ભનાળથી બંધાયેલું હોય છે. કોઈ અજાણ્યા આકારને અંધારામાં જોવાની લાગણી હંમેશાં મનમાં છવાયેલી રહે છે ભલે ને પછી આપણે આ દુનિયામાં જન્મી ગયાં હોઈએ. અને વ્યવહારિક રીતે પણ અંધારાનો અર્થ છે કે તમે કશું જોઈ શકતાં નથી. જે કઈ પણ તમે જોઈ શકતાં નથી તે તમારા માટે અજાણ્યું બની રહે છે. તમારું મન અજાણ પરિસ્થિતિ સાથે કેવી રીતે કામ લેવું તેનાં માટે આયોજન કરી શકતું નથી માટે તે મનમાં એક ભય કે ડરનો સંકેત ઉભો કરે છે. તમે જેને બરાબર સમજી શકતાં હોય તેની સામે જ લડી શકો છો. માટે, અંધારામાં, લાચારીની લાગણી વધારે દ્રઢ થઇ જતી હોય છે કારણ કે હવે પછી શું થશે તેની આપણને ખબર નથી હોતી.

કલ્પના કરો કે અંધારી રાત્રે તમે ઘર તરફ પાછા વળી રહ્યાં છો. જેવાં તમે ઘરનાં મુખ્ય દરવાજા તરફ જઈ રહ્યાં છો કે તમને ખબર પડે છે કે કોઈ દરવાજો તોડીને અંદર ઘુંસી ગયું છે. તમે કુદરતીપણે જ ડરનો અનુભવ કરો છો. કદાચ તે વ્યક્તિ હજુ પણ અંદર હોય તો શું? જો તેની પાસે કોઈ હથિયાર હશે તો? કદાચ જો તેઓ જુથમાં હશે તો વિગેરે અને બીજા અનેક આવા સવાલો મગજમાં આવ્યા કરે છે. તમે અંદર આવી જાવ અને ખાતરી કરી લો કે બધું બરાબર છે તેમ છતાં પણ, મહિનાઓ સુધી એક બીકની લાગણી ઘર કરી જાય છે કે તમારી ગેરહાજરીમાં, તમારી મંજુરી વગર, તમારી જાણ બહાર કોઈ તમારા ઘરમાં ઘુંસી આવ્યું હતું. તમને એમ લાગવા માંડે છે કે તમારી સુરક્ષામાં કોઈ ભંગ થઇ ગયો હોય. તેઓ તમને જાણે છે પણ તમે તેમને નથી જાણતા. એક ડર છે. અને તે કુદરતી છે.

જો તમે તમારા બાળકોને અપ્સરા, પરીઓ, ભૂત, પ્રેત, રાક્ષસ, દેવદૂત અને બીજા એવાં કેટલાંક પાત્રો વિષે વાર્તાઓ સંભાળવીને જો ઉછેરી રહ્યા હોય તો તમે નિરપવાદપણે તમે તેમને કહી રહ્યાં છો કે તેમને નજરે ન દેખાતા હોય એવાં પાત્રો પણ અસ્તિત્વ ધરાવે છે. અને જયારે તેઓ ખરેખર અંધારામાં કશું જોઈ ન શકતાં હોય ત્યારે બિહામણી આકૃતિઓ તેમનાં માનસપટ પર આકાર લેતી હોય છે. તેમને ખબર છે દેવદૂતો તો અંધારામાં નહિ દેખાય કેમ કે બાળકોની ચોપડીઓમાં દેવદૂતના ચિત્રો આગળ સારા એવાં પ્રમાણમાં પ્રકાશ દેખાતો હોય છે, જયારે દુષ્ટ પાત્રો અંધારામાં બતાવેલા હોય છે. આ એક શરત મગજમાં રહેલી હોય છે. આ તેમનાં માનસને વિના અસ્તિત્વની બિહામણી આકૃતિઓથી કલુષિત કરે છે. પરંતુ સમય જતાં જિંદગી તેમને શીખવતી હોય છે કે આ દુનિયા કાલ્પનિક કથાઓથી ભરેલી હોય છે. આ અનુભવજન્ય ડહાપણ અને શિક્ષણ તેમને અંધારાના ડરમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

“જ્હોની, તું જલ્દી બહાર બગીચામાંથી સાવરણી મને લાવી આપે છે?” જ્હોનીની મમ્મીએ રાત્રે કહ્યું.
“પણ, મને અંધારાની બહુ બીક લાગે છે, મમ્મી,” જ્હોનીએ કહ્યું. “બહાર તો ભૂત હોય.”
“ભગવાનમાં વિશ્વાસ રાખ, જ્હોની. ભગવાન બધે જ હોય છે, અને તે ભૂતથી વધારે શક્તિશાળી હોય છે.”
“તને પાક્કી ખાતરી છે કે ભગવાન બહાર બગીચામાં પણ છે?”
“બિલકુલ. અને એ તારું ધ્યાન પણ રાખી રહ્યાં છે. હવે, જા અને મને સાવરણી લાવી આપ.”
નાનકડાં જ્હોનીએ ધીમેથી થોડું બારણું ખોલ્યું, તેનો હાથ બહાર લંબાવી ને બોલ્યો, “પ્લીઝ ભગવાન મને સાવરણી આપો. મમ્મી કહે છે કે તમે બહાર બગીચામાં છો.”

મોટેરાઓ તેમની જાતને ખોટી અભીપુષ્ટિઓ આપતાં હોય છે, તેઓ ભૂતને તો નકારી દેતાં હોય છે પણ ભગવાનને સ્વીકારી લેતાં હોય છે. તમે સત્યને તમારી અનુકુળતા મુજબ વાળવાનું શીખી ગયા હોવ છો. એક બાળક માટે જો કે તે એક શુદ્ધ કલ્પના જ હોય છે. અને જેમ જેમ તેઓ વધારે શરતી થતાં જાય, તેઓ પણ આવી કોઈ કરામત શોધી કાઢતાં હોય છે. જે દુ:ખદ છે.

જયારે હકીકત તમારી કલ્પનાથી મોટી થઇ જાય છે ત્યારે ડર જતો રહે છે કેમ કે ડર હંમેશાં પુર્વાભાશી હોય છે. હા, હંમેશા તેવું હોય છે. વર્તમાન ક્ષણમાં કોઈ ડર નથી, જયારે તમે એવું વિચારવાનું ચાલુ કરો કે બીજી ક્ષણે શું થશે ત્યારે જ તમે કોઈ ડરને અનુભવી શકો છો. મારે ડરનાં પ્રકારોને પણ આ પોસ્ટમાં વણી લેવાં હતાં. પણ ચાલો ફરી ક્યારેક.

વર્તમાનમાં રહો. મુક્ત બનો, નિર્ભય બનો.
(Image credit: Thomas Nast)
શાંતિ
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

 

Saturday, 3 August 2013

પ્રિયજનની ખોટનો સામનો કેવી રીતે કરવો

સમય જતાં, તળાવ છે તે સુકાઈ જતું હોય છે, પણ તે અદ્રશ્ય નથી થઇ જતું, ઘાવ રૂઝાતા વાર લાગતી હોય છે.
કોઈક વખત લોકો તેમનાં પ્રિયજનોને ગુમાવવાનાં હૃદયદ્રાવક થઇ જાય તેવાં બનાવો મને કહેતાં હોય છે. એવાં ઘણાં લોકો હોય છે કે જેઓ તેમનાં પુત્ર, પુત્રી, ભાઈ-બહેન કે માં-બાપને ખોઈ બેઠા હોય છે – અકાળે કે પછી અનપેક્ષિત રીતે. ઘણી વખત તો તે એટલું અત્યંત કષ્ટદાયી હોય છે કે એક તટસ્થ શ્રોતા હોવાં છતાં પણ મારી આંખો છલકાઈ જતી હોય છે. એ ઝટકો, એ આઘાત, એ દુ:ખ તેમનાં માટે અસહ્ય હોય છે, જાણે કે તે ઘાવ ક્યારેય રૂઝાશે જ નહિ. તેઓ મને પૂછતાં હોય છે કે આ દુ:ખમાંથી કેવી રીતે બહાર આવવું. ચાલો હું તેનાં માટે કેવું વિચારું છું તેની વાત તમને કરું.

મૃત્યું એ અનિવાર્ય છે. જે કોઈને પણ આપણે જાણીએ છીએ તે એક દિવસ મૃત્યું પામવાનું જ છે. આપણે દરેક જણ એક ટ્રેઈનમાં બેઠા છીએ અને દરેકે અંતે તો તેમાંથી ઉતરી જવાનું જ છે. કોઈનું અવરોહણ વહેલાં તો કોઈનું આપણા પછી. આપણે જાણતા હોઈએ છીએ કે દરેકનો સમય આવવાનો જ છે તેમ છતાં પણ મૃત્યું આપણને ઊંઘતા જ ઝડપી લેતું હોય છે, જાણે કે કોઈ અચાનક જ તમારી સામે આવીને ઉભું રહી જાય તેમ. જયારે કોઈ માનસિક રીતે તૈયાર હોય, જયારે કોઈ તેની અપેક્ષા રાખતું હોય કે પૂર્વાનુમાન લગાવીને બેઠું હોય તો પોતાનાં મૃત્યું માટે પણ તૈયાર રહેવું સરખામણીએ થોડું સરળ રહેતું હોય છે. જો કે તે ભાગ્યે જ શક્ય છે. જો આપણી પ્રિય વ્યક્તિ મરણતોલ બિમાર હોય તો કદાચ આપણને આપણી જાતને માનસિક રીતે તૈયાર કરવાનો થોડો સમય મળી રહેતો હોય છે, તેમ છતાં એનો અર્થ એ નથી કે આપણે બિમારી સાથે કોઈ શરત લગાવીને બેઠા છીએ. જે માણસ ગયું તે તો ગયું જ, પણ જે પાછળ રહી જાય છે તેને સૌથી મોટી ચુનોતીનો સામનો કરવો પડે છે, અને તે કદાચ મોતથી પણ મોટી હોય છે.

અનેક ધર્મો મૃત્યું ઉપર જુદાજુદા વિચારો રજુ કરે છે. કોઈ પુનર્જન્મનું વચન આપે છે તો કોઈ સ્વર્ગ દેખાડે છે તો કોઈ મોક્ષ. જો કે તે બધી પરિકલ્પનાઓ માત્ર છે. તેમાં કહેલાં ફળો માણસને પોતાનાં જીવનકાળ દરમ્યાન સાચા અને સારા કર્મો કરવા માટે પ્રેરણા આપી શકે, પાછળ છૂટી ગયેલાં લોકોને આશ્વાસન આપી શકે, આ બધા વચનો કોઈ પ્રમાણ વગરનાં દાવાઓ માત્ર છે. એનાંથી વિશેષ બીજું કશું નહિ. મૃત્યું અને શોકના આજનાં વિષયમાં હું ભગવદ્દગીતામાંથી, બાઈબલમાંથી, કે બૌદ્ધ ગ્રંથોમાં કહેલી વાતો કરી શકું પણ હું તમને આશ્વાસન આપવા નથી માંગતો. મારો હેતુ તમને કોઈ વિચારસરણી કહેવાનો નથી. મારે તો મારા ખુદના વિચારો તમારી સાથે વહેચવા છે.

સૌ પ્રથમ તો, મારે તમને એ કહેવાનું છે કે તમે તેમને ક્યારેય ભૂલી શકવાના નથી. જેટલાં વધું પ્રયત્નો તમે એમને ભૂલવા માટેનાં કરશો તેટલી જ મોટી તેમની ખોટ અનુભવાશે. આ એક કઠોર સત્ય છે. અને તમારે શા માટે તેમને ભૂલી જવા જોઈએ? તમે એવું ઇચ્છશો ખરા કે જયારે તમે જાવ ત્યારે તમને બધાં ભૂલી જાય? ચાલી ગયેલી વ્યક્તિનું તમારા હૃદયમાં, તમારી યાદોમાં, તમારા જીવનમાં એક કાયમી સ્થાન છે, જયારે તમે એ વાતને સમજશો અને તેનો સ્વીકાર કરશો ત્યારે એક છુપી રીતે તે ઘાવ રૂઝાવાની શરૂઆત કરશે. તેમની યાદોને ભૂસી નાંખવા માટે તેમને મિટાવી દેવા માટે તમારી જાત ઉપર કોઈ દબાણ ન કરશો, જેમનું છે એમનું એમ થોડી વાર માટે રહેવાં દો, કુદરતને તેનો ભાગ ભજવવા દો, તેને આપમેળે સરખું થવા દો. શોક માણસને સમય જતાં બેઠા થવામાં મદદ કરે છે.

દુ:ખનાં મુખ્યત્વે બે તત્વો છે, ઝટકો અને અસ્વીકાર. જયારે તમે કોઈને અચાનક, દાખલા તરીકે કોઈ અકસ્માતમાં ગુમાવી દો છો ત્યારે તે આઘાતમાંથી બહાર આવતાં ખાસ્સો સમય લાગી જતો હોય છે. એવું એટલાં માટે થાય છે કારણ કે કુદરતે તમને આમાં માનસિક રીતે તૈયાર થવાનો કોઈ સમય જ નથી આપ્યો હોતો. આપણે અસ્વીકાર અને અવિશ્વાસનાં સ્તરે સરકી જતાં હોઈએ છીએ. પછી તે આંતરિક પ્રતિકાર તરફ દોરી જાય છે. અને આવો પ્રતિકાર તમને એક આંતરિક સંઘર્ષ, ડીપ્રેશન તેમજ એક ઘોર હતાશા તરફ દોરી જાય છે. જો કોઈ લાંબી મરણતોલ બીમારી કે જેમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરીને વ્યક્તિ મૃત્યું પામી હોય તો તેમાંથી લાગતો આઘાત તેમજ તે વાતનો અંદરથી થતો અસ્વીકાર કઈ ઓછો નથી હોતો, તે ફક્ત જુદા સ્વરૂપનો હોય છે. બન્નેમાં અનુભવાતી ચોટ તો અભીઘાતક જ હોય છે. કલ્પના કરો કે તમારું કોઈ અંગ કપાઈ ગયું હોય, અને કૃત્રિમ અંગ ભલેને ગમે તેટલું દક્ષ કે સંપૂર્ણ કેમ ન હોય, તે અસલ અંગ સાથે ક્યારેય બરાબરી નથી કરી શકતું. જે ખાલીપો કોઈનાં જતાં રહેવાથી સર્જાયો હોય છે તે ફક્ત અધુરો અને અપૂર્ણ રીતે જ ભરાતો હોય છે.

સ્વીકાર કરવો એ તેની ચાવી છે. હું તેમનાં મૃત્યુંનો સ્વીકાર કરી લેવાનું નથી કહેતો, હું તો તેમનું મૃત્યું તમારા માટે ખુબ જ દુ:ખદાયક બાબત છે, અને તેનાંથી તમને ખુબ જ દુ:ખ લાગી રહ્યું છે, અને બીજી બધી વાતો એક વિચારસરણી જ છે તેનો સ્વીકાર કરવાનું કહી રહ્યો છું. કુદરતી રીતે ઘાવ રૂઝાવાની પ્રક્રિયાને થવા દો, તમારી લાગણીઓને વહેવા દો, તમારી જાતને એક નિકાસ-માર્ગ આપો. તમને તમારી લાગણીઓને દબાવી રાખવાનું પાલવશે નહિ, તેનાંથી તમે ગુસ્સે અને અંદરથી દુ:ખી થઇ જશો. જયારે તમે આ ખોટને શોષાવા અને સ્વીકાર કરવામાં કુદરતની મદદ લેશો તો તમને તમારા પ્રિયજનની શારીરિક ઉપસ્થિતિની ગેરહાજરીમાં જીવન જીવવામાં થોડી સરળતા રહેશે. ખુશી, હાસ્ય અને આનંદની જેમ જ દુ:ખ અને શોક એ માનવજીવનની મૂળ લાગણીઓ છે. તે આપણને આપણે જે છીએ તે બનાવે છે. તેનાં ઉપર નિયંત્રણ કે પ્રતિબંધ ન મુકશો, તમે કુદરતી જેવા છો તેવાં બની રહો.

જયારે તમે ખુશ હોવ છો ત્યારે તમે શું કરો છો? તમે હસતાં હોવ છો. તો પછી તમે જયારે દુ:ખી હોવ અને તમને જયારે તેમની ખોટ સાલતી હોય ત્યારે તમે રડો એ શું સામાન્ય નથી?

એક જ્ઞાની ઝેન સંત કોઈ એક માણસની સ્મશાન યાત્રામાં રડતાં જોવા મળ્યાં. મોટાભાગનાં લોકોને નવાઈ લાગી. તેમને લાગ્યું કે આ સંત તો આ બધી માનવ લાગણીઓથી ઉપર ઉઠી ગયેલાં છે. એક સંતને રડતાં જોવા તે એક અસામાન્ય દ્રશ્ય હતું. એક બાળક તેમની પાસે ગયું, તેમનો ઝભ્ભો પકડીને ખેંચતા કહ્યું,
“તમે કેમ રડો છો?”
“તે મારો મિત્ર હતો,” સંતે કહ્યું. “હું ખુબ દુ:ખી છું માટે હું રડું છું.”

તેમનો વિચાર જો તમને રડાવતો હોય, તો રડો, તેને બહાર આવવા દો. તેને અંદર પકડી ન રાખો. બીજા બધા તમને તમારું ધ્યાન બીજે લગાવાની, બહાર જવાની, ભૂલી જવાની અને આગળ વધવાની વિગેરે સલાહ આપી શકે. તમને જે રીત, જે ફિલસુફી, જે વિચારસરણી મજબુત અને સારા બનાવતી હોય તેને અપનાવી શકો છો. પરંતુ હકીકત એ છે કે તમે જુઠ્ઠી લાગણીઓ નહિ દર્શાવી શકો, તમે તમારી જાત જોડે જુઠ્ઠું નહિ બોલી શકો. તમારા પ્રિયજનની સાથેની તમારી જેટલી વધુ યાદો હોય તેટલું જ તેમને ભૂલી જવું વધારે અઘરું છે. ગરમી ગમે તેટલી તીવ્ર કેમ ન હોય, કીચડ હંમેશાં તળાવ કરતાં વહેલો સુકાઈ જવાનો અને સમુંદર ક્યારેય નથી સૂકાવાનો. તમને તેમાંથી બહાર નીકળવામાં કેટલો સમય લાગશે તેનો આધાર તમારી યાદોનો ભંડાર ખાબોચિયાનાં કીચડ જેટલો છે કે અગાધ સમુંદર જેટલો તેનાં ઉપર છે. તમે તેમને તેમનાં જન્મદિવસ ઉપર યાદ કરશો, તેમની પુણ્યતિથી ઉપર યાદ કરશો, તમારા પોતાનાં જન્મદિવસે કે બીજા કોઈ મહત્વના દિવસે કે કોઈ પ્રસંગે યાદ કરશો. આ કુદરતી છે. તેને તેમ જ રહેવા દો. તમે આ રીતે તેમને અને તેમની યાદોને તમારા જીવનનો એક ભાગ બનાવી રાખી શકો છો. આખરે તો મૃત્યું એ જીવનની બીજી બાજુ જ છે. તમે નદીની એક બાજુ ઉભા છો અને તેઓ બીજી બાજુ, તમે ક્ષિતિજની આ બાજુ ઉપર છો અને તેઓ બીજી બાજુ ઉપર. ક્ષિતિજ ક્યારેય અદ્રશ્ય નથી થઇ જતી કે ન તો સમયની નદી વહેવાનું બંધ કરે છે.

આપણી લાગણીઓ આપણને માનવ બનાવે છે, અને જો આ લાગણીઓને હકારાત્મક દિશામાં વાળવામાં આવે તો તે આપણને દિવ્ય બનાવતી હોય છે, જો ખોટી દિશામાં વાળવામાં આવે તો આપણને રાક્ષસ બનાવતી હોય છે. આત્મ-સાક્ષાત્કારનો અર્થ એ નથી કે તમે બધી માનવ લાગણીઓને સમુળગી ગુમાવી દો. તેની વિરુદ્ધ, આત્મ-સાક્ષાત્કાર તો એ છે કે તમે એટલાં દયાળુ બની જાવ છો કે બીજાનું થોડું દુ:ખ પણ તમને રડાવી દેતું હોય છે.

“ઓ આનંદ!” બુદ્ધ કહે છે, “પ્રિયજનથી વિખૂટું પડવું નિશ્ચિત હોય છે”
(Image credit: Arthur Chartow)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.Share