Saturday, 3 August 2013

પ્રિયજનની ખોટનો સામનો કેવી રીતે કરવો

સમય જતાં, તળાવ છે તે સુકાઈ જતું હોય છે, પણ તે અદ્રશ્ય નથી થઇ જતું, ઘાવ રૂઝાતા વાર લાગતી હોય છે.
કોઈક વખત લોકો તેમનાં પ્રિયજનોને ગુમાવવાનાં હૃદયદ્રાવક થઇ જાય તેવાં બનાવો મને કહેતાં હોય છે. એવાં ઘણાં લોકો હોય છે કે જેઓ તેમનાં પુત્ર, પુત્રી, ભાઈ-બહેન કે માં-બાપને ખોઈ બેઠા હોય છે – અકાળે કે પછી અનપેક્ષિત રીતે. ઘણી વખત તો તે એટલું અત્યંત કષ્ટદાયી હોય છે કે એક તટસ્થ શ્રોતા હોવાં છતાં પણ મારી આંખો છલકાઈ જતી હોય છે. એ ઝટકો, એ આઘાત, એ દુ:ખ તેમનાં માટે અસહ્ય હોય છે, જાણે કે તે ઘાવ ક્યારેય રૂઝાશે જ નહિ. તેઓ મને પૂછતાં હોય છે કે આ દુ:ખમાંથી કેવી રીતે બહાર આવવું. ચાલો હું તેનાં માટે કેવું વિચારું છું તેની વાત તમને કરું.

મૃત્યું એ અનિવાર્ય છે. જે કોઈને પણ આપણે જાણીએ છીએ તે એક દિવસ મૃત્યું પામવાનું જ છે. આપણે દરેક જણ એક ટ્રેઈનમાં બેઠા છીએ અને દરેકે અંતે તો તેમાંથી ઉતરી જવાનું જ છે. કોઈનું અવરોહણ વહેલાં તો કોઈનું આપણા પછી. આપણે જાણતા હોઈએ છીએ કે દરેકનો સમય આવવાનો જ છે તેમ છતાં પણ મૃત્યું આપણને ઊંઘતા જ ઝડપી લેતું હોય છે, જાણે કે કોઈ અચાનક જ તમારી સામે આવીને ઉભું રહી જાય તેમ. જયારે કોઈ માનસિક રીતે તૈયાર હોય, જયારે કોઈ તેની અપેક્ષા રાખતું હોય કે પૂર્વાનુમાન લગાવીને બેઠું હોય તો પોતાનાં મૃત્યું માટે પણ તૈયાર રહેવું સરખામણીએ થોડું સરળ રહેતું હોય છે. જો કે તે ભાગ્યે જ શક્ય છે. જો આપણી પ્રિય વ્યક્તિ મરણતોલ બિમાર હોય તો કદાચ આપણને આપણી જાતને માનસિક રીતે તૈયાર કરવાનો થોડો સમય મળી રહેતો હોય છે, તેમ છતાં એનો અર્થ એ નથી કે આપણે બિમારી સાથે કોઈ શરત લગાવીને બેઠા છીએ. જે માણસ ગયું તે તો ગયું જ, પણ જે પાછળ રહી જાય છે તેને સૌથી મોટી ચુનોતીનો સામનો કરવો પડે છે, અને તે કદાચ મોતથી પણ મોટી હોય છે.

અનેક ધર્મો મૃત્યું ઉપર જુદાજુદા વિચારો રજુ કરે છે. કોઈ પુનર્જન્મનું વચન આપે છે તો કોઈ સ્વર્ગ દેખાડે છે તો કોઈ મોક્ષ. જો કે તે બધી પરિકલ્પનાઓ માત્ર છે. તેમાં કહેલાં ફળો માણસને પોતાનાં જીવનકાળ દરમ્યાન સાચા અને સારા કર્મો કરવા માટે પ્રેરણા આપી શકે, પાછળ છૂટી ગયેલાં લોકોને આશ્વાસન આપી શકે, આ બધા વચનો કોઈ પ્રમાણ વગરનાં દાવાઓ માત્ર છે. એનાંથી વિશેષ બીજું કશું નહિ. મૃત્યું અને શોકના આજનાં વિષયમાં હું ભગવદ્દગીતામાંથી, બાઈબલમાંથી, કે બૌદ્ધ ગ્રંથોમાં કહેલી વાતો કરી શકું પણ હું તમને આશ્વાસન આપવા નથી માંગતો. મારો હેતુ તમને કોઈ વિચારસરણી કહેવાનો નથી. મારે તો મારા ખુદના વિચારો તમારી સાથે વહેચવા છે.

સૌ પ્રથમ તો, મારે તમને એ કહેવાનું છે કે તમે તેમને ક્યારેય ભૂલી શકવાના નથી. જેટલાં વધું પ્રયત્નો તમે એમને ભૂલવા માટેનાં કરશો તેટલી જ મોટી તેમની ખોટ અનુભવાશે. આ એક કઠોર સત્ય છે. અને તમારે શા માટે તેમને ભૂલી જવા જોઈએ? તમે એવું ઇચ્છશો ખરા કે જયારે તમે જાવ ત્યારે તમને બધાં ભૂલી જાય? ચાલી ગયેલી વ્યક્તિનું તમારા હૃદયમાં, તમારી યાદોમાં, તમારા જીવનમાં એક કાયમી સ્થાન છે, જયારે તમે એ વાતને સમજશો અને તેનો સ્વીકાર કરશો ત્યારે એક છુપી રીતે તે ઘાવ રૂઝાવાની શરૂઆત કરશે. તેમની યાદોને ભૂસી નાંખવા માટે તેમને મિટાવી દેવા માટે તમારી જાત ઉપર કોઈ દબાણ ન કરશો, જેમનું છે એમનું એમ થોડી વાર માટે રહેવાં દો, કુદરતને તેનો ભાગ ભજવવા દો, તેને આપમેળે સરખું થવા દો. શોક માણસને સમય જતાં બેઠા થવામાં મદદ કરે છે.

દુ:ખનાં મુખ્યત્વે બે તત્વો છે, ઝટકો અને અસ્વીકાર. જયારે તમે કોઈને અચાનક, દાખલા તરીકે કોઈ અકસ્માતમાં ગુમાવી દો છો ત્યારે તે આઘાતમાંથી બહાર આવતાં ખાસ્સો સમય લાગી જતો હોય છે. એવું એટલાં માટે થાય છે કારણ કે કુદરતે તમને આમાં માનસિક રીતે તૈયાર થવાનો કોઈ સમય જ નથી આપ્યો હોતો. આપણે અસ્વીકાર અને અવિશ્વાસનાં સ્તરે સરકી જતાં હોઈએ છીએ. પછી તે આંતરિક પ્રતિકાર તરફ દોરી જાય છે. અને આવો પ્રતિકાર તમને એક આંતરિક સંઘર્ષ, ડીપ્રેશન તેમજ એક ઘોર હતાશા તરફ દોરી જાય છે. જો કોઈ લાંબી મરણતોલ બીમારી કે જેમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરીને વ્યક્તિ મૃત્યું પામી હોય તો તેમાંથી લાગતો આઘાત તેમજ તે વાતનો અંદરથી થતો અસ્વીકાર કઈ ઓછો નથી હોતો, તે ફક્ત જુદા સ્વરૂપનો હોય છે. બન્નેમાં અનુભવાતી ચોટ તો અભીઘાતક જ હોય છે. કલ્પના કરો કે તમારું કોઈ અંગ કપાઈ ગયું હોય, અને કૃત્રિમ અંગ ભલેને ગમે તેટલું દક્ષ કે સંપૂર્ણ કેમ ન હોય, તે અસલ અંગ સાથે ક્યારેય બરાબરી નથી કરી શકતું. જે ખાલીપો કોઈનાં જતાં રહેવાથી સર્જાયો હોય છે તે ફક્ત અધુરો અને અપૂર્ણ રીતે જ ભરાતો હોય છે.

સ્વીકાર કરવો એ તેની ચાવી છે. હું તેમનાં મૃત્યુંનો સ્વીકાર કરી લેવાનું નથી કહેતો, હું તો તેમનું મૃત્યું તમારા માટે ખુબ જ દુ:ખદાયક બાબત છે, અને તેનાંથી તમને ખુબ જ દુ:ખ લાગી રહ્યું છે, અને બીજી બધી વાતો એક વિચારસરણી જ છે તેનો સ્વીકાર કરવાનું કહી રહ્યો છું. કુદરતી રીતે ઘાવ રૂઝાવાની પ્રક્રિયાને થવા દો, તમારી લાગણીઓને વહેવા દો, તમારી જાતને એક નિકાસ-માર્ગ આપો. તમને તમારી લાગણીઓને દબાવી રાખવાનું પાલવશે નહિ, તેનાંથી તમે ગુસ્સે અને અંદરથી દુ:ખી થઇ જશો. જયારે તમે આ ખોટને શોષાવા અને સ્વીકાર કરવામાં કુદરતની મદદ લેશો તો તમને તમારા પ્રિયજનની શારીરિક ઉપસ્થિતિની ગેરહાજરીમાં જીવન જીવવામાં થોડી સરળતા રહેશે. ખુશી, હાસ્ય અને આનંદની જેમ જ દુ:ખ અને શોક એ માનવજીવનની મૂળ લાગણીઓ છે. તે આપણને આપણે જે છીએ તે બનાવે છે. તેનાં ઉપર નિયંત્રણ કે પ્રતિબંધ ન મુકશો, તમે કુદરતી જેવા છો તેવાં બની રહો.

જયારે તમે ખુશ હોવ છો ત્યારે તમે શું કરો છો? તમે હસતાં હોવ છો. તો પછી તમે જયારે દુ:ખી હોવ અને તમને જયારે તેમની ખોટ સાલતી હોય ત્યારે તમે રડો એ શું સામાન્ય નથી?

એક જ્ઞાની ઝેન સંત કોઈ એક માણસની સ્મશાન યાત્રામાં રડતાં જોવા મળ્યાં. મોટાભાગનાં લોકોને નવાઈ લાગી. તેમને લાગ્યું કે આ સંત તો આ બધી માનવ લાગણીઓથી ઉપર ઉઠી ગયેલાં છે. એક સંતને રડતાં જોવા તે એક અસામાન્ય દ્રશ્ય હતું. એક બાળક તેમની પાસે ગયું, તેમનો ઝભ્ભો પકડીને ખેંચતા કહ્યું,
“તમે કેમ રડો છો?”
“તે મારો મિત્ર હતો,” સંતે કહ્યું. “હું ખુબ દુ:ખી છું માટે હું રડું છું.”

તેમનો વિચાર જો તમને રડાવતો હોય, તો રડો, તેને બહાર આવવા દો. તેને અંદર પકડી ન રાખો. બીજા બધા તમને તમારું ધ્યાન બીજે લગાવાની, બહાર જવાની, ભૂલી જવાની અને આગળ વધવાની વિગેરે સલાહ આપી શકે. તમને જે રીત, જે ફિલસુફી, જે વિચારસરણી મજબુત અને સારા બનાવતી હોય તેને અપનાવી શકો છો. પરંતુ હકીકત એ છે કે તમે જુઠ્ઠી લાગણીઓ નહિ દર્શાવી શકો, તમે તમારી જાત જોડે જુઠ્ઠું નહિ બોલી શકો. તમારા પ્રિયજનની સાથેની તમારી જેટલી વધુ યાદો હોય તેટલું જ તેમને ભૂલી જવું વધારે અઘરું છે. ગરમી ગમે તેટલી તીવ્ર કેમ ન હોય, કીચડ હંમેશાં તળાવ કરતાં વહેલો સુકાઈ જવાનો અને સમુંદર ક્યારેય નથી સૂકાવાનો. તમને તેમાંથી બહાર નીકળવામાં કેટલો સમય લાગશે તેનો આધાર તમારી યાદોનો ભંડાર ખાબોચિયાનાં કીચડ જેટલો છે કે અગાધ સમુંદર જેટલો તેનાં ઉપર છે. તમે તેમને તેમનાં જન્મદિવસ ઉપર યાદ કરશો, તેમની પુણ્યતિથી ઉપર યાદ કરશો, તમારા પોતાનાં જન્મદિવસે કે બીજા કોઈ મહત્વના દિવસે કે કોઈ પ્રસંગે યાદ કરશો. આ કુદરતી છે. તેને તેમ જ રહેવા દો. તમે આ રીતે તેમને અને તેમની યાદોને તમારા જીવનનો એક ભાગ બનાવી રાખી શકો છો. આખરે તો મૃત્યું એ જીવનની બીજી બાજુ જ છે. તમે નદીની એક બાજુ ઉભા છો અને તેઓ બીજી બાજુ, તમે ક્ષિતિજની આ બાજુ ઉપર છો અને તેઓ બીજી બાજુ ઉપર. ક્ષિતિજ ક્યારેય અદ્રશ્ય નથી થઇ જતી કે ન તો સમયની નદી વહેવાનું બંધ કરે છે.

આપણી લાગણીઓ આપણને માનવ બનાવે છે, અને જો આ લાગણીઓને હકારાત્મક દિશામાં વાળવામાં આવે તો તે આપણને દિવ્ય બનાવતી હોય છે, જો ખોટી દિશામાં વાળવામાં આવે તો આપણને રાક્ષસ બનાવતી હોય છે. આત્મ-સાક્ષાત્કારનો અર્થ એ નથી કે તમે બધી માનવ લાગણીઓને સમુળગી ગુમાવી દો. તેની વિરુદ્ધ, આત્મ-સાક્ષાત્કાર તો એ છે કે તમે એટલાં દયાળુ બની જાવ છો કે બીજાનું થોડું દુ:ખ પણ તમને રડાવી દેતું હોય છે.

“ઓ આનંદ!” બુદ્ધ કહે છે, “પ્રિયજનથી વિખૂટું પડવું નિશ્ચિત હોય છે”
(Image credit: Arthur Chartow)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.No comments:

Post a Comment

Share