Saturday, 24 August 2013

વિશ્વાસુ, અવિશ્વાસુ અને નાસ્તિક

તે સાંજ પડતાં જ બધા ઘેટાંને એક જગ્યાએ ભેગા કરે છે. શું ખરેખર? તે તમારી શ્રદ્ધાની તાકાત ઉપર નિર્ભર છે.
એવાં ઘણાં લોકો છે જે ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે અને એવાં પણ ઘણાં લોકો છે જે નથી વિશ્વાસ ધરાવતાં. અમુક ભગવાનમાં માને છે કારણ કે તેમને કોઈ બીજો વિચાર જ કર્યો હોતો નથી, ઘણાં એવાં પણ હોય છે કે જેમને બહુ બધો વિચાર કર્યો હોય છે. અને એવું જ કઈક ભગવાનમાં નહિ માનનારાઓ માટે પણ કહી શકાય. વિશ્વાસનાં પરિપ્રેક્ષ્યમાં જ આજનું મારું વિષયવસ્તુ છે. વિશ્વાસ ધરાવનાર લોકોનાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે જેમ કે:

આશાવાદી

આશાવાદી એ રઘવાયાની હરોળમાં આવે છે. તે માને છે કે તેની વર્તમાન વિશ્વાસ પ્રણાલીમાં જો તેનાં પ્રશ્નોનો કોઈ જવાબ નહિ હોય તો, કદાચ બીજી કોઈ વિશ્વાસ પ્રણાલી પાસે હશે. તે હંમેશાં એક રામબાણ ઈલાજની શોધમાં હોય છે, કોઈ એવું સમાધાન કે જે તેમને શાંતિ પ્રદાન કરે. પરંતુ અહિ પ્રશ્ન એક જ છે કે તે એક વિશ્વાસ પ્રણાલી પરથી બીજી પર કુદકા માર્યા કરે છે. તેને હજી બેસીને મૂળ પ્રશ્નને ઓળખવાનો પ્રયાસ જ નથી કર્યો કાં તો પછી એ સાચો સવાલ નથી કરી રહ્યો. તે જાણે કે કોઈ પ્રદર્શનને જોતો બેઠો છે. તે આશા રાખે છે કારણ કે તે રઘવાયો છે. તેની અંતર્મુખ થવાની કે ભક્તિ કરવાની તમામ કોશિશો નિષ્ફળ જાય છે કારણ કે તેનામાં કટિબદ્ધતા ખૂટે છે, અને નૈતિકતાનો પણ અભાવ હોય છે. આશાવાદી વ્યક્તિ હંમેશાં ઊંડા પ્રશ્નોનું સહેલું સમાધાન ઈચ્છે છે. જયારે જયારે પણ તે કોઈ નવી વિશ્વાસ પ્રણાલીનો સ્વીકાર કરે છે ત્યારે તેને સારું લાગે છે, હાશ લાગે છે, અને અંદરથી થોડી સાંત્વના પામે છે. આ જો કે એક અસ્થાઈ સમયગાળો છે. અને આ સમય તરત ચાલ્યો જાય છે અને આ આશાવાદી વ્યક્તિ ફરી પોતાની જૂની નાવમાં પાછો ફરે છે. જાણે કે વાસ્તવિકતાએ તેને કોઈ સ્વપ્નમાંથી અચાનક જગાડી ન દીધો હોય! તેનું રઘવાયાપણું તેને ઝંપવા નથી દેતું અને તેની ઈચ્છાઓ તેનાં ઉપર પાછી હાવી થઇ જાય છે અને પાછો તે બીજા સમાધાનની શોધમાં નીકળી પડે છે. આ આશાવાદી વ્યક્તિ, સિવાય કે જો એ પોતાનાં અસ્તિત્વમાં, જિંદગીમાં, વિચારોમાં, વર્તનમાં અને માન્યતાઓમાં કોઈ ફેરફાર ન કરે તો તેનાં પોતાનાં જીવનમાં તે પરમાનંદને પામી શકે તેવી શક્યતા બહુ ઓછી છે, આત્મસાક્ષાત્કારનો તો સવાલ જ પેદા નથી થતો. લુખ્ખી વાણી, મોટો અહં, અમર્યાદિત ક્રોધ, અને વાસનાગ્રસ્ત મન આ એક આશાવાદીની નિશાનીઓ છે. તેને બદલાવની અપેક્ષા હોય છે પરંતુ તેનાં માટે કઈ પણ છોડવાની તૈયારી નથી હોતી.

કેદી

આ એક જુદી જાતનો વિશ્વાસું હોય છે જે આશાવાદી કરતાં થોડો વધારે સ્થિર હોય છે. તેની સ્થિરતા તેની આંતરિક અવસ્થા અને બાહ્ય સંજોગોના આધારે બદલાતી રહેતી હોય છે. આવી સ્થિરતા તે પોતે કોઈ સારો વિશ્વાસું છે એટલાં માટે હોય છે એવું જરૂરી નથી, પણ તેને મન કોઈ સંજ્ઞાનાત્મક તલાશ કે કોઈ બૌદ્ધિક પ્યાસ કે આધ્યાત્મિક વિજય જેવી વસ્તુઓની કઈ પડી જ નથી હોતી. આવો કેદી કોઈ બીજાની માન્યતા કે વિશ્વાસ પ્રણાલીમાં કેદ હોય છે. કોઈ ધર્મ, કોઈ પંથ, કોઈ સંપ્રદાય વિગેરેની જેલ આવા કેદી માટે બનાવેલી હોય છે. તેને લાગે છે જીવન એક સજા છે જેને ભોગવવાની છે. તેને આ જેલની બહાર જીવન જીવવાનો મોકો મળી શકે તેમ હોય છે પરંતુ તે તેનાં માટે નથી વિરોધ કરતો કે નથી અનુરોધ. તે જેલનું જીવન સ્વીકારી લે છે. ઘણાં બધા લોકો પોતાની માન્યતા કે વિશ્વાસ પ્રણાલીની જેલનાં કેદીઓ છે. તેઓ કદી બહાર આવવાનું સાહસ કરતાં જ નથી હોતાં. વાસ્તવિક જીવનનાં કેદીઓની સરખામણીમાં આ કેદીઓ તો અવાસ્તવિક સળિયાઓની પાછળ ધકેલાયેલા હોય છે. જો તમને કોઈ ચોક્કસ ફિલસુફી કે ધર્મ આપવામાં આવ્યો હોય અને તમે તેને સ્વીકારી લીધો હોય તો શકયતા છે કે તમે કોઈ સજા વેઠી રહ્યાં છો. તમે તમારા ઉપર લદાયેલાં નિયમોની નીચે જીવી રહ્યાં છો. જો તમારે કોઈ પણ કારણોસર (કે જે ફક્ત તમને જ જ્ઞાત હશે) આ જેલમાં જ રહેવું પડે એવું હોય તો કમ સે કમ જેલર બનીને રહો. એ કદાચ થોડી વધારે સારી નોકરી છે, એક વધુ સારી ભૂમિકા છે. જેલમાં કોઈ પિકાસો કરતાં કદાચ વધારે સારું ચિત્રકામ કરતુ હશે કે શેક્સપીયર કરતાં કદાચ વધારે ડાહ્યો લાગતો હશે તેમ છતાં તે રહેતો તો બંદી બનીને જ હોય છે. “માન્યતાઓની જેલ” એ એક શરતી બની ચુકેલાં મનની પેદાશ છે, અને તેને જો તમારી પ્રયત્ન કરવાની ઈચ્છા હોય તો જ તોડી શકાતી હોય છે.

પાલતું પ્રાણી

આશાવાદીની સરખામણીમાં પાલતું પ્રાણી એક જ જગ્યાએ રહેતું હોય છે. અને કેદીની સરખામણીએ તેને પોતાનાં માલિક પાસેથી પ્રેમ પણ મળતો હોય છે તેમજ તેને ઘરની બીજી વ્યક્તિઓ તરફથી પણ પ્રેમ મળતો હોય છે. તે એક તાલ-મેલમાં રહેતો હોય છે. એક પાલતું પ્રાણી એ છે કે જેને પોતાનાં બધાં પ્રશ્નોનો જવાબ મળી ગયા હોય છે અને પછી તે એક વિશ્વાસ પ્રણાલીમાં પ્રેમથી, મમતાથી અને દ્રઢતાથી સ્થાઈ થઇ જતો હોય છે. તે પોલી દલીલો અને લુખ્ખા વિવાદોને પાર કરી જાય છે. માન્યતા કે વિશ્વાસ એ બુદ્ધિની પેદાશ હોય છે. જ્યાં સુધી કોઈ એમ કહેતું હોય, “હું માનું છું”, તેનો અર્થ એ કે તેમને પોતાનું સત્ય હજી સુધી શોધ્યું જ નથી. એક પાલતું પ્રાણીની સ્વતંત્રતા તેનાં માલિકની મરજી સુધી જ સીમિત હોય છે. જયારે સાચો બોધ થઇ જાય છે ત્યારે આપોઆપ તેમનું “હું માનું છું”, કહેવાનું “હું જાણું છું” માં બદલાઈ જાય છે.

જે કઈ પણ કોઈ બીજા પાસેથી મેળવેલું હોય તે ક્યારેય જ્ઞાન નથી બની શકતું; તે ફક્ત એક માહિતી હોય છે. જયારે આપણે તે માહિતીનો ઉપયોગ કરીને આપણા પોતાનાં સ્વ-અનુભવે કોઈ તારણ ઉપર આવીએ ત્યારે તે જ્ઞાન બને છે. એક કેદી અને એક પાલતું પ્રાણી વચ્ચેનો પ્રાથમિક તફાવત તેમની સમર્પણની માત્રા ઉપર છે. તમારા પોતાનાં ઘરનું(એક બૌદ્ધિક શોધનાં) પાલતું પ્રાણી બનવું એ કોઈ બીજાની માન્યતાઓના ગુલામ બનવાં કરતાં અનેકગણું સારું છે. એક પાલતું પ્રાણી કુદરતીપણે જ પોતાનાં માલિકને જોઇને આનંદ અનુભવે છે. ભક્તિની પ્રણાલીમાં કે જે એક ભક્તિમય સેવાના પ્રતિક રૂપે, એક પાલતું પ્રાણી બનવું એક સૌથી ઉત્તમ વાત છે. તેમ છતાં, હું ફરીથી કહું છું કે, આજનો આ વિષય ફક્ત માન્યતા કે વિશ્વાસનાં પરિપ્રેક્ષ્યમાં જ છે. એક કેદી પોતાની વિશ્વાસ પ્રણાલીમાં એક પાલતું પ્રાણી જેટલો જ સુસ્થિત હોય છે પરંતુ તેને કોઈ પૂર્તિનો અનુભવ નથી થતો; તે પેલાં પાલતું પ્રાણીની જેમ છૂટથી રમી નથી શકતો, પોતાનો માલિક તેની પાછળ સાફ કરે તેની તો વાત જ જવા દો.

એક સાચી અનુભૂતિ, તમારી બધી માન્યતાઓ કે જે તમને બાંધી રહી છે અને તમારા જગતને શરતી બનાવી દઈ રહી છે તેને શોષી લે છે. પછી તમારો અનુભવ તમારું માર્ગદર્શક બળ બને છે અને તમારું બિનશરતી અસ્તિત્વ તમારું પથદર્શક અજવાળું. તમારે હવે શેમાંય વિશ્વાસ રાખવાની કે નહિ રાખવાની જરૂર નથી પડતી; તમને એક ત્રીજો જ વિકલ્પ મળે છે – તમારી પોતાની વિશ્વાસ પ્રણાલી બનાવવાનો. તમે હવે વિવિધ ધર્મ સિદ્ધાંતો વચ્ચે આમથી તેમ ફંગોળાતા નથી. શ્રદ્ધા એ વિશ્વાસનું એક ઉચ્ચ સ્તર છે. શ્રદ્ધા જયારે સો ટકા દ્રઢતાથી ટકાવી રાખવામાં આવે ત્યારે તે તમારા માટે ચમત્કાર કરી શકે છે. જયારે તમે તમારા વિશ્વાસમાં અવિરત પ્રયાસથી નૈતિકતા, શુધ્ધતા, સમર્પણ અને દ્રઢતા ઉમેરો છો ત્યારે તે એક લુખ્ખા બૌદ્ધિક સિદ્ધાંતમાંથી એક પ્રાણમય શ્રદ્ધા સ્વરૂપમાં બદલાઈ જાય છે. વધુમાં જયારે તમે તમારું પોતાનું સત્ય અનુભવો છો ત્યારે બીજી બધી વ્યાખ્યાઓ તમારા માટે તુચ્છ બની જાય છે.

જાવ! તમારા ભગવાનનું પાલતું પ્રાણી બની જાવ કે પછી તમારા પોતાનાં જગતના ભગવાન બની જાવ. એનાંથી ઓછું હોય તેવું કશું પણ ચલાવી ન લો.
(Image credit: Richard Ansdell)
શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share