![]() |
જળ બાષ્પીભવન થઇ વરસાદ બની પાછું આવે છે, કુદરતની રમત હંમેશા ચાલુ જ રહેતી હોય છે. કુદરતનાં ખોળે રહેલી દરેક વસ્તું સાશ્વત છે. તે ફક્ત રૂપાંતર પામતી હોય છે. |
મૃત્યુએ જીવનને પૂછ્યું, “આપણે બન્ને તો એકબીજાની બીજી બાજુ જ છીએ, છતાં પણ લોકો કેમ તને પ્રેમ કરે છે અને મને નફરત?”
“કારણ કે,” જીવને કહ્યું, “હું એક સુંદર જુઠ છું જયારે તું એક દર્દનાક સત્ય.”
ગયા વર્ષે, એક યુવાન માણસ, કુંવારો અને સાહસિક, ચાલો તેને ક્રિશ નામ આપીએ, તે મને આશ્રમમાં મળવા માટે આવ્યો હતો. એક વખત, તેને મને કહ્યું, હિમાલયમાં જયારે તે ટ્રેકિંગ કરવા માટે ગયો ત્યારે તે અંદર જઈ શકાય તેટલે દુર સુધી ગયો હતો, ભારત-ચીનની સરહદથી થોડા કિલોમીટર જ દુર હતો. બધે જ સફેદ બરફ છવાયેલો હતો. તેનો ગાઈડ તેને એક સંન્યાસીની ગુફા તરફ લઇ ગયો. તેઓ બન્ને ગુફામાં બેઠા અને તે સંતે તેમને રાતવાસો ગુફામાં જ કરવા માટે જણાવ્યું. તે રાત્રે આકાશ એકદમ સ્વચ્છ હતું. એકદમ લોભામણું ન મનમોહક! તમારે એક રાત્રી હિમાલયમાં કાઢવી જોઈએ જેથી કરીને હું શું કહેવા માંગું છું તે તમને ખબર પડે. ક્રિશે તો જો કે બહાર જ કેમ્પીંગ કરવાનું નક્કી કર્યું. સંતે તેને બહાર ફરતાં ખતરનાક જંગલી પ્રાણીઓથી ચેતવણી આપી, તેને આ ચેતાવણી જો કે હસવામાં ઉડાડી દીધી. “જંગલી પશુ અને તે પણ આ બર્ફીલા પ્રદેશમાં? અહી વનસ્પતિ પણ ઉગી શકે તેમ નથી, પ્રાણીઓની તો વાત જ જવા દો,” ક્રિશે વિચાર્યું. પેલાં ગાઈડે તો જો કે અંદર ગુફામાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું. તેને પોતાનું કુટુંબ હતું જેનાં પાલન પોષણની જવાબદારી તેનાં માથે હતી. તેની જવાબદારીઓ તેને તાર્કિક રીતે અને સમજદારીની મર્યાદામાં રહીને જ જે કઈ કરવું હોય તેની છૂટ આપતી હતી.
એ એક અદ્દભુત રાત્રી હતી અને મધ્યરાત્રીએ ક્રિશે હિમાલયના આકાશની સુંદરતા માણવા માટે તેનાં તંબુની ચેઈન ખોલી નાંખી. તેને થોડી વાર આંખો પટપટાવી હશે કે તુરંત તેને પોતાની જાતને ચુંટી ખણીને ખાતરી કરી જોઈ કે તેની પોતાની નજર જે જોઈ રહી છે તે સત્ય છે. સામે જ, એક શાનદાર લાગતો ફક્ત થોડા ફૂટના અંતરે એક ચિત્તો (snow leopard) મંદ મંદ ચંદ્રપ્રકાશમાં ચમકી રહ્યો હતો. પોતાનું હૃદય જાણે કે મોઢામાં આવી ગયું હોય તેમ ક્રિશે ખુબજ ધીમેથી પણ ઝડપથી પોતાનાં તંબુની ચેઈન બંધ કરી દીધી. અચાનક જ તે પોતાની જિંદગીનાં બધા તત્વો કે જેનાં આધારે તે ટકી રહી હતી તે યાદ આવી ગયા. તે પોતાનો શ્વાસ સાંભળી શકતો હતો, તેનાં હૃદયનાં ધબકારા, તેનાં નાડીના ધબકારા સાંભળી શકતો હતો, તેને લાગ્યું કે તેની મોઢાની ભીનાશ ધીમે ધીમે સુકાતી જતી હતી, તે પસાર થતી એક એક ક્ષણને જાણે કે અનુભવી જ માત્ર નહોતો રહ્યો પરંતુ તેને સાંભળી પણ શકતો હતો. તે જંગલી જાનવર લચીલી અને ધીમી, મંદ પણ ડરાવણી ચાલે તંબુ તરફ આવ્યું અને તેની ફરતે ચકરાવો લેવા માંડ્યું, જાણે કે પોતાનાં શિકારનું બલિદાન લેતાં પહેલાં કોઈ ધાર્મિક વિધિ અનુસાર તેનાં ફરતે ફેરા ન લેતું હોય.
“તે ત્રીસ મિનીટ, સ્વામી,” ક્રિશે મને કહ્યું, “જાણે કે આખી જિંદગી હોય તેવું લાગ્યું. મને તે બર્ફીલી ઠંડી રાતે પસીનો છૂટી ગયો. હું સમજી શકતો હતો કે એક સારું ધ્યાન કેવું તમારી આસપાસની દરેક વસ્તું માટે એકદમ કાચ જેવી ચોક્ખી સ્પષ્ટતા કે સભાનતા લાવતું હોય છે. માનવું પડે કે, આ સમજ જયારે ચિત્તો ત્યાંથી જતો રહ્યો પછી આવી. મારી જિંદગીમાં આ પહેલાં ક્યારેય પણ ત્રીસ મિનીટની અવધી વિષે મને ભાન નહોતું થયું.”
શું તમને ખબર છે બીજું એવું શું છે કે જે તમને આવી તીક્ષ્ણ જાગૃતતાનો અનુભવ કરાવી શકે છે? તો તે છે એકાંત, જો કે ભય વિનાનું એકાંત. પેલું વિકરાળ પશુ તો જો કે ક્રિશને છોડીને બીજા કશાના શિકાર માટે ચાલી ગયું, પરંતુ ક્રિશતો ત્યારબાદ રાત આખી એ ચિત્તા વિશે જ ધ્યાન ધરતો રહ્યો. એ ધ્યાનમાં કોઈ પ્રયત્ન નહોતો. ક્રિશ ત્યાં એકદમ સ્થિર થઇ બેઠો હતો. તેને કોઈ દર્દ, દુઃખનો અનુભવ નહોતો થતો. ભયે તે બધાં ઉપર વિજય મેળવી લીધો હતો. તેને સુવું હતું, તેને બીજા કશા વિશે વિચાર કરવો હતો પરંતુ ભયનું શાસન વધુ પ્રબળ રહ્યું, તે ફક્ત ને ફક્ત તેનાં ભયનાં વિષય-વસ્તુ વિશે જ વિચારતો રહ્યો. જે માનવ સહજ છે. ભય આપણો સૌથી જુનો સાથી છે; તેને સહેલાઇથી ઓળખી જવાય છે. માનવ તેનાં સ્વામિત્વની સાથે સાથે તેનાં ભય સાથે પણ બંધાયેલ હોય છે. સાચું કહું તો એની જગ્યા એ બીજું કોઈ પણ હોત તો તેને પણ તે રાત બિલકુલ ક્રિશની જેમ જ વિતાવી હોત. તેનું પેન્ટ કોરું રહ્યું તેટલું જ કાફી છે તેની બહાદુરી માટે. જો કે ક્રિશ મને ખુબ વ્હાલો છે અને મને તે એક અદ્દભુત વ્યક્તિ લાગ્યો છે.
કોઈ પણ વસ્તુનો ભય આપણા તેનાં પ્રત્યેનાં વલણ ઉપર આધારિત છે. જો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલીએ તો ભયનો સ્વભાવ પણ આપોઆપ બદલાશે. જો તમે મૃત્યુને ખાલી એક પડાવ તરીકે જ જુઓ અને કોઈ અચાનક આવતાં અંત તરીકે નહિ તો કદાચ તમે તેને પસંદ પણ કરવા લાગો, તેનાં પ્રત્યેની ધ્રુણા ઓછી પણ થઇ જાય. જરા વિચારો: એકવાર તમે આ મૃત્યુની ખાઈને પાર કરી દો તો તમને એક બીજી જિંદગી માટેની તક મળી શકે, એક બીજી બાળપણ, એક બીજી યુવાની, જીવન જીવવાનો, પ્રેમ કરવાનો, ફરી એક વાર હોવાનો વધુ એક મોકો મળી શકે.
પોતાનાં છેલ્લાં મુકામથી ડરવું એ કેટલું હાસ્યાસ્પદ છે. જો આપણે આપણા મુકામથી જ ડરતા હોઈએ તો પછી મુસાફરીને તો આપણે ક્યાંથી માણી શકવાના હતાં? તમારી માન્યતા ગમે તે હોય, તમે બીજા જીવન, પૂનર્જન્મ કે ફરી ફરીને અવતરવામાં માનતાં હોવ કે નહિ, તમે જે ખરેખર છો તે અપરિવર્તનીય આત્મા કાયમ માટે રહો છો. તમે જયારે સુતા હોવ છો અને તમારા પ્રત્યે જાગૃત નથી હોતા, ત્યારે પણ તે તો હોય છે જ. શા માટે તમે કોઈ વ્યક્તિ સાથે ફક્ત તેનું નામ સાંભળીને જોડાઈ જાવ છો પછી ભલે ને તમે તેને રૂબરૂ મળ્યાં પણ ન હોવ, તે આના લીધે. તે દરેક જીવનમાં સર્વાધિક મહત્વનું હોય છે, મોતીની માળામાં જેમ ધાગો હોય છે તેમ, ગુલાબમાં જેમ સુગંધ હોય છે તેમ, અગ્નિમાં જેમ ગરમી હોય છે તેમ, બરફમાં જેમ ઠંડી હોય છે તેમ, તે દરેક ઘટનાનું સાર તત્વ છે, હૃદયમાં જે ઉષ્મા રહેલી છે, તમારા આંસુમાં જે લાગણી રહેલી છે, તે તમારો આત્મા છે. અવિનાશી. અદ્રશ્ય. અને સંપૂર્ણ. ગહન અને અજ્ઞેય.
કશું પણ મરતું કે ફરી જન્મતું હોતું નથી. જો જો આ ભ્રમ તમને મુર્ખ ન બનાવે. સાદી વાત છે ફક્ત રૂપાંતરની. પાણીનું બાષ્પીભવન થઇ વરસાદ બની પાછુ આવે છે. કુદરતનાં ખોળે રહેલી દરેક વસ્તુ આ રમતનો એક ભાગ જ બની રહે છે. સાશ્વતપણે. તેમાં કોઈ અપવાદ કે કોઈ બહિષ્કાર છે જ નહિ. ફક્ત તમારી ભૂમિકા બદલાય છે, તમારો આકાર બદલાય છે. કુલ સંખ્યા એની એ જ રહે છે. તમે એક સાશ્વત અસ્તિત્વ છો, આનંદનો એક મહાસાગર. મહાસાગર ક્યારેય સુકાતા નથી હોતા. તમારા દરેક ભયને ત્યજી દો, હર ક્ષણને જીવો. પ્રસન્ન રહો. તમે શેને વળગીને બેઠાં છો? અનાસક્તિ તમને નિર્ભયતા તરફ દોરી જાય છે.
તમારા જીવન વિષે પુન: વિચાર કરો. તમારા નિયમો ફરી લખો. હવે સમય થઇ ગયો છે.
(Image
credit: Leonid
Afremov)
શાંતિ.સ્વામી
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
No comments:
Post a Comment