Saturday, 12 October 2013

શું સ્વપ્નાઓનો કઈ અર્થ હોય છે?

હું એક પતંગિયું છું કે જે હું ત્ઝું હોવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે કે તેનાંથી ઉલટું સત્ય છે? વાંચો વાર્તા.
શું સ્વપ્નાઓનો કઈ અર્થ હોય છે? આપણે બે વિશ્વમાં જીવન જીવતી પ્રજાતિ છીએ – એક છે વાસ્તવિક અને બીજી છે આપણી કાલ્પનિક દુનિયા. આપણને એવું લાગતું હોય છે કે આપણે આપણો બધો સમય વાસ્તવિક દુનિયામાં કાઢીએ છીએ, પરંતુ આ એક ભ્રમણા છે. જે સમય આપણે ભૂતકાળ અને ભવિષ્ય માટે વિચારીને કાઢીએ છીએ તે સમય આપણે કાલ્પનિક દુનિયામાં વિતાવ્યો હોય છે. એવું કેવી રીતે? કારણ કે તે વિચારોનું વાસ્તવિકતા સાથે કોઈ સીધું સંચલન હોતું નથી; ભૂતકાળ મૃત છે અને ભવિષ્ય મોટાભાગે અજાણ. વૈદિક ગ્રંથો જાગૃતતાની અવસ્થાને ત્રણ વર્ગમાં વિભાગે છે: જાગૃત, સ્વપ્ન, અને સુષુપ્ત અવસ્થા. વધુમાં અતીન્દ્રિય અવસ્થામાં પહોચેલ વ્યક્તિ માટે બીજી બે અવસ્થાઓ પણ છે જેમ કે તુરીય અને તુરીયાતીત, પણ તે વાત આ પોસ્ટનાં ક્ષેત્ર બહારની છે.

ઉપર ઉપરથી જોતાં તો એ તફાવત સ્પષ્ટ નજરે ચડે છે કે જાગૃત અવસ્થામાં તમે જાગતાં હોવ છો અને સુષુપ્ત અવસ્થામાં તમે સૂતાં હોવ છો અને બાકીના સમયમાં તમારી સુષુપ્ત અવસ્થામાં તમે સ્વપ્નાં જોતાં હોવ છો. પરંતુ તમે જો એક ધ્યાનથી જુઓ તો તમને એક ઊંડું સત્ય દેખાશે – આ અવસ્થાઓ, એક જ સમયે પરસ્પર બદલાતી હોય છે. તમે જાગૃત અવસ્થામાં પણ ઊંઘતા હોઈ શકો છો. ઘણાં લોકો પોતાનું જીવન ઘડિયાળનાં કાંટે જીવતાં હોય છે,  આમ તેઓ ઊંઘતા જ હોય છે. સ્વપ્નાંવસ્થામાં થતાં વિચારો અને કાર્યો વાસ્તવિક જગતમાં સહેલાઈથી એક ભૌતિક પ્રતિક્રિયાને પ્રેરિત કરે છે. જેમ કે લોકો સ્વપનામાં પણ ભીના, પરસેવા વાળા થઇ જતા હોય છે કે ડરી જતાં હોય છે.

ચાલો હું ચુંગ ત્ઝું નામનાં, ઈ. પુ. ૪ મી સદીમાં થઇ ગયેલાં તાઓ ધર્મનાં એક પ્રાચીન ચીની વિચારકનો એક વિચાર તમારી સમક્ષ શબ્દશ: ભાષાંતર કરી રજુ કરું કે જેને ચુંગ ત્ઝુંનાં નામે જ ઓળખવામાં આવે છે:

“જે પ્રીતિભોજનું સ્વપ્ન જુવે છે તે બીજી સવારમાં રુદન કરતાં હોય છે, અને જે કદાચ રુદનનું સ્વપ્ન જુવે છે તે પ્રભાત થતાં શિકાર ઉપર જવા નીકળે છે. જયારે આપણે સ્વપ્ન જોતાં હોઈએ છીએ ત્યારે આપણને એ ખબર નથી હોતી કે આપણે સ્વપ્ન જોઈ રહ્યાં છીએ. સ્વપ્નમાં આપણે આપણા સ્વપ્નનો અર્થ પણ કરતાં હોઈએ છીએ. ફક્ત જયારે આપણે જાગી જતાં હોઈએ છીએ ત્યારે જ આપણને ખબર પડતી હોય છે કે આપણે સ્વપ્ન જોતાં હતાં. પણ ત્યારે એક મોટી જાગૃતતા આવતી હોય છે, કે જીવન આખું તો એક મોટા સ્વપ્ન સમાન છે. પણ મુર્ખ લોકો વિચારતાં હોય છે કે તેઓ તો બધા સમયે જાગૃત અવસ્થામાં છે અને તેમને તેની સ્પષ્ટ ખબર છે.

“એક વખત, હું ચુંગ ત્ઝું, સ્વપન જોતો હતો કે હું એક પતંગિયું છું અને તેનાં જેટલો જ ખુશ છું. હું મારી ખુશી વિષે જાગૃત હતો, પણ મને એ ખબર નહોતી કે હું ત્ઝું છું. અચાનક હું જાગી ગયો, અને ત્યાં તો હું – ત્ઝું સ્પષ્ટરૂપે દેખાતો હતો. મને એ ખબર નહોતી કે એ ત્ઝું હતો કે જે પોતે પતંગિયું હોવાનું સ્વપ્ન જોતો હતો કે એ એક પતંગિયું હતું કે જે ત્ઝું હોવાનું સ્વપ્ન જોતું હતું. પતંગિયા અને ત્ઝું વચ્ચે કોઈ તો તફાવત હોવો જ જોઈએ. અને આને જ કહેવાય છે વસ્તુઓ વચ્ચે થતું રૂપાંતર.”

તો, સ્વપ્ન શું છે? સ્વપ્ન એ ભૌતિક દુનિયાથી સહેજ પણ ઉતરતી કક્ષાની ન કહેવાય એવી એક દુનિયાને પ્રસ્તુત કરે છે કે જે જાગૃત મનની ગણતરીઓ અને અર્થઘટનોથી પરે હોય છે. આ એક અર્ધજાગૃત મન અને અજાગૃત મન વચ્ચેની સૃષ્ટિ છે. આપણી વાસ્તવિક અને સ્વપ્નાની દુનિયા વચ્ચે મુખ્ય તફાવત જાગૃતતાનો રહેલો હોય છે; વાસ્તવિક દુનિયા સામુહિક જાગૃતતાથી બનેલી હોય છે જયારે સ્વપ્ન સૃષ્ટિ એ ફક્ત વ્યક્તિગત જાગૃતતાથી બનેલી હોય છે. વાસ્તવિક જગતમાં, કોઈ બીજાના કાર્યો કે શબ્દો આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે, જેમ કે, એક આતંકવાદી હુમલો, યુદ્ધ, ઘરેલું હિંસા વિગેરે., હું જે અહી સામુહિક જાગૃતતાની વાત કરું છું તે આ છે. પરંતુ તમારી સ્વપ્ન સૃષ્ટિ તો આખી તમારી જ રચેલી હોય છે. એ તમારા વગરની ક્યારેય નથી હોતી, તમને ક્યારેય એવું સ્વપ્ન નહિ આવે કે જેમાં તમે પોતે નહિ હોવ. તમે તેને પૂર્ણત: અનુભવો છો અને તેનાં સાક્ષી બની રહો છો. જેવી રીતે આપણી વાસ્તવિક દુનિયા એ આપણા વિચારો, લાગણીઓ, કાર્યો, આપણી આજુબાજુનો પરિવેશ વિગેરેનાં મિશ્રણથી બનેલી હોય છે તેવી જ રીતે આપણી સ્વપ્ન સૃષ્ટિમાં પણ આ બધા તત્વો હોય છે. આપણી વાસ્તવિક અને સ્વપ્નની દુનિયામાં અંતર્બદલની એક ચોક્કસ માત્રા હોય છે. કોઈ વખત તમે જેનું સ્વપ્ન જોતા હોવ છો તે સાચું પણ પડતું હોય છે અને કોઈ વખત તમે જે કઈ વાસ્તવિક દુનિયામાં જોતા હોવ છો તેનાં વિશે પાછું સ્વપ્ન પણ આવી જતું હોય છે. સ્વપ્નમાં તમારો અહં બહુ જ નીચે હોય છે, જાગૃત મન કોઈ ગણતરીઓ કરતું હોતું નથી, પરિણામે, તમે એક નહિ જીવેલી જિંદગી જીવતાં હોવ છો, તમે એક મુક્ત દુનિયાનો અનુભવ કરો છો, તમે દરેક નિષેધને પાર કરી જાવ છો, તમે પોતે જે છો તે બની રહેવામાં ત્યાં તમને કોઈ ડર નથી હોતો. સ્વપ્નાઓ તમને સાજા પણ કરી શકે છે. તે કશુક વીશેષ મહત્વનું હોય તેવું પણ બતાવી જતાં હોય છે. વાંચો આગળ.

જયારે તમને એક જ પ્રકારનું સ્વપ્ન વારંવાર આવે, એનો અર્થ એ છે કે તમે વાસ્તવિક જીવનમાં કશીક વાતનું દમન કરી રહ્યા છો. બધી જ અનુભૂતિઓ અને લાગણીઓને કાં તો એક દિશામાં વાળવી જોઈએ કાં તો તેને વ્યક્ત કરવી જોઈએ. જે કઈ પણ તમે દબાવો છો તે તમારામાં ભરાઈ જતું હોય છે. તમે જેટલાં વધુ વ્યાકુળ તેટલાં જ તમારા સ્વપ્નાં વધારે અશાંત અને તકલીફ્દાયી હોય છે. જેટલું વધુ દમન તેટલી જ તમારી ઊંઘની ગુણવત્તા ઓછી. તમે જેને નકારો છો તેનું જ સ્વપ્ન વારંવાર આવતું હોય છે. આ વસ્તુને ઊંડાણથી સમજો. તમે જેને નકારો છો તેનાં વિશે જ તમે વારંવાર સ્વપ્નાઓ જોતા હોવ છો. તમને વાસ્તવિક જીવનમાં જો કોઈ સંવિભ્રમ-ચિત્તવિક્ષેપીતતા હોય અને જો તમે તમારા પોતાનાં સંતોષ, સ્વતંત્રતા, અને નિર્ભયતા માટે કામ નથી કરતાં હોતા ત્યારે તમને દુ:સ્વપ્નાઓ વધારે આવતાં રહેશે. જે કઈ પણ તમે પ્રબળતાથી ઇચ્છતા હશો કે કશાથી ડરતા હશો પરંતુ તેને વ્યક્ત કરવા માટે કે મેળવવાં માટે કે તેની અનુભૂતિ કરવા માટે જો તમે અસમર્થ હશો તો તે જ વસ્તુ તમારા સ્વપ્નમાં પ્રગટ થશે.

જેવી રીતે વાસ્તવિક દુનિયામાં તમે વસ્તુઓ બનાવી શકો છો, તેવી જ રીતે તમે તમારા સ્વપ્નાઓ પણ રચી શકો છો. તમે આ પદ્ધતિનો ઉપયોગ તમને સાજા કરવા માટે અને જીવનમાં ઘણું બધું કરવા માટે કરી શકો છો. એક સમકાલીન અને યોગિક પદ્ધતિથી કેવી રીતે સુસ્પષ્ટ અને સુબોધગમ્ય સ્વપ્ન જોવા તેનાં વિશે લખવાનો વિચાર મારા મનમાં છે. પૂર્ણ જાણકારી વાળું સ્વપ્ન સાજા કરનારું, સામર્થ્ય પ્રદાન કરનારું અને મુક્તિ અપાવનારું હોઈ શકે છે. સ્વ-સંમોહન કરતાં પણ તે વધુ શક્તિશાળી છે, તે અર્ધ-જાગૃત મનને કેળવવા માટે અને અનુભવવા માટેની એક માન્યામાં ન આવે તેવી અદ્દભુત રીત છે. કોઈ વચન નથી આપતો, પરંતુ આશા રાખું છું કે ભવિષ્યમાં ક્યારેક એનાં વિશે લખવા માટે સમય ફાળવીશ.

તમારી જાતનું દમન ન કરશો. તમારી જાતને વ્યક્ત કરો. અનુભૂતિ કરો. તમારા જીવન વિશે સ્વપ્નાઓ જોવા કરતાં, તમારા સ્વપ્નાના જીવન માટે દાવો કરો. તેને જીવો. ઊંઘવું એ સારી વાત છે પણ જીવવું એ વધારે સારી વાત છે.
(Image credit: Shasta Eone)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
 

No comments:

Post a Comment

Share