Saturday, 2 November 2013

અનાયાસે થતું ભલાઈનું કોઈ કાર્ય

 મારી બ્રેડનો સવાલ એક ભૌતિક સવાલ છે, જયારે મારા પાડોશીની બ્રેડનો સવાલ એક આધ્યાત્મિક સવાલ છે. ~નિકોલાઈ બેર્ડ્યાવ
નિકોલાઈ બેર્ડ્યાવ કરીને એક રશિયન ચિંતક અને અસ્તિત્વવાદી થઇ ગયા. તેમને એક વખત કહ્યું હતું કે “મારી પોતાની બ્રેડ(રોટલા)નો સવાલ એ ભૌતિક વાત છે જયારે મારા પાડોશીની બ્રેડનો સવાલ એ આધ્યાત્મિક વાત છે.” આ ટુંકમાં ભલાઈની વાત છે. દયા એ કદાચ એક લાગણી સુધી સીમિત રહેતી વાત છે – એક પ્રકારની સમાનુભૂતિ, એક પ્રકારની સ્વીકૃતિ. જયારે ભલાઈમાં દયાની સાથે સાથે કઈક આપવાનો ભાવ પણ રહેલો છે.

એક અનપેક્ષિત ભેટ, એક અનપેક્ષિત સમયે જયારે કોઈ એક અનપેક્ષિત વ્યક્તિ (કે કદાચ કોઈ અસંદેહશીલ વ્યક્તિ)ને જયારે બદલામાં કોઈ પણ જાતની અપેક્ષા વગર આપવામાં આવે છે ત્યારે તે અનાયાસે એક ભલાઈનું કામ છે, એક ભલું કાર્ય કે જેની સામેવાળાને પણ અપેક્ષા નથી હોતી. તમે આ કરો છો કારણકે તમારું હૃદય ખુલ્લું છે. આપણા હૃદયની એક વિચિત્ર લાક્ષણીકતા છે: તે બન્ને સ્થિતિમાં રહીને કાર્ય કરી શકે છે – ખુલ્લું અને બંધ રહીને. ખુલ્લું હૃદય કુદરતી રીતે જ ભલું, દયાળુ અને આનંદી હોય છે. જયારે બંધ હૃદય દરેક હકારાત્મક લાગણીઓને અવરોધતું હોય છે. તેનો અર્થ એવો નથી કે બંધ હૃદયની વ્યક્તિ ચોક્કસપણે નકારાત્મક અને અસફળ જ સાબિત થશે. એથી ઉલટું, આવી વ્યક્તિ ખુબ જ જીદ્દી હોઈ શકે છે, અને પોતાની કારકિર્દીમાં સફળ પણ હોઈ શકે છે તેમજ પોતાની ભૌતિક સિદ્ધિઓ માટે અત્યંત હકારાત્મક પણ હોઈ શકે છે. પરંતુ તેમનું હૃદય હંમેશાં બીજાનાં પ્રેમને અને દુ:ખને સમજવામાં અને કદર કરવાની બાબતમાં બંધ રહેતું હોય છે.

જ્યાં સુધી તમે બીજી વ્યક્તિની તકલીફને નથી સમજતા હોતા, ત્યાં સુધી તમારા હૃદયનું ધ્યાન કોઈ પણ ભલાઈના કાર્ય માટે બંધ રહે છે, અને તમારા પોતાનાં કરવાનાં કાર્યો પ્રત્યે જ કેન્દ્રિત રહેતું હોય છે. બંધ હૃદય માટે સૌથી મોટા દુ:ખની વાત તો એ છે કે તે બંધ હતું તેની અનુભૂતિ તે જયારે ખુલ્લું થઇ જાય છે ત્યારે જ પડતી હોય છે. આ બંધ હૃદય, કે જે ભલાઈનું કાર્ય, અનાયાસે કે જાણી જોઇને પણ કરવા માટે એવી રીતનું  અસમર્થ રહે છે જેવી રીતે કુવામાંના દેડકાને બહાર રહેલાં વિશાળ સમુદ્રનાં અસ્તિત્વની કોઈ કલ્પના જ નથી હોતી. એ તો જયારે તમારું હૃદય થોડું પણ ખુલે છે, અરે એકદમ થોડું જ કેમ નહિ, ત્યારે તમે શાંતિ અને આનંદની એક વિશાળ સૃષ્ટિનો અનુભવ કરો છે. મેં ક્યાંક વાંચેલું હતું, : મારા હૃદયના દરવાજા આગળ મેં લખ્યું હતું, “ આ કોઈ સાર્વજનિક માર્ગ નથી” પ્રેમ ત્યાંથી પસાર થતો હોય છે અને કહે છે, “હું તો દરેક જગ્યાએ પ્રવેશ કરું છું.” અને જયારે પ્રેમ આવે છે ત્યારે તે એકલો નથી આવતો – તે પોતાની સાથે અનેક સદ્દગુણો લઇને આવે છે. પ્રેમાળ બન્યા વગર ભલું બનવું એ અશક્ય વાત છે; તમે જેવા ભલા બનો કે તરત આપોઆપ પ્રેમાળ પણ બની જ જતાં હોવ છો.

એક શ્રીમંત વ્યક્તિ હોય છે તે હંમેશાં ભિખારીઓનો ઉપહાસ અને અવજ્ઞા કરે છે. જયારે પણ કોઈ ભિખારી તેની આગળ ભિક્ષા માંગે ત્યારે તે તેમને દંડિત કરતો અને સતત તેમને એવું કહી નારાજ કરતો કે તેમનાં શરીરતો તંદુરસ્ત છે, સશક્ત છે અને તેઓ યુવાન પણ છે માટે તેમને કામ કરવું જોઈએ અને ભીખ માંગવી જોઈએ નહિ. આવું થોડા સમય ચાલ્યું અને પછી એક દિવસે ભગવાન પ્રગટ થયાં અને કહ્યું કે, “તું સાંભળ, જો તારી પાસે કોઈને કઈ આપવાનું હૃદય ન હોય તો કઈ વાંધો નહિ પરંતુ મેં જે ભાગ્ય તે લોકોને આપ્યું છે તેની મજાક ન ઉડાવીશ.”

આ કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી પરંતુ ભલા બનવાનો એક વૈકલ્પિક માર્ગ તો છે જ, કે દયાળુ ન બનો તો કઈ વાંધો નહિ, નિર્દયી ન બનશો. તમે કશું કરી શકતાં ન હોવ કે તમારે કોઈ પણ કારણસર કશું આપવું ન હોય, તો તેમાં બિલકુલ વાંધો નથી, પરંતુ બીજાને તેમ કરતાં રોકશો નહિ કે પછી નકારાત્મક બનીને તમારા પોતાનાં જ મન અને વાણીને પ્રદુષિત ન કરો. અનાયાસે થતું એક ભલાઈનું કાર્ય હંમેશાં કઈ ભૌતિક વસ્તુનું દાન જ હોય તે જરૂરી નથી. પ્રોત્સાહન, શુભેચ્છાનો એક માત્ર શબ્દ, કે પછી મદદ માટે લંબાવેલો એક હાથ તે પણ એટલું જ (જો વધારે નહિ તો) મહત્વનું છે.

જયારે તમે ભલાઈના કાર્યો અનાયાસે જ નિયમિત કરવા માંડો છો તો એક દિવસ કઈક અદ્દભુત ઘટના ઘટે છે – કુદરત તમને તેનાં અનાયાસે ભલાઈના કાર્ય માટેનાં માધ્યમ તરીકે પસંદ કરે છે. ભલાઈનાં આવા કાર્યો લાખો લોકો સાથે બ્રહ્માંડમાં કાયમ થતા રહેતા હોય છે, હર ક્ષણે. વર્ષા, મંદ પવન, બરફ વર્ષા, સૂર્યપ્રકાશ, જીવ, જંતુ અને વનસ્પતિ, ઉત્પત્તિ અને તેનું ભરણ પોષણ – આ બધા ભલાઈનાં દૈવી કાર્યો છે.

એક માણસ એક ભિખારીને ૨૦ રૂપિયા દર મહીને આપતો હતો. તે આવું કેટલાંય વર્ષો સુધી કરી રહ્યો હતો. એક દિવસ તેને ભિખારીને પૈસા ન આપ્યા અને કહ્યું કે પોતે આ વખતે દિલગીર છે તેને તે પૈસા પોતાની પત્ની માટે ફૂલો ખરીદવા માટે વાપરવા પડ્યા.
“શું?” ભિખારીએ કહ્યું, “તે મારા પૈસા તેની માટે વાપરી નાંખ્યા?”

જયારે કઈક આપણી પાસે હોય છે તેનો અર્થ એ નથી હોતો કે તે આપણું હોય છે. આ બ્રહ્માંડમાં કોઈ માલિક નથી, પ્રત્યેકજણ માધ્યમ માત્ર છે, બહુબહુ તો એક રખેવાળ. તમે જે કઈ પણ વહેંચો છો તે વધતું હોય છે – આ બ્રહ્માંડનો મુખ્ય મૂળભૂત નિયમ છે. તમે જયારે ઉગ્રતા વહેંચો છો તો, તમારામાં ક્રોધ વધે છે. તમે જો પ્રેમ વહેંચશો તો તમારામાં પ્રેમ વધશે. તમે તિરસ્કાર વહેંચશો તો તમારામાં નફરત વધશે. તમે જો જ્ઞાન વહેંચશો તો, તમારામાં ડહાપણ વધશે. તમે જો તમારો સમય વહેંચશો તો તમારામાં શાંતિ વધશે. તમારી પાસે જે કઈ પણ હોય તે તમે જો વહેંચશો તો તમે એક વ્યક્તિ તરીકે ઓર વધુ નીખરશો.

ભલાઈના અનાયાસ કાર્યોને એક નિયમિત ઘટનાક્રમ બનાવો અને કુદરત ભલાઈપૂર્વક તેનું પ્રતિદાન આપશે.
(Image credit: Wetcanvas)
શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share