Saturday, 23 November 2013

શું તમને શ્રદ્ધા છે?

 શ્રદ્ધા શું છે? ગુલાબ કેવી રીતે ખીલતું હોય છે? વાંચો આ વાર્તા.
શું શ્રદ્ધાને કોઈ વૈજ્ઞાનિક કે પછી કોઈ વ્યાજબી કહી શકાય એવો કોઈ આધાર છે ખરો? અને જો તમને શ્રદ્ધા હોય તો પછી તે છતાં પણ કેમ તમને ભવિષ્યની ચિંતાઓ થતી રહેતી હોય છે? અંગત રીતે જો કહેવાનું હોય તો, જો તમે તમારી શ્રદ્ધાને અડીગમ રાખવાં માંગતા હોવ તો પછી કોઈ પણ પ્રકારનાં તર્કને બાજુ પર રાખી દો. અને જો તમેં તમારા તાર્કિક મગજને અડીગમ રાખવાં માંગતા હોવ તો પછી શ્રદ્ધાને બાજુ પર મૂકી દો. જયારે આપણે તર્કને શ્રદ્ધામાં ભેળવવાની કોશિશ કરીએ છીએ ત્યારે હકીકતમાં તો આપણે તે બન્નેને પ્રદુષિત કરી મુકતા હોઈએ છીએ. શ્રદ્ધા બસ હોય છે, ભગવાન બસ હોય છે, કુદરત બસ હોય છે, માન્યતા બસ હોય છે. જયારે સવાલ શ્રદ્ધાનો હોય ત્યારે “શા માટે”થી કશું પ્રાપ્ત નથી થતું. અલબત્ત, આપણે સ્પષ્ટીકરણ અને પરિકલ્પનાઓ આપી શકીએ પરંતુ તે એક અસ્થાઈ પ્રોત્સાહનથી વિશેષ બીજો કોઈ ઉકેલ નથી આપી શકતા. તો શું તોરાહ, કુરાન, બાઈબલ અને ભાગવતમાં જે વાર્તાઓ છે તે સાચી છે? સવાલ એ છે કે તેનું શું કઈ મહત્વ છે ખરું? શ્રદ્ધા તો આપણે જેને સત્ય માની લીધું છે તેનાં ઉપર આધારિત છે, તે ભાગ્યેજ ખરેખરા સત્ય ઉપર આધારિત હોય છે.

જયારે તમારી અંદર ઊંડે સુધી શ્રદ્ધા વહેતી હોય છે ત્યારે દિવ્યતાને સમર્પણ આપોઆપ થઇ જતું હોય છે. અને આંતરિક શાંતિ તો સમર્પણમાં એક ઉપફળ તરીકે મળે છે. એક બાળક પોતાની માંના ખોળામાં પોતાને સલામત ગણે છે કારણકે તેને ખબર છે કે માં તેની રક્ષા કરશે જ. આ કોઈ બૌદ્ધિક વિચાર નથી પરંતુ બાળકની એક અંતર્નિહિત માન્યતા હોય છે. અને તમારી ખરી શ્રદ્ધા વિરુદ્ધ તમારું તમને શ્રદ્ધા છે એમ માનવું આ બે વચ્ચેનો બારીક તફાવત જ તમારી શ્રદ્ધા કેટલી ઊંડી અને અડીગમ છે તેના વિશે ફર્ક નક્કી કરે છે.
ચાલો હું તમને એક સરસ વાર્તા કહું. મેં ઘણી કોશિશ કરી જોઈ તેમ છતાં મને આ દંતકથામાં ટાંકેલી કવિતાનો મૂળ સ્રોત મળ્યો નથી.

એક માણસ હતો, જે ચિંતાતુર અને ચિત્તવિક્ષેપીત થઇ ગયો હતો, તે પોતાનાં જ્ઞાની ગુરુ પાસે ગયો અને પૂછ્યું કે ભવિષ્યમાં બધું બરાબર તો થશે ને. “હું જાણું છું કે મારે વિશ્વાસ રાખવો જોઈએ, પણ મારાથી ચિંતા કર્યા વગર રહેવાતું નથી. મને હજી પણ ચિંતા થાય છે. આપણે જે ધારીએ છીએ એ મુજબ જો નહિ થાય તો શું થશે? નકારાત્મક વિચારો મારી હાલત એવી કરી મુકે છે કે મને મારું જીવન પણ શાંતિથી માણવા નથી દેતા. ભગવાન મારી કાળજી નહિ કરે તો શું થશે?” તેને પોતાનાં ગુરુને કહ્યું.
ગુરુએ ગુલાબની એક કળી લીધી અને તેને પેલાં શિષ્યને આપી, અને કહ્યું, “તારે આ કળીને એવી રીતે ખોલવાની છે કે તેની એક પણ પાંખડી ખરવી ન જોઈએ.”
શિષ્યે કાળજીપૂર્વક કળીનાં સ્તરને એક પછી એક ઉકેલવાનું ચાલુ કર્યું. થોડી વારમાં જ, જો કે, તેને અનુભવ્યું કે પાંખડીઓને નુકશાન પહોંચાડ્યા વગર તેને ઉકેલવાનું શક્ય નહોતું. “આ લાગે છે તેટલું સહેલું નથી. હું દિલગીર છું પરંતુ થોડી ઘણી પાંખડીઓને તો નુકશાન થશે જ,” તેને પોતાનાં ગુરુને કહ્યું.
પ્રત્યુત્તરમાં ગુરુએ ગુલાબની કળીને તેની પાસેથી પાછી લેતાં કહ્યું:

It is only a tiny rosebud,
A flower of God’s design;
But I cannot unfold the petals
With these clumsy hands of mine.

The secret of unfolding flowers
Is not known to such as I.
God opens this flower so sweetly,
Then in my hands they die.

If I cannot unfold a rosebud,
This flower of God’s design,
Then how can I have the wisdom
To unfold this life of mine?

So I’ll trust in God for leading
each moment of my day.
I will look to God for His guidance
each step of the way.

The pathway that lies before me,
Only God knows.
I’ll trust Him to unfold the moments,
Just as He unfolds the rose.

“આખરે તું કેટલી યોજનાઓ બનાવી શકે? અને કેટલી યોજનાઓ બનાવવાની તારી ગણતરી છે?” ગુરુએ ચાલુ રાખ્યું. “શા માટે તું બધું જ તારા હાથમાં રાખવા માંગે છે? એ તો થાકી જવાય એવું છે. જતું કરતાં શીખ. તું ગર્ભમાં હતો ત્યારે તારી કાળજી કોણે કરી હતી? તને બોલતાં પણ નહોતું આવડતું ત્યારે તને કોણ ખવડાવતું હતું? તું કમાઈ શકે એવડો નહોંતો ત્યારે તારી બધી વ્યવસ્થા કોણે કરી હતી? જો તું ચકાસીશ તો તને જણાશે કે હંમેશાં કોઈ ને કોઈ હતું જ કે જેણે કુદરતે તારા માટે એક માધ્યમ તરીકે ચુંટી રાખ્યું હતું. કોઈ વખત, જતું કરવું એટલે તમારી જાતને એ યાદ અપાવવા જેવું છે કે મારાથી જેટલું થતું હતું તેટલું મેં કર્યું અને હવે મારે મારી જાતને પરિણામથી કે ચિંતાથી મુક્ત કરવી જોઈએ.”

શ્રદ્ધાની રચના તમને એક આત્મવિશ્વાસ અપાવવા માટે છે, એક હિંમત અપાવવા માટે કે જેનાંથી તમે તમારું જીવન એક અદાપૂર્વક અને દ્રઢતાથી જીવી શકો. હું નથી માનતો કે તમારી લોન – કર્મોની કે પૈસાની – ચુકવવા માટે, કે તમને તમારું વજન ઉતારવા કે વધારવામાં મદદ કરવા માટે ભગવાન પ્રગટ થવાનાં હોય. આપણે આપણી જિંદગીની જવાબદારી તો લેવી જ પડે. આપણે આપણી ઇચ્છાઓ, પસંદગીઓ અને આપણી તલાશોનું પરિણામ છીએ. શ્રદ્ધાનો અર્થ એવો નથી કે આપણે બસ કબુલાત કરી લઈએ અને આપણા ખરાબ કર્મોથી છૂટી જઈએ, તેનો અર્થ એ છે કે આપણામાં પહેલેથી જ સાચા કર્મો કરવાની તાકાત હોવી જોઈએ. મને રૂઢિગત ડહાપણથી થોડું અલગ થઇને કહેવા દો કે શ્રદ્ધા ને લઈને થતી દરેક નીજી-સામગ્રી કે અંગત પ્રેક્ટીસ, એ અંદરની શક્તિ માટે છે, નહિ કે બહારના ભગવાનને ખુશ કરવા માટે. હું સ્વર્ગમાં રહેલાં ભગવાનને પ્રસન્ન કરી આ જિંદગી માટે કે પછીની જિંદગીઓ માટે કોઈ મહેરબાની કરવાની ભીખ માંગવા માટે નથી ઈચ્છતો પરંતુ, આ જિંદગી માટે હું મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ અને પછી કુદરતને તેનો ભાગ ભજવવા દઈશ. આખરે તો, મને જો ખરેખર શ્રદ્ધા જ હોય તો, મને એની પણ ખબર ન હોવી જોઈએ કે ભગવાન કે કુદરતનો રસ્તો તો હંમેશાં નિષ્પક્ષ જ હોય છે?

નેપોલિયને એક વખત કહ્યું હતું, “જયારે તમે લડાઈ લડતા હોવ, ત્યારે એવી રીતે લડો કે બધું જ તમારા ઉપર નિર્ભર છે. અને જયારે તમે પ્રાર્થના કરતાં હોવ, ત્યારે એવી રીતે કરો કે બધું જ ઈશ્વર ઉપર નિર્ભર છે.” શ્રદ્ધાનો સારાંશ આ જ છે.

શ્રદ્ધા એ આપણા પ્રયત્નોનું સ્થાન લેવા માટે નથી પરંતુ આપણા પ્રયત્નોને પુરક થવાને માટે હોય છે. અંતે તો, આપણે કરેલી પસંદગીઓનાં પરિણામ માટે આપણે ખુદ જ જવાબદાર હોઈએ છીએ. તમારી જાત પર શ્રદ્ધા રાખીને જાગો અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને સુઈ જાવ.
(Image credit: Irina Sztukowski)
શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
 

No comments:

Post a Comment

Share