Saturday, 25 January 2014

સામનો કરવાનાં ત્રણ સિધ્ધાંતો

સામનો કરવો એટલે સામેની વ્યક્તિને નીચા પાડવા કે તેમનું સમતોલન ખોરવી નાંખવું એવો નથી.
સામનો કરવો અઘરો હોય છે. અને તે એટલાં માટે કે તેનાંથી મોટાભાગે એક કડવાશ જ આવી જતી હોય છે. તમે જે વ્યક્તિનો સામનો કરી રહ્યાં હોય તે કદાચ તમને ના પાડે, તમારી સાથે સહમત ન થાય, તમારો વિરોધ કરે, કાં તો જો એ પ્રામાણિક હોય તો, કદાચ માફી પણ માંગે, પણ તે ક્યારેય એક આનંદદાયક કે પ્રિય સંવાદ હોય તેવી તો કલ્પના પણ થઇ શકતી નથી. આ સામનો એક મેનેજર અને કામદાર વચ્ચેનો હોઈ શકે છે, બે ભાગીદાર વચ્ચે પણ હોઈ શકે છે, માં-બાપ અને સંતાન વચ્ચે હોઈ શકે છે, બે મિત્રો સાથે હોઈ શકે છે, બે ટુકડીઓ સાથે હોઈ શકે છે અરે બે સરકાર વચ્ચે પણ હોઈ શકે છે. કોઈ વાર અસહમતીનો સામનો હકારાત્મક અને સર્જનાત્મક રીતે કરવો એ જ એક માત્ર રસ્તો હોઈ શકે છે. સામનાને એક વાતચીતનાં પ્રકાર તરીકે જુઓ, એ એક એવી અનિચ્છનીય વસ્તુ છે કે જેનાંથી લોકો શરમ અનુભવે, ગ્લાની અનુભવે, છોભીલા પડી જતાં હોય તેવું લાગે, ગુસ્સે કરી દે કે પછી થઇ જવાય વિગેરે. તો ચાલો, હું તમને સામનો કરવાનાં ત્રણ સોનેરી રસ્તાઓ બતાવું:

ઉંચો અવાજ ન કરો
જો તમે કોઈ હકારાત્મક પરિણામ ઇચ્છતાં હોય તો બિલકુલ બરાડા ન પાડશો. આનાં ઉપર વિચાર કરો: આપણે એટલાં માટે સામનો કરી રહ્યાં હોઈએ છીએ કે આપણે ઇચ્છતાં હોઈએ છીએ કે તેઓ આપણને સાંભળે અને સ્વીકારે કે તેઓ બેજવાબદારી પૂર્વક વર્ત્યા છે અને તેનાંથી આપણને દુ:ખ પહોંચ્યું છે. તેઓ તમને સાંભળે તેનો એક માત્ર રસ્તો એ છે કે તમે ઊંચા અવાજે વાત ન કરો. શા માટે? માનવીય મન કુદરતીપણે જ આનંદદાયી વાર્તાલાપ માટે ખુલ્લું રહેતું હોય છે. જયારે તમે નીચા અવાજે વાત કરો છો ત્યારે તેઓ કદાચ તમારી જોડે અસહમત જરૂર થઇ શકે પરંતુ તેમનું મન તેમને તમને ચુપ કરી દેવા માટે મંજુરી નહિ આપે. વાર્તાલાપ અને દલીલ વચ્ચેનો મૂળભૂત અને પ્રાથમિક તફાવત એ તમારી અવાજની તીવ્રતા અને તેનાં સુર પર હોય છે. અસહમતી જો કે તે બન્નેમાં હોય છે, પરંતુ દલીલમાં બન્ને પક્ષો ફક્ત બોલતાં હોય છે, સાંભળતું કોઈ નથી હોતું. જયારે તમે કોઈની ઉપર ચિલ્લાઓ છો ત્યારે તેઓ એકદમ અંદરથી બંધ થઇ જાય છે અને પોતાનો સહકાર પાછો ખેંચી લેતાં હોય છે. તેમનું મનોવલણ વાતચીત પરથી હટીને કાં તો તે મુદ્દાને જ ટાળવા માંડે છે કે કાં તો પોતે પોતાનો બચાવ કરવામાં લાગી જાય છે. બીજી બાજુ, તમે જયારે સામાન્ય સ્વરે વાત કરો છો ત્યારે તમને કદાચ એવું લાગે કે તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સમજી શક્યાં નથી પરંતુ તમારા શબ્દો સામે વાળાનાં મગજમાં પોતાનો રસ્તો કરી લેશે. તેનો અર્થ એવો જરૂરી નથી કે તેઓ પોતાનો રસ્તો બદલી નાંખશે.

હુમલો ન કરો
યાદ રાખો કે કોઈ પણ સામનો કરવાનો તમારો હેતુ એ હોય છે કે સામેની વ્યક્તિ તમારા દ્રષ્ટિકોણને સમજે અને અમુક રીતે વર્તવાનું બંધ કરે. તમે તેમનાં પર હુમલો કરીને કે તેમને નીચા પાડીને એ ક્યારેય સિદ્ધ નહિ કરી શકો. તેમને તેમનો બચાવ કરવાનો મોકો આપો. તેમનાંથી ભૂલ થઇ છે એવી કલ્પના સાથે શરૂઆત કરો. અને આ નિયમનું ઉલ્લંઘન કર્યા વગર, તમે તમારું ધ્યાન એ બતાવવામાં રાખો કે તેમનાં વર્તનથી તમને કેટલું નુકશાન થઇ રહ્યું છે, તમારા એમની સાથેનાં સંબધને કેટલું નુકશાન પહોંચી રહ્યું છે, કાં તો એવો વર્તાવ કેવી રીતે તેમનાં પોતાનાં જ હિતમાં નથી; એમ કરવાથી તેઓ તમને સાંભળે એવી સંભાવના વધારે છે. પરંતુ જયારે આપણે સામેની વ્યક્તિ ઉપર તે આમ કર્યું ને તે તેમ કર્યું, તું આવો છે ને તેવો છે વિગેરે કહીને સીધો હુમલો જ બોલી દઈએ તો, આવું કરીને આપણે બન્નેની વચ્ચે એક મોટો અવરોધ ઉભો કરી દઈએ છીએ, અને હવે તેઓ આપણી વિરોધી બાજુ ઉપર ઉભા રહી જાય છે. હવે તેઓ રક્ષણાત્મક વલણને અપનાવતાં થઇ જાય છે અને પોતાનાં સ્વબચાવમાં તેઓ હવે વળતો હુમલો કરે છે. અને આ સમગ્ર પ્રક્રિયા આખા હેતુને મારી નાંખે છે, અંતર વધતું જાય છે, અને અંતે બન્ને લોકો વધારે ગુસ્સે થઇને રહી જાય છે.

પથચ્યુત ન થાવ
આ ત્રણેય રસ્તામાંથી સૌથી અઘરો રસ્તો છે. મોટાભાગે જયારે આપણે કોઈનો સામનો કરીએ છીએ ત્યારે તેઓ એ મુદ્દાને ટાળવાની કોશિશ કરે છે. કોઈપણ પ્રકારનો ખુલાસો, માફી કે પરિણામને ટાળવા માટેનું કુદરતી વલણ એ હોય છે કે જે ખરો મુદ્દો છે તેનાંથી અલગ થઇ જવું. જો બન્ને જણા આમાં ખેંચાઈ જાય તો સામનો કરવાનો અર્થ કે તેની સંવેદનશીલતાને ટકાવી રાખવી અશક્ય બની જાય છે. એ તુરંત જ એક ગરમા-ગરમી ભરેલી દલીલો અને અને હિંસક અસહમતીમાં બદલાઈ જાય છે. જયારે સામની વ્યક્તિ વિષય પરથી ભટકવાં માંડે ત્યારે ફક્ત તેને સાંભળો, તેને તેનો મુદ્દો પૂરો કરી લેવા દો અને ત્યારબાદ નમ્રતાથી તમારો જે મુખ્ય મુદ્દો હતો તેને જ ટકાવી રાખતાં આગળ વધો. કારણકે જો તમે પણ ભટકી જશો તો પછી તે એક અર્થહીન દલીલો માત્ર બની રહેશે કે જેમાં વાતો તો ઘણી બધી થશે પણ ઉકેલ એક પણ નહિ આવે. સર્વશ્રેષ્ઠ વાત તો એ છે કે આપણું ધ્યાન એક વાત પર રાખવું અને તેને મુદ્દાસર રાખવું. દાખલા તરીકે, જો તમારે કોઈને તે મોડા આવવા માટે વાત કરવી હોય તો ફક્ત વર્તમાન વિશે જ વાત કરો. એ હંમેશાં મોડા જ હોય છે, અને તેઓ બિલકુલ કાર્યશીલ કે સક્ષમ નથી વિગેરે કહીને ચાલુ ન કરો.

ફરી એકવાર, તમારા મનમાં યાદ રાખો કે સામનો કરવાનો હેતુ છે સામે વાળી વ્યક્તિને પોતાનાં અમુક પ્રકારના વર્તન કે જેને તમે માન્યતા નથી આપતાં તેનાં પ્રત્યે જાગૃત કરવાનો. તેમને નીચા પાડવાનો કે તેમની નિંદા કરવાનો બિલકુલ નહિ. માટે, તમે કેવા શબ્દો, સ્વર, હાવભાવ અને સમય પસંદ કરો છો તે અંતિમ પરિણામ ઉપર બહુ મોટી અસર કરે છે. વારુ, જો તમારે કોઈને એક જ મુદ્દા પર બે-ત્રણ વખતથી વધુ વાર જો સામનો કરવાનું થતું હોય તો તેઓ પોતાનું વલણ કે વર્તન બદલશે તેવી આશા તેમાં નહિવત્ હોય છે. કારણકે કે  જે ડાહ્યાં અને પ્રામાણિક છે તેમનાં માટે તો એક છુપો સંકેત જ પુરતો હોય છે. જો સામેની વ્યક્તિને જ સારું નહિ બનવું હોય તો કોઈપણ પ્રકારનો વાર્તાલાપ કે સામનો, જો કદાચ થાય તોયે, કોઈ પરિણામ નહિ આપે.

એક મિત્ર મુલ્લા નસરુદ્દીનને તેમનું ગધેડું થોડા કલાક માટે ઉછીનું લેવા માટે મળે છે.
“પણ મારી પાસે મારું ગધેડું છે જ નહિ. તે તો કાલે રાત્રે જ ભાગી ગયું”, મુલ્લાએ કહ્યું. “અને, મને તેની કોઈ ભાળ મળી નથી.”
તેમનાં મિત્રે તેમની તરફ શંકાની દ્રષ્ટીએ જોયું. મુલ્લાએ હકારાત્મક અને શાંત હાવભાવ જાળવી રાખ્યા.
ત્યારે જ ગધેડાએ જોર જોરથી ભુકવાનું ચાલુ કર્યું.
“મુલ્લા! મને તમારા ગધેડાનો અવાજ તમારા જ ઘરમાં સંભળાઈ રહ્યો છે. તમે ખોટું બોલ્યા! મને તો એમ હતું કે આપણે બે મિત્રો છીએ.”
“બિલકુલ! અને તમને ગધેડાનાં ભુકવાનાં અવાજ પર તમારા મિત્રનાં શબ્દો કરતાં વધુ વિશ્વાસ છે?”

જિંદગી રંગીન છે કારણકે તેમાં વિવિધ રંગો છે; બધા રંગો સફેદ નથી હોઈ શકતાં, કે બધા લાલ કે કાળા નથી હોઈ શકતાં; બધા જ સંવાદો કઈ આનંદદાયક કે ઈચ્છનિય નથી હોઈ શકતાં. સંબધોની સફળતા – પછી તે વ્યાવસાયિક હોય કે અંગત – તમારી મતભેદોને સંભાળવાની કાબેલિયત ઉપર અને અપ્રિય સંવાદને તમે કેટલી સારી રીતે કરી શકો છો તેનાં પર મોટો આધાર રાખે છે.
(Image credit: David Smith)
શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
 

Saturday, 18 January 2014

શું હું એક ખરાબ માવતર છું?

બાળ-ઉછેરનો કોઈ નિર્ધારિત સારો કે ખરાબ રસ્તો નથી હોતો. જરા હળવાશથી લો.
મારી ક્યાં ભૂલ થઇ? હું કેવી રીતે મારા બાળકોને સમજાવું કે મેં બનતો બધો જ પ્રયત્ન કર્યો છે, કે અમારી કોઈ ખરાબ માં-બાપ બનવાની કોઈ ગણતરી નહોતી, કે તેઓ તો અમારી પ્રાથમિકતા હતાં અને અમે તો હંમેશાં તેમનું કલ્યાણ જ ઈચ્છ્યું હતું? હું એવાં ઘણાં માં-બાપને મળ્યો છું કે જેઓએ પોતાની ઇચ્છાઓનું દસકાઓ સુધી બલિદાન આપ્યું અને અંતે તેમને એવું ભાન થયું કે તેમને માં-બાપ તરીકે બાળકોને ઉછેરવાની ફરજને બરાબર નથી નિભાવી, કે તેઓ તો ખોટા સાબિત થયાં છે, કે તેઓ તો એક ખુબ જ ખરાબ માં-બાપ છે (એવું મોટાભાગે જો કે તેમને તેમનાં બાળકો માનવા માટે પ્રેરતા હોય છે). મેં માં-બાપની લાગણીઓને ખળભળી ઉઠતાં જોઈ છે કારણકે તેમને તેમનાં બાળકોએ પોતાનાં હાવ-ભાવ, છાપ અને શબ્દો દ્વારા એવું માનવા માટે મનાવી લીધા હોય છે કે તેઓ – માં-બાપે – તેમનું કાર્ય બરાબર કર્યું નથી.

એ વાતે હું સંમત છું કે ઘણાં તૂટેલાં કુટુંબો પણ હોય છે, નિ:શંકપણે કોઈ વખત માં-બાપ પણ બેજવાબદાર હોય છે ખાસ કરીને જયારે તેઓ પોતાનાં બાળકોનું શારીરિક કે લાગણીકીય શોષણ કરતાં હોય છે. લાગણીની દ્રષ્ટીએ થતાં શોષણમાં માં-બાપ પોતાનાં દરેક સ્વપ્નાં પોતાનાં બાળકો દ્વારા પુરા કરવાથી લઈને બાળકોને તેમને નક્કામાં હોવાની લાગણી આપવા સુધીની વાત આવી જતી હોય છે. પરંતુ હું જેટલાં કુટુંબોને મળ્યો છું તેમાંના મોટાભાગનાં સાથે આવું બન્યું હોય તેવું નથી. આ કુટુંબો એક સામાન્ય કુટુંબો છે કે જેમાં માં-બાપ અને બાળકો એક-બીજાની કાળજી કરે છે, જ્યાં માં-બાપ સારા માવતર બનવાં માટે થોડો વધારે પ્રયત્ન પણ કરતાં હોય છે. અને છતાં પણ બાળકો તેમનાંથી ખુશ નથી હોતા. તેઓ એવું માનવા માટે તૈયાર જ નથી હોતા કે તેમનાં માં-બાપ બહુ સરસ કામ કરી રહ્યાં છે. તેઓ વારંવાર એવાં ઉદાહરણો આપતાં રહે છે કે જેમાં બીજા કોઈકના પિતા કે માતા એ કેટલાં સરસ માવતર બની રહ્યાં છે. અરે તેમનાં પોતાનાં માં-બાપ પણ આવું આવું સાંભળીને તે સાચું માનવા લાગે છે.


એક રસપ્રદ અવલોકન છે કે જે હું તમારી સાથે વહેંચવા માંગું છું. નવયુવાનો કે જે આળસુ છે અને એક બેજવાબદારી ભર્યું જીવન જીવતાં હોય છે તેઓ પોતાનાં બાળપણનો તેમજ પોતાનાં માં-બાપનો વાંક કાઢવામાં સૌથી પહેલાં હોય છે. એક કુટુંબમાં, ધારો કે ચાર ભાઈ-બહેનો હોય, તેમાં જો બે જણા એકદમ સફળતાપૂર્ણ અને હકારાત્મક જીવન જીવતાં હોય તો મેં તેમનાં મોઢેથી એવું ક્યારેય સાંભળ્યું નથી કે તેઓ એમ માનતાં હોય કે તેમનાં માં-બાપે તેમનું જીવન બગાડ્યું છે. બીજા બે, કે જે પોતાની કારકિર્દીમાં તેમજ પોતાનાં સંબધોમાં સંઘર્ષ અનુભવતા હોય તેઓ હંમેશાં તુરંત પોતાનાં માં-બાપને પોતાની દશા માટે જવાબદાર ગણતાં હોય છે.

ઘણાં બાળકો કે જેમનો ઉછેર એક વાલી (માં કે બાપ) દ્વારા થયો હોય છે તેઓ એવું માનતાં હોય છે કે તેમનાં માં-બાપ એકબીજા સાથે ન રહી શક્યાં માટે તેઓ નિષ્ફળ રહ્યાં છે. જેમનાં માં-બાપ ભેગા રહ્યાં હોય છે તેમનાં બાળકો એવી ફરિયાદ કરતાં હોય છે કે પોતાનાં માં-બાપ હંમેશાં દલીલો અને ઝઘડો જ કરતાં આવ્યાં છે એનાં કરતાં તો તેઓ છુટા પડી ગયાં હોત તો સારું. જે માં-બાપ નરમ હોય છે, તેમનાં માટે બાળકો કહે છે કે તેઓ જરાય મજબુત નથી અને માટે કોઈ પણ મહત્વનો નિર્ણય તે લઇ શકતા નથી. જે માં-બાપ હંમેશાં પોતાનાં બાળકોની સાથે રહ્યાં હોય છે, તેઓ મને કહેતા હોય છે કે તેમનાં માં-બાપ હંમેશા તેમનાં ઉપર નજર રાખે છે. જે માં-બાપ પોતાનાં બાળકોને સ્વતંત્રતા આપે છે તેમનાં માટે બાળકો કહે છે તેમનાં માં-બાપ તેમનું બિલકુલ ધ્યાન નથી રાખતાં, તેઓ તેમનું રક્ષણ કરવાની દરકાર પણ રાખતાં નથી.

Every parent has been an unwilling player in the you-can’t-win game. Require your daughter to take piano lessons, and later she will complain that you wrecked her love of the piano. Let your daughter give up lessons because she didn’t want to practice, and later she will complain that you should have forced her to keep going—why, now she can’t play the piano at all. Require your son to go to Hebrew school in the afternoon, and he will blame you for having kept him from becoming another Hank Greenberg. Allow your son to skip Hebrew school, and he will later blame you for his not feeling more connected to his heritage. Betsy Petersen produced a full-bodied whine in her memoir Dancing With Daddy, blaming her parents for only giving her swimming lessons, trampoline lessons, horseback-riding lessons, and tennis lessons, but not ballet lessons. 'The only thing I wanted, they would not give me,' she wrote. Parent blaming is a popular and convenient form of self-justification because it allows people to live less uncomfortably with their regrets and imperfections.
(Carol Tavris & Elliot Aronson. Mistakes were Made (but not by me).)

 
જો તમે એક બાળક હોવ અને તમે જો એવું માનતાં હોવ કે તમે જે પ્રકારનું જીવન જીવી રહ્યાં છો તેનાં માટે તમારા માં-બાપ જવાબદાર છે તો કદાચ જીવનમાં તમે શું પસંદગીઓ કરી છે એનાં ઉપર એક વખત તમારે ચિંતન કરવાની જરૂર છે, તમે કેવા પ્રકારનાં મિત્રોની સોબતમાં ફરતા રહ્યાં છો તેનાં ઉપર એક વાર ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. જો તમારાથી ભૂલ થઇ જ ગઈ હોય તો તેને એક મનોહર ઢંગથી સ્વીકાર કરો, નહિ કે તમે જીવનમાં જે કઈ પણ કર્યું કે ન કરી શક્યાં તેનાં માટે તમારા માં-બાપને જવાબદાર ઠેરવો. આત્મ-સ્વીકારથી તમે પોતાનાં જીવનમાં ભૂતકાળને એક તુચ્છ બાબત ગણવા માટે સક્ષમ બનશો; તમારે તમારી ત્રુટીઓની જાહેરાત કરવાની કોઈ જરૂર નથી, તમારે ફક્ત તેનો સ્વીકાર કરવાનો છે કે જેથી કરીને તમને અંદરથી એક શક્તિ પ્રાપ્ત થાય અને તમે જીવનમાં આગળ વધી જાવ.

જો તમે એક માં-બાપ હોવ અને તમારા બાળકો જો તમને એવું કહેતાં હોય કે તેમનાં જીવનમાં જે કઈ પણ બરાબર નથી થઇ રહ્યું તેનાં માટે તમે જવાબદાર છો, તેનો અર્થ એવો નથી થઇ જતો કે તમે એક ખરાબ વાલી છો. તેનો અર્થ એવો થાય છે કે તેઓ પોતાનાં જીવનમાં વર્તાયેલી ખોટ કે ખાલીપાને માટે પોતે હવે શું સારું કરી શકે છે તેમ વિચારવાને બદલે તેઓ પોતે કરેલી પસંદગીઓ અને કાર્યોની જવાબદારી બીજાનાં માથે ઢોળી દેવા માંગે છે. હવે આ સમય છે કે તમે તમારી જાતને આ નારાજગી, પસ્તાવો, કે આત્મ-ગ્લાનીની લાગણીમાંથી મુક્ત કરો. અને જો તમે ખરેખર એવું માનતાં હોવ કે તમે ભયાનક ભૂલો કરી નાંખી છે (એટલાં માટે નહિ કે તેવું તમને તમારા બાળકો કહે છે, પરંતુ જો તમે એવું કઈ જાણતા હોવ તો), વારુ, તો પછી માફી માંગો અને આગળ વધી જાવ કેમ કે ભૂતકાળને આપણે બદલી નથી શકવાના. અને જો તમે કોઈ ભૂલ કરી પણ હોય તો તેનો અર્થ એવો નથી કે બાળકોનાં જીવનમાં જે કઈ પણ અનિચ્છનીય બની રહ્યું હોય તે એ ભૂલના પરિણામે થઇ રહ્યું છે.
 
એક વખત ઘરે મહેમાનો જમવા માટે આવે છે. ડાયનીંગ ટેબલ ઉપર, માં પોતાની ૬ વર્ષની દીકરીને કહે છે, “તું જમતાં પહેલાં કૃતજ્ઞતા પૂર્વક પ્રાર્થના કરીશ?”
“પણ મને નથી ખબર શું બોલવાનું!”
“હું જેવું બોલું તેવું તું પાછળથી બોલ,” માતાએ કહ્યું.
“હે ભગવાન! મેં શા માટે આ લોકોને જમવા માટે નોતર્યા છે!” છોકરીએ નિર્દોષતા પૂર્વક કહ્યું.


હવે આ એક ખુબ જ મહત્વની વાત છે: તમારું બાળક અમુક રીતે જીવન જીવે એવી જો તમારી ઈચ્છા હોય તો તેનો એક જ રસ્તો છે, અને તે છે તમે બિલકુલ એવું જ જીવન પૂરી પ્રામાણિકતાથી જીવો. એ જો તમને તમે જે કરી રહ્યાં છો તેનાંથી તમને ખુશ થતાં દેખશે તો તેઓ પણ આપોઆપ તમારા રસ્તે આકર્ષિત થશે. તેઓ એ કાર્યોને અનુસરતા હોય છે કે જેને કરવાથી તમને કેટલો આનંદ મળી રહ્યો છે તે તેઓ જો જોઈ શકતા હોય. પરંતુ કોઈ વાર, એવું ન પણ થાય, કારણકે અહી તો દરેકજણ અસલી છે. અને એમાં કશું ખોટું નથી.

બાળ-ઉછેરનો કોઈ સંપૂર્ણ સારો કે સંપૂર્ણ ખરાબ રસ્તો હોય એવું નથી. કુદરતે પોતાનાં ખોળે થોડી છૂટ-છાટ લેવાની છૂટ રાખેલી છે. અમુક ભૂલો કરવાની છૂટ, થોડી ખોટી પસંદગી કરવાની છૂટ, કેટલાંક ખોટા નિર્ણયો કરવાની છૂટ. એ બિલકુલ સામાન્ય વાત છે, કુદરતી છે. આપણા જીવનની સુંદરતા એ આપણી અંદર રહેલી અપૂર્ણતામાં, આપણી અનન્યતામાં, આપણી ભૂલોમાં, અને જે કઈ વસ્તુઓને આપણે નથી સમજતા તેમાં જીવતી હોય છે. તમને જે સમયે જે બરાબર લાગ્યું તેમ તમે કર્યું, અને જો તે બરાબર પાર ન પડ્યું, તો તેને હળવાશથી લો, તે એક પ્રામાણિક ભૂલ હતી. તમારી જાતને માફ કરો.

તમે તમારા બાળકોને ફક્ત માર્ગદર્શન આપી શકો, તમે તેમને જોઈતું પુરવાર કરી શકો, અંતે તો તેમને જ મહેનત કરવી પડશે, એક કલ્યાણકારી જીવનનાં માર્ગે તેમને ખુદને જ ચાલવું પડશે. જો તમે એમને તમારાથી થઇ શકે તેટલો શ્રેષ્ઠ પ્રેમ કર્યો છે, જો તમે એમને તમારી ક્ષમતા મુજબ જે કઈ પણ આપી શકો તેમ હતાં તે આપ્યું હોય, તો મારો વિશ્વાસ કરો, તમે બધું બરાબર જ કર્યું છે.
(Image credit: Miki)
શાંતિ
સ્વામી.P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
 

Saturday, 11 January 2014

ત્રણ સૌથી મહત્વનાં પ્રશ્નો

 જીવન એ વર્તમાન ક્ષણોની હારમાળાઓથી બનેલું હોય છે. આ ક્ષણમાં થતી ચહલ-પહલ સમયનું સર્જન કરે છે, અને જીવનનાં રંગો સર્જાતા હોય છે.
સૌથી મહત્વની વ્યક્તિ કોણ છે? સૌથી મહત્વનો સમય કયોં હોય છે? સૌથી મહત્વનું કર્મ કયું છે? એક વખત એક રાજા સવારનાં પહોરમાં પોતાનાં મનમાં આ ત્રણ સવાલો સાથે ઉઠ્યા. પોતાનાં રાજદરબારમાં રાજાએ પોતાનાં મંત્રીઓને તેમજ બીજા દરબારીઓને આ ત્રણ સવાલો પૂછ્યાં. કોઈએ કહ્યું રાજા એ સૌથી મહત્વની વ્યક્તિ છે, વ્યક્તિનાં પોતાનાં મૃત્યુંનો સમય એ સૌથી મહત્વનો સમય છે અને દાન એ સૌથી મહાન કર્મ છે. કોઈએ કહ્યું ભગવાન સૌથી મહત્વનાં વ્યક્તિ છે, તો કોઈએ કહ્યું ખેડૂત એ સૌથી મહત્વની વ્યક્તિ છે, તો વળી કોઈએ કહ્યું કે સૈનિક એ સૌથી મહત્વની વ્યક્તિ છે, વિગેરે.

રાજા આ જવાબોથી ખુશ થયા નહિ. આ ત્રણેય સવાલો પોતાની પ્રજાગણ સમક્ષ પણ મુકવામાં આવ્યા છતાં કોઈ પણ તેનો સંતોષકારક જવાબ આપી શક્યું નહિ. અંતે, પ્રધાનમંત્રીએ સુચન કર્યું કે રાજાએ એક પર્વતની ટોચે રહેતા એક સંતને આ સવાલોના જવાબ મેળવવા માટે મળવું જોઈએ. તરત જ તાબડતોબ બધી તૈયારીઓ થવા માંડી અને રાજા પોતાની ફોજ સાથે તે સંતને મળવા માટે રવાના થઇ ગયા. આ એક સીધું ચડાણ હતું અને થોડા કલાકોમાં જ રાજા તે યોગીની ગુફા સમક્ષ પહોંચી ગયા. એક વિનય સાથે રાજાએ પોતાની તલવાર બહાર મૂકી, અંદર પ્રવેશી તે યોગીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાનાં ત્રણ સવાલો તેમની સમક્ષ મૂક્યાં. જવાબમાં તે સાધુ રાજાને ગુફાની નજીકની ચટ્ટાન ઉપર લઇ ગયા કે જ્યાંથી રાજાને પોતાનું આખું રાજ્ય પોતાની નજર સમક્ષ પથરાયેલું દેખાતું હતું, રાજાને તે જોઈને પોતાનાં જીવન વિશે સારું મહેસુસ થયું ત્યાં સુધીમાં તો પાછળથી એક અવાજ આવ્યો “આ બાજુ જુઓ,”
જવાબમાં જેવા રાજા પાછળ ફર્યા કે તેમને જોયું કે તે સંત રાજાની જ તલવાર રાજાનાં હૃદયથી થોડીજ દુર તાકીને ઉભા હતાં.
“હે રાજા! સાધુએ કહ્યું, “હવે ખબર પડી સૌથી મહત્વની વ્યક્તિ, સૌથી મહત્વનો સમય અને સૌથી મહત્વનું કર્મ કયું છે?”
રાજા ચોંકી ઉઠ્યાં. તેમનું હૃદય એક ધબકારો ચુકી ગયું, એક શાંતિની લાગણી તેમનાં સમગ્ર અસ્તિત્વ ઉપર પથરાઈ ગયી, અને આંખોમાં એક ચમક આવી ગયી. રાજા પોતાનાં પ્રત્યુત્તરમાં પૂરી સહમતી સાથે તે સંતની સમક્ષ ઝુક્યાં. સંતે રાજાને તેમની તલવાર પાછી આપી. રાજાએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને પોતાનાં મહેલ તરફ પાછાં વળ્યાં.
તેમનાં દરબારીઓએ બીજા દિવસે તેમને પૂછ્યું કે તેમને સંતોષકારક જવાબો મળ્યાં કે નહિ, અને જો મળ્યા હોય તો તેઓ પણ તે સાંભળવા માટે આતુર છે.
“હા,” રાજાએ કહ્યું. “સંતે તે ત્રણેય સવાલોના જવાબ તુરંતજ આપી દીધાં. જયારે હું મારા વિશાળ પથરાયેલા સામ્રાજ્ય તરફ તે ચટ્ટાન ઉપરથી જોઈ રહ્યો હતો, મને ભાન થયું કે કરવા જેવું કર્મ મારા માટે એ હતું કે હું મારા પ્રજાજનોને પ્રેમ કરવાનું ચાલુ રાખું, તેમની કાળજી કરું, અને તે ખરેખર સૌથી મહત્વનું કર્મ છે. હું રાજા મારી પ્રજાને લીધે છું, મને તેનું ભાન થઇ ગયું. અને ત્યારે જ તે સંત મારી તલવાર લઇને મારી સમક્ષ ઉપસ્થિત થયાં અને હું મૃત્યુંથી ફક્ત એક ક્ષણ જ દુર ઉભો હતો. મને ભાન થયું કે સૌથી મહત્વનો સમય હતો “વર્તમાન સમય”. તે સમયે મારા ભૂતકાળનો કોઈ અર્થ નહોતો અને મારું કોઈ ભવિષ્ય નહોતું. મારી પાસે ફક્ત એક આ વર્તમાન ક્ષણ જ હતી. અને મારી પાસે હંમેશાં આ વર્તમાન ક્ષણ જ કાયમ હશે.”
રાજા થોડીવાર માટે ચુપ થઇ ગયા અને ચિંતનમાં ખોવાઈ ગયા. એક આખી મિનીટ પસાર થઇ ગયી.
“અને મહારાજા,” પ્રધાને કહ્યું, “સૌથી મહત્વની વ્યક્તિ કોણ હોય છે?”
“તમે”
“હું?”
“હા, તમે. પણ તમે નહિ.”
“તમારું જ્ઞાન મારી સમજણ બહારનું છે, કૃપા કરી વિસ્તારપૂર્વક બતાવો.”
“સૌથી મહત્વની વ્યક્તિ તમે જયારે જેની સમક્ષ હોવ છો તે જ હોય છે,” રાજાએ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું. “માટે અત્યારે તમે સૌથી મહત્વની વ્યક્તિ છો.”

જયારે મેં આ વાર્તા થોડા સમય પહેલાં જાણી, ત્યારે મને થયું કે આ જવાબો દરેકજણ યાદ રાખે તો કેટલું સારું, તેમનાં જીવનનાં મોટાભાગનાં દ્રષ્ટિકોણ આપોઆપ બદલાઈ જશે. તમે હાલમાં જેની સાથે છો તે જ સૌથી મહત્વની વ્યક્તિ છે. જયારે તમે તમારું સમગ્ર ધ્યાન તે વ્યક્તિને આપો છો ત્યારે તમે તેનાં આત્મ-ગૌરવને વધારો છો. તમે તેમને તે પોતે મહત્વનાં છે તેનો અનુભવ કરાવો છો, તેમને એવું લાગે છે કે તેમની કોઈ કાળજી કરી રહ્યું હોય, તેમને કોઈ માન આપી રહ્યું હોય. બાકીની બીજી બધી હકારાત્મક લાગણીઓ આપોઆપ ફૂટવા માંડે છે. અને નિ:શંકપણે “વર્તમાન ક્ષણ” જ સૌથી મહત્વનો સમય છે. આ જ એક ક્ષણ છે જેમાં આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ તેમ હોઈએ છીએ. ટુંકસારમાં કહેવાનું હોય તો, વર્તમાન ક્ષણ તરફ તમારું ધ્યાન આપવું - આ જ જાગૃતતાનો સિદ્ધાંત છે. પ્રેમ કરવા માટે, કાળજી કરવા માટે સક્ષમ હોવું તે સૌથી મહત્વનું કર્મ છે, તમારી જાત માટે, અન્ય લોકો માટે, તમારા સમય માટે, તમારા જીવન માટે આ એક સૌથી મહત્વની અને કરવા યોગ્ય વસ્તુ છે. તમે જયારે તમારી જાત સાથે હોવ ત્યારે તમે જેવા છો તેવાં બની રહો, તમારી જાતને પ્રેમ કરો; જયારે તમે બીજાની સાથે હોવ, ત્યારે તમે તમારું અખંડિત ધ્યાન તેમનાં તરફ આપો. તમે થોડામાં ઘણું બધું કરી શકશો.

અને, સૌથી મહત્વની લાગણી કઈ હોય છે? શું સફળતાની હોય છે? શું દરેક વાત તમારા કાબુમાં છે એ લાગણી? પ્રેમમાં હોવાની લાગણી? કોઈ તમને પ્રેમ કરતુ હોય તે લાગણી? તમે મહત્વનાં છો તે તેવું અનુભવવું તે? ના, મારી દુનિયામાં તો નહિ. સૌથી મહત્વની લાગણી, મારા મત મુજબ, સંતોષની લાગણી છે. સંતોષી હોવું તે સૌથી મહત્વની લાગણી છે. જયારે તમે સંતોષી હોવ છો ત્યારે તમે અંદરથી મજબુત બનો છો, તમે શાંતિ અનુભવો છો, તમે પ્રેમ અને દયાથી છલકાઈ ઉઠો છો, તમે શાંતિથી ઊંઘી શકો છો, તમે ખુશી સાથે ઉઠો છો, બધો જ સંઘર્ષ અદ્રશ્ય થઇ જાય છે અને બધું બરાબર લાગે છે. શેક્સપીયરે કહ્યું છે:


And this our life, exempt from public haunt,
Finds tongues in trees, books in the running brooks,
Sermons in stones, and good in everything.


જયારે તમે તમારી જાત સાથે હોવ છો, ત્યારે તમે પોતે જ સૌથી મહત્વની વ્યક્તિ હોવ છો, તમારા વિચારો અને શક્તિ ભૂતકાળ વિશે અર્થહિન ફરિયાદો કરવામાં ન ખર્ચો. નકારાત્મક વિચારોએ ક્યારેય કોઈને હકારાત્મકતા તરફ ધકેલ્યા નથી. ચાલો જાવ! તમે જેની પણ સાથે હોવ તેની સાથે રહીને તેની કાળજી કરવાનું સૌથી મહત્વનું કર્મ કરો.

શાંતિ.
(Image credit: Cuded)
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

 

Saturday, 4 January 2014

જીવન એક સંઘર્ષ

જીવન એ શું ખરેખર એક સંઘર્ષ છે કે પછી તે એક દ્રષ્ટીકોણ છે?  વાંચો આ વાર્તા.
મને દર મહિનામાં બે થી ત્રણ હજાર ઈ-મેઈલ મળતાં હોય છે. આમાંના નેવું ટકા ઈ-મેઈલ એવાં લોકોનાં હોય છે જે એક યા બીજી રીતે કોઈને કોઈ વાતથી સંઘર્ષ કરતાં હોય છે. કેટલાંય તો આ યુદ્ધથી અને પ્રતિકારથી થાકી ગયાં હોય છે અને હવે શું કરવું તેનાં વિશે તેમને ખબર નથી, એવું તેઓ કહેતાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં, તેઓ લખતાં હોય છે કે જિંદગી તેમનાં ઉપર ખુબ જ કઠોર પુરવાર થઇ છે અને આવું હંમેશા તેમની સાથે પહેલેથી જ થતું આવ્યું હોય છે.

હા, જીવન કઠોર હોઈ શકે છે, જીવન એક સંઘર્ષ હોઈ શકે છે. પણ તો શું એ બીજા માટે કઈ જુદું થોડું હોય છે? જેની પાસે પૈસા નથી તેને લાગે છે કે જેની પાસે પૈસા છે તેનું જીવન સરળ છે. જેની પાસે સંપત્તિ અને તણાવપૂર્ણ ધંધો છે તેને લાગે છે કે બીજા કે જેની પાસે સરળ નવ-થી-પાંચની નોકરી છે તેમની જિંદગી સરળ છે. જે તંદુરસ્ત છે તેને લાગે છે જે પૈસાદાર છે તે વધારે સારું જીવન જીવે છે, જે પૈસાદાર છે તેને લાગે છે, જે લોકો ખુશ છે તે વધારે સારું જીવન જીવે છે. અને તેમ છતાં એવાં પણ કેટલાંક છે કે જે તંદુરસ્ત, સંપત્તિવાન અને તમે જેની કલ્પના કરી શકો તેવી તમામ સુવિધા ધરાવતાં હોય, છતાંપણ તેઓ તણાવગ્રસ્ત છે, તેઓ હજુ પણ જીવન જીવવામાં સંઘર્ષનો અનુભવ કરે છે.

સત્ય તો એ છે કે જીવનનો અર્થ જ આ છે. દરેક જણ માટે. જ્યાં સુધી આપણે કઈક સિદ્ધ કરવાની કોશિશ કરતાં હોઈશું ત્યાં સુધી અવરોધોનો સામનો તો કરવો જ રહ્યો. કેટલાંક આ અવરોધોને ચુનોતી ગણે છે તો કેટલાંક આ અવરોધોને એક સંઘર્ષ તરીકે ગણે છે. લોકો જુદા-જુદા હોઈ શકે છે, વસ્તુઓ જુદી-જુદી હોઈ શકે છે, પરિસ્થિતિઓ કદાચ વધારે અનુકુળ હોઈ શકે છે, સંજોગો આનંદદાયી હોઈ શકે છે, પણ તેનો અર્થ એ નથી કે ચુનોતીઓ થોભી જશે. અવરોધો તો હંમેશાં રહેવાનાં જ અને મને એ ખબર છે કે જયારે લોકો સંઘર્ષ વિશે વાત કરે છે ત્યારે તેઓ મોટાભાગે તો આ ચુનોતીઓનાં સંદર્ભમાં જ વાત કરતાં હોય છે. અને, આપણે કોઈ એક પ્રશ્નને તક તરીકે જોઈએ કે અવરોધ તરીકે, એ ખરેખર તો આપણા દ્રષ્ટિકોણની વાત છે, એ આપણું માનસ કેવું છે તે બતાવે છે, તે એક વ્યક્તિગત પસંદગીની વાત છે. અહી તમારા માટે એક રસપ્રદ વાર્તા મોજુદ છે:

પોતાનાં ઘરની પાછળ આવેલા વાડામાં એક ઝાડ ઉપર એક માણસે પતંગિયાનો કોશેટો જોયો. તેને બીજા કેટલાંક દિવસો સુધી તેનું અવલોકન કર્યા કર્યું. એક દિવસે તેને તે કોશેટામાં એક બારીક કાણું જોયું અને તેમાં ચમકતી ઈયળ જોઈ. હજી તે અવિકસિત અવસ્થામાં હતી. તે માણસ આ ગંદા કોશેટામાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી ઈયળને કલાકો સુધી જોયા કરતો. તે તેને સઘર્ષ કરતી જોયા કરતો, પરંતુ પસાર થતાં એક એક દિવસે તે થોડી થોડી બહાર આવતી જતી હતી, તેનાં શરીર ઉપર પાંખો ફૂટી રહી હતી. દિવસે દિવસે મોટી થતી જતી ઈયળ માટે હવે આ કોશેટો એકદમ સખ્ત સંકડામણભર્યો બનતો જતો હતો.

આ માણસને ચોક્ખું દેખાઈ રહ્યું હતું કે બિચારી ઈયળને કેટલો સંઘર્ષ કરવો પડતો હતો, અને તેને આ બની રહેલાં પતંગિયાને મદદ કરવાનું નક્કી કરી લીધું. તેને કોશેટો ચીરી નાંખ્યો અને તેમાંથી પતંગિયું સરળતાથી બહાર આવી ગયું. પણ સીધું જમીન પર પટકાયું. તેનું શરીર સોજી ગયું અને પાંખો કરમાવા લાગી. પેલો માણસ ત્યાં રાહ જોતો બેસી ગયો કે ક્યારે પતંગિયું ઉડતું થાય, પણ તે પતંગિયું ક્યારેય ઉડ્યું નહિ. તે પોતાનું ભરખમ શરીર લઈને લાચારીપૂર્વક આમ-તેમ થોડું ચાલ્યું બસ એટલું જ. તેની પાંખો પુરેપુરી વિકસી નહોતી અને માટે તે ઉડી જ નહોતું શકતું. વધારે સમય ન બચી શક્યું, અને તે મરી ગયું. પેલાં માણસે જે સંઘર્ષ જોયો હતો તે કુદરતની પતંગિયાને તેનાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ બનાવવાની પોતાની એક આગવી રીત હતી.

આપણો સંઘર્ષ આપણને આકાર આપે છે, આપણને એક વ્યાખ્યા આપે છે. હું એમ નથી કહેતો કે દરેક સંઘર્ષ સારો હોય છે, પણ હું પૂછું છું કે શું તે ખરેખર સંઘર્ષ છે કે કેમ? એક બોડી-બિલ્ડર પોતાનું શરીર કેવી રીતે બનાવે છે? જો તે ખરેખર પોતાનાં સ્નાયુઓને મોટા અને સરસ રીતે ઘડવા માંગતો હોય તો તેને એક પ્રતિકારત્મકતાની સખત તાલીમ લેવી પડતી હોય છે. તે વજન ઊંચકવાની તાલીમને એક સંઘર્ષ તરીકે કાં તો એક લાભપ્રદ કાર્ય તરીકે જોઈ શકે છે. તેની માનસિકતા તેનાં દ્રષ્ટિકોણ ઉપર નિર્ભર કરે છે. અને, સૌથી મહત્વની વાત, પરિણામ, જે પાછું તેની માનસિકતા ઉપર નિર્ભર કરે છે.

આપણું કુદરત ચુનોતીઓ ઉપર વિકસેલું છે. અને તે તમને તમારી ક્ષમતા મુજબ ખેંચતું જ રહેશે. તમે તે ચુનોતીઓનાં પરિમાણને ઓછી નથી કરી શકવાના. જો તમારી પાસે કઈક આપવાનું હશે તો તે કુદરત ખેંચી જ લેશે. આપણે બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ નથી ફક્ત કુદરતની વિશાળ યોજનામાં એક બારીક શિલ્પકૃતિ છીએ. પરંતુ હા, તમે આ ચુનોતીઓની તીવ્રતા, વારંવારતા અને સંખ્યાને ઘટાડી શકો તેમ હોવ છો. કેવી રીતે? તમારા જીવનને સરળ બનાવી દો. તેમાંથી અવ્યવસ્થિતતાને દુર કરી દો. એક વાર જેવા તમે તમને લાગુ પડતી તમામ બાબતોને સરળ બનાવવાની શરૂઆત કરશો ત્યાર તમે ફરી ક્યારેય કોઈ સંઘર્ષને કોઈ તકલીફ તરીકે નહિ જુઓ. હું એમ પણ નથી કહી રહ્યો કે તો તમે દરેક ચુનોતીઓને એક તક તરીકે જોવાનું ચાલુ કરી દેશો. પરંતુ તમે તેનાંથી ડરીને રોકાઈ નહિ જાવ.

જીવન એ કદાચ સીધો રસ્તો હોઈ શકે છે, પરંતુ તે ભાગ્યે જ સપાટ હશે. કેટલાંક પટ, કે જેનાં પ્રકાર કદાચ મખમલી હોઈ શકે, પરંતુ સરેરાશ રીતે તેમાં ઉતાર-ચડાવ તો તમને જીવંત રાખવા માટે આવતાં જ રહેવાનાં. આ સવારીનો આનંદ ઉઠાવો. કલ્પના કરો કે તમે રસ્તાની એક બાજુએ ઉભા રહ્યા છો અને જીવનની ક્ષણો હાઇ-વે ઉપર પસાર થતાં ટ્રાફિકની જેમ ઝડપભેર પસાર થઇ રહી છે. જીવન કોઈનાં માટે ઉભું નથી રહેતું, તે કોઈ પણ ફરિયાદ કે નમ્રતાને સાંભળવા માટે થોભતું નથી. આપણી પૃથ્વી કે પછી બીજા ગ્રહો પોતાનું પરિભ્રમણ, એક ક્ષણ માટે પણ, થોભાવતા નથી, નહિતર તેમનું અસ્તિત્વ જ ખતમ થઇ જાય. આ જટિલ, એકબીજા પર આધારિત અને વિસ્મયકરી કુદરત ક્યારેય થંભતું નથી. જીવનને થોભી જવાનું પાલવે જ નહિ. જો તમારે આ જીવનને માણવું હોય, તો તમારે તેની સાથે તોલ-મોલ કરવાનું શીખવું જ પડશે.

આ જીવન વાસ્તવિક અને ક્ષણિક છે, જાણે કે ફીણમાંના પરપોટા, તેને પ્રેમ કરો, તેને જીવો એ પહેલાં કે તે ફૂટી જાય.
(Image credit: Allison J. Bratt)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

 

Share