Saturday, 1 February 2014

વજન ઉતારવાની શરૂઆત કેવી રીતે કરવી

 શું તમે વધુ પડતું વજન ધરાવો છો? દાદરા ચડવાની એક સરળ ચકાસણી કરો. 
છેલ્લાં અઢી વર્ષમાં, આ બ્લોગમાં ૨૦૦થી વધારે લેખ લખ્યા હશે જેમાં વિવિધ વિષયો જેવાં કે સંબંધ, સ્વાવલંબન, લાગણીઓ, ધ્યાન, આધ્યાત્મિકતા અને એવાં બીજા અનેક વિષયો આવી જાય છે. મને લાગ્યું કે શારીરિક તંદુરસ્તીનાં વિષય ઉપર હવે કઈક લખવાનો સમય થઇ ગયો છે. અને વજન કેવી રીતે ઉતારવું એનાં વિશેનાં મારા વિચારો તમારી સાથે વહેચવાથી વધારે સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે. હું તમને યાદ કરાવી દઉં કે હું કોઈ ફીઝીશ્યન કે મેડીકલ દાકતર નથી. પણ સારા સમાચાર એ છે કે હું અહી કોઈ દવા કે ડાયેટની ભલામણ નથી કરવાનો. ઉલટું હું તો મારી પોતાની ફિલસુફી અને સાથે સાથે વજન ઉતારવાનાં સરળ રસ્તાઓ કે જેને તમે તમારા રોજબરોજના જીવનમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર કર્યા વગર અપનાવી શકો તેની જ વાત કરવાનો છું. હું તમને શાકાહારી બની જવાનું પણ નથી કહી રહ્યો (જો કે એમ કરો તો સારું જ છે) કે પછી રોજ મેરેથોન દોડ લગાવાનું પણ નથી કહી રહ્યો (જો કે વિચાર સારો છે), કે પછી કોઈ ખાસ આહાર સંબધી પુરક દવાઓ લેવા માંડો એમ પણ નથી કહી રહ્યો (જો કે તેનાંથી ફાયદો થતો હોય છે) કે પછી ખોરાક બદલી નાંખવાનું પણ નથી કહી રહ્યો.

શું કસરત કર્યા વગર કે આહાર બદલ્યા વગર વજન ઉતારવું શક્ય છે ખરું? ખાસ તો એ મહત્વનું છે કે શું એક વાર વજન ઉતાર્યા પછી પાછું વધી નહિ જાયને એની ચિંતા કર્યા વગર વજન ઉતારવું શું શક્ય છે ખરું? જવાબ છે હા. અલબત્ત યોગ્ય આહાર, શારીરિક કસરત અથવા તો તંદુરસ્તીભરી જીવનશૈલીનો કોઈ બીજો વિકલ્પ નથી હોતો. પરંતુ તેનો અર્થ એ નથી કે બીજો કોઈ રસ્તો છે જ નહિ. આજનાં આ લેખમાં મેં કરેલું સુચન એ આયુર્વેદનાં પુરવાર થયેલાં અને આધુનિક વિજ્ઞાન વડે ચકાસાયેલાં સિદ્ધાંતો ઉપર આધારિત છે. હું તમને એ પણ કહી દઉં કે આયુર્વેદનું કોઈ પણ શાસ્ત્રીય પુસ્તક મેં વાંચ્યું ન હોય એવું નથી અને માટે, હું અહી તમને માત્ર મારો મત જ નહિ પણ એક વિશ્વસનીય માહિતી પીરસું છું જે તંદુરસ્તીની અર્વાચીન પ્રણાલી તેમજ મારો ઘણાં લોકો પર કરેલો એક સફળ પ્રયોગ ઉપર આધારિત છે.

હાં તો વજન કેવી રીતે ઉતારવું? વારુ, તે કહું તે પહેલાં તમે એક ક્ષણનો સમય લઇ ને જુઓ કે તમારે ખરેખર શું વજન ઉતારવાની જરૂર છે ખરી? ચાલો હું એક મૂળભૂત સવાલ સાથે શરૂઆત કરું: કોઈ વધારે પડતાં વજન વાળું છે કે નહિ તે કેવી રીતે નક્કી કરી શકાય? આપણે બોડી માસ ઇન્ડેક્સ (BMI) અથવા તો કમરનો પરિધ જોતા હોઈએ છીએ. જો કોઈનું શરીર સરેરાશ પ્રમાણમાં ન હોય તો એવી વ્યક્તિને વધારે પડતાં વજન વાળી તરીકે જોવામાં આવે છે. આ પદ્ધતિ જો કે વ્યક્તિની વ્યક્તિગતતાને સંપૂર્ણપણે અવગણે છે. વધુમાં, આજે મીડિયાએ તંદુરસ્ત શરીર કેવું લાગે તેનાં વિશે એકદમ અવાસ્તવિક અપેક્ષાઓ ઉભી કરી દીધી છે. જો કે સેલેબ્રીટીઓનાં સુધારેલા ફોટાઓ જોઈને પ્રેરિત થવામાં કશો વાંધો નથી પરતું તે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે એક માપદંડ બની જાય તે બિલકુલ વ્યાજબી નથી. તમે વધુ પડતાં વજન વાળા છો કે નહિ તે નક્કી કરવા માટે આ એક સાદા ટેસ્ટથી શરૂઆત કરો:

એક સામાન્ય ગતિથી દાદરો ચડો. નીચે ઉતરો. પાછો ચડો. તમારો શ્વાસ ફૂલી જાય છે, કે તમે હાંફી જાવ છો? જો એવું ના હોય તો તમે બિલકુલ બરાબર છો. તમારે બિલકુલ વજન ઉતારવાનો  તણાવ અનુભવવાની જરૂર નથી. તમને મોટાપાને લીધે આવતી બીમારીનો સ્પર્શ પણ નહિ થાય. તમે સામાન્ય આહાર ખાઓ, નિયમિત કસરત કરો અને તમારા જીવનનો આનંદ ઉઠાવો. જો શારીરિક કસરત તમારા જીવનનો એક ભાગ હોય અને તેમ છતાં જો તમે હાંફી જતાં હોવ, તો તમે એવું તારણ કાઢી શકો કે તમારે થોડું વજન ઉતારવાની જરૂર છે. હવે પછીની થોડી પોસ્ટ (જરૂરી નથી કે તે લગાતાર હોય), હું વજન ઉતારવાંની જે રીતો હું જાણું છું તેનાં વિશે લખીશ. ચાલો હું એક સૌથી સરળ, સાદી અને એક ખુબ જ અસરકારક કુદરતી રીતથી ચાલુ કરું. કોઈ પાતળી વ્યક્તિ પણ તેનો અમલ કરવાથી વધારે સારી તંદુરસ્તીનો અનુભવ કરશે. આ રહી તે:

ચાવીને ખાવ. હા, બસ એટલું જ. આયુર્વેદનાં મત મુજબ માનવ શરીરનાં પંચાણું ટકા રોગો પેટમાંથી પેદા થાય છે અને તેમાંના મોટાભાગનાં રોગો ફક્ત ચાવીને ખોરાક ખાવાથી ટાળી શકાય છે. અરે તમે જો કદાચ પૌષ્ટિક આહાર નહિ પણ ખાતાં હોવ તો પણ તમે જો તમારો ખોરાક ખુબ જ ચાવીને ખાશો તો તમે ખાધા પછી એક પ્રકારની હળવાશ અનુભવશો અને આળશ કે સુસ્તી નહિ અનુભવો. ખોરાક ઝડપથી પચી જશે અને તમે વધારાનાં વજનને પણ ગુમાવશો. વધુમાં તમે ગુમાવેલા વજનને પાછું નહિ મેળવો (સિવાયકે તમે પાછું ચાવીને ખાવાનું બંધ કરી દેશો તો અલગ વાત છે.) અવાસ્તવિક વાત લાગે છે? ફક્ત મારા શબ્દોનો વિશ્વાસ ન કરો. જાતે પ્રયત્ન કરી જુઓ. ઘણાં લોકોએ આ પ્રયોગ જાતે કરી જોયો છે તેઓએ ફક્ત થોડાક અઠવાડિયાઓની અંદર જ વજનમાં ઉતારો થતો નોંધ્યો છે. સરેરાશ સમય હતો છ અઠવાડિયાં. તે તમામે મને એમ કહ્યું છે તેઓ પોતાની જાતને પહેલાં કરતાં વધારે તંદુરસ્ત અને વધુ ઉર્જાવાન અનુભવે છે.

 જયારે તમે ખોરાકને સારી રીતે ચાવો છો, ત્યારે ફકત તે સારી રીતે પચે છે એટલું જ એમાં નથી. સાથે સાથે બીજી બે ક્યાંય વધુ મહત્વની બાબત તેમાં બનતી હોય છે. પ્રથમ, તમે તમારા ખાવા પ્રત્યે એકદમ જાગૃત બની જાવ છો અને તમે ધીમે ધીમે ખાવ છો. પરિણામે, તમારું શરીર અને મન બન્ને એકબીજા સાથે સુમેળમાં રહે છે, તમારું શરીર એ ખોરાક જો કદાચ પૌષ્ટિક નહિ પણ હોય તેમ છતાં તેને સારી રીતે પચાવશે અને તેનું શોષણ કરશે. બીજું, તમારી લાળમાં ખુબ જ શક્તિશાળી જૈવિક ઉત્સેચકો રહેલાં હોય છે. ઉત્સેચક પાચનની ક્રિયાને ઝડપી બનાવે છે. તમે જેટલું વધારે ચાવો તેટલી વધારે લાળ તમે ખોરાકમાં ભેળવો છો. અને જેટલી વધુ વાર તેમ બને તેમ એટલી વધારે લાળ તમારા એક એક કોળિયા સાથે પેટમાં ઉતરશે. જો તમારે એક ચોકલેટને ઓગળીને પી જવાની હોય તો તે તમને તેને ખાવાની સરખામણીમાં ખુબ જ ભારે લાગશે. અને તેને પચવામાં પણ ખુબ વાર લાગશે. શા માટે? કારણકે પી જવાથી તમે તેને લાળરસમાં ભળવાનો કોઈ મોકો નથી આપતાં અને માટે તે કોઈ પણ પ્રકારનાં ઉત્સેચકો વગર જ સીધી પેટમાં ઉતરે છે. તમારા પેટમાં ખોરાક જેટલી વધુ વખત રહે તેટલાં પ્રમાણમાં વધારે ચરબી તમારા શરીરમાં જમાં થતી હોય છે. પરંતુ તમારું પેટ ખાલી રાખવું કે બે ભોજનમાં ખુબ જ લાંબો વિરામ રાખવો પણ સારી બાબત નથી. હું ક્યારેક તેનાં ઉપર વધારે વિગતવાર લખીશ. હાલ પુરતું, મારું ધ્યાન તમે વજન ઉતારવા માટે તમારો ખોરાક ખુબ જ ચાવીને ખાવ તેનાં ઉપર માત્ર કેન્દ્રિત છે.

સવાલ છે કેટલી વખત ખોરાકને ચાવવો જોઈએ, તમને એવું કઈ રીતે લાગે કે તમે ખોરાકને બરાબર માત્રામાં ચાવ્યો છે? તેનાં માટે કોઈ પત્થર પર લખેલો નિયમ નથી, સરેરાશ, એક કોળિયાને બત્રીસ વખત ચાવો અથવા તો તમારા મોઢામાં કેટલાં દાંત છે તે ગણો અને તેટલી વખત એક કોળિયાને ચાવો અથવા તો જ્યાં સુધી કોળીયો એકદમ પ્રવાહી ન બની જાય ત્યાં સુધી ચાવો. બીજા શબ્દોમાં કહેવાનું હોય છે, ગમે તે થાય, ઉતાવળે ન ખાવ. કોળિયા ઉતારી ન જાવ, તેને ગળી ન જાવ. એક એક કોળિયાનો સ્વાદ લો. તમે આટલી બધી મહેનત શા માટે કરો છો? જેથી કરીને તમે સારું ખાઈ શકો અને સારી રીતે જીવી શકો, બરાબર? તો પછી જયારે જમવાનો સમય આવે ત્યારે તમે ઉતાવળ કરી નાંખો એ કેટલાં અંશે યોગ્ય ઠેરવી શકાય? એ ભૂલશો નહિ કે તમે એટલાં માટે કામ કરો છો કે જેથી કરીને તમે પૌષ્ટિક આહારને માંણી શકો અને એક સારું જીવન જીવી શકો.

ધીમે ખાવ અને ચાવીને ખાવ અને તમે તરત જ વજન ઉતારવાનું ચાલુ કરી દેશો. હું ફરીથી કહી રહ્યો છું કે શારીરિક કસરત અને પૌષ્ટિક આહારનો વિકલ્પ ફક્ત ખોરાક ચાવીને ખાવો એ નથી. પરંતુ, ચાવીને ખાવાથી તમને વજન ઉતારવામાં મદદ મળશે તે તો નક્કી જ છે. અને ના, ચાવીને ખાવું તેને એક કસરત તરીકે ગણી લેવાની જરૂર નથી. હું આવતાં સમયમાં નાદુરુસ્ત વજનને ઉતારવાના રસ્તાઓ પર પ્રકાશ પાથરીશ.
(Image credit: Yvonne Wagner)
શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

 

1 comment:

harsh shah said...

my name is Harsh shah, I implement this habit and my gastric problem finished now.

Post a Comment

Share