![]() |
શરતીપણાનાં દરવાજાની પાછળ એક નવી દુનિયા તમારી રાહ જોતી હોય છે. |
શરૂઆત કરતાં પહેલા હું તમને એટલું કહી દઉં કે હું કોઈ ધર્મ, ફિલસુફી, પંથ, પ્રાર્થના કે પદ્ધતિની વિરુદ્ધ નથી. તે બધાનો અર્થ ખુબ સરસ થાય છે. મારા તટસ્થ વલણનો જો કે એ અર્થ પણ નથી કે હું તે તમામનો સ્વીકાર કરું છું. એનો અર્થ એ છે કે તમે જે કોઈ પણ માર્ગને અનુસરતા હોવ તે બાબતે મને કોઈ વાંધો નથી. જ્યાં સુધી એમાંથી તમને શાંતિ અને ખુશી મળી રહી છે અને ખાસ કરીને તેનાંથી તમે કોઈને નુકશાન, હાની, કે ઈજા નથી પહોંચાડી રહ્યાં ત્યાં સુધી બધું બરાબર છે, આવા માર્ગ પર ચાલવાથી તમને માત્ર લાભ જ થશે. મને અંગત રીતે પ્રાર્થના કરવી ખુબ જ ગમતી હોય છે પરંતુ કુદરત તરફથી કોઈ લાભપ્રાપ્તિનો આશય તેમાં કદાપી નથી હોતો માત્ર કુદરત પ્રત્યે મારો આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મને પ્રાર્થના કરવી ગમતી હોય છે. શરતીપણાનાં આજનાં આપણા આ વિષય પર આગળ વધતાં ચાલો હું તમને પ્લેટોએ સોક્રેટીસનાં અંતિમ દિવસોમાં જે ચાર મુખ્ય સંવાદોને ગ્રંથસ્થ કર્યા છે તેમાંના એક એવાં યુથાઇપ્રોમાં લઇ જઉ.
યુથાઇપ્રોમાં, સોક્રેટીસ ઉપર નાસ્તિકતાનાં આરોપ હેઠળ અદાલતમાં સુનવણી ચાલતી હોય છે. તેનાં ઉપર એવો આરોપ મુકવામાં આવ્યો હોય છે કે તેને નવા ભગવાનો શોધ્યા છે અને યુવાનોનાં મગજ દુષિત કર્યા છે. અદાલતની બહાર તે યુથાઇપ્રોને મળે છે – કે જે એક વકીલ હોય છે જે પોતાનાં પિતાને જ ખૂનનાં આરોપ હેઠળ ચકાસવાનો હોય છે. એક ગરીબ માણસે એક ગુલામને મારી નાંખ્યો હોય છે. યુથાઇપ્રોનાં પિતાએ તે દોષીને જ્યાં સુધી એથેન્સનાં ઉચ્ચ અધિકારીઓ યોગ્ય સજા ન આપે ત્યાં સુધી તેને એક ખાઈમાં નાંખી દેવાનો હુકમ કર્યો હોય છે. પણ સંદેશવાહક સંદેશ લઇને આવે તે પહેલાં ગુનેગાર મૃત્યું પામે છે અને યુથાઇપ્રોનાં પિતાનાં માથા ઉપર ખૂનનો આરોપ આવે છે.
યુથાઇપ્રો, જે એક ધાર્મિક હોય છે તે માને છે કે તેનાં પિતાએ એક પાપ કર્યું છે અને તે ત્યાં તેમને દોષિત સાબિત કરવા માટે આવ્યો હોય છે. સોક્રેટીસ માનતો હોય છે કે યુથાઇપ્રો એ જયારે પોતે ફરિયાદી હોવાની જવાબદારી લીધી છે ત્યારે તેને પાપનાં પ્રકાર, સત્કર્મો, ધાર્મિકતા અને અધાર્મિકતાની પૂરી સમજણ હોવી જોઈએ. “ધર્મપરાયણતા એટલે શું?” સોક્રેટીસે પૂછ્યું.
“ધાર્મિકતા એટલે જે ભગવાનને પ્રિય છે તે અને અધાર્મિકતા જે ભગવાનને અપ્રિય છે તે,” યુથાઇપ્રોએ જવાબ આપતાં કહ્યું.
સોક્રેટીસ યુથાઇપ્રોને આગળ સવાલ કરતાં પૂછે છે: “કોઈ કર્મ ધાર્મિક છે તે એટલાં માટે કેમ કે તે ભગવાનને પ્રિય છે કે પછી તે ભગવાનને પ્રિય છે કારણકે તે એક ધાર્મિક કર્મ છે? શું બધા ધાર્મિક કર્મો ન્યાયી હોય છે ખરા? કે પછી જે કઈ પણ ન્યાયી બાબત હોય તે હંમેશા ધાર્મિક પણ હોય છે ખરી?”
રસપ્રદ રીતે, આ જ રીતે મોટા ભાગનાં ધર્મો ધાર્મિક અને અધાર્મિક કાર્યોનું વર્ગીકરણ કરતાં હોય છે: એ કાર્યો કે જે ભગવાનને ખુશ કરે કાં તો કોઈને સ્વર્ગમાં લઇ જાય તેને ધાર્મિક ગણવામાં આવે છે. આમાં રહેલી જડતાનો એક ક્ષણ માટે વિચાર કરો: અરે જો ધર્મમાં વર્ણવેલાં આદેશ મુજબ હોય તો મારવાને પણ એક ઉચિત અને ધાર્મિક કર્મ તરીકે ગણવામાં આવે છે. જો હું કોઈ પ્રાણીની હત્યા મારા ધર્મમાં વર્ણવ્યા મુજબ કરું તો તે બરાબર છે પણ બીજી રીતે કરું તો નહિ. કોશર (યહૂદી ધર્મ મુજબ મારીને બનાવેલું માંસ) એ સારું અને હલાલ (મુસ્લિમ ધર્મ મુજબ મારીને બનાવેલું માંસ) એ નહિ સારું તો કેટલાંક કહેશે હલાલ સારું અને કોશર નહિ સારું. દુનિયાનાં અમુક ભાગોમાં પ્રચલિત બૌદ્ધ ધર્મ મુજબ પ્રાણીને શ્વાસ રૂંધીને મારવામાં આવે છે અને તેને એમ કહીને યોગ્ય ઠેરવવામાં આવે છે કે આ રીતે મારવાથી રક્તનું એક પણ ટીપું બહાર નથી ઢોળાતું. ભારતનાં ઘણાં પ્રાંતોમાં, હિંદુઓ અનેક દેવ-દેવીને બકરીનું બલિદાન આપે છે. દરેકજણ એમ માને છે કે મારી રીત સર્વશ્રેષ્ઠ છે. તો આ છે શરતીપણું. તેમાં હંમેશા ભગવાન, સ્વર્ગ, મુક્તિ કે તેનાં જેવું કઈક સમકક્ષ હોય તેની ભેટ કે લાભપ્રાપ્તિનું વચન હોય છે.
શરતીપણામાંથી મુક્ત થવા માટે ત્રણ સવાલો છે કે જે સોક્રેટીસ હંમેશા પૂછતો. આ ત્રણ સવાલો એવાં મૂળભૂત છે કે જે પૂછવાથી તમે તમારા પોતાનાં સત્યને અને જ્ઞાનને ચકાસી શકો છો:
૧. તમે શું જાણો છો?
૨. તમેં જે જાણો છો તેની તમને કેવી રીતે ખબર પડી છે?
૩. તમારે શા માટે તેની કાળજી કરવી જોઈએ?
આપણે ખરેખર શું જાણતા હોઈએ છીએ, અને, સૌથી મહત્વનું તો આપણે તે કેવી રીતે ખબર પડે? આપણને જે જાણીએ છીએ તે આપણને કોણે કીધું છે? જો આપણને તે આપણા વડવાઓએ કહ્યું હોય તો તેમને એ જ્ઞાનપ્રાપ્તિ કેવી રીતે થઇ? બસ ફક્ત અમુક વસ્તુ અમુક રીતે ભૂતકાળમાં કરવામાં આવી હોય એટલાં માટે શું તે એક માત્ર રીત જ સાચ્ચી (એવું માની લઇ ને કે એ પ્રથમ વાર પણ સાચ્ચી જ હતી)? અને જો આપણે આપણા જ્ઞાનનાં સ્રોતને માટે કાળજી નહિ કરીએ તો આપણે ક્યારેય તેની સચ્ચાઈ અને પ્રમાણિતતા વિશે જાણી નહિ શકીએ.
એકવાર એક સંતને એક ગામડામાં પ્રવચન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. તેઓ પોતાની સાથે પોતાનું એક પ્રિય ઘેટું લઈને આવ્યા. પ્રવચન કરતી વખતે તેમને તે ઘેટું નજીકનાં થાંભલા સાથે બાંધ્યું. ગ્રામજનોને ખુબ નવાઈ લાગી કે આ સંત પોતે એક પ્રાણીને પોતાની સાથે લાવ્યા છે, પરંતુ તેઓ તે સંત નારાજ ન થઇ જાય તે ડરે ચુપ રહ્યાં. આ ઉનાળાનાં દિવસો હતાં અને યોગાનુયોગ તે દિવસે વરસાદ પડ્યો અને સૌ રાજી રાજી થઇ ગયાં. પેલાં સંત તો પોતાનું ધાર્મિક પ્રવચન પૂરું કરી પોતાનાં ઘેટાં સાથે પાછા ગયા પરંતુ પછી તો આ ગામમાં એ રીવાજ જ બની ગયો – કે કથા-પ્રવચન દરમ્યાન એક ઘેટું બાંધી રાખવું. તેમને લાગ્યું કે ઘેટાં અને વરસાદ વચ્ચે કઈક સંબધ છે. કારણકે તેનાંથી વરુણ દેવતા પ્રસન્ન થાય છે એવું તેઓ માનતાં હતાં.
આ વાર્તા કદાચ અવાસ્તવિક લાગી શકે પરંતુ તમારી આજુબાજુ નજર કરો અને દુનિયા આખી આવા રીવાજોથી ભરપુર છે. અને જે રીવાજો ધર્મનો એક હિસ્સો બની જાય છે તે અમર થઇ જાય છે. અને પછી તે સર્વસ્વીકૃત બની જાય છે અને કોઈ પણ જાતનાં સવાલ કર્યા વગર તેને અનુસરવામાં આવે છે.
જે કઈ પણને સ્વીકારી લેવામાં આવ્યું છે, જેને સત્ય તરીકે માની લેવામાં આવ્યું છે, શું તે સત્ય છે ખરું? ઘણાં કદાચ હોઈ પણ શકે. કદાચ. પરંતુ, તમે આ તારણ ઉપર તમારા પોતાનાં વિચારોથી આવ્યા છો કે પછી તે તમારા સુધી પસાર કરવામાં આવેલું હોય છે? શરતીપણું એટલે જયારે સાચું-ખોટું, સારું-ખરાબ, નૈતિક-અનૈતિક અને આવા બીજા ઘણાં દ્વંદ્વો આપણા સુધી પસાર કરવામાં આવેલાં હોય છે અને આપણે તેને તેનાં ઉપર દર્શાવેલાં મુલ્ય સહીત સ્વીકારી લેતાં હોઈએ છીએ.
શરતીપણું આપણને એક આકાર આપે છે, અને ઘણીબધી વાર, એ બીનઈરાદાપૂર્વક અને કમનસીબે આપણને એક ચુસ્ત કે જડ બનાવી દે છે, અને ઘણી વાર તો આંધળા પણ બનાવી દે છે. જેટલાં તમે વધુ જડ તેટલાં જ વધુ બરડ બની જતાં હોવ છો. તમારી જડતા તમને ટકાવી તો રાખે પણ એક મોટો જટકો વાગે ને તે બધું જ ભાંગી પડતું હોય છે.
કોઈ વ્યક્તિને, ફિલસુફીને, કોઈ સંતને કે કોઈ ધર્મને સ્વીકાર કરતાં પહેલાં તેની પ્રમાણિતતાની ખાતરી કરવા માટે કે ચકાસણી કરવા માટે તેને સવાલ કરવામાં ક્યારેય કોઈ ખચકાટ ન રાખો. શરતીપણાનાં કવચોને ઉતારવાની શરૂઆત તમારી મૂળ માન્યતાઓને સવાલોની ચુનોતી આપવાથી થતી હોય છે. તેનાંથી કદાચ તકલીફ થાય પરંતુ તેમાંથી જ શક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થતી હોય છે.
(Image credit: Raghavan)
શાંતિ.સ્વામી
મહત્વની નોંધ: જો તમે એપ્રિલ ૨ – ૮ ની વચ્ચે આશ્રમની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હોવ તો અહી ક્લિક કરો અને મને અગાઉથી જાણ કરો.
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
No comments:
Post a Comment