Saturday, 22 February 2014

શા માટે દુભાઈ જવું એ રૂઝાવા કરતાં સરળ હોય છે?

શું એક કચડાઈ ગયેલાં ફુલને ફરી તેનાં મૂળ સ્વરૂપમાં પાછુ લાવી શકાય ખરું? ના. રૂઝાવું એ પુન:સ્થાપન નથી પરંતુ એક પુન:સર્જન છે.
મને એક દિવસે કોઈએ એક ખુબ રસપ્રદ સવાલ કરેલો. તેને પૂછ્યું હતું, “એવું કેમ થાય છે કે આપણે સંબધોમાં દુભાઈ તો બહુ જલ્દી જઈએ છીએ પણ સાજા થતાં ખુબ જ વાર લાગી જતી હોય છે? અરે જે સંબંધ એક લાંબા સમયથી ચાલ્યો આવતો હોય છે, તેમાં પણ સામેની વ્યક્તિ આપણી લાગણી અને ભાવનાઓને ઠેંસ પહોંચાડવામાં એક ક્ષણ પણ વાર નથી લગાડતી અને તેમાંથી બહાર આવતાં કદાચ અનંત કાળ લાગી જાય છે?”

આ ખરેખર વિચાર કરવા યોગ્ય પ્રશ્ન છે. શા માટે દુભાવા કરતાં રૂઝાવામાં વધારે વાર લાગે છે? શા માટે દુ:ખ અનુભવવું એ માફ કરી દેવા કે ભૂલી જવા કરતાં સહેલું હોય છે? આખરે કોણ પોતાનું દર્દ ભૂલી જવા નહિ માંગતું હોય? જો દરેકજણ માફ કરી દઈને આગળ વધી જવા માટે સમર્થ હોય તો દરેક વ્યક્તિ તેમ કરે જ. પણ, તેઓ તેમ નથી કરી શકતા. એવું શા માટે?

ખરેખર, કોઈને દુભાઈ જવું એ સહજ અને સરળ લાગે છે પરંતુ હકીકતમાં તેવું નથી હોતું. કોઈ જયારે દુભાય તે પહેલાં તેને તે સંબધમાં ઘણો બધો સમય, શક્તિ, લાગણી, ભાવના, અને અનુભૂતિઓનું રોકાણ કરી દીધું હોય છે. તમે જેટલો વધુ સમય કોઈની સાથે વિતાવ્યો હશે તેટલું જ વધારે તે તમને દુભાવી શકે છે. રસ્તા ઉપર કોઈ અજાણ્યો વાહન ચાલક જો તમારા ઉપર ગુસ્સો કરે તો તેનાંથી તમને એટલું દુઃખ નહિ થાય જેટલું તમને તમારી પ્રિય વ્યક્તિ સાથે ગરમાગરમી ભરી દલીલો કરવાથી થશે. કોઈ અજાણી વ્યક્તિ તમને વઢે એનાં કરતાં તમારી પોતાની વ્યક્તિ તમને ગુસ્સાથી કઈ કહે તેનાંથી તમે વધુ ઘવાશો. કારણકે તે અજાણ્યાં વાહન ચાલક કે વ્યક્તિ કરતાં તમે તમારી પોતાની વ્યક્તિ સાથે પહેલેથી જ લાગણીથી જોડાયેલાં હોવ છો.

જયારે તેમનું વર્તન કે વ્યવહાર તેમનાં પાત્રને અનુરૂપ નથી હોતું, ત્યારે તે તમને આધાત પમાડે છે, તમે ઘવાવ છો. આખરે જે વ્યક્તિ તમને પ્રેમ કરતું હોય તે તમને આવું દુ:ખ કઈ રીતે આપી શકે, તમે એ વિચારતાં થઇ જાવ છો. જેટલો વધુ સમય તમે એ વ્યક્તિ સાથે વિતાવ્યો હોય તેટલી જ વધુ તમારી યાદો એની સાથે જોડાયેલી હોય છે. જેટલી યાદો વધુ તેટલું જ તમારું લાગણીમય રોકાણ તે સંબધમાં હશે. અને જેટલી તમારી લાગણી વધુ તેટલું તે વધુ તમને દુઃખ પહોંચાડી શકે. પણ આ ઘાવોને રૂઝાતા આટલી વાર કેમ લાગતી હશે, તમે એવું પૂછશો? જવાબમાં, ચાલો હું તમારી સાથે મુલ્લા નસરુદ્દીનનાં જીવનનો એક પ્રસંગ કહું.

આખું ગામ જાણતું હતું કે મુલ્લા એકલાં જ રહેતાં હતાં છતાં દરરોજ સાંજે તેમનો નોકર તેમનાં રૂમમાં બે ગ્લાસ દારૂનાં લઇને જતો. તેનાંથી તેમને આશ્ચર્ય થતું.
“મુલ્લા, તમે એકલાં રહો છો અને એકલાં જ પીવો છો,” કોઈ એકે પૂછ્યું, “ પરંતુ, તો પછી દરરોજ સાંજે, તમારો ચાકર કેમ બે દારૂનાં ગ્લાસ લઈને તમારી રૂમમાં આવે છે? બીજો ગ્લાસ કોનાં માટે હોય છે?”
મુલ્લા હસ્યાં. “જુવો, એક ગ્લાસ દારૂ પીધા પછી હું જે છું તે જ વ્યક્તિ રહેતો નથી. હું કોઈ બીજી વ્યક્તિ જ બની જાવ છું. તો પછી શું એ મારી ફરજમાં નથી આવતું કે હું એક સારા યજમાનની માફક એ બીજી વ્યક્તિને પણ દારૂ આપું?”

આ ટુચકામાં એક ખુબ જ ગુઢ જવાબ રહેલો છે. જયારે કોઈ તમને તકલીફ પહોંચાડે છે, ત્યારે તે તમને તોડી નાંખે છે. તમે એનાં એ જ પહેલાં જેવાં વ્યક્તિ રહેતા જ નથી. તમારી અંદર કઈક બદલાઈ જતું હોય છે. જે રૂઝ આવતી હોય છે તે પેલી પહેલાની જૂની વ્યક્તિમાં નથી આવતી. કદાચ, એ જૂની વ્યક્તિનાં નામે તમે તમારી એક નવી જાત બનાવતાં હોય છો. તમે હવે એક નવા વ્યક્તિ બનતાં હોવ છો. માટે જ દરેક નિષ્ફળ સંબધ તમને એટલી જ તકલીફ આપતું હોય છે જેટલી તકલીફ તમે તમારા છેલ્લાં સંબધમાં અનુભવી હોય છે. જો તમે તમારા નિષ્ક્રિય અને તૂટી ગયેલાં સંબધમાંથી ઘવાયાં હોવ તો એવું નથી કે તે દુઃખે તમને હવે મજબુત બનાવી દીધાં છે અને ફરી બીજી વખત તમને દુઃખ નહિ થાય. ના. બીજી વખતે, આના જેવા જ સંજોગો જો કોઈ બીજી વ્યક્તિ સાથે ઉભા થશે તો તમે વધારે નહિ તો એટલું જ દુઃખ અનુભવશો.

તમારા જીવનમાંનો દરેક પ્રસંગ તમને થોડાં થોડાં બદલતું હોય છે, તો અમુક પ્રસંગો તમને બિલકુલ તોડી પાડતાં હોય છે. પરંતુ મોટાભાગે આપણી પાસે તૂટેલાં રહેવાનો વિકલ્પ હોતો નથી. આપણે આપણી જાતને પકડીને પાછી તેને ફરીથી ઘડવી પડતી હોય છે. જો કે સત્ય એ છે કે તમે જે પહેલાં હતાં તે પાછાં ક્યારેય નથી થઇ શકવાનાં. તો પછી જે ઘાવ હોય છે તે રૂઝાઈ જાય પછી તેનું શું થતું હોય છે? નવું માંસ અને નવી ચામડીનું આવરણ તેનાં પર આવી જાય છે, બરાબર? અને આજ રીતે કોઈ પણ ઈજા છે તે રૂઝાતી હોય છે. શરીર જુનું હોય છે, ઘાવ પણ જુનો હોય છે, પરંતુ ત્વચા નવી આવી જતી હોય છે. આજ રીતે, જયારે તમને દુઃખ થયું હોય, તમારી પાસે કદાચ એજ જુનું શરીર, જુનું મન રહેશે, પરંતુ તમારી અંદર એક નવા તમે ઘડાતા જશો. આ એક કુદરતી રીતે થતી ક્રમશ: પ્રક્રિયા છે જેને સમય લાગતો હોય છે.

મેં એક વાર ટોમ વિલ્સનનું વાક્ય વાંચ્યું હતું, “ડહાપણ હંમેશા ઉમ્મર સાથે નથી આવતું. કોઈવાર ઉમ્મર તો એની મેળાએ જ દેખાતી હોય છે.” ખાલી ફકત તમારી સામે દેખાતું શરીર પુખ્ત છે એનો અર્થ એ નથી કે તે વ્યક્તિનું વર્તન પણ પીઢ હશે. તમારી આજુબાજુ હંમેશાં એવાં લોકો રહેવાનાં કે જેમને તમારા વિશે કોઈને કોઈ અભિપ્રાય હોય. તેઓ તમને પસંદ ન પડે એવી વસ્તુઓ કહેતા રહેવાનાં, તેઓ તમને કે તમારી સેવાને હળવાશ પૂર્વક લેતાં રહેવાનાં, તેઓ તમારી ટીકા પણ કરતાં રહેવાનાં. ચાલો માની લઈએ કે તેઓ કદાચ નહિ જ બદલાય. તો શું તમે એમને તમને દુઃખ પહોંચાડવાની મંજુરી આપતાં જ રહેશો?

એ બહુ સારો વિચાર નથી – કે તમે એમને તમને દુઃખ આપવા દો. કારણ કે એ દરેક વખતે જયારે તમને તકલીફ પહોંચાડે છે ત્યારે ત્યારે તમારી અંદરથી તમે તમારા એક નાના અંશને ગુમાવતા જાવ છો. તમને જીવવાનો, તમે જે છો તે બની રહેવાનો, હસવાનો, તમારી સ્વતંત્રતાને માણવાનો, કોઈ પણ બીજાની જેમ જ અને તેનાં જેટલો જ હક છે. જો તમે તમારી જાતનું રક્ષણ નહિ કરો અને જો તમે રૂઝાવ તે પહેલાં વારંવાર ઘવાતાં રહેશો, તો પછી ટૂકડે-ટૂકડે તમને આ જિંદગી એક ભારે બોજ સમાન લાગવા માંડશે, એક ભારને વેંઢારતાં હોવ એવું લાગશે. તમારી જાત સાથે આવું ન કરશો.

આ જીવન એક ખુબ સુંદર ગીત છે; તમારો રાગ શોધો.
(Image source: unknown)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share