Saturday, 19 April 2014

તમારું શું બહાનું છે?

સુખી લોકો પોતાનાં પ્રશ્નોને ચુનોતીઓમાં ફેરવી નાંખે છે. તે પોતાનાં માર્ગે રહેલી અડચણોને કુદી શકાય એવાં અવરોધોમાં ફેરવી નાંખે છે
બધું એક તરફ પણ સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે એક મૂળભૂત તફાવત હોય છે. હું કઈ ભૌતિક સફળતાની માત્ર વાત નથી કરી રહ્યો. હું સફળતાની એક સર્વસામાન્ય વ્યાખ્યાની વાત કરું છું જે છે: એક લાભપ્રદ જીવન કેમ જીવવું. મારા મત પ્રમાણે એક જીવન કે જે સંતુષ્ટ અને અર્થપૂર્ણ હોય તે જીવવા યોગ્ય હોય છે. દરેકજણ કે જેને હું ઓળખું છું તે સંતોષ, ખુશી, આનંદ, અનુભવવા માંગે છે, તેઓ પોતાને પૂર્ણ જોવા ઈચ્છે છે, પણ મોટાભાગનાં માટે તેવું બનતું હોતું નથી. જે લોકો ખુશ રહેતા હોય છે તે એવું શું કરતાં હોય છે જે તણાવગ્રસ્ત રહેતા લોકો નથી કરતાં હોતા? જે ડાહ્યા છે તેમની અને બાકીના બધાની વચ્ચે શું તફાવત હોય છે? વાંચતા રહો.

એક વખત એક માણસ પોતાનાં સિદ્ધ ગુરુને મળે છે. તે પોતે બેચેન અને પોતાનાં જીવનથી મોટાભાગે નાખુશ હોય છે. તેનાં ગુરુ તેને પ્રકાશ અને શાંતિ ઉપર રોજ એક કલાક ધ્યાન કરવાનું કહે છે.
“મને ધ્યાન કરવાનું ખુબ ગમેત, પરંતુ, સમયની એટલી મારામારી હોય છે કે ફક્ત ત્રીસ મિનીટ કાઢવાની હોય તો તે પણ મારા માટે એક મોટી ચુનોતી જેવું છે.”
“આ ફક્ત એક બહાનું છે,” ગુરુએ કહ્યું. “તમારી પાસે કામ કરવાનો, ટીવી જોવા માટેનો, સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનો, છાપું વાંચવાનો, સ્નાન કરવાનો, ખાવાનો સમય છે અને ધ્યાન કરવા માટે સમય નથી?
“તે સાચું છે ગુરુજી. પ્રામાણિકપણે કહું છું કે મારી પાસે સમય નથી. હું મારો સવારનો નાસ્તો પણ જલ્દી જલ્દી કરું છું.”
“સારું. તો, કામ પરથી એક મહિનો રજા લઇ લે અને અહી રહે અને ધ્યાન કર હું તને તારા મનને કેવી રીતે તાલીમ આપવી તે શીખવાડીશ.”
“અરે, હું પણ ઈચ્છીશ કે જો હું એવું કરી શકું તો કેટલું સરસ, પણ, મારી પત્ની, બાળકો, માં-બાપનું શું? હું એક મહિનો તેમનાંથી દુર ન રહી શકું.”
“વારુ, એમાં હું તારા માટે કઈ કરી શકું તેમ નથી.”
“ધ્યાન એ તમારા માટે સરળ વાત છે, ગુરુજી, પણ હું તો સંસારી માણસ છું અને ગૃહસ્થ જીવનની તમામ જવાબદારીઓ હોય છે મારા ઉપર. જો મારે એ કોઈ પ્રશ્નો ન હોત તો તો હું ખુશી ખુશી બેસીને ધ્યાન કરવા લાગત. હું તમારી પાસે બહુ મોટી આશા લઇને આવ્યો છું. કૃપા કરી મને કોઈ સરળ માર્ગ બતાવો.”
“સારું, આ એક રહસ્યમય તલવાર છે તે લઇ જા અને આજે સુતા પહેલાં તેને હવામાં ચાર વાર વીંઝજે. તારા બધા પ્રશ્નો કપાઈ જશે, અને તું કાલે સવારના ઉઠે તે પહેલાં તે બધા જ પ્રશ્નો અદ્રશ્ય થઇ જશે.”

પેલાં માણસે તો અંદરથી ખુશ થતાં તે તલવાર લીધી અને પોતાનાં પ્રશ્નમુક્ત જીવનની કલ્પનામાં ખોવાઈ ગયો. અને ઊંડે ઊંડે તેને પોતાનાં ભવિષ્ય ઉપર પણ ચિંતન કર્યું, તે તલવાર તરફ આંખનું એક મટકું પણ માર્યા વગર તાકી રહ્યો પરંતુ તેને વીંઝવાની હિમ્મતને ભેગી ન કરી શક્યો. બીજા દિવસે તે તલવાર પાછી પોતાનાં ગુરુ પાસે લઇ ગયો.

“હું માફી માંગું છું, ગુરુદેવ, પણ હું આ તલવારનો ઉપયોગ કરી શકતો નથી. તમે સાચા હતાં, એ બધા કઈ મારા પ્રશ્નો ન હતાં, પણ બહાનાં જ હતાં. મેં તેનાં ઉપર ખુબ ઊંડો વિચાર કર્યો છે અને એ અનુભવ્યું છે કે હું મારા બહાનાઓ વગર જીવી શકું તેમ નથી. જો આ બહાનાઓ નહિ હોય તો મારા જીવનમાં બીજું શું રહી જશે. તે બધા બહાના જ તો મને જીવિત રાખે છે.”

આ વાત મને સુખી અને દુ:ખી લોકો વચ્ચે રહેલાં મૂળ તફાવત તરફ સ્પષ્ટપણે નિર્દેશન કરે છે: ખુશ અને સુખી લોકો ક્યારેય બહાનાઓને તેમનાં જીવનમાં આડે આવવા નથી દેતા અને દુ:ખી લોકો તેનાંથી ઉલટું કરે છે. જે વિજયી હોય છે તે આ બધા અવરોધોને ચુનોતીઓમાં ફેરવીને જુવે છે અને તેની સાથે કામ લેવામાં તેઓ એક પ્રકારની સંતુષ્ટિનો અનુભવ કરે છે. જયારે જે હારી ગયેલાં હોય છે તે પોતાની ચુનોતીઓને પણ બહાનામાં ફેરવી કાઢે છે અને તેને પાછાં પોતાની નિષ્ફળતાનાં કારણો ગણીને પ્રસ્તુત પણ કરે છે. વધુમાં, તેઓ ખરેખર તો પાછા પ્રામાણિકપણે એવો વિશ્વાસ રાખે છે કે પોતાનાં બધા બહાના બિલકુલ ખરા છે. પોતાનાં ટાળવાનાં સ્વભાવ અને ખુદની નિષ્ક્રિયતા માટે પાછી તેમની પાસે હંમેશા કોઈને કોઈ ઉચિત સફાઈ પણ હોય છે.

મુલ્લા નસરુદ્દીન એક છોકરી સાથે એક મેળામાં જવા માટે નીકળે છે. એક દિવસ તે છોકરીના પિતા મુલ્લા સામે આવે છે અને કહે છે, “હે યુવાન સાંભળ, તું મારી દીકરી સાથે કેટલાંય મહિનાઓથીફરી
રહ્યો છે. મારે એ જાણવું છે કે તારા ઈરાદા નેક છે કે નાપાક?”
 નસરુદ્દીનનો ચહેરા ઉપર પ્રકાશ થઇ ગયો. “બુજુર્ગ શું તમારા કહેવાનો અર્થ એ છે કે મારી પાસે કોઈ પસંદગી છે?”

હંમેશા એક કારણ તો તમારી પાસે હોવાનું જ કે શા માટે તમે જીમમાં નથી જઈ શકતા, ધ્યાન નથી કરી શકતા, તમે ધુમ્રપાન નથી છોડી શકતા, દારૂ પીવાનું નથી છોડી શકતા, તમે કોઈ એક ચોક્કસ રીતે જીવન શા માટે નથી જીવી શકતા, કે પછી તમે શા માટે પોતાનો અગ્રીમતાક્રમ અસરકારક રીતે નથી ગોઠવી શકતા. સત્ય તો એ છે કે આ બધા કોઈ કારણો નથી પરંતુ બહાના છે. આ ફક્ત તમારા વલણ ઉપર, તમારી પસંદગી ઉપર છે, એવી પસંદગી કે જે તમે બહાનું કાઢવું કે રસ્તો કાઢવો, તેમાં અર્થ શોધવો કે તેનો એકદમ અસ્વીકાર કરી દેવો એ બાબતે તમે કરતાં હોવ છો.

તમારા વર્તમાન જીવનમાં એક બીજો વિકલ્પ હંમેશા હોય છે. તે કદાચ ખુબ જ આકર્ષક હોઈ શકે છે, કારણ કે તેમાં કઠોર મહેનત બિલકુલ આવશ્યક બની જતી હોય છે, પણ જો તમે નક્કી કરી લીધું હશે અને એનાં માટે કટિબદ્ધ થઇ જશો તો તમારી ચુનોતી એક પછી એક અદ્રશ્ય થતી જશે. અને જીવવું એ એક આનંદદાયક મુસાફરી બની જશે. એ ચુનોતીઓ કે જે એક સમયે એક મહાકાય પર્વતો સમાન ભાસતી હતી તે હવે એક હવાનાં ઝોકામાં ઉડી જતાં સુકા ઝાડ જેવી લાગશે. અને તે હવે પછી તમારા કટિબદ્ધતાથી પગલાં લેવા સાથે શરુ થઇ જતું હોય છે. એક એક ડગલે.

વર્ષો, મહિનાઓ, દિવસો, કલાકો, મીનીટો અને પળોમાં આ સુંદર જીવન ખુબ ઝડપથી પસાર થઇ રહ્યું છે અને આપણે જેમ દોડવાના માર્ગ ઉપર ખીલ્લીઓ ફેંકી હોય તેમ આ જીવન-માર્ગ ઉપર બહાનાઓને ફેંકીને અવરોધ ઉત્પન્ન કરીએ છીએ. સફળ લોકો હંમેશા પોતાનું ધ્યાન ઉકેલ કે ઉપાય ઉપર કેન્દ્રિત કરતાં હોય છે જયારે બીજા બધા લોકો ફક્ત પ્રશ્નો ઉપર. તમારી જાત સાથે સચ્ચાઈ રાખો; તેનાંથી ફાયદો થતો હોય છે.

ખુશ જીવન જીવવાનો સ્વભાવ વ્યક્તિત્વનાં મૂળ લક્ષણોમાંથી સ્ફુરતો હોય છે. હું તેનાં વિષે આવતાં અઠવાડિયે લખીશ.
(Image credit: Diana Hudson)
શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.


No comments:

Post a Comment

Share