Saturday, 17 May 2014

તમારે ખરેખર શું જોઈએ છે?

બુલબુલે શા માટે જમીન પર પથરાયેલી જાળ ન જોઈ? જાણવા માટે આ વાર્તા વાંચો
એક વખત એક માણસ પાસે એક અત્યંત સુંદર બગીચો હોય છે, જેમાં ખુબ જ સુંદર ફળ અને ફૂલનાં વૃક્ષો હોય છે. રંગબેરંગી પંખીઓ તેમાં સુંદર ગાન કરતાં હોય છે, ભમરાઓ ગુંજન કરતાં હોય છે  અને પતંગિયા આમથી તેમ તે બગીચામાં ઉડતા હોય છે. તે એકદમ જીવંત સ્થાન હોય છે, જાણે કે સ્વર્ગનો કોઈ ટુકડો ન હોય. તેમાં એક નાનું તળાવ પણ હોય છે કે જેની અંદર ઘણાં પ્રકારનાં કમળ ખીલ્યા હોય છે. તે માણસે પોતાનાં બાગની સંભાળ દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં વધારે લીધી હતી. ખાસ કરીને, તળાવમાં એક વિશેષ ફૂલ કે જે એક કાળું હિમાલયનું કમળ હતું, તે તેને ખુબ જ પસંદ હતું. તે કમળમાંથી માદક સુગંધ આવતી અને બારે માસ તે ફૂલ ખીલતું

એક સવારે, એ ગુલાબના ફૂલોની સંભાળ લઇ રહ્યો હતો ત્યારે એક બુલબુલ સરસ રાગમાં ગાતું હતું. તેને તે પંખી જોવાની ઈચ્છા થઇ આવી અને તે અવાજની દિશામાં ચાલવા લાગ્યો. ત્યાં તેને જોયું કે તે પંખી તેનાં મનપસંદ કાળા કમળને પોતાની ચાંચથી ખોતરતું હતું. તેની પાંદડીઓ નીચે ખરી પડી હતી અને કમળ આખું પીંખાઇ ગયું હતું. તે એકદમ ગુસ્સે થઇ ગયો અને એક પત્થર તેને તે પંખી તરફ ફેંક્યો પણ બુલબુલ તો ઝડપથી ઉડીને કુશળતાપૂર્વક ભાગી ગયું.

તે દુ:ખી અને ક્રોધિત થઇ ગયો અને તેણે આ પંખીને પકડીને મારી નાંખવાનું મનમાં નક્કી કરી લીધું. તેણે તળાવ આગળ એક જાળ પાથરી અને તેનાં પર જવ-તલનાં દાણા અને ગોળ પાથરી દીધાં અને ધીરજપૂર્વક પંખીની રાહ જોવા લાગ્યો. થોડી વારમાં જ બુલબુલ ફરી ઉડીને આવ્યું અને તેને ત્યાં પોતાનો ખોરાક પડેલો છે તે જોયું. તે તો તરત આ જાળ ઉપર ઉતર્યું અને ખુશી ખુશી પોતાનું ચણ ખાવા લાગ્યું, પણ, જયારે ઉડવાનો સમય થયો ત્યારે તેને પોતાની ભૂલ ખબર પડી; તે હવે તેમાં ફસાઈ ગયું હતું.

પેલાં માણસે પંખીને કચકચાવીને ગરદનથી પકડી લીધું. અને કહ્યું “હું તને મારી નાંખીશ.”
“મને મારી નાંખીશ? પણ, કેમ? આ ચણ તો જમીન ઉપર પડેલું હતું. મેં તારા કોઠારમાંથી ચોરીને નથી ખાધું.”
“અરે, ના એટલાં માટે નહિ, પણ તે મારું કાળું કમળ બગાડી નાંખ્યું ને એટલાં માટે હું તને મારી નાંખીશ.”
“મારી ભૂલ થઇ ગઈ,” બુલબુલ કરગરવા માંડ્યું. “હું તો ખાલી મારો ખોરાક શોધતું હતું. મારા પર દયા કર. હું તો હંમેશા એવું માનતું હતું કે આ સુંદર બગીચાનો માલિક કોઈ દયાળુ, કાળજી કરનાર અને પ્રેમાળ વ્યક્તિ હશે. મને તો ખબર જ નહિ કે...”
પેલાં માણસે તેનાં પર વિચાર કર્યો અને તેની અંદર એક દયાની લહેર ઉઠી આવી.

“સારું, હું તને જવા દઈશ.” તેને પોતાની પકડ ઢીલી કરી.
“હું તને એક રહસ્ય કહેવા માંગું છું, દોસ્ત,” બુલબુલ બોલ્યું. “મારી દ્રષ્ટી આરપારનું જોઈ શકે છે. તારા બગીચામાં પેલાં જૂના પીપળાનાં વૃક્ષ નીચે સોનાથી ભરેલો ઘડો દાટેલો છે. તે તારા માટે છે.”

પેલાં માણસે તો ત્યાં જેવો ખાડો ખોદ્યો કે તેને સાચ્ચે જ સોનાનાં સિક્કા ભરેલો ઘડો મળ્યો અને તેનાં આનંદનો તો કોઈ પાર ન રહ્યો.

“મને નવાઈ લાગે છે,” તેને ઉંચે ડાળ પર બેઠેલા બુલબુલને કહ્યું. “તું જમીનમાં દટાયેલો ખજાનો જોઈ શકે છે તો પછી તને જમીન પર સ્પષ્ટ પથરાયેલી જાળ ન દેખાઈ?”
“મારા માટે સોનાની કોઈ જરૂર નથી માટે મને તેની કોઈ ઈચ્છા પણ નથી, પણ તલ અને ગોળથી તો હું આકર્ષિત થઇ ગયું હતું. મને તે ખાવાનું ખુબ જ મન થઇ ગયું હતું. મારી ઈચ્છાએ મને અંધ બનાવી દીધું હતું.”

બસ આ જ વાત છે કે જેની પ્રત્યેક મનુષ્યને ખબર હોવી જોઈએ: ઈચ્છાઓ આપણને અંધ બનાવી દે છે. ઇચ્છાઓ માણસને તેની પૂર્તિ માટે દોડતો કરી દે છે અને મોટાભાગે તો તેનાંથી તે પોતાની પાસે જે પહેલેથી જ આનંદ માટે જે કાંઈ રહેલું છે તેનાં પ્રત્યે અજાણ બનાવી દે છે. માટે જ બુદ્ધે ઈચ્છાને દરેક દુ:ખોનું મૂળ કહ્યું છે, માટે જ કૃષ્ણે ફળની ઈચ્છાથી નિર્લિપ્ત રહેવાની શિક્ષા આપી છે. ઇચ્છાઓ તમને પ્રવૃત રાખે છે, તે તમને હંમેશા ભાગતા રાખે છે, અને સૌથી મહત્વનું તો, તેઓ તમારી પાસે જે કઈ પણ પહેલેથી છે તેને નાનું અને અપૂરતું હોય તેવું બતાવે છે.

તમારી પાસે એક ઘર છે અને તમારી મોટું ઘર લેવાની ઈચ્છા વારંવાર તમને તમારી પાસે જે છે તે પુરતું નથીની લાગણી કરાવતું રહે છે. તમારા સાથી તમને પ્રેમ કરે છે પરંતુ તેમનાં તરફથી વધુ કે બીજું કાઈ મેળવવાની ઈચ્છા તમને વર્તમાનમાં અધૂરા હોવાનો અહેસાસ કરાવે છે. વધારે કમાવવાની ઈચ્છા, વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા, કઈક વધારે મોટા બનવાની ઈચ્છા, વધુ મેળવવાની ઈચ્છા વિગેરે તમારા વર્તમાન ક્ષણનાં આનંદને  માણવામાં મોટા અવરોધો બની જાય છે.

હું એવું નથી કહી રહ્યો કે તમારે કોઈ ઈચ્છા ન રાખવી જોઈએ. કોઈવાર, તમારી ઈચ્છાની વસ્તુ મેળવવા માટેની સફર આનંદકર પણ હોઈ શકે છે. જ્યાં સુધી એક ઉન્નત અને સિદ્ધ સ્તરે તમે ન પહોંચી જાવ ત્યાં સુધી ઈચ્છાઓ રાખવી અને તેનાં માટે પ્રયત્નશીલ રહેવું તે બિલકુલ બરાબર છે, ઈચ્છાપૂર્તિ વખતે પ્રફુલ્લિત થવું અને જયારે તેની પૂર્તિ ન થાય તો દુ:ખી થઈ જવું પણ યોગ્ય જ વાત છે. તે માનવીય અને કુદરતી બાબત છે. પરંતુ, તમે કોની પ્રાપ્તિની પાછળ લાગેલા છો તેની જાગૃતિ રાખવાથી તમને ચોક્કસ ફાયદો થતો હોય છે.

એક જીવન બદલી નાંખે તેવો પ્રયોગ કરવો હોય તો – કોઈ એક શાંત જગ્યાએ બેસીને તમારી જે ઇચ્છાઓ હોય તેને પ્રશ્ન પૂછતાં જાવ, કારણકે એક વખત તમે તમારી જે પ્રાપ્તિ માટેની દોડ છે તેનાં પ્રત્યે જાગૃત થઇ જશો ત્યારે તમે દરેક વસ્તુને એક નવા પ્રકાશમાં જોઈ શકશો. તેમાંય ખાસ કરીને જાગૃતિથી તમે તમારી ઈચ્છાઓને પકડવા માટે દોડતા હશો ત્યારે તે તમને અંધ નહિ બનવા દે, તે તમારી પાસે જે કઈ પણ પહેલેથી છે તેનાં પ્રત્યે તમને અજાણ નહિ બનવાં દે, તમે જે તમારી અનેક ઇચ્છાઓને પૂરી કરી દીધી છે તેને ભૂલવા નહિ દે. તે તમને હકારાત્મક રાખશે, અને ખુશ તેમજ સુખી રાખશે. તેનાંથી તમને જમીન પર પથરાયેલી જાળ પણ દેખાશે અને જમીનની નીચે દટાયેલો સુવર્ણથી ભરેલો ઘડો પણ દેખાશે.

તો, તમારી જે ઈચ્છા હોય તે હવે શું ખરેખર તમારે જોઈએ છે?
(Image credit: Ruth Bain)
શાંત.
સ્વામી.P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share