Saturday, 24 May 2014

ધ્યાનનાં છ સિદ્ધાંતો

તિલોપાએ પોતાનાં મુખ્ય શિષ્યને ધ્યાન ઉપર છ ટૂંકા અને ગહન સૂચનો આપ્યા છે. દરેક સાધકે તે જાણવા જોઈએ.
એક વખતે એક શિષ્યે પોતાનાં ગુરુને પૂછ્યું, “આપણે શા માટે ધ્યાન કર્યા બાદ પ્રાર્થના કરીએ છીએ?”
“આપણે ભગવાનનો આભાર માનવા માટે તેમ કરતાં હોઈએ છીએ કે હાશ ધ્યાન છે તે હવે પૂરું થઇ ગયું.” ગુરુએ મજાક કરતાં જવાબ આપ્યો.

જો કે તે એક મજાક છે તેમ છતાં ધ્યાન કરવાની બાબત વિશે કોઈ વખત એવું જ લાગતું હોય છે. પ્રામાણિક અને શિસ્તબદ્ધ ધ્યાન કરવાવાળાઓ માટે ધ્યાન એક ખુબ જ કઠિન મુસાફરી હોય છે. તમે લાગણીઓની ગાંઠોને દુર કરો છો, તમે વિચારોના અવરોધોને દુર કરો છો, તમે ઇચ્છાઓના સ્તરોને દુર કરો છો, તમે તમારા મનને શાંત કરવાની કોશિશ કરો છો. આ બધું સરળ નથી હોતું. મન ને શાંત અને સ્થિર કરવા માટે એક મહાન કૌશલ્ય અને પ્રયત્નની જરૂર પડે છે.

મેં મારા જીવનનો એક મોટો ભાગ ધ્યાનના અનેક પ્રકારો અને સ્વરૂપો વિશે પ્રયોગ કરવામાં ગાળ્યો છે. અમુક પદ્ધતિઓ અત્યંત માનસ દર્શન કરવાની બાબત ઉપર કેન્દ્રિત કરે છે, તો અમુક રીતો ધ્વનિ ઉપર ભાર મુકે છે, અમુક પદ્ધતિઓમાં મંડલાનો સમાવેશ થાય છે, તો કોઈમાં શ્વાસનાં નિયમનની વાત આવે છે, તો ઘણાંમાં તમારા વિચારો અને સંવેદનાઓને જોવાની વાત આવે છે, પરંતુ ધ્યાન એ કોઈ કૃત્રિમ સંવેદનાનું સર્જન કરવા વિશેની બાબત નથી, એ તો છે તમારી અત્યંત કુદરતી સ્થિતિને શોધવાની વાત – કે જે એક મૂળ જાગૃતતતા અને સ્પષ્ટતાનું સ્તર છે. માટે, ધ્યાનની જે પ્રણાલી હું પોતે પસંદ કરું છું તે છે મહામુદ્રા; કારણકે તેમાં તમારા મનના કઈ પણ સર્જનને દુર કરી તમારા મનને જેવું છે તેવું જોવાની બાબત ઉપર ભાર મુકવામાં આવેલો છે – સ્થિર, અનંત અને શાસ્વત.

વર્ષો સુધી, મેં મહામુદ્રાની તાંત્રિક અને અતાંત્રિક એમ બન્ને રીતે સાધના કરી છે અને મને એ બન્ને અસાધારણપણે વિશિષ્ટ લાગ્યા છે. મહામુદ્રાનો અક્ષરસઃ અર્થ થાય છે એક મહાન કવચ. તમે તેનો અર્થ સ્થિરતાનું, શાંતિનું, આનંદનું કે પછી સહજ ખાલીપાનું કવચ તરીકે કરી શકો. હું કોઈ દિવસ આપણું વિશ્વ (આપણે જે રહીએ છીએ તે વિશ્વ નહિ) કેવી રીતે એ આપણા મનની પરિકલ્પના છે તેના વિશે વિસ્તારપૂર્વક લખીશ. આજે હું તમારી સાથે ધ્યાનનાં મૂળભૂત છ સિદ્ધાંતો અને તેનાં મૂળ વિશેની વાત ટૂંકમાં વહેંચીશ.

૧૫૦૦ વર્ષ પહેલાં, ભારતમાં એક મહાન ધ્યાન કરવાવાળી વ્યક્તિ રહેતી હતી. તેમનું નામ હતું તિલોપા. ગૌતમ બુદ્ધની જેમ તેઓ પણ પોતાનું રાજપાટ છોડી, ધ્યાનનાં સાર માત્રનું નિશ્ચિતરૂપ ગંભીર સાધકો સારું શોધવા માટે, ચાલ્યા ગયા હતાં. તેને તે મહામુદ્રા કહે છે અને તેમને તે ધ્યાન પ્રણાલીને પોતાનાં મુખ્ય શિષ્ય અને અનુગામી એવાં નરોપા કે જે પણ એક અસાધારણ શિષ્ય હતો તેને પોતાનાં મુખેથી કહીને તેનામાં પ્રસારિત કરી હતી. નરોપાને આ મહામુદ્રા કહ્યા પછી, તિલોપાએ તેને ૬ સોનેરી નિષેધો  કહ્યા– આખી પ્રણાલીનો ફક્ત ૬ શબ્દોમાં જ સાર કહી દીધો. મૂળ સંસ્કૃત પ્રત વર્તમાનમાં પ્રાપ્ય નથી પરંતુ તેમની સલાહનું અંગ્રેજીમાં ટૂંકો અનુવાદ છે જે સોનાથી તોલવા જેટલું મુલ્યવાન છે. તિલોપાના મત મુજબ, અને હું પણ તેની સાથે સંપૂર્ણપણે સહમત છું, નીચે જણાવેલી છ બાબતો એક સારા સાધકે-ધ્યાનકર્તાએ ધ્યાન કરતી વખતે ટાળવી જોઈએ:

૧. યાદ (Recollection): ભૂતકાળના વિચારોનો પીછો ન કરો.
૨. ગણતરી (Calculation): વર્તમાનના વિચારોનો પીછો ન કરો.
૩. કલ્પના (Imagination): ભવિષ્યમાં શું થશે તેનો વિચાર ન કરો.
૪. ચકાસણી (Examination): તમાર વિચારોનું પૃથ્થકરણ ન કરો.
૫. સર્જન (Construction): તમારા અનુભવનું સર્જન કરવાની કોશિશ ન કરો.
૬. પથચ્યુતતા (Digression): તમારા માર્ગેથી ભટકી ન જશો; સહજપણે વર્તમાન ક્ષણમાં રહો.

તમે જેટલો વધુ પ્રયત્ન ઉપરોક્ત સૂચનાઓને અનુસરવાનો કરશો, તેટલો વધુ ફાયદો તમને તમારા ધ્યાનમાંથી થશે. તમે જો ધ્યાન કરવા બેસશો અને તમારા વિચારોનો પીછો  કે તેનું પૃથ્થકરણ કરવાનું ચાલુ કરશો તો તમે માનસિક સ્થિરતા અને શાંતિને પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રગતિ નહિ કરી શકો. બેચેની, આળસીપણું, વિચારો અને ચિત્રો આ ચાર મુખ્ય અવરોધો આવા સાધકને પરેશાન કરતાં રહેશે. ભૂતકાળમાં, મેં ધ્યાનના ચાર અવરોધો ઉપર લખ્યું છે. તમે તે અહી વાંચી શકો છો.

જેમ સમુદ્રમાં મોજા સતત બનતા રહે છે તેમ મનની અંદર વિચારો લગાતાર ઉઠતાં રહે છે. એક મહાન ધ્યાનનું સૌથી મોટું વળતર વાળું પરિણામ જો કોઈ હોય તો તે છે વિચારોની તદ્દન સ્થગિતતા – એક ઠહેરાવ. તે એકદમ અસામાન્ય અનુભૂતિ છે; કલાકો ના કલાકો એવી અવસ્થામાં રહેવાથી શું અનુભૂતિ થાય છે એનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. જો તમે ધ્યાન કરવા માટે ગંભીર હોવ તો, તિલોપાની આ છ સલાહને અનુસરવાથી તમે તમારા ધ્યાનની પ્રગતિમાં એક હનુમાન કુદકો લગાવી શકશો.

ટૂંકમાં: ધ્યાન કરતી વખતે ચિંતા ન કરો. નારાજ કે અપ્રસન્ન ન રહો. ભૂતકાળ વિશે પશ્ચાતાપ ન કરો. તમારા વર્તમાન જીવનમાં શું ચાલી રહ્યું છે તેની ચકાસણી ન કરો. તમારા ભવિષ્યની કલ્પના ન કરો. કોઈ વિચારનું પૃથ્થકરણ ન કરો. જયારે કોઈ વિચાર આવી જાય, ત્યારે તેની પાછળ ન દોડો. તે આપોઆપ અદ્રશ્ય થઇ જશે. કોઈપણ વિશિષ્ટ અનુભવને માટે અભિલાષા ન રાખો નહિતર તમે માનસિક રીતે તે અનુભવનું સર્જન કરીને તમારા સમગ્ર ધ્યાનને પ્રદુષિત કરી નાંખશો. તમારા મનને પથચ્યુત ન થવા દો. અત્યારે જ્યાં છો તે વર્તમાન ક્ષણમાં જ રહો. તમારી જાગૃતિને પુરેપુરી સજાગતા સાથે જાળવી રાખો.

જો તમે ધ્યાનની સાધના ખંતપૂર્વક અને શિસ્તપૂર્વક કરશો તો ધ્યાનની ક્રિયા એક સાધના માત્ર ન બની રહેતા તે મનની એક શાંત અવસ્થામાં રૂપાંતર પામશે.

મહામુદ્રા ધ્યાનમાં સાધકના પથમાં આવતી નવ પ્રગતીની સ્થિતિ વિશેની વાત પણ આવે છે. હું આવતાં લેખમાં તેનાં વિશે લખતાં આનંદ અનુભવીશ.

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

3 comments:

Anonymous said...

સુંદર વિવેચન!

Bharat said...

તમને ગમ્યું તે જાણીને આનંદ અનુભવ્યો! આ બ્લોગની મુલાકાત તમારી જેવી વ્યક્તિ લેતી રહેશે અને આ સારો વિચાર બીજાને કહેતી રહેશે તો મારા માટે એ એક વધુ આનંદની વાત હશે, દિનુભાઈ!! આભાર.

harsh shah said...

EXCELLENT POST, SO MUCH DEEPLY EXPLAIN THE POINT. I SHARE THIS URL WITH MANY OF MY STUDENTS ALSO.

Post a Comment

Share