Saturday, 31 May 2014

ધ્યાનની નવ સ્થિતિઓ

ઊંડી ગહનતાની સ્થિતિમાં પહોંચવા માટે મનને તાલીમ આપવાની જરૂર પડે છે. તે સ્તરોમાં માપી શકાય તેવી રીતની વિભાગીત હોય છે.
ગયા અઠવાડિયાનાં લેખ પછી મારું ઈનબોક્સ ઈ-મેઈલથી છલકાઈ ગયું છે. મોટાભાગનાં વાંચકોની એકસમાન સમસ્યાઓ હતી. એમાંની સૌથી મહત્વની સમસ્યા એ હતી કે જયારે તેઓ ધ્યાન કરવા બેસે ત્યારે તેમનું મન બીજે ભટકવા માંડે છે અને તેમને તેને પાછું ધ્યાનના વિષય કે વસ્તુ પર લાવવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે. બીજી સામાન્ય સમસ્યા એ હતી કે શેનાં ઉપર ધ્યાન કરવું જોઈએ? મારા છેલ્લાં લેખમાં, મેં કશું જ નહિ કરવા ઉપર તેમજ વર્તમાન ક્ષણમાં હાજર રહેવા ઉપર ભાર મુક્યો હતો. “કશું જ નહિ કરવાનું અને વર્તમાન ક્ષણમાં હાજર રહેવાનું એવું કેવી રીતે કરવું?” તેઓએ પૂછ્યું છે. ચાલો એક પછી એક બધાં મુદ્દા ઉપર વિચાર કરીએ.

આજની મારી યોજના મહામુદ્રા ધ્યાનનાં નવ સ્તર ઉપર પ્રકાશ પાથરવાની હતી, પરંતુ તમારા પ્રશ્નો જોયા પછી, મેં વિચાર્યું કે સૌ પ્રથમ મારે તમને મનની નવ સ્થિતિઓથી અવગત કરાવવા જોઈએ, કે જેને ધ્યાનની નવ સ્થિતિઓ પણ કહેવામાં આવે છે. યોગિક ગ્રંથો તેને નવકાર ચિત્તસ્થિતિ પણ કહે છે. વર્ષો સુધી ધ્યાનનો અભ્યાસ કર્યા પછી, હું તમને દ્રઢતાપૂર્વક કહી શકું છું કે દરેક ધ્યાન કરવાવાળી વ્યક્તિ, જે એકદમ નવી હોય કે પછી કોઈ ઉચ્ચ યોગી હોય, દરેકજણ આ સ્થિતિઓમાંથી પસાર ચોક્કસપણે થતાં જ હોય છે. કોઈ પણ વ્યક્તિ ધ્યાન કરવાનાં કૌશલ્ય સાથે જન્મ્યું  હોતું નથી. ધ્યાન એક એવી વસ્તુ છે કે જે તમે શીખો છો. અને તે શીખવા માટે ક્યારેય વહેલું કે મોડું થયું હોતું નથી.

તે દરેક ધ્યાન કરવા વાળાઓ કે જેઓ એક આનંદની ચરમસીમાનો અનુભવ કરવા માંગે છે, સદા શાંત રહેતા મનની ખેવના રાખે છે, તેઓ એ જાણી લે કે ધ્યાનમાં એ સ્થિતિએ પહોંચવું કે જ્યાં તમારું મન સંપૂર્ણપણે સંતુલનમાં રહે અને જ્યાં તમે તમારા વિચારો સાથે સતત સંઘર્ષમાં નથી રહેતા, ત્યાં સુધી પહોંચવા માટે ખંતપૂર્વક, શિસ્તબદ્ધ એવો એક મહાન પ્રયત્ન માંગી લે છે. કેટલો મોટો પ્રયત્ન, તમે કદાચ પૂછશો? તો પ્રથમ, હું ધ્યાનની નવ સ્થિતિઓ વિષે તમને વાત કરીશ. તેને તમારા મનને તાલીમ આપવાનાં માર્ગ તરીકે જોશો. મોટાભાગનાં લોકો ધ્યાનમાં નવમી સ્થિતિ પ્રાપ્ત કરવાં માંગતા હોય છે. જો કે ત્યાં પહોંચવા માટે તમારે દરેક સ્થિતિમાં સ્નાતક થવું પડશે.

૧. ધ્યાનનું સ્થાપન
ગ્રંથો તેને ચિત્તસ્થાપના કહે છે, જેનો અર્થ તમારા મનનાં ધ્યાનને ક્યાં રાખવું એવો થાય છે. સાધકના જીવનમાં આ પ્રથમ સ્થિતિ આવે છે. આ સ્થિતિમાં મન સતત રખડતું રહે છે અને કોઈ એક વિચાર ઉપર થોડી ક્ષણોથી વધુ વાર સ્થિત થતું નથી. આ સ્થિતિમાં ધ્યાન એ મન સાથે સતત ચાલતાં એક યુદ્ધ સમાન લાગે છે. મુલત:, આ સ્થિતિમાં એક સાધક જેટલી વાર પોતાનાં વિચારોને એક દિશામાં લઇ જવા માટે પ્રયત્ન કરે છે તેટલી વાર તે વધુ ને વધુ બેચેનીમાં પરિણમે છે.

૨. તુટક તુટક ધ્યાન
આ સ્થિતિને સંસ્થાપના કહેવાય છે અને તેનો અર્થ એ પણ થાય છે કે તમારા ધ્યાનને પ્રોત્સાહન અને આરામદાયકતાથી રાખવું. સાધક થોડા સમય માટે (જે થોડી ક્ષણો સુધી ચાલતું હોય છે) એક સરસ ધ્યાનનો અનુભવ કરે છે. આ સમય દરમ્યાન મન બીજે ક્યાંય ભટકતું હોતું નથી. માનસિક શાંતિની આ થોડી ક્ષણો બાદ, વિચારો પાછો મનનો દરવાજો ખટખટાવે છે, અને વારેવારે સાધક આ થોડી મીનીટો સુધી ચાલતાં રહેતાં ભટકતા વિચારોથી અજાગૃત રહે છે. તેઓ ભૂલી જાય છે કે પોતે ધ્યાન કરવા માટે બેઠા હતાં.

૩. સતત ધ્યાન
આ સ્થિતિને અવસ્થાપન કહે છે, જેનો રસપ્રદ એવો બીજો અર્થ થાય છે અનાવૃત કરવું. તમારું શરીર જયારે ઠંડી કે ગરમીમાં અનાવૃત થાય તો શું થાય છે? તમને તે ઠંડી કે ગરમીનો વધારે પ્રમાણમાં અનુભવ થાય છે, ખરુંને? એ જ રીતે, જયારે તમે તમારા મનને ધ્યાન દરમ્યાન અનાવૃત કરો છો ત્યારે તમે વધારે જાગૃત અને સજાગ બનો છે. સજાગતા તમારા મનને અનાવૃત કરે છે. આ સ્થિતિ અને તેનાં પહેલાની સ્થિતિ વચ્ચેનો મૂળભૂત તફાવત સજાગતાની માત્રા જેટલો હોય છે. આ પરિસ્થિતિમાં, સાધક પોતાની સતર્કતા રાખે છે અને જેવું પોતાનાં મનનું ધ્યાન ભંગ થાય કે તેઓ તેનાં પ્રત્યે જાગૃત થઇ જાય છે.

૪. સ્થિર ધ્યાન
તેને ઉપસ્થાપના પણ કહે છે. તેનો શબ્દશઃ અર્થ થાય છે તૈયાર રહેવું, અને આ સ્થિતિમાં તેનાં વિશેની જ વાત છે: એક સાચા ધ્યાન માટે હવે તૈયાર થઇ જવું. આ સ્થિતિમાં, ઈચ્છુક પોતે પોતાનું ધ્યાન સમગ્ર બેઠક દરમ્યાન ટકાવી રાખી શકે છે પણ તેમ છતાં તે વચ્ચે આવતી બેચેની અને મંદતાથી પરેશાન રહે છે.

૫. સ્પષ્ટ ધ્યાન
અહી સાધક પોતે મનની ઊંડી શાંતિનો અનુભવ કરે છે. સંસ્કૃતમાં આ સ્થિતિને દમન કહેવાય છે. જેનો અર્થ થાય છે તાલીમબદ્ધતા અથવા તો કોઈ પણ પ્રકારની લાગણીથી દોરવાઈ ન જાય તેવું. સાધકનું ધ્યાન આ સ્થિતિમાં તાલીમ પામેલું હોય છે. હું અહી સાધકોમાં જે એક ખોટી માન્યતા રહેલી છે તેનો ચોક્કસ ઉલ્લેખ કરીશ: જયારે તમે ધ્યાનમાં એક શાંતિનો અનુભવ કરો છો તે કોઈ વખત ફક્ત તમે ધ્યાનમાં સ્પષ્ટતા કે તીક્ષ્ણતાને ગુમાવી દેતા હોવ છો તેનાં લીધે પણ થતી હોય છે. અને તેમાં અને ધ્યાનને તાલીમ આપવી તેમાં ફર્ક છે.

૬. મનનું શમન કરવું
આ સ્થિતિને શમન પણ કહે છે અને તેનો અર્થ થાય છે શાંત કરવું. સાધકના મનની અંદર વિચારો શાંત થઇ ગયા હોય છે, અને, મનનાં મોટાભાગનાં માનસિક અવરોધો હવે દુર થઇ ગયા હોય છે પરંતુ મનનો આ માનસિક પ્રયત્ન ઘણી વાર બેચેની કે ઉત્સુકતાની લાગણીને જન્મ આપે છે. અને એવું એટલાં માટે થાય છે કારણકે તમે આ સ્થિતિમાં તમારા મન સાથે એવું કરેલું હોય છે કે જેનાંથી તે બિલકુલ ટેવાયેલું નથી હોતું અને તે છે – શાંત રહેવું, સ્થિર રહેવું. ફક્ત પ્રામાણિક અને સમર્પિત સાધકો જ આ સ્થિતિ સુધી પહોંચી શકે છે.

૭. મનનું સંપૂર્ણ શમન
તેને વ્યુપાશમન પણ કહે છે. વ્યુપાનો રસપ્રદ અર્થ છે તે કે જે પોતે સ્વયં પોતાનાં હાથે ખાય છે. આ ધ્યાનની એક ખુબ જ સરસ સ્થિતિ છે. આ સ્થિતિમાં, મન પોતાની સામે તીક્ષ્ણતાથી જુવે છે. મન હવે મંદતા, બેચેની, વિચારો, લાગણીઓને તેમજ બીજા અવરોધોને ઓળખી શકે છે. મન હવે સંપૂર્ણપણે શાંત થઇ ગયું હોય છે અને હવે તેને આ શાંતિમાં સ્થિત રહેવાનો કોઈ ભય રહ્યો હોતો નથી.

૮. તીવ્ર ધ્યાન
સાધકના મને હવે આ સ્થિતિમાં એકલ-બિંદુ ધ્યાન કરવાની ક્ષમતાને પ્રાપ્ત કરી લીધી હોય છે. તેને એકોટીકરણ કહે છે. સાધક હવે અસ્ખલિતપણે, એકજ મુદ્રામાં સ્થિત રહી, સ્પષ્ટ ધ્યાનની બેઠકમાં બે કલાક સુધી સ્થિર રહી શકે છે. અને અહી ધ્યાનમાં બિલકુલ મંદતા કે બેચેની હોતી નથી.

૯. ગહન તન્મયતા
તેને સમાધાન પણ કહે છે અને તેનો અર્થ થાય છે સંપૂર્ણ શાંત અને સંતુલિત. સાધક આ સ્થિતિમાં વિના પ્રયત્ને ધ્યાનાવસ્થામાં પોતાની શાંતિ અને સંતુલિતતાને સરેરાશ ચાર કલાક સુધી પોતાની એક જ મુદ્રામાં સ્થિત રહીને જાળવી રાખી શકે છે.

આ નવ સ્થિતિઓની પેલે પાર એક ઉચ્ચ ચેતનાનું સ્તર – સંસારિકતાની પેલે પારનાં અસ્તિત્વનું એક પરિમાણ રહેલું હોય છે. મહામુદ્રા ધ્યાનનાં નવ સ્તર તે ઉપરોક્ત ધ્યાનની નવ સ્થિતિઓ સમાન જ છે. એક ગંભીર સાધક તેનાં વિષે વધારે જાણીને ફાયદો મેળવી શકે છે. માટે હું તેને આવતાં અઠવાડિયે આવરી લેવાનો પ્રયત્ન કરીશ. હજી એ પ્રશ્ન તો રહે જ છે: કેટલો મોટો પ્રયત્ન જરૂરી છે? તેનાં માટે મારા આવનાર લેખની રાહ જુઓ.

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share