Saturday, 10 May 2014

શાંત કેવી રીતે રહેવું?

એક વિશાળ યોજનામાં તમારી પાસે ગમે તેટલું હોય, તે હંમેશા ઓછુ રહેવાનું. સંતુષ્ટિમાં શાંતિ હોય છે.
આપણામાંના ઘણાં લોકો પાસે પોતાનાં જીવનમાં જોઈતી વસ્તુઓની યાદી હોય છે. તેમાં સામેલ હોય છે એક ચોક્કસ પ્રકારની આજીવિકા, એક જુદી જીવનપ્રણાલી, કદાચ જુદી ગાડી કે મોટું ઘર, કોઈ વખત તો જુદા પ્રકારનું પ્રેમાળ વ્યક્તિ પણ. ઘણી વાર એમાં નવાઈ નથી હોતી કે કેટલાંક લોકો પોતાનાં માં-બાપ કોઈ બીજાના માં-બાપ જેવા હોય એવું ઇચ્છતાં હોય, જો તેમની જિંદગી કઈ જુદી હોત તો કેવું નહિ વિગેરે. આવું ઇચ્છવું કઈ એટલું ખરાબ નથી – કારણકે ઈચ્છાઓ મોટાભાગનાં  લોકોને કાર્યાન્વિત કરે છે અને અમુક પ્રકારનું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. તો શું આ ભૌતિક જગતમાં રહીને શાંતિનો અનુભવ કરવાનો કોઈ રસ્તો છે ખરો? હા. કેવી રીતે? ચાલો હું પહેલાં તમને એક વાર્તા કહું.

ઘણાં સમય પહેલાં એક સાધુ કૃતજ્ઞતા (અર્થાત આપણા ઉપર કોઈએ કરેલા ઉપકારને યાદ રાખવો અને તે બદલ આભાર માનવો) ઉપર પ્રવચન આપતાં હતાં. તેઓ કહી રહ્યા હતાં કે દરેકજણ પાસે કોઈને કોઈ બાબત માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા જેવું ચોક્કસ હોય છે. કે, આપણી દરેકની પાસે કઈક મુલ્યવાન કહી શકાય એવું ચોક્કસ કઈક તો હોય છે જ. કે, દરેકજણની ઉપર ભગવાનનાં આશીર્વાદ હોય છે. જેવું તેમને પોતાનું પ્રવચન પૂરું કર્યું કે તેમની પાસે એક ભિખારી આવ્યો.

“હું તમારી સાથે સહમત નથી,” તેણે કહ્યું, “હું ઘરબાર વગરનો છું અને મારી પાસે કઈ મુલ્યવાન કહી શકાય એવી કોઈ મિલકત પણ નથી. મારી પાસે એવું કઈ નથી કે જેની આ દુનિયામાં કઈ કીમત આવે. તો, આપણામાંના બધા કઈ ભાગ્યવાન નથી હોતા.
કોઈ પૈસા વગરના અને મૂલ્યહીન પણ હોય છે જેમ કે મારા જેવા.”
સાધુએ એક દયાભરી નજરે તેની સામે જોયું અને કહ્યું, “જો હું તને એમ કહું કે તું કઈક એવું આપી શકે તેમ છે જેનાં બદલે તને દસ લાખ રૂપિયા ચુકવવામાં આવે, તો શું?”
“તમે મજાક કરી રહ્યાં છો. મારી પાસે એક લાખની કિંમતનું પણ કશું નથી, પણ, જો તમને એવું લાગતું હોય તો, હું તેનાંથી પણ ઘણાં ઓછા પૈસામાં તે આપી દેવા તૈયાર છું.”
“તું સાચ્ચું કહે છે?”
“હા, દસ લાખ માટે તો હું કઈ પણ આપી દઉં.”
“વારુ, હું કોઈને ઓળખું છું કે જે દસ લાખ રૂપિયામાં બે આંખો લેવા તૈયાર છે? તું તારી આંખો વેચીશ?”
“અરે બિલકુલ નહિ.”
“સારું તો તારી બે કીડની કાં તો બે પગ કે બે હાથ વેચી શકે તેમ છે?”
“અરે, હું મારા અંગો કેવી રીતે આપી શકું.”

“પણ તે તો હમણાં જ કહ્યું કે તારી પાસે મુલ્યવાન કહી શકાય એવું કશું છે જ નહિ. સત્ય તો એ છે કે તારી પાસે મુલ્યવાન કહી શકાય એવું ઘણું બધું છે, ફક્ત તું એની કિંમત કરવા માટે તૈયાર નથી. તું બસ એની કદર નથી કરી રહ્યો કેમ કે તે બધું તો મેળવવાનો તારો હક પહેલે થી જ જાણે કે ન હોય .”

આ મુદ્દો મને આજનાં મુખ્ય વિષય તરફ લઇ જાય છે: અને તે છે કૃતજ્ઞતા. મોટાભાગનાં લોકો એવું વિચારતાં હોય છે કે પોતે પોતાનાં જીવન માટે કૃતજ્ઞતા વ્યકત કરી શકે તે પહેલાં પોતાનું જીવન અમુક ચોક્કસ પ્રકારનું હોવું જોઈએ. જે એક મોટી ભૂલ છે. ઉલટાનું, તમે જે છે તેનાં માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંડો અને તમારું જીવન અમુક ચોક્કસ પ્રકારનું આપોઆપ થતું જશે. મારી વાત પર વિશ્વાસ કરવા માટે પ્રયત્ન કરી જુઓ. કલ્પના કરો કે ખુબ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઈચ્છા એ છે કે તમે વરસાદ બંધ થવા માટે ચાહના રાખો અને કૃતજ્ઞતા એ છે કે તમારી પાસે છત્રી છે. જો શાંતિ એ ખુશીનું બીજ હોય તો કૃતજ્ઞતા એ એક ગર્ભ છે કે જે તે બીજને (શાંતિને) પોતાની અંદર સાચવી રાખે છે.

શું આપણી પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જરૂરી એવું બધું પુરતું નથી? તમારી આજુબાજુ નજર કરો ને તમને એવું ભરપુર માત્રામાં દેખાશે, ભરપુર કૃપા, ભરપુર આશીર્વાદ, અનેક મુલ્યવાન કહી શકાય એવી વસ્તુઓ પણ નજરે પડશે. આપણા હર શ્વાસે, ઓછા નામે, આપણે આપણી પાસે જે કઈ પણ છે તેનાં પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ. અનંત ઈચ્છાઓને આપણા જીવનનો શ્વાસ રુંધવા દેવા કરતાં તો, શ્વાસ લેવાનું ભુલાવી દે તેટલું સુંદર જીવનને આપણે જો જોઈ શકીએ તો કેવું નહિ? ચાલો એક શ્વાસ અંદર ભરીને થોડી વાર થોભીને આપણું જીવન જેવું છે તેવું અને તેનાં પ્રત્યે ઊંડું ચિંતન અને કદર અભિવ્યક્ત કરીએ. કૃતજ્ઞતા એ કઈ આવતીકાલનું વચન નથી પરંતુ વર્તમાનની કટિબદ્ધતા છે.

મુલ્લા નસરુદ્દીનની સ્ત્રી મિત્રે તેની પાસે હીરાજડિત વીંટીની માંગણી કરી પરંતુ મુલ્લાએ તે નકારી દીધી.
“કેમ મુલ્લા,” તેને કહ્યું, “શું તમે નથી ઇચ્છતાં કે હું તમને હંમેશાં યાદ કરતી રહું? જયારે જયારે પણ હું મારી વીંટી તરફ જોઇશ ત્યારે ત્યારે તે મને તમારી યાદ અપાવશે.”
“અરે, જરૂર મારી વ્હાલી,” મુલ્લાએ કહ્યું, “પણ એ હીરા કરતાં, તો હું પોતે તું તારી વીંટી વગરની આંગળી જુવે એ વધારે પસંદ કરીશ. તે પણ તને મારી યાદ અપાવશે.”

બસ ત્યારે. તમે તમારી પાસે શું-શું હોવું જોઈએ તે વિચારીને દુ:ખી થઇ શકો છો અને કાં તો તમારી પાસે જે કઈ પણ છે તેનાં બદલે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો. મારો વિશ્વાસ રાખો, એક વિશાળ યોજનામાં એક પત્થરની હાજરી કે ગેરહાજરી, પછી તે હીરો હોય કે ગમે તે બીજું હોય, તેનાંથી કોઈ ફરક નથી પડતો. ભૌતિક સંપત્તિ તમને કેવી રીતે શાંતિથી રાખી શકે, કે પછી વધારે તંદુરસ્ત રાખી શકે, કે પછી વધારે જોડાયેલાં રાખી શકે? હું એમ નથી કહી રહ્યો કે પૈસો મહત્વનો નથી. તે છે જ. તે તમને મૂળભૂત સલામતી આપી શકે છે, પણ, કેટલો પૈસો પુરતો પૈસો ગણીશું?

સમુંદર તરફ જુઓ, કેટલો વિશાળ છે. તે દુનિયાનાં નકશામાં તમારા હાથનાં ખોબાથી વધારે મોટો નથી. આપણી પૃથ્વી આકાશગંગામાં એક ટેનીસ બોલથી વધારે મોટી નથી. અને આપણી આકાશગંગા આ સમગ્ર બ્રહ્માંડમાં એક રાઈનાં દાણાથી મોટી નથી. અને આ આખું બ્રહ્માંડ અનંત સર્જનમાં એક નાનકડાં ટપકા જેવડું છે. એટલાં માટે, આપણા અસ્તિત્વનો અર્થ આપણી પાસે જે છે તેની કદર આપણે કઈ રીતે કરીએ છીએ તેનાં ઉપર છે, એનાં ઉપર નહિ કે આપણી પાસે કેટલાં મોટા પ્રમાણમાં ભૌતિક મિલકત છે – કારણ કે તે ગમે તેટલી વધારે હશે પણ આપણી આજુબાજુ જે છે તેનાં પ્રમાણમાં તે હંમેશા બહુ નજીવી જ રહેવાની.

શાંતિ એક પસંદગી છે, એક વિકલ્પ છે, એક માર્ગ છે. કૃતજ્ઞ બનવું એ શાંત રહેવાનો સહેલાંમાં સહેલો રસ્તો છે.
(Image credit: Wikia)
શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share