Saturday, 21 June 2014

હું ખુશ નથી

તમારો ભૂતકાળ એ કઠણ માટી જેવો છે. હવે તમે તેને તોડ્યા વગર પુન:આકાર આપી નથી શકતાં તમારો વર્તમાન એ ઢીલી માટી જેવો હોય છે.
કોઈએ મને ઈ-મેઈલ કરીને નીચેનો પ્રશ્ન પૂછ્યો. જો કે વાસ્તવમાં મને આ સવાલ વારંવાર કરવામાં આવતો હોય છે.

“મારે મારા આંતરિક કોલાહલને કેમ ઘટાડવો એનાં માટે સલાહ જોઈએ છે. હું મારા પચાસમાં વર્ષમાં છું તેમ છતાં મને શાંતિનો અનુભવ થતો નથી. હું આ એક જ પ્રકારના ઢાંચા વાળા જીવનથી થાકી ગયો છું – ખિન્ન થઇ ગયો છું, નોકરીમાં ટકી રહેવા માટેની લડાઈ અને ઘરનાં લોકોની માંગ પૂરી કરવાની દોડ. હું બીલ ચુકવવા માટે એક ગુલામ બનીને રહી ગયો છું.”

સૌથી પ્રથમ વાત તો એ કે બુદ્ધનો એ મત કે દરેક વસ્તુ દુ:ખમય છે તે થોડું વધારે પડતું નકારાત્મક લાગે છે પરંતુ થોડી ઊંડી તપાસ કરતાં એ જણાય છે કે મોટાભાગનાં લોકો પોતાનાં જીવનમાં આ જ સત્યનો અનુભવ કરતાં હોય છે. જો કે હું ઘણાં ખુશ લોકોને મળ્યો છું, પરંતુ મોટાભાગે, તો હું તણાવગ્રસ્ત અને દુ:ખી લોકોને જ વધુ મળ્યો છું. મોટાભાગે એવું લાગે છે કે યાતનાઓ તો એની મેળે જ આવતી હોય છે અને ખુશીઓ માટે તમારે ખરેખર ખુબ જ મહેનત કરવી પડતી હોય છે.

સત્ય એ છે કે, ખુશી એ આપણી કુદરતી અવસ્થા છે, પરંતુ, બધા જ નહિ તો મોટા ભાગે, મોટાભાગનાં લોકો, એવું માનતાં હોય છે કે ખુશ રહેવા માટે, શાંતિનો અનુભવ કરવા માટે તેમની પાસે અમુક ચોક્કસ વસ્તુઓ તો હોવી જ જોઈએ. અને તેમાં તેમનો જ માત્ર બધો વાંક નથી હોતો; આપણે એવું માનવા માટે અનુબંધિત થયેલાં હોઈએ છીએ કે, ખુશી આપણી સફળતા ઉપર, આપણા બેંક બેલેન્સ ઉપર, અન્ય લોકોની આપણા સાથેની સંમતિ ઉપર, કે પછી આપણી પાસે કેટલી ભૌતિક સંપત્તિ છે તેનાં ઉપર આધાર રાખે છે. એમાં કોઈ શંકા નથી કે અમુક માત્રામાં ભૌતિક સંપત્તિ જીવનને જીવવા યોગ્ય અનુભવ કરાવવા માટે જરૂરી પણ હોય છે જ, પરંતુ, સાથે સાથે, તેની ગેરહાજરીનો અર્થ એ પણ નથી કે આપણે શાંત ન રહી શકીએ, કે આપણે ખુશ ન રહી શકીએ.

આપણી દુનિયા એવાં લોકોથી ભરપુર છે કે જેઓ ભૂખ્યા પથારીમાં સુઈ જાય છે, જેઓ પોતાની દવા પણ નથી કરાવી શકતા, જેમનાં માથા ઉપર છત પણ નથી હોતી, કે નથી અંગ ઢાંકવા માટે પૂરતા કપડા. અને એવાં પણ લાખો લોકો છે કે જેમની પાસે ઉપરોક્ત કહેલી તમામ બાબતો હોય છે અને તો પણ તેઓ ખુશ નથી. તેમની પાસે તેમનો પરિવાર છે, મિત્રો છે, તેમની પાસે થોડી બચત પણ છે (અને કદાચ દેવું પણ), તેમનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે તેમ છતાં તેઓ બેચેન હોય છે.

શાંતિ પ્રાપ્ત કરવાનાં સોનેરી નિયમની શરૂઆત સ્વીકારથી થાય છે. તેની શરૂઆત આપણે કરેલી પસંદગીઓની જવાબદારી ઉપાડવાથી થતી હોય છે. તે પસંદગીઓ જરૂરી નથી કે સાચી-ખોટી હોય કે સારી-ખરાબ, પરંતુ આપણે જે કઈ પણ પસંદગીઓ કરીએ છીએ તેનું કોઈને કોઈ પરિણામ તો હોય છે જ. આપણે શક્યત: એવી અપેક્ષા ન રાખી શકીએ કે કોઈ ભગવાન ઉપરથી નીચે અવતરણ કરશે અને આપણે ભૂતકાળમાં કરેલી આપણી પસંદગીઓને ભૂંસી નાંખશે, કે પછી આપણને શાંતિ પ્રદાન કરશે. કારણકે દરેકજણને તે આશીર્વાદ તો પહેલેથી જ મળેલા છે. ફર્ક ફક્ત એટલો છે કે આપણી ઈચ્છાઓ અને લાગણીઓ દ્વારા આપણે તેને ઢાંકી દેતા હોઈએ છીએ.

મેં એટલું જાણી લીધું છે કે શાંત રહેવામાં કોઈ સંઘર્ષ નથી કરવો પડતો. સંઘર્ષ તમારી પાસે જે કઈ પણ છે અને તમે પોતે જે કઈ છો તેની સાથે સહજતાપૂર્વક રહેવામાં કરવો પડતો હોય છે – અને આ બન્ને કોઈ વાર તો સ્વીકારવા અઘરા હોય છે. તમારો ભૂતકાળ એક પાકી ગયેલાં માટીના ઘડા જેવો છે. તે એકવાર અગ્નિમાંથી પસાર થઇ ચુક્યો છે, તે કઠણ થઇ ગયેલો હોય છે, તેનો આકાર હવે નિશ્ચિત થઇ ચુકેલો હોય છે. હવે તે આકારને આપણે ફરીથી બદલી શકીએ નહિ. અને એવું કરવાનો કોઈ પણ પ્રયત્ન તે ઘડાને ફોડી નાંખી શકે છે. જયારે વર્તમાન છે તે ઢીલી માટી જેવો છે, તેમ જેવો આકાર આપવા ઈચ્છો તેવો તેને આપી શકો છો. અને કોઈ તેનો કેટલો સારો આકાર આપશે તે વ્યક્તિએ વ્યક્તિએ જુદી પડતી બાબત છે.

ચાલો માની લઈએ કે આપણે બીલ તો કાયમ ચૂકવવાના રહેશે, હંમેશા આપણું એક કુટુંબ તો રહેવાનું જ કે જેની જરૂરિયાત આપણે પૂરી કરવાની રહેશે, જીવનમાં હંમેશા સંઘર્ષ તો રહેવાનો જ. ચાલો માની લઈએ કે આપણી આ ઢીલી માટી બીલ, સંઘર્ષ અને જરૂરિયાતોની બનેલી છે. સહમત છું. તો હવે શું? શું તેને આપણી આંતરિક શાંતિને લૂંટવા માટે છૂટ આપવી જોઈએ કે પછી હવે તેને આપણે ગુંદવાનું બંધ કરીને આકાર આપવાનું શરુ કરવું જોઈએ?

બીલો ચુકવવા, પરિવારની જરૂરિયાતો પૂરી કરવી, કે કામના સ્થળે ચુનોતીઓનો સામનો કરવો એ ખરા પ્રશ્નો નથી. ખરો પ્રશ્ન તો છે આપણી જીવન પ્રત્યેની અપેક્ષાઓ. આપણી પાસે આપણું જીવન કેવું હોવું જોઈએ તેનાં વિષેનો પોતાનો એક ખ્યાલ હોય છે અને જીવન એ મુજબનું થતું હોતું નથી. આપણે તેને જે આકારમાં ઢાળવા માંગીએ છીએ  તે આકાર આપવામાં જ આખો સંઘર્ષ રહેલો હોય છે. વાસ્તવમાં, કોઈ પણ સંજોગો કેમ ન હોય, સ્વીકારમાં ક્યારેય કોઈ સંઘર્ષ હોતો જ નથી. સઘર્ષ ફક્ત પ્રતિરોધમાં જ હોય છે.

તમારી જાતને, તમારા વર્તમાનને, અને અંતે તમારા ભવિષ્યને  પુન:આકાર આપવા માટે, પુન:વ્યાખ્યાયિત કરવા માટે, સૌ પ્રથમ તો તમારી દરેક પસંદગીઓ અને તમે જે કઈ પણ કર્મ કરો તેની સંપૂર્ણ જવાબદારી લો. આમ કરવાથી તમે તમારી જાત સાથે આરામપૂર્વક રહી શકશો. ત્યારબાદ બીજું પગથીયું છે, તમારે જે કરવાનું છે અને તમે જે કરવા માંગો છો તે બેની વચ્ચે પ્રાથમિકતા ક્રમ નક્કી કરો. અને, જો ભૂતકાળમાં તમારી પાસે કોઈ કામ માટેની ધૂન કે શોખ કે ઝનુન કે હેતુ  ન હોય કે કોઈ રચનાત્મક ક્રિયા કરી ન હોય, તો પછી, આદર્શરીતે, તો હવે તમારી એક ટોચની પ્રાથમિકતા તે શોધી કાઢવાની હોવી જોઈએ.

મુલ્લા નસરુદ્દીન એક વખત એમની મંઝીલની દિશામાં જતાં કાફલામાં જોડાયા. રસ્તામાં તેમને બે શ્રીમંત મિત્રો બનાવ્યાં કે જેમની પાસે ઘોડાઓ, ઊંટ, અને સોનું હતું જયારે મુલ્લા પાસે ફક્ત એક ગધેડું અને એક ફાટલો તુટલો થેલો હતો. તેઓ એક જગ્યાએ ભોજન કરવા માટે થોભ્યા અને પોતાનું ભોજન ખોલ્યું.

એક જણે ખુબ ગૌરવ પૂર્વક કહ્યું, “હું તો ફક્ત સુકો મેવો જ ખાઉં છું. સેકેલો અને મીઠાવાળો. ભોજન બાદ ગળ્યું ખાવામાં હું તો ખજુર લઉં છું.”
“મુસાફરી દરમ્યાન, હું ફક્ત પીસ્તા અને કાજુ નાંખેલા ભાત અને ફલાફલ ખાઉં છું. અને ભોજન બાદ ગળ્યું ખાવામાં હું ક્યારેક બક્લાવા (મધ્યપૂર્વ દેશોમાં બનતી કેક) તો ક્યારેક ખજુર ખાઉં છું,” બીજાએ કહ્યું.

નસરુદ્દીને પોતાનું ભોજન ખોલ્યું. તેની પાસે ફક્ત એક મીઠા વાળી રોટલી અને નાનો ટુકડો ગોળનો હતો.

પોતાનો ખોરાક ઉંચે ઉઠાવીને અને તેની સામે ગૌરવપૂર્ણ નજરે જોતા, તેને કહ્યું, “વારુ, હું તો ફક્ત દળેલા ઘઉંમાં કાળજીપૂર્વક પાણી, યીસ્ટ, અને મીઠાનું મિશ્રણ કરી, તેને એક યોગ્ય તાપમાને અમુક યોગ્ય સમય સુધી શેકીને ખાઉં છું. ઓહ, અને મારા ભોજન બાદ હું તાજા અને ગાળેલાં શેરડીનાં રસને એ જ્યાં સુધી એક સરસ ગળ્યા લોંદામાં રૂપાંતર ન થઇ જાય ત્યાં સુધી ઉકાળીને બનાવતી આ વાનગી જ પસંદ કરું છું.”

તમે જીવનને કેવી રીતે જુઓ છો તેનાં આધારે તે તમને મોજ મસ્તીભર્યું કે લડાઈ-ઝઘડાથી ભરેલું ઉપદ્રવી લાગે છે. અને જો તમે મને પૂછો તો જીવન તો આ બન્ને વસ્તુ નથી. જીવનતો અસંખ્ય પળોનું બનેલું એક ઉપનગર છે, એક અસંખ્ય રેખાઓનું બનેલું ચિત્ર છે. પ્રત્યેક પળ, પ્રત્યેક રેખા ઉપર ધ્યાન આપો, એક ભાગ ઉપર કામ કરો અને સમગ્ર ચિત્ર એની મેળે જ સુંદર બની જશે.
(Image credit: Michelle Calkins)
શાંતિ
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share