Saturday, 28 June 2014

ખરાબ વિચારોને કેવી રીતે દુર કરવા?

મન માંકડા જેવું હોય છે, કાયમ એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર કુદકા મારતું રહેતું હોય છે. એમાં સારું-ખરાબ, સાચું-ખોટું જેવું કશું હોતું નથી. તે બસ ફક્ત હોય છે.
“શું ખરાબ વિચારો આવવા એ પાપ છે? હું કેવી રીતે આવા વિચારોથી મુક્ત થઇ શકું?” મને કોઈએ આ સવાલ કર્યો હતો? આ સવાલનો જવાબ આપું તે પહેલાં, હું તમને જણાવી દઉ કે મને પાપનાં ખ્યાલમાં કોઈ વિશ્વાસ નથી. પાપ જેવું કશું હોતું જ નથી. હું એવું નથી સૂચવી રહ્યો કે આપણે જે પણ કરીએ કે વિચારીએ તે બધું જ સાચું હોય છે, પરંતુ પાપ એટલે તમે એવું કઈક કર્યું અને જેનાંથી ભગવાન તમારાથી હવે અળગા થઇ ગયા છે, કારણ કે ભગવાન હવે તમારાથી નારાજ થઇ ગયા છે એ વાત સાથે હું સહમત નથી. મને નથી લાગતું કે ભગવાન જો નારાજ થઇ જતાં હોય તો એને ભગવાન કહેવાય. ભગવાનનો પ્રેમ બિનશરતી હોય છે. પાપ એ ધાર્મિક ખ્યાલ છે જયારે તમારો મૂળ સ્વભાવ, અને ભગવાન બન્ને, કોઈ પણ ધર્મ, પુસ્તક, કે વિચારપ્રણાલીથી પરે છે.

જો પાપ જેવું કશું ન હોય, તો તેનો અર્થ, બધું સ્વીકાર્ય છે? બિલકુલ નહિ. કુદરત સ્વયંકાર્યાન્વિત ભવિષ્યવાણી પર ચાલે છે. તમે સફરજનનું બીજ વાવો અને તેમાંથી ફણગો ફૂટીને તે સફરજનનું વૃક્ષ બનતું હોય છે. કુદરત તમને આ કર્મ બદલ કોઈ સજા કે ઇનામ નથી આપી રહ્યું. સારું કે ખરાબ, સાચું કે ખોટું તેનાં વિશે ચકાસણી કરવી તે માનવીય માર્ગ છે. દિવ્ય માર્ગ તો ફક્ત જાગૃત રહેવાનો, એક સાક્ષી બની રહેવાનો છે. ખરાબ વિચારો આવવા એ કોઈ પાપ નથી, પણ ખરાબ વિચારો ઉપર જો અમલ કરવામાં આવે તો તેનાંથી અનિચ્છનીય કર્મો થઇ જતાં હોય છે. અને, આ જ વાત મને આજનાં વિષયવસ્તુ ઉપર લઇ જાય છે: ખરાબ વિચારોથી ઉપર કેમ ઉઠવું?

જો કોઈ તમને એમ કહેતું હોય કે તે તમને કોઈ એવી પ્રક્રિયા આપશે, કે કોઈ એવો માર્ગ આપશે કે જેથી કરીને તમને ખરાબ વિચારો ન આવે, તો તે ખોટું બોલી રહ્યા છે. દુનિયાની કોઈ તાકાત કે કોઈ પણ વ્યક્તિ તમને એ બાબતની ખાતરી આપી શકે તેમ નથી. દરેક મનુષ્ય ૨૪ કલાકમાં ૬૦,૦૦૦ વિચારોમાંથી પસાર થાય છે, અને, એ બિલકુલ કુદરતી છે કે તેમાંના કેટલાંક વિચારો એવાં રહેવાનાં કે જે અનિચ્છનીય હોય. ખરાબ વિચારો આવવાથી તમે પોતે કઈ ખરાબ નથી થઇ જતાં. વિચારો મહત્વનાં નથી પરંતુ તમે એ વિચારોને લઈને શું કરો છો તે મહત્વનું છે.

દરેકજણ ધ્રુણા, ઈર્ષ્યા, અનુચિત વ્યવહાર વિશેના વિચારોનો અનુભવ કરે છે. તેનાંથી કઈ વિનાશક નથી થઇ જવાનું, કારણકે એક વિચાર ગમે ત્યારે ગમે તે દિશામાંથી આવી શકે છે. કોઈ એકને મંદિરમાં પ્રાર્થના કરતી વખતે વ્યભિચાર કે છળ કપટનો વિચાર આવી શકે છે અને તે જ વ્યક્તિને વેશ્યાલયમાં દયા અને નૈતિકતાનો વિચાર આવે તેવું પણ બને. તે શક્ય છે. વિચારો અસ્વૈછીક હોય છે, તે આમંત્રણ વગર જ આવી ચડે છે. ખરાબ વિચારો આવવામાં કશું જ અસામાન્ય હોય તેવું નથી. અંતે તો વિચારો નહિ પરંતુ તેની પાછળની દોરવણી જ તમારા લાગણીતંત્ર અને માનસિકતાનાં સ્તરને અસર કરતી હોય છે.

માટે, તમને ક્યારેય ખરાબ વિચારો આવે જ નહિ તેવી અપેક્ષા રાખવી વાસ્તવિક વાત નથી પરંતુ ખરાબ વિચારોની પાછળ દોરવાઈ ન જવું કે તેનાં ઉપર અમલ ન કરવો તે બિલકુલ કરી શકાય તેવું હોય છે. જયારે તમને કોઈ વિચાર આવે કે જેને તમે ખરાબ માનતાં હોવ, ત્યારે સહજતાપૂર્વક તમારું ધ્યાન બીજે દોરી જાવ. તમારું મન બીજે ક્યાંક કેન્દ્રિત કરો. વિચારની પાછળ પાછળ ન જાવ. દાખલા તરીકે તમે તમારા જીવનમાં તમારા સુંદર કુટુંબ સહીત તમને જે કઈ પણ મળ્યું છે તેનાં માટે ભગવાનનો આભાર વ્યક્ત કરી રહ્યા છો. અને, અચાનક ગમે ત્યાંથી, એક સ્ત્રીનો વિચાર તમારા ધ્યાનમાં આવે છે. એ સમયે તમે તમારા વિચારની પાછળ ન જાવ કે તમે તમારા વિશે ખરાબ ના લગાડો કે તમને કેમ આવો વિચાર આવ્યો. ફક્ત સહજતાથી તમારું ધ્યાન પાછું વર્તમાન ક્ષણ ઉપર લઇ આવો, અને સ્ત્રી છે તે આપોઆપ ચાલી જશે.

તેમ છતાં, જો તમે વિચાર-શ્રુંખલાને અનુસરવાનું ચાલુ કરશો અને સ્ત્રીની ઉપર, તેનાં શરીર ઉપર, તેની સાથે હોવાનું ચિંતન શરુ કરો તો પછી તે વિચારને ઝડપથી ગતિ મળવાનું ચાલુ થશે અને તુરંત તમારી સીધા વિચારવાની શક્તિ ઉપર તે કાબુ કરી લેશે. બરફનો એક નાનો અને નજીવો ટુકડો જયારે નીચે ગબડવાનું ચાલુ કરે ત્યારે ધીરે ધીરે તે એક મહાકાય બરફનાં ગોળામાં રૂપાંતર પામે છે. તે તમને સતત કોણીના ગોદા મારતું હોય તેમ તમારા વિચારોને એવાં કાર્યો કરવામાં રૂપાંતર કરવા માટે ફરજ પાડતું રહે છે કે જેનાં ઉપર તમને પાછળથી અફસોસ થાય.

એક શિષ્યાને તેનાં પોતાનાં ગુરુ માટે ખુબ જ પ્રેમ થઇ ગયો. તે પોતે પોતાને આવી લાગણી થવા બદલ દોષિત સમજવા લાગી, પરંતુ આ અપરાધ ભાવના તેને પોતાના ઉત્સાહથી ઉપર ઉઠીને મજબુત બનવા માટે કોઈ કામ ન લાગી. જયારે તેનું હૃદય તેનાં મન ઉપર વિજય મેળવતું ગયું ત્યારે તેનાંથી વધુ વાર ન રહેવાતા તે ગુરુ પાસે ગઈ.
“હું ખુબ જ દિલગીર છું, ગુરુજી,” તેને કહ્યું, “પરંતુ, મને તમારા માટે ખુબ જ લાગણીનો અનુભવ થાય છે.”
“એમાં દિલગીર થવાની કોઈ જરૂર નથી,” ગુરુએ કહ્યું, “જો તને મારા પ્રત્યે ખુબ જ લાગણીનો અનુભવ થઇ રહ્યો હોય, તો મારી પાસે આપણા બન્ને માટે પુરતો થઇ પડે એટલો સંયમ છે.”

માની લો કે તમે પોતે એ ગુરુ છો અને તમારા વિચારો એ તમારી શિષ્યા. જયારે તમને વિચારો આવે ત્યારે કોઈએ પણ દિલગીર થવાની જરૂર નથી, તમારે ફક્ત જાગૃત રહેવાનું છે અને એ મુજબની ક્રિયાવિધિ તમારે પસંદ કરવાની છે. તમારા વિચારોને તમારી પાસે આવવાની સ્વતંત્રતા આપો, અને તમે છે તે તેને દિશા આપવાની તાકાત રાખો. જયારે તમને વારંવાર એકનો એક ખરાબ વિચાર આવે ત્યારે, આપણે તેનાં મૂળ સુધી જવાની જરૂર પડે છે. તે કદાચ કોઈ અભાવમાંથી આવતો હોય તેવું બને. જે પોતાનાં જીવનમાં તૃપ્ત છે તે બીજા લોકો કે જેમને જીવનમાં ક્યારેય ખરા પ્રેમનો અનુભવ જ નથી કર્યો હોતો તેમની સરખામણીમાં સતત ઈર્ષ્યા અને ધ્રુણાનો અનુભવ ક્યાંય ઓછા પ્રમાણમાં કરે છે.

જો કોઈ ઉપવાસ કરી રહ્યું હોય, એમના માટે એ બિલકુલ કુદરતી છે કે બીજા લોકોની સરખામણીમાં તેમને ખોરાકનો વિચાર વધુ વખત આવશે. તેઓ જેટલાં વ્યસ્ત રહેશે, તેમને કદાચ ભૂખનો અનુભવ નહિ થાય પરંતુ, જેવા તેઓ થોડા મુક્ત થશે કે તરત જ ખોરાકનો વિચાર એમનાં મનમાં એકદમ મજબૂતાઈથી ઉઠશે. એજ રીતે, તમે જયારે તમારા મનને એક મુક્ત ક્ષણ આપો છો, ત્યારે મોટાભાગે, તમને એક ખરાબ વિચાર, નકારાત્મક વિચાર, કે પછી તણાવગ્રસ્ત વિચાર આવશે. તે બિલકુલ કુદરતી છે. એવું શા માટે? કારણકે મોટાભાગનાં આપણે આપણી જાત સાથે સતત એક યુદ્ધમાં હોઈએ છીએ કે આપણે ખરાબ નહિ વિચારવાનું, નકારાત્મક નહિ વિચારવાનું, ઈર્ષ્યા નહિ કરવાની વિગેરે. તમે ઉપવાસ કરી રહ્યાં છો અને તમે ખોરાકનો વિચાર તમારા મનમાંથી કાઢી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

વિચારો પ્રત્યે સજાગતા એ તેની ચાવી છે. વિચારોને સ્વીકારો, તેનો પ્રતિકાર ન કરો, તેની પાછળ ન દોરવાઈ જાવ, અપરાધભાવ ન રાખો. જેવું છે તેવું રહેવા દો. તમે ધ્યાન દ્વારા, ચિંતન દ્વારા, અને દ્રઢતા દ્વારા જાગૃતતાને કેળવી શકો છો. તમારે તમારા વિચારો કે લાગણીઓ માટે ક્યારેય દિલગીર થવાની જરૂર નથી. તે શુદ્ધ કે અશુદ્ધ નથી હોતા, તે ફક્ત બસ હોય છે. તમે તેને લઇને શું કરો છો બસ તેનાં પ્રત્યે જાગૃત રહો.

તમે જયારે તમારી જાતને સહજતાથી વર્તમાન ક્ષણમાં પાછી લઇ આવો છો ત્યારે બધા વિચારો, બન્ને, સારા અને ખરાબ, ચાલ્યા જતાં હોય છે. ત્યાં પછી કોઈ સંઘર્ષ હોતો નથી. વર્તમાન ક્ષણમાં એવું કશું હોતું નથી કે જેનાંથી ભાગવાની જરૂર પડે. આ એક સરળ સત્ય છે.

શાંતિ.
સ્વામી
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.No comments:

Post a Comment

Share