Saturday, 5 July 2014

મરણાસન્ન બીમારી સાથે કેવી રીતે કામ લેવું

દરેક નદીઓ સાગરમાં ભળી જતી હોય છે, પ્રત્યેક નાની વસ્તુ એક મોટી ઘટનાનો ભાગ બની જતી હોય છે. તે કુદરતમાં પોતાનાં સ્રોત તરફ પાછી જતી હોય છે.
જયારે આપણા કોઈ પ્રિયજનને મરણતોલ બિમારી લાગુ પડ્યાનું નિદાન થયું હોય ત્યારે શું કરવું જોઈએ? શું મારી પાસે એનાં વિશેના કોઈ વિચારો છે ખરા? મને હાલમાં જ એવું પૂછવામાં આવ્યું હતું.

પોતાની પ્રિય વ્યક્તિને પોતાની નજર સામે જ ક્ષીણ થતાં જોવી તે એક અત્યંત પીડાદાયી અને દુ:ખદાયી અનુભવોમાંનો એક છે જેમાં તમે એક મજબુત હોવાનો ચહેરો તો ધારણ કરી લો છો અને એકદમ લાચારી સાથે બધું જોયા કરો છો. આપણે પહેલા ક્યારેય ન હોઈએ એવાં એકદમ બરડ થઇ જતાં હોઈએ છીએ અને ખુબ જ કાળજી લેનાર પણ થઇ જતાં હોઈએ છીએ. આપણે સામે વાળાની જેટલી વધારે કાળજી કરીએ તેટલું જ વધારે તેમનું દુ:ખ આપણે આપણા હૃદયમાં અનુભવતા હોઈએ છીએ. શું આવા સમયે શાંત રહેવાનો કોઈ રસ્તો હોય છે ખરો? ચાલો હું તમને એક વાર્તા કહું.

એક શાંત ગ્રામમાં એક ઘરડાં ડોક્ટર રહેતા હોય છે. તે ચાળીસ વર્ષથી દર્દીઓને તપાસતા હોય છે અને પોતાના માયાળુપણા માટે, કોઈ મરણતોલ બીમારીએ પડ્યું હોય તો તેનાં ઘરે મફતમાં મુલાકાત લેવા માટે જાણીતા હોય છે. તે હંમેશા પોતાનો એક પાલતું કુતરો પોતે જયારે દર્દીને તપાસવા માટે જાય ત્યારે સાથે લઇ જતાં. જયારે ડોક્ટર પોતે દર્દીને તપાસવા માટે અંદર જતાં ત્યારે કુતરો દર્દીના ઘરનાં દરવાજાની બહાર બેસીને તેમની રાહ જોતો

એક પ્રસંગે, એક દર્દી પાસે માત્ર ત્રણ મહિના જીવવા માટેના હોય છે. તેને પોતાને મૃત્યુંથી ખુબ જ ડર લાગતો હતો અને પોતાનો આ ડર તેને ડોક્ટર પાસે પણ કબુલ કર્યો.

“હું મરી જઈશ પછી મારું શું થશે, ડોક્ટર?” તેને પૂછ્યું. “હું બરાબર તો હશું ને? મારા માટે શું રાહ જોતું હશે?”

ડોક્ટર દવા લખી રહ્યા હતાં તેમને પોતાની પેન બાજુ પર મૂકી દીધી. તે ઉભા થયા, બારણું ખોલ્યું, અને પોતાનાં કુતરા સામે જોયું. કુતરાએ પોતાની પૂંછડી પટપટાવી, અને એક વિજયી ભાવ સાથે તેમનાં તરફ છલાંગ લગાવી.

ડોકટરે દર્દી તરફ જોયું અને કહ્યું, “તે આ કુતરાને જોયો? તેને કઈ જ ખબર નથી કે દરવાજાની આ બાજુ આ ઓરડામાં શું ચાલી રહ્યું છે. તેને ફક્ત એટલી જ વાતની ખબર છે કે, હું, તેનો માલિક, અંદર છે. અને, તેને માટે ફક્ત એટલું જ બસ છે.
“હું મૃત્યુંને પણ આ રીતે જ જોઉં છું,” ડોકટરે ચાલુ રાખ્યું. “મારા ગયા પછી આ દુનિયામાં કે પેલી દુનિયામાં શું ચાલતું રહેવાનું છે મને તેની નથી ખબર. મને મૃત્યું વિશેના પ્રશ્નો જેવાકે કેમ, શા માટે, અને કેવી રીતે મરવાનું વિગેરે બાબતોની કોઈ જ ખબર નથી. મારા કૂતરાની જેમ, બારણાંની પેલી બાજુ શું છે તેનાંથી હું બેખબર છું. પણ, હું એટલું જાણું છું કે હું અંતે તો મારા માલિકનાં ચરણોમાં જ મને પામીશ. અને, મારે ફક્ત એટલું જ જાણવાની જરૂર છે કારણકે બસ ફક્ત એટલું જ મહત્વનું છે.”

મને આ લઘુકથા ખાસ કરીને અતિ સુંદર લાગે છે. અંતે તો, જ્યાં સુધી શ્વાસ લઇ શકવાનો મોકો છે ત્યાં સુધી એક મનોહર અને શાંત જીવન જીવવામાં જ બધો સાર રહેલો છે.

અરે જો કદાચ પુન:જીવન ન પણ હોય, કે પછી જો સ્વર્ગ કે નરક પણ ન હોય (અંગત રીતે, હું સ્વર્ગ કે નરકમાં વિશ્વાસ ધરાવતો નથી જે છે તે અહી આ પૃથ્વી પર જ છે), તેનો કોઈ અર્થ નથી કારણકે એક અનંત અસ્તિત્વ આપણી રાહ જોઈ રહ્યું હોય છે. બધી જ નદીઓ અંતે દરિયામાં જ ભળી જતી હોય છે ભલેને તેનો પ્રવાહ ગમે તે દિશામાં કેમ ન હોય, વરસાદનું પ્રત્યેક બુંદ કાં તો તળાવ, નદીઓ, સરોવર કે સાગરમાં ભળી જતું હોય છે કે પછી જમીનમાં શોષાઈ જતું હોય છે. જો કશું જ ન થાય તો તે પાછું બાષ્પીભવન પામી મૂળ સ્રોતમાં પાછું જતુ રહેતું હોય છે. કોઈપણ રીતે, તે અતિસુક્ષ્મમાંથી અનંત બની જતું હોય છે.

આ પ્રકૃતિની પ્રકૃતિ છે. પ્રત્યેક સુક્ષ્મ વસ્તુઓ વિશાળતામાં સમાઈ જતી હોય છે અને તે દરેક તેનાં સ્રોતમાં તેનાં મૂળ સ્વરૂપે પાછી ફરતી હોય છે. આપણે પણ એક દિવસે આપણા મૂળ સ્વરૂપમાં પાછા ફરવાનું છે. આમાં કશું જીવવાકે મરવાનું છે જ નહિ, ફક્ત આપણા મૂળ સ્વરૂપમાં પુન:સ્થાપન પામવાની વાત છે. વેદોમાં તેને મોક્ષ કહ્યો છે અર્થાત દરેક મોહનો નાશ અને આ શરીર, તત્વો, અને સંબધો સહીતનાં દરેક બંધનોમાંથી મુક્તિ. મૃત્યુંથી જીવનનો અંત નથી આવતો, પરંતુ  જીવનની શરૂઆત થાય છે. બુંદ એક સાગર બની જાય છે અને દરેક અછત, સંઘર્ષ, ડર અને પીડાનું કાયમ માટે અતિક્રમણ થઇ જાય છે. સાગર સ્થિર રહે છે, તે સુકાઈ નથી જતો, તે વરસાદ કે સુર્યપ્રકાશની પણ રાહ જોતો નથી. તે આ બધા બંધનોથી પરે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. મૃત્યું એ કોઈ ઊંઘ નથી એ તો છે જાગૃતતા.

Death is not sleep but awakening.
I have only slipped away into the next room.
I am I, and you are you,
Whatever we were to each other, that we are still.

Call me by the old familiar name.
Speak to me in the easy way which you always used.
Put no difference into your tone.

Wear no forced air of solemnity or sorrow.
Laugh as we always laughed
At the little jokes that we enjoyed together.

Play, smile, think of me, pray for me.

Let my name be ever the household word that it always was.
Let it be spoken without an effort,
Without the ghost of a shadow upon it.

Life means all that it ever meant.
It is the same as it ever was.
There is absolute and unbroken continuity.

What is this death but a negligible accident?
Why should I be out of mind because I am out of sight?
I am but waiting for you, for an interval,
Somewhere very near,
Just round the corner.

All is well.
~Henry Scott Holland.
 

 Death is Nothing at All,  શિર્ષક વાળી, આ કોઈ એક માત્ર કવિતા જ નથી પણ મને તે એક સુંદર ઉપદેશ પણ લાગે છે. ચાલો આપણા જીવનને બહુ ગંભીરતાથી ન લઈએ. ચાલો ખુશ રહીએ, રમીએ, અને તેને હસી કાઢીએ. કશાયને વળગી રહેવા જેવું નથી. કુદરતને ઝૂમવા દો. જે છે તે છે.

એક મૃતપ્રાય માણસને એક ધર્મગુરુ મળવા માટે આવે છે. “શું તું તારી જાતને ભગવાનની ઈચ્છાને હવાલે કરે છે અને તેમને તું તારા તારણહાર તરીકે સ્વીકારે છે?”
“હા, ફાધર”
“શું તું શેતાન અને તેનાં કાર્યોનો ત્યાગ કરે છે?”
પેલો માણસ કશો જવાબ આપતો નથી.
“હું તને દોષમુક્ત કરવા માટે આવ્યો છું. મને કહે, શું તું શેતાન અને તેનાં કાર્યોનો ત્યાગ કરે છે? બોલ કે તું શેતાનને ધિક્કારે છે અને તેની બરાબર ધ્રુણા કરે છે,” ફાધરે એક જુસ્સા પૂર્વક કહ્યું.
“પૂજ્ય ફાધર,” પેલાં દર્દીએ કહ્યું, “જે પ્રકારનું જીવન હું જીવ્યો છું, મને નથી ખબર હું ક્યાં જઈને અટકીશ. માટે, મને નથી લાગતું કે આ કોઈ દુશ્મનો બનાવવાનો સમય હોય.”

થોડા અંશે રમુજ દરેક વસ્તુને દિવ્ય બનાવે છે. એટલાં માટે જ ઉપરનો ટુચકો છે. તમે જો કદાચ મૃત્યુંનો ભય અને પોતાનાં પ્રિયજનની ખોટનો સામનો કેવી રીતે કરવો વિશેનાં મારા પહેલેના લેખો ન વાંચ્યા હોય, તો આ રહ્યા તે, તમે તે અહી અને અહી વાંચી શકો છો.

ચાલો આપણે દરેક આપણા ભાગનું કામ કરી આ વિશ્વને વધારે સારું બનાવવા માટે પ્રાર્થના કરીએ. ચાલો આપણે દયાળુ, પ્રેમાળ અને આપનાર બનીએ. તેનો નાનકડો અંશ પણ કિંમતી છે. આવું જીવન મૃત્યું કરતાં પણ મોટું બની જતું હોય છે.

सर्वे भवन्तु सुखिन:, सर्वे सन्तु निरामया:|
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद दुःख भाग्भवेत||

પ્રત્યેક સચેતના શાંતિ પામે, દરેકજણ રોગમુક્ત બને.
આપણે સૌ દરેક જગ્યાએ ઉમદાપણાને જોઈએ, કોઈ પણ ક્યારેય દુ:ખ ન પામે.
(Image credit: Darko Topalski)
શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.


No comments:

Post a Comment

Share