Saturday, 19 July 2014

બાળઉછેર કેવી રીતે કરવો

તેમને સલાહ આપવા કરતાં પોતે તેનું પાલન કરો. જો તમે સાચા હશો તો તેઓ પણ તમને અનુસરશે.
ઘણાં માં-બાપ મને એ લખીને પૂછતાં હોય છે કે તેમને પોતાનાં બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ કે જેથી કરીને તેઓ દુનિયાની ચુનોતીઓનો સામનો કરવા માટે વધારે સારી રીતે તૈયાર રહે. તાજેતરમાં જ, મને એક માં-બાપે લખ્યું હતું કે:
મારો સવાલ એ છે કે, એક માં-બાપ તરીકે અમે અમારા બાળકોને આધ્યાત્મિકતા તેમને મૂંઝવણમાં મુક્યા વગર કેવી રીતે શીખવી શકીએ? મને મારા બાળકોને સ્વ-જાગૃતિનું સાધન તેમને વધારે પડતા વશમાં રાખ્યા વગર આપવાનું ગમશે...અમને લાગે છે કે આ દુનિયા અમારા માટે કઈક વધારે પડતી મૂંઝવણ ભરેલી છે, બાળકોને તેમની આગળની મુસાફરી માટે વધારે મજબુત પાયાની જરૂર છે...
પોતાનાં બાળકો યુવાન થાય ત્યારે એકદમ મજબુત અને સ્વતંત્ર બને એ દરેક માં-બાપની ચિંતા હોય છે. અને એ બિલકુલ સમજમાં આવે એવી વાત છે. ઘણાં માં-બાપ પોતાનાં બાળકો ધાર્મિક અને આધ્યાત્મિક બને એવું પણ ઇચ્છતાં હોય છે. અને એ પણ બરાબર છે. પરંતુ, મોટાભાગનાં માં-બાપ એવું માનતાં હોય છે કે વિધિઓ શીખવાડવાથી કે પછી ધર્મોપદેશ આપવાથી બાળકોને એક તાકાત અને દ્રઢ વિશ્વાસ મળી જશે. પણ તેવું તો ભાગ્યે જ થતું હોય છે. હું કોઈ ધર્મની વિરુદ્ધ નથી, કારણકે તે તો કોઈ પણ સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે અને ધાર્મિક મુલ્યોનું વહન કરવું એ વારસાને આગળ ધપાવવાનો એક રસ્તો છે. પણ જીવનમાં એનાંથી કઈક વિશેષ પણ છે.

એક ફારસી કવિ, સાદીએ, પોતાનાં જીવનનો એક અર્થપૂર્ણ પ્રસંગ કહ્યો છે. તેને લખ્યું છે:
હું એક ધર્મનિષ્ઠ બાળક હતો, પોતાની પ્રાર્થના અને ભક્તિમાં ખુબ જ ઉત્કટ હતો. એક રાત્રીએ હું મારા પિતા સાથે જાગરણ કરી રહ્યો હતો, પવિત્ર કુરાન મારા ખોળામાં હતુ. તે ઓરડામાં બીજા બધા ઝોંકા ખાતા હતાં અને થોડી વારમાં તો બધાં જ ઘસઘસાટ ઊંઘી ગયા, માટે મેં મારા પિતાને કહ્યું, "આ બધા કોઈ પોતાની આંખ ખોલીને કે હાથ ઉઠાવીને દુવા માંગવાના નથી. શું તમને લાગે છે કે આ બધા મરી ગયા છે." 
મારા પિતાએ કહ્યું, " મારા પ્યારા પુત્ર, હું ઈચ્છું છુ કે  આવી બીજા લોકોની જૂઠી નિંદા કરવા કરતાં તો કદાચ તું પણ સુઈ ગયો હોત તો સારું."
આ વાર્તાનો સાર આનાથી વધારે સારી રીતે કદાચ ન આપી શકાયો હોત. બાળકોને ધાર્મિક શાસ્ત્રો કે કથાઓનું રટણ કરાવવા કરતાં તો ત્રણ અગત્યના માનવ મુલ્યોનું પાલન કરવામાં તેમને મદદ કરવી ક્યાંય વધારે સારી બાબત છે. અને આ રહ્યા તે ત્રણ મુલ્યો:

૧. દયા
પોતાનાં પ્રિયજનો પ્રત્યે દયાભાવ રાખવો એતો દયાનું એક નાનું  રૂપ છે. સાચી દયા તો દરેક સચેતન પ્રત્યે સહાનુભુતિની ભાવના રાખવાનું નામ છે,  તેનો  અર્થ એ છે કે આપણી આજુબાજુ રહેલી દરેક વ્યક્તિ પ્રત્યે સમાનુભુતિ  રાખવી.

દયાને એક પ્રતિકાર તરીકે જુવો. જયારે આપણે એવાં લોકોનાં સંપર્કમાં આવતાં હોઈએ છીએ કે જેઓ આપણાથી ઓછા નસીબદાર હોય, કે પછી એવાં લોકો કે જેઓએ આપણને નુકશાન પહોંચાડ્યું  હોય, ત્યારે આપણે તેનો પ્રત્યુત્તર કેવી રીતે કરવો તેનાં માટે આપણી પાસે એક પસંદગી હોય છે. દયા એમાંનો એક વિકલ્પ છે.

૨. કર્મ
કર્મનો મારો અર્થ એ નથી કે તમારે બાળકોને સારા કર્મો કે ખરાબ કર્મો એટલે શું એ શીખવવાનું છે. મોટાભાગનાં બાળકોને પોતાનાં માં-બાપ કરતાં વધારે સારી રીતે અને સ્પષ્ટ રીતે કર્મ એટલે શું તેની ખબર હોય છે. કારણકે માં-બાપ ઘણી વાર સત્યને પોતાની અનુકુળતા મુજબ મરોડી નાંખતા હોય છે જયારે બાળકો હજી એ યુક્તિ શિખ્યા હોતા નથી. કર્મનો મારો અર્થ, અહી આ સંદર્ભમાં, એ છે કે તેમને એ સમજાવવામાં મદદ કરવી કે તેમનાં ભવિષ્યનો આધાર વર્તમાનમાં તેઓ જે કઈપણ પસંદગીઓ કરશે તેનાં ઉપર રહેશે.

જો આપણે તેમને એ સમજવા માટે મદદ કરી શકીએ કે તેઓ પોતાનાં જીવનમાં કરેલી પસંદગીઓ માટે પોતે જ જવાબદાર હોય છે તો મોટાભાગનાં બાળકો એક મજબુત અને વધુ સારી રીતે જવાબદાર નાગરિક તરીકે જ મોટા થશે. અનેક યુવાનો અને પુખ્ત વયની વ્યક્તિઓ, કે જેમનું બાળપણ સુંદર રીતે વીત્યું હોય છે તેઓ પણ આત્મ-દયા અને  આત્મ-નિષેધનું શરણું  લેતાં  થઇ  જતાં  હોય  છે. કર્મનો અર્થ છે આપણે આપણી  કરેલી પસંદગીઓ માટે સ્વયં જવાબદાર હોઈએ છીએ.

૩. સચ્ચાઈ
વર્તન, શબ્દ, અને કાર્યોની સચ્ચાઈ એ કોઈપણ વ્યક્તિ પાલન કરી શકે એવો અને સૌથી મોટો સદ્દગુણ છે. એ સરળ નથી પરંતુ તે આપણને સૌથી વધુ સમૃદ્ધ બનાવતો રસ્તો છે. સચ્ચાઈનો સૌથી મોટો બદલો છે શાંતિ  અને આંતરિક શક્તિ. સચ્ચાઈ દ્વારા હું એ નથી કહી રહ્યો કે તમારે પોતાને કોઈ અંગત જીવન ન હોવું જોઈએ, કે તમારે તમારા મનમાં જે કઈ પણ હોય તે સંપૂર્ણપણે બધું જ કહેવું જોઈએ, કે તમારે તમારી વાણીને નિર્દયતાપૂર્વક વાપરવાની છે. ના, એનો અર્થ છે બને તેટલું જુઠથી મુક્ત રહેવું.

સત્યનો અર્થ છે બીજાને જે અસત્ય છે તેમાં વિશ્વાસ કરવા માટે છેતરવા નહિ. લોકોને તમારા વિષે, તમારા જીવન વિષે ધારણાઓ રહેવાની જ,  તમારે તેમની પૂર્વધારણાઓને સ્પષ્ટ કરવા માટે તેમની પાછળ-પાછળ નથી ફરવાનું. પણ તમે તમારા વિષે એવું કઈ પણ કહો કે જે તમને ખબર હોય કે તે સાચું નથી, તો તે છે જુઠ.

આ ત્રણ મુલ્યો વિષે સૌથી અઘરી બાબત  જો કોઈ હોય તો તે છે તેનો ઉપદેશ નહિ આપતાં તેનું પાલન કરવું. તમારા બાળકો તમારું ખુબ જ બારીકાઇથી અવલોકન કરશે કે શું તમે દયા, કર્મ અને સચ્ચાઈનું પાલન કરી રહ્યા છો. જો તમે કરી રહ્યા હશો તો આજે નહિ તો કાલે તેઓ પણ તેમ જ કરશે. જો તમે નહિ કરી રહ્યા હોય, તો તમારા ગમે તેટલાં ઉપદેશનો પણ કઈ અર્થ નહી વળે. જો તમે ધ્યાન કરતાં હશો કે મંદિરે જતાં હશો અને તેઓ જો તમને ખુશ અને શાંત જોta, તો તેઓ પણ આપોઆપ તમને અનુસરશે. બાળકો જાણતા હોય છે, તેઓ અવલોકન કરતાં હોય છે, તેઓ અપનાવતાં હોય છે, તેઓ તેને સમજતા હોય છે, અને તેઓ તેનું પાલન કરતાં હોય છે.

એક પિતા પોતાનાં પાંચ વર્ષનાં બાળક સાથે ચર્ચમાંથી પાછાં ફરતા હોય છે.
"પહેલાં જે પાદરી હતાં તે ઘણાં સારા હતાં. અત્યારે જે છે તે તો એકદમ કંટાળાજનક પ્રવચન આપે છે." તેને કહ્યું.
"ડેડી," નાના બાળકે કહ્યું, "મને તો લાગ્યું કે આપણે એને જે એક પૈસો આપ્યો છે તેનાં માટે તો તે ઘણાં સારા હતાં."

આપણે એટલા માટે સહન કરવું પડતું હોય છે કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા બાળકો આપણું અમુક જ વર્તન, મુલ્યો, કે શીખ  ઉપાડે. જો સત્ય કોઈ અચોક્કસ શરતે કહેવાનું હોય તો, જયારે બાળઉછેરની વાત આવતી હોય ત્યારે, ત્યારે દંભ માટે કોઈ અવકાશ નથી રહેતો. તમે જો દંભ કરતાં હશો તો તમારા જોખમે જ કરજો.

એક ઉપદેશ આપનાર પોતાનાં વર્ષો સુધી કરેલા કાર્યને દસ ટુંકા મુદ્દામાં આવરી લઇને તેને નામ આપ્યું બાળઉછેરનાં દસ નિયમો. તે ખુબ જ ઉત્સાહપૂર્વક બધા માં-બાપને પોતાનું આ ફરફરિયું વહેંચવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તેમને કઈ રીતે પોતાનાં બાળકોનો ઉછેર કરવો જોઈએ. થોડા સમય પછી તે પોતે પરણ્યો.

પોતે બે બાળકોનો  પિતા બન્યાના થોડા વર્ષો પછી, તેને લાગ્યું કે તેને પોતે જે સંશોધન કરેલું હતું તેનાં શીર્ષકમાં ફેરફર કરવો જોઈએ જેથી કરીને પોતાની આ વિષયમાં જે સમજ છે તે વધુ સારી રીતે તેમાં દેખાય. અને માટે તેને હવે તેનું શીર્ષક રાખ્યું બાળઉછેરનાં દસ સૂચનો.

થોડા વર્ષો પસાર થયા અને પોતાનાં બાળકો હવે યુવાન થયી ગયા હતાં. ફરી, તેને લાગ્યું કે તેનું પેલું શીર્ષક છે તે બરાબર નથી અને તેને તે બદલીને હવે રાખ્યું કે બાળઉછેરના અનિશ્ચિત એવાં  દસ વિચારો.

હું આશા રાખું કે તમે સમજી રહ્યા છો હું અહી શું કહેવા માંગું છું.  અનુભવ જે શીખવે છે  તેવું કોઈ પણ શીખવી શકતું નથી. બીજું એ કે હંમેશા કોઈ એક સમાન પદ્ધતિઓ નથી હોતી. કોઈ શીખ સંપૂર્ણ નથી હોતી. અને આધ્યાત્મિકતા કઈ શીખવી શકાતી નથી. તેનું ફક્ત પાલન કરી શકાતું હોય છે અને  તે દ્વારા જ તે જાણી શકાતી હોય છે.

મારે કોઈ દરિયામાં ડૂબકી મારીને તમારા માટે આ વિષય બાબતમાં જો કોઈ મુલ્યવાન મોતી શોધી લાવવાનું હોય તો તે છે: તમે જે કઈ પણ તમારા બાળકોને શીખવવા માંગતા હોય તો તેનું તમે પોતે પાલન કરો. તમે તેમને જે બનાવવા માંગતા હોય તે તમે પોતે બનો. કહો નહિ, કરી બતાવો. ભાષણ નહિ, દોરવણી આપો. આખરે તો, તેઓ તમારા જ બાળકો છે. તે તમને ઓળખે છે.

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.


No comments:

Post a Comment

Share