Saturday, 30 August 2014

સૌથી મોટામાં મોટો ભય

અજાણ્યાપણાના ભય કે પછી મૃત્યુનો ભય, કશું ગુમાવી બેસવાના કે પછી નિષ્ફળતાના ભયની પણ પેલે પાર એક બીજો ભય રહેલો હોય છે. તે છે સૌથી મોટામાં મોટો ભય. જાણવા માટે વાંચતા રહો.
“હું જયારે પણ બોક્સિંગ રીંગમાં ઉતરું ત્યારે મને ભય લાગતો હોય છે, પરંતુ ભયની સાથે આ રીતે જ કામ લેવાનું હોય છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારા પગને બરાબર જમીન ઉપર ખોડો, અને તમારું મોઢું બરાબરનું કચકચાવો અને બોલો, ‘ચલ, જઈએ.’ ” આ શબ્દો છે માઇક ટાયસનના. ટુકમાં તેનો સાર કહેવો હોય તો એ જ છે કે: ‘ચલ જઈએ.’ ભયનું સૌથી મોટું મારણ હોય તો એ છે ભયભીત થવા કરતાં કાર્યાન્વિત થઇ જવું.

તમે જો આજુબાજુ નજર કરશો તો તમને જણાશે કે મોટાભાગનાં લોકો તેમનું સમગ્ર જીવન ભયના ઓથાર હેઠળ જીવે છે. ઘણાં લોકોને ગુમાવી બેસવાના ડરનો, પોતાનો અસ્વીકાર થવાના ડરનો, નિષ્ફળતાના ડરનો એક લકવા લાગેલો હોય છે, તો કોઈને ઘરડાં થવાનો ડર લાગે છે, પણ આટલાં માત્ર જ કઈ પ્રાથમિક ડર નથી. મેં અવલોકન કર્યું છે કે એક એવો ભય છે કે જે આ બધા ભયને ભેગા કરવામાં આવે તો પણ તે તેની સામે વામણા લાગે. અને, ના, હું એવું નથી માનતો કે મૃત્યુનો ભય એ સૌથી મોટો ભય હોય, એ કદાચ અનિવાર્ય ભય હોઈ શકે છે, પરંતુ આપણે આપણું જીવન સતત મૃત્યુની ચિંતા કરતાં કરતાં નથી જીવતાં હોતા. ખરું કે નહિ? વહેલાં કે મોડા, દરેકજણ અંતે તો મૃત્યુંને સ્વીકારી જ લેતાં હોય છે.

વાસ્તવમાં, મેં એકવાર એક ડોક્ટરનો વાર્તાલાપ વાંચ્યો હતો કે જેણે મરણતોલ બીમારી લાગુ પડી હોય એવાં રોગીઓની ઈસ્પિતાલમાં કામ કર્યું હતું. તેણે કહ્યું હતું કે પોતાની ૪૦ વર્ષની કારકિર્દીમાં તેને સૌથી વધારે વિસ્મય પમાડે એવી કોઈ વાત હોય તો તે એ હતી કે તેને ક્યારેય મરણતોલ બીમારી લાગુ પડેલાં દર્દીની આંખમાં ડર કે સંઘર્ષ નહોતો જોયો. તેઓ હંમેશાં એક સ્વીકૃતિ સાથે જીવતાં હતાં અને તેમનાં ચહેરા ઉપર એક ઊંઘતા બાળકના ચહેરા ઉપર હોય તેવી શાંતિ અને ચમક હતાં, વિશેષ કરીને તેમની અંતિમ ક્ષણોમાં તો ખાસ.

હું જે મૂળ ભયની વાત કરી રહ્યો છું તે સહજ નથી કે સ્વાભાવિક પણ નથી, તે જન્મજાત પણ નથી હોતો, તે આપણે સૂક્ષ્મતાથી, સતતપણે, ધીમે-ધીમે શિખતા હોઈએ છીએ. તે એટલો શક્તિશાળી હોય છે કે સમયની સાથે તે આપણી પ્રકૃતિનો એક ભાગ બની જાય છે. જો જીવન એક ભાષા હોય અને દરેક પ્રકારનાં ભય જો શબ્દો હોય તો હું જે ભયની વાત કરી રહ્યો છું તે અક્ષર હશે – તેમાં બાકીના બધા જ ભય રહેલાં હોય છે.

અને તે છે ખુશીનો ડર. હા, તે આપણો પ્રાથમિક ડર છે.

તમે જન્મ્યા તે ક્ષણથી તમને એક સરખામણીની ફૂટપટ્ટીથી માપવામાં આવે છે. શિક્ષકો, માતા-પિતા, ઉપદેશકો, સંબધીઓ, સહકર્મચારીઓ, મિત્રો, સમાજ – કોઈ વખત ફક્ત શુભ હેતુ સાથે – સતત તમને તમારા દોષોની યાદ અપાવતાં રહે છે. આપણે સાશ્વતપણે આપણી જાતનું વિશ્લેષણ કરતાં રહેતા હોઈએ છીએ અને તે પણ આપણી ખુદની પ્રગતિની સામે નહિ પરંતુ અન્ય લોકોની ક્ષમતા સાથે.

તે મારા કરતાં વધારે સારું નૃત્ય કરે છે, તે વધારે હોશિયાર છે, તે વધારે મજબુત છે, તે વધારે સુંદર છે, તે વધારે શ્રીમંત છે વિગેરે. આ સરખામણી ભાગ્યેજ પ્રેરણાદાયી હોય છે અને મોટાભાગે તો તમારા ગૌરવને હણનારી હોય છે. તે તમને એવો અનુભવ કરાવડાવે છે કે જાણે તમે સીડીનું સૌથી નીચેનું પગથીયું ન હોય. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં પ્રયત્ન નહિ પણ સિદ્ધિનો સત્કાર થાય છે.

જો તમે પ્રથમ ક્રમાંક ચુકી જાવ અને માત્ર થોડા આંશિક તફાવતથી જો તમારો બીજો ક્રમાંક આવે તો એ પુરતું નથી. તમને તમારા વ્યક્તિગત પ્રદર્શન માટે અભિનંદન નહિ  આપવામાં આવે, એથી ઉલટું તમને અંતે બીજો ક્રમાંક પણ આવ્યો તો ખરો એમ કહીને આશ્વાસન આપવામાં આવતું હોય છે. આવી સરખામણી તમને એવું અનુભવડાવે છે કે તમે હજી મંઝીલે નથી પહોંચ્યા. કે તમારી આ સમગ્ર મહેનત પુરતી નથી. અને આ લાગણી તમારા કલ્યાણ ઉપર એક દોષાત્મક અસર કરે છે.

સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ આ– હું નથી સારો કે હું નથી સારી–ની લાગણી બે વિરોધી બળ, ભય અને સ્વ-અભિપુષ્ટિ વચ્ચે એક યુદ્ધ માટેનું ચિરસ્થાયી મેદાન તૈયાર કરે છે. બીજી બાજુ, આપણે આપણી જાતને અભિપુષ્ટિ દ્વારા કે હું એટલો બધો ખરાબ નથી/એટલી બધી ખરાબ નથી,  કહી એક જાતનું આશ્વાસન આપવા લાગીએ છીએ, અરે મને બીજો ક્રમાંક તો મળ્યો ને, હું થોડી ખુશીને તો લાયક છું જ. તે આપણને એકદમ સંવેદનશીલ અને તણાવગ્રસ્ત બનાવી દે છે, આપણામાં પછી સર્જનાત્મક ટીકા પ્રત્યે પણ અનિચ્છા આવી જાય છે, અને આપણે આપણી સ્વ-રક્ષા માટે એક દિવાલ રચી દઈએ છીએ જેનાંથી અનેક સારી વસ્તુઓ પણ અસરકારકપણે બહાર રહી જતી હોય છે.

અને બીજી બાજુ, ખુશીનો ડર આપણને એવું અનુભવડાવે છે કે હું જે સફળતાનાં સ્વપ્નાંઓ જોઉં છું તે કદાચ સિદ્ધ કરી શકું તેમ નથી, હું આ ખુશી અને આટલા બધા પ્રેમ અને કાળજીનાં આનંદને લાયક હોઈ જ શકતો નથી. જયારે સારી બાબતો બને ત્યારે આપણે માનીએ છીએ કે એ તો નસીબના લીધે છે, કાં તો પછી એક અકસ્માત છે, આટલાં સારાને કદાચ આપણે તો શક્યત: લાયક હોઈ જ શકતા નથી. આ છે ખુશીનો ભય. અને આ ભય દરેકજણને પોતાનાં સ્વપ્નાઓનો પીછો કરતાં રોકી દે છે, અને આ વાત તેમને પોતાની સંપૂર્ણ સંભાવનાનો સાક્ષાત્કાર કરવા માટે એક અવરોધ બની જાય છે કારણ કે, આટલાં બધા સમય સુધી પોતાની જાતને નીચી ગણતા રહેવાને લીધે હવે તેમને એવું માનવાનું ચાલુ કરી દીધું હોય છે કે પોતે ખુશીના ઉમેદવાર નથી.

તમારી સાથે આવું ન થવા દો. તમે શેની રાહ જુઓ છો? અસહમતીઓ હોવી એ તો સામાન્ય બાબત છે, અરે કોઈ કોઈ વાર દલીલો થઇ જાય એમાં પણ કશો વાંધો નથી, પણ પોતાની જાતને બરતરફ કરી નાંખવી એ બિલકુલ બરાબર નથી. જો તમારે આ ખુશીના ભયથી ઉપર ઉઠવું હોય, કે જેથી કરીને તમે તમારું જીવન સંપૂર્ણપણે જીવી શકો, તો બીજા લોકોને તમે તમને નાના સમજવાની મંજુરી ન આપશો. અને છતાં પણ જો તેઓ તેવું કરે, તો તેઓ તમારા જીવનનો ભાગ ન હોવા જોઈએ. તેમનાંથી આઘા જતાં રહો. કોઈ રસ્તો શોધી કાઢો.

ખુશીનો ડર તમારી જાતમાં વિશ્વાસ નહિ કરવાથી આવતો હોય છે, એ પોતાની જાતને હળવાશથી લેવાથી આવતો હોય છે. અને, જો તમે બીજા લોકોને એવી છૂટ આપશો કે તે તમને એક કચરાની જેમ ગણે અને તેવી વર્તણુંક કરે, અને તમને એકદમ હળવાશથી લે, તો હું તમને કહી દઉં કે તો પછી તેઓ એવું જ કરશે. તમારી આજુબાજુ જે સફળ અને ખુશ લોકો છે તેમની તરફ જુઓ, અને તમને એક સામાન્ય લક્ષણ દેખાશે: તેઓ તેમની જાતને એક સન્માનપૂર્વક રાખતાં હશે. જો તમે તમારી જાતને પ્રેમ કરતાં શીખશો તો તમને ખુશીનો ભય નહિ સતાવે. બહુ ઓછા લોકો ખુશીઓનો આનંદ માણતાં હોય છે, મોટાભાગના લોકોને તેને ખોઈ દેવાનો ડર લાગતો હોય છે, અને તે ડરમાં ને ડરમાં તેઓ મોટાભાગે તેને હંમેશાં ખરેખર ગુમાવી પણ દેતા હોય છે.

રજાના દિવસોની શરૂઆત પહેલાં એક પાદરી પેટ્રોલ પંપ ઉપર રાહ જોતા ઉભા હતાં. પેટ્રોલ ભરનારાઓ પોતાનાથી બનતું બધું જ કરી રહ્યા હતાં પણ ત્યાં ગાડીઓ જ ઘણી બધી હતી. અંતે તે પાદરીનો વારો આવ્યો.

“પૂજ્ય,” પેટ્રોલ ભરવામાં મદદ કરનાર વ્યક્તિએ કહ્યું, “ તમારે આટલી રાહ જોવી પડી માટે હું માફી માંગું છું. એવું લાગે છે કે દરેકજણ લાંબી મુસાફરીએ નીકળવા માટે છેક છેલ્લી ક્ષણ સુધી રાહ જુવે છે.”
પાદરી હસ્યાં, “હું સમજુ છું તું જે કહે છે તે. મારા ધંધામાં પણ એવું જ છે.”

તો તમે શેની રાહ જુવો છો? જીવન તો પસાર થતું જ રહેશે, સમયની ટીક ટીક તો ચાલુ જ રહેવાની, જો તમે અત્યારે જ તમારા ખુશીના ભયને બાજુ પર નહિ રાખો તો પછી તમે એવું કરવાની હિંમત ક્યારેય પાછળથી એકઠી નહિ કરી શકો. ગાંધીજીએ એકવાર કહ્યું હતું, “ભય એ ખરો દુશ્મન છે. આપણે માનીએ છીએ કે ધ્રુણા છે; પણ હકીકતમાં ભય છે તે ખરો દુશ્મન છે.” જો તમે દુશ્મનને તમારી ઉપર ચાલવા દેશો, તો તેઓ તમને કચડશે જ. ભય એક ધ્રુણા અને તિરસ્કારની ભાવનાને પેદા કરે છે, અને સૌથી ખરાબ બાબત તો એ થાય છે કે, આ ભયથી તમે કાં તો પાગલની જેમ પોતની જાત પ્રત્યે વ્યાકુળતાથી સજાગતા અનુભવતાં થઇ જાવ છો કે પછી અપ્રીતિકર ઢંગથી પોતાની જાતની ટીકા કરનાર થઇ જાવ છો, આ બન્નેમાંથી કઈ પણ થાય, એ તમારામાં એક અધૂરા હોવાની લાગણી જન્માવે છે.

જીવનને જે કઈ પણ ખુશીઓ તમને આપવાની છે તે દરેકને તમે લાયક છો. કેમ? કેમ કે, તમે શ્વસો છો અને જીવંત છો તેનો અર્થ જ છે કે કુદરત તમને ઈચ્છી રહ્યું છે. બ્રહ્માંડ તમને ઈચ્છી રહ્યું છે. દરેકજણથી ભૂલ થઇ જાય છે. દરેકજણથી અમુક વાર કશુક બગડી જતું હોય છે, તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તમે સામાન્ય છો, તમે માનવ છો. કોઈપણ વ્યક્તિ તમને ઓછા હોવાનો અનુભવ કરાવીને તમારી અંદર ભય ન જન્માવી જવું જોઈએ. “જેને કોઈ પાપ ન કર્યું હોય તે પહેલો પત્થર મારે.” તમારી અપ્રતિમ સંભાવનાથી, તમારી ખુશીઓથી ડરશો નહિ; જાવ તેનાં ઉપર તમારો દાવો કરો.

તમારું મોઢું બરાબરનું કચકચાવો અને બોલો, ‘ચલ, જઈએ.’

શાંતિ.
સ્વામી
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

Saturday, 23 August 2014

દયા ઉપર થોડી વાત

દયાની ઉંચાઈ શું હોઈ શકે? એક નિર્દોષ, નિષ્કલંક મસીહાએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું.
“ શું તમે દયાવાન છો?”
“મોટાભાગે હોઈએ છીએ,” તેઓ જવાબ આપે છે.
“શું તમે માફ કરો છો?”
“હા, મોટાભાગે કરીએ છીએ,” તેઓ જવાબ આપે છે.

હું જયારે પણ કોઈને ઉપરોક્ત બે સવાલો કરું છું ત્યારે મને મોટાભાગનાં લોકો આ જ જવાબ આપતાં હોય છે. જો તમને સાચું કહું તો, જયારે પણ આપણે ક્યારેક-ક્યારેક દયાવાન કે માફી આપનાર બનતાં હોઈએ છીએ ત્યારે તેવું આપણે ખરેખર તો આપણી અનુકુળતાએ જ કરતાં હોઈએ છીએ, એનો અર્થ એવો થાય છે કે આપણે હજી પણ એવું વિચારતા હોઈએ છીએ કે દયા કરતાં હજી પણ વધારે વ્યાજબી પસંદગી હોઈ શકે છે. સાચી દયા એ કોઈ કારણ કે કોઈ ચેષ્ટા ઉપર આધારિત નથી હોતી, એ ફક્ત એક સદ્દગુણ છે, એક પ્રતિભાવ, એક લાગણી, એક અનુભૂતિ, કે જેને આપણે બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ પસંદ કરતાં હોઈએ છીએ.

હું જાણું છું આ કોઈ આદર્શ દુનિયા નથી અને, વર્તમાનમાં અને હાલનાં દિવસોમાં, દયા અને
માફીને એક નબળાઈ તરીકે ગણવામાં આવે છે, પણ ચાલો, થોડો સમય કાઢીને બાઈબલમાંથી નીચેનો ફકરો વાંચીએ. તમે જો આ પહેલાં પણ આ વાત અસંખ્ય વાર વાંચી હોઈ શકે છે તેમ છતાં ફરી એકવાર વાંચો અને આ વાતને તમારી અંદર ઊંડે સુધી ઉતરવા દો.

પિલાત, જિસસને મુક્ત કરવાની રાહ જોઈ રહ્યો હતો, તેને તેમણે (જે લોકો જિસસને સૂળીએ ચડાવવા માંગતા હતાં તેમને સંબોધીને) ફરીથી કહ્યું, પણ તેઓ તો ફક્ત એક જ નારો લગાવતાં રહ્યાં, “તેને સૂળીએ ચડાવો! સૂળીએ ચડાવો!”

પિલાતે તેમને ત્રીજી વખત કહ્યું, “કેમ? આ માણસે શું ખોટું કર્યું છે? મને તો તેનામાં મોતની સજા કરવા જેવું કશું પ્રમાણભૂત લાગતું નથી. માટે, હું તો તેને ચાબૂક ફટકારીને છોડી દઈશ.”

પણ તેઓએ તો દબાણ ચાલુ રાખ્યું, ઊંચા અવાજે બસ જિસસને સૂળીએ ચડાવવાની માંગ ચાલુ જ રાખી. અને અંતે તેમનો અવાજ જીતી ગયો. માટે પિલાતે તેમની ઈચ્છા માન્ય રાખી અને એક બીજા ગુનેગારને કે જે બળવો અને ખૂનના ગુના બદલ જેલમાં હતો તેને તેમની ઈચ્છા મુજબ મુક્ત કર્યો. પરંતુ જિસસને તેને તેમની ઈચ્છાને હવાલે કર્યા. (લ્યુક ૨૩:૨૦ – ૨૫)

બીજા બે ગુનેગારોને પણ જિસસની સાથે સૂળી પર ચડાવવાનો આદેશ આપ્યો. જયારે તેઓ સ્કલ નામના સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં તેમને પેલાં બે ગુનેગારો સાથે ક્રોસ પર ચડાવવામાં આવ્યા, એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ. ત્યારે જિસસે કહ્યું, “હે પરમ પિતા, તેમને માફ કરજે, કારણ કે તેમને નથી ખબર કે તેઓ શું કરી રહ્યા છે.” અને તેઓએ પર્ચી ફેંકીને તેમનાં વસ્ત્રો પણ કોણ લેશે તે નક્કી કરી કાઢ્યું.

લોકો ત્યાં ઉભા રહ્યા અને જોતા રહ્યા, અરે નેતાઓ પણ તેમનો ઉપહાસ કરતાં રહ્યાં: “તેને બીજાને બચાવ્યા છે; જો તે ભગવાનનો મોકલેલો મસીહા હોય તો આજે તે પોતાની જાતને પણ બચાવી લે!” સૈનિકો પણ જિસસની મજાક કરતાં રહ્યાં.
(લ્યુક ૨૩;૩૨-૩૬)

“હે પિતા, આ લોકોને માફ કરજો, કારણ તેઓ પોતે શું કરી રહ્યાં છે, તેની તેમને ખબર નથી.” નાઝરથનાં જિસસે તેમને મળેલી અત્યંત દર્દનાક અને મરણતોલ પીડાની સજાનાં પ્રત્યુત્તરમાં કહ્યું. તેમને થયેલાં અન્યાય માટે આ તેમનો પ્રતિભાવ હતો. અને પછી શું થયું? “ અને તેઓએ પર્ચી ફેંકીને તેમનાં વસ્ત્રો પણ કોણ લેશે તે નક્કી કરી કાઢ્યું.”

જે લોકોએ જિસસની મજાક ઉડાવી, જેમને તેમનાં ઉપર કાંટાળો તાજ મુક્યો, જેમને જિસસને ક્રોસ પર ચડાવી ખીલ્લા ઠોક્યા, તે બધાને જિસસે માફ કરી દીધાં. પણ, આટલું જાણે કે પુરતું ન હોય તેમ સત્તા અને લાલચથી અંધ થયેલાં એવાં તેઓએ પાસા ફેંકીને એ પણ નક્કી કર્યું કે કયા સૈનિકનાં ભાગે જિસસનાં કયા કપડા આવશે.

આ એક જ ચિત્રની અંદર, તમે આપણી દુનિયાની બે ચરમસીમાઓને જોઈ શકો છો. એક બાજુ જિસસની કરુણા છે કે જે બતાવે છે કે કોઈ પોતે જેને આધીન થયેલાં છે તેનાંથી કેટલું ઉંચે ઉઠી શકે છે તેની કોઈ સીમા નથી, અને બીજી બાજુ છે સૈનિકોની લાલચ, અજ્ઞાનતા, અને ક્રુરતા જે દર્શાવે છે કે માણસને નીચે પડવાની પણ કોઈ સીમા નથી.

માનવજાતનાં સમગ્ર ઈતિહાસ દરમ્યાન, સારા લોકોનો મજાક અને ઉપહાસ થતો આવ્યો છે, તેમનો ઉપહાસ કરવામાં આવ્યો છે, તેમનાં ઉપર વિવાદ કરવામાં આવે છે, તેમને ખુબ જ અન્યાયીપણે સજા કરવામાં આવે છે, મારવામાં આવે છે, અરે મારી પણ નાંખવામાં આવે છે. કોઈએ મને પૂછ્યું પણ હતું કે તેમનાં બલિદાનથી કયો હેતુ સરતો હોય છે?

“વારુ,” મેં કહ્યું, “જિસસના બલિદાનને કારણે, એક બિલિયનથી પણ વધુ લોકો આજે પ્રેરણામય જીવન જીવી રહ્યા છે, ૨૦૦૦ વર્ષ પછી પણ. અને બુદ્ધે પોતાનો રાજ્ય ત્યાગ કર્યો માટે આજે પણ ૫૦૦ મિલિયન લોકોને બુદ્ધનાં જ્ઞાનનો ફાયદો મળી રહ્યો છે.”

દયા અને માફી આ બે બલિદાનનાં સમાનાર્થી શબ્દો છે. જયારે તમે માફ કરો છો, ત્યારે ક્યાંક તમે તમારી જાતનાં અસ્તિત્વનાં કોઈ એક ભાગનું, તમારા સન્માનનું, તમારા ગૌરવનું, તમારી જાતનું એક બલિદાન આપતાં હોવ છો. પણ, માફ કરવાથી તમે તમારા અહંકારના બંધનથી પણ પેલે પાર ઉઠી શકો છો. વધુમાં, બલિદાન એ કોઈ વેપાર નથી, તમે બદલામાં તમારા માટે કશી અપેક્ષા ન રાખો, આ તો એક માનવપ્રેમ છે, એક પરોપકારનું કાર્ય.

મને એવું નહિ પૂછતાં કે સામી વાળી વ્યક્તિ તમારી દયાને લાયક જ ન હોય તો શું કરવાનું કે જો એ તમારી દયાને ગણકારે પણ નહિ તો શું કરવાનું? કારણકે જો તમને હજી પણ આ સવાલો સતાવતા હોય તો તમે જિસસનું જે ઝનુન હતું તેને તમારા હૃદયમાં ઊંડે સુધી હજી નથી પહોંચાડ્યું. તેને ત્યાં સુધી જવા દો. ઉપરોક્ત ફકરાઓ ફરીફરીને વાંચો, તમને જેટલી જરૂર પડે તેટલી વખત વાંચો કાં તો પછી જ્યાં સુધી તમારી આંખમાંથી એક આંસુ ન ખરી પડે ત્યાં સુધી વાંચો અને તમને ખબર પડશે કે હું ખરેખર શું કહી રહ્યો છું.

એક યુવાન માણસને લુટી લઈને માર મારવામાં આવ્યો અને રસ્તા ઉપર મરવા માટે છોડી દેવાયો.

એ ત્યાં આગળ ઘાયલ અને મૂર્છિત અવસ્થામાં પડ્યો હતો, અને ત્યાંથી એક માણસ પસાર થયો, કે જે મનોચિકિત્સક હતો, તે તરત તેની પાસે ગયો અને વિસ્મયતાપૂર્વક બોલ્યો, “હે ભગવાન, જેણે પણ આવું કર્યું છે તેને ખરેખર મદદની જરૂર છે!”

એકને મદદની જરૂર છે અને બીજાને દયાની, કોઈ પણ રીતે, તે બન્નેને મદદની જરૂર છે. આપણા ઉદાહરણમાં, જો પીડિત વ્યક્તિને મદદ ન મળી તો તે મૃત્યું પામી શકે છે અને ગુનેગારને જો મદદ ન મળી તો, તે બીજાને પણ મારી શકે છે. કોઈ પણ રીતે, આમાં દુનિયાને જ ખોટ છે.

ઉપનિષદોમાં આપણી દુનિયા માટે એક શબ્દ છે – वसुधैव कुटुम्बकम् (મહોપનીષદ ૬. ૭૧-૭૩), સમગ્ર દુનિયા એક પરિવાર છે. આ એક ગ્રહ છે, એક દુનિયા છે, એક પરિવાર છે. ચાલો આપણે આપણા ભાગે આવતું કામ કરીએ.

દયાને કોઈ કારણ કે ઇનામની જરૂર નથી, ફક્ત ઈચ્છાની, શિસ્તની જરૂર છે. માફીને તો શિસ્તતાની પણ જરૂર નથી ફક્ત એક વિશાળ હૃદયની જ જરૂર છે, એટલી વિશાળતા કે જે દરેકની ભૂલોને શોષી લે. જયારે તમારું હૃદય એક દરિયા જેટલું વિશાળ હશે, તો અન્યની શાર્ક જેવડી ભૂલો અને ટુના (કાંટાવાળી સમુદ્રી માછલી) જેવી હાજરી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું તરંગ સર્જ્યા વગર પણ સહઅસ્તિત્વ ધરાવી શકશે

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

Saturday, 16 August 2014

વિચારોની શરીર રચના

વિચારો મોજા જેવા હોય છે, તે કદાચ આમંત્રણ આપતાં હોય એવાં લાગી શકે પરંતુ તે હંમેશા ક્ષણિક અને અસ્થિર જ રહેતા હોય છે.
થોડા સમય પહેલાં, મેં બે પ્રકારના ધ્યાન ઉપર ટૂંકમાં લખ્યું હતું, જેમાં ચિત્તએકાગ્રતા અને ચિંતનાત્મક ધ્યાનની વાત આવે છે. ચિંતનાત્મક ધ્યાનમાં એક મહત્વની ક્રિયા – વિચારની પ્રકૃતિ ઉપર ચિંતન કરવાની હોય છે, અને સાધકનાં જીવનમાં એક અતિ મહત્વની ક્ષણ એ આવતી હોય છે કે જયારે તેને એ વાતનો સાક્ષાત્કાર થઇ જાય છે કે વિચારોને તેનો પોતાનો કોઈ સાર હોતો નથી.

વિચારો સારા કે ખરાબ, સાચા કે ખોટા, નૈતિક કે અનૈતિક હોતા નથી, વિચારો ફક્ત વિચારો જ હોય છે. આપણે વિચારોને કેવી રીતે અનુસરતા હોઈએ છીએ કે તેનો કઈ રીતે ઉપયોગ કરતાં હોઈએ છીએ તેનાં આધારે તે વિચારો એકમાંથી બીજું સ્વરૂપ લઇ લેતાં હોય છે. ચાલો માની લઈએ કે તમે એક જંગલમાંથી પસાર થઇ રહ્યા છો અને તમને રસ્તામાંથી એક વૃક્ષની સુકી અને પાતળી ડાળી પડેલી મળે છે. તમે તેનો ચાલવા માટે ટેકા તરીકે ઉપયોગ કરી શકો છો, કાં તો પછી બળતણ તરીકે કાં તો તમારું રક્ષણ કરવા માટે ઉપયોગ કરી શકો, અને આશા રાખું કે એવું ન કરો, પણ જો ધારો તો તમે કોઈ બિચારા પ્રાણીને તેનાંથી મારવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

તમે એ લાકડીનો શો ઉપયોગ કરો છો તેનાં ઉપરથી એ નક્કી થાય છે કે તે લાકડી સારી છે કે ખરાબ. લાકડીનો પોતાનો કહી શકાય એવો અર્થ બહુ નજીવો હોય છે. એવી જ રીતે, જે જ્ઞાનીજન છે તે પોતે તેમને ફક્ત ખરાબ વિચારો આવવા માત્રથી કઈ પોતાનાં વિશે ખરાબ નથી અનુભવવા માંડતા. તેમને ખબર હોય છે કે તેમને આ વિચારો ઉપર અમલ કરવાનો નથી. અને, અમલનાં અર્થ દ્વારા હું ફક્ત શારીરિક અમલની વાત નથી કરી રહ્યો પરંતુ માનસિક અમલની વાત પણ કરી રહ્યો છું. જયારે આપણે કોઈ વિચારને વળગી રહીએ છીએ કે તેનાં પાટાને અનુસરીએ છીએ ત્યારે આપણે એક માનસિક કર્મ પણ કરતાં હોઈએ છીએ, અને તે જ ખરેખર તો શારીરિકપણે થતાં દરેક અમલનું બીજ હોય છે.

સારા સાધકો, કે જાગૃત લોકો, પોતાનાં વિચારોને ફક્ત સાક્ષીભાવે નિહાળીને તેને ઉત્કૃષ્ટ બનાવે છે. મોટાભાગનાં વિચારો કોઈ ઉદ્દેશ વગરના અને ચંચળ હોય છે; તેને અનુસરવા જેવું નથી હોતું. તમે જો બારીકાઇથી ચકાસશો તો તમને જણાશે કે વિચારો અતિ ક્ષણભંગુર હોય છે અને તમે જો તેને પકડી નહિ રાખો, તો તે પાણીમાં થતાં પરપોટાની જેમ જ અદ્રશ્ય થઇ જશે. જયારે પણ તમને લાંબો સમય ચાલતાં વિચારો સતાવે ત્યારે તમારી જાતને નીચે જણાવેલા ત્રણ સવાલો કરો, અને તમે જોશો કે તે વિચારો તરત જ નિર્બળ થઇ જશે.

૧. આ વિચાર ક્યાંથી ઉદ્દભવ્યો છે?
૨. તે કઈ દિશામાં પ્રયાણ કરી રહ્યો છે?
૩. તે ક્યાં ગૂમ થઇ જાય છે?

તમે જેવો આના પર વિચાર કરશો તો તમે વિચારોની શરીર રચના વિશે સમજવાનું શરુ કરશો; મૂળભૂત રીતે તે એક ખાલીપો છે. વિચારો ખાલીખમ હોય છે. વિચારોને કોઈ ચોક્કસ સ્રોત હોતો નથી, કે તેને નથી હોતું કોઈ ચોક્કસ દિશામાં પ્રયાણ, અને તેને અદ્રશ્ય થવાની પણ કોઈ ચોક્કસ જગ્યા હોતી નથી. જયારે તમે કોઈ વસ્તુને અરીસામાં જુવો છો ત્યારે તમે વસ્તુને સુંદર કે ખરાબમાં વર્ગીકૃત કરી શકો છો. ઈચ્છા કે અનીચ્છાએ માની લો કે જો અરીસો જ જો પોતાની તરફ જુવે તો તેમાં તેને શું દેખાશે? તેમાં તેને પોતાનું જ પરાવર્તન અનંત વખત થતું દેખાશે. એ જ રીતે, જયારે મન પોતાની જાતને ચકાશે છે ત્યારે તે પોતે જ તેનાં અગાધ અસ્તિત્વમાં અદ્રશ્ય થઇ જાય છે.

જેમ કે લાકડાંના બે ટુકડાને એકબીજા સાથે ઘસવાથી અગ્નિ પેદા કરી કરી શકાય છે અને એ જ  અગ્નિ પછી તે બન્ને લાકડાંના ટુકડાને પણ બાળીને ભસ્મ કરી નાંખે છે, એજ રીતે બુદ્ધિ અને ચિત્ત બન્ને ચિંતનાત્મક ધ્યાનને સહાય કરે છે પરંતુ જયારે અંદરનો અગ્નિ પ્રજ્જવલિત થાય છે ત્યારે તે બુદ્ધિ અને ચિત્ત બન્નેને બાળીને એક મૂળ જાગૃતતાને પેદા કરે છે. અને એક સાધકની – વિચારોના સ્વભાવને સમજીને તેની ઉપર ઉઠવાની જ નહિ પરંતુ સંપૂર્ણ જાગૃત અવસ્થામાં જ જીવવાની - આજ એક અંતિમ અવસ્થા હોય છે.

ચાલો હું તમારી સાથે મહામુદ્રામાં તિલોપાને આપેલી સૂચનાનાં શ્લોકો (જે ચોગ્યમ તૃન્ગા રિંપોચેનો અનુવાદ છે) તે વહેંચું. આ રહ્યો તે:
Mists rise from the earth and vanish into space.
They go nowhere, nor do they stay.
Likewise, though thoughts arise,
Whenever you see your mind, the clouds of thinking clear.

Space is beyond color or shape.
It doesn’t take on color, black or white: it doesn’t change.
Likewise, your mind, in essence, is beyond color or shape.
It does not change because you do good or evil.

The darkness of a thousand eons cannot dim
The brilliant radiance that is the essence of the sun.
Likewise, eons of samsara cannot dim
The sheer clarity that is the essence of your mind.

Although you say space is empty,
You can’t say that space is "like this".
Likewise, although mind is said to be sheer clarity,
There is nothing there: you can’t say "it’s like this".

Thus, the nature of mind is inherently like space:
It includes everything you experience.

Stop all physical activity: sit naturally at ease.
Do not talk or speak: let sound be empty, like an echo.
Do not think about anything: look at experience beyond thought.

Your body has no core, hollow like bamboo.
Your mind goes beyond thought, open like space.
Let go of control and rest right there.
 જેમ સમુદ્રમાંથી ઉઠેલા મોજાઓ સમુદ્રમાં જ વિલીન થઇ જાય છે તેવી જ રીતે, વિચારો જે મનમાંથી ઉઠે છે તે જ મનમાં પાછાં સમાઈ જતાં હોય છે. કેટલાંક જણ આ મોજાઓ ઉપર સવાર થઇને સર્ફિંગ કરવાનું શરુ કરે છે, પરંતુ મોજું ગમે તેટલું મોટું અને આનંદદાયક કેમ ન હોય, ગમે તેટલો સુંદર એ મોજાનો ઉઠાવ કેમ ન હોય, સમુદ્ર ગમે તેટલી મોટી ભરતી વાળો કેમ ન હોય, સર્ફર ગમે તેટલો નિષ્ણાંત કેમ ન હોય, પરંતુ મોજું અંતે તો તેનાં પર સવાર કરનારને ઉછાળી જ મૂકતું હોય છે. અને આ વાત મને એ સાર તરફ લઇ જાય છે: જેવી રીતે સ્થિર મોજા હોતા નથી તેવી જ રીતે શાંતિપ્રદ વિચારો જેવું પણ કશું હોતું નથી.

જે વિચાર આજે શાંતિ પ્રદાન કરનારો લાગતો હોય તે જ વિચાર કાલે હેરાન કરવા વાળો પણ લાગી શકે છે. દાખલા તરીકે, આજે તમે કોઈને પ્રેમ કરી રહ્યા હોય અને તેમનો વિચાર તમને આનંદ આપનાર હોય, અને કાલે જો તે સંબધ તૂટી જાય તો એ જ વિચાર તમને દુ:ખ આપનાર બનશે. એક સારો સાધક એ વાત જાણે છે કે, વિચાર પોતાની સૌથી સારી ક્ષમતા સાથે ફક્ત થોડી વાર માટે અને તે પણ તુટક તુટક રીતે જ તમારા મનને શાંત કરી શકે છે. કે સાચો ઉકેલ તો એ છે કે વિચારોની ઉપર ઉઠવું, કેમ કે મોજા એ અંતે તો મોજા જ હોય છે અને વિચારો એ વિચારો હોય છે. કેટલાંક થોડા લાંબો સમય ચાલનાર હોય છે, પરંતુ અંતે તો તે અસ્થિર જ હોય છે.

તમારા મનના સમુદ્રમાં તમારા વિચારોના મોજાની વાત આવે ત્યારે તમારી પાસે ત્રણ પસંદગીઓ હોય છે. ૧. તેનાં ઉપર સવારી કરો અને તેની ઉચાઇ અને નીચાઈને સ્વીકારો, ૨. મોજાને જોતા રહો અને સમુદ્રનાં સતત સંભળાતા અવાજને સહન કરો, ૩. સમુદ્રથી જ દુર થઇ જાવ. કોઈ તમને એમ ન કહે કે શું પસંદ કરો, તમારા બંધારણ મુજબ તમે જાતે પસંદ કરો કાં તો આ ત્રણે પસંદગીઓને વારાફરતી કરો

મન ઉપર કાબુ કરવાથી તેનો નિગ્રહ નથી કરી શકાતો. તે તો તેનાં ઉપર અંકુશ માત્ર લગાવે છે. તે એક અર્થહીન કવાયત, એક નિષ્ફળ માર્ગ છે. એનાં કરતાં તો, એક જાગૃત મન એ મનની સૌથી મોટી નિગ્રહીત અવસ્થા હોઈ શકે છે. અને વિચારોથી મુક્ત મન એ મનની સૌથી મોટી શાંત અવસ્થા છે. ત્રીજી સારી પસંદગી એ છે કે મનને આત્મસાત કરી લેવું. જયારે તમે સર્ફબોર્ડ સાથે વિચાર રૂપી મોજાની સવારી કરવાની આતુરતાપૂર્વક રાહ જુઓ છો ત્યારે કોઈપણ આશ્ચર્ય માટે તૈયાર રહો, તેમાંના બધા જ કદાચ ઈચ્છા મુજબનાં ન પણ હોય.

સૌથી સુંદર સંગીત શાંત મનમાંથી એવી રીતે બહાર ધસી આવતું હોય છે જેમ કે હિમાલયનાં પર્વતોમાંથી ધસી આવતાં પાણીના ધોધ. તમારે તેને જોવું પડે જો તમારે તેને સાંભળવું હોય તો, અથવા તો, તમારે તેને સાંભળવું પડે જો તેને જોવું હોય તો.

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

Saturday, 9 August 2014

સૌથી ખરાબમાં ખરાબ રોગ

કઈ બીમારી તમને અંદરથી સુકવી નાંખીને, ખોખલા અને નિર્બળ બનાવી દે છે?
સૌથી ખરાબમાં ખરાબ રોગ કયો હશે, તમને શું લાગે છે? કદાચ જે મરણતોલ બીમારી હોય તે? કે પછી જે જીવતાં માણસને ધીમે-ધીમે મારી રહ્યો હોય તે? કદાચ એવો રોગ કે જે માણસની સક્રિયતાને ખોરવી નાખે તે હશે? કે પછી રોગ પછી તે ગમે તે હોય જે તમારી તંદુરસ્તીને મહત્તમપણે બગાડી નાંખી શકે તે? પરંતુ આજનાં સંદર્ભમાં મારે જે કહેવાનું છે તે આવો રોગ નથી.

અને, ના, હું સામાજિક માધ્યમોનાં ભયસ્થાનો વિશે પણ વાત નથી કરી રહ્યો, કે સંદેશ મોકલવાની ક્રિયા દ્વારા અતિશયપણે સંચાર માધ્યમોના વળગાડ વિશે પણ નથી કહી રહ્યો. હું લાંબો સમય ટીવી જોતા બેસી રહેવાની આદત, કે અતિશય ઇન્ટરનેટ સર્ફિંગ વિશે, કે વધુ પડતું ખા-ખા કરવા ઉપર, કે પોતાનાં પ્રત્યે વધુ પાડતા જાગૃત રહેવા વિશે પણ ઈશારો નથી કરી રહ્યો. ધુમ્રપાન વિશે નહિ, મદ્યપાન વિશે નહિ, અન્ય લોકોને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરતાં રહેવાની આદત વિશે પણ નહિ. આ તેમાંના એક પણ વિશે ની વાત નથી. આ બધું તો અસર ચોક્કસ કરતુ જ હોય છે અને આ એક ખોટી-બીમારીઓ તો છે જ પરંતુ હું જે કહેવા જઈ રહ્યો છું તેની સરખામણીમાં આ બધી બાબતો કશું જ નથી.

હૃદય રોગ, રક્તચાપ, મધુપ્રમેહ, કેન્સર, એઇડ્સ, તણાવ વિગેરે માણસના આરોગ્યને કોતરી ખાનાર બીમારીઓ છે, પરંતુ, મારી નજરમાં, એક બીજી બીમારી છે જે કદાચ, જો વધારે નહિ તો તેનાં જેટલી જ નુકશાનકારક છે. હકીકતમાં તે દરેક બીમારીની જનની જેવી છે. ખરેખર, તે તણાવ, વ્યગ્રતા, નકારાત્મકતા વિગેરેનું બીજ છે. તે માનવીય લાચારીના સ્રોત સમાન છે અને સૌથી ખરાબ બાબત તેનાં વિશે એ છે કે મોટાભાગનાં લોકો તેનાંથી પીડાઈ રહ્યા છે. અને એનાંથી ય કરુણ અને ખરાબ બાબત તો એ છે કે લોકોને તેનાં વિશે જાણતા પણ હોતાં નથી.

હું તેને અતિશય વધારે વિચાર કર્યા કરવાની બીમારી કહું છું.

હા, તે સત્ય છે. મોટાભાગનાં લોકો બહુ વધારે પડતા વિચાર કરતાં હોય છે, અને આ એક રોગ જ છે કારણ કે, લોકો આવું જાતે જાણી જોઇને પસંદ કરીને નથી કરતાં હોતા. તેઓ જાગૃતપણે આવા વિચારો નથી કરતાં હોતા. તેમનાં વિચારો તેમને આવા વિચારના પ્રવાહમાં તાણી જતાં હોય છે. કોઈ એવું નથી કહેતું હોતું કે હું ઈર્ષ્યા કે ગુસ્સો અનુભવું છું અને ચાલો મને આ લાગણીમાં રમવા દો. મોટાભાગનાં લોકો મૂળભૂત રીતે સારા હોય છે, પ્રામાણિકપણે પ્રેમાળ હોય છે, અને તેમને આવી લાગણીઓ અનુભવવી હોતી નથી. મોટાભાગના લોકોનું જીવન બરાબર ચાલતું હોય છે અને તે તેમનાં કાબુ બહાર હોય તેવાં પરિબળો વિશે ચિંતા કરવા માંગતા હોતા નથી. પરંતુ, તેમ છતાં તેઓ તેમ કરતાં હોય છે.

બધું બરાબર ચાલી રહ્યું હોય છે, લોકો ખુશ હોય છે, જીવન સારું લાગતું હોય છે અને ફક્ત એક નકારાત્મક વિચાર, ભૂતકાળની એક ખરાબ યાદ મનમાં આવી જાય છે અને હજી તેમને ખબર પણ પડે તે પહેલાં તો તેમને તેનાંથી ખરાબ પણ લાગવા માંડે છે, પોતે નકારાત્મક, ગ્લાનીપૂર્ણ, કડવા કે નારાજ પણ થઇ જાય છે. એક શાંત અને એક બેચેન વ્યક્તિ વચ્ચેનો તફાવત ફક્ત તેમની તેમનાં વિચારોને પકડવાની અને પસંદ કરવાની આવડત ઉપર રહેલો છે. અતિશય વધુ પાડતા વિચારો કરવાનો અર્થ ફક્ત નકારાત્મક કે હકારાત્મક વિચારો કર્યે રાખવા એવો નથી, પરંતુ મગજમાં સતત ચાલતો રહેતો સંવાદ છે. મોટાભાગના લોકો ભટકતા અને નક્કામાં એવાં વિચારોમાં સાશ્વતપણે ડૂબેલાં રહેતા હોય છે. મગજ સતત બોલ્યા કરે છે અને તેઓ સતત સાંભળ્યા કરે છે.

બુદ્ધ અને બુધ્ધુમાં રહેલો ભેદ એ છે કે બુદ્ધ જે છે તેમણે એ જાણી લીધું હોય છે કે એક વિચારમાં એની પોતાની કોઈ તાકાત, કોઈ મૂળભૂત કિંમત, કે કોઈ સાર રહેલો હોતો નથી. જયારે એક અજ્ઞાની મન હોય છે તે વિચારની સાથે પોતાની જાતને જોડતું છે અને પછી તે જોડાણની જોડે પીડા પણ આવતી હોય છે. દાખલા તરીકે, એક વિચાર કે – હું નક્કામો છું – ગમે ત્યાંથી મગજમાં આવે છે, અને એને પડતો મુકવાને બદલે તમે તેનાં પર ચિંતન શરુ કરો છો, તમે તમારી જાતને તે વિચાર સાથે જોડો છો. તરત જ આ વિચારને ગતિ મળવાની શરુ થાય છે અને તે તમને એની પોતાની મુસાફરીમાં ખેંચીને ચાલવા માંડે છે. તમે તે વિચારમાં વિશ્વાસ કરવાનું શરુ કરો છો, અને હજુ તો થોડી વાર થાય એ પહેલાં તો તમે જે વિચારતા હોવ છો તે મુજબ અનુભવવાનું પણ ચાલુ કરી દો છો, અને પછી એક દિવસે, જયારે તમે અરીસામાં જુઓ છો ત્યારે તમને અંદર એક નક્કામી વ્યક્તિનાં દર્શન પણ થવા લાગે છે. આ મગજની એક યુક્તિ હોય છે.

જયારે લોકો પોતાનો મત તમારી સમક્ષ વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે પણ તેઓ ફક્ત તેમનાં પોતાનાં વિચારોને જ રજુ કરી રહ્યાં હોય છે, અને તેમનો પણ પોતાનાં વિચારો ઉપર બહુ થોડો જ કાબુ ચાલતો હોય છે. લોકોનાં મતથી તમારી શાંતિનું હનન ન થવા દેશો. અને આ વાત મને આજનાં વિષય વસ્તુના સાર ઉપર લઇ જાય છે અને તે છે: વિચારવાની કલા.

જો તમે મહાન ચિત્રકારો, સંગીતકારો, વિજ્ઞાનીઓ, શોધકો, લેખકો, કવિઓનાં જીવનને તપાસશો તો તમને જણાશે કે તેમને વારંવાર દુનિયાને તેમનાં એક પછી એક કામથી આશ્ચર્યચકિત કરી દીધી છે. તેઓ એવું એટલાં માટે કરી શક્યાં હોય છે કારણકે તેઓ એક પ્રકારે, સર્જનાત્મક વિચાર કરી શકતા હોય છે. આ એક એવી વાત છે કે જે તમે શીખી શકો છો, કોઈ પણ શીખી શકે છે. તમે હકારાત્મક વિચારો, આનંદપૂર્ણ વિચારો, પ્રોત્સાહક વિચારો કરી શકો છો, અને તેનાં માટે તમારે વિચારવાની કલાને પારંગત કરવી પડશે, અને તેને જ બીજા શબ્દોમાં કહેવું હોય તો ધ્યાન કરવાની કલા એમ કહી શકાય.

આજનાં યુગની વંધ્યત્વની સારવાર લઇને, એક ૭૨ વર્ષની સ્ત્રી પોતે સગર્ભા બની. નવ મહિના પછી, તેને એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. આ વૃદ્ધ યુગલ અત્યંત ખુશી સાથે પોતાનાં ઘરે પાછાં ગયા અને તેમનાં સગા-સંબધીઓ તેમને મળવા માટે આવવા લાગ્યા.

“અમે ખુબ જ ઉત્સુક છીએ,” તેની પિતરાઈ બહેને કહ્યું. “શું અમે બાળકીને જોઈ શકીએ?”
“હ્મ્મ્મ...થોડી રાહ જોઈએ”. પેલી માં બનેલી સ્ત્રીએ કહ્યું. “ત્યાં સુધીમાં હું બધા માટે ચા બનાવું છું.”
બધાએ ચા-નાસ્તો કર્યો, ખાસ્સો એક કલાક પસાર થઇ ગયો અને દરેકજણ નવી જન્મેલી બાળકીને જોવા માટે આતુર બની ગયા હતાં.
“શું હવે અમે બાળકીને જોઈ શકીએ?”
“હમણાં નહિ,” બાળકીની માંએ કહ્યું.

મહેમાનોમાં કુતુહલતા વધવા લાગી. બીજી દસ મિનીટ રાહ જોયા પછી, તેમને ફરી બાળકીને જોવાનો આગ્રહ કર્યો પણ તેમને એનો એજ જવાબ મળ્યો.

તેઓ અધીરા બની ગયા, અને પૂછ્યું, “વારુ, તો પછી અમે ક્યારે બાળકીને જોઈ શકીએ?”
“ફક્ત જયારે બાળકી રડશેને ત્યારે જ.”
“અરે બાળકીને રડવા સાથે શું લેવા-દેવા? એ રડે નહિ ત્યાં સુધી અમારે શા માટે રાહ જોવાની?”
“કારણકે,” પેલી માં બનેલી સ્ત્રીએ કહ્યું, “મેં એને ક્યાં મૂકી છે એ મને યાદ નથી.”

બાળકીને જોવા માટે તમારે તે રડે નહિ ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, તમારે ફક્ત એટલી જાગૃતિ રાખવાની છે કે તમે તેને ક્યાં મૂકી છે. એવી જ રીતે, તમારા મગજની સંભાળ રાખવા માટે તમારે તે વ્યથિત થઇ જાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, પરંતુ તમારે ફક્ત જાગૃત રહેવાની જરૂર છે. બાળકને શાંત કરવા માટે આપણે એ જાણવું જરૂરી હોય છે કે તે શા માટે રડી રહ્યું છે, અને એવી જ રીતે, આપણા મનને શાંત કરવા માટે આપણે લાગણીઓના મૂળ સ્રોત સુધી જવું પડે, અને તે છે વિચારો. વિચારોથી જ મન બનતું હોય છે.
આવતાં અઠવાડિયે, હું વિચારની રચના ઉપર લખીશ. જયારે તમે વિચારના સ્વભાવ વિશે સમજી લેશો ત્યારે તમે વધારે સારી રીતે ધ્યાન કરી શકશો, અને ધ્યાન એ અતિશય વધુ પડતા વિચાર કરવાનાં રોગની રશી છે.

મારી સાથે મેડીટેશન રિટ્રીટ પર પધારો
                                             
હું ફેબ્રુઆરી ૮ – ૧૩, ૨૦૧૫માં, ભારતમાં એક મેડીટેશન રિટ્રીટનું આયોજન કરી રહ્યો છું. તેમાં ફક્ત ૬૫ જગ્યાઓ છે જે વહેલાં તે પહેલાંનાં ધોરણે પ્રાપ્ય રહેશે. તમારી જગ્યા સુરક્ષિત કરવા માટે અહી ક્લિક કરો. રજીસ્ટ્રેશન ફક્ત બે અઠવાડિયા સુધી જ થઇ શકશે.

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
Saturday, 2 August 2014

જીવનનો શો અર્થ છે?

What is the meaning of life? Read the story. જીવનનો શો અર્થ છે? જાણવા માટે આ વાર્તા વાંચો.
મારી બિલકુલ નવાઈ વગર, મારું ઈનબોક્સ મારા ગયા લેખ ઉપરની ટીકાઓથી છલકાઈ ગયું હતું. કેટલાંક લોકોને એ લેખ ખુબ જ ગમ્યો અને ઘણાંને તે બિલકુલ પસંદ નહોતી આવી જયારે અમુક લોકોનો મત આ બે મતની વચ્ચેનાં હતા. ઘણાંએ મને ખુબ સરળ કહ્યો અને ઘણાંએ મુર્ખ. અનેક વાંચકોએ મને નિરાશાવાદી કહ્યો તો ઘણાંને હું નકારાત્મક લાગ્યો. મને તો આ બધું જ ખુબ તાજગીભર્યું અને મનોરંજક લાગ્યું. મનોરંજક એટલાં માટે કે જરા વિચાર કરો: આ બ્લોગમાં ૨૩૦થી વધારે લેખ હશે, અને કોઈ પણ લેખને જો સૌથી વધારે ટીકાઓ મળે છે તો તે પ્રેમ, જીવન, ખુશ કેમ રહેવું, ધ્યાન વિગેરે વિષય ઉપરના લેખોને નહિ પણ ઉત્પત્તિ ઉપરની એક કાલ્પનિક પરિકલ્પના ઉપરનાં લેખને મળે છે.

આ દર્શાવે છે કે આપણે આપણી માન્યતાઓને કેટલી ઊંડાઈપૂર્વક વળગીને રહીએ છીએ અને બહુ થોડા એવાં લોકો હોય છે કે જે ગ્રંથોમાં આપેલા જવાબોની સામે સવાલ ઉઠાવવાની હિંમત બતાવે છે. હું આ સારું છે કે ખોટું એવું નથી કહી રહ્યો. એ તમારા જોવાનું છે કે તમારે કેવી રીતે આ બધું જોવું છે. તમને તમારો મત હોવાનો અધિકાર છે અને તમારા પોતાનાં તારણ ઉપર આવવા માટેની સ્વતંત્રતા પણ છે. હાલ પુરતું, આ ટીકાઓનો સાર જોઈએ તો:

શું ભગવાનનું અસ્તિત્વ છે ખરું? આપણે શું માત્ર કાર્બનના અણુઓના બંધારણ છીએ અને આપણી લાગણીઓ શું ફક્ત ન્યુરોટ્રાન્સમીટર્સ માત્ર છે? આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ? જો આ જીવનનો કોઈ હેતુ કે અર્થ ન હોય તો પછી, તપ અને ધ્યાનની કઠોરતામાંથી પસાર થવાનો શું અર્થ? અને શા માટે કામુક આનંદને નકારવો?

હું મારો મત કહું એ પહેલાં, ચાલો તમને એક વાર્તા કહું. પરમ કૃપાળુ બુદ્ધ કે જેમને થોડી વાર પહેલાં જ પોતાનું પ્રવચન પૂરું કર્યું હતું કે એક જીજ્ઞાસુ તેમની પાસે ગયો.
“શું એ સત્ય છે કે આત્માનું અસ્તિત્વ નથી હોતું?” તેને પૂછ્યું
“હા, એ સત્ય છે કે આત્મા નથી.”
બુદ્ધના શિષ્યો આ જવાબ સાંભળીને ખુશ થયા. સંતને દરેક વાતનું જ્ઞાન છે, તેમને લાગ્યું.
બીજા દિવસે, બીજા એક મુલાકાતીએ આવો જ કઈક પ્રશ્ન પૂછ્યો.
“મેં સાંભળ્યું છે કે પ્રત્યેકજણની અંદર એવું કઈક તત્વ અસ્તિત્વ ધરાવે છે કે જેને આત્મા કહેવાય છે. શું તે સાચું છે?”
“હા, મારા વ્હાલા, એ સત્ય છે કે પ્રત્યેકજણની અંદર એવું કઈક તત્વ અસ્તિત્વ ધરાવે છે કે જેને આત્મા કહેવાય છે. કોઈ તેને ચેતના પણ કહે છે.”
“પરંતુ, આત્મા તો ચેતનાથી ભિન્ન છે,” તેને દલીલ કરી.
“બિલકુલ,” બુદ્ધે કહ્યું.

બુદ્ધના શિષ્યોએ તેમની તરફ અને પછી એકબીજાની તરફ  અવિશ્વાસની નજરે જોયું. આજનો ઉત્તર ગઈકાલે તેમને સાંભળેલા ઉત્તરથી બિલકુલ વિપરીત હતો. જો કે તેઓ મૂંઝવણમાં આવી ગયા હોવા છતાં પણ કોઈએ પોતાનાં ગુરુને સવાલ કરવાની હિંમત ન બતાવી.

થોડા દિવસો પસાર થયા, દુરથી એક ભક્ત પોતાની શ્રદ્ધાંજલી આપવા માટે આવ્યો.
“હું માનું છું કે આત્મા ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહિ તે ચોક્કસ વાત નથી,” તેને કહ્યું.
“તું સાચો છું. એ ખરેખર ચોક્કસ નથી કે આત્મા અસ્તિત્વ ધરાવે છે.”
પેલો માણસ સંતોષ સાથે પાછો ફર્યો પરંતુ સાધુઓને અત્યંત અસંતોષ થયો. તેમને બુદ્ધનાં મુખ્ય શિષ્ય આનંદને વિનંતિ કરી કે તે બુદ્ધને પૂછી જોવે.

“શા માટે, હે પૂજ્ય,” આનંદે કહ્યું, “તમે એક જ સવાલના ત્રણ જુદા જુદા જવાબો આપ્યા? તે અમને મુંઝવી રહ્યું છે.”
“મારા આધ્યાત્મિક પુત્રો,” બુદ્ધે કહ્યું, “તેઓ મારા ઉત્તર માટે તૈયાર નહોતા. અરે તેઓ તો ઉત્તરને પણ શોધી નહોતા રહ્યા. તેઓ તો ફક્ત પોતે જે જાણે છે તેની જ ખાતરી માત્ર કરવા માંગતા હતાં.”

કોઈ આપણી સમજણથી વિરુદ્ધ જવાબ આપે તો શું થાય છે? આપણામાંના મોટાભાગના લોકો કાં તો તેનો અસ્વીકાર કરે છે કાં તો આ વિરોધાભાસમાં આપણે જે જાણીએ છીએ તે માન્યતા તરફ જ આપણે પાછા વળીએ છીએ. બહુ ઓછા, એવાં કેટલાંક હોય છે કે જે પોતાની જાતને નવા જવાબ ઉપર ચિંતન કરાવડાવે છે અને આમ એક ઊંડી અંત:દ્રષ્ટીએ પહોંચે છે

મને મળેલી અસંખ્ય ટીકાઓનાં જવાબમાં: મને એ યાદ નથી આવતું કે મેં એવું કહ્યું હોય કે આપણે ફક્ત અણુઓનાં બંધારણ છીએ કે હોર્મોનનું માધ્યમ હોઈએ. હું કામુક આનંદને નકારનાર પ્રસ્તાવક નથી. હું તો તેનો સ્વિકાર કરવામાં, તેનો અનુભવ કરવામાં અને તેને સમજવામાં માનું છું, જેથી કરીને તમે તેનાંથી બિલકુલ અસરગ્રસ્ત થયા વિના રહી શકો. અને કોઈ પણ કઠોર અને તપમય જીવનનો એકમાત્ર હેતુ આપણે વધુ દયાવાન, પ્રેમાળ અને નમ્ર બનીએ તે જ હોય છે.

ચોક્કસ, જીવનને કોઈ અર્થ હોઈ શકે છે; હું ફક્ત એક વૈશ્વિક અર્થ અથવા હેતુ કે જે પ્રત્યેકને લાગુ પાડી શકાય એમાં નથી માનતો. તેમાં કોઈ રામબાણ ઈલાજ નથી હોતો, કોઈ વૈશ્વિક જ્ઞાન નથી હોતું. અરે, અર્થ નો “અર્થ” જ શું થાય? દરેકજણ કઈ ધ્યાનમાં, વિધિઓમાં કે આંતરિક જીવનના સાદને અનુસરવામાં આનંદ અને શાંતિનો અનુભવ નથી કરતાં હોતા. જીવનનો અર્થ તમે જે અનુમાન લગાવો તે હોય છે. જીવનનો હેતુ તમે તેને જે આપો તે હોય છે.

એક ડોક્ટર માટે તે દર્દીઓની સેવામાં, એક સેનાપતિ માટે સીમાનાં રક્ષણ કરવામાં, અને એક સૈનિક માટે દુશ્મનો સામે લડાઈ લડવામાં રહેલો હોઈ શકે છે. કોઈ રંગકારનો કલામાં, સંગીતકારનો ધૂનમાં એટલો જ અર્થપૂર્ણ હેતુ રહેલો હોય છે જેટલો એક માંનો પોતાનાં બાળકમાં. જો બુદ્ધનો તેમનો પોતાનાં જીવનનો અર્થ ધ્યાન કરવામાં લાગી શકતો હોય તો આઈનસ્ટાઇનનો અર્થ સાપેક્ષતામાં હોઈ શકે છે, સ્ટીવ જોબ્સનો એપલમાં. અને મારો થોડો જુદી વાતોમાં.

હું જે કઈ પણ કહેતો હોવ છું તે ફક્ત મારો મત હોય છે, કોઈ વૈશ્વિક મત નહિ. સ્વામી પાસે કોઈ નક્કર જવાબો નથી. શું આપણે બાળકોને નથી કહેતાં હોતા કે પરીઓનું, સાન્તા ક્લોઝનું અસ્તિત્વ હોય છે? આપણે બાળકોને એવું શું નથી કહેતાં કે તેઓ ભગવાન તરફથી મળેલી ભેટ છે અને નહિ કે એક જાતીય કર્મના પરિણામે તેમનો જન્મ થયો છે? અને પછી, જયારે તેઓ મોટા થઇ જાય છે ત્યારે તેમને આપણે સાચા જવાબો શું નથી આપતાં?

એવું કેમ? કારણ કે તમે તેમની કાળજી કરતાં હોવ છો. તેઓ કેટલું અને કેવી રીતે પચાવી જાણશે તેની કાળજી તમે કરતાં હોવ છો. દરેકજણ સત્ય સાંભળવા માટે તૈયાર નથી હોતા, તેને અમલમાં મુકવાની તો વાત જ જવા દો. શારીરિક ઉંમર કે પુસ્તકિયા જ્ઞાનને તમારી તૈયારી સાથે કોઈ સંબધ નથી હોતો. જો તમે સાંભળવા માટે તૈયાર હોવ તો કુદરત તમને તમારા બધા જ સવાલોનો જવાબ અસ્ખલિતપણે આપી રહ્યું હોય છે. જવાબનો અનુરોધ જવાબની ઉપર આધારિત નથી હોતો પરંતુ સવાલ કરનારનાં મનોવલણ પર રહેલો હોય છે. એજ રીતે, જીવનનો અર્થ એ કઈ ફક્ત કોઈ અર્થ વિષેની જ વાત માત્ર ઉપર એટલો બધો નથી હોતો, પરંતુ તેની ખોજ માટે નીકળનારની ઉપર હોય છે.

એક જર્મન વ્યક્તિએ ઇસ્કોનનાં સંસ્થાપક અને ખુબ જ સરળ અને સરસ સંત એવાં શ્રીલ પ્રભુપાદ પાસે ગયો.
“હું શા માટે હંમેશાં દુ:ખી અને તણાવગ્રસ્ત જ રહેતો હોવ છું?” તેને કહ્યું. “મારે શા માટે આ બધું
સહન કરવું પડે છે?”
“કારણકે,” પ્રભુપાદ બોલ્યા, “તું લુચ્ચો છે. તે પાછલાં જન્મમાં ઘણાં જ ખરાબ કર્મો કર્યા છે અને હવે
તું તેની કિંમત ચૂકવી રહ્યો છું.”

ઘણાં લોકો આવા નિર્દય લાગી શકતા જવાબ સામે પોતાનાં ભવાં ચડાવશે પરંતુ આ જીજ્ઞાસુ તરત જ પ્રભુપાદના પગે પડી ગયો અને તેમનો શિષ્ય બની ગયો. અને એ તેનાં માટે કામ કરી ગયું. તેને કહ્યું તે જે લાંબા સમયથી જવાબ શોધતો હતો તે તેને મળી ગયો. તો જાવ તમે પણ શોધી કાઢો.

અને એ સવાલ માટે કે શું ભગવાન અસ્તિત્વ ધરાવે છે? હા બિલકુલ, ભગવાન સિવાય બીજું શું છે જે અસ્તિત્વ ધરાવે છે? ફક્ત ભગવાન જ એકમાત્ર અસ્તિત્વ ધરાવી રહ્યાં છે. એનાં વિષે કોઈ ફરી વાર.

“તમે ખરેખર કેટલાં વર્ષનાં છો?” એક માણસે મુલ્લા નસરુદ્દીનને પૂછ્યું.
“હું ૪૨ વર્ષનો છું”
“એવું કેવી રીતે બની શકે?” ચાર વર્ષ પહેલાં પણ તમે કહ્યું હતું કે તમે ૪૨ના છો!
“તે સાચું,” મુલ્લાએ જવાબ આપતાં કહ્યું. “હું જે કહું તેને વળગી રહું છું.”

માન્યતાઓની સાતત્યતા એક બોજ સમાન છે. તમારા વ્હાણની લંગર છોડ્યા વગર તમે સમુદ્રની સુંદરતા અને ઊંડાઈનો અનુભવ કેવી રીતે કરશો? તમારી જાતને શીખવા માટે, રમવા માટે, શોધવા માટે, અનુભવ કરવા માટે, બનવાં માટે મોકો આપો. કઇક નવા બનીને બહાર આવો. પોતાની માન્યતાને વળગી રહેવું કદાચ આરામદાયક લાગી શકે, ફરજ પડતી હોય એવું લાગી શકે, અરે કદાચ તેનાંથી ઉર્જા મળતી હોય તેવું પણ લાગી શકે, પણ તેને જતી કરવામાં મુક્તિનો અનુભવ રહેલો છે. અને જો તમને મુક્તિ કરતાં આરામદાયકતા વધુ પસંદ હોય તો તેમ કરવામાં પણ કશો વાંધો નથી, જો તમે એવું ઇચ્છતાં હોય તો, સવાલ ફક્ત પસંદગીનો છે, તમારા સ્વભાવ પર છે. જાતે પસંદ કરો.

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

Share