Saturday, 30 August 2014

સૌથી મોટામાં મોટો ભય

અજાણ્યાપણાના ભય કે પછી મૃત્યુનો ભય, કશું ગુમાવી બેસવાના કે પછી નિષ્ફળતાના ભયની પણ પેલે પાર એક બીજો ભય રહેલો હોય છે. તે છે સૌથી મોટામાં મોટો ભય. જાણવા માટે વાંચતા રહો.
“હું જયારે પણ બોક્સિંગ રીંગમાં ઉતરું ત્યારે મને ભય લાગતો હોય છે, પરંતુ ભયની સાથે આ રીતે જ કામ લેવાનું હોય છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારા પગને બરાબર જમીન ઉપર ખોડો, અને તમારું મોઢું બરાબરનું કચકચાવો અને બોલો, ‘ચલ, જઈએ.’ ” આ શબ્દો છે માઇક ટાયસનના. ટુકમાં તેનો સાર કહેવો હોય તો એ જ છે કે: ‘ચલ જઈએ.’ ભયનું સૌથી મોટું મારણ હોય તો એ છે ભયભીત થવા કરતાં કાર્યાન્વિત થઇ જવું.

તમે જો આજુબાજુ નજર કરશો તો તમને જણાશે કે મોટાભાગનાં લોકો તેમનું સમગ્ર જીવન ભયના ઓથાર હેઠળ જીવે છે. ઘણાં લોકોને ગુમાવી બેસવાના ડરનો, પોતાનો અસ્વીકાર થવાના ડરનો, નિષ્ફળતાના ડરનો એક લકવા લાગેલો હોય છે, તો કોઈને ઘરડાં થવાનો ડર લાગે છે, પણ આટલાં માત્ર જ કઈ પ્રાથમિક ડર નથી. મેં અવલોકન કર્યું છે કે એક એવો ભય છે કે જે આ બધા ભયને ભેગા કરવામાં આવે તો પણ તે તેની સામે વામણા લાગે. અને, ના, હું એવું નથી માનતો કે મૃત્યુનો ભય એ સૌથી મોટો ભય હોય, એ કદાચ અનિવાર્ય ભય હોઈ શકે છે, પરંતુ આપણે આપણું જીવન સતત મૃત્યુની ચિંતા કરતાં કરતાં નથી જીવતાં હોતા. ખરું કે નહિ? વહેલાં કે મોડા, દરેકજણ અંતે તો મૃત્યુંને સ્વીકારી જ લેતાં હોય છે.

વાસ્તવમાં, મેં એકવાર એક ડોક્ટરનો વાર્તાલાપ વાંચ્યો હતો કે જેણે મરણતોલ બીમારી લાગુ પડી હોય એવાં રોગીઓની ઈસ્પિતાલમાં કામ કર્યું હતું. તેણે કહ્યું હતું કે પોતાની ૪૦ વર્ષની કારકિર્દીમાં તેને સૌથી વધારે વિસ્મય પમાડે એવી કોઈ વાત હોય તો તે એ હતી કે તેને ક્યારેય મરણતોલ બીમારી લાગુ પડેલાં દર્દીની આંખમાં ડર કે સંઘર્ષ નહોતો જોયો. તેઓ હંમેશાં એક સ્વીકૃતિ સાથે જીવતાં હતાં અને તેમનાં ચહેરા ઉપર એક ઊંઘતા બાળકના ચહેરા ઉપર હોય તેવી શાંતિ અને ચમક હતાં, વિશેષ કરીને તેમની અંતિમ ક્ષણોમાં તો ખાસ.

હું જે મૂળ ભયની વાત કરી રહ્યો છું તે સહજ નથી કે સ્વાભાવિક પણ નથી, તે જન્મજાત પણ નથી હોતો, તે આપણે સૂક્ષ્મતાથી, સતતપણે, ધીમે-ધીમે શિખતા હોઈએ છીએ. તે એટલો શક્તિશાળી હોય છે કે સમયની સાથે તે આપણી પ્રકૃતિનો એક ભાગ બની જાય છે. જો જીવન એક ભાષા હોય અને દરેક પ્રકારનાં ભય જો શબ્દો હોય તો હું જે ભયની વાત કરી રહ્યો છું તે અક્ષર હશે – તેમાં બાકીના બધા જ ભય રહેલાં હોય છે.

અને તે છે ખુશીનો ડર. હા, તે આપણો પ્રાથમિક ડર છે.

તમે જન્મ્યા તે ક્ષણથી તમને એક સરખામણીની ફૂટપટ્ટીથી માપવામાં આવે છે. શિક્ષકો, માતા-પિતા, ઉપદેશકો, સંબધીઓ, સહકર્મચારીઓ, મિત્રો, સમાજ – કોઈ વખત ફક્ત શુભ હેતુ સાથે – સતત તમને તમારા દોષોની યાદ અપાવતાં રહે છે. આપણે સાશ્વતપણે આપણી જાતનું વિશ્લેષણ કરતાં રહેતા હોઈએ છીએ અને તે પણ આપણી ખુદની પ્રગતિની સામે નહિ પરંતુ અન્ય લોકોની ક્ષમતા સાથે.

તે મારા કરતાં વધારે સારું નૃત્ય કરે છે, તે વધારે હોશિયાર છે, તે વધારે મજબુત છે, તે વધારે સુંદર છે, તે વધારે શ્રીમંત છે વિગેરે. આ સરખામણી ભાગ્યેજ પ્રેરણાદાયી હોય છે અને મોટાભાગે તો તમારા ગૌરવને હણનારી હોય છે. તે તમને એવો અનુભવ કરાવડાવે છે કે જાણે તમે સીડીનું સૌથી નીચેનું પગથીયું ન હોય. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં પ્રયત્ન નહિ પણ સિદ્ધિનો સત્કાર થાય છે.

જો તમે પ્રથમ ક્રમાંક ચુકી જાવ અને માત્ર થોડા આંશિક તફાવતથી જો તમારો બીજો ક્રમાંક આવે તો એ પુરતું નથી. તમને તમારા વ્યક્તિગત પ્રદર્શન માટે અભિનંદન નહિ  આપવામાં આવે, એથી ઉલટું તમને અંતે બીજો ક્રમાંક પણ આવ્યો તો ખરો એમ કહીને આશ્વાસન આપવામાં આવતું હોય છે. આવી સરખામણી તમને એવું અનુભવડાવે છે કે તમે હજી મંઝીલે નથી પહોંચ્યા. કે તમારી આ સમગ્ર મહેનત પુરતી નથી. અને આ લાગણી તમારા કલ્યાણ ઉપર એક દોષાત્મક અસર કરે છે.

સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ આ– હું નથી સારો કે હું નથી સારી–ની લાગણી બે વિરોધી બળ, ભય અને સ્વ-અભિપુષ્ટિ વચ્ચે એક યુદ્ધ માટેનું ચિરસ્થાયી મેદાન તૈયાર કરે છે. બીજી બાજુ, આપણે આપણી જાતને અભિપુષ્ટિ દ્વારા કે હું એટલો બધો ખરાબ નથી/એટલી બધી ખરાબ નથી,  કહી એક જાતનું આશ્વાસન આપવા લાગીએ છીએ, અરે મને બીજો ક્રમાંક તો મળ્યો ને, હું થોડી ખુશીને તો લાયક છું જ. તે આપણને એકદમ સંવેદનશીલ અને તણાવગ્રસ્ત બનાવી દે છે, આપણામાં પછી સર્જનાત્મક ટીકા પ્રત્યે પણ અનિચ્છા આવી જાય છે, અને આપણે આપણી સ્વ-રક્ષા માટે એક દિવાલ રચી દઈએ છીએ જેનાંથી અનેક સારી વસ્તુઓ પણ અસરકારકપણે બહાર રહી જતી હોય છે.

અને બીજી બાજુ, ખુશીનો ડર આપણને એવું અનુભવડાવે છે કે હું જે સફળતાનાં સ્વપ્નાંઓ જોઉં છું તે કદાચ સિદ્ધ કરી શકું તેમ નથી, હું આ ખુશી અને આટલા બધા પ્રેમ અને કાળજીનાં આનંદને લાયક હોઈ જ શકતો નથી. જયારે સારી બાબતો બને ત્યારે આપણે માનીએ છીએ કે એ તો નસીબના લીધે છે, કાં તો પછી એક અકસ્માત છે, આટલાં સારાને કદાચ આપણે તો શક્યત: લાયક હોઈ જ શકતા નથી. આ છે ખુશીનો ભય. અને આ ભય દરેકજણને પોતાનાં સ્વપ્નાઓનો પીછો કરતાં રોકી દે છે, અને આ વાત તેમને પોતાની સંપૂર્ણ સંભાવનાનો સાક્ષાત્કાર કરવા માટે એક અવરોધ બની જાય છે કારણ કે, આટલાં બધા સમય સુધી પોતાની જાતને નીચી ગણતા રહેવાને લીધે હવે તેમને એવું માનવાનું ચાલુ કરી દીધું હોય છે કે પોતે ખુશીના ઉમેદવાર નથી.

તમારી સાથે આવું ન થવા દો. તમે શેની રાહ જુઓ છો? અસહમતીઓ હોવી એ તો સામાન્ય બાબત છે, અરે કોઈ કોઈ વાર દલીલો થઇ જાય એમાં પણ કશો વાંધો નથી, પણ પોતાની જાતને બરતરફ કરી નાંખવી એ બિલકુલ બરાબર નથી. જો તમારે આ ખુશીના ભયથી ઉપર ઉઠવું હોય, કે જેથી કરીને તમે તમારું જીવન સંપૂર્ણપણે જીવી શકો, તો બીજા લોકોને તમે તમને નાના સમજવાની મંજુરી ન આપશો. અને છતાં પણ જો તેઓ તેવું કરે, તો તેઓ તમારા જીવનનો ભાગ ન હોવા જોઈએ. તેમનાંથી આઘા જતાં રહો. કોઈ રસ્તો શોધી કાઢો.

ખુશીનો ડર તમારી જાતમાં વિશ્વાસ નહિ કરવાથી આવતો હોય છે, એ પોતાની જાતને હળવાશથી લેવાથી આવતો હોય છે. અને, જો તમે બીજા લોકોને એવી છૂટ આપશો કે તે તમને એક કચરાની જેમ ગણે અને તેવી વર્તણુંક કરે, અને તમને એકદમ હળવાશથી લે, તો હું તમને કહી દઉં કે તો પછી તેઓ એવું જ કરશે. તમારી આજુબાજુ જે સફળ અને ખુશ લોકો છે તેમની તરફ જુઓ, અને તમને એક સામાન્ય લક્ષણ દેખાશે: તેઓ તેમની જાતને એક સન્માનપૂર્વક રાખતાં હશે. જો તમે તમારી જાતને પ્રેમ કરતાં શીખશો તો તમને ખુશીનો ભય નહિ સતાવે. બહુ ઓછા લોકો ખુશીઓનો આનંદ માણતાં હોય છે, મોટાભાગના લોકોને તેને ખોઈ દેવાનો ડર લાગતો હોય છે, અને તે ડરમાં ને ડરમાં તેઓ મોટાભાગે તેને હંમેશાં ખરેખર ગુમાવી પણ દેતા હોય છે.

રજાના દિવસોની શરૂઆત પહેલાં એક પાદરી પેટ્રોલ પંપ ઉપર રાહ જોતા ઉભા હતાં. પેટ્રોલ ભરનારાઓ પોતાનાથી બનતું બધું જ કરી રહ્યા હતાં પણ ત્યાં ગાડીઓ જ ઘણી બધી હતી. અંતે તે પાદરીનો વારો આવ્યો.

“પૂજ્ય,” પેટ્રોલ ભરવામાં મદદ કરનાર વ્યક્તિએ કહ્યું, “ તમારે આટલી રાહ જોવી પડી માટે હું માફી માંગું છું. એવું લાગે છે કે દરેકજણ લાંબી મુસાફરીએ નીકળવા માટે છેક છેલ્લી ક્ષણ સુધી રાહ જુવે છે.”
પાદરી હસ્યાં, “હું સમજુ છું તું જે કહે છે તે. મારા ધંધામાં પણ એવું જ છે.”

તો તમે શેની રાહ જુવો છો? જીવન તો પસાર થતું જ રહેશે, સમયની ટીક ટીક તો ચાલુ જ રહેવાની, જો તમે અત્યારે જ તમારા ખુશીના ભયને બાજુ પર નહિ રાખો તો પછી તમે એવું કરવાની હિંમત ક્યારેય પાછળથી એકઠી નહિ કરી શકો. ગાંધીજીએ એકવાર કહ્યું હતું, “ભય એ ખરો દુશ્મન છે. આપણે માનીએ છીએ કે ધ્રુણા છે; પણ હકીકતમાં ભય છે તે ખરો દુશ્મન છે.” જો તમે દુશ્મનને તમારી ઉપર ચાલવા દેશો, તો તેઓ તમને કચડશે જ. ભય એક ધ્રુણા અને તિરસ્કારની ભાવનાને પેદા કરે છે, અને સૌથી ખરાબ બાબત તો એ થાય છે કે, આ ભયથી તમે કાં તો પાગલની જેમ પોતની જાત પ્રત્યે વ્યાકુળતાથી સજાગતા અનુભવતાં થઇ જાવ છો કે પછી અપ્રીતિકર ઢંગથી પોતાની જાતની ટીકા કરનાર થઇ જાવ છો, આ બન્નેમાંથી કઈ પણ થાય, એ તમારામાં એક અધૂરા હોવાની લાગણી જન્માવે છે.

જીવનને જે કઈ પણ ખુશીઓ તમને આપવાની છે તે દરેકને તમે લાયક છો. કેમ? કેમ કે, તમે શ્વસો છો અને જીવંત છો તેનો અર્થ જ છે કે કુદરત તમને ઈચ્છી રહ્યું છે. બ્રહ્માંડ તમને ઈચ્છી રહ્યું છે. દરેકજણથી ભૂલ થઇ જાય છે. દરેકજણથી અમુક વાર કશુક બગડી જતું હોય છે, તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તમે સામાન્ય છો, તમે માનવ છો. કોઈપણ વ્યક્તિ તમને ઓછા હોવાનો અનુભવ કરાવીને તમારી અંદર ભય ન જન્માવી જવું જોઈએ. “જેને કોઈ પાપ ન કર્યું હોય તે પહેલો પત્થર મારે.” તમારી અપ્રતિમ સંભાવનાથી, તમારી ખુશીઓથી ડરશો નહિ; જાવ તેનાં ઉપર તમારો દાવો કરો.

તમારું મોઢું બરાબરનું કચકચાવો અને બોલો, ‘ચલ, જઈએ.’

શાંતિ.
સ્વામી
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share