Saturday, 13 September 2014

વ્યક્તિગત પરિપૂર્ણતાનો માર્ગ

આપણી ખુશી આપણી વ્યક્તિગત પરીપૂર્ણતા ઉપર ખુબ જ મોટા પ્રમાણમાં આધાર રાખે છે અને, વ્યક્તિગત પરિપૂર્ણતા અંતે આપણા માટે જે મહત્વનું હોય તેની પાછળ પડી જવાથી આવતી હોય છે.

 તમે ક્યારેય તમારા જીવન વિષે વિચાર કર્યો છે? જેમ કે તમે ક્યાં જઈ રહ્યાં છો, તમે શું કરી રહ્યાં છો અથવા તો તમે જે રીતે જીવી રહ્યાં છો તેવું કેમ જીવી રહ્યાં છો? મને લાગે છે કે ક્યારેક ને ક્યારેક તો દરેકજણ તેનાં વિષે વિચાર કરતાં જ હોય છે. તમે જો શાંતિથી બેસીને આ સવાલો ઉપર ચિંતન કરો તો, તમારી અંદરની બે બાજુઓ ઉભરીને તમારી સામે આવશે. અને બન્ને પોતપોતાના મુદ્દા ઉપર એવી રીતે દલીલ કરશે જાણે કે બે વકીલો ન્યાયાધીશની સામે ન કરતાં હોય.

તમારી એક બાજુ કહેશે, ફરિયાદ કરવાનું બંધ કર, તું જેમ છે તેમ બરાબર છે, તું ખુશ છે, બધું બરાબર છે, જીવન તો આવું જ હોય, સ્વપ્ના જોવાનું બંધ કર કારણકે તારે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, તારે જવાબદારીઓ છે, તારી પાસે તે કૌશલ્ય નથી, આ આવડત નથી, તારી પાસે પુરતો સમય નથી, તારી પાસે સ્રોતનો અભાવ છે વિગેરે.

બીજી બાજુ, તેમ છતાં, તમને પ્રેરિત કરશે. તે તમારી સાથે વાત કરશે અને કહેશે કે પણ ફલાણી-ફલાણી વ્યક્તિએ તો આ કર્યું હતું, તેને તો કોઈ પણ જાતના સ્રોત વગર જ શરૂઆત કરી હતી, અલબત્ત, તું પણ કરી શકે છે, ખરાબમાં ખરાબ શું થશે, ઓછાનામે તારે પ્રયત્ન તો કરવો જ જોઈએ, તારી પાસે શક્તિ, કૌશલ્ય, અને આવડત છે, તારે તારો ડર બાજુ પર મૂકી દેવો જોઈએ વિગેરે.

આ બન્ને સાશ્વત દલીલબાજોની વચ્ચમાં હોવ છો તમે પોતે, કે જેણે નિર્ણય કરવાનો હોય છે. તમે ન્યાયાધીશ હોવ છો. તમારે જયારે પણ કઈક જુદું કરવું હોય જીવનમાં, જયારે પણ તમારે કઈક નવી શરૂઆત કરવી હોય, તમારી એક બાજુ તીવ્રરૂપે તમારો વિરોધ કરશે અને તમને એ વાત માન્ય કરાવવા માટે તેનો સૌથી શ્રેષ્ઠ પ્રયત્ન કરશે કે તમે જ્યાં છો ત્યાં જ બરાબર છો. તે તમને ડરપોક અને આત્મસંતુષ્ટ બનાવી દેવા માંગે છે. એ સમયે, એ યાદ કરવું મદદરૂપ થઇ પડશે કે જે કોઈએ પણ પોતાનાં જીવનમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે તેમણે પોતાની આ નકારાત્મક બાજુને અવગણવાનું પસંદ કરેલું હોય છે.

આજનું મારું ધ્યેય તમારે જે લાંબા સમયથી કરવાની ઇચ્છા છે તે કરાવવા માટે તમને પ્રેરિત કરવાનું બિલકુલ નથી. ખરેખરતો આજનું મારું લક્ષ્ય તમને એક મહત્વનો સવાલ કરવાનું છે. પણ તેમ કરતાં પહેલાં ચાલો હું તમને થોડું વિચારવા માટે કઈક આપું.

જો તમે આજુબાજુ થોડું અવલોકન કરવાની તસ્દી લેવા માંગતા હો તો, કેફેમાં કે રેસ્ટોરન્ટમાં જમવા બેઠેલાં ગ્રાહકો સામે જુઓ, રેલ્વે સ્ટેશન કે એરપોર્ટ પર બેઠેલાં મુસાફરોને જુઓ, અરે તમારા કાર્યાલયમાં તમારા સહકર્મચારીઓ સામે જુઓ, કોઈ પાર્ટીમાં મિત્રો તરફ જુઓ, કોઈપણ જગ્યાએ અને દરેક જગ્યાએ, તમે જોશો કે દરેકજણ એક વસ્તુ પામવાની સખત કોશિશ કરે છે: અને તે છે ખુશ રહેવાની. આપણામાંના મોટાભાગનાં લોકો હંમેશા ખુશ રહેવા માટે બને તેટલું બધું જ કરતાં હોય છે. ખુશી, તેમ છતાં, જો કે એવાં અનેક સ્વરૂપે આવતી હોય છે કે જેમાંની એક પણ કાયમી હોતી નથી.

આકાશ હંમેશાં કઈ ભૂરું નથી હોતું, ઋતુ હંમેશાં કઈ વસંતની નથી રહેતી. તમે કાયમ પીળા વસ્ત્રો નથી પહેરતાં, કે કાયમ પાસ્તા જ નથી ખાતા હોતાં, અને જો તમે કદાચ તેમ કરી પણ શકો તેમ હો તો પણ તમે તેમ કરતાં હોતાં નથી કેમ કે અંતે તે કંટાળાજનક બની જતું હોય છે. આપણી ખુશી સુનિશ્ચિત હોતી નથી, તે ફક્ત આનંદ પ્રદાન કરનાર વસ્તુ ઉપર જ નિર્ધારિત હોતી નથી પરંતુ આપણી માનસિક સ્થિતિ ઉપર પણ આધારિત હોય છે. જ્યાં સુધી તમે કંટાળી નથી જતાં ત્યાં સુધી તમે તેનો આનંદ ઉઠાવો છો. કંટાળો ટાળવા માટે, લોકો સમાજમાં હળેભળે છે, ખરીદી કરે છે, બહાર જમવા જાય છે, ટીવી જુએ છે, કે કઈક જુદું કરે છે.

આ પ્રવૃત્તિઓ સારી છે, કદાચ ઇચ્છનીય પણ છે, પણ તે જરૂરી નથી કે આપણને એક સારા માનવ બનાવતી જ હોય. દર વર્ષે લાખો લોકો જન્મે છે, અને લાખો લોકો મરે છે. સંઘર્ષ કરતાં કરતાં એક દિવસમાંથી બીજા દિવસ તરફ, કોઈપણ પ્રકારના આધ્યાત્મિક કે લાગણીકીય વિકાસ વગર, મોટાભાગનાં લોકો જે રીતે આવ્યા હોય છે તે જ રીતે પાછાં જતાં હોય છે. સ્પષ્ટ રીતે કે આ જો કે દરેકની વાત નથી. એમાં કોઈ આઇન્સ્ટાઇન, એરીસ્ટૉટલ, મોઝાર્ટ અને રેમબ્રાન્ડટ પણ હતાં કે જેમણે આપણને વિજ્ઞાન, ફિલસુફી, આધ્યાત્મિક અને કલાનો અમુલ્ય ખજાનો આપ્યો છે. અને અસંખ્ય એવાં લોકો પણ હતાં કે જેઓ પણ ઓછા વિદ્વાન નહોતા પરતું તેમ છતાં તેઓ એક ઝાંખા પરદાની પાછળ ઢંકાયેલા જ રહ્યાં.

આ કૌશલ્યવાન લોકો પ્રખ્યાત થયાં કે નહિ, શ્રીમંત બન્યાં કે સંઘર્ષમય જીવન જીવ્યા તે હકીકત ગમે તે હોય, પરંતુ તેમનું જીવન એક ચોક્કસ અવસ્થામાં વીત્યું, એક સમાધિ જેવી અવસ્થા, એક એવી સ્થિતિ કે જેમાં તેમની ખુશી કે તેમની વ્યક્તિગત પરિપૂર્ણતા એ દુનિયા તેમને કઈ રીતે નિહાળે છે એનાં ઉપર આધારિત નહોતી. તેઓ જરૂરી નથી કે જન્મજાત વિદ્વાન હોય, પરંતુ તેઓએ પોતાના કૌશલ્યનું અન્વેષણ (ખોજ) કરવા માટે, તેનું પોષણ કરવા માટે, અને તેને ખીલવવા માટે, સખત અને સઘન મહેનત કરી હોય છે. વાસ્તવમાં, તેઓએ પોતાનું સમગ્ર જીવન તેમનાં માટે મહત્વની જે એક બાબત હતી તેનાં માટે સમર્પિત કર્યું હોય છે.

વિજ્ઞાનીઓએ અને સંશોધકોએ અનેક વિષયોનાં અભ્યાસમાં, ઘણાં સમય પહેલાં એ પુરવાર કરી દીધું છે કે નિ:શંકપણે પ્રેક્ટીસ - અભ્યાસ માત્ર એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ ક્ષેત્રમાં તમને સર્વોપરી બનાવતું હોય છે. પછી તે સંગીત હોય, ચેસની રમત હોય, ધ્યાન હોય, લેખનકાર્ય હોય, ચિત્રકામ હોય, પ્રોગ્રામિંગ હોય કે પછી ગમે તે હોય, જો તમે કોઈ પણ ક્ષેત્રમાં ૧૦,૦૦૦ કલાકની મહેનત કરો તો, તમે તે ક્ષેત્રના નિષ્ણાંત બની જશો. અથવા તો બીજા શબ્દોમાં કહેવું હોય તો તમે જો, રોજના ત્રણ કલાક ૧૦ વર્ષ સુધી આપવા માટે તૈયાર હોવ તો તમે તે કૌશલ્યની ટોચ ઉપર બિરાજશો.

ઘડિયાળની ટીક-ટીક ચાલુ છે અને કદાચ તમારાં જીવનમાંથી વીસ, ત્રીસ, ચાલીસ કે પચાસ વર્ષો તો ચાલ્યા પણ ગયા હશે. કદાચ બની શકે કે તમે જીવન જે રીતે ચાલી રહ્યું છે તેનાંથી સંતુષ્ટ પણ હોઈ શકો છો, કે પછી તમારે કઈક બીજું જ કરવું હતું કે બનવું હતું. વારુ, શરૂઆત કરવા માટે તમે ક્યારેય મોડા નથી હોતા. ચાલો હું તમને એક સવાલ કરું કે જેનો સંકેત મેં લેખમાં પહેલાં કરી દીધો છે. તમે તમારા જીવનનાં આવનાર દસ વર્ષો શેના ઉપર વિતાવવા માંગો છો? તમે આવનાર ૧૦,૦૦૦ કલાકોનું રોકાણ ક્યાં કરવાં માંગો છો? બસ તમે જેનાં સ્વપ્ના જુવો છો તેને સાકાર કરવા માટે આટલું જ જરૂરી છે.

પ્રથમ ૧,૦૦૦ કલાક સખત અઘરા લાગશે અને કદાચ કંટાળાજનક પણ, પણ જો તમે સાતત્ય ટકાવશો તો તમે તમારી વિદ્વતાનું તાળું ખોલી શકશો અને તમારી સર્જનાત્મક બાજુને ખુલ્લી કરી શકશો કે જે તમને અને તમારી આજુબાજુ રહેલાં દરેકજણને આશ્ચર્યચકિત કરી મુકશે. તમે જેમ જેમ પ્રગતિ કરતાં જશો તેમ તેમ તમે અંતે તમારા અભ્યાસની વિષયવસ્તુ સાથે એકાત્મક થઇ જશો અને તે તમને સાશ્વત આનંદના સ્તર તરફ દોરી જશે.

ખુશીઓનાં ઇન્દ્રધનુષ્ય તરફથી, કે જ્યાં રંગો વિવિધ અને અસ્થાયી છે, ત્યાંથી તમે એક શુદ્ધ શુભ્ર સુખ તરફ પ્રયાણ કરશો – કે જે એકદમ નૈસર્ગિક, દરેકને પોતાનામાં સમાવનાર અને સ્વતંત્ર છે. તો, તમે જે રીતે હંમેશાં જીવતાં આવ્યા છો તે જ રીતે જીવતાં રહેશો કે પછી તમે આવનાર દસ વર્ષો તમારે જે શીખવાની ઈચ્છા હતી તેને શીખવા માટે વાપરીને તમારી જાદુઈ શક્તિને શોધી કાઢવાના છો? એક વખત જો તમે શીખવાની કે સુધરવાની પ્રક્રિયાનો આનંદ ઉઠાવવાનું શરુ કરશો તો, દસ વર્ષો તો આંખના પલકારામાં વિતી જશે. સુંદર રીતે.

આ માર્ગ છે પૂર્ણતાનો, મહાનતાનો, અને વ્યક્તિગત પરિપૂર્ણતાનો. તમે તમારો શેમાં પ્રાપ્ત કરશો?

શાંતિ.
સ્વામી

P.S. આશા રાખું છું કે તમને અંગ્રેજી બ્લોગનું નવું રૂપ પસંદ આવ્યું  હશે.P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

No comments:

Post a Comment

Share