Saturday, 4 October 2014

લાગણીઓનું સ્રોત

લાગણીઓ ઝાકળબિંદુઓ જેવી છે જે જાગૃતતાનો સૂર્યોદય થતાં જ અદ્રશ્ય થઇ જાય છે. મૂળ સુધી પહોંચવા માટે આ સરળ ધ્યાન કરો.
ગયા અઠવાડિયે મેં તમને વચન આપ્યું હતું કે હું આ વખતે ધ્યાનની એક કલા ઉપર લખીશ કે જે તમને તમારી લાગણીઓનાં મૂળ સ્રોત સુધી પહોંચીને તેને સમજવા માટે મદદ કરશે. તમે જેને જેટલું વધુ સમજી શકો તેનો તમે તેટલો જ વધુ સારી રીતે સામનો કરી શકો છો. નરી આખે જોઈએ તો, એ બિલકુલ તાર્કિક વાત છે કે આપણી સાથે કોઈ વ્યક્તિ કેવું વર્તન કરે છે તેનાં ઉપરથી તે આપણને ગમે છે કે નથી ગમતી હોતી. વાસ્તવિકતા, જો કે, થોડી વધારે જ ગુંચવણ ભરેલી છે. આપણી કોઈ બીજા પ્રત્યેની લાગણી ફક્ત તે આપણી સાથે કેવું વર્તન કરે છે તેનાં ઉપર જ આધારિત માત્ર હોતી નથી, પરંતુ તે આપણી સાથે કેવી રીતે વર્તે છે તેનાં ઉપરના આપણા પોતાનાં વિચારો ઉપર આધારિત હોય છે. મોટાભાગે તો સામેની વ્યક્તિને માટે આપણે આપણો મત બહુ પહેલાં ક્યારનોય બાંધી લીધો હોય છે, હજી તો તે આપણી સાથે કઈ પણ કરે તે પહેલાં જ.

આપણે, ત્યારબાદ, બહુ કાળજીપૂર્વક એવાં અમુક પ્રસંગોને ચૂંટીને પસંદ કરીએ છીએ કે જે આપણી તે વ્યક્તિ વિષેની છાપને ટેકો પૂરો પાડે. જયારે જયારે પણ તેમનું વર્તન આપણા તેમનાં વિષેના મતને વધુ મજબુત બનાવે, ત્યારે તે આપણને એક આનંદ આપતું હોય છે, અને જો તેમ ન થતું હોય તો તે આપણને એક દુઃખ આપે છે. તેઓ આપણી સાથે કેવા બની રહે છે વિરુદ્ધ તેઓ ખરેખર કેવા છે આ બે બાબતો વિષે આપણી અંદર એક સતત યુદ્ધ ચાલતું રહેતું હોય છે. આપણી માન્યતા અને સત્ય વચ્ચેનું અંતર જેટલું મોટું, તેટલી જ વધારે પીડા. આ આંતરિક કલહને મીટાવવા માટે આપણે સતત એવાં પ્રસંગો ઉપર ધ્યાન આપ્યા કરીએ છીએ કે જે તેમનાં વિષેના આપણા પોતાનાં મતને પોષ્યા કરે. પરંતુ, કારણ કે આપણા પોતાનાં મત જ ખરા નથી હોતા, એટલાં માટે જ આપણે સતત ખુશી અને પીડા, આનંદ અને દુઃખની વચ્ચે આમથી તેમ ફંગોળાયા કરીએ છીએ. અને આપણા મત શા માટે ખરા નથી હોતા, તમે કદાચ પૂછી શકો છો? વારુ, કારણકે મોટાભાગે આપણા મત કોઈ પણ પ્રકારની નક્કર વાસ્તવિકતા કરતાં આપણી પોતાની જ માન્યતા ઉપર વધારે આધારિત હોય છે. ચાલો હું તમારી સાથે ખરું ધ્યાન કરવાની રીત જે છે તેને તમારા માટે વધુ સરળ બનાવું. તે આ મુજબ છે:

કલ્પના કરો કે તમે એક ઓરડામાં બીજી ત્રણ વ્યક્તિઓ સાથે છો – એક વ્યક્તિ તમારી ખાસ મિત્ર છે, એક તમારી ખરાબમાં ખરાબ દુશ્મન અને ત્રીજી વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ છે (છેલ્લાં ૨૪ કલાકમાં તમે જોયેલા કોઈ એક અજાણ્યા ચહેરાને આ ધ્યાન કરવા માટે મનમાં યાદ કરી લો). તમારા મિત્ર સામે ધારીને જુઓ, ત્યાર બાદ તમારા દુશ્મન સામે અને ત્યારબાદ આ અજાણી વ્યક્તિ સામે જુઓ. તમારા મિત્ર માટે વિચારતા જ તમારી અંદર હકારાત્મક લાગણીઓ ઉભરાશે જયારે તમારા દુશ્મનની સામે જોતા તમારી અંદર નકારાત્મક લાગણીઓ ઘોળવા માંડશે. અજાણી વ્યક્તિને યાદ કરતી વખતે તમારી અંદર ન તો હકારાત્મક લાગણી જન્મશે કે ન તો નકારાત્મક લાગણી. આ ત્રણેય ઉપર વારાફરતી ચિંતન કરો અને આવું દસ મિનીટ સુધી કરો.

હવે, તમારા મિત્ર ઉપર ધ્યાન કરો અને તમારી અંદર જે કઈ પણ લાગણી ઉઠે છે તેને ચકાશો. તમારી જાતને પૂછો હું શા માટે આ વ્યક્તિ માટે આવી લાગણી અનુભવું છું? તમારું મન તમારી લાગણીને ઉચિત સિદ્ધ કરવા માટે અનેક જવાબો લઇને તમારી સામે હાજર થશે. તમને કદાચ એ યાદ આવશે જયારે તેને તમને મદદ કરી હોય, પ્રેરણા આપી હોય, ટેકો આપ્યો હોય વિગેરે. અને એવી ક્ષણોને પણ યાદ કરો જયારે તમારી તમારા મિત્ર સાથે દલીલ થઇ ગયી હોય, કે જયારે તેને તમારો વિરોધ કર્યો હોય કે પછી તમારી સાથે ન ઉભા રહ્યા હોય.

આ જ કલ્પના તમારા દુશ્મન માટે કે પછી કોઈ પણ વ્યક્તિ જે તમને ન ગમતી હોય તેમનાં માટે કરો. તમારી જાતને પ્રશ્ન પૂછો કે આ વ્યક્તિમાં એવું શું છે જે મને નથી ગમતું? ફરી એક વાર, તમે આનંદદાયક કે પીડાદાયક પ્રસંગોને યાદ કરશો. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ કે જે આજે તમને નથી ગમતી તે થોડા વર્ષો પહેલાં તમારી ભાગીદાર હતી. માટે તમારી પાસે મીઠી અને ખાટી બન્ને યાદો હશે. હવે પેલી અજાણી વ્યક્તિનો વિચાર કરો અને તમારી જાતને સવાલ પૂછો, હું આ વ્યક્તિ માટે તટસ્થતા કેમ અનુભવું છું?

તમે જો આ ધ્યાન પ્રામાણિકપણે ફક્ત પંદર મિનીટ સુધી કરશો, તો તમને બે મહત્વનાં સત્યોનું જ્ઞાન થશે:

૧. તમે જો તમારી લાગણીઓ પ્રત્યે સભાન બનશો તો તેનાં ઉપર કાબુ આપોઆપ મેળવી શકો છો. આ ધ્યાનમાં, તમે જાગૃતપણે તમારા મિત્ર અને દુશ્મન વિષે વિચાર કરીને તમારી અંદર નકારાત્મક અને હકારાત્મક લાગણીઓને ઉત્તેજિત કરો છો, ત્યારે તમે એ અનુભવશો કે તમારી લાગણીઓ તમારા ઉપર હાવી થઇ શકતી નથી. જાણે કે તે કોઈ વાસ્તવિક હકીકત જ ન હોય.

૨. લોકો કઈ સંપૂર્ણત: સારા કે ખરાબ નથી હોતા. અમુક સમય એવાં હોવાનાં જ કે જેમાં તમારી મિત્ર વ્યક્તિએ તમારી સાથે મિત્રતાભર્યું વર્તન કર્યું ન હોય, અને દુશ્મન છે તે માયાળુ વર્તન કરી ગયું હોય. તો પછી, શા માટે તમારું મન એક બાજુના દ્રષ્ટિકોણ પ્રત્યે વધારે ઝુકેલું રહે છે? તમને એ સમજાશે કે તમારો પોતાનો એ વ્યક્તિ વિષેનો મત, એ તેમણે ખરેખર તમારી સાથે શું વર્તન કર્યું છે તેનાં કરતાં તમે પોતે ખરેખર તેમનાં વિષે શું યાદ કરવા માંગો છો તેનાં ઉપર વધારે આધારિત છે. અને અજાણી વ્યક્તિ માટે જે તટસ્થતાનો અનુભવ થાય છે તેનાં કારણોમાંનું એક કારણ એ છે કે તમારી પાસે તેનાં વિષે કોઈ સારી કે ખરાબ યાદ છે જ નહિ. તેમણે તમને કોઈ મદદ નથી કરી કે કોઈ તકલીફ પણ નથી આપી હોતી.

લાગણીઓનું મૂળભૂત સ્રોત હોય છે વાસ્તવિકતા વિષેના આપણા પોતાનાં ખ્યાલો (અને આપણા પોતાનાં અર્થઘટનો) અને નહિ કે ખરી વાસ્તવિકતા. જો તમે તમારી લાગણીઓની માન્યતાઓને, જેવી રીતે આ ધ્યાનમાં દર્શાવ્યું છે તે મુજબ, જાગૃતતાપૂર્વક સવાલ કરવાનું પસંદ કરશો તો, એક શાંતિની ચાદર તમને વીંટળાઈ જશે. તમને એ સમજાશે કે આપણે ખરેખર જે વારંવાર કરતાં હોઈએ છીએ તેમ લોકોને કોઈ લેબલ ચોક્કસાઈ પૂર્વક લગાડી શકાતું નથી. અને, વધુમાં, આપણું વર્ગીકરણ એ કઈ હંમેશાં સંપૂર્ણપણે ન્યાયસંગત કે નિષ્પક્ષ નથી હોતું. આ સમજણ સાથે, તમે તમારા સ્વભાવમાં એક ગહન સ્વસ્થતાનો અનુભવ કરશો. અને, સ્વભાવમાંની ગહન સ્વસ્થતા એ આંતરિક શાંતિ તરફનું પ્રથમ નિર્ણાયક પગલું છે. અને આ જ બોધનું બીજું નામ છે, જો તમે મને પૂછો તો.

એન્થોની ડી’ મેલોની One Minute Wisdomમાં, એક શિષ્યે પોતાનાં ગુરુને પૂછ્યું બોધ (જ્ઞાનોદય) શું છે. ગુરુએ જવાબ આપ્યો:
લોકહિતના ભાવથી યુક્ત રહેવું અને નિષ્પક્ષ રહેવું. કોઈ પણ માર્ગ કે પ્રવાહના બંધનથી મુક્ત થઇને આગળ વધવું. વસ્તુઓ જેમની છે તેમ સ્વીકારવી. ભૂતકાળ માટે કોઈ પશ્ચાતાપ ન રાખવો. ભવિષ્ય માટે કોઈ આતુરતા ન રાખવી. જયારે ધક્કો વાગે ત્યારે આગળ જ વધવું. જ્યાં ખેંચીને લઇ જવામાં આવે ત્યાં આવવું. એક શક્તિશાળી આંધીની જેમ રહેવું. જાણે કે હવામાં રહેતું પીછું, જાણે કે પાણીમાં તરતું ઘાસ. જાણે કે શાંતિથી દળતું ઘંટીનું પડ, દરેક સર્જનને સમાનતાથી પ્રેમ કરવો કારણ કે સ્વર્ગ અને નર્ક બધા માટે સરખા હોય છે – આ છે જ્ઞાનોદયનું પરિણામ. 
તમારી જાત સાથે રહેવું એ દિવ્યતાના સંસર્ગમાં રહેવા જેવું છે. અને ત્યારે હકારાત્મક અને નકારાત્મક લાગણીઓ તો ફક્ત ઝાકળબિંદુઓ જેવી બનીને રહી જાય છે કે જે જાગૃતતાનો સૂર્યોદય થતાં જ ગાયબ થઇ જાય છે.

શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.


1 comment:

Anonymous said...

Watch your thoughts; they become words.
Watch your words; they become actions.
Watch your actions; they become habits.
Watch your habits; they become character.
Watch your character; it becomes your destiny. Lao Tzu

Post a Comment

Share