Saturday, 11 October 2014

સાશ્વત સત્ય

સમગ્ર જીવસૃષ્ટિ સતત એક સામાન્ય સત્ય માટે કામ કરતી હોય છે. તે એકદમ સરળ અને સીધું છે. છે મારો તેનાં પરનો દ્રષ્ટિકોણ.
એક દિવસે, મારી આંખો કમ્પ્યુટરની સામે સતત કેટલાંય કલાકો સુધી જોયા કરવાથી ખુબ જ થાકી ગઈ હતી. હું મારું આવનાર જીવન સંસ્મરણનાં પુસ્તકમાં સુધારા વધારા કરવામાં વ્યસ્ત હતો અને સાથે સાથે આવતાં અસંખ્ય ઈ-મેઈલનાં જવાબો પણ આપી રહ્યો હતો. પરંતુ હવે હું કમ્પ્યુટરના પડદા સામે વધુ જોઈ શકું તેમ નહોતો કારણકે હવે તેનાં ઉપર શબ્દો જાણે તરતા ન હોય એવું લાગતું હતું. મારી આંખોને થોડો આરામ આપવા માટે, મેં બારીનો પરદો થોડો ખસેડ્યો અને બહાર જોયું. તે એક ખુબ સુંદર દ્રશ્ય હતું. નદી ધીમા પ્રવાહે વહી રહી હતી, પર્વતો લીલાછમ હતાં, દુર એક ખેડૂત પોતાની જમીન ખેડી રહ્યો હતો, એક મોટી શીલા ઉપર એક ગોવાળ આરામ કરી રહ્યો હતો જયારે તેની ગાયો આજુબાજુ ઘાસ ચરી રહી હતી, આકાશ સ્વચ્છ હતું અને ઉપર તેનાં ભૂરા વિશાળ પટમાં પંખીઓ વર્તુળ બનાવી ઉડી રહ્યાં હતાં.

હું એક પંખીને તાકીને જોઈ રહ્યો હતો કે જે આકાશમાં ઉંચે ઉંચે ઉડાન ભરી રહ્યું હતું, અને વર્તુળાકારે ફરતું ફરતું પાછું એકદમ નીચે આવ્યું અને પાછું ઉંચે ઉડવા માંડ્યું. આવું થોડી વાર માટે ચાલ્યા કર્યું અને પછી તે એક મોટા પર્વત પાછળ અદ્રશ્ય થઇ ગયું.

મેં મારી બારીમાંથી આજુબાજુ જોયું પરંતુ બીજું કોઈ પક્ષી જોયું નહિ પણ કાચની બારીના એક ખૂણા આગળ કરોળિયાનું જાળું હતું અને તેમાં એક બાજુએ કરોળિયો રાહ જોતો બેઠો હતો. તે એકદમ શાંત અને સ્થિર હતો. બારીની બહાર થોડા પતંગિયાઓ ઊડી રહ્યા હતાં.

મેં મારું લેપટોપ બંધ કર્યું કારણકે હવે મને તેનો પડદો બિલકુલ આકર્ષક લાગતો નહોતો. એક ઓછા જાણીતા સંત, મલુક દાસ,ની રચના મને યાદ આવી ગયી:

અજગર કરે ના ચાકરી, પંછી કરે ના કામ,
દાસ મુલક કહે ગયે, સબકે દાતા રામ.

પરંતુ, મને લાગે છે કે આપણી દુનિયામાં સરળ છતાં ભાવપૂર્ણ લાગતી આ પંક્તિઓ કરતાં પણ થોડું વધુ છે. હું ત્યાં બેસી ગયો અને આપણા અસ્તિત્વના સાશ્વત સત્ય વિષે ચિંતન કરવા લાગ્યો. શું તે સત્ય આકાશમાં ઉડતા પંખીઓ હતું કે ફરફરતા પતંગિયાઓ, કાર્યશીલ ખેડૂત હતો કે આરામથી સૂતેલો ગોવાળ હતું, આ બધામાં એક વાત સામાન્ય હતી. ભૂખ. ભૂખ એ દરેક જીવનું સાશ્વત સત્ય છે. મનુષ્ય અને કદાચ આપણાથી તાલીમ પામેલા પ્રાણીઓ સિવાય, લગભગ મોટાભાગના જીવોને જેટલું ખાવું હોય તેટલું ખાવા ભાગ્યે જ મળે છે. દર સવારે કરોડો જીવો પોતાના ગૃહની સલામતી અને આરામદાયકતામાંથી બહાર નીકળીને ખોરાકની શોધમાં લાગે છે. તેમને ખોરાક શોધવો જ રહ્યો નહીતો તે નાશ પામશે.

ભૂખ એ આપણું પણ સત્ય છે; જોકે આપણી ભૂખ અને તેમની ભૂખમાં ફક્ત એક જ મુખ્ય તફાવત છે. ના, એ લાલચ નથી. આપણી જેમ, પ્રાણીઓ પણ લાલચુ હોઈ શકે છે. ઘણા પ્રસંગોએ મેં કુતરા, બિલાડીઓ અને બીજા પ્રાણીઓને જોયા છે જે અતૃપ્ત ઈચ્છાને વશ થઇને પોતાનું ભક્ષ્ય જલ્દી-જલ્દી ખાઈ જતા હોય છે. પરંતુ, તેમની ભૂખ મૂળભૂત હોય છે, તે પ્રારંભિક સ્તરની હોય છે જયારે આપણી થોડી વિકસિત હોય છે. તે જયારે ભૂખ્યા હોય ત્યારે તેમને ખાવું પડે છે અને ઉત્તેજનામાં તેમને સમાગમ કરવો પડે છે. આપણી જાતી, જોકે, અનેક બીજી વસ્તુઓને માટે થઇને ભૂખી પણ રહેતી હોય છે.

આજુબાજુ નજર કરો અને જુઓ કે લોકો જુદા જુદા કારણોને લઇને કેવી રીતે ભૂખ્યા રહેતાં હોય છે. મોટાભાગના લોકો પૈસા માટે તલસતા હોય છે, તો ઘણા પ્રેમ માટે, ઘણા લોકો સત્તા માટે, તો ઘણા લોકો શાન માટે, નામ માટે અને કીર્તિ વિગેરે માટે તલસતા હોય છે. આપણી ભૂખ આપણને ઊંચા ને ઊંચા જ રાખતી હોય છે, તે આપણને સતત દોડાવતી રહે છે, તે આપણે ઉત્સાહિત પણ કરતી રહે છે અને આપણને મહત્વના અને પૂરતા હોવાનો અનુભવ પણ કરાવતી રહે છે. પરંતુ, આપણને જીવનમાં જે જોઈતું હોય છે તે હંમેશા અભાવની સમજમાંથી ઉદ્દભવતું હોય છે, અને અસલામતીમાંથી પણ. જેમ તમને ભૂખ લાગે ત્યારે તમે ખોરાકની અભિલાષા કરતાં હોવ છો, તેમ તમે પરિપૂર્ણતા માટે પણ તલસતા હોવ છો ખાસ કરીને જયારે જીવન તમને તે આપવામાં નિષ્ફળ નીવડે ત્યારે. અને તે પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે આપણે ધ્યેય નક્કી કરીએ છીએ અને સતત તેની સિદ્ધિ માટે સખત મહેનત અને સંઘર્ષ કરતાં રહીએ છીએ, અને જયારે તેની પ્રાપ્તિ થઇ જાય ત્યારે બીજા વધારે ધ્યેયો નક્કી કરતાં હોઈએ છીએ. આ ભૂખ સાશ્વત હોય છે.

છતાં, જયારે તમે અંદરથી સંપૂર્ણતાનો અનુભવ કરો છો, ત્યારે તમને ભૂખ્યા હોવાનો અનુભવ નથી થતો પરંતુ એક સંતોષનો અનુભવ થાય છે. આજુબાજુનો ચકરાવો બંધ થઇ જાય છે, તમે એક ધરાવો અનુભવ કરો છો. એક વિદ્વાન ઓસ્ટ્રેલિયન મનોચિકિત્સક, આલ્ફ્રેડ એડલરનાં શબ્દોમાં:

બધા પ્રકારના ઘમંડમાં એક હેતુ સામાન્ય હોય છે. એક અહંકારી માણસે એક એવું ધ્યેય રાખ્યું હોય છે કે જે આ જીવનમાં સિદ્ધ થઇ જ ન શકે. તે દુનિયામાં સૌથી વધુ મહત્વનો અને બાકી બધાથી સૌથી વધારે સફળ બનવા માંગે છે, અને આ ધ્યેય તેની જે અધૂરાપણાની લાગણી છે તેનું સીધું પરિણામ છે.

આ એક કિમંતી હીરા જેવું છે. જો તમે તેના ઉપર ચિંતન કરો તો, તમને જણાશે કે એકવાર આપણે જયારે એવું માનવાનું શરુ કરી દઈએ કે આપણા જીવનમાં કઈક ખૂટે છે, ત્યારે આપણે તેના તરફ તરત આપોઆપ કામ કરવા માંડીએ છીએ. મોટા ભાગના આપણા ધ્યેયો આ કઈક ખૂટ્યા કરતાં હોવાની લાગણી પરથી જ નક્કી થતાં હોય છે. આ કોઈ સારું કે ખરાબ કે નકારાત્મક મંતવ્ય નથી પરંતુ એક નગ્ન સત્ય છે. દુઃખદ વાત એ છે કે આપણે કઈ આવી રીતના જન્મ્યા હોતા નથી પણ આપણે આવા ખુબ જ સૂક્ષ્મતાથી, અરે બિનઈરાદાપુર્વક આ રીતે શરતી થઇ જતા હોઈએ છીએ. કે આપણે પર્યાપ્ત નથી, કે આપણે હંમેશા વધુ મેળવવા માટે સખત મહેનત કરવી જ પડે. આ આવું હોવું જરૂરી નથી. તમારી ભૂખ શાંત કરતાં પહેલાં, એક ક્ષણ માટે થોભી જઈ તમારી જાતને એક સવાલ કરો કે તમે ખરેખર ભૂખ્યા છો કે પછી આ કોઈ ખોટો સંકેત છે?

મુલ્લા નસરુદ્દીન એક વખત ક્રુઝમાં ફરવા ગયા અને તે જમવા માટે એક ફ્રેંચ વ્યક્તિ સાથે ટેબલ પર બેઠા. ડીનર વખતે પેલાં ફ્રેંચ વ્યક્તિએ કહ્યું, “બોન એપેટીત!”

“મુલ્લા નસરુદ્દીન!” મુલ્લાએ કહ્યું. ફ્રેંચ વ્યક્તિએ નમ્રતાથી માથું ઝુકાવ્યું. બીજા જમણ વખતે પણ આ જ રીતે અભિવાદન કરવામાં આવ્યું.

આવું પાંચ દિવસ સુધી ચાલ્યું અને જયારે મુલ્લાથી વધારે વાર સહન ન થયું ત્યારે તેને બીજા મુસાફરને કહ્યું: “જમતા પહેલાં એ હંમેશા મને તેનું નામ બોન અપેટીત છે એવું કહે છે અને હું તેને મારું નામ કહું છું. હું આ માણસને સમજી નથી શકતો. એ પોતાનું નામ શા માટે દર વખતે લે છે?” પેલો બીજો મુસાફર ખડખડાટ હસવા લાગ્યો અને મુલ્લાને કહ્યું કે બોન અપેટીત એક અભિવાદન છે જેનો અર્થ થાય છે “તમારા જમણનો સ્વાદ લો.”

નસરુદ્દીન પોતે આ રહસ્ય જાણીને ખુબ ખુશ થઇ ગયા અને બીજા જમણના સમયની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. અને તે બન્ને પાછા ડીનર સમયે ભેગા થયા. મુલ્લાએ મોટા સ્મિત સાથે આવકાર આપતા કહ્યું, “બોન અપેટીત!” ફ્રેંચ વ્યક્તિએ ધીમે રહીને સ્મિત કરતાં કહ્યું, “મુલ્લા નસરુદ્દીન.”

દુનિયા તમારી સામે જોઈ રહી છે અને તમારી નકલ કરવાનો પ્રયત્ન કરે છે એવું વિચારીને કે તમે સમજી ગયા છો અને સામે તમે પણ તેમની સામું જોઈને એવું જ કરી રહ્યા હોવ છો. ત્યાં અંદર કોઈ ભૂખ હોતી નથી, ખાલી ફક્ત કૃત્રિમ રીતે લાગેલી આગ માત્ર હોય છે જે ઉપરછલ્લા અને સ્વેચ્છાચારી અવલોકનો ઉપર આધારિત હોય છે.

હા, આપણને આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની જરૂર પડતી હોય છે, આપણે જીવવાનું હોય છે, આપણે આરામદાયક અને સલામત રહેવાનું હોય છે, પરંતુ આપણે પાગલ બનવાની જરૂર નથી. ઇચ્છાઓનું ગાજર હંમેશાં જો આગળ લટકેલું જ રહેતું હોય અને આપણે તેને અર્થહીનપણે અનુસરતા રહેતાં હોઈએ, તો પછી એ દોરી કાપી નાંખો અને ગાજર ખાઈ જાવ. તમે તે પછી એક છાયાં હેઠળ બેસીને તમારા જીવનને માણી શકો છો, જે પણ એક સુંદર ભેટ છે. આ પણ એક સાશ્વત સત્ય છે: જીવન અતિ સુંદર છે.

શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.


No comments:

Post a Comment

Share