Saturday, 18 October 2014

If Truth Be Told — A Monk’s Memoir

If Truth Be Told એ મારું સંસ્મરણ પુસ્તક છે જે આવતાં મહીને હાર્પર કોલીન્સ ઇન્ડિયા દ્વારા બહાર પડશે. આ મારી અત્યાર સુધીની જીવનયાત્રા છે.
જો તમે મને પૂછો તો હું કહીશ કે આપણે કદાચ વિચિત્ર જાતિ છીએ. મોટાભાગે હંમેશાં, આપણને કઈક અલગ જોઈતું હોય છે કાં તો આપણી પાસે જે પહેલેથી હોય તેનાંથી વધુ જોઈતું હોય છે. વિચિત્ર એટલાં માટે કેમ કે આપણી નિ:સ્વાર્થ રહેવાની ક્ષમતા આપણી સ્વાર્થી રહેવાની તાકાત જેટલી જ ભરપુર હોય છે. હું એ વાતની ખાતરી આપી શકું છું કેમ કે હું મારી જાતને એક દયાળુ વ્યક્તિ તરીકે જોઉં છું, અને મને નથી લાગતું કે મારામાં ક્યારેય મારા પ્રિય વ્યક્તિઓને દુઃખ આપવાનું હૃદય હતું. પણ જયારે મારી ઈચ્છાએ મને ધક્કો માર્યો ત્યારે મેં તેમનાં પર એ દુઃખ  કોઈ પણ પ્રકારના પ્રયાસ કર્યા વગર લાદયું જ.

એક સવારે, હું ઉઠ્યો, તૈયાર થયો, કામ પર ગયો અને સાંજે પાછો ઘરે પરત ગયો નહિ. એનાં બદલે હું એક ટ્રેનમાં ચડ્યો જેથી કરીને હું મારી દરેક ચોક્કસતાઓથી, મારા વ્હાલા લોકોથી, અને મારી જે સંપત્તિ હતી તેનાંથી મારી જાતને  દુર-દુર લઇ જઈ શકું. મારા કુટુંબને કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના, કોઈ પણ પ્રકારનો સંકેત આપ્યા વિના, હું બસ ફક્ત દુર થઇ ગયો, જો કે હું સારી રીતે જાણતો હતો કે અહીથી હવે પાછું ફરવાનું શક્ય નહિ બને.

એવું નહોતું કે મેં તેમની લાગણીઓ વિષે વિચાર નહોતો કર્યો. મેં કર્યો હતો, પણ તેમને કેવું લાગશે તેનાં વિષે મેં અવગણના કરી હતી કારણકે હવે હું મારી અંદરની લાગણીને વધારે સમય મુલતવી રાખી શકું તેમ નહોતું. મને હવે એવું મન જ નહોતું થતું કે રોજ ઊઠવાનું, આખો દિવસ કામ કરવાનું, સાંજે ઘરે પાછું આવવાનું, જમવાનું, અને સુઈ જવાનું, એટલાં માટે કે બીજા પણ તેવું જ કરી રહ્યા હતાં, કે પછી તેને જ “સામાન્ય” ગણવામાં આવતું હતું. શું સામાન્ય હતું એ કોને આખરે ભાખ્યું હતું? જો મારે અન્ય લોકોએ નક્કી કરેલા નિયમો અને શરતો મુજબનું જીવન જીવવાનું હોય તો પછી મારા જીવનનું ધ્યેય શું હતું, મારો વ્યક્તિગત હેતુ– જો કદાચ એ કઈક હતો – તો તે શું હતો?

મારી સમક્ષ હતી એક ભૌતિક સંપત્તિ કે જે છેલ્લાં દસકામાં મેં ખુબ જ મહેનત કરીને કમાઈ હતી. પરંતુ ગાડીઓ, મિલકતો, જોકે ખુબ જ સુંદર હતી, છતાં તે એક પ્રાણહીન વસ્તુઓ માત્ર હતી, અને તે તો પહેલેથી હંમેશા માટે નિર્જીવ જ હોય છે. હું કઈ આ બધાના માલિક તરીકે તો જન્મ્યો નહોતો, અને તે ચોક્કસપણે મારી સાથે મારા મૃત્યું પછી કઈ સાથે જવાની નહોતી. તો પછી આ જીવનસંઘર્ષ શેના વિષે હતો? અને જેનાં પણ માટે હતો, શું તે સંઘર્ષ તેને માટે કરવા જેવો હતો ખરો?

અસંખ્ય વખત મેં મારી જાતને સાંત્વના આપેલી કે એક દિવસે મને મારા જવાબો મળશે, પરંતુ આ સાંત્વના પણ હવે પાતળી થતી જતી હતી, અને મારા સવાલો મારા મગજમાં એક ધરબાયેલા ઢોલની માફક વાગતા રહેતા હતાં. એક એક પ્રહાર સાથે તેનો અવાજ વધુ ને વધુ મોટો, વધુને વધુ નજીક આવતો હોય એવું લાગતું હતું. અને તે મારી આજુબાજુના દરેક બીજા અવાજોને પોતાની અંદર ડુબાવી દેતો હતો: પંખીઓનો મધુર અવાજ, વરસાદની ધારા, મારી માતાના દયાળુ શબ્દો અને મારા પિતાના કાળજી કરનારા શબ્દો, કશું પણ હવે સંભળાતું નહોતું, આનંદ આપનાર શબ્દોની તો વાત જ જવા દો.

જેમ આગળ ધપતું પ્રભાત રાત્રીના અસ્તિત્વને ભૂંસી નાંખે છે, તેમ ભૌતિક જગત પરથી મારી ઉડાણે મારા જીવનને કે જે મને જ્ઞાત હતું તેને ભૂંસી નાંખ્યું હતું. દરેક વસ્તુને પાછળ રાખી, મેં જે પણ કઈ ઉભું કર્યું હતું તે બધું જ મેં વિધ્વંસ કરી નાંખ્યું, હું જે કોઈને ક્યારેય જાણતો હતો તે તમામનો મેં ત્યાગ કરી દીધો, મારા પોતાનાં ભૂતકાળ પ્રત્યે હું એક તટસ્થતા અનુભવવા લાગ્યો. એક રુચિહીન અજાણ્યો વ્યક્તિ બની ગયો.

એક ઇન્ટરનેટ કાફેમાંથી, મેં મારા કુટુંબને અને મારા નજીકના મિત્રોને ઈ-મેઈલ કરીને જણાવ્યું કે હું દુર જઈ રહ્યો છું અને મને નથી ખબર કે હું પાછો પણ આવીશ કે નહિ કે આવીશ તો ક્યારે આવીશ. મેં મારા ઈ-મેઈલ એકાઉન્ટને ત્યારબાદ મિટાવી દીધું, મારા મોબાઈલ ફોનનાં સીમ કાર્ડનો નાશ કરી દીધો, અને ત્રીસ વર્ષથી જે ભૌતિક જીવન સાથેનો મારો સંબધ હતો તે તોડી નાંખ્યો અને તેમ કરતી વખતે કોઈ પણ પ્રકારની લાગણી કે ભાવુકતા મારા હૃદયમાં ખેંચાઈને આવી નહિ. એ તમામ લેબલ જે મને લાગેલા હતાં – પુત્ર, ભાઈ, મિત્ર, CEO, MBA, સહકર્મચારી – તે તમામને મેં છોડી દીધાં અને હું જાણે કે એ દુકાનમાંથી જ બહાર નીકળી ગયો અને એક નવી જ વ્યક્તિ બની ગયો હતો.

આ નુતન અસ્તિત્વ એક નરી નગ્નતા હતી, ના, શારીરિક સ્વરૂપે નહિ, પરંતુ કઈ પણ નહિ હોવાનાં અર્થમાં, કશું જ હતું નહિ, કોઈ ઓળખ પણ નહિ કે નામ પણ નહિ – તે હતું એક સંન્યાસીનું જીવન. ફક્ત આ એક ખાલીપાની અંદર જ, કારણકે એ એક ખરેખર ખાલીપો જ હતો, જેમાં હું જેને અત્યંત પ્રબળપણે શોધી રહ્યો હતો તેને ભરી શકું તેમ હતો: અને તે હતું એક સાચું આંતરિક જીવન.

ઉપરોક્ત પ્રસ્તાવના એ મારું આવનાર પુસ્તક કે જે મારા સંસ્મરણો ઉપર આધારિત છે તેમાંથી ટાંકવામાં આવેલી છે, કે જે આવતાં મહીને (નવેમ્બર ૨૦૧૪)માં હાર્પર કોલીન્સ, ઇન્ડિયા દ્વારા બહાર પડશે.

હાલમાં, આ પુસ્તક ફક્ત ભારતવર્ષમાં ખરીદી માટે પ્રાપ્ય છે. થોડા મહિનાઓમાં જ, તે એક ઈ-બુક તરીકે amazon.com ઉપર ઉપલબ્ધ થશે કે જ્યાંથી દુનિયાના બીજા ભાગોમાં પણ તે ખરીદી શકાશે. મર્યાદિત સમય માટે, તે Flipkart ઉપર ૨૫% છૂટ સાથે ઉપલબ્ધ છે. જો તમે તે ખરીદવાની તસ્દી લેશો તો મને ગમશે, અને સૌથી મહત્વનું, જો તમે તે વાંચ્યા બાદ Flipkart અને Amazon ઉપર તેનાં વિષે તમારો અભિપ્રાય લખશો તો મને ગમશે.

ડીસેમ્બર ૨૦૧૪, માં મારા પુસ્તક સંદર્ભમાં થનાર પ્રવાસમાં, હું નીચેના શહેરોની મુલાકાત લઈશ:

દિલ્હી: ૧૧ ડીસેમ્બર, ગુરુવારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં પુસ્તક બહાર પડશે.
ચેન્નાઈ: ૧૩ ડીસેમ્બર, શનિવારે તત્વલોક ઓડીટોરીયમમાં.
બેંગ્લોર: ૧૮ ડીસેમ્બર, ગુરુવારે ઉન્નતી સેન્ટરમાં.
મુંબઈ: ૨૦ ડીસેમ્બર, શનિવારે, રુદ્રાક્ષ સેન્ટરમાં.

તમારે મને ત્યાં જો મળવું હોય, મારા જીવનની મુસાફરી વિષેની વાત સાંભળવી હોય, અને મારી સહી સાથેની મારા આ સંસ્મરણ-પુસ્તકની પ્રત જોઈતી હોય તો તમારું સ્વાગત છે. સ્થળનું પૂરું સરનામું અને બીજી વિગતો આ બ્લોગ ઉપર આવતાં અઠવાડિયા સુધીમાં આવશે. અમારી સાથે Facebook ઉપર જોડાયેલાં રહો જ્યાં વધુ જાહેરાત થતી રહેશે, અને આ દરમ્યાન તમે તમારી પ્રત અહીથી ખરીદી શકો છો.

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.


No comments:

Post a Comment

Share