![]() |
“આવું કાયમ મારી જોડે જ કેમ થાય છે?” જયારે લોકોનાં જીવનને સમયનું ગ્રહણ લાગે ત્યારે કે પછી વિપત્તિઓ તેમનાં જીવનની ખુશીઓને કોતરી ખાય ત્યારે તેઓ આ સામાન્ય સવાલ હંમેશા કરતાં હોય છે. |
આપણે આપણી ઉપર એટલી બધી જવાબદારીઓ લઇ લીધી હોય છે કે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને પોષાય તેમ નથી હોતો. અરે નાનો સરખો બદલાવ પણ બહુ મોટો પ્રશ્ન ઉભો કરી દે તેમ હોય છે. આપણે હંમેશા લોકો, વસ્તુ, અને પરિસ્થિતિઓને સારા અને ખરાબ એમ બે વર્ગોમાં વર્ગીકૃત કરતાં હોઈએ છીએ. જયારે લોકો કઠણાઈઓમાંથી પસાર થતાં હોય છે, તેઓ સામાન્ય રીતે પોતાનું હૃદય ઠાલવી દેતા હોય છે અને મને કહી નાંખતા હોય છે કે જીવન કેવી રીતે તેમનાં ઉપર અન્યાય કરી રહ્યું છે, પરંતુ છેલ્લે, તેઓ મને બે સવાલ કરતાં હોય છે:
અ. આવું મારી જોડે જ શા માટે થઇ રહ્યું છે? અને,
બ. મારા ખરાબ સમયનો અંત ક્યારે આવશે?
મને ખબર છે કે તેઓ શું કહેવા માંગે છે, તેઓ જે કહેતાં હોય છે તે હું સાંભળું છું, પરંતુ વ્યક્તિગત રીતે, હું નથી માનતો કે સમય સારો કે ખરાબ હોય. આ મૂળભૂત વર્ગીકરણની પેલે પાર, આપણે જે કઈ કરતાં હોઈએ છીએ તેને આપણે કેવી રીતે જોઈએ છીએ તેનાં ઉપર આપણી ખુશીઓનો આધાર હોય છે. થોડા સમય પહેલાં મેં તેનાં ઉપર એક લેખ લખ્યો હતો (અહી વાંચો). જયારે આપણી જોડે જો કશું પ્રતિકુળ ઘટતું હોય તો તેને આપણે ખરાબ તરીકે જોઈએ છીએ, અને જયારે જીવન આપણી અનુકુળતાઓ મુજબનું વીતતું હોય ત્યારે આપણે તેને સારું ગણતા હોઈએ છીએ. આ એક દિલગીર અને અધુરી વ્યાખ્યા છે.
દરેક વસ્તુને સુનિશ્ચિતતાથી સારું-ખરાબ, એમ બે વિભાગોમાં વર્ગીકૃત કરવાની જે દ્વિવિધતા છે તે એક ખતરનાક અને અત્યંત મર્યાદિત દ્રષ્ટિકોણ છે. શું ઉનાળો ખરાબ અને શિયાળો સારો હોય છે? વસંત સારી અને પાનખર એ ખરાબ છે? એ તમામ આપણી જરૂરિયાત અને ઈચ્છા શું છે તેનાં ઉપર આધારિત છે. જે લોકોને સ્નોબોર્ડીંગની રમત પ્રિય છે તેઓ શિયાળાની રાહ જોતા હોય છે અને જેને સ્કેટબોર્ડીંગની રમત પ્રિય છે તે ઉનાળા માટે આતુર હોય છે. હું તમને ચોક્કસાઈ પૂર્વક એ નથી કહી શકતો કે તમે જેમાંથી પસાર થઇ રહ્યા છો તે શા માટે થઇ રહ્યા છો. તે કદાચ તમે શેની પસંદગી કરી છે તેનાં લીધે છે, તમારું શું કૌશલ્ય છે તેનાં લીધે કે પછી ફક્ત સંજોગો એવાં છે માટે એવું છે. પરંતુ, હું તમને એ ચોક્કસ ખાતરી પૂર્વક કહી શકું તેમ છું કે તમારા ખરાબ સમયનો અંત ક્યારે આવશે. વાંચતા રહો.
તમારા ખરાબ સમયનો અંત એ ક્ષણે જ આવશે જયારે તમે તેને ખરાબ કહેવાનું બંધ કરશો. “ખરાબ” છે તે ચાલ્યું જશે અને “સમય” છે તે પોતાની ટીક-ટીક ચાલુ રાખશે, કારણકે સમય, તેનાં પોતાના ઢંગ પ્રમાણે જોઈએ તો કોઈ પણ પ્રકારના વર્ગીકરણથી પરે છે, કેમ કે તે ક્યારેય અટકતો પણ નથી કે તેનો અંત પણ આવતો નથી. તે ફક્ત ચાલ્યા જ કરતો હોય છે. અને, તે કોઈ પણ પ્રકારના વિશેષણ વગર ચાલતો રહેતો હોય છે. આપણે જેને સારા કે ખરાબનું લેબલ લગાવીએ છીએ તે તો ફક્ત જીવનની ઋતુઓ હોય છે, સમયના રંગો હોય છે. દરેક રાત્રીનું સ્વાગત પ્રભાત કરતુ જ હોય છે અને દરેક દિવસ સાંજમાં અદ્રશ્ય થઇ જ જતો હોય છે. આ જ જીવનનું સત્ય છે.
દરેક વસ્તુ હંગામી, અનિત્ય, અને એક બીજા ઉપર આધારિત હોય છે. તે એક પસાર થતી જતી અવસ્થા હોય છે. સમય હંમેશા “સારો” જ રહેવો જોઈએ તેવી અપેક્ષા રાખવી એ ગેરવ્યાજબી જ માત્ર નહિ પરંતુ એક મુર્ખામી પણ છે. સમય, પ્રકૃતિની જેમ, જેવી રીતે બ્રહ્માંડમાં બીજી દરેક વસ્તુ છે તેમ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યા વગર ચાલતો રહેતો હોય છે. સૂર્ય એવું નથી કહેતો કે હું અહી થોડો વધારે તેજોમય બનીને પ્રકાશ પાથરીશ અને ત્યાં થોડો ઓછો પ્રકાશમય બની રહીશ કેમ કે તેવું લોકો ઈચ્છી રહ્યા છે કે પછી એવી મારી ઈચ્છા છે. તે ફક્ત બસ પ્રકાશ પાથરે છે.
એક વ્યસ્ત બજારમાં, મુલ્લા નસરુદ્દીને પોતાનું ઘરડું ગધેડું એક યુવાન માણસને ૩૦ દીનારમાં વેચ્યું. તે યુવાને તરત તે ગધેડાની હરાજી કરવા માંડી.
“આ રહી તમારા જીવનની અમુલ્ય તક,” તે ચિલ્લાવા લાગ્યો. “શું સુંદર ગધેડું છે! શાંત અને મહેનતુ! તેનાં આ મજબુત સફેદ દાત જુઓ! આહ, તેની કોમળ આંખો!”
તેણે આ ગધેડાનાં રહસ્યમય વખાણ કરીને તેનું ગૌરવ ગાવાનું ચાલુ રાખ્યું.
“૪૦ દીનાર!” એક માણસે બુમ પાડી.
“૪૫ દીનાર! બીજો અવાજ આવ્યો,
“૫૦!”
“૬૦ દીનાર! બીજો એક અવાજ આવ્યો,
“૭૦!”
મુલ્લા ત્યાં આગળ એકદમ અવાચક બનીને ઉભા રહ્યા. “હું કેટલો મુર્ખ કહેવાય કે મેં તેને બસ ફક્ત એક ગધેડા તરીકે જ જોયો,” તેને વિચાર્યું. “આ લોકો તો ગધેડા માટે કેટલાં તલપાપડ થયા છે.”
“૮૦!” કોઈએ બુમ પાડી જેમ જેમ હરાજી આગળ વધવા લાગી તેમ. દરેકજણ આ મોંઘી કિંમત આગળ શાંત થઇ ગયું.
“૮૦ દીનાર એક....૮૦ દીનાર બે – “
“૧૦૦ દીનાર!” મુલ્લાએ ગર્જના કરી. “આ ભવ્ય પ્રાણીનો માલિક તો હું જ થઇ શકું.”
કોઈ વખત જીવન સામાન્ય લાગી શકે, સમય ખરાબ લાગી શકે કારણકે તે આપણા મુજબ નથી વીતતું હોતું પરંતુ જયારે આપણે તેનાંથી જુદા થવા લાગીએ ત્યારે જ તેની ખરી કિંમત જોવાનું શરુ કરતાં હોઈએ છીએ. આ એજ જીવન હોય છે, એ જ ગધેડું હોય છે, પણ હવે કોઈ બીજા તેની કિંમત વધારે આંકવા લાગે છે ત્યારે, આપણે પણ તેનાં ઉપર વધારે ધન લગાવી દેતા હોઈએ છીએ. આપણો દ્રષ્ટિકોણ બદલવા લાગે છે, આપણી પ્રાથમિકતાઓ બદલવા લાગે છે, હવે તે આપણને જોઈતું હોય છે.
જીવનને નથી ખબર કે તમારે શું જોઈએ છે, તે ફક્ત તમે શું કરો છો તે જ જુએ છે. અને જો તે કદાચ તમને તેનાં તરફથી શું જોઈએ છે તે સમજી પણ લે તો તેમ છતાં પણ તે ખુબ અલિપ્ત રહેતું હોય છે, તે એટલું ડાહ્યું હોય છે કે તમને ગંભીરતાથી લેતું જ નથી. તમે ક્યારેય એ નોંધ્યું છે કે એક પલની અંદર કેવું મહેસુસ થતું હોય છે? આ જ જીવન છે જેને આપણે ખુબ જ વ્હાલપૂર્વક થામીને, રક્ષા કરીને, યાદ કરતાં દસકાઓ સુધી પકડી રાખીને બેઠા છીએ. પરંતુ, જયારે તે આપણને છોડીને જતું હોય છે, ત્યારે તે એવું એકદમ અચાનક કરતુ હોય છે, ખુબ જ ક્રુરતાપૂર્વક. આપણે આપણી આ દુનિયામાંથી, અન્ય લોકો તરફથી શક્યત: શું અપેક્ષા રાખી શકીએ તેમ છીએ જયારે આપણું પોતાનું જ જીવન આપણી તરફ પાછું વળીને જોવાનું નકારી દેતું હોય પછી ભલેને આપણે તેનાં માટે આજ સુધી શું લાગણી રાખીને બેઠા હોય.
તમારો વર્તમાન સમય જે હોય તે, તેનાં પ્રત્યે કૃતજ્ઞતા રાખો અને તેને માણતાં શીખો. આ જ રસ્તો છે તમારી જાતની સંભાળ લેવાનો. અને સંભાળ, હું કદાચ ઉમેરીશ, એ એક બહુ વિચિત્ર અને વિરોધાભાસ વાળી લાગણી છે. જો તમે કાળજી નહિ રાખો તો તે તમને થકવી નાંખશે અને તમે ચિંતિત થઇ જશો. અને જો તમે કાળજી રાખશો, તો તમને તે મુક્ત કરી દેશે અને તમે નિશ્ચિંત થઇ જશો. તમે પસંદ કરો. કાળજીપૂર્વક. કારણકે, તમારું જીવન તમારી પસંદગીઓ ઉપર બેઠું છે અને તમારી પસંદગીઓ તમારી પ્રાથમિકતાઓ ઉપર આધાર રાખે છે અને તમારી પ્રાથમિકતાઓ પાછી તમારી શું ઈચ્છા છે તેનાં ઉપર આધારિત હોય છે. તો ચાલો સમયને તેનાં માટે જવાબદાર ન ગણીએ કે જે આપણી ખુદની ઈચ્છાઓ અને શરતોમાંથી જન્મ્યું છે.
સમયને તે પોતે જે છે તેના તરીકે જ જાણો – હંમેશા ગતિમાન. તમારી જાતને તમે જેવા છો તેવાં ઓળખો – સાશ્વત. જો સમયનો આત્મા ગતિ હોય તો તમારો આત્મા એ મુક્તિ છે. સારા અને ખરાબની પેલે પાર સત્ય રહેલું હોય છે.
શાંતિ.
સ્વામી
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
No comments:
Post a Comment