Saturday, 20 December 2014

સમાનુભૂતિનું બીજ

તેઓ જ્યાં છે ત્યાં રહીને તમે તેઓ તેવાં કેમ છે તે સમજો. જયારે સામે વાળાની વાતને ફક્ત સમાનુભૂતિથી સમજી શકાય તેમ હોય ત્યારે પોતાની વાતને ભારપૂર્વક રજુ ન કરો. તે બન્ને વચ્ચેનો ફરક સમજો.
થોડા અઠવાડિયા પહેલાં મેં સમાનુભૂતિ ઉપર એક લેખ લખ્યો હતો અને તેને મેં સૌથી મોટા આધ્યાત્મિક ગુણોમાંનો એક કહ્યો હતો. એજ લેખમાં મેં કહ્યું હતું કે હું સમાનુભૂતિનાં બીજ, ઉપર ભવિષ્યમાં લખીશ અને જણાવીશ કે આ સૌથી મોટા આધ્યાત્મિક ગુણને કેવી રીતે ખીલવી શકાય. સમાનુભૂતિ કે દયા એ પ્રેમની જનની છે કારણકે સંવેદના દ્વારા જ આપણે સામેની વ્યક્તિને જાણી શકીએ છીએ, અને એનાં દ્વારા જ આપણે તેમનાં વિશ્વને તેમની નજરે નિહાળી શકીએ છીએ. જો કે પ્રેમ અને આસક્તિમાં પણ કાળજી અને પોતાપણાની લાગણી તો જરૂરથી હોય છે, પરંતુ તેમ છતાં તે એક સમાન વાત નથી. પ્રેમ એ દુનિયાને સામેવાળાની આંખે જોવાની વાત છે જયારે આસક્તિમાં સામેવાળાને તમારા ચશ્માંથી દુનિયા બતાવવાની વાત છે. અને, સમાનુભૂતિ વિના પ્રેમ શક્ય નથી કારણકે જ્યાં સુધી આપણે તે કેવા છે તે નથી સમજી શકતા ત્યાં સુધી આપણે તેમને આપણા હૃદય અને આત્માથી પ્રેમ પણ નથી કરી શકતા.

સમાનુભૂતિની લાગણીને બૌદ્ધ ધર્મની કહેવતમાં ખુબ જ સુંદર રીતે સારગર્ભિત કરવામાં આવી છે: “ફક્ત કરો નહિ. ત્યાં તેમની સાથે ઉભા રહો.” આપણા આપણી વિચાર પ્રણાલી માટેની આસક્તિના મુળિયા એટલાં ઊંડા ઉતરી ગયા હોય છે કે આપણને મોટાભાગે સામે વાળી વ્યક્તિને સલાહ આપવાનું મન થઇ આવે છે કે પછી તેઓ આપણા મતને સમજે એવું મન થઇ આવે છે. પરંતુ જયારે સમાનુભૂતિની વાત આવે ત્યારે, તમે તેમનાં પોતાનાં વિશ્વને તેઓ પોતે જ્યાંથી જોઈ રહ્યા છે ત્યાંથી નિહાળો છો. કોઈ પણ પ્રકારનાં પૃથ્થકરણ કર્યા વિના કે તેનાં વિષે નિર્ણાયક બન્યા વિના. આજે, હું તમને સંવેદનશીલ ચારિત્ર્ય ઘડતર માટે સૌથી જરૂરી એવાં ગુણ વિષે વાત કરીશ. પરંતુ તે પહેલાં, ચાલો હું તમને આર. એમ. સ્મિથ (૧૮૧૯ – ૧૮૭૦) દ્વારા સૌ પ્રથમ કહેવાયેલી વાર્તા કહ્યું:

એક દિવસે એક યુવાન વિદ્યાર્થી એક પ્રાધ્યાપક કે જે પોતાનાં દયાળુ સ્વભાવ માટે જાણીતા હતાં તેમની સાથે ચાલી રહ્યો હતો. રસ્તામાં તેઓએ એક કોટ અને એક જૂના પગરખાની જોડ પડેલા જોયા. જે બાજુનાં ખેતરમાં કામ કરી રહેલાં એક ગરીબ માણસના હતાં. તેનું દિવસનું કામ બસ હવે પૂરું થવા જ આવ્યું હતું.

પેલાં વિદ્યાર્થીએ પોતાનાં પ્રાધ્યાપકને કહ્યું કે “ચાલો થોડી મસ્તી કરીએ: આપણે તેનાં પગરખા સંતાડી દઈએ અને આપણે બાજુમાં આવેલી ઝાડીમાં સંતાઈને જોઈએ. જયારે પેલો મજુર પોતાનાં પગરખા નહિ ખોળી શકે ત્યારે એની મૂંઝવણ જોઇને આપણને મજા આવશે.”

“મને નથી લાગતું કે આપણે કોઈની મજાના ભોગે આપણી મજા માણવી જોઈએ,” પ્રાધ્યાપકે જવાબ આપતાં કહ્યું. “એનાં પગરખા સંતાડી દેવા કરતાં તો ચાલ આપણે તેનાં બન્ને જોડામાં એક એક સિક્કો મુકીએ અને પછી સંતાઈને જોઈએ કે તેનાં ઉપર તેની શી અસર થાય છે.”

પેલાં વિદ્યાર્થીએ તેમ કર્યું અને તેઓ બાજુની ઝાડી પાછળ સંતાઈને જોવા લાગ્યા. પેલો ગરીબ માણસ તરત પોતાનું કામ પૂરું કર્યા પછી પોતાનો સામાન જ્યાં પડ્યો હતો ત્યાં આવ્યો. પોતાનો કોટ પહેર્યા બાદ જયારે તે પોતાનું પગરખું પહેરી રહ્યો હતો ત્યારે તેને પગમાં કઈક સખત વસ્તુ અડ્યાનો અનુભવ થયો, માટે તેને પગમાંથી જોડું બહાર કાઢીને તપાસ્યું.

જયારે તેને અંદરથી એક સિક્કો મળતા પોતે અચરજ પામતાં ત્યાં જ થંભી ગયો. તે સિક્કા તરફ તાકી તાકી ને જોવા લાગ્યો, તેને બીજી બાજુ ફેરવીને ફરી-ફરીને ચકાસવા લાગ્યો. તેને આજુબાજુ ચારે દિશામાં પણ જોયું પરંતુ કોઈ જોવા ન મળ્યું.

સિક્કો પોતાનાં ખિસ્સામાં મૂકી ને જયારે બીજું પગરખું પહેરવાની તૈયારી કરે છે ત્યારે તેને તેમાંથી બીજો સિક્કો મળે છે. એકદમ ગળગળો થઇને તે પોતાનાં ઘૂંટણીયે પડી જાય છે, અને આકાશ તરફ જોઈને આભાર વ્યક્ત કરે છે જેમાં તે પોતાની માંદી અને અસક્ત પત્ની તેનાં ભૂખ્યા બાળકો વિષે બોલે છે, અને કોઈ અજાણ્યા હાથથી મળેલી મદદ વડે હવે તે પોતે તેમનું પેટ ભરી શકશે એમ કહે છે.

“હવે,” પ્રાધ્યાપકે કહ્યું, “કહે જોઈએ તે જે વિચારી હતી તે યુક્તિના બદલે તને આ જોઇને વધારે આનંદ ન આવ્યો?”
“તમારો ખુબ ખુબ આભાર, સાહેબ,” વિદ્યાર્થીએ કહ્યું. “આજે, હું સમજ્યો કે ‘મેળવવા કરતાં આપવામાં વધારે આનંદ છે.’ તેનો ખરો અર્થ શું થાય.”

જો તમે આ દંતકથા ઉપર વિચાર કરશો, તો તમને જણાશે કે તમે તો જ આપી શકો જયારે તમારામાં અમુક હદ સુધીની સંવેદનશીલતા હોય. અને, સંવેદના, મારી દ્રષ્ટીએ સમાનુભૂતિનું બીજ છે. તમે કોઈને દુઃખ આપી શકો કે આનંદ આપી શકો તેનો આધાર તમે કોઈનાં અસ્તિત્વ પ્રત્યે, કોઈની જરૂરિયાત પ્રત્યે કેટલાં સંવેદનશીલ છો તેનાં ઉપર છે. મોટા ભાગે, આપણે આપણા જીવનમાં કોઈની હાજરીને ખુબ જ હળવાશથી લેતાં હોઈએ છીએ. આપણે મજાક કરીએ, મસ્તી કરીએ, સાથે હસીએ, આ બધું બરાબર છે, પરંતુ જયારે આપણે તે અસંવેદનશીલપણે કરીએ ત્યારે આપણે ફક્ત સામે વાળાને જ દુઃખ નથી પહોંચાડતા પરંતુ આપણા પોતાનાં અસ્તિત્વને પણ દુઃખ પહોંચાડીએ છીએ. જયારે આપણે અસંવેદનશીલ બનવાનું પસંદ કરીએ છીએ ત્યારે આપણા આધ્યાત્મિક અસ્તિત્વને ફટકો પડે છે.

તમે જેટલાં વધુ આધ્યાત્મિક તેટલાં વધુ તમે સંવેદનશીલ. નિ:શંકપણે અસંવેદનશીલ લોકો તે રીતે ઘણી બધી વાર રહેતા હોય છે પરંતુ તેનો અર્થ તે તમારાથી વધારે શાંતિનો અનુભવ કરે છે તેવો બિલકુલ નથી. જે સંવેદનશીલ લોકો છે તે આધ્યાત્મિકતાની સીડી ખુબ જ ઝડપથી ચડે છે અને પોતાનાં વિશ્વમાં આનંદનો અનુભવ કરતાં શીખે છે. સાથે સાથે તેઓ અન્ય લોકો માટે એક તાકાતનો સ્રોત પણ બને છે. પોતાનાં વ્યક્તિગત અસ્તિત્વથી પરે જઈને તેમજ તેનાંથી ઉપર ઉઠીને તેઓ એ શોધી કાઢે છે કે આપણામાંના દરેકજણની અંદર અસામાન્ય એવી ક્ષમતા એક સરખી રહેલી છે, છતાં તે જુદા જુદા ક્ષેત્રમાં રહેલી છે. મહાન સંતો, પયગંબરો અને મસીહાઓનું જીવન તપાસીએ તો તેમાં આપણે એક ગુણને સહજ જોઈ શકીએ છીએ: કે તેઓ પોતાની આજુબાજુ રહેલાં લોકોની જરૂરિયાતો પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. આ તેમની સંવેદનશીલતા હોય છે કે જેનાં દ્વારા તેઓ દયાવાન રહી શકતા હોય છે, અને એ તેમની દયાશીલતા હોય છે કે જેનાં દ્વારા તેમને આ દુનિયા ઉપર એક મોટી અને હકારાત્મક અસર કરી હોય છે અને કરતાં રહેતા હોય છે.

સમાનુભૂતિ, પ્રેમ, દયા અને દાન સંવેદનશીલ વ્યક્તિમાં કુદરતીપણે આવે છે. આપણી દુનિયાને આવા લોકોની જરૂર છે. અને સંવેદનશીલતાને કેમ કેળવવી, તમે કદાચ પૂછશો? જાગૃત બનો, તમારા શબ્દો પ્રત્યે, તમારા કર્મો પ્રત્યે, તમારા વિચારો પ્રત્યે ધ્યાન આપો. બીજા પ્રત્યે ધ્યાન આપો. જયારે તમે અન્ય લોકોનું કોઈ પણ પ્રકારના નિર્ણાયક બન્યા વગર અવલોકન કરશો તો તમે તેમની જગ્યાએ તે જેવા છે તેવાં તે શા માટે છે તે વાતની પણ કદર કરતાં થઇ જશો.

સંવેદનશીલતા એટલે ભારપૂર્વક પોતાની વાત રજુ કરવી કે સામે વાળાની વાતને સમાનુભૂતિથી સમજવી એ બન્ને વચ્ચેનો તફાવત જાણવાની વાત છે.

શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

(અગત્યની નોંધ: ગુજરાત રાજ્યમાંથી નિયમિતપણે જે લોકો આ ગુજરાતી બ્લોગ કે અંગ્રેજી બ્લોગ વાંચી રહ્યા હોય તે મને bharatsinhjhala@gmail.com પર ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરશે તો હું તેમનો આભારી રહીશ. સંપર્કનો હેતુ ફક્ત એ છે કે ગુજરાત રાજ્ય સ્થિત વાંચકોને મળી શકાય અને સ્વામીજીના વિચારો હજુ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી એવી કોઈ પ્રવૃત્તિનો વિચાર ભેગા મળીને કરી શકાય. આભાર.- ભરતસિંહ ઝાલા

No comments:

Post a Comment

Share