Saturday, 10 January 2015

વિશેષ જરૂરિયાતવાળા બાળકોનો ઉછેર

કોઈ વખત હુંફાળા અને સુર્યપ્રકાશ વાળા સ્થળને બદલે, આપણે ઠંડા અને અંધકાર ભર્યા સ્થળ ઉપર પહોંચી જતાં હોઈએ છીએ. તેને પણ તેની પોતાની સુંદરતા હોય છે.  જીવન તો આવું જ હોય છે.
ગયા મહીને, હું એક યુગલને મળ્યો હતો કે જેઓને એક ઑટિસ્ટિક (ઑટિઝમ નામનાં રોગથી ગ્રસ્ત) બાળક હતું. તેઓ ફક્ત આશીર્વાદ મેળવવા માટે જ આવ્યા હતાં. ઑટિઝમ એ મારા હૃદયની ખુબ જ નજીક છે. ૨૦૧૨માં, મેં ઑટિઝમથી પીડાતા એક બાળકનાં જીવન ઉપર એક વિડીઓ બનાવ્યો હતો કે જે પૂર્ણિમા રામ કિરણ નામની એક ઉદાર વ્યક્તિની એક પારિતોષિક વિજેતા વાર્તા ઉપર આધારિત હતો. તમે તેને અહી જોઈ શકો છો. હું જોકે એવું તો નથી કહી શકતો કે હું ઑટિસ્ટિક બાળકનાં માતા-પિતા અને ભાઈ-ભાંડુંઓની ચુનોતીઓને સંપૂર્ણપણે સમજુ છું, કેમ કે મને આવી કોઈ વિશેષ જરૂરિયાત વાળા બાળકનો ઉછેર કરવાનો કોઈ સીધો અનુભવ નથી રહ્યો. પરંતુ સંન્યાસ પહેલાં, હું ઘણાં ઑટિસ્ટિક બાળકોના જીવનમાં સામેલ હતો. તેમાં દરેક દિવસ નવો દિવસ હોય છે. કોઈવાર, આપણે બધા જ એવો ભાર અનુભવતા હોઈએ છીએ કે જયારે કશું આપણે ન ઇચ્છતાં હોય છતાં પણ આપણે ત્યાં બંધબેસવું પડતું હોય છે. વારુ, ઑટિઝમની બીમારીનાં વિસ્તારમાં પોતે કેટલે છે તેનાં આધારે ઑટિસ્ટિક બાળકના રોજીન્દા જીવનમાં આ તો ફક્ત એક જ દબાણ છે

તે માતા-પિતા કે જેમને હું હાલમાં મળ્યો તેઓ મને જણાવતાં હતાં કે આટલાં બધા સંચાર માધ્યમો તેમજ જાગૃતિ હોવા છતાં પણ, સમાજનો એક મોટો ભાગ હજુ પણ તેમની ચુનોતીઓને પૂરી રીતે સમજતો નથી કે તેમની કદર કરતો નથી. પેલી માતાએ કહ્યું:

“હું જાણું છું કે દરેકજણ વ્યસ્ત છે અને તેમને પણ તેમનાં જીવનમાં તેમનો પોતાનો પુરતો તણાવ હોય છે. હું તેમની પાસે એવી કોઈ અપેક્ષા નથી રાખતી કે તેઓ એ જાણે કે હું દરરોજ શેમાંથી પસાર થતી હોવ છું કે પછી બધું જ બરાબર છે એવું કહેવાનો હું ડોળ કરું. પ્રામાણિકતાથી કહું તો, હું પણ ક્યારેક થાકી જઉં છું. અને મને નથી ખબર પડતી કે આની સાથે કઈ રીતે કામ લઉં. અરે તેઓ (પોતાનાં પતિ) તો બહાર કામે પણ જાય છે અને એ રીતે એમને એક વિરામ મળી રહે છે, પરંતુ મારે તો ઘરમાં જ રહેવાનું અને મારા પુત્રની દેખભાળ કરવાની. હું કોઈ ફરિયાદ નથી કરી રહી, હું જાણું છું કે મારું બાળક કઈક વિશેષ છે. પણ મને કહો, સ્વામી, શું મને ક્યારેય વિરામ મળશે ખરો? મને ખબર છે કે મારો દીકરો અન્ય લોકોની ગતિને નહિ પહોંચી શકે. અને તેણે શા માટે પહોંચવું પણ જોઈએ? પરંતુ લોકો એ ક્યારેય સમજશે ખરા કે તે બાળકની જગ્યાએ હોવું એટલે શું અને એક માવતર તરીકે મારી ચુનોતીઓ શું હોઈ શકે છે?

મેં તેને શાંતિથી સાંભળી. મને ખબર હતી તે ક્યાંથી આવી રહી હતી. આપણો સમાજ સામાન્ય રૂઢીઓ પરથી લોકોને વર્ગીકૃત કરવામાં બહુ જ ઉતાવળો હોય છે. જો તમે તેમાં બંધબેસતા નહિ હોવ તો તે તમારો સમાવેશ નહિ કરે. જોઈ, કોઈ વખત, એ સારી વાત પણ બની શકે છે, કારણકે જો તમે કોઈ એક ઘરેડમાં બંધ બેસી જાવ, તો તમે અમુક પ્રકારનાં જ કાયમ રહો તેવી અપેક્ષા પણ કરવામાં આવતી હોય છે. તમારી અંદરનો કોઈ પણ બદલાવ તેમને બેચેન બનાવી દે છે. આપણને સાતત્યતા, સતતતા, અને અનુમાનો ગમતાં હોય છે. આપણને દિવ્યતાની રમતમાં જેટલી ઓછી શ્રદ્ધા હશે તેટલો જ ઓછો વિશ્વાસ આપણને પ્રકૃતિ માતાના રહસ્યમય બળમાં રહેશે, અને આપણે એટલાં જ વધુ તણાવમાં રહીશું. જયારે આપણે મૂળ સ્રોત સાથેનો જ સ્પર્શ જો ગુમાવી દઈશું, તો પછી આપણે આપણી જાત ઉપર જાતે જ બધું બરાબર કરી દેવાનો એક અત્યંત મોટો ભાર મૂકી દઈશું. અને ત્યારે, આપણે બધું જ યોજનાબદ્ધ કરવાની ઈચ્છા રાખીશું, બધું જ જાણવાની, સમજી લેવાની ઈચ્છા રાખીશું, આપણે બધો જ સમય કાબુમાં રહેવાની ઈચ્છા રાખતાં થઇ જઈશું.

મારી તે યુગલ સાથેની વાતચીત તરફ પાછાં ફરતાં, જયારે તે માતાએ મને તે સવાલો પૂછ્યા, ત્યારે મને એમિલી પર્લ કિંગસ્લેની એક સુંદર વાર્તા યાદ આવી ગઈ. આ રહી તે:

મને વારંવાર કોઈ ખોડખાંપણ વાળા બાળકનાં ઉછેરનાં અનુભવને વર્ણવવા ઉપર પૂછવામાં આવતું હોય છે – જે લોકોને આવો અનન્ય અનુભવ થયો નથી તેમને તે સમજાવવા માટે, તેની કલ્પના કરવા માટે આ રહ્યો તે જવાબ...

જયારે તમારે ઘેર બાળક આવવાનું હોય છે ત્યારે તે ઇટાલીનાં એક અદ્દભુત પ્રવાસ પર જવા માટે કરવામાં આવતાં આયોજન જેવું હોય છે. તમે કેટલાંક માર્ગદર્શક પુસ્તકો ખરીદો છો અને ખુબ જ સુંદર આયોજન કરી રહ્યા હોવ છો. કોલોઝીયમ. માઈકલ એન્જેલો ડેવિડ. વેનિસના ગોન્ડોલસ. તમે થોડા ઇટાલિયન બોલીના સામાન્ય શબ્દો પણ શીખો છો. આ બધું એકદમ રોમાંચક હોય છે.
થોડાક મહિનાઓની આતુરતા પછી, અંતે તે દિવસ આવી જાય છે. તમે બેગ-બિસ્તરા બાંધીને જવા માટે નીકળો છો. થોડા કલાકો પછી તમારું વિમાન ધરતી ઉપર ઉતરે છે. વિમાન પરિચારિકા આવે છે અને અને જાહેરાત કરતાં બોલે છે, “હોલેન્ડમાં તમારું સ્વાગત છે.”

“હોલેન્ડ?!?” તમે પૂછો છો. “હોલેન્ડથી તમારો કહેવાનો મતલબ શું છે?? મારે તો ઇટાલી જવાનું હતું. અને અમે અત્યારે ઈટાલીમાં હોવા જોઈએ. મારું આખું જીવન મે ઇટાલી જવાનું સ્વપ્નું જોયું હતું.”
પરંતુ વિમાનના ઉડ્ડયનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તે હોલેન્ડમાં ઉતર્યા હતાં અને તમારે હવે ફરજીયાતપણે ત્યાં રહેવું જ પડે એવું છે.

મહત્વની વાત એ છે કે તમને કઈ ભયાનક, ચીતરી ચડે તેવાં, ગંદા સ્થળે નથી ઉતારી દેવામાં આવ્યા કે જે મહામારી, દુષ્કાળ કે કોઈ બીમારીથી ગ્રસ્ત એવું કોઈ સ્થળ હોય. તે તો ફક્ત એક માત્ર જુદું જ સ્થળ છે.
માટે તમારે બહાર જવું પડશે અને નવા માર્ગદર્શક પુસ્તકો લાવીને વાંચવા પડશે. અને તમારે હવે એક નવી જ ભાષા પણ શીખવી પડશે. અને તમે હવે એક નવા જ પ્રકારના લોકોને મળવાનાં છો કે જેને કદાચ તમે ક્યારેય ન મળી શક્યાં ન હોત.

આ ફક્ત એક જુદું સ્થળ છે, ઇટાલી કરતાં થોડું ધીમી-ગતિએ ચાલતું, ઇટાલી કરતાં થોડી ઓછી ચમક-દમક વાળું. પણ તમે ત્યાં થોડી વાર રહ્યા પછી અને તમારો શ્વાસ થોડો હેઠો બેસ્યા પછી તમે આજુબાજુ જુઓ છો....અને તમે જુઓ છો કે હોલેન્ડમાં તો પવનચક્કી છે...અને તુલીપના પુષ્પો પણ છે. અરે હોલેન્ડમાં તો રેમબ્રાન્ડ્સનાં ચિત્રો પણ છે.

પણ તમે જેને ઓળખો છો તે તમામ બસ ઇટાલી જવા-આવવામાં વ્યસ્ત છે...અને દરેકજણ તેમને ઇટાલીમાં કેટલી મજા આવી તેની મોટી મોટી વાતો કરતાં હોય છે. અને તમે જીવનપર્યંત એવું કહેતાં રહેશો કે “હા, મારે પણ ત્યાં જ જવાનું હતું. અને એનાં માટે જ મેં બધું આયોજન પણ કર્યું હતું.”

અને તેનાં માટેનું દુઃખ ક્યારેય એટલે ક્યારેય પણ તમારાથી દુર નહિ જાય...કારણકે તે સ્વપ્નની ખોટ બહુ જ મોટી ખોટ હોય છે.

પરંતુ...તમે જો આજીવન તમે ઇટાલી ન  જઈ શક્યાં તેનું દુઃખ રડ્યા કરશો તો તમે ક્યારેય તેમાંથી મુક્ત થઇને ખુબ જ ખાસ અને ખુબ જ પ્રેમાળ કહી શકાય તેવી હોલેન્ડ વિશેની ખાસિયતોને પણ માણી નહિ શકો.

એક સૌથી ખાસ કહી શકાય તેવો શબ્દ ઉપરોક્ત વાર્તામાં એ છે કે “સ્વપ્નની ખોટ”. આપણે બધાને સ્વપ્નાઓ હોય છે. મારું જીવન કેવું હશે તેનાં વિશેના સ્વપ્નો, મારી પાસે શું શું હશે તેનાં વિશેના સ્વપ્નાઓ, હું કોને કોને ઓળખતો હશું તેનાં વિશેના સ્વપ્નાઓ, હું શું બનીશ તેનાં વિશેના સ્વપ્નાઓ, હું કોઈને કેવી રીતે અને કેટલો પ્રેમ કરીશ અને મને પણ બદલામાં કોઈ કેટલો અને કેવો પ્રેમ કરશે તેનાં વિશેના સ્વપ્નાઓ. આપણે મોટાભાગે આપણી ખુશીને આપણા સ્વપ્નાઓની પૂર્તિ સાથે સાંકળી લઈએ છીએ. સત્ય તો જો કે, એ છે કે કુદરત નથી તો ક્યારેય સ્વપ્ના જોતી હોતી કે નથી આપણા સ્વપ્નાઓની તેને બહુ પડી હોતી. બસ એટલાં માટે કે આપણી પાસે આપણા સ્વપ્નાઓ અસંખ્ય હોય છે. આપણા સ્વપ્નાઓ આપણી એવી ઈચ્છાઓ હોય છે કે જે આપણે પૂરી થાય એવું ઇચ્છતાં હોઈએ છીએ. અને આપણી ઈચ્છાનો તો કોઈ અંત જ નથી આવતો. આપણે તે ફરી ફરીને પૂરી થાય એવું ઇચ્છીએ છીએ, અને આપણે તેને રોજ જીવીએ એવું ઇચ્છીએ છીએ.

સ્વપ્ના જોવામાં કોઈ વાંધો નથી. અને આપણા સ્વપ્ના કોઈ તોડી નાખે કે તેનાં ઉપર કોઈ વિપત્તિ આવી જાય કે પછી વાસ્તવિકતામાં આપણા સ્વપ્નાઓ ખોવાઈ જાય તો દુઃખ અનુભવવું તે પણ એકદમ માનવીય વાત છે. તમે નિરાશ થઇ જાવ અને તમારી ખોટ ઉપર શોક વ્યક્ત કરવાનો તમને હક પણ છે. જીવન જો કે એટલાં માટે નથી બદલાઈ જવાનું કે આપણને જે કઈ પીરસવામાં આવ્યું છે તે આપણને પસંદ નથી આવ્યું. ખુશ રહેવાનો એક માત્ર ઉપાય એ છે કે આપણે આપણા સ્વાદને થોડો અનુકુળ કરીએ અથવા તો પછી આપણું ભોજન આપણે જાતે જ પકાવી લઈએ.

એક સંસ્થામાં દરેક માટે કઈ સરળ કામ નથી હોતું. અમુક લોકોને થોડા અઘરા કામો પણ કરવા પડે. એજ રીતે, બ્રહ્માંડની સંસ્થામાં, કુદરત જે મજબુત લોકો છે તેમને ચુનોતી ભર્યા કામ કરવા માટે તેમની પસંદગી કરે છે. કદાચ, તેને તમારી શક્તિ અને ધીરજમાં વિશ્વાસ હોય છે અને માટે તેણે તમને ખાસ વિશેષ જરૂરિયાતો વાળા બાળકનો ઉછેર કરવા માટે તમને પસંદ કર્યા હોય છે. અને મારો વિશ્વાસ કરજો કે જયારે તમે કુદરતનું કોઈ ચોક્કસ કામ કરવા માટે પસંદગી પામ્યા હોવ છો ત્યારે તે તમારી પાસેથી તે કામ લઇ ને જ રહેશે પછી ભલેને તમારી પોતાની પસંદગી તેનાં માટે ગમે તે કેમ ન હોય. તમે તમારી હોય તેટલી તમામ શક્તિથી તેનો પ્રતિકાર કરી શકો છો, પરંતુ તે તમારા રુદન તરફ ધ્યાન સુદ્ધાં પણ નહિ આપે. પરંતુ જે ક્ષણે તમે તેનો સ્વીકાર કરી લેશો, તે જ ક્ષણે તમારી અંદર અપાર ક્ષમતા અને શક્તિ આશીર્વાદ રૂપે આવી જશે. અને ત્યારે તમે તમારી ચુનોતી કરતાં પણ મોટા બની જશો.

વધુમાં, શિયાળામાં કઈ દરેક દિવસ સૂર્યપ્રકાશથી હુંફાળો હોય તેવું નથી બનતું. જયારે ઉજળો અને હુંફાળો દિવસ હોય ત્યારે બહાર નીકળો. અને જયારે ધુમ્મસ અને ઠંડી હોય ત્યારે એક ગરમ પીણું હાથમાં લઇને એ તાજગીને માણો કે જે ફક્ત ઠંડી જ તમને આપી શકતી હોય છે. આપણા સ્વપ્નાઓ પાછળની અનંત દોટમાં આપણે એ ભૂલી જતાં હોઈએ છીએ કે આ જીવન પોતે કેટલું સુંદર સ્વપ્નું છે. હોલેન્ડ હોય કે ઇટાલી, તેનાંથી કોઈ એટલો ફરક નથી પડી જતો જો તમે કૃતજ્ઞ ભાવથી જીવતાં હોય તો. એટલું કહ્યા પછી, હું એ કહીશ કે વિશેષ જરૂરિયાત વાળા બાળકોના માતા-પિતા તેમની અપાર હિંમત અને ધીરજ માટે પોતે કોઈ પણ દુન્વયી અર્થ માં ખાસ કહી શકાય તેવાં હોય છે. કોઈ “સામાન્ય માણસ”ની જેમ તેઓ સવારે ઉઠે અને ખબર પડે કે તેમને ફરીથી પહેલીથી શરૂઆત કરવી પડશે તો તેઓ તે જાણીને તેને છોડી નથી દેતા. આપણે બધાએ તેમને આપણાથી બનતી સહાય કરવી જોઈએ. હું તેમને સલામ કરું છું.

આપણું વિશ્વ એક મોટું કુટુંબ છે અને એક સિદ્ધાંતની વાત તરીકે, જો આપણે આપણી બાજુમાં રહેલી વ્યક્તિની કાળજી લઈએ તો દુનિયાનાં અડધાથી વધુ પ્રશ્નો અદ્રશ્ય થઇ જશે, અને આપણામાંના મોટાભાગના લોકો શાંતિથી સુઈ શકશે.

શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

(અગત્યની નોંધ: ગુજરાત રાજ્યમાંથી નિયમિતપણે જે લોકો આ ગુજરાતી બ્લોગ કે અંગ્રેજી બ્લોગ વાંચી રહ્યા હોય તે મને bharatsinhjhala@gmail.com પર ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરશે તો હું તેમનો આભારી રહીશ. સંપર્કનો હેતુ ફક્ત એ છે કે ગુજરાત રાજ્ય સ્થિત વાંચકોને મળી શકાય અને સ્વામીજીના વિચારો હજુ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી એવી કોઈ પ્રવૃત્તિનો વિચાર ભેગા મળીને કરી શકાય. આભાર.- ભરતસિંહ ઝાલા
No comments:

Post a Comment

Share