Saturday, 28 February 2015

તમને એ કેવી રીતે ખબર પડે કે તમે શું જાણો છો?

અભિપ્રાયોના પથ્થરો પડ્યાં-પડ્યાં લાગણીઓની શેવાળને એકઠા કરતાં રહે છે અને વાસ્તવિકતાના દર્શનને ઝાંખું પાડી દે છે. તે તમારો વિકાસ અવરોધે છે.
મને પાબ્લો વાલેની વાસ્તવિક જીવનકથા વાંચ્યાનું યાદ છે. તે જાપાનમાં અંગ્રેજીના વર્ગ લેતો હતો. શિયાળો ઝડપભેર આવી રહ્યો હતો અને બદલાતી ઋતુ વખતે જેમ સામાન્ય રીતે બનતું હોય છે તેમ ઘણાં લોકોને શરદી અને ફ્લુ થઇ રહ્યો હતો. એક ઠંડી સવારે, એક જાપાની વિદ્યાર્થીની પોતાનું મોઢું ઢાંકીને તેનાં વર્ગમાં આવી. તેને પોતે માસ્ક પહેર્યો હતો. પાબ્લોએ વિચાર્યું, “અરે, આ દેશમાં તો લોકો બિમાર ન પડે એટલાં માટે જરાક વધારે પડતી જ કાળજી લેતાં હોય છે.” એક કલાક પછી, વિરામ દરમ્યાન, તે પેલી વિદ્યાર્થીની પાસે ગયો.
“કેમ માસ્ક પહેર્યો છે?” તેણે મજાક કરતાં પૂછ્યું. “તને શરદી ન લાગી જાય તેની ચિંતા છે?”

“એવું તો નહિ,” પેલીએ જવાબ આપતાં કહ્યું. “જાપાનમાં જયારે ઠંડી પડે ત્યારે લોકો તેનો ઉપયોગ કરતાં હોય છે કેમ કે આમ કરવાથી તમારા દ્વારા બીજા લોકો બિમાર ન પડે તેનાં માટે તમે કાળજી લેતાં હોવ છે. આ એક નમ્રતા છે.”

પાબ્લો પોતે શરમાઈ ગયો અને પોતે ક્ષુબ્ધ પણ થઇ ગયો અને પોતે એક એવો પદાર્થ પાઠ ભણ્યો હતો કે જેને પોતે ક્યારેય નહિ ભૂલે. સત્ય એ છે કે પાબ્લોની જેમ, આપણે પણ અન્ય વસ્તુઓ અને અન્ય લોકો માટે સતત મત બાંધતા રહેતા હોઈએ છીએ, અને તે પણ એવી ધારણાઓને આધારે કે જે ભાગ્યે જ સાચી હોય છે, એવાં અભિપ્રાયોને આધારે કે જે મોટાભાગે પૂર્વગ્રહથી યુક્ત હોય છે. આખરે, આપણા જ્ઞાનનો આધાર શું હોય છે? (આજના લેખનું શીર્ષક એક સવાલ છે કે જે હકીકતમાં સોક્રેટીસે પૂછ્યો હતો. તમારે એનાં વિષે વધારે વાંચવું હોય તો અહી ક્લિક કરો.)

વાસ્તવમાં આપણે એટલાં બધા શરતી બની ગયા છીએ, અને કોઈ કોઈ વાર તો આપણને એવું લાગતું હોય કે આપણે કઈક જાણીએ છીએ અને તેનાં માટે આપણે એટલાં બધા વધારે પડતા આત્મવિશ્વાસથી ભરપુર થઇ જતાં હોઈએ છીએ કે આપણને ખબર પણ પડે તે પહેલાં, આપણે બીજા લોકોને વર્ગીકૃત કરતાં અને તેમને લેબલ લગાવતાં થઇ જઈએ છીએ. સરળ શબ્દોમાં કહું તો, આપણા અપરિપક્ક્વ તારણોમાં મોટાભાગે તર્ક અને સત્વનો અભાવ રહી જતો હોય છે.

અંગત રીતે, મને ધારણાઓને હકારાત્મક અને નકારાત્મક એમ બે ભાગોમાં વર્ગીકૃત કરવી ગમતી હોય છે. તે બન્ને એક સમાનપણે નુકશાનકારક હોય છે જો કે, કારણકે જયારે આપણે એક મત હકીકતના આધારે નહિ પરંતુ આપણા મગજમાં જે એક ચોક્કસ પ્રકારના વિચારો હોય છે તેનાં આધારે બાંધી લઈએ છીએ ત્યારે આપણું પોતાનું વર્તન એક નાટ્યાત્મક રીતે પલટો મારે છે.

દાખલા તરીકે મોડીસાંજે તમે અશ્વેત યુવકોનું એક ટોળું એક બગીચામાં ફરતું જુઓ અને તમે તરત તમારી સલામતી માટે ચિંતિત થઇ જાવ છો. તેઓ કદાચ હાવર્ડના MBAના વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે કે પછી છુપા પોલીસ ઓફિસર પણ હોઈ શકે છે, પરંતુ એક જડ મગજ પોતાની નિર્ણાયક શક્તિ અને સમજણ ગુમાવી દેતું હોય છે. તે પોતે એક તારણ તરફ ખુબ જ ઝડપથી પહોંચી જતું હોય છે.

જયારે આપણે આપણી ધારણાઓને આધારે કોઈનાં વિશે એક મત બાંધી લેતાં હોઈએ છીએ ત્યારે આપણા પોતાનાં વિચારોનું સ્વરૂપ એકદમ તરત જ પલટો મારે છે. આપણે અન્ય લોકો માટે તેમનાં દેખાવ, બોલી, કે ચાલ વિગેરે પરથી મત બાંધી લેતાં હોઈએ છીએ. આપણે હંમેશાં તેમને તેમની જાતિ, ધર્મ, રંગ વિગેરે પરથી વર્ગીકૃત કરતાં થઇ જઈએ છીએ. અને, તમે કદાચ તેનાંથી અવગત પણ નથી હોતા કે આપણી આ જડતા, હકારાત્મક હોય કે નકારાત્મક, તે આપણા પોતાનાં જ સ્વ-મૂલ્યાંકનને અને આત્મ-ગૌરવને નબળું પાડી દે છે. એવું કેવી રીતે, તમે કદાચ વિચારશો? વાંચતા રહો આગળ.

હકારાત્મક ધારણાઓ તમારી અંદર એક ડરની અને પરવશતાની લાગણી જન્માવે છે. દાખલા તરીકે, જયારે આપણે કોઈ એવાંને મળીએ કે જેની પાસે સત્તા, સંપત્તિ કે મોભો હોય, તો આપણે તરત જ એવું તારણ કાઢી લઈએ છીએ કે આ વ્યક્તિને આપણા તરફથી સન્માન મળવું જ જોઈએ. કે આ વ્યક્તિ મારા કરતાં ક્યાંય વધારે સારો કે સારી છે અને માટે મારે તેને આધીન થઇ જવું જોઈએ. અથવા તો પછી આપણે નકારાત્મક ધારણા કરી બેસીએ ત્યારે પણ તે આપણને ડર, ઈર્ષ્યા, ધ્રુણા અથવા તો દાઝ તરફ દોરી જાય છે. દાખલા તરીકે, આપણે એવું વિચારી લઈએ કે શ્રીમંત માણસ તો ખરાબ જ હોય, કે સત્તાધારી રાજકારણી તો જુઠ્ઠો જ હશે, કે ઝભ્ભો પહેરેલો માણસ કટ્ટરપંથી જ હશે વિગેરે.

કોઈ પણ રીતે, ધારણાઓ તમને જીવનની પુરી ખોજ કરવા દેતી નથી, તે તમને અને તમારી શક્તિઓને ખુબ જ મોટા પ્રમાણમાં મર્યાદિત કરી મુકે છે. આપણા બીજા વિશેના રૂઢિગત વિચારો આપણી આપણા ખુદના વિશ્વને માણવા અને સમજવાની આપણી જે સ્વતંત્રતા છે તેને ખુબ જ ગંભીરપણે મર્યાદિત કરી મુકે છે. તે આપણને સત્યનું ભ્રાંત દર્શન કરાવે છે. માનવજાતના ઈતિહાસ તરફ એક નજર કરો, એવાં થોડા લોકો કે જેણે આ દુનિયાને બદલી છે તેઓ એવાં લોકો છે કે જેમણે રૂઢિઓને ચુનોતી આપી છે. માર્ટીન લ્યુથર કિંગ, મધર ટેરેસા, ગાંધી, આઇન્સ્ટાઇન, ડાર્વિન એટલાં માટે થયા કે તેમણે ધારણાઓને  સ્વીકારી નહોતી પરંતુ પોતાનાં આંતર્નાદને અનુસર્યા હતાં.

બધા હિંદુઓ કઈ સહિષ્ણુ હોતા નથી, કે ના તો બધા મુસ્લિમો કટ્ટરવાદી હોય છે, કે ના તો બધા જ ખ્રિસ્તીઓ ચુસ્તવાદી હોય છે, અને ના તો દરેક યહૂદી જુનવાણી હોય છે. બધા જ શ્રીમંતો કઈ અભિમાની હોતા નથી, કે બધા જ ગરીબો કઈ માયાળુ નથી હોતા; બધા જ રાજકારણીઓ કઈ જુઠ્ઠા નથી હોતા, કે બધા જ વકીલો કઈ અપ્રમાણિક નથી હોતા. જ્યાં સુધી તમે કોઈની સાથે સમય ગાળ્યો ન હોય કે પછી તમને તે વ્યક્તિને નજીકથી જોવા-જાણવાની તક મળી ન હોય ત્યાં સુધી તેમનાં વિશેનો તમે ગમે તે મત બાંધો તે સંભવતઃ તમારી ધારણાઓ કે પૂર્વગ્રહયુક્ત માન્યતાઓને આધારિત જ હોવાનો, અને કોઈ વાસ્તવિકતા ઉપર નહિ. જો તમે ખરેખર આ વિશે વિચાર કરો તો નકારાત્મક ધારણાઓ બાંધીને ખરેખર કોઈને કશો જ ફાયદો નથી થતો હોતો. તેનાંથી ફક્ત નફરત અને ગુસ્સો જ ઉત્પન્ન થતાં રહેતા હોય છે.
એક અંગ્રેજ મુસાફર લંડનમાં ભૂગર્ભમાં ચાલતી મેટ્રો ટ્રેઈનમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે એક અરબી મુસાફર ટ્રેઈનમાંથી નીચે ઉતરી ગયો અને પોતાની પાછળ એક થેલો ભૂલી ગયો. કઈક શંકાસ્પદ લાગતાં તેને તે થેલો પકડ્યો અને તેનાં માલિક પાછળ દોડ્યો. તરત તેને પકડી પાડી એક ગભરાટ સાથે તે થેલો તેને પેલાં અરબી મુસાફરના હાથમાં ફેંક્યો.

પેલાં અરબી મુસાફરે તેનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો અને પોતાનાં થેલામાં હાથ નાંખ્યો અને તેની અંદર પૈસાના થોકડા હતાં. તેણે પેલાં અંગ્રેજ મુસાફરને વળતર આપવા માટે હાથ લંબાવ્યો પરંતુ પેલાં અંગ્રેજ મુસાફરે નમ્રતાથી ના પાડી.

પેલાં આરબે આજુબાજુ છુપી રીતે જોયું અને પછી ગણગણ્યો, “હું તમારી ઉદારતાનો બદલો વાળી શકું તેમ તો નથી સાહેબ, પરંતુ હું તમને એક સલાહ આપીશ. કોન્વેટ્રી સ્ટ્રીટ પર આવેલી ધ અમેરિકન ડીનર નામની રેસ્ટોરન્ટથી દુર રહેજો.

અત્યંત ભયભીત થઇ ગયેલાં અંગ્રેજે ધીમે રહીને પૂછ્યું, “શું હુમલો ત્યાં આગળ થવાનો છે?” 
“ના,” આરબે ધીમે રહીને કહ્યું. “ત્યાંનું જમવાનું એકદમ બેકાર છે અને ડેઝર્ટતો એકદમ બકવાસ.”
હવે ફરી વાર, જયારે તમે કોઈના વિશે તેનાં દેખાવ, પોષાક, જાતિ કે પછી કોઈ પણ બાબતના આધારે કોઈ ધારણા બાંધી લેતાં પહેલાં, એક ક્ષણ માટે થોભી જજો. મારો વિશ્વાસ કરો, એમ કરવું ખુબ જ સારું રહેશે. એ પહેલાં કે તમને એવું લાગે કે તમે તેમને પહેલીથી જ જાણો છો, એમનાં વિશે જાણવાનો ખરેખર પ્રયત્ન કરો. અને આ છે ધારણાઓ વિશેનો ટુંકસાર: કોઈને બિલકુલ જાણ્યા વગર જ માની લેવું કે તમે તેમને જાણો છો. અન્ય લોકોને માટે તમને જે લાગે છે કે તમે જાણો છો ફક્ત તેનાં આધારે તેમને વ્યાખ્યાયિત નહિ કરવાનું તમારી જાતને યાદ અપાવો. હું એવું નથી કહી રહ્યો કે તમે મત રાખવાનો પણ અધિકાર ન રાખો. તમે તેમ કરો. પરંતુ, તમારો મત તમારા પોતાનાં અનુભવને આધારે બાંધો. જાતે મેળવેલી માહિતીના આધારે, અને નહિ કે પૂર્વગ્રહથી યુક્ત માન્યતાઓને આધારે. તેનાંથી તમને તમારા મગજને ખાલી, હૃદયને હળવું અને મનને મુક્ત રાખવાની મદદ મળશે. અને ત્યારે એક સ્મિત કુદરતીપણે જ તમારા ચહેરા ઉપર ઉપસી આવશે. વધુમાં, જયારે તમે અન્ય લોકો વિશે ખરેખર જાણશો તો તમને લાગશે કે તમે ખરેખર તો કેટલું ઓછું તેમનાં વિશે જાણો છો.

જયારે તમે કોઈનાં માટે નિર્ણાયક બન્યા વગર જ ખુલ્લા થઇ જાવ છો, ત્યારે તમે તેમની નજરે આ દુનિયાને જોઈ પણ શકશો અને તેની કદર પણ કરી શકશો. આ રીતે તમે આ દુનિયાને એક વધારે સારું સ્થળ બનાવી શકશો. કોઈનાં વિશે અનિર્ણિત રહેવું એ પણ દયાનો એક પ્રકાર છે. અને દયા નકારાત્મકતાને પીગળાવી દેતી હોય છે. હા, દયામાં દરેક વસ્તુને પીગળાવી દેવાની ક્ષમતા રહેલી છે. તે ઓગળી દે છે, શોષી લે છે. જો એ જાણવું હોય તો દયાનો અમલ કરી જુઓ.

શાંતિ.
સ્વામી


(અગત્યની નોંધ: ગુજરાત રાજ્યમાંથી નિયમિતપણે જે લોકો આ ગુજરાતી બ્લોગ કે અંગ્રેજી બ્લોગ વાંચી રહ્યા હોય તે મને bharatsinhjhala@gmail.com પર ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરશે તો હું તેમનો આભારી રહીશ. સંપર્કનો હેતુ ફક્ત એ છે કે ગુજરાત રાજ્ય સ્થિત વાંચકોને મળી શકાય અને સ્વામીજીના વિચારો હજુ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી એવી કોઈ પ્રવૃત્તિનો વિચાર ભેગા મળીને કરી શકાય. આભાર.- ભરતસિંહ ઝાલા

Saturday, 21 February 2015

તરુણાવસ્થાની મૂંઝવણો

સમુદ્રનું મોતી બનવું કે એક સામાન્ય ટીપું તેનો આધાર યોગ્ય સમયે યોગ્ય પસંદગીઓ કરવા ઉપર રહેલો હોય છે
મને ખરેખર ખબર નથી પડતી કે હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, એવી ઘણી બધી વસ્તુઓ છે જે મારે નથી કરવી હોતી છતાં મારે કરવી પડતી હોય છે. હું ખુબ જ મૂંઝાઈ ગયો છું, મારું શેમાંય ધ્યાન લાગતું નથી, મારાથી એક પણ શિસ્તનું પાલન નથી થતું કે મારી પ્રાથમિકતાઓને યોગ્ય રીતે ગોઠવી શકતો નથી. હું મારી જાતને જરાય મદદરૂપ થઇ નથી રહ્યો. હું જયારે પણ કઈ કરવાનો પ્રયત્ન કરું તો મારો ૧% જેટલો પ્રયત્ન કર્યા વગર જ તેને તરત બહુ જલ્દી પડતું મૂકી દઉં છું. હું ખુશ નથી, હું ખુબ ઉદાસી અનુભવું છું અને મને ખબર પણ નથી કે એવું કેમ થાય છે. મારે ભણવું છે અને મારે મારા માતા-પિતા અને મારી જાતને મારા માટે ગૌરવ અપાવવું છે પણ મારાથી એમ થતું જ નથી. મને રડવાનું મન થાય છે, મને સારું લાગે એ માટે મને કોઈ મદદ મળે એવું હું ઈચ્છું છું. મારે મજબુત બનવું છે, મારે મારા કામ જાતે કરતા થવું છે. મહેરબાની કરીને મને મદદ કરો મને ખરેખર ખબર નથી પડતી કે આ સમયે હું શું કરું.
આ છે એક તરુણ યુવકે મને થોડા સમય પહેલાં મોકેલેલ એક ઈ-મેઈલનો સારાંશ. મેં થોડા વ્યાકરણની દ્રષ્ટીએ સુધારા કરીને અક્ષરસ: અહી તે ટાંકેલો છે. જો તમે મારો વિશ્વાસ કરતાં હોવ તો જેનાં ખંભા ઉપર આપણા દેશ, વિશ્વ, અને આ પૃથ્વીનું ભવિષ્ય નિર્ભર છે એવાં – તરુણો તરફથી મને મળતા મોટાભાગનાં ઈ-મેઈલનો સૂર આ જ હોય છે. દુઃખની વાત તો એ છે કે જે તરુણો મને આવા ઈ-મેઈલ લખતા હોય છે તેઓ હકીકતમાં તો ખુબ જ બુદ્ધિમાન, સક્ષમ અને મહત્વાકાંક્ષી હોય છે. તેમ છતાં તેઓ અનેક મૂંઝવણો અને ભાવુક ચુનોતીઓમાંથી રોજેરોજ પસાર થાય છે, કોઈ વાર તો એક જ દિવસમાં અનેકવાર. મને જો કે આ વાતની નવાઈ નથી લાગતી. તરુણાવસ્થા એ જીવનના તબક્કાઓમાંનો એક સૌથી અઘરો તબક્કો હોય છે કેમ કે આ વર્ષોમાં તમે તમારી જાતની જ શોધ નથી કરતાં હોતા પરંતુ તમે સતત વિચલિત અને અપેક્ષાઓ સાથે પણ  લડતા રહેતા હોવ છો.

હૃદયરોગોના એક પ્રખ્યાત દાકતર એક વખત પોતાની ગાડીને સર્વિસ કરાવવા માટે લઇ જાય છે. ગાડીના એન્જીનમાં કોઈ ગરબડ થયેલી હોય છે. થોડા કલાક પછી જયારે તેઓ પોતાની ગાડી પાછી લેવા માટે જાય છે, ત્યારે કારીગર તેમને થોડી વાત કરવા માટે ઉભા રાખે છે.
“તમે તો એક પ્રખ્યાત દાકતર છો કેમ?” તેણે કહ્યું. “શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું?”
દાકતર ગૌરવથી પોતાનું મસ્તક હલાવતા હા પાડી.
“મૂળભૂત રીતે જોવા જઈએ તો તમે અને હું બન્ને એક સરખું જ કામ કરીએ છીએ. તમે જે કામ લોકો સાથે કરો છો એ હું ગાડીઓ સાથે કરું છું. મારી જેમ તમે પણ એન્જીનને ખોલો છો, એક કે બે વાલ્વને સાફ કરો છો, અમુક ભાગ બદલો છો અને એન્જીનને પાછું મુકો છો. તો પછી તમને ૨૫૦૦ ડોલર અને મને ફક્ત ૨૫ ડોલર જ કેમ મળતા હોય છે? આ વ્યાજબી નથી, તમે શું કહો છો?”
“કારીગર પાસેથી ગાડીની ચાવી લેતાં દાક્તરે ધીમેથી કહ્યું, “હવે ફરી બીજી વાર તું એન્જીન ચાલુ હોય ત્યારે તેને સાફ કે ઠીક કરવાની કોશિશ કરી જો જે.”

તરુણાવસ્થાનાં વર્ષો કઈક આવા હોય છે – એન્જીન ચાલુ હોય ત્યારે તેને ઠીક કરવા સમાન. આ આપણા સમગ્ર જીવનને આકાર આપતો એક ખુબ જ મહત્વનો તબક્કો હોય છે કારણકે આ સમય દરમ્યાન જ આપણી મૂળ આદતો, આપણી સફાઈ આપવાના કારણો, તણાવગ્રસ્ત પરિસ્થિતિઓમાં આપણું માનસિક અને શારીરિક વર્તન, અરે આપણા ડર અને ભય, એક રીતે કાયમી બની જતાં હોય છે. જે તરુણો પોતાની શક્તિઓને યોગ્ય સ્થળે કે પછી કોઈ યોગ્ય કારણ માટે વાપરે તો આ બાબત બહુ લાંબે સુધી કામ આવતી હોય છે; અને તેઓ પોતાનાં જેવા બીજા અનેક તરુણો કરતાં અનેકગણું સારું અને અર્થસભર જીવન જીવતાં હોય છે. તો પછી આવા જવાબદાર એવાં મૂળ કારણો કયા હોય છે? શા માટે અમુક બાળકો સરળતાથી આગળ વધતાં રહેતા હોય છે જયારે મોટાભાગનાઓને  હંમેશા સંઘર્ષ કરવો પડતો હોય છે? શા માટે મોટાભાગના માતા-પિતાઓને પોતાનાં બાળકો સાથે કે પછી બાળકોને પોતાનાં માતા-પિતા સાથે પરિસંવાદ કરવામાં ખુબ જ અઘરો પરિશ્રમ પડી જતો હોય છે? અને શા માટે મોટા ભાગની વિનંતિઓ બન્ને પક્ષે મોટી માંગણીઓ થતી હોય એવું લાગે છે. એવું તો નથી જ હોતું કે તરુણોને સાંભળવું નથી હોતું (કે જે મને માતા-પિતાઓ તરફથી હંમેશા સાંભળવા મળતું હોય છે) એવું તો એટલાં માટે હોય છે કે એમનાં મગજમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું હોય છે. તેમાં મૂંઝવણો, પસંદગીઓ, અને દરેક ડગલે મિત્રોનું દબાણ જવાબદાર હોય છે.

અરે ઘણીવાર તો મોટા ભાગનાં માતા-પિતાઓ પણ અંતે મૂંઝવણ અનુભવી જતાં હોય છે. તેમને ખબર જ નથી પડતી હોતી કે તેમને પોતાનાં બાળકોને શું કહેવું, કેવી રીતે કહેવું અને કેટલું કહેવું. મેં આ મૂંઝવણ – પોતાનાં બાળકને મદદ કરવાની આતુરતા અને તેમ નહિ કરી શકતા હોવાની નિરાશા – માતા-પિતાઓની આંખમાં જોઈ છે. વધુમાં, સામાન્યત: મોટા ભાગના તરુણો પોતે પણ પોતાનાં માતા-પિતાઓ સાથે એક અલગાવને અનુભવે છે. અંતિમ પરિણામ એ આવે છે કે બહુ ઓછા તરુણો પાસે કોઈ એવું હોય છે કે જેમની પાસે તેઓ જઈ શકે અને વાત કરી શકે કે તેમની પાસે મદદની અપેક્ષા રાખી શકે. અને, જે કોઈપણની પાસે  તેઓ જાય છે તે તેમને સલાહ આપવાનું શરુ કરે છે. આ બરાબર નથી કારણકે સલાહ કરતાં પણ વધારે જરૂરી તો તેમનાં તરફ સમાનુભૂતિ રાખવાની અને પ્રથમ તેમને સાંભળવાની છે.

આ મહિનાની શરુઆતમાં એક ધ્યાનની શિબિર યોજાઈ કે જેમાં લગભગ ૭૫ વ્યક્તિઓ કે જે ૨૫ અને ૮૧ વર્ષની ઉમરના હતાં, તેઓએ ધ્યાનની કલા શીખવાના અને દયા, શિસ્ત, એકાગ્રતા જેવા મુખ્ય સદ્દગુણોનો વિકાસ કરવાના અને પોતાનાં જીવનને અર્થસભર અને સુખી રાખવાનાં સંકલ્પ સાથે ભાગ લીધો હતો. મારી તેમની સાથેની વાતચીત દરમ્યાન એક મુદ્દો વારંવાર ઉભરી આવતો હતો કે: “કાશ આ જ્ઞાન મારી પાસે ત્યારે હોત જયારે હું મોટો થઇ રહ્યો હતો (કે મોટી થઇ રહી હતી), તો હું આજે એક અલગ વ્યક્તિ હોત.” આ વાક્યથી હું હંમેશા અટકી જતો અને વિચારમાં પડી જતો. આ સત્ય છે. હું જયારે પુખ્ત વયના લોકો સાથે હોવ છું ત્યારે તેઓએ પહેલેથીજ પોતાનાં અનુભવોમાંથી ઘણું બધું શીખી લીધું હોય છે, તેમને બદલવું હોય છે પણ તે બાબત તેમનાં માટે ખુબ જ અઘરી થઇ પડતી હોય છે, જીવન પહેલેથી જ તેમની કચડી ચુક્યું હોય છે.

કોઈ એવું માર્ગદર્શન એમની પાસે તેઓ પોતે જયારે હજી યુવાન હતાં અને એ પહેલાં કે પોતે કોઈ એવી ટેવો પોતાની અંદર વિકસાવી દે કે જેનો હવે તેઓ ત્યાગ કરવા માંગતા હોય ત્યારે હોત તો કેવું નહિ! જયારે તેઓ ઉછરી રહ્યા હતાં ત્યારે તેઓ જો પોતાનો અવાજ સાંભળી શક્યા હોત તો કેવું નહિ! જો તેઓ વિચલીતતાઓ સાથે અને મિત્રોના દબાણ સાથે કેવી રીતે કામ લેવું તે શીખી શક્યાં હોત તો કેવું નહિ! જો તેઓ શિસ્તની કલાને હસ્તગત કરીને પોતાની જાતનો વિશ્વાસ કરવાનું શીખી શક્યાં હોત તો કેવું નહિ! છેલ્લાં ચાર વર્ષોમાં, દુનિયાના ઘણાં ભાગોમાંથી અનેક વાંચકોએ મને યુવાનોને મળવાનો અને તેમની સાથે સીધો સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો.

તો ઉપરોક્ત બાબતના સંદર્ભમાં, મેં પ્રથમ વાર તરુણો માટે સ્વ-બદલાવની એક શિબિરનું આયોજન ભારતમાં ૨૩મી મે થી ૨૬મી મે, ૨૦૧૫ દરમ્યાન કર્યું છે. આ શિબિરમાં હું શિસ્ત અને ધ્યાનને જીવનમાં વણી લઇ આંતરિક શક્તિ અને વિકાસ, વિચલિતતાઓ અને કોઈ પણ વસ્તુને ટાળતા રહેવાની આદતથી ઉપર કેમ ઉઠવું, અને પોતાનાં સહાધ્યાયીઓનાં દબાવ સાથે કેવી રીતે કામ લેવું તેનાં ઉપર હું મારું ધ્યાન કેન્દ્રિત કરવાનો છું. તમે વધુ માહિતી માટે અહી ક્લિક કરી શકો છો.

શાંતિ.
સ્વામી


(અગત્યની નોંધ: ગુજરાત રાજ્યમાંથી નિયમિતપણે જે લોકો આ ગુજરાતી બ્લોગ કે અંગ્રેજી બ્લોગ વાંચી રહ્યા હોય તે મને bharatsinhjhala@gmail.com પર ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરશે તો હું તેમનો આભારી રહીશ. સંપર્કનો હેતુ ફક્ત એ છે કે ગુજરાત રાજ્ય સ્થિત વાંચકોને મળી શકાય અને સ્વામીજીના વિચારો હજુ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી એવી કોઈ પ્રવૃત્તિનો વિચાર ભેગા મળીને કરી શકાય. આભાર.- ભરતસિંહ ઝાલા)   

Friday, 13 February 2015

શું કષ્ટ ભોગવવું ખરેખર અનિવાર્ય છે?

શ્રદ્ધાનાં દીપક વડે કષ્ટનું અંધારું દુર થાય છે. તમે તેની નીચે અને આજુબાજુ શું છે તે જોઈ શકો છો.
અસંખ્ય લોકો સાથે નિયમિતપણે બોલવાથી, દુનિયાભરના વાંચકોના ઈ-મેઈલ વાંચવાથી, એક વાત મેં જાણી છે કે કોઇપણ સાથે કઈ પણ ખરાબ થાય કે પ્રથમ વસ્તુ જો એ કઈ અનુભવતા હશે તો એ હશે અવિશ્વાસની ભાવના. જો કે છૂપી રીતે આપણા દરેકજણ પાસે પોતાના વિશેની આત્મ-શંકા અને નિરર્થકતાને અનુભવતી ઉદાસીન ક્ષણો હોય જ છે; તેમ છતાં મોટાભાગના એવું માનતાં હોય છે કે આપણે બીજા સરેરાશ લોકો કરતાં વધુ સારા છીએ. દાખલા તરીકે મોટાભાગના લોકો એવું માને છે કે પોતે પોતાનાં સાથી કરતાં વધારે દાની, વધારે કાળજી કરનારા છે. કાં તો પછી તેઓ તેમનાં સહકર્મચારીઓ કરતાં પોતે વધુ સારી રીતે પોતાનું કામ કરી રહ્યા છે. માટે, જયારે પણ કોઈ અપ્રિય ઘટના તેમનો દરવાજો ખટખટાવે ત્યારે સૌથી પ્રથમ પ્રતિક્રિયા તેમની એ હોય છે કે આવું મારી સાથે ન બની શકે, હું આને લાયક નથી.

થોડી વાર પછી, જયારે તમે એવું સ્વીકારવા લાગો છો કે કોઈપણની સાથે કઈ પણ ઘટના ઘટી શકે છે, મારા-તમારા સહીત બધા સાથે, ત્યારે એક બીજો સવાલ મનમાં પરેશાન કરવા લાગે છે: મારી જોડે જ આમ શા માટે? મને પીડા અને કષ્ટની એટલી બધી ભયાનક વાતો સાંભળવા મળતી હોય છે કે તમને ખરેખર એવો સવાલ કરવાનું મન થઇ જાય કે કોઈએ પોતાનાં જીવનમાં એવું તો શું કર્યું હશે કે તેમની સાથે આવું થઇ રહ્યું છે? અને તેમણે જે પણ કર્યું હશે તેને કુદરત કે ભગવાન કે પછી જે કહો તે શું તેને માફ ન કરી શકે? સત્ય તો એ છે કે અમુક સવાલોના કોઈ જવાબો નથી હોતા. કર્મનો નિયમ, આકર્ષણનો નિયમ, પ્રત્યક્ષીકરણનો નિયમ એમ દરેક વાતો ત્યાં નિષ્ફળ જાય છે. આપણે બસ અમુક પરિકલ્પનાઓ, આશ્વાસનો અને સંભાવનાઓ સાથે રહી જઈએ છીએ.

આનંદ, સુખ અને ખુશીઓ અનુભવવાના તેમજ તેને હંમેશા માટે વળગી રહેવાનાં આપણા નિરંતર ચાલતાં રહેલાં પ્રયત્નોમાં જો કોઈ એક જ વસ્તુ સાશ્વતપણે બનતી હશે તો તે છે આ તમામથી ઉલટું – કષ્ટ પ્રાપ્તિ. તમે થોડા સમયના ભોજનને જવા દો અને તમારું શરીર તરત ભૂખથી પીડાવા લાગશે, તમે થોડી રાત્રીની નિંદ્રાને જવા દો તો તરત તમે થકાવટથી પીડાવા લાગશો, તમે થોડા દિવસો માટે આરામ કરવાનું માંડી વાળો અને તમે મંદ પડી જશો. એવું લાગે છે કે કુદરત કોઈ પણ ભોગે કોઈ પણ પ્રકારની છૂટ આપવા માટે રાજી નથી, જાણે કે તેને વ્યક્તિગત પસંદગીઓ માટે કોઈ સન્માનની ભાવના જ નથી. આવું કેમ હોય છે? શા માટે પીડા ભોગવવી એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે? હું હજી આ વિષયમાં વધુ ઊંડો ઉતરું તે પહેલાં ચાલો તમને એક મહાભારતની વાર્તા કહું.

પાંડવો યુદ્ધ જીત્યાં પછી કૃષ્ણનો આભાર માનવા માટે જાય છે. આવા કૃતજ્ઞ લોકોની આગળ કુંતા માતા ચાલતાં હતાં.

“જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં તમને સતત મારા પ્રશ્નોને લઇને તમને હેરાન કર્યા છે, કૃષ્ણ,” કુંતા એ કહ્યું. “તમારી કૃપા અને આશીર્વાદના બદલામાં મેં તમને ક્યારેય કશું આપ્યું નથી. એક ભિક્ષુકની જેમ હંમેશા તમારી પાસેથી બસ લીધા જ કર્યું છે. મને ખબર છે કે હું તમને કશું જ આપી શકું તેમ નથી. તમારી પાસે પહેલેથી જ બધું છે, ખરેખર તો તમે પોતે જ બધું છો, માટે તમને કઈ પણ આપવું તે સુરજને દીવો દેખાડવા બરાબર છે.”

કુંતાના હાથ પકડી લઇને કૃષ્ણે કહ્યું, “તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી, હું તો ફક્ત ધર્મના માર્ગે ચાલી રહ્યો હતો. મને આનંદ છે કે તમે ફરી પાછાં રાજમાતા બનશો.”

“પરંતુ, હું હજી પણ ખુશ નથી, કૃષ્ણ, કારણકે મને ડર લાગી રહ્યો છે. આજે પણ, ખરેખર તો હું તમારો આભાર માનવા નથી આવી. પરંતુ, હું તો એક છેલ્લી ઈચ્છા લઈને આવી છું.”

કૃષ્ણ ત્યાં હસતાં હસતાં ઉભા રહ્યા, તેઓ શાંત અને આતુરતાથી ત્યાં ઉભા રહ્યા હતાં.

“મને ખુબ જ અસલામતીની લાગણી અનુભવાય છે,” કુંતાએ કહ્યું, “દુઃખો સાથે સતત સંઘર્ષ કરતાં અને લડાઈ કરતાં, મેં મારા માટે જે પણ મહત્વનું હતું તે તમામ ગુમાવી દીધું છે. હું મોટાભાગે મોટા ડરમાં જ જીવી છું કારણકે મારા જીવનમાં વચ્ચે-વચ્ચે આવી જતી આનંદની ક્ષણો તો બહુ ઓછી અને થોડીક જ હતી. અને હવે જયારે વિધાતાએ મારું બારણું અંતે એક સ્મિત સાથે ખટખટાવ્યુ છે, ત્યારે મને ડર લાગી રહ્યો છે કે આ બધી ખુશીઓના ઉભરામાં ક્યાંક હું તમને ભૂલી તો નહિ જઉં ને? માટે હે! કૃષ્ણ! હું તમારી પાસે એ ભીખ માંગું છું કે ક્યારેય મારા દુઃખો મારી પાસેથી ના લઇ લેશો, કારણકે એનાં લીધે તો હું તમને રોજ યાદ કરું છું. મારે તમને નથી ગુમાવવા.”

સુખમાં કે દુઃખમાં, આપણી પ્રાર્થનાઓની રચનામાં ક્યારેય ભગવાનને બદલામાં કશું આપવાની વાત નથી આવતી. આપણે સંભવતઃ શું આપી શકીએ તેમ છીએ? તેમાં આપણું તેમની સાથેનું બંધન અખંડ રહે તેની જ ખેવના છે. જેવી રીતે એક બાળક પોતાની માં માટે રડતું હોય છે તેમ, જેવી રીતે એક માછલી જેટલું ઉંચે કુદાય તેટલું કુદતી હોય છે પણ ફક્ત પાછી પાણીમાં આવવા માટે જ તે હોય છે, તેવી જ રીતે આપણા દુઃખો આપણને તેની સાથે, કુદરત સાથે, એકબીજાથી જોડાયેલાં રાખે છે.

જો કે કોઈને પણ પોતાનાં જીવનમાં પીડાઓ નથી જોઈતી હોતી, કુંતામાતા ને પણ નહોતી જોતી, પરંતુ પોતાની ઈચ્છાની અભિવ્યકિતમાં તેમને માનવ અસ્તિત્વના સત્યનું દર્શન કરાવી દીધું છે: કષ્ટની અંદર તમારા મૂળ સ્રોત સાથે જોડાયેલાં રહેવાનો એક માર્ગ રહેલો છે. હું બિલકુલ એવું નથી કહી રહ્યો કે આપણે દુઃખોની માંગણી કરતાં ફરતા રહેવું જોઈએ (તો પણ તમે તેમ તો નથી જ કરવાનાં જો કે), પરંતુ હું તો એવું સુચવી રહ્યો છું કે પીડા તરફ જુદા દ્રષ્ટિકોણથી જોઈ શકાય તેમ છે. ઋતુઓની જેમ એક પસાર થતો સમય જાણે કે. હું પીડાને લાયક નથી એ એક એવું વાક્ય છે કે જે કુદરત નથી સમજતું અને મારી સાથે જ આમ શા માટે એ એક એવો સવાલ છે કે જેનો જવાબ કુદરત નથી આપતું. માટે, જો ખરેખર આપણે આપણી પીડાથી ઉપર ઉઠવા માંગતા હોઈએ તો આપણે તેનાં અલગ પરિમાણ તરફ ધ્યાન આપવું પડશે.

આવો જ એક દ્રષ્ટિકોણ છે તાકાતનો. પીડા આપણને જે તાકાત આપે છે, સુખ આપણને તે નથી આપી શકતું. પીડા એ એક એવો ધગધગતો સૂર્ય છે કે જે આપણને ઠંડીના મૂલ્યની કદર કરતાં શીખવે છે. અને એ ઠંડીની એક રાત્રી હોય છે કે જે આપણને સૂર્યની હુંફની કદર કરતાં શીખવે છે. તે આપણને ખરા માનવ બનાવે છે. જો તમે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતાં હોવ તો પીડા તમારી પ્રાર્થનામાં સત્યનો ઉમેરો કરાવશે, તે તમારા ઈશ્વર સાથેના અંગત સંબધમાં પ્રામાણિકતા અને ભક્તિનો ઉમેરો કરશે. પરંતુ, સૌથી મહત્વનું તો એ છે કે પીડા આપણા પગ જમીન પર ટકાવે છે, તે આપણને નમ્ર બનાવે છે. અને, નમ્રતા, હું કહીશ કે, તે એક અર્થસભર અને સંતોષી જીવનનું સૌથી મહત્વનું ઘટક છે. જયારે તમે કષ્ટ, પીડા કે દુઃખમાંથી પસાર થાવ છો ત્યારે તમારી અંદરનું કશુક કાયમ માટે બદલાઈ જતું હોય છે. તમે વધુ કૃતજ્ઞ, વધુ શક્તિશાળી, વધારે ડાહ્યા અને વધારે સમાનુભુતી વાળા બનીને ઉભરી આવો છો.

હું એ વાતે બિલકુલ સહમત છું કે તમારે બિનજરૂરીપણે પીડાને નિમંત્રણ આપવાની કે પછી જીવનની કદર કરવા માટે થઇને જાણી જોઇને અભાવોથી ભરેલું જીવન જીવવાની જરૂર નથી. વધુમાં, પીડા એ કોઈ મહેમાન પણ નથી કે તેને કોઈ આમંત્રણની જરૂર પડવાની હોય. પરંતુ, તે જયારેપણ આપણા જીવનમાં આવે, અને તે ચુક્યા વગર આવશે જ, ત્યારે તમારે ફક્ત ધીરજ રાખવાની છે અને તેની સાથે એક મનોહર ઢંગથી કામ લેવાનું છે. તમે તેની સાથે લડી નથી શકવાના કે તમે તેને ઠપકો પણ નથી આપી શકવાના. તમારે સહજતાથી તેનાંથી ઉલટું કરવાનું છે. આત્માની અંધારી રાત્રીમાં, તમારે ખુબ ધીરેથી શ્રદ્ધાનો દીપ જલાવવાનો છે. સમર્પણની વાટ અને ભક્તિનું તેલ લઈને. પીડાની હાજરી ત્યારે આખા ઓરડામાં નહિ ફેલાય, ફક્ત અમુક ખૂણાઓમાં અમુક ક્ષણો માટે જ રહેશે.

ચાલો, કોઈ પણ કિંમતે કૃતજ્ઞ બનીએ કેમ કે કૃતજ્ઞતા એ કષ્ટનું મારણ છે. તે તમને નમ્ર બનાવે છે, અને સારા સમયમાં પણ મજબુત બનાવે છે. કષ્ટ કૃતજ્ઞતાની સન્મુખ થતાં જ ચાલતી પકડે છે; તે બન્ને સહ-અસ્તિત્વ ધરાવી શકતા જ નથી. છતાં પીડા કદાચ ત્યાં રહેશે, પણ કૃતજ્ઞતાનો મલમ દુઃખના ઘાવને ધીમે-ધીમે ભરી દેશે. કારણ કે જ્ઞાની મહાપુરુષોએ કહ્યું છે કે પીડા અનિવાર્ય છે પરંતુ દુઃખ એ વૈકલ્પિક છે.

આપણે શું ગુમાવી દીધું છે તેને શોધવામાં જે આપણી પાસે છે તેને ન ગુમાવીએ.

શાંતિ.
સ્વામી


(અગત્યની નોંધ: ગુજરાત રાજ્યમાંથી નિયમિતપણે જે લોકો આ ગુજરાતી બ્લોગ કે અંગ્રેજી બ્લોગ વાંચી રહ્યા હોય તે મને bharatsinhjhala@gmail.com પર ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરશે તો હું તેમનો આભારી રહીશ. સંપર્કનો હેતુ ફક્ત એ છે કે ગુજરાત રાજ્ય સ્થિત વાંચકોને મળી શકાય અને સ્વામીજીના વિચારો હજુ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી એવી કોઈ પ્રવૃત્તિનો વિચાર ભેગા મળીને કરી શકાય. આભાર.- ભરતસિંહ ઝાલા)  


Saturday, 7 February 2015

જાગૃતતાનાં નવ સ્તર

આ લેખમાં હું પતંજલિ અને વ્યાસ જેવા મહાન યોગીઓએ કહેલાં જાગૃતતાનાં નવ સ્તર વિશે વિગતવાર વાત કરું છું.
તમે આ લેખ વાંચવાનું ચાલુ કરો તે પહેલાં જ હું તમને જણાવી દઉં કે આજનું મારું લખાણ જેને ધ્યાન જેવા વિષયમાં રસ નથી કે પોતે પ્રવૃત નથી એમને કંટાળાજનક લાગી શકે છે. વધુમાં એ મારા સામાન્ય અઠવાડિક લેખ કરતાં ઘણું લાંબુ પણ છે. માટે, જો તમને ધ્યાન અને માનવ ચેતના જેવા વિષયમાં રસ ન હોય તો તમે આ લેખ વાંચવાનું ટાળી શકો છો. આ લેખ મેં વિશેષત: જે ગંભીર સાધકો છે તેમનાં માટે લખ્યો છે.

ગયા અઠવાડિયે, સાધકોના ચાર પ્રકાર વિશે લખતી વખતે મેં વચન આપ્યું હતું કે હું જાગૃતતાનાં નવ સ્તર વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરીશ. એ પહેલાં કે હું આ વિષયમાં ઊંડે ઉતરું, એ સમજી લેવું ખુબ જ અગત્યનું છે કે ક્ષણિક કે એકાદ વાર કરેલા ધ્યાનના અનુભવને ચેતનાના અમુક ચોક્કસ સ્તરની પ્રાપ્તિ સાથે ભ્રામક રીતે ન ભેળવી દેવો જોઈએ. દાખલા તરીકે, તમારી કરોડરજ્જુ ઉપર કે ભ્રમરોની મધ્યે અનુભવાતી સંવેદના કે પછી કોઈ પ્રકાશ કે પછી તમારા ભવિષ્યની કોઈ ઝાંખી થવી તેનો અર્થ એ નથી કે તમે એક સાધક તરીકે કોઈ વિકસિત કે ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છો (સિવાય કે તમે એવો અનુભવ તમે જયારે પણ ધ્યાન કરવા બેસો અને થતો હોય તો જુદી વાત છે). આવા અનુભવોનું મહત્વ બહુ થોડું છે. વાસ્તવમાં તો તે અવરોધ પણ બની શકતા હોય છે.

મારા ૨૨ વર્ષની ધ્યાનની યાત્રા એ મુખ્યત્વે મારા અનુભવોને એક વૈજ્ઞાનિક આધાર આપવા ઉપર કેન્દ્રિત હતી. જો હું તેને ફરી આબેહુબ રીતે તેનું પુન:સર્જન ન કરી શકતો હોવ તો તે અનુભવનું કારણ હું સમજ્યો જ નથી.  જો હું એ જાણતો ન હોવ કે શેનાથી એ અનુભવ ઉદ્ભવ્યો તો પછી મને એ કેવી રીતે ખબર પડે કે તે અનુભવ ખરેખર હકીકત હતો કે નહિ અને તે બીજા વ્યક્તિ સુધી લઇ જવાય કે કેમ? અનુભવ કે પછી તે અમુક સંવેદન અનુભવવાનો હોય કે પછી શરીરના અનિચ્છાવર્તી તંત્ર ઉપર કાબુ મેળવવાનો હોય, જો આપણે તેને આપણી ઈચ્છા પ્રમાણે તેનો પુન: અનુભવ ન કરી શકતા હોઈએ તો તેનો અર્થ છે કે આપણે ખરેખર તેનાં ઉપર હજુ પ્રભુત્વ નથી મેળવ્યું. જો કોઈ સંગીતકાર પોતાની ઈચ્છા પ્રમાણે પોતે જે ધૂનની સર્જના કરી છે તે વગાડી ન શકતો હોય તો તે પોતે સંગીતજ્ઞ ન કહી શકાય. શું કહી શકાય? કોઈપણ વસ્તુમાં સાતત્યતા તેનાં સાચા અભ્યાસથી આવતી હોય છે. અને, અભ્યાસ એ ધ્યાનની કલામાં સર્વોત્તમ બનાવાનો મૂળ આધાર છે.

ઘણાં વાંચકોએ મને લખી જણાવ્યું છે કે તેઓ તો મારા છેલ્લાં લેખમાં વિશેષ કે તીવ્ર સાધક બનવા માટે જણાવેલા કલાકો સુધીના ધ્યાનની જરૂરિયાત વાંચીને જ ચકિત થઇ ગયા છે. વાત એમ છે: મેં તમને શ્રેષ્ઠ આદર્શ વાત કરેલી છે, અને હવે, એ તમારા ઉપર છે કે તમારે કેટલે સુધી તેમાં જવું. મારું કામ છે તમને સત્ય કહેવું. જયારે પણ તમે સમાધિ વિશે વિચારતા હોવ કે પછી ધ્યાન દ્વારા આનંદનો અનુભવ કરવા માંગતા હોવ ત્યારે હું તમને આંખો બંધ કરીને આઈનસ્ટાઇન, એડીસન, ન્યુટન જેવાઓનો વિચાર કરવાનું કહીશ. તેમને જે પોતાનાં સંશોધનો કર્યા છે તેનાં માટે કેટલાં કલાકો સુધીનો સમય પોતાનાં જમીનતોડ સિદ્ધાંતો શોધી કાઢવા માટે અર્પણ કર્યો હશે તેનાં ઉપર જરા ચિંતન કરી જુઓ. એડીસન પોતે પોતાની પ્રયોગશાળામાં સુઈ જતો હતો; તે દિવસો સુધી તેમાંથી બહાર નહોતો આવતો. કાં તો પછી કોઈ વ્યાવસાયિક પિયાનો વગાડનાર વિશે વિચાર કરો. જે પોતાના સંગીતના જલસા યોજે છે તેને તજજ્ઞ બનતા પહેલાં પોતે ૧૦,૦૦૦ જેટલાં કલાકોનો સમય તેની તાલીમ અને અભ્યાસ માટે રોકેલો હોય છે; અને ત્યારે તે વગાડવાનું તેનાં માટે સહજ અને કુદરતી બને છે. ધ્યાન કરવાની બાબતમાં પણ કોઈ તફાવત નથી. ઓછા નામે પ્રથમ પગલું તો ભરો. તમારા માટે પ્રકાશનું કિરણ આ રહ્યું જોકે: પ્રથમ ચાર સજાગતાના સ્તર પછી તમારે બેસીને ધ્યાન કરવાની જરૂર નથી. તમે ધ્યાનસ્થ જાગૃતતા બધા સમય માટે જાળવી રાખી શકતા થઇ જાવ છો.

કેટલાંક વાંચકોએ મને લખ્યું છે કે મેં જે લખ્યું હતું તેટલાં બધા કલાકોનો સમય મુકવો અશક્ય છે.  મને ખુબ રમુજ લાગી (હું નવાઈ નહોતો પામ્યો) જયારે આપણે એમ કહેવાનું હોય છે કે હું પોતે આટલો સમય કાઢવા નથી માંગતો ત્યારે આપણે અશક્ય શબ્દને કેટલો સહજતાથી વાપરતા હોઈએ છીએ. સત્ય તો એ છે કે અંતે તો ધ્યાન એ તમારી પ્રાથમિકતામાં ક્યાં છે તેનાં ઉપર બધું છે. જો કશુંક તમારી પ્રાથમિકતા હશે તો તમને એનાં માટે સમય મળી જ જશે. અને તમે જેમ જેમ આ માર્ગમાં પ્રગતી કરતાં જશો તેમ તેમ, હું તમને ખાતરી આપું છું કે, તમારી પ્રાથમિકતાઓ પણ બદલાતી જશે. તે બદલાશે કેમ કે તમે પોતે ઉત્ક્રાંત થતાં જશો, આધ્યાત્મિક, લાગણીકીય, માનસિક અને બૌદ્ધિક દ્રષ્ટીએ પણ તમે વિકસતા જશો. આવો વિકાસ તમારી અંદર ગહન અને કાયમી બદલાવ લાવશે. તમે દુનિયા તરફ જુદી જ દ્રષ્ટીએ જોતા થઇ જશો. જે તમારા માટે જેટલું મહત્વનું છે તે ત્યારે એટલું મહત્વનું નહિ રહે.

પતંજલિ, વ્યાસ અને તેમનાં જેવા બીજા સંતોએ જયારે ધ્યાન ઉપર વિવરણ આપતી વખતે તેમને જાગૃતતાનાં નવ સ્તરો વિશે જણાવ્યું છે. એક રીતે, આ સ્તરો સાધકની ઉત્ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. ગયા અઠવાડિયાના મારા સાધકના પ્રકારો ઉપરના લેખને વાંચો કેમ કે આજનો આ લેખ તેનો અનુગામી વિષય છે.

૧. બૌદ્ધિક જાગૃતતા
તેને વિતર્ક પ્રજ્ઞા કહેવામાં આવે છે. બુદ્ધિ સિવાય, વિતર્કનો અર્થ તર્ક અને મત પણ થાય છે. પ્રજ્ઞાનો અર્થ છે ડહાપણ, જ્ઞાન કે બુદ્ધિ. જાગૃતતાના આ સ્તરે બુદ્ધિ ફક્ત બાહ્ય સ્તરના બૌદ્ધિક વિશ્લેષણ સુધી જ મર્યાદિત છે. જે મૃદુ સાધક છે તેનું જ્ઞાન અનુભવજન્ય બુદ્ધિથી રહિત હોય છે અને દરેક ઘટનાની ફક્ત બૌદ્ધિક સમજણ સુધી જ મર્યાદિત હોય છે. આ સ્તરે, તમે જે કઈ પણ જાણતા હોવ છો તે બીજા પાસેથી પ્રાપ્ત કરેલું, કહેલું-સાંભળેલું જ્ઞાન હોય છે. કોઈએ તમને આપેલું હોય છે. આ સ્તરનો સાધક ગ્રંથો અને શિક્ષકો દ્વારા તેનાં સુધી જે જ્ઞાન પહોંચ્યું છે તેનાંથી ખુશ હોય છે.

૨. સંશોધક જાગૃતતા
યોગિક ગ્રંથો તેને વિચાર પ્રજ્ઞા કહે છે. તેનો અર્થ છે તમે ધ્યાનપૂર્વક એક વિચાર ઉપર કુશાગ્ર બુદ્ધિથી વિચાર કરીને તમને જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે. હવે સાધક પોતે માનસિક જાગૃતતા કેળવે છે. આવા સાધકને કોઈપણ ગ્રંથને તેનાં અંકિત મૂલ્યાંકનથી સ્વીકારવામાં કોઈ રસ નથી હોતો. તે તો શિક્ષણને પોતાની અંદર ઉતારી દઈને પોતાનાં સત્ય સુધી પહોંચવા માટે તેનાં ઉપર ચિંતન કરતો હોય છે. પ્રથમ બે અવસ્થા એ મૃદુ સાધક સુધી મર્યાદિત છે. હવે પછીની બીજી બે અવસ્થાઓ જોકે, સરેરાશ કે મધ્યમ સાધક માટેના છે.

૩. આનંદની જાગૃતતા
તેને આનંદ પ્રજ્ઞા પણ કહે છે. તે નોંધવું ખુબ રસપ્રદ રહેશે કે એક સરેરાશ સાધક પોતે આનદ પ્રજ્ઞાને હજુ પોતે અંતિમ અવસ્થાએ પહોંચે તે પહેલાં જ બહુ અગાઉથી અનુભવતો થઇ જાય છે (તેનો અર્થ છે કે આનંદ પોતે પોતાની રીતે કોઈ અંતિમ અવસ્થા નથી હોઈ શકતી.) સામાજિક અને ધાર્મિક શરતીપણાથી ઉપર ઉઠતા જતો આ સાધક હવે ગ્રંથો અને ઉપદેશોથી અલિપ્ત થતો જાય છે. આવા સાધકમાં ગ્રંથોમાં કહેલી વાત ઉપર સવાલ ઉઠાવવાની અને પોતાની રીતે સત્યની ખાતરી કરવાની હિંમત હોય છે. પોતાનાં ધ્યાનની બેઠકમાં હવે એક ચોક્કસ સ્થિરતા ઉભરતી જાય છે અને પોતે શાંતિનો અનુભવ કરતો થાય છે, આવા સાધકને પોતાના ખરા સ્વભાવની ઝાંખી મળતી જાય છે. જો તે ટકી રહે તો પોતે નિશ્ચિંતપણે આગળની જાગૃતતાની ઉચ્ચ અવસ્થાનો અનુભવ કરે છે.

૪. સ્વ-જાગૃતતા
તેને અસ્મિતા પ્રજ્ઞા કહે છે. સામાન્ય રીતે અસ્મિતાનો અર્થ થાય છે અહં. આ અવસ્થામાં સાધક પોતાના વ્યક્તિગત અહંને વિશાળ બ્રહ્માંડીય અહંમાં વિલીન થતો અનુભવે છે. તમે એ અનુભવ કરવાનું શરુ કરો છો કે તમે બ્રહ્માંડની જ એક આબેહુબ પ્રતિકૃતિ છો, અને તમે પોતે પણ આ બ્રહ્માંડ જેટલાં જ અનંત અને સાશ્વત છો. તમે એ અનુભવ કરવાનું શરુ કરો છો, ફક્ત બૌદ્ધિક રીતે જ નહિ પરંતુ અનુભવસિદ્ધ ઢંગથી કે તમે કઈ ફક્ત શરીર, મન કે ઇન્દ્રિયો જ નહિ પરંતુ તેનાંથી પણ કઈક પરે છો. કે તમે હાડ-માંસ અને હાડકાનાં સમૂહ કરતાં પણ કઈક વિશેષ છો, તમારી ઈચ્છાઓથી પણ વધારે, કે તમારી નજરે જે કઈ પણ પડતું હોય તેનાંથી પણ વિશેષ. તીવ્ર સાધક હવે પછીની ચાર અવસ્થાઓનો અનુભવ કરી શકે છે.

૫. યુગ્મિય અવસ્થા
યોગ સુત્ર અને ઉપનીષદોમાં તેને વશીકર પ્રજ્ઞા કહી છે. તેનો સામાન્ય અર્થ થાય છે ઈચ્છાઓ પર વિજય. આ તીવ્ર સાધક માટેની પ્રથમ અપરિવર્તનીય અવસ્થા છે. સાધક આ અવસ્થામાં પોતે જયારે ધ્યાન ન પણ કરતાં હોય તો તે વખતે પણ પોતાની ઇચ્છાઓને કારણે બેચેનીનો અનુભવ નથી કરતાં. તેમની જાગૃતતા હવે તેમનાં ધ્યાનની વસ્તુ સાથે જોડાઈ ગયી હોય છે જયારે તેમની દૈહિક અને બીજી ઈચ્છાઓ તેમની શ્રેષ્ઠતમ જાગરૂકતા દ્વારા નિયંત્રણમાં આવી જાય છે. કલ્પના કરો કે જયારે કોઈ પ્રેમમાં પડે ત્યારે શું થાય છે. તેમનાં મનમાં એક ખૂણે તેઓ સતત જેને પ્રેમ કરતાં હોય તેનાં વિશે વિચારતાં હોય છે. તેમની ચેતના તેઓ જેને પ્રેમ કરતાં હોય તેની સાથે જોડાઈ ગયી હોય છે. આ પણ બસ તેનાં જેવી જ અવસ્થા છે ફક્ત એક અગત્યના તફાવત સાથે અને તે એ છે કે અહી સાધક જાગૃતપણે તેને કેળવે છે અને તે આ જાગૃતતાના કાબુમાં હોય છે અને તેથી ઉલટું નહિ.

૬. વિરામ અવસ્થા
જયારે સાધક પોતે ધ્યાનના માર્ગે ચાલતો રહેતો હોય છે ત્યારે મનની ચટર-પટર કરવાનો સ્વભાવ ઓછો થઇ જાય છે. તમે જેનાં પણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હોય તેનાં ઉપર તમે તમારા આંતરિક ઘોંઘાટ કે ભટકતા વિચારોથી પરેશાન થયા વગર તમે તેમ કરી શકવા માટે સમર્થ બની જાવ છો. આ અવસ્થાને વિરામ પ્રત્યય કહે છે. વિરામનો અર્થ થાય છે ઠહેરાવ અને પ્રત્યત્યનો અર્થ અહીના સંદર્ભે થાય છે સમજણ, બુદ્ધિ, કે ચેતના. તમારી ઈચ્છાઓને વશમાં કરવા કરતાં (પછી ભલેને એ ગમે તેટલું સહજ કેમ ન હોય) તો વધારે સારું એ છે કે તે ઈચ્છાઓ પહેલેથી હોય જ નહિ. માટે જ વિરામ અવસ્થા એ યુગ્મ અવસ્થા કરતાં વધારે સારી છે. ત્રણેક વર્ષ પહેલાં, મેં કહ્યું હતું કે જયારે આપણે એક વિચારને ત્યાગી નથી દેતા ત્યારે અંતે કાં તો તે એક ઈચ્છા બની જાય છે કાં તો પછી એક લાગણી.

૭. કુદરતી અવસ્થા
તેનો અર્થ થાય છે ભાવ પ્રત્યા અને તેનો અર્થ પણ થાય છે માનસિક શાંતિ. આ સ્તરની અવસ્થાને દર્શાવવા માટે મેં બહુ કાળજીપૂર્વક કુદરતી શબ્દને પસંદ કર્યો છે. જયારે તમે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતથી પણ ઉપર ઉઠો છો, જયારે તમે તમામ માનસિક પ્રવૃત્તિઓમાંથી વિરામ અનુભવો છો, ત્યારે કઈક ગહન વાત બને છે: તમે મનની સંપૂર્ણ સ્થિરતાનો અનુભવ કરો છો. જેમાં કોઈ વિચાર નહિ, કોઈ લાગણી નહિ, કોઈ વિશ્લેષણ નહિ. આ તમારા મનને દોરી જાય છે તેની કુદરતી અવસ્થા તરફ જે છે એક શુદ્ધ અને અબાધિત સાશ્વત આનંદની અવસ્થા. આ અવસ્થાએ, તમારી ઇચ્છાઓ અને તમારી લાગણીઓ તમને બેચેન નથી બનાવતી. ત્રીજી અવસ્થામાં જણાવેલ સરળ આનંદની અવસ્થા અને આ આનંદની અવસ્થામાં મુખ્ય તફાવત ચેતનાની અવસ્થામાં આવતી વધઘટનો છે. ત્રીજી અવસ્થામાં, જો કે તમેં આનંદનો અનુભવ તો કરો છો તેમ છતાં પણ તે સહેલાઇથી બીજા વિચારો અને લાગણીઓથી વિચલિત થઇ જાય છે. જયારે આ અવસ્થામાં તમે જો કે, ઇચ્છાઓને પરાજિત કરવાનાં સ્તરને પણ પસાર કરીને માનસિક તમામ પ્રવૃત્તિને બંધ કરી શકવાના કૌશલ્યમાં પ્રવીણ બની ગયા હોવ છો. તમે હવે અવિચલિત રહો છો.

૮. કૌશલ્યપૂર્ણ જાગૃતતા
તેને ઉપાય પ્રત્યા કહે છે. યજુર્વેદ અને બીજા ઉપનિષદોમાં ઉપાયનો અર્થ કહ્યો છે પોતાનાં ધ્યેય સુધી પહોંચવા માટે જે પણ વલણ, સલંગ્નતા કે કોઈ પણ કલાનો ઉપયોગ કરવો તે. પરંતુ મને બી.કે.એસ. આયેંગર (૧૯૧૮ – ૨૦૧૪)ની વ્યાખ્યા સૌથી વધુ ગમી છે: કૌશલ્યતા. આ એક ખુબ સમજવા જેવું છે કે કૌશલ્યપૂર્ણ જાગૃતતાને આનંદની જાગૃતતા અને કુદરતી જાગૃતતાની અવસ્થા પછીના ક્રમાંકે મુકવામાં આવી છે. અને તેનાં માટે બહુ સુંદર કારણ પણ છે. પ્રથમ સાત અવસ્થાઓમાં, સાધક સતત પ્રગતી કરતો રહેલો હોય છે તેમ છતાં તેનું વિશ્વ માટેનું યોગદાન ખુબ જ મર્યાદિત હોય છે. તેઓ હજુ પણ પોતાનાં આનંદ અને શાંતિ માટે કામ કરતાં હોય છે. અને આ અવસ્થામાં વાત ફક્ત તેમનાં વિશેની જ નથી. કૌશલ્યપૂર્ણ જાગૃતાતાની અવસ્થામાં તેઓ પોતાની પ્રકાશ અને પ્રેમની કુદરતી અવસ્થાને તો ટકાવી જ રાખી શકે છે તેમ છતાં દુનિયામાં પ્રવૃત રહીને કાયમ માટે બીજાને મદદરૂપ પણ થતાં રહે છે. દરેક સંસ્કૃતિમાં થયેલાં ઘણાં મહાન સંતોનું જીવન આ જ વાતને દર્શાવે છે. એવાં પણ ઘણાં સાધકો છે જે અહી અટકી જતાં નથી, તેઓ આગળ વધવાનું ચાલુ રાખે છે. તેમને શ્રેષ્ઠ તીવ્ર સાધક કહેવામાં આવે છે. અને આગલી અવસ્થા એવાં સાધકોને પ્રાપ્ત થાય છે.

૯. પરમોચ્ચ જાગૃતતા
શ્રેષ્ઠ તીવ્ર સાધક અંતિમ અવસ્થાનો અનુભવ કરે છે અને તે છે પરા વૈરાગ્ય. તેનો અર્થ થાય છે પરમ વૈરાગ્ય. જો ઇચ્છાઓ જ ન થવી તે ઇચ્છાઓને પરાજિત કરવા કરતાં શ્રેષ્ઠ બાબત હોય તો ઇચ્છાઓની પરિપૂર્ણતા કે અપરિપૂર્ણતામાં સમતા એ અંતિમ અવસ્થા છે. કારણકે ઇચ્છાઓ જો દરેક દુ:ખોનું મૂળ હોય તો આપણે એ હકીકતને પણ નકારી નથી શકતા કે માનવ પ્રગતીના મૂળમાં પણ ઈચ્છાઓ જ રહેલી છે. વ્યવહારુ સ્તરે, ઇચ્છાઓનું મુલ્ય આપણે ઓછું ન આંકી શકીએ. કોઈ જગ્યાએ કોઈએ એક ચોક્કસ પ્રશ્ન માટેના ઉકેલની ઈચ્છા રાખેલી હતી. અને માટે તેઓએ અગ્નિ, સાધન, પૈડું, વીજળી, ફોન, વિમાન, કમ્પ્યુટર વિગેરેની શોધ કરી. એક દક્ષ સાધક આ સ્તરે પોતાની ઇચ્છાઓથી અલિપ્ત રહીને એક પારમાર્થિક ચેતનાનો વિકાસ કરે છે. પોતે સમાધિ કે સમતામાં સ્થિર રહીને, શાંતિપૂર્વક પોતાનું જીવન દરેક સચેતન જીવોનાં કલ્યાણ માટે સમર્પિત કરે છે.

શું પરમ વૈરાગ્યનો અનુભવ કરવા માટે ધ્યાનની કઠોર સાધનામાંથી પસાર થવું જરૂરી છે? બિલકુલ નહિ. મેં ધ્યાન માર્ગને પસંદ કરેલો કેમ કે તેનો વૈજ્ઞાનિક આધાર મને ખુબ જ અનુરોધ કરી ગયો હતો. તમારે તે જ માર્ગે જવું એવું જરૂરી નથી. મેં મારો ગયો લેખ અને આ લેખ મોટાભાગે પતંજલિ યોગ સૂત્રના આધારે લખ્યા છે માટે હું ફરી એક વાર તેમને ટાંકીશ:
ईश्वर प्रणिधानत वा
ચેતનામાં આવતો ચડાવ-ઉતાર ઈશ્વર ઉપર ધ્યાન કરવાથી અને તેમને સંપૂર્ણ સમર્પણ કરવાથી નિયંત્રિત કરી શકાય છે.
ईश्वरप्रणिधानाद् वा (पतंजलि योग सूत्र, I.23)
જો તમે ભગવાનમાં માનતાં હોવ, તો તમે તમારા ભગવાન સાથે અંગત સંબધ બનાવીને અને તેની ઈચ્છાને સંપૂર્ણ સમર્પણ કરીને પણ પરમ વૈરાગ્યના સ્તરને સિદ્ધ કરી શકો છો. અને આ એક અગત્યનો સવાલ ઉભો કરે છે: તો પછી નાસ્તિક અને સંશયવાદીઓનું શું? વારુ, તેમના માટે પણ પરમ વૈરાગ્યની એટલી જ સંભાવના છે, જો વધારે નહિ તો. કેવી રીતે? અંતે તો આ કોઈ ધ્યાન વિશે કે કોઈ ગ્રંથ કે ધર્મમાં વિશ્વાસ હોવા વિશેની બાબત નથી, એ તો તમારી જીવન સરિતાની સાથે વહેવા વિશેની બાબત છે. દયા અને કૃતજ્ઞતાથી જીવવા વિશેની બાબત છે. તમે જેટલાં ઉપર ઉઠેલા હશો તેટલાં જ વધુ તમે કુદરતી રીતે દયાળુ પણ હશો. એક આધ્યાત્મિક જીવ, પછી તેનો ધર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ ગમે તે હોય, તે આપોઆપ પોતાની અંદર આપણા આ સુંદર સર્જનમાં રહેલાં દરેકજણા માટે એક નિ:સ્વાર્થ ભાવ વિકસાવે છે. આવું માનસિક વલણ તેમને મુક્તિના અંતિમ સ્તર તરફ દોરી જાય છે જે છે સંપૂર્ણ મોક્ષ.

અહી એક ઝેન ગુરુ રયોકેનની સુંદર કવિતા છે તમારા માટે:
Too lazy to be ambitious,
I let the world take care of itself.
Ten days’ worth of rice in my bag;
a bundle of twigs by the fireplace.
Why chatter about delusion and enlightenment?
Listening to the night rain on my roof,
I sit comfortably, with both legs stretched out.
જો તમે કૃતજ્ઞ હોવ, જો તમે હસતાં રહેતા હોવ, જો તમે સંતોષી હોવ અને જો તમારા જીવતાં રહેવાથી કોઈ બીજાને મદદ મળી રહી હોય, તો તમે બિલકુલ બરાબર છો. બસ શ્વાસ લેતાં રહો.

હું ચેતનાના સાત સ્તરોને પણ વણી લેવા માંગતો હતો પરંતુ આ લેખ ખુબ જ લાંબો થઇ ગયો છે. કોઈ બીજી વાર જોઈશું. બિલકુલ કોઈ બીજી વખતે.

શાંતિ.
સ્વામી


(અગત્યની નોંધ: ગુજરાત રાજ્યમાંથી નિયમિતપણે જે લોકો આ ગુજરાતી બ્લોગ કે અંગ્રેજી બ્લોગ વાંચી રહ્યા હોય તે મને bharatsinhjhala@gmail.com પર ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરશે તો હું તેમનો આભારી રહીશ. સંપર્કનો હેતુ ફક્ત એ છે કે ગુજરાત રાજ્ય સ્થિત વાંચકોને મળી શકાય અને સ્વામીજીના વિચારો હજુ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી એવી કોઈ પ્રવૃત્તિનો વિચાર ભેગા મળીને કરી શકાય. આભાર.- ભરતસિંહ ઝાલા)  


Share