Saturday, 28 March 2015

પોતાનાં સિવાય બીજા લોકોનો પણ વિચાર કરો

લીલાછમ પર્વતો, ભૂરું આકાશ, સુંદર સૂર્યોદય, બધું જ અહી છે. જો કે તમે આ સુંદરતાને ત્યારે જ જોઈ શકશો જયારે તમે તમારા સિવાય બીજાનો પણ વિચાર કરવાનું શીખી લેશો.
શા માટે અમુક લોકો બીજાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ હોય છે અને અમુક લોકોને કોઈની પડી જ નથી હોતી? એવું અમુક લોકોમાં શું હોય છે કે જે તેમનાંમાં સમાનુભતિ આપોઆપ જન્માવતી હોય છે. ભારતમાં આ એક સુદંર અને પ્રખ્યાત ભજન છે, જે મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ભજન હતું. આ રહી તેની પ્રથમ થોડી પંક્તિઓ:

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.

સાચો ભક્ત તો એ છે કે જે પારકી પીડાને સમજે છે, જે બીજાને મદદરૂપ થાય છે અને તેમ છતાં પોતાનાં મનમાં અભિમાન કે અહંકાર આવવા દેતો નથી.

પીડા માટે કઈક વિચિત્ર કહી શકાય એવી બાબત રહેલી છે. તે જુદા જુદા લોકોને જુદી જુદી રીતે અસર કરે છે. કેટલાંક લોકો જે પીડાય છે તે દુનિયાને પીડવાનું નક્કી કરે છે. “મને આ સહેલાઇથી નથી મળ્યું, માટે કોઈને પણ આ સહેલાઇથી ન મળવું જોઈએ,” એવું તેઓ માનતાં હોય છે. જયારે, અમુક લોકો એવાં હોય છે જે બિલકુલ તેનાંથી વિપરીત કરતાં હોય છે. “મને જે દુઃખ પડ્યું તે બીજા કોઈને ન પડવું જોઈએ,” એવું તેઓ કહેતાં હોય છે. આ બન્ને કોટીમાં આવતાં લોકોની સંખ્યા કઈ કમ નથી, આપણું વિશ્વ સારા અને ખરાબ એમ બન્ને લોકોથી ભરપુર છે. સવાલ જો કે તેમ છતાં એ છે કે અમુક લોકો બીજા લોકો કરતાં શા માટે વધુ કાળજી કરનારા અને અન્ય પ્રત્યે સમાનુભુતિ દાખવનારા હોય છે? ચાલો પ્રથમ હું તમને એક નાની વાર્તા કહું.

એક ગુરુ રાજાનાં કુંવરને બાર વર્ષ સુધી શિક્ષા આપીને એક સુંદર નવયુવાન બનાવે છે – એક શિષ્ટ અને ઉદાર વ્યક્તિ. જયારે ગુરુ રાજાને તે કુંવર પાછો સોપે છે ત્યારે તે વખતે તે તેનાં વખાણ કરવાનું નથી ચુકતા. તેઓ ભવિષ્યવાણી કરે છે કે આ ગુણવાન કુંવર એક દિવસ મહાન સમ્રાટ બનશે. થોડા વર્ષો પસાર થઇ જાય છે અને કુંવર છે તે રાજ્યની મહત્વની બાબતો ઉપર સારો એવો કાબુ મેળવી લે છે. વૃદ્ધ થતાં જતાં રાજા એવું વિચારે છે કે હવે કુંવરને સત્તા સોપી દઈને પોતે નિવૃત થઇ જવું જોઈએ.

સહજપણે, તેનાં ગુરુને આ ખાસ વિધિ સમારોહ માટે નિમંત્રણ આપવામાં આવે છે.

“હે ગુરુદેવ,” રાજાએ સમારોહમાં કહ્યું, “તમારા શિષ્યને આશિષ આપો કે તે હંમેશા એક ન્યાયી રાજા બને અને લોકોના કલ્યાણ માટે હંમેશા કટિબદ્ધ રહે.”

ગુરુએ સ્મિત કર્યું અને ધીમેથી ઉભા થયા અને રાજકુંવર પાસે ચાલીને ગયા. પરંતુ આશીર્વાદ આપવાને બદલે તેમણે તો એક લાકડી લઇને રાજકુંવરને મારવાનું ચાલુ કર્યું.

રાજા, રાજકુંવર, ઉપસ્થિત બધા દરબારીઓ અને અને ત્યાં હાજર રહેલાં તમામ લોકોને તો ખુબ જ આશ્ચર્ય થયું અને ચકિત થઇ ગયા, પણ કોઈએ એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહિ જ્યાં સુધી ગુરુ પોતે અટક્યા નહિ.
“હે ગુરુદેવ મને સજા કરવાનો તમને પૂરો અધિકાર છે,” કુંવર કહ્યું, “પણ, મને મારો વાંક તો ક્હો.”
“હા, ગુરુવર,” રાજા બોલ્યા, “તમે તેને શા માટે ફટકાર્યો? કઈ ભૂલ માટે?”
“કોઈ ભૂલ નથી થઇ,” ગુરુએ જવાબ આપતાં કહ્યું. “આ અંતિમ પાઠ હતો. કાલે, એક રાજા તરીકે તેને કોઈકને સજા પણ આપવી પડશે. હવે, જયારે જાતે પીડાનો અનુભવ કરી લીધો છે તો તે એક સાચ્ચા સંયમ સાથે તેનું પાલન કરશે. તે સજા પામેલ વ્યક્તિની લાગણીને વધુ સારી રીતે સમજી શકશે.”

મને વાર્તામાંનો સંદેશ ખુબ જ ગમી ગયો. ક્યાંક, કોઈનાં દર્દને સાચી રીતે સમજવા માટે, તેની સાથે સમાનુભૂતિ દાખવવા માટે, આપણને ખબર હોવી જ જોઈએ કે પીડાવું એટલે શું. એક વિરોધાભાસ સાથે, અમુક હદ સુધીની પીડા માણસોને એકબીજાની નજીક લાવે છે. એ દંભના સ્તરને બહુ ઝડપથી તોડી પાડે છે, કૃત્રિમતાને પીગળાવી દે છે. પીડામાં, કાં તો તમે સામે વાળી વ્યક્તિની સાથે હોવ છો ને કાં તો સાથે નથી હોતા. જયારે તેઓ દર્દમાં હોય છે, ત્યારે કાં તો તમે તેમને મદદ કરો છો અને કાં તો નથી કરતાં.

ઘણીબધી વાર હું એવાં લોકોને મળતો હોવ છું કે જેઓને દયાનો અનુભવ કરવો હોય છે, સમાનુભૂતિ દાખવવી હોય છે પરંતુ તેઓ તેમ કરી શકતા નથી હોતા, એવું તેઓ કહેતાં હોય છે. જયારે તેઓને સામે વાળા સાથે બનતું નથી હોતું ત્યારે તેમને ફક્ત તેમનાં માટે ગુસ્સો જ અનુભવાય છે. સામે વાળાનું દુઃખ, દર્દ કે પીડા તેમનાં હૃદયને પીગળાવી શકતું નથી, તે તેમને સહેજ પણ હલાવી શકતું નથી. તેઓ બસ જાણે કશું જ નથી થયું તેમ રાખીને બસ આગળ ચલાવે જાય છે, જાણે કે એની સાથે પોતાને કઈ જ લેવાદેવા ન હોય. હું સમજુ છું તમે શું કહી રહ્યા છો. અને તેનાં માટે ખોટું લગાડવાની કોઈ જ જરૂર નથી.

તમારી લાગણી તમારા કાબુની વાત નથી. મોટાભાગે. પરંતુ તમારા કર્મો તમારા કાબુમાં છે. હું એવી આશા રાખું છું. કોઈ વાર તમે સામે વાળાને દર્દમાં જોઈને તમને એક તટસ્થતા કે સ્વાર્થ કે પછી એમાં જાણે કે કશું જ અનુભવાતું ન હોય એવું તમને લાગી શકે છે. કઈ વાંધો નહિ. એ માનવસહજ (કે અમાનવીય) છે. એ સારું નથી, પરંતુ તેનાંથી તમે કઈ ખરાબ વ્યક્તિ નથી બની જતાં. તમે તમારી લાગણીને કહી ન શકો પરંતુ તમે અમુક રીતે ચોક્કસપણે વર્તી શકો છો, એક દયા ભાવ સાથે, એક વધુ કાળજીપૂર્વકતાથી. જો તમે તેમ કરશો, તો બહુ વાર લાગ્યા વિના જ તમે સમાનુભૂતિની સરિતાને તમારા હૃદયમાં ચારેય ઋતુમાં ખળખળ વહેતી અનુભવશો.

કોઈને માથું દુઃખી રહ્યું છે અને તેઓ પીડામાં છે. તમને તેમનું દુઃખ નથી અનુભવાતું. કોઈ વાંધો નથી. તમે કદાચ એ રીતનાં હોઈ શકો છો. પણ, ઉભા થાવ અને તેને દવા આપો. આ દયા છે. કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વિના બસ તેને સાંભળી લો. આ સમાનુભૂતિ છે. જયારે તમે આ બન્નેનું પાલન કરશો ત્યારે, તમે ફક્ત સામેવાળાને દર્દને સમજવાની જ શરૂઆત નહિ કરો પરંતુ તમે તે દર્દને તમારી અંદર અનુભવી પણ શકશો.

જયારે તમે બીજાનું દર્દ અનુભવી શકતા હશો ત્યારે તમારું પોતાનું અસ્તિત્વ એક ગહન પરિવર્તન પામશે. દયા અને સમાનુભૂતિ માટે આ એક કદાચ ખુબ જ મોટી વાત છે: તે ખરેખર તમને તમારા પોતાનાં વિકાસ માટે મદદરૂપ થાય છે – આધ્યાત્મિક અને લાગણીકીય વિકાસ બન્ને માટે. તમે જયારે નિ:સ્વાર્થ ભાવે વર્તન કરો છો ત્યારે તમને સીધો ફાયદો થઇ જતો હોય છે.

મેં ક્યાંક વાંચ્યું હતું: બીજાનું દર્દ સમજવા માટે ફક્ત તેનાં બુટમાં પગ જ રાખીને ન જુઓ પણ એ બુટ પહેરીને એક મીલ સુધી દોડી પણ જુઓ. અને જો એ દોડને અંતે પણ તમને એનું દર્દ ન અનુભવાય, તો શું હતું, ઓછા નામે તમે એ દુઃખી વ્યક્તિથી એક મીલ જેટલાં દુર તો થઇ ગયા અને તમારી પાસે એને ડંખતા બુટ પણ આવી ગયા.

આ ફક્ત એક હસવા માટેની વાત છે, કારણકે, દયા અને સમાનુભૂતિ પછીની જો કોઈ દિવ્ય લાગણી હોય તો તે છે રમુજ. બધી જ સારી લાગણીઓની જેમ, રમુજ પણ આપનાર અને મેળવનાર બન્નેને સમૃદ્ધ કરે છે. અરે ભૌતિક રીતે પણ. નહિ તો જેરી સીનફિલ્ડ કઈ રીતે શ્રીમંત કલાકાર બની શકત, તમે જાતે વિચારો? જરા કલ્પના કરો કે વિનોદી હોવાનો અભિનય કરવાથી જો એટલું શ્રીમંત થઇ જવાતું હોય તો ખરેખર વિનોદી સ્વભાવના હોઈએ તો કેવું અનુભવાય?

ભૌતિક બાબત હોય કે આધ્યાત્મિક. જયારે તમે દયાળુ ન બની શકતા હોવ, જયારે તમે સમાનુભૂતિ ન દાખવી શકતા હોવ, જયારે તમે બીજાનું દર્દ ન અનુભવી શકતા હોવ તો ઓછા નામે ગુસ્સે તો ન જ થાવ, મારું કહેવાનું બસ ફક્ત એટલું જ છે.

ચાલો થોડી પોતાની જાતને ઢીલી છોડી દઈએ અને આપણી ઈચ્છા, આપણી પ્રાથમિકતાઓ અને આપણી માંગની ઉપર ઉઠીને પણ જોઈએ. આ જ દુનિયા ત્યારે ઘણી જુદી લાગશે, એટલી ઠંડી કે રોગી નહિ લાગે. મને એક સુફી વાણી યાદ આવી ગઈ:

अय खुदा ऐसी खुदाई ना दे की खुद के सिवा कुछ और दिखाई ना दे

હે ભગવાન મારા ઉપર એટલી કૃપાવર્ષા પણ ન કરો કે મને મારા સિવાય બીજું કશું દેખાય જ નહિ.

જયારે બીજા લોકોનાં દર્દની વાત આવે, ત્યારે તેને અનુભવવાની કોશિશ કરો. ઓછાનામે કોશિશ તો કરો જ. જો તમે તે ન કરી શકતા હોવ, તો તેનાં ઉપર ચિંતન કરો, તેનો વિચાર કરો. અને તે પણ જો બહુ અઘરું હોય તો પછી ઓછા નામે તમારું વર્તન તો સારું જ રાખો કે જેથી કરીને તમે બીજાને દુઃખ ન પહોંચાડો. અને આ જ બાબત જાદુ કરી જશે. સૌથી મહત્વની વાત, આપણને બીજાને તકલીફ પહોંચાડવાનો કોઈ જ હક્ક નથી. કોઈ જ નહિ.

શાંતિ.
સ્વામી

Saturday, 21 March 2015

તમે તમારા વિશે શો મત ધરાવો છો?

અંતર્મુખી મન સંતોષ તરફ દોરી જાય છે અને વસંત ઋતુમાં ખીલતાં ફૂલોની જેમ સદ્દગુણો એક સંતોષી હૃદયમાં જ મહોરતા હોય છે.
એક વખતે, એક ચોરને કેટલાંય દિવસ સુધી એકધારો નસીબે સાથ નહોતો આપ્યો. એક રાતે તો તે મક્કમ નિર્ધાર સાથે નીકળ્યો કે આજે રાતે તો ખાલી હાથે પાછાં નથી જ ફરવું. પોતે શેરીઓમાં ફરીને એક એવાં ઘરની બારીકાઇથી શોધ કરવા લાગ્યો કે જેમાં છાપો મારી શકાય, પરંતુ તેને કોઈ સફળતા મળી નહિ. થાકેલો-હારેલો તે વહેલી સવારનાં એક ફૂટપાથ ઉપર બેઠો અને તેને તો ત્યાં ને ત્યાં જ ઊંઘ જ આવી ગઈ.

થોડી મીનીટો બાદ ત્યાંથી એક દારૂડિયો પસાર થયો. તેણે આ ચોરને જોઈને વિચાર કર્યો કે આ પણ કોઈ દારૂડિયો જ લાગે છે કે જે શેરીમાં જ ફસડાઈ પડ્યો છે. તે તો ત્યાં ઉભો રહીને જોવા લાગ્યો કે બાજુમાં કોઈ બાટલી પડી છે કે નહિ, કારણકે તેને તો તેમાં જ એકમાત્ર રસ હતો – બસ ક્યાંકથી વધારે દારૂ મળી જાય. પણ, ત્યાં તો એકપણ બાટલી પડી નહોતી. ગુસ્સે થઈને તે તો ત્યાંથી ચાલતો થયો. એ બસ આમ ગયો જ હશે કે ત્યાં બીજો એક માણસ, કે જે જુગારીયો હતો, તેણે આ ચોરને સૂતેલો જોયો.
“બિચારો, લુંટાઈ ગયો લાગે છે,” તેણે વિચાર્યું “તેણે કદાચ એટલું બધું ખોઈ દીધું લાગે છે કે ઘરે જતાં પણ બીક લાગતી હશે.”
એકાદ કલાક પસાર થયો હશે કે ત્યાંથી એક બીજો ચોર પસાર થયો. તેણે આ સુતેલા માણસને જોયો અને વિચાર્યું કે, “આ પણ એક મારા જેવો નાનો ચોર જ લાગે છે કે જેને પણ આજે રાતે કશું હાથ નથી લાગ્યું.”
ક્ષિતિજે પ્રભાત ફૂટ્યું અને એક યોગી બાજુની નદીએ સ્નાન કરવા માટે નીકળે છે. તેણે આ ચોરને સૂતેલો જોયો અને મનોમન તેનાં વખાણ કર્યા.
“આ ખરો યોગી કહેવાય,” તેને લાગ્યું. “મારી જેમ નહિ, હું તો હજી પણ ક્રિયાકાંડમાં ફસાયેલો છું, આ તો બસ અહી જ નિશ્ચિંત થઇને પડી ગયો છે, પોતાની પાસે કશું જ રાખ્યું નથી. ખરેખર આ યોગીનો રસ્તો છે.”
યોગીને તો આ ચોર પાસેથી એક ઊંડી પ્રેરણા મળે છે, તે તેને નમન કરે છે અને ત્યાંથી ચાલતો થાય છે.
એક બીજા કલાક પછી, સુરજની ગરમી વધતાં, આ ચોર જાગી જાય છે અને પોતાનાં ઘર તરફ ખાલી હાથે જ ચાલતો થાય છે.

આ રીતે જ આપણું આ વિશ્વ પણ ચાલતું હોય છે. તમે કેવા છો, કેમ તેવાં છો કે તમે શું છો (કે શું નથી), તેનાં વિશે દરેકજણ પોતપોતાની ક્ષમતા મુજબ જ વિચારતાં હોય છે. તેઓ પોતાની સમજ અને પોતાની પૂર્વધારણાઓ મુજબ જ તમારા વિશે મત બાંધશે. કોઈ માનશે કે તમે એક ચોર છો, તો બીજા તમને જુગારિયાનું બિરુદ આપશે. કોઈ તમને દારૂડિયા પણ સમજી લેશે તો કોઈ તમને એક યોગી તરીકે પણ જોઈ શકે છે. તેમાંના મોટાભાગનાં લોકો તમારા વિશે જે વિચારતા હશે તે તેમનાં ઉપર જ આધાર રાખતું હોય છે, તેમની પોતાની શરતી ધારણાઓ ઉપર. તે તમારા વિશે એટલું નથી હોતું જેટલું તે તેમનાં પોતાનાં વિશે હોય છે. તમે જેટલું વધારે સારી રીતે આ સમજી લેશો તેટલાં જ ઓછા તમે બીજા લોકોનાં તમારા વિશેનાં અભિપ્રાયોથી પરેશાન થશો.

મેં ક્યાંક એક વાક્ય વાંચ્યું હતું: “તમે લોકો તમારા વિશે શું વિચારે છે તે જાણીને ત્યારે બહુ જ ઓછા પરેશાન થશો જયારે તમે એ જાણી લેશો કે ખરેખર તો તેઓ તેવું (તમારા વિશે વિચાર) ભાગ્યે જ કરતાં હોય છે.” અને, જયારે પણ લોકો તમારા વિશે વિચાર કરે ત્યારે પણ એ તો મોટા ભાગે તેઓ તમારા વિશે શું વિચારવા માંગે છે તેનાં ઉપર જ હોય છે. તેઓ જેમ મોટા અને વિકસિત થતાં જાય, જેમ જેમ તેમની પ્રાથમિકતાઓ બદલાતી જાય, તેમ તેમ તેઓનું વિચારવાનું પણ જુદું થતું જાય છે. તેઓ કદાચ એવું ના સ્વીકારે કે તેઓનો તમારા વિશેનો મત બદલાઈ ગયો છે કારણકે આપણી દુનિયા દરેક બાબતમાં એક સાતત્યતાની અપેક્ષા રાખે છે. અને મતમાં બદલાવને કાયમ સારી રીતે નથી જોવામાં આવતો. જો કે તેઓ વ્યક્ત કરે કે ન કરે પરંતુ જેમ જેમ તેમની ચેતના મોટી થતી જાય તેમ તેમ તેઓ તમને એક નવા જ પ્રકાશમાં જોતા હોય છે. માટે જ, બીજા લોકોના સદા ભ્રામક એવાં વિચારો વિશે વિચાર કર્યા કરવો તેમાં કોઈ ડહાપણ નથી.

હું તમને એવું નથી કહી રહ્યો કે તમે અન્ય લોકોનાં મતને બિલકુલ સન્માન આપો જ નહિ અને તમે તમારું જીવન એવું વિચારીને દુષિત કરી નાંખો, કે વારું તેમનાં તમારા વિશેના અભિપ્રાયો તો ખોટા જ હોય છે. પણ હું તો એમ કહી રહ્યો છું કે આજે નહિ તો કાલે તમારે તમારી જાતને એ પ્રશ્ન પૂછવો જોઈએ: તમે બીજા તરફથી તમારા વિશે હકારાત્મક મત મેળવવા માટે તમારી જાતને ક્યાં સુધી ખેંચવા માંગો છો? લોકો તમારા વિશે બહુ ઊંચું વિચારે તે તમારા માટે આખરે કેટલું મહત્વનું છે? જો કે એ ખુબ જ રસપ્રદ છે અને નવાઈ લાગે તેવું પણ, કે આપણામાંના મોટાભાગનાં દરેકજણ એવી અપેક્ષા રાખે છે કે બીજા લોકો તેમનાં પુસ્તકમાં આપણને સારા ચિતરે. આપણે એવું ઇચ્છીએ છીએ કે બીજા લોકો આપણા વિશે બહુ જ ઉચું વિચારે. જયારે કોઈ બીજું આપણા મતને અનુમોદન આપે ત્યારે આપણને એક પ્રકારની પરિપૂર્ણતા અને સિદ્ધિ મેળવ્યાની લાગણી થતી હોય છે.

રમુજ પમાડે એવી વાત તો એ છે કે તેઓ પણ ખુબ જ મહેનત કરતાં હોય છે કે જેથી તમે પણ તેમને અમુક પ્રકારે જ જુઓ અને વિચારો. બન્ને જણ એકબીજા ઉપર એવી અસર કરવા માંગતા હોય છે કે જેથી કરીને તેમનાં બન્નેનું સામાન્ય લક્ષ્ય સિદ્ધ થાય અને તે છે: પોતાનાં વિશે બીજાને સારું લાગવું જોઈએ. આ બીજા લોકો તરફથી મળતા અનુમોદનની ચાહ એ ખુબ જ પ્રબળ હોય છે, અને કુદરતી હોય છે. કારણકે જન્મતાવેંત જ આપણને સતત અન્ય લોકોનું અનુમોદન જોઈતું હોય છે. હંમેશાં કોઈને કોઈ તો સતત આપણને તેણે પોતે નક્કી કરેલા માપદંડોની વિરુદ્ધ જોતું જ હોય છે. આપણે હંમેશાં બસ તે માપદંડોમાં બંધ બેસવાની કોશીસ કરતાં હોઈએ છીએ. અને એમ કરવામાં, આપણે સતત આપણી જાતમાં ફેરફાર કરતાં રહેતા હોઈએ છીએ. આ આપણને એક મોટી બેચેની અને દુઃખ તરફ લઇ જતું હોય છે. અન્ય લોકોનાં મતથી ઉપર ઉઠવાનાં ચોક્કસ માર્ગોમાંનો એક માર્ગ છે અંતર્મુખી થવું. અને, અંતર્મુખી કેવી રીતે બનવું, તમે કદાચ વિચારશો?

જો તમે તમારી જાત સાથે પ્રામાણિક હશો, જો તમે એક અર્થપૂર્ણ જીદંગી જીવી રહ્યા હશો, જો તમે થોડો વિરામ લઇને તમારા જીવન અને તમારા કર્મો ઉપર ચિંતન કરતાં હશો, તો તમે આપોઆપ અંતર્મુખી બનવાની શરૂઆત કરશો. અને ત્યારે અસંખ્ય સદ્દગુણો તમારા હૃદયમાં વસંતમાં ખીલતાં ફૂલોની જેમ મહોરી ઉઠશે. એક અંતર્મુખી મન સંતોષ તરફ દોરી જાય છે. અને ત્યારે લોકો તમારા વિશે શું વિચારે છે તે તમને ઓછું ને ઓછું પરેશાન કરતુ હોય છે. અંતર્મુખી બનવાનો અર્થ એવો નથી કે આપણે એટલાં સ્વાર્થી બની જઈએ કે આપણું ધ્યાન ફક્ત આપણી ઉપર જ ફક્ત રહે. ઉલટાનું, તેનો અર્થ તો એ છે આપણી જાતને બ્રહ્માંડનાં જ એક વિસ્તરણ તરીકે જોવું. દરેકવસ્તુમાં રહેલી પરસ્પરતાને અનુભવવી. અને, આ એક અનુભવજન્ય સમજણ તમારી અંદર એવાં ડહાપણનું પ્રભાત લઇ આવશે કે તમને લાગશે કે તમે સંપૂર્ણ છો, કે તમે પોતે જ તમારી રીતે એક બ્રહ્માંડ છો. અને એમ કે આ તમારા બ્રહ્માંડમાં દરેક લોકો માટે અને તેમનાં અભિપ્રાયોને માટે સ્થાન છે.

જો, તમારા કર્મોને આધારે, તમે તમારી જાતને અમુક ચોક્કસ પ્રકારે જોતા હોવ, અને જો તમે દ્રઢપણે એવું માનતાં હોય તો વિશ્વ પણ તમને એ રીતે જ જોવાનું ચાલે કરશે (જો તમારા માટે એ બાબત મહત્વની હોય તો). કારણકે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી અને પરસ્પર આધારિત હોય છે. બ્રહ્માંડમાં રહેલી બિલકુલ તમામ બાબતો. તમે સુરજ બનવાનો પ્રયત્ન કરો કે ચંદ્ર, કે પછી ગેલેક્સીમાં રહેલો કોઈ એક તારો, એ તમારી વ્યક્તિગત પસંદગી છે. તમારું પરિમાણ જેટલું મોટું, તેટલી ઓછી અસર તમને કોઈ અન્ય નાના તારા તરફથી થશે. બીજા તમારા વિશે શું વિચારે છે તેનાં કરતાં તમે તમારા વિશે શું વિચારો છો તે સૌથી વધારે મહત્વનું છે, કારણકે તમારા સુખ-શાંતિ તમારા પોતાનાં તમારા વિશેના પ્રામાણિક અભિપ્રાયો ઉપર આધારિત હોય છે.

અને, વારું, અંતે તો કોઈ ચોર તરીકે જોવાય કે યોગી તરીકે, છેવટે તો બન્ને ખાલી હાથે જ પાછાં જતાં હોય છે. દરેકજણ ખાલી હાથે જ જતું હોય છે.

શાંતિ.
સ્વામી
 
નોંધ: ઘણાં વાંચકોએ મને ભવિષ્યમાં  બીજી એક મેડીટેશન રીટ્રીટનું આયોજન કરવા માટે વિનંતિ કરી છે. મને એ જણાવતા આનંદ થાય છે  જુલાઈ ૩-૭ દરમ્યાન તેનું  આયોજન કરવામાં આવેલ છે. વધુ  માહિતી માટે અહી ક્લિક કરો.

Saturday, 14 March 2015

અકારણ દયા

ઇસુ ખ્રિસ્તનાં જીવનની એક સુંદર વાર્તા કે જેની અંદર દયા ઉપરનો એક મહત્વનો પાઠ રહેલો છે.
મને હંમેશા એક સવાલ પૂછવામાં આવતો હોય છે કે જો તમે કોઈનાં પ્રત્યે દયાવાન હોવ અને તે તેની બિલકુલ કદર જ ન કરે તો? તે તમારી ઉદારતાને તમારી નબળાઈ ગણી લે તો શું, તમારે એવાં કિસ્સામાં પણ દયા બતાવવી જોઈએ ખરી? આ બધા તાર્કિક સવાલો છે પણ દયામાં બિલકુલ તે વાત હોતી નથી – તર્ક. દયા તો હકીકતમાં એક અતાર્કિક લાગણી છે. તે ખરેખર તો કોઈ પણ તર્ક ઉપર આધારિત નથી હોતી. દયાળુ વર્તન એ કદાચ કોઈ તર્ક પર આધારિત હોઈ શકે પરંતુ દયા એક લાગણી તરીકે, ના તો કોઈ તર્ક ઉપર આધારિત હોઈ શકે છે કે ના તો કોઈ તર્ક વડે તેને પ્રેરિત કરી શકાય છે. વર્તન કદાચ છેતરામણુ હોઈ શકે છે પરંતુ લાગણી કે જે તમારી અંદર જીવતી હોવાથી તે ક્યારેય કૃત્રિમ નથી હોઈ શકતી. તે તો જે હોય તે જ હોય છે.

આટલું કહ્યા પછી, તમે દયાળુ વર્તન રાખો છો તે બાબત (અરે તમે કદાચ સામે વાળી વ્યક્તિ માટે દયા ન પણ અનુભવતા હોય તો પણ), તેટલી જ સુંદર છે કારણકે આપણામાંના મોટાભાગનાં માટે આપણી લાગણીઓ ઉપર બહુ થોડો કે નહીવત જેટલો કાબુ હોય છે, પરંતુ આપણે ઓછા નામે આપણા વર્તનને તો કાબુ કરી જ શકતા હોઈએ છીએ. વર્તન લાગણીઓને જરૂરી ઇંધણ પૂરું પાડે છે. તમે અમુક રીતે વર્તવાનું શરુ કરો અને થોડી વાર પછી તમે તે પ્રકારની લાગણીનો અનુભવ પણ કરવા માંડશો. સવાલ, તેમ છતાં જો કે એનો એ જ રહે છે કે તમારી દયાને લાયક કોણ હોય છે? સામે વાળી વ્યક્તિને જો તેની પરવા ન હોય તો પણ તમારે શું દયા દાખવતું રહેવાનું? ચાલો હું તમને એક સરળ અને સુંદર વાર્તા કહું.

એક માણસ કે જે પોતે એક ખરાબ ઈજ્જત વાળો હતો એક દિવસ ઈસુને પોતાનાં ઘેર જમવા માટે નિમંત્રણ આપે છે. દરેકજણ જાણતા હોય છે કે ઈસુ ક્યારેય તેનું આમંત્રણ સ્વીકારશે નહિ, કારણ કે આ માણસ પાપી હતો તે કોઈનાથી છૂપું નહોતું. એવું કાં તો પછી લોકોએ વિચાર્યું હતું. પોતાની કાયમની શાંતિ અને સ્વસ્થતાને ટકાવી રાખી, ઇસુએ આમંત્રણનો સ્વીકાર કર્યો. તેમનાં શિષ્યો તો સંદેહ અને આઘાતથી તેમની સામું જોઈ રહ્યા. તેમનાં ભગવાન આવા દુર્જનના ઘરે જવાનું આમંત્રણ કેમ કરીને સ્વીકારી શકે? તેમને વિચાર્યું.

આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને થોડી વિચારણા પછી ગામના વડીલોએ વાતને પોતાનાં હાથમાં લેવાનું અને ઇસુ સાથે વાત કરવાનું નક્કી કર્યું.

“પ્રભુ,” તેઓએ કહ્યું, “એવું કોઈ કારણ નથી કે જેનાં લીધે તમારે આ માણસને ઘેર જવું પડે. બધા તેનાંથી દુર રહે છે, તેને અસંખ્ય પાપો કર્યા છે. તમારી જેવી વ્યક્તિ તેનાં જેવા માણસ જોડે શોભે જ નહિ.”

“મને એક વાત કહો,” ઇસુએ કહ્યું, “એક દાકતર કોની મુલાકાત લેશે? એક બિમાર વ્યક્તિની કે પછી એક તંદુરસ્ત વ્યક્તિની? એક દાક્તરે માંદા માણસની સેવા કરવી જ પડે. હું અહી ઈશ્વરનો પ્રેમ ફેલાવવા માટે આવ્યો છું અને કોઈ તે પ્રેમને લાયક ન હોય એવું મને નથી લાગતું.”

જયારે પણ કોઈ તમને એમની વિનંતિ લઇને મળે ત્યારે તેમની અરજનો અસ્વીકાર કરતાં પહેલાં, એક થોડી વાર માટે થોભી જાવ. કદાચ તમે તેમની ભૂલો કરતાં મોટા હોઈ શકો છો, કદાચ તમે માફ કરી શકો તેમ હોઈ શકો છો, કદાચ તમે દયાભાવ દાખવી શકો તેમ હોઈ શકો છો. કદાચ. આ એક પસંદગી હોય છે અને તમે તમારા સ્વભાવને અનુકુળ કઈક જુદી પસંદગી કરી શકતા હોવ તેવું બની શકે. જો કે જયારે દયાની વાત આવતી હોય ત્યારે દરેકજણ તેને લાયક હોય છે કેમ કે દયા માટે કોઈ કારણ નથી હોતું. તે તો અકારણ જ હોય છે. પરંતુ, દયા હંમેશા કઈ બિનશરતી  નથી હોતી. ઓછા નામે દરેકજણ માટે તો નહિ જ. અને આ વાત મને એક બીજા મહત્વનાં મુદ્દા તરફ દોરી જાય છે: તમારી દયા જેને જોઈતી હોય તેનાં પ્રત્યે જ દાખવો.

મહેરબાની કરીને આ વાતને તમારી અંદર ઊંડે સુધી ઉતરવા દો: તમારી દયા જેને જોઈતી હોય તેનાં પ્રત્યે જ દાખવો. આપણે સામે વાળી વ્યક્તિ માટે કઈ ન્યાયાધીશ બનવાની જરૂર નથી,  આપણે કોઈ ભેદ કરવાની પણ જરૂર નથી, પણ તેનો અર્થ એ પણ નથી કે આપણે બસ તે માનીને જ ચાલવાનું છે કે દરેકજણ આપણી દયાને લાયક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે તમારી દયા એવાં લોકો પ્રત્યે પણ દાખવવી કે જે તેનો તિરસ્કાર કરતાં હોય, કે જેને મન તેનું કોઈ મુલ્ય ન હોય. આવી દયા દાખવનાર અને મેળવનાર બન્નેને તકલીફ પહોંચાડી શકે તેમ હોય છે. કેમ કે જે દયા દાખવી રહ્યા છે તેમને પોતાની કદર નહિ થતી હોવાનું અને અપમાન થયું હોય તેવું લાગે છે, અને જે મેળવનાર છે તે તેને એક નબળાઈ તરીકે જુએ છે.

અરે આપણી ઉપરની વાર્તામાં પણ ઇસુ કઈ વગર આમંત્રણે પેલાં માણસનાં ઘેર નહોતા પહોંચી ગયાં. પણ, એક વાર જયારે પેલી વ્યક્તિએ તેમને નિમંત્ર્યા ત્યારે, ઇસુએ તેનાં વિશે તેનાં ગુણો કે ગુણોના અભાવને લઇને કોઈ ધારણા નહોતી બાંધી લીધી. એક સાચ્ચા સંતની માફક તેઓએ તો બસ તેને સ્વીકાર્યું. કારણકે દયાને કઈ સદગુણોનાં આધારે દાખવવાની નથી હોતી, તે કઈ સામે વાળી વ્યક્તિની જરૂરિયાતને આધારે કે તેની દયા લેવાની તૈયારીના આધારે પણ નથી હોતી. માંગ્યા વગર જયારે તમે દયા આપો એનાં કરતાં જયારે તેઓ સામેથી તમારો સંપર્ક કરે ત્યારે તેઓ કદાચ તેનાં માટે થોડા તૈયાર હોય છે. જયારે સામે વાળો તૈયાર હોય ત્યારે દયાનો ભાવ પણ સમૃદ્ધ થાય છે, ફાયદાકારી નીવડતો હોય છે અને ટકતો પણ હોય છે. અને દયા માટે તૈયાર હોવું અને દયાને લાયક હોવું તે બન્નેમાં પણ તફાવત છે.

એક એવાં દર્દીની કલ્પના કરો કે જે એમ માનતો હોય કે પોતે તો બિમાર જ નથી. તમે આવા દર્દીની સારવાર ન કરી શકો કેમ કે તે દવા લેશે જ નહિ. જે ક્ષણે તે પોતે ઠીક નહિ હોવાનું અને પોતાને સારવારની જરૂર છે એમ સ્વીકારશે ત્યારે તે પોતે સારવાર માટે તૈયાર છે. એ જ રીતે, સામેવાળી વ્યક્તિને તમારી દયા ન જોઈતી હોય તો તમે ગમે તે કરી શકો છો પણ એનાંથી કામ નહિ થાય કારણકે તે દયા માટે તૈયાર જ નથી. તમે ગમે તે હોવ, તમારી પાસે ઘણું બધું આપવાનું કેમ ન હોય. તમારો પ્રેમ, સમય, કાળજી, ડહાપણ, પણ એ બધું તમે તેને જ આપો કે જેને તે જોઈતું હોય. ત્રણ વર્ષ પહેલાં મેં એક નાનો વિડીઓ બનાવ્યો હતો જેનું શીર્ષક હતું The Ten Golden Rules of Giving. તે જોવા માટે અહી ક્લિક કરો.

ચાલો હું મારી માન્યતાને ફરી-ફરીને કહી દઉં: કઈ પણ અવાંછિત પછી કે સલાહ, પ્રેમ, મદદ કે પછી ગમે તે હોય, તેની ભાગ્યે જ કદર થતી હોય છે. દયાળુ જરૂર બનો પણ પ્રાથમિકતા તેને આપો જે તમારી દયા મેળવવાં માટે તૈયાર હોય, કે જેને ઓછા નામે તમારી પાસે તેની માંગ કરી હોય. આ રીતે તમે કોઈને તેમની લાયકાત માટે લેખાંજોખાં નથી કરતાં, અને તેમ છતાં પણ તમે તે જ સમયે દયાવાન પણ બની રહો છો.
જયારે તમે ખરેખર દયાવાન હોવ છો, ત્યારે તમે બદલામાં કશાય વળતરની અપેક્ષા નથી રાખતાં. અરે આભારની પણ નહિ. દયાને તમારા રોજીન્દા જીવનમાં એક વર્તન તરીકે રાખો, અને તે અંતે તમારો એક બીજો સ્વભાવ બની જશે, એક ભાવ બની જશે. તમે તેને તમારા હાડ-માંસમાં અનુભવશો. એ સમયે, તમે આ લેખમાં દર્શાવેલા સંદેશની પણ પેલે પાર પહોંચી ગયા હશો. ત્યારે તમે ખરેખર એ સમજી શકશો કે જયારે હું એમ કહું કે દયા એ હંમેશા અકારણ જ હોય છે ત્યારે તેનો શું અર્થ થાય છે. તે હંમેશાં ધારણાથી મુક્ત હોય છે. વારું, તે દિવ્ય પણ છે. અને દિવ્યતા હંમેશાં સામેવાળી વ્યક્તિનાં કર્મો અને ઈરાદાઓનું ઉર્ધ્વગમન કરે છે. તે સ્વતંત્ર રીતે જ ચલાયમાન હોય છે. તેનાં વિશે ફરી કોઈ વાર.

પ્રેમની જેમ, દયા પણ અકારણ હોય છે, પરંતુ પ્રેમની જેમ દયા કઈ અંધ નથી હોતી. બન્ને તમને પૂર્ણતાનો અનુભવ આપે છે જોકે, તે બન્ને તમને તમારી જાત વિશે વધારે જાણવામાં મદદરૂપ પણ બને છે. તેનાં વિશે વિચાર કરતાં બેસશો તો તમને તે બને સમાનાર્થી જ લાગશે. એકને અમલમાં મૂકી જુઓ અને બીજુ આપોઆપ ત્યાં આવી જશે.

શાંતિ.
સ્વામી

Saturday, 7 March 2015

ફક્ત એક માત્ર જાણવા જેવી વાત

હું આજે તમને જે વાત કહી રહ્યો છું એ તમારા માટે જીવનની મોટાભાગની કઠીન પરિસ્થિતિઓમાં માનસિક કે લાગણીના સ્તરે સહારો બનશે.
આજે મારી સાથે જોડાયેલાં રહેજો, કારણકે આજે હું એક ખુબ જ મહત્વના વિષય ઉપર લખી રહ્યો છું. કદાચ આજે હું જે લખી રહ્યો છું તે જ ફક્ત તમારે જીવનમાં જાણવાની જરૂર છે. હા મને ખબર છે આ એક બહુ મોટો દાવો છે, પણ આશા રાખું છું કે તમે આ લેખનાં અંત તરફ પહોંચશો ત્યારે તમારી પાસે એક નવો દ્રષ્ટિકોણ હશે.

ઘણાં વાંચકોએ મારું સંસ્મરણ પુસ્તક વાંચ્યા બાદ મને પૂછ્યું છે કે હું કેમ મારા ગુરુ પર ગુસ્સે નહોતો થયો કે હજી પણ નથી થતો? તેઓ મને પૂછે છે કે હું મારા ગુરુને ત્યાં જેમાંથી પસાર થયો તે શા માટે થયો? હું મારો જવાબ એક સરળ વાક્યમાં આપીશ: મને નથી લાગતું કે ગુસ્સાને અંદર ભરી રાખવાથી કોઈનું પણ કઈ સારું થતું હોય. હું તેમનાં આશ્રમમાં મારી પોતાની મરજીથી રહ્યો હતો, એ પસંદગી બહુ ડહાપણભરી કદાચ નહી હોય, તેમ છતાં તે હતી તો એક સભાન પસંદગી જ. અને મારે મારી પસંદગીઓની સંપૂર્ણપણે જવાબદારી લેવી જ રહી.

જયારે મેં એક સવાલના પ્રત્યુત્તરમાં વિશ્વાસઘાત ઉપર એક લેખ લખ્યો હતો ત્યારે, એ સ્વામી સત્યાનંદ ઉપર નહોતો (એવું અમુક વાંચકોને લાગ્યું હતું અને માટે તેઓ નારાજ પણ થઇ ગયા હતાં), કે નહોતો મારા ખુદના ગુરુ ઉપર, કે કોઈ અન્ય ગુરુ ઉપર પણ નહોતો. મારો લેખ તમારા અંતરાત્માનાં અવાજ પ્રત્યે બહેરા કાન ન રાખવા માટેનો હતો, કે તમે કોઈનાં પર પણ તમારો વિશ્વાસ મુકતા પહેલાં એ વ્યક્તિને ચકાસી જુઓ તેનાં વિશેનો હતો, એ તો હતો ફક્ત તમારા માટેનો. કારણકે, અંતે, આપણે પોતે જ આપણા વર્તન માટે જવાબદાર હોઈએ છીએ અને બીજા લોકો તેમનાં પોતાનાં વર્તન માટે. અને તમે જો તેને એક પગલું આગળ લઇ જવા માંગતા હોવ તો, તો તેમાં આપણે કે બીજા જેવું ખરેખર તો કશું હોતું જ નથી. દરેકની અંદર તે એક જ દિવ્યતા રહેલી હોય છે. જયારે તમે અહંમનો,  હું-પણાનો પડદો ઉતારી નાંખો છો, ત્યારે ત્યાં પછી કશો ભેદ નથી રહેતો હોતો. આપણામાંના દરેકજણ અનંત સર્જનમાં રહેલ એકસમાન હસ્તી છીએ, જેમકે સમુદ્રમાં રહેલાં જળબિંદુઓ.

એ પહેલાં કે હું મારા મત મુજબ તમારે જીવનમાં જે એક માત્ર જાણવા જેવી વાત વિશે વાત કહું, હું તમારી સાથે કેન્ટ એમ. કેઈથની ટૂંકી કવિતા The Paradoxical Commandments  વહેંચીશ  કે જેને કોઈ વખત મધર ટેરેસાની વિશેષતા બતાવવા માટે લખી હોય એવું લાગે છે, કારણકે આ કવિતા એ બાળગૃહની દિવાલ ઉપર લટકેલી હતી જ્યાં મધરે પોતાનાં જીવનનો મહત્તમ ભાગ સેવા માટે વિતાવ્યો હતો. નીચેની આવૃત્તિ થોડી સુધારા-વધારા સાથેની છે અને તે સામાન્ય રીતે The Final Analysis તરીકે ઓળખાય છે.

People are often unreasonable, illogical, and self-centered,
Forgive them anyway.
If you are kind, people may accuse you of selfish, ulterior motives,
Be kind anyway.
If you are successful, you will win some false friends and some true friends,
Succeed anyway.
If you are honest and frank, people may cheat you,
Be honest and frank anyway.
What you spend years building, someone could destroy overnight,
Build anyway.
If you find serenity and happiness, they may be jealous,
Be happy anyway.
The good you do today, people will often forget tomorrow,
Do good anyway.
Give the world your best anyway.
You see, in the final analysis, it is not between you and them,
It is between you and God.
It was never between you and them anyway.

આપણે ઘણીવાર જીવનમાં સંઘર્ષમય પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ, વારે ઘડીએ આપણે પસંદગીઓ કરવી પડતી હોય છે, એવી પસંદગીઓ કે જે આપણા વર્તમાનને અસર કરતી હોય અને આપણા ભવિષ્યને પણ આકાર આપતી હોય. નિ:શંકપણે આપણા માતા-પિતા,  કુટુંબીજન, અને આપણી આજુબાજુ રહેલાં અન્ય લોકોની પસંદગીઓ આપણા જીવનને પણ અસર કરતી હોય છે. છતાં પણ સત્ય તો એ છે કે, આપણું જીવન બીજા લોકોનાં નહિ પરંતુ આપણા પોતાનાં જ વિચારો, કર્મો અને પસંદગીઓનું પરિણામ હોય છે. અને, પસંદગીઓ હંમેશાં કઈ કાળી કે ધોળી નથી હોતી, માર્ગ હંમેશા કઈ સ્પષ્ટ નથી હોતો. સવાલ એ છે કે જયારે આપણને ખોટા ઠેરવવામાં આવે કે આપણી સાથે ગેરવર્તન કરવામાં આવે ત્યારે આપણે કેવી રીતે વર્તવું જોઈએ? જયારે આપણને ખાતરીપૂર્વક ખબર છે કે સામેની વ્યક્તિ અવિવેકી બની રહી છે ત્યારે આપણે પણ વળતો જવાબ શું ન આપવો જોઈએ? કે પછી આપણે તે સમયે ગાંધીજીનું બીજો ગાલ ધરવાના સમીકરણનું પાલન કરવું જોઈએ?

આ વિશેનો મારો મત આ છે. જયારે આપણે આપણી પસંદગીઓ માટે કોઈ બીજાને જવાબદાર ઠેરવીએ ત્યારે પોતાને જ સહન કરવું પડતું હોય છે. આપણે ભોગવવું પડતું હોય છે જયારે આપણે એવું વિચારીએ કે આપણે દુનિયા પાસેથી કઈ લેણું છે. મોટાભાગની વસ્તુઓ કે જે આપણને જીવનમાં જોઈતી હોય છે, સંપત્તિ અને મોભાથી લઇને પ્રેમ અને સન્માન સુધી, તે આપણે જાતે કમાવી પડતી હોય છે. કોઈ આપણું કશા માટે દેણદાર નથી હોતું. હા, હા, મને ખબર છે તમે કદાચ કહેશો કે જયારે તમે કોઈનાં માટે ઘણું બધું કર્યું હોય ત્યારે શું, તેમની પણ શું વળતી તમારા પ્રત્યે કોઈ જવાબદારી કે ફરજ નથી બનતી હોતી? બની શકે કદાચ. હકીકત તો એ છે કે તેઓ પોતે તેમનાં કર્મો માટે જવાબદાર હોય છે અને તમે તમારા કર્મો માટે. આપણે એવું ન કહી શકીએ કે આપણે તેમની સાથે ગેરવર્તણુંક એટલાં માટે કરી કેમ કે તેમને અમારી સાથે ગેરવર્તણુંક કરી હતી.

એક વખત એક માણસે ૫૦૦૦ રૂપિયાની લોન બેંક પાસેથી લીધી. આ રકમમાંથી તેને ૪૦૦૦ રૂપિયા પોતાનાં એક મિત્રને ઉછીના આપ્યા કે જેને તેની તાત્કાલિક જરૂર હતી. બાકીના ૧૦૦૦ રૂપિયા તેને પોતાની અંગત જરૂરિયાત માટે ખર્ચ કર્યા. એક મહિના બાદ, બેંક મેનેજરે તેનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો અને ચુકવણી માટે માંગ કરી.
“હું તમને આખી રકમ ઉપર હપ્તો નહિ આપતાં ખાલી ૧૦૦૦ રૂપિયા ઉપર જ આપું તો ચાલશે કેમ કે મેં તો ફક્ત ૧૦૦૦ રૂપિયા જ વાપર્યા છે?” તેને બેંક મેનેજરને કહ્યું. “મારા એક મિત્રએ બાકીના પૈસા ઉધાર લઇ લીધા છે.”
મેનેજર આ સાંભળીને ખુશ ન થયો. “જુઓ, લોન મેં તમને આપી હતી, અને તમે તે રકમનું શું કર્યું તેનાં માટે હું જવાબદાર નથી. મને પૂરી રકમ ઉપરનો હપ્તો જોઈએ.” તેણે કહ્યું.

એજ રીતે, અંતિમ વિશ્લેષણ કરતી વખતે કુદરત કહેશે, મેં તને શરીર અને મન આપ્યા હતાં અને તે તેનાં વડે શું કર્યું તે તારી જવાબદારી છે. એ સમયે તમે એવું ન કહી શકો કે, મેં ખોટું કર્યું કારણકે મારી સાથે ખોટું થયું હતું. કારણકે, કુદરત તો પછી એમ કહેશે કે, એમને જે કર્યું એ એમની વાત છે, હું તેમની સાથે અલગથી વાત કરીશ. હું તારી જોડે તો ફક્ત તારા જ ખાતાની વાત કરીશ. અલબત્ત, હું અહી એક લાક્ષણિક ઢંગથી વાત કરી રહ્યો છું. આપણે કોઈ બીજાના ગેરવર્તનને આપણા ગેરવર્તન માટે કારણ ગણી આગળ ન ધરી શકીએ. આપણામાંના દરેકજણ આપણા પોતાનાં કર્મનાં ખાતા માટે જવાબદાર હોઈએ છીએ.

અંતે, ચાલો હું તમને એ વાત કહું કે ફક્ત તે જ તમારે જાણી લેવા જેવી છે. આ રહી તે: કોઇપણ પરીસ્થિતીમાં તમારે એવી રીતે જ વર્તવું જોઈએ કે જે તમને શોભા દેતું હોય. તમે આ સિદ્ધાંતને અનુસરો અને તમને સાચા ખોટાનું ભાન તરત થઇ જશે, તમને ખબર પડી જશે કે તમારે કઈ પસંદગી કરવી. જયારે બીજા લોકો તમારી અંદર ગુસ્સો, ધ્રુણા અને નકારાત્મક લાગણી જન્માવે, ત્યારે તે સમયે, તમારી જાતને એક સરળ સવાલ કરો: જો મારે એક સંપૂર્ણપણે સ્વતંત્ર પસંદગી કરવાની હોય, સામે વાળાનાં વર્તન અને કર્મથી બિલકુલ અસરગ્રસ્ત થયા વિના, તો હું કઈ રીતે વર્તીશ? મોટાભાગે હંમેશાં, તમને લાગશે કે તમે તમારી રીતે વર્તન કરી શકો તેમ છો, તમારે તમારી જાતને કોઈ જુદી રીતે લઇ જવાની જરૂર નથી. જે શુદ્ધજન છે, જે ઉદારજન છે તે કોઈ બીજા તરફ પથ્થર ક્યારેય નથી ફેંકતા, પછી ભલેને તે બીજી વ્યક્તિએ પાપ કર્યું હોય કે ન કર્યું હોય. વધુમાં, જયારે વળતો જવાબ પણ હિંસા દ્વારા અપાતો હોય ત્યારે હિંસક વિચારો, શબ્દો અને કર્મો ફક્ત વધતા જ હોય છે, અને ક્યારેય ખતમ નથી થતાં હોતા. હિંસા એ સ્વામીનો માર્ગ નથી.

તમારું વર્તન તમને શોભે તેવું રાખો. બધા સમયે, કોઈ પણ પરિસ્થિતિમાં, દરેકજણ સાથે. હવે, જાવ અને ચિંતન કરો કે તમારા જેવી સ્તરની વ્યક્તિને કેવું વર્તન શોભા આપશે... કરી લીધું ચિંતન? તો બસ હવે તેને જીવો.

બસ જાણવા જેવી વાત આ એક જ છે. એકમાત્ર મંત્ર. બાકીનું બધું ભાષણ.

શાંતિ.
સ્વામી

Share